૫. ચતુર્થ વર્તમાન : અવેરીનો ત્યાગ

0:000:00

આ વર્તમાનમાં અવેરીનો ત્યાગ એટલે સ્ત્રી-પુરુષના વિજાતીય અથવા સજાતીય અનૈતિક, અનિષ્ટ, અયોગ્ય દુરાચાર-વ્યભિચારનો ત્યાગ. એ ત્યાગનો કેવળ સ્થૂળ દેહથી જ ત્યાગ એવો અર્થ નથી થતો, પરંતુ મન-કર્મ-વચનથી અનૈતિક મૈથુનનો પૂર્ણ ત્યાગ. અર્થાત્ સ્થૂળ-સૂક્ષ્મ અર્થમાં બ્રહ્મચર્યનું - નિષ્કામવ્રતનું પાલન- ઇંદ્રિય સંયમ એવો અર્થ થાય છે.

પહેલાં બ્રહ્મચર્યનો સ્થૂળ અર્થ સમજીએ. ઇંદ્રિયો-અંત:કરણની વિષયાભિમુખ ભોગવૃત્તિ, જેનો સતત જાગૃત ચેતનામાં રહી નિગ્રહ કરવો એ બ્રહ્મચર્ય છે. વિષયાસક્ત વૃત્તિ દ્વારા જાણે-અજાણે તેનો નિગ્રહ ન થતાં જાગૃત કે સ્વપ્નાવસ્થામાં બ્રહ્મચર્યનો લોપ થાય, પ્રજનન શક્તિ-સર્જનશક્તિનું સ્ખલન થાય તે અવેરી છે.

દરેક પશુ-પક્ષીમાં જેમ ચાર પ્રકારની સહજવૃત્તિઓ - Natural instincts -આહાર, નિદ્રા, ભય ને મૈથુન હોય છે, તેમ જ મનુષ્યમાં પણ એ સહજવૃત્તિઓ હોય છે. કારણ કે મનુષ્ય પણ એક પ્રાણી જ છે. અન્ય પ્રાણીઓ કેવળ પોતાની સહજવૃત્તિથી પ્રેરાઈને જીવન જીવે છે. તેમનું જીવન કુદરતી છે. તેઓનો આહાર, નિદ્રા, ભય ને મૈથુન બધું જ કુદરતી છે.

પ્રાણીશરીરમાં રહેલ મનનો-ચેતનાનો વિકાસ વનસ્પતિમાં રહેલ ચેતના કરતાં વિશેષ થયેલો હોય છે. વનસ્પતિ ચેતનામાં તમ અર્થાત્ જડતાનું પ્રમાણ વિશેષ હોય છે. જ્યારે પ્રાણીઓમાં તેનો થોડે ઘણે અંશે વિકાસ થયેલો હોય છે. પ્રાણીઓમાં તમોગુણ સાથે રજોગુણ પણ વિકસેલો છે. તેમ છતાં પ્રાણીમાં ચેતનાનો વિકાસ મનુષ્ય જેટલો નથી થયો. તેમાં જડતાનો અંશ મનુષ્ય-ચેતના કરતાં વિશેષ રહેલો છે. કારણ કે પ્રાણીના શરીરમાં રહેલું મન વિકસિત થઈને બુદ્ધિમાં, વિવેકશક્તિમાં, તર્કશક્તિમાં, વિશ્લેષણ કે પૃથક્કરણ શક્તિમાં રૂપાંતરિત નથી થયું. પ્રાણીઓએ જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે કે આધ્યાત્મિક ક્ષેત્રે કોઈ પ્રગતિ કરી હોય કે કોઈ સંશોધન કર્યું હોય, શોધખોળ કરી હોય તેવો કોઈ દાખલો હજારો વર્ષોથી નોંધાયેલો નથી. તેનું કારણ તેમનું જીવન કુદરતી સહજવૃત્તિઓ ઉપર નિર્ભર રહેલું છે. આધુનિક વૈજ્ઞાનિકો કેટલાક પ્રયોગો કરે છે, તેમાં એમ જણાયેલું છે કે હાથી, ચીમ્પાન્ઝી, ડોલ્ફીન વગેરે પ્રાણીઓમાં બીજા પ્રાણીઓની અપેક્ષાએ વિવિધ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ગજબ શક્તિ રહેલી છે. એવા પ્રાણીઓ પ્રેમ, ધિક્કાર, ભય વગેરે લાગણીઓને સમજી શકવા શક્તિમાન હોય છે. આ બધું પણ કુદરતી સહજવૃત્તિ પર નિર્ભર હોય છે. જ્યારે મનુષ્ય શરીરમાં રહેલ ચેતનાનો વિકાસ બીજા પ્રાણીઓની અપેક્ષાએ અકલ્પ્ય છે. મનુષ્યમાં મન વિકસિત થઈને બુદ્ધિની ભૂમિકાએ પહોંચેલું છે.

તે બુદ્ધિમાં સાર-અસાર, સત્ય-અસત્ય, યોગ્ય-અયોગ્ય પારખવાની વિવેકશક્તિ તથા ગ્રહણશક્તિ, નિર્ણયશક્તિ, નિશ્ચયશક્તિ, તર્કશક્તિ, વિશ્લેષણ કે પૃથક્કરણશક્તિ વગેરે છે. અને તેથી જ ચૈતન્યની ઉત્ક્રાંતિમાં મનુષ્યશરીર એ છેલ્લું પગથિયું છે. મનુષ્ય ચેતનામાં રજ-તમ સાથે સત્ત્વગુણની વૃદ્ધિ થઈ શકે છે. બીજી બધી યોનિઓમાં મનુષ્યજન્મ શ્રેષ્ઠ છે. દેવોને પણ દુર્લભ એવો મનુષ્યદેહ ગણ્યો છે. તેનું કારણ ચૈતન્યની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ, ઊર્ધ્વીકરણ કેવળ મનુષ્યદેહમાં જ સંભવે છે.

મનુષ્યયોનિ એ કર્મભૂમિ છે, જ્યારે બીજી ભૂમિકાઓ ભોગ ભૂમિ છે. દૈવત્વ પ્રાપ્ત થઈ શકે તેવા પૂણ્યકર્મો દ્વારા મનુષ્યમાંથી દેવ થયેલો જીવ પણ દેવલોકના ભોગ ભોગવવાનું કર્મફળ ખૂટતાં ફરી મનુષ્યયોનિને પામે છે. કોઈ પણ ભૂમિકામાંથી આગળની ભૂમિકામાં જવા માટે મનુષ્યજન્મ આવશ્યક છે. મનુષ્યમાંથી વિભૂતિઅવતાર સુધીની આધ્યાત્મિક ભૂમિકા સિદ્ધ કરી હોય, તો પણ પૂર્ણ મુક્તસ્થિતિ પ્રાપ્ત કરવા તેને મનુષ્યશરીર ધારણ કરવું પડે છે. મનુષ્યશરીરની આટલી બધી અગત્યતા છે. તે સમજી તેનો આધ્યાત્મિક પ્રગતિ માટે સદુપયોગ કરવો એ વિવેકશીલ માનવીનું કર્તવ્ય છે.

મનુષ્ય પોતાની વિવેકશક્તિ દ્વારા જો તે ઇચ્છે તો ઇંદ્રિયો-અંતઃકરણની વૃત્તિઓ જેવી કે પ્રેમ, આસક્તિ, તૃષ્ણા, મમતા, વાસના, ક્રોધ, આવેશ, આવેગ, રાગ-દ્વેષ વગેરે લાગણીઓ ઉપર પોતાનું નિયંત્રણ લાદી તેમનો રાહ બદલી શકે છે. પોતાના જીવનનું આમૂલ પરિવર્તન - Transformation પણ કરી શકે છે. મનુષ્ય ધારે તો ભૌતિક તેમ જ આધ્યાત્મિક વિકાસમાં તેની ચરમસીમા સુધી પહોંચી શકે છે. આ મનુષ્યજન્મની વિશેષતા છે. મનુષ્યબુદ્ધિની એક વિચિત્રતા એ પણ છે કે જો તેને ઉન્નતિને પંથે ઉપયોગમાં લેવામાં આવે તો આગળ જણાવ્યું તેમ ઉન્નતિના શિખરને સ્પર્શી શકે અર્થાત્ પૂર્ણ પુરુષોત્તમરૂપ એવી પરમાત્મા સુધીની ભૂમિકાએ પણ પહોંચી શકે ને જો તેનો દુરુપયોગ કરે કે અવળે માર્ગે દુર્વ્યય કરે, તો અધોગતિની ઊંડી અંધકારમય ગર્તામાં પણ ધકેલી દે છે!

મનુષ્ય પોતાની સહજવૃત્તિ આહારનો અતિરેક તથા વિવેક બંને કરવા સ્વતંત્ર છે. તે ધારે તો અકરાંતિયાની જેમ ખાય ને પશુ જેવો બલિષ્ઠ બની શકે છે તથા પશુની જેમ વિષયભોગ પણ ભોગવી શકે છે. અથવા તો વિવેક વાપરીને સમતોલ-સાત્ત્વિક ને પૌષ્ટિક આહાર લઈ નિર્મળ ને સાત્ત્વિક જીવન જીવી શકે છે. એવી જ રીતે નિદ્રા ઉપર પણ પોતાનું નિયંત્રણ કરી વધુ ઓછી નિદ્રા કરી શકે છે. તેવી જ રીતે ભયભીત રહેવું કે મન ઉપર કાબુ રાખી નિર્ભય બનવું તે તેના હાથમાં છે. મૈથુન પ્રવૃત્તિમાં પણ સંયમી બનવું, વિવેક કરવો કે તેનો અતિરેક કરવો તે તેના જ હાથમાં છે. તે અતિ આહાર, ઇંદ્રિયોના - અંતઃકરણના અશુદ્ધ આહાર, અતિ નિદ્રા, અતિ ભય ને અતિ મૈથુન દ્વારા પોતાનું શરીર નર્ક તુલ્ય, રોગીષ્ટ અને ક્ષિણ બનાવી માનવજીવન બરબાદ કરી શકે છે. વિચાર-વિવેક વગરના અતિ અલ્પ આહાર, અતિઅલ્પ નિદ્રા દ્વારા પણ શરીરની ને મનની સંતુલા ખોરવાઈ જાય છે, માટે તેમાં પણ વિવેક આવશ્યક છે. મનુષ્ય ધારે તો કુદરત સાથે તાલમેળભર્યું જીવન જીવી શકે છે અથવા તો કુદરત સાથે ચેડા કરી, તેના નિયમોનું ઉલ્લંઘન કરી, પોતાની દુર્દશા પણ નોતરી શકે છે. બધું તેની વિવેકશક્તિ ઉપર નિર્ભર છે. જેમ અણુશક્તિનો સર્જનાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે તો ભૌતિક વિકાસમાં ક્રાંતિકારી પરિણામો આવી શકે ને જો તેનો વિનાશાર્થે દુરુપયોગ કરવામાં આવે, તો જગત તહસ-નહસ થઈ જાય. એમ વિવેકશક્તિના ઉપયોગનું પણ છે.

કામવૃત્તિ એ પ્રાણીજગતની સહજવૃત્તિ છે. એ પ્રબળ સર્જનશક્તિ છે. Creative energy છે. તે શક્તિ દ્વારા પ્રકૃતિમાતા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એક પ્રજામાંથી બીજી પ્રજાનું સર્જન થાય છે. કામશક્તિ -પ્રજનનશક્તિ ન હોત તો પ્રકૃતિના સર્જનકાર્યનું ચક્ર બંધ પડી જાત. કામવૃત્તિમાં-પ્રજનનશક્તિમાં રહેલી અકલ્પ્ય સર્જનશક્તિ દ્વારા જ વૃક્ષમાંથી વૃક્ષ, જંતુમાંથી જંતુ, પશુમાંથી પશુ, પક્ષીમાંથી પક્ષી અને માનવમાંથી માનવનું સર્જન થાય છે. ચેતનાની ઉત્ક્રાંતિમાં કામશક્તિનો ફાળો ઘણો મહત્ત્વનો છે. કામશક્તિ એ જીવનશક્તિ છે, જીવનશૃંખલાનું ચાલક બળ છે.

મનુષ્યશરીરમાં રહેલ ચૈતન્યની વિશેષતા એ છે કે તે જો ધારે તો કામશક્તિ-પ્રજનનશક્તિનો પોતાની વિવેકશક્તિ દ્વારા નિગ્રહ કરી તેનું ઊર્ધ્વીકરણ - Sublimation કરી આધ્યાત્મિક શક્તિમાં, ઓજસમાં રૂપાંતર કરી ત્વરિત ગતિએ પોતાનો આધ્યાત્મિક વિકાસ સાધી કાળ, કર્મ ને માયાના તમામ આવરણો - બંધનોમાંથી મુક્ત થઈ પ્રભુનું પરમ સાર્ધમ્ય પામી, પરમાત્માના દિવ્ય અવિચળ સુખ તથા શાશ્વત શાંતિને પામી શકે. આ ઉત્કૃષ્ટ હેતુ સિદ્ધ કરવા માટે જ દરેક ધર્મમાં બ્રહ્મચર્ય, ઇંદ્રિય સંયમ ઉપર વિશેષપણે ભાર મુકવામાં આવ્યો છે. જપ, તપ, ભક્તિ, યોગસાધના વગેરે સાધનો નિષ્કામ-બ્રહ્મચર્યની દૃઢતા કરી ઊર્ધ્વરેતા થવા માટે જ સૂચવવામાં આવ્યા છે. સદગુરુ થકી સાચી સમજણ કેળવી વિવેક, વૈરાગ્ય, જપ, તપ, આત્મા-પરમાત્માના સ્વરૂપના જ્ઞાન - ધ્યાન - ઉપાસના, આરાધના, ભક્તિ વગેરે સાધનો દ્વારા ઇંદ્રિયો અંતઃકરણની વિષયાભિમુખ વૃત્તિઓમાં વેડફાતી ઊજાર્શક્તિનો નિગ્રહ કરી, પ્રજનનશક્તિ જે જીવનશક્તિ છે, તેનું આધ્યાત્મિકશક્તિમાં રૂપાંતર કરી, ઊર્ધ્વરેતાપણું સિદ્ધ કરવામાં આવે, તો પ્રભુના દિવ્યસ્વરૂપનો પોતાના આત્મસ્વરૂપમાં સાક્ષાત્કાર કરવાની પાત્રતા આવે. બ્રહ્મચર્ય સાધનાની આવી અદભુત મહત્તા છે.

શાસ્ત્રોમાં પાપ-પુણ્ય કે વિધિ-નિષેધને ચેતનાની ઊર્ધ્વગતિ અને અધોગતિના સંદર્ભમાં ગણવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં કહેલો સદાચાર કે પુણ્યકર્મ એટલે એવા પ્રકારના કર્મો કે જેના દ્વારા આધ્યાત્મિક ચેતનાની ઊર્ધ્વગતિ થાય છે. અને પાપ કર્મો અથવા નિષિધ કર્મો એટલે એવા કર્મો કે જેનાથી ચેતનાની અધોગતિ થાય છે. કર્મોનું આવું પૃથક્કરણ એ સ્વયં પરમાત્મા દ્વારા તથા પૂર્ણસિદ્ધ સત્પુરુષો દ્વારા કરવામાં આવ્યું છે. સત્શાસ્ત્રોનું નિર્માણ પણ પરમાત્મા તથા સત્પુરુષોએ કરેલું છે.

પતિ-પત્નીના પવિત્ર સંબંધોને શાસ્ત્રોએ સ્વીકૃતિ આપેલી છે. કારણ કે તેમાં મનોદૈહિક રીતે તેમ જ આધ્યાત્મિક રીતે નૈતિક સંબંધ સમાયેલો છે. પરમાત્માની સાક્ષીએ, એકબીજામાં એકપતિવ્રત કે એકપત્નીવ્રતરૂપ દૃઢ નિષ્ઠા અને વિશ્વાસ દ્વારા લગ્નજીવનમાં બંધાઈને, એક બીજાના સહિયારા પ્રયાસ દ્વારા સહેલાઈથી આધ્યાત્મિક ઊર્ધ્વગતિ થઈ શકે એવો શુભ હેતુ એ આદર્શ લગ્નજીવનનો અને ચારિત્ર્ય નિર્માણનો પાયો છે. આવું ચારિત્ર્યબળ પતિ-પત્નીને આધ્યાત્મિક વિકાસમાં સહાયરૂપ છે. પતિ-પત્નીનો પવિત્ર સંબંધ સારી સંતતિ માટે પણ આવશ્યક હોવાથી શાસ્ત્રસ્વીકૃત છે.

પોતાના જીવનસાથી (પતિને માટે પત્ની ને પત્નીને માટે પતિ) સિવાય વિજાતીય વ્યક્તિના રૂપ-ગુણનું આકર્ષણ થાય ને મનમાં તે પ્રત્યે અનુરાગ તથા વિષયવિકાર ઉદભવે કે તેને વિશે ભોગબુદ્ધિ થાય તો તે અવેરી છે. આવા વિજાતીય કે સજાતીય યૌનસંબંધો ચારિત્ર્યબળને હણનારા અને આધ્યાત્મિક ચેતનાને અધોગતિ તરફ દોરનારા હોવાથી અનૈતિક સંબંધ છે. એવા સંબંધો વ્યક્તિને મનોદૈહિક રીતે અને આધ્યાત્મિક રીતે એમ સર્વ પ્રકારે અધઃપતન કરાવે છે. વાણી-વર્તનમાં વિજાતીય આકર્ષણને લીધે મનોદૈહિક રીતે મર્યાદાનો લોપ થાય તે અવેરી છે.

કામવૃત્તિના બલિષ્ઠ સંસ્કારો જીવને અનાદિકાળથી વળગેલા છે. તેથી તે સંસ્કારોનો નાશ થવો તે અતિ દુષ્કર ને દુર્લભ છે. વિરલ વ્યક્તિ જ તેની ઉપર વિજય મેળવી શકે છે. પ્રબળ કામશક્તિથી ક્યારેક અનેક પ્રકારની માનસિક વિકૃતિઓ જન્મે છે, જે વિજાતીય અનૈતિક સંબંધ તરફ વળે છે ને ક્યારેક તો સજાતીય અનિષ્ટ, અકુદરતી સંબંધ તરફ, અરે! તેથી પણ આગળ વધીને પશુ સાથેના અકુદરતી યૌનસંબંધોમાં પણ પરિણમે છે. આ સર્વ પ્રકારના અનિષ્ટ, અનૈતિક સંબંધોનો તથા એકાંતમાં પ્રમાદને લઈને, મોહને લઈને ને વિવેકના અભાવ દ્વારા એકાકીપણે કરેલી મૈથુન ચેષ્ટાઓનો પણ અવેરીની વ્યાખ્યામાં સમાવેશ થઈ જાય છે. સ્થૂળ દેહ-ઇંદ્રિયો દ્વારા થયેલ વ્યભિચાર તો પાપકર્મ છે જ, પરંતુ મનથી થયેલ સૂક્ષ્મ વ્યભિચારનું પણ કર્મબંધન થાય છે. તેથી જાગૃત-સ્વપ્ન અવસ્થામાં બ્રહ્મચર્યનો લોપ થતાં પ્રજનનશક્તિનો હ્રાસ થાય છે. આમ વારંવાર થતાં પ્રજનનશક્તિના, જીવનશક્તિના સ્ખલનોથી ચેતનાની ઊર્ઘ્વગતિ અવરોધાય છે ને અંતે અધોગતિ થાય છે.

આપણું શરીર પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ એમ પંચભૂતોનું બનેલું છે. એ શરીરને વૈશ્વિક પંચભૂતો દ્વારા, સૂર્યશક્તિ દ્વારા તથા પ્રાણ આદિ અન્ય વૈશ્વિક શક્તિઓ દ્વારા પોષણ મળે છે. સૂર્યશક્તિને વનસ્પતિ Photosynthesis - પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાનામાં પચાવે છે. એ વનસ્પતિઓનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. સૂર્યશક્તિ દ્વારા વનસ્પતિમાં જે ખોરાકના ઘટકો બન્યા હોય, જેવા કે વિટામિન્સ, પ્રોટીન્સ, કાર્બોદિત પદાર્થો વગેરે પોષક તત્ત્વો, ધાતુઓ, ક્ષારો વગેરે આપણે આહારમાં મેળવીએ છીએ. તે આપણા શરીરના પોષણ, બંધારણ તથા વિકાસ માટે ઉપયોગી બને છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેના અર્કમાંથી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા બને છે ને તેના પણ અર્કરૂપે શુક્ર (વીર્ય) બને છે. શુક્ર એ છેલ્લી, સાતમી ધાતુ છે. જેમ દૂધના અર્કરૂપે ઘી બને છે તેમ. અર્થાત્ સૂર્યશક્તિ દ્વારા ખોરાક અને ખોરાક દ્વારા સાત ધાતુઓ અને તેમાંની છેલ્લી શુક્ર ધાતુ એ શરીરમાંની પ્રાણશક્તિનું ચાલક બળ છે.

કેટલાક યોગીઓ ખોરાક લીધા વગર સીધી સૂર્યશક્તિને મનની ઉચ્ચ સંકલ્પશક્તિ દ્વારા જ ગ્રહણ કરી શકે છે અને નિરાહાર રહી જીવન જીવી શકે છે. તાજેતરના એક અહેવાલ પ્રમાણે હીરા રતન નામની વ્યક્તિ કેવળ સૂર્યશક્તિને આધારે 400 ઉપરાંત દિવસ સુધી નિરાહાર રહી શકી હતી, જેણે અનેક વૈજ્ઞાનિકોને અચંબામાં મૂકી દીધા છે. આથી સાબિત થાય છે કે માનવ ધારે તેમ કરી શકે છે. એવી અદભુત શક્તિ પરમાત્માએ તેમાં મુકેલી છે.

ખોરાક દ્વારા બનેલ સપ્તધાતુમાંની શુક્રધાતુ પ્રજનનશક્તિનું ઉપાદાન છે. એ પ્રજનન-સર્જનશક્તિનો અયોગ્ય રીતે વિષયભોગ દ્વારા બિનજરૂરી અતિ વ્યય થાય તો શારીરિક, માનસિક તેમ જ આધ્યાત્મિક એમ ત્રણે પ્રકારે હાનિ થાય છે. મહાયોગી ગોરખનાથજીનું એક સૂત્ર છે કે “મરણમ્ બિન્દુ પાતેન, જીવનમ્ બિન્દુ ધારણાત્” અર્થાત્ વીર્યના ધારણથી જીવન છે ને તેના અતિ વ્યયથી તન-મનના આરોગ્યને મૃત્યુ સમાન હાનિ થાય છે. માટે વિવેકપૂર્વક સંયમી રહીને એ સર્જનશક્તિનો નિગ્રહ કરવો એ સર્વપ્રકારે હિતાવહ છે. આ વાત સૂક્ષ્મ સમજણવાળા મુમુક્ષુ સાધકને તુરત જ ગળે ઊતરશે.

રામકૃષ્ણ પરમહંસના જગવિખ્યાત મહાન શિષ્ય સ્વામી વિવેકાનંદે કહેલું છે કે “બ્રહ્મચર્યહિન વ્યક્તિ કદાચ ભૌતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવી શકે. એ કદાચ સારો ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, નેતા, ડૉક્ટર કે વકીલ હોઈ શકે, પરંતુ બ્રહ્મચર્યહિન કે ચારિત્ર્યહિન વ્યક્તિ સાચી આધ્યાત્મિક કદી ન હોઈ શકે.” આવો જ અભિપ્રાય અસંખ્ય સંતપુરુષોનો, સત્શાસ્ત્રોનો ને મુક્તપુરુષોનો છે. એટલે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. કેટલાક આધુનિક સેક્સોલોજીસ્ટો કે માનસશાસ્ત્રીઓ પોતાની મર્યાદિત બુદ્ધિ દ્વારા એમ માને છે ને બીજાને મનાવવાની મિથ્યા કોશિશ કરે છે કે બ્રહ્મચર્ય ભંગથી કોઈ જ નુકસાન થતું નથી. તેનાથી તો ઘણીવાર આરોગ્યને પણ લાભ થાય છે. જેમ કે શારીરિક અને માનસિક તાણ ઓછી થવી. કોલેસ્ટ્રોલની માત્રા કૅલરી બળવાથી ઓછી થવી, જેથી હૃદયને અને મગજને ઓછું નુકસાન થાય છે. તથા જેમ મળ-મૂત્ર વગેરે શરીરનો કચરો કુદરતી હાજત દ્વારા બહાર નીકળે છે ને કોઈ નુકસાન ન થતાં શરીરને ફાયદો થાય છે, ને તે એક કુદરતી પ્રક્રિયા છે. તેમ વીર્યનો વ્યય પણ કુદરતી પ્રક્રિયા છે. એટલે તેમાં કોઈ હાનિ થતી નથી. ઊલ્ટાનું બ્રહ્મચર્ય પાલન દ્વારા વિવિધ શારીરિક ને માનસિક વિકૃતિઓરૂપ તકલીફ ને હાનિ થાય છે. આ વિચાર ભૂલ ભરેલો છે. પરંતુ તેમાં મનોવિજ્ઞાનની દૃષ્ટિએ એક વાત સાચી છે કે કુદરતી આવેગોને રોકવાથી, ખાસ કરીને બળપૂર્વક રોકવાથી કેટલીક શારીરિક ને માનસિક વિકૃતિઓ ને વ્યાધિઓ ઉદભવે છે. કુદરતી આવેગોમાં મળ-મૂત્રના વિસર્જન, ખાંસી-હેડકીના આવેગો, ક્રોધ આદિ અમુક લાગણીઓના આવેગો વગેરે આવેગોને પરાણે બળજબરીથી રોકવાથી હાનિ થાય છે. પણ આ બધા આવેગો અને વીર્ય સ્ખલન થાય તેવા કામાસક્તિના આવેગોમાં ઘણો તફાવત છે. મળ-મૂત્રના કુદરતી આવેગો રોકવાથી ચોક્કસ નુકસાન થાય છે. કારણ કે તે શરીરના કચરા-વિષનો નિકાલ થવા માટેના આવેગો છે, જે રોકવાનો પ્રયાસ કરવાનો પણ નથી.

જ્યારે વીર્ય તો સાત ધાતુમાંની એક અત્યંત અગત્યની ધાતુ છે, જે શરીર-મનના વિકાસમાં અતિ મહત્ત્વની છે. તે શરીરનો કોઈ મેલ કે કચરો નથી, પરંતુ પ્રજનનશક્તિ, સર્જનશક્તિ ને જીવનશક્તિ છે. પ્રજોત્પત્તિ સિવાયના પ્રયોજન દ્વારા તેનો દુર્વ્યય થવો તે ચોક્કસ નુકસાનકર્તા બને છે. જેનો અનુભવ લગભગ દરેક વ્યક્તિને એક યા બીજા પ્રકારે હોય છે જ. હા, વિચાર-વિવેક વગરના મૂર્ખતાભર્યા કામાવેગના દમનથી વિકૃતિઓ કે વ્યાધિઓ થાય છે. Supression થી નુકસાન થાય છે, પરંતુ સૂક્ષ્મ સમજણપૂર્વકના, વિચાર-વિવેકપૂર્વકના બ્રહ્મચર્ય પાલનથી Sublimation દ્વારા, સર્જનશક્તિના ઊર્ધ્વીકરણ દ્વારા, અકલ્પ્ય શારીરિક, માનસિક ને આધ્યાત્મિક લાભ થાય છે. એમ અનેક સત્શાસ્ત્રો, અનેક મહાત્માઓ, અનેક યોગીઓ, અનેક આત્મા-પરમાત્માના સાક્ષાત્કારવાળા પ્રબુદ્ધ સંત-મુક્તપુરુષો તથા અનેક ભગવદ્ અવતારોએ દૃઢતાપૂર્વક કહ્યું છે. શું આજના આધુનિક સેક્સોલોજીસ્ટો આ બધા કરતાં વધારે પ્રજ્ઞાવાન કે પ્રતિભાશાળી છે? આધુનિક સેક્સોલોજીસ્ટોને પોતાની મર્યાદિત બુદ્ધિમાં બ્રહ્મચર્યની સાચી મહત્તા શી રીતે સમજવામાં આવે? કારણ કે તેમને કોઈ આધ્યાત્મિક અનુભૂતિ નથી કે કોઈ ચારિત્ર્યબળ નથી.

માટે જેને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, પ્રભુપ્રાપ્તિને માર્ગે પ્રગતિ સાધવી હોય, તેમણે આધુનિક સેક્સોલોજીસ્ટોની વાતને બાજુ પર મૂકી દઈ સંપૂર્ણપણે સંયમી જીવન બનાવી દૃઢ નિષ્કામી બનવા પ્રયત્ન કરવો અત્યંત આવશ્યક છે. તેમાં કોઈ બાંધછોડ ચાલી શકે નહિ. વ્યક્તિ એક તરફ આધ્યાત્મિક સાધના દ્વારા ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતી હોય અને સાથે સાથે બ્રહ્મચર્યભંગ કરી, ચારિત્ર્યહિન- અપવિત્ર જીવન ગાળતી હોય, તો તેની સાધના વ્યર્થ જાય ને અંતે ચેતનાનું અધઃપતન થાય એ નિઃશંક બાબત છે. સ્વામી વિવેકાનંદજી કહેતા કે “नायमात्मा बलहीनेन लभ्यः” અર્થાત્ આત્મા-પરમાત્મા નિર્બળ - બ્રહ્મચર્ય રહિત વ્યક્તિથી પ્રાપ્ત થઈ શકતા નથી.

કેટલાક લોકો કામાવેગને રોકવા માટે અજ્ઞાનતાપૂર્વક અતિ જડ રીતે, અતિરેકપણે જપ-તપ, ઉપવાસ, ઉજાગરા વગેરેથી શરીર જાણે કે કોઈ દુશ્મન હોય તેમ દેહદમન કરે છે. એવા દેહ ઉપરના અત્યાચારથી દેહ તથા ઇંદ્રિયો - અંત:કરણની શક્તિઓ અત્યંત ક્ષીણ થઈ જાય છે. એટલે વિચાર-વિવેકશક્તિ, ગ્રહણશક્તિ, સ્મૃતિશક્તિ, નિર્ણય- નિશ્ચયશક્તિ, આ બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય છે. આવા જડતાપૂર્વકના દેહદમનથી દેહ તથા મન દુર્બળ થતાં આધ્યાત્મિકતા ક્યાંથી પ્રગટે? શરીર અને મન તો એક જ સિક્કાની બે બાજુઓ જેવાં છે. જો શરીર દુર્બળ થાય તો મન પણ દુર્બળ થઈ જાય અને મન દુર્બળ થાય, તો શરીર દુર્બળ થઈ જાય. માટે ઇંદ્રિય દમનના ને મનની વૃત્તિઓના શમનના જપ-તપાદિ સાધનો ખૂબ જ સાવધાનીપૂર્વક ને વિવેકપૂર્વક કરવામાં આવે, તો જ તે ઉપયોગી બને અને તેના ચમત્કારી પરિણામો પણ આવે. એથી વિપરિત જો બળજબરીથી કામવૃત્તિને દબાવવામાં આવે અને જપ-તપ-ઉપવાસ વગેરે સાધનોનો અતિરેક કરવામાં આવે તો તમોગુણ વૃદ્ધિ પામે અને સ્મૃતિભ્રંશ, મંદબુદ્ધિ, મંદગ્રહણશક્તિ, મંદતર્કશક્તિ, હતાશા, પાગલપણ, ઉન્માદ વગેરે માનસિક વિકૃતિઓ અને શારીરિક વ્યાધિઓ ઉદભવે છે. અમુક પ્રકારના માનસિક ઉન્માદને કેટલાક લોકો સમાધિમાં ખપાવવાની કે કોઈ દેવનો શરીરમાં આવિર્ભાવ થયાની વાત કરે છે, તે અજ્ઞાન છે. આધ્યાત્મિક સાધનામાં કોઈ પણ પ્રકારની જડતા બિલકુલ હિતાવહ નથી. અને તેથી જ આ માર્ગમાં પૂર્ણ સાક્ષાત્કારી ગુરુની આવશ્યકતા રહે છે. પૂર્ણ ગુરુ ના માર્ગદર્શન અને આશીર્વાદથી આધ્યાત્મિક સાધના નિર્વિઘ્ને પાર પડે છે, નહિતર વિઘ્નો ઘણા છે. આવી સાધનામાં ખોટા ગુરુઓ તથા અજ્ઞાનપૂર્વક અને જડતાપૂર્વક કરવામાં આવતી સાધનાઓ મનોદૈહિક ને ચૈતન્યનું અધઃપતન નોતરે છે. તેથી ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં દમન અને વિચાર એ બંનેને ખૂબ જ મહત્ત્વના ગણ્યા છે.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે અતિ આહાર કરનાર કે બિલકુલ આહાર ન કરનાર, અતિ ઊંઘનાર કે બિલકુલ નહિ ઊંઘનાર, એમાંથી કોઈ યોગ સાધી શકતો નથી. માટે વિવેકપૂર્વકનો મધ્યમમાર્ગ અપનાવનાર જ યોગસાધનામાં સફળ થઈ શકે છે. યોગનો સાચો અર્થ પણ આત્માની પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં જોડાઈ જવાની-રસબસ એકતા પ્રાપ્ત કરવાની સ્થિતિ છે. કેવળ હઠયોગ કે અન્ય પ્રકારની આસન-પ્રાણાયામની સાધના માત્ર એ યોગની સાચી વ્યાખ્યા નથી.

હવે કામરોગ ઉપર વિજય મેળવી બ્રહ્મચર્યની દૃઢતા થવામાં ઉપયોગી એવા કેટલાક ઉપાયો વિશે વિચારીએ-

સત્પુરુષ પાસેથી તેમના જોગ-સમાગમ-સેવા-પરિચર્યા દ્વારા સચોટ માર્ગદર્શન, શુભાશીર્વાદ તથા કૃપાપ્રસાદ મેળવી, સાચી સમજણ ને વિવેકશક્તિ કેળવી, ઇંદ્રિયો-અંતઃકરણની પંચવિષયાભિમુખ વૃત્તિઓનો નિગ્રહ કરી, તેને પ્રભુના સ્વરૂપના જ્ઞાન-ધ્યાન-ઉપાસના દ્વારા તથા સતત જાગૃતિ, સદ્વાંચન, નિષ્કામ-નિઃસ્વાર્થ સેવા આદિ સદ્પ્રવૃત્તિ વગેરે કર્મયોગ દ્વારા, એ વિકારી વૃત્તિઓનું સાત્ત્વિક વૃત્તિમાં રૂપાંતર કરી, તેનું ઊર્ધ્વીકરણ - Sublimation કરવાનો અભ્યાસ આળસ-પ્રમાદનો ત્યાગ કરીને નિરંતર કર્યા કરવો જોઈએ.

ઇંદ્રિયોમાં રાગ વર્તે ત્યારે દેહથી ભગવાન તથા સત્પુરુષની સેવા-પરિચર્યા કરવી, ભગવાન સંબંધી કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં સેવા આપવી. “કામથી કામ જીતાય” એ સૂત્ર પ્રમાણે નિઃસ્વાર્થ, નિષ્કામ કર્મયોગ કરવો ઘટે.

મનમાં રજોગુણ-તમોગુણના ભાવ વર્તે ત્યારે સાંખ્યજ્ઞાન સંબંધી વિચાર કરવો જોઈએ. - “હું આત્મા છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું.” ત્રણ દેહ- સ્થૂળ, સૂક્ષ્મ, કારણ તથા ઐશ્વર્યના રાગરૂપી મહાકારણથી પર છું. જાગૃત-સ્વપ્ન-સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પર છું. સત્ત્વ-રજ-તમ એ માયાના ત્રણ ગુણોથી પર છું. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા, દ્વેષ, અહંમમત્વ વગેરે અંતરશત્રુથી પર છું. સુખ-દુ:ખ, માન-અપમાન, ટાઢ-તડકો, પ્રિય-અપ્રિય, અનુકૂળ-પ્રતિકૂળ, લાભ-હાનિ, નિંદા-સ્તુતિ, રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વોથી પર નિર્વિકારી, નિર્ગુણ, નિરામય, નિરંજન છું. સત-ચિત્ત-આનંદ સ્વરૂપ છું. પ્રભુની ને તેમના મુક્તપુરુષની અસીમ કૃપાથી તેમના વ્યતિરેક દિવ્ય સ્વરૂપમાં આત્યંતિક સ્થિતિને પામેલો, રસબસભાવની પરમસાર્ધમ્ય સ્થિતિને પામેલો અનાદિમુક્ત છું. આવી ઉત્કૃષ્ટ ભાવનાથી મનને શાંત બનાવી દેવું. અંતઃકરણમાં જ્યારે સત્ત્વગુણ વર્તે, ત્યારે પ્રભુના રમણીય સ્વરૂપનું ધ્યાન કરવાનો અભ્યાસ કરવો. તેમાં પણ “હું પ્રભુરૂપ, પ્રભુનું પરમ સાર્ધમ્ય પામેલો, અખંડ પ્રભુના સ્વરૂપમાં રસબસ રહી તેમનું દિવ્ય સુખ માણું છું.” એમ પ્રતિલોમવૃત્તિએ ધ્યાનનો અભ્યાસ-નિદિધ્યાસ નિરંતર કર્યા કરવો જોઈએ.

કામવૃત્તિ ઉપર કાબુ મેળવવા વિવેકપૂર્વક, પણ અતિરેક ને જડતાએ રહિત જપ, તપ, ઉપવાસ, અલ્પાહાર વગેરે દેહદમનના તથા મનના શમનના ઉપાયો પણ ઉપયોગી થાય છે. આ પ્રમાણે સાધનો કરવાથી ધીમે ધીમે નિષ્કામ વ્રતની દૃઢતા થઈ ઊર્ધ્વરેતાપણું પ્રાપ્ત થાય છે. તેથી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થવાની પાત્રતા નિષ્પન્ન થાય છે.

હવે કામવૃત્તિનો અતિ તીવ્ર વેગ હોય ત્યારે તેને જીતવાના ઉપાયો વિશે જોઈએ -

જ્યારે મનમાં કામવૃત્તિનો અતિ તીવ્ર વેગ હોય, ત્યારે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જણાવ્યા પ્રમાણે ઊંચે સ્વરે તાળી પાડીને “સ્વામિનારાયણ” નામની ધૂન કરવી જોઈએ. ભગવાનના નામમાં અદભુત શક્તિ છે. તે નામથી વિષયવિકાર શાંત થઈ જાય છે. વિષયવિકારનો વેગ હોય, ત્યારે મનને તુરત જ બીજા વિષયમાં Divert કરી દેવું - વાળી દેવું જોઈએ. જેમ કે સદ્વાંચન કરવું, ઊંચે સ્વરે કીર્તન, કથાવાંચન કરવું, સેવા વગેરે સાત્ત્વિક પ્રવૃત્તિ કરવા લાગી જવું. ભગવાન તથા સત્પુરુષના વચનોનું ચિંતન-મનન કરવું. સત્પુરુષના આશીર્વચનને સંભારી તેમાં શ્રદ્ધાની દૃઢતા થાય તેવા વિચારો કરવા. ભગવાન તથા સત્પુરુષના પ્રેરણાદાયી સ્વરૂપોનું એકાગ્ર દૃષ્ટિએ દર્શન કરવું અને ગદગદભાવે તેમને સર્વ અનિષ્ટોમાંથી રક્ષા કરવા માટે પ્રાર્થના કરવી. સાંખ્ય જ્ઞાનથી આત્મવિચાર કરવો કે “હું દેહ તથા દેહાદિક ભાવથી પર છું. ઇંદ્રિયોના વિષયમાં જે સુખાભાસ જણાય છે તે મારા પોતાના જ આનંદનું, સુખનું પ્રતિબિંબ છે. ઇંદ્રિયો-અંત:કરણની વૃત્તિઓ તથા પંચવિષયો તો જડ છે. મને તેનાથી આનંદ શી રીતે પ્રાપ્ત થઈ શકે? હું પોતે જ સત-ચિત્ત-આનંદરૂપ છું. હું પરમાત્મારૂપ હોવાથી પરમાત્માનો દિવ્ય આનંદ ભોગવવાનો અધિકારી છું. માયાના ભૌતિક પંચવિષયો મને કદી આનંદ આપી શકવા સમર્થ નથી.” ભગવાનની મૂર્તિનું તથા લીલાચરિત્રોનું વર્ણન કરતાં કીર્તનો ગાઈ શકાય, તેવી કેસેટોનું પણ શ્રવણ કરી શકાય. ઉત્પત્તિ- સ્થિતિ ને ચાર પ્રકારના પ્રલયનો વિચાર કરવાથી પણ મનમાં વૈરાગ્યની ભાવના ઉદય થાય છે ને વિકારો શમી જાય છે. વિજાતીય વ્યક્તિ પ્રત્યે માતા, બહેન, પિતા, પુત્ર, ભાઈ વગેરેની પવિત્ર દૃષ્ટિ રાખવાથી પણ વિકાર શાંત થાય છે. અશુચિભાવ એટલે કે દેહમાં હાડકાં, ચામડાં, લોહી-માંસ, મળ-મૂત્ર, પરૂ, લીંટ વગેરે નર્ક તુલ્ય પદાર્થો, દુર્ગંધયુક્ત પદાર્થો ભરેલાં છે. એમાં મને શું સુખ થવાનું હતું? આવો અશુચિભાવ પણ વિકાર શાંત થવામાં ઉપયોગી છે. પોતે જેમ આત્મસ્વરૂપ છે, તેમ જ વિજાતીય વ્યક્તિમાં પણ આત્મદૃષ્ટિ થાય, તો વિજાતીય દેહનું આકર્ષણ ઓછું થઈને વિકાર શાંત થઈ જાય. આ બધામાંથી પોતાને જે અનુકૂળ આવે તે ઉપાય પ્રયોજવાથી કામવેગ શાંત થઈ જાય છે.

કામવેગની તીવ્રતા વખતે અન્ય ઉપાયો જેવા કે શીતળ જળનું પાન કરવું, શીતળ જળથી સ્નાન કરી લેવું, ઊંડા શ્વાસ લેવા, સાથે સાથે ભ્રૃકુટિની મધ્યમાં રહેલા આજ્ઞાચક્રમાં કે હૃદયમાં પ્રભુની મૂર્તિ સંભારવાનો-ધારવાનો પ્રયત્ન કરવો. સ્તોત્ર અથવા મંત્રનો જાપ કરવો. આમ કરવાથી વિષયવિકારની વૃત્તિ પ્રજનન અંગોનું નિયમન કરતાં ચક્રો-કેન્દ્રો જેવા કે મુલાધાર ચક્ર કે સ્વાધિષ્ઠાન ચક્ર તરફ ન જતાં ઊર્ધ્વ બને છે. એ રીતે કામઉર્જા ઊર્ધ્વમાં ગતિ કરતાં વિકારો તુરત જ શાંત થઈ જાય છે. આવા યોગમાર્ગની પ્રક્રિયાઓ પણ કામ જીતવા માટે ઉપયોગી થઈ શકે છે. આ બધા ઉપાયોથી મનના વિકારો શાંત થવાથી, વિષય સંબંધી ઘાટ-સંકલ્પ ચિત્તમાંથી ઉઠતાંવેંત જ તૂટી જાય છે. જેથી ઘાટની મૂર્તિ - આકૃતિ બંધાતી નથી. જો વિષયમાં વૃત્તિ લાંબો સમય રહે, તો ઘાટની મૂર્તિ બંધાય અને અનિષ્ટ પરિણામ આવે. માટે આ બધા ઉપાયો પૈકી આપણને અનુકૂળ આવે તે ઉપાય દ્વારા વિષય સંબંધી ઘાટ-સંકલ્પ બંધ કરવા તે શ્રેષ્ઠ માર્ગ છે. મલિન ઘાટ ઉપર દાઝ રાખીને તેને ટાળી નાંખવા. પ્રભુની ને મુક્તની આર્તનાદે પ્રાર્થના કરે તો તેમની કૃપા ઉતરે અને વ્યક્તિ ધીમે ધીમે નિર્વિકારી ને નિર્વાસનિક બની જાય.

કામ જીતવા માટે રસાસ્વાદ ઉપરનો સંયમ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અતિ તીખા, તમતમતા, મસાલેદાર, અતિ ગરમ, અતિ ખારા, ખાટાં, ગળ્યા-ચીકણા, રજોગુણી - તમોગુણી ખાદ્ય પદાર્થોનું સેવન પણ વર્જવું ઘટે. ડુંગળી, લસણ, અતિ તીખા તથા ઉષ્ણ પદાર્થો, રાત્રે પડી રહેલાં વાસી પદાર્થો તથા દૂધ સાથે ખાટાં ફળો, દૂધ સાથે અતિ ખાટાં પદાર્થો એમ વિરોધી આહારો, આ પ્રકારના આહારથી તથા અતિ આહારથી રજોગુણ - તમોગુણની વૃદ્ધિ થાય છે. તેથી શરીરમાં રહેલ અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી ઝરતાં હૉર્મોન્સ રસોની પ્રક્રિયાનું સંતુલન તૂટી જાય છે. પરિણામે શરીરમાંના વાત, પિત્ત અને કફ પ્રકૃતિનું સંતુલન બગડવાથી તે વિષમય બને છે અને તેથી લોહીમાં વિકૃતિ જન્મે છે. તેને લઈને શારીરિક-માનસિક વિકાર જન્મે છે અને ઇંદ્રિયોની વૃત્તિ વિષયભોગ તરફ દોરવાય છે. જાગૃત થયેલ વિકૃત કામશક્તિનો જો વિવેકપૂર્વક નિગ્રહ કરવામાં ન આવે, તો તે એનો રસ્તો શોધી લે છે, અર્થાત્ પતન તરફ ખેંચાઈ જાય છે. વારંવારના કામશક્તિના પતન દ્વારા શરીર અને મન અનેક પ્રકારની વ્યાધિઓમાં સપડાય છે. તેથી જ સાધક માટે પ્રાણને નિયમમાં રાખવા આહાર ઉપર સંયમ રાખવો આવશ્યક બને છે. શુદ્ધ, સાત્ત્વિક, પૌષ્ટિક અને મિતાહાર હોવો જોઈએ, જેથી પ્રાણ નિયમમાં આવે છે અને પ્રાણ નિયમમાં રહે, તો ઇંદ્રિયો ને અંતઃકરણની વૃત્તિઓ ઉપર નિયંત્રણ રાખી શકાય છે. યોગશાસ્ત્રમાં ઉદરના ચાર ભાગ કલ્પી ફક્ત બે ભાગ ભરાય તેટલો જ શુદ્ધ- સાત્ત્વિક આહાર લેવાનો હોય છે. અને એક ભાગ પાણીથી ભરવાનો અને એક ભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો એવો સાધક માટે નિયમ છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં અતિશય ખાધાની લોલુપતા ન રાખી મિતાહાર કરવાનું જણાવ્યું છે.

શુભ અથવા અગત્યના પ્રયોજન વગર જ્યાં ત્યાં રખડવું, દિવસની વધુ પડતી ઊંઘ, આળસ-પ્રમાદ, અશ્લીલ ફિલ્મો, નાટક-ચેટક, નાચગાન વગેરેના અશ્લીલ દૃશ્યો, સંવાદો કે ગીતો તથા કુસંગીની સોબત વગેરે કામવૃત્તિને ઉત્તેજિત કરે છે. તમાકુ, દારૂ, અફીણ, ગાંજો વગેરે કેફી પદાર્થો પણ કામવૃત્તિ ઉત્તેજિત કરવામાં ભાગ ભજવે છે. માટે તેને સમજણપૂર્વક સતત જાગૃત રહીને વર્જવાં જોઈએ.

આપત્કાળ સિવાય એકાંતમાં વિજાતીય વ્યક્તિનો વધુ પડતો સંસર્ગ-સંપર્ક પણ વર્જવો જોઈએ. એકાંતમાં યુવાવસ્થામાં પોતાની મા-બહેન-દીકરી સાથે પણ આપત્કાળ સિવાય રહેવાનો નિષેધ છે. કારણ કે વિષયવિકાર અત્યંત પ્રબળ હોવાથી ક્યારેક અનર્થ સર્જે છે. બાપ થકી દીકરીને ગર્ભ રહ્યો હોય એવા કિસ્સાઓ પણ બનતા હોય છે. આ વાતમાં અપવાદ ચોક્કસ હોઈ શકે. અતિ ચારિત્ર્યવાન ને દૃઢ મનોબળ તથા સમજણવાળાને એવા પ્રસંગે કોઈ વિકાર ન થાય, પરંતુ એવા અપવાદનો વાદ બધા ન લઈ શકે, અને લેવા જાય તો તેનાં માઠાં પરિણામો આવે. માટે આ બધા મુદ્દા જાળવવા અતિ આવશ્યક છે.

ત્યાગીવર્ગે તો પરમાર્થનો, શ્રેયનો માર્ગ ગ્રહણ કર્યો હોવાથી વિષયભોગ સંબંધી સંકલ્પ થાય અને જો તે સંકલ્પ ઉપર દાઝ ન થાય, અને એ વિચારમાં રાગપૂર્વક આકર્ષાઈ જાય, તો તે પણ માનસિક વ્યભિચાર ગણાય. એ દોષરૂપ ને બંધનરૂપ નિવડે છે. કારણ કે માનસિક વિકારના તરંગો જ્યારે સ્થૂળ શરીરને સ્પર્શે, ત્યારે તેના સ્પંદનોથી અંતઃસ્રાવી ગ્રંથિઓ સક્રિય બને અને તેથી ઇંદ્રિયોમાં વિકાર ઉદભવે. પછી સંયમ તૂટતાં વાર ન લાગે. આ બધી મનોદૈહિક પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે, એટલે તેની ઉપર કાબુ ન મેળવી શકે તો અનિષ્ટ પરિણામ આવે છે. માટે સતત જાગૃતિ અને જાણપણારૂપી દરવાજે સજાગપણે ઊભા રહી વૃત્તિઓને નિયમમાં - સંયમમાં લાવવી જોઈએ. ત્યાગી જો સ્થૂળ દેહે બ્રહ્મચર્ય ભંગ કરે તો તેના પ્રાયશ્ચિત્ત દ્વારા, સતત ધ્યાન-ભજન-પ્રાર્થના દ્વારા, જપ-તપ દ્વારા ફરી શુદ્ધ થઈ શકે છે, પણ વારંવાર બ્રહ્મચર્યભંગ કર્યા કરે અને પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધ ન થાય તો તેની મલિન વાસના તેના મૃત્યુ પછી અધોગતિએ લઈ જાય અને સૂક્ષ્મ સૃષ્ટિમાં ભૂત-પ્રેતાદિ કે બ્રહ્મરાક્ષસની યોનિમાં ભટકવું પડે. અને અપાર યાતનાઓ ભોગવવી પડે, એવા શાસ્ત્રવચનો છે. ગમે તેવો યોગી પુરુષ મૃત્યુ પર્યંત નિર્વાસનિક ન થઈ શકે, તો યોગભ્રષ્ટ થઈ ને પુનર્જન્મને પામે. માટે સાધકે પ્રભુની આજ્ઞા મુજબ પોતાના ધર્મ-નિયમમાં રહીને અવેરીનો ત્યાગ રાખવો જોઈએ. તો જ પ્રભુપ્રાપ્તિ કરવાની પાત્રતા આવે.

ગૃહસ્થે પણ પોતાની પત્ની સિવાય પરસ્ત્રી સંગનો સર્વદા ત્યાગ રાખવો ઘટે. પોતાની પત્નીનો સંગ પણ શાસ્ત્રોએ કહેલ ઋતુકાળ દરમિયાન જ કરવો જોઈએ અને એ પણ વિષયભોગની તૃપ્તિ માટેની ભાવનાથી નહિ, પણ ફક્ત સારી સંતતિની પ્રાપ્તિ માટે જ કરવો જોઈએ. સ્ત્રી જ્યારે રજસ્વલા થાય તે દિવસથી 16 દિવસનો ઋતુકાળ ગણાય છે. તેમાં પ્રથમની 4 રાત્રિઓ તથા એકાદશી, પૂનમ તથા અન્ય પવિત્ર વ્રતના દિવસો બાદ કરવાના છે ને તે સિવાયના દિવસો ગણવાના. તેમાં પણ કેવળ રાત્રિએ જ સંગ થઈ શકે, કારણ કે દિવસે સ્ત્રીસંગનો શાસ્ત્રમાં નિષેધ છે. એક કે બે સંતતિ થયા પછી પતિ-પત્નીએ પરસ્પર સંયુક્ત સંમતિથી -Mutual understanding થી વિષયભોગનો ત્યાગ કરી, સંયમી જીવન જીવવું જોઈએ, તો જ પ્રભુ પ્રાપ્તિ માટેની પાત્રતા આવે. ગૃહસ્થ માટે પચાસ વર્ષની ઉંમર પછી વાનપ્રસ્થાશ્રમ ગણાય છે. જે ગૃહસ્થ પચાસ વર્ષની ઉંમર પછી પણ વિષયભોગમાં પ્રવૃત્ત રહે, તો તેનું કર્મબંધન Unpardonable - માફ ન કરી શકાય તેવું થાય છે. તેનું ફળ રોગાદિ વ્યાધિરૂપે કે પછી અન્ય પ્રકારે ભોગવવું પડે છે. આજના અત્યંત પ્રદૂષિત વાતાવરણમાં અનેક પ્રકારના વિકિરણો ને વિષાણુઓ તથા વાયરસ-બેકટેરિયા વગેરે રોગાણુઓની તીવ્ર અસર સર્વત્ર વ્યાપેલી હોય છે. એમાં જો સંયમી જીવન ન હોય તો અકાળે મૃત્યુ થાય, અથવા વ્યાધિઓવાળું યાતનામય જીવન જીવવું પડે. માટે સમજણપૂર્વક સંયમી જીવન જીવવું હિતાવહ છે. સાધક માટે તો સંયમ અનિવાર્ય છે.

પુરુષ માટે સ્ત્રી કે સ્ત્રી માટે પુરુષ એ નર્કનું દ્વાર છે, એવી સમજણ ઘૃણાસ્પદ છે; મિથ્યા છે. શાસ્ત્રોમાં તેવું વિધાન કરવાનું કારણ અજ્ઞાની માણસોને જો કડક શબ્દોમાં ભય દેખાડી કહેવામાં ન આવે, તો અનેક પ્રકારના અનર્થો સજાર્ય અને સમાજવ્યવસ્થા ખોરવાઈ જાય, માટે એવા વિધાનો આવશ્યક હોય છે. વાસ્તવિકતા એ છે કે પુરુષનો સ્ત્રી પ્રત્યેનો વિષયવિકાર ને સ્ત્રીનો પુરુષ પ્રત્યેનો વિષયવિકાર-ભોગવૃત્તિ છે, તે નર્ક તુલ્ય છે. અર્થાત્ તેનાથી આધ્યાત્મિક ચેતનાનું અધઃપતન થાય છે. તે માટે આમ સમજવાથી સ્ત્રીને પુરુષ પ્રત્યે ને પુરુષને સ્ત્રી પ્રત્યે કદીયે ઘૃણા ન થાય અન્યોન્ય પ્રત્યે આદરભાવ ને પૂજ્યભાવ રહે, તો બંનેનું પરમ કલ્યાણ થાય. સાચી સમજણ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી.

માનવસેવા કે સમાજ સેવા કે દેશસેવા જેવા પવિત્ર કાર્યમાં અથવા અન્ય ક્ષેત્રોમાં સ્ત્રી-પુરુષ સહકાર્યકરો ભાઈ-બહેન, માતા-પુત્ર કે પિતા-પુત્રીના પવિત્ર સંબંધોનો વિચાર કરી, સમજણપૂર્વક અન્યોન્ય પ્રત્યે નિર્વિકારી ભાવે ને આદરભાવે રહી કાર્ય કરે, એકબીજાને સહાયરૂપ થાય તો કાર્યનું ઉત્તમ પરિણામ આવે અને પ્રગતિ થાય. તે અવેરીમાં ન ગણાય, પરંતુ માનવીય નબળાઈઓ - Human weaknesses ને કારણે સંયમની પાળ તૂટે, તો ચારિત્ર્યની સુંદર ઇમારત ડૂબી જાય; દૂરાચારનું દૂષણ ફેલાય. આવું ઘણા કિસ્સાઓમાં બનતું હોય છે. તે માટે ધર્મમર્યાદાને આવશ્યક ગણી છે.

હવે બ્રહ્મચર્યનો સૂક્ષ્મ અર્થ જોઈએ.

બ્રહ્મચર્યનું સ્થૂળ-સૂક્ષ્મરૂપે યથાર્થ પાલન થવાથી કામશક્તિ - પ્રજનનશક્તિ - પ્રબળ સર્જનશક્તિનું ઊર્ધ્વીકરણ થઈ તેનું આધ્યાત્મિક ઓજસશક્તિમાં રૂપાંતર થાય છે. સાધક ઊર્ધ્વરેતા બને છે. ઊર્ધ્વરેતાપણું સિદ્ધ થવાથી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થવાની પાત્રતા આવે છે. એવી પાત્રતા આવ્યા પછી પ્રભુ તથા તેમના સ્વરૂપના સાક્ષાત્કારવાળા પૂર્ણમુક્તપુરુષના અનુગ્રહથી સાધકને પણ સાક્ષાત્કારની દિવ્યસ્થિતિ થાય છે. એ સ્થિતિમાં બ્રહ્મ અર્થાત્ પરમાત્માના દિવ્યસ્વરૂપમાં સાધક-ચૈતન્યનું રસબસભાવે એકરૂપપણું, સાર્ધમ્યપણું સધાય છે. અને તે સ્વરૂપમાં ચર્યા થાય, અર્થાત્ અખંડ દિવ્યસુખનું ભોક્તાપણું થાય છે. આ બ્રહ્મચર્યનો અતિસૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ છે.

આ રીતે બ્રહ્મચર્યનો સ્થૂળ-સૂક્ષ્મ અર્થ સમજી, નિષ્કામવ્રતની પૂર્ણ દૃઢતા કરી, સર્વ પ્રકારે અવેરીનો ત્યાગ રાખવો. એટલે આ અવેરી-ત્યાગરૂપ ચોથા વર્તમાનનું યથાર્થ પાલન થયું ગણાય.