૪. તૃતીય વર્તમાન : ચોરીનો ત્યાગ

0:000:00

ચોરી એટલે શું?

પહેલાં ચોરીનો સ્થૂળ અર્થ સમજીએ.

ધન, ધાન, દાગીના-ઘરેણાં, વસ્ત્રો, વાહન, જમીન, મિલકત, ફળ-ફૂલ વગેરે કોઈ પણ પદાર્થ તેના માલિકની આજ્ઞા કે ઇચ્છા વિરુદ્ધ ગુપ્ત રીતે, બળબજરીથી કે કોઈ પણ પ્રકારની યુક્તિપૂર્વક લઈ લેવું, અણહક્કથી પચાવી પાડવું કે તેનો ઉપયોગ-ઉપભોગ કરવો એ ચોરી કાર્ય છે.

કારણો અને તેના પરિણામો

ચોરી જેવું અનૈતિક કાર્ય કરવા પાછળ અનેક કારણો ને પરિબળો ભાગ ભજવતા હોય છે. તેમાં વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ, પ્રલોભન થવું, લોભ-લાલચની વૃત્તિ હોવી, પદાર્થ પ્રત્યેની મમતા ને આસક્તિ હોવી, પદાર્થનો પરિગ્રહ કરવાની વૃત્તિ તથા પદાર્થનો અભાવ વગેરે ચોરીકર્મ પાછળના મુખ્ય કારણો છે. દેખાદેખી, વસ્તુઓનો અભાવ, ચોરીકર્મ પાછળના મુખ્ય કારણો છે. દેખાદેખી, વસ્તુઓની અછત કે અભાવ, અસંતોષ, આર્થિક નિર્બળતા, મનોરંજનના પૂરતાં સાધનોનો અભાવ, ઓછી મહેનતે સહેલાઈથી ધન કે પદાર્થ મેળવવાની મનોવૃત્તિ, અજ્ઞાન, નિરક્ષરતા, નૈતિકતાનો અભાવ, કુસંગ અથવા સંગદોષ વગેરે અનેક બળવાન પરિબળો ચોરીકાર્યમાં નિમિત્તબને છે.

ચોરી કરનાર, ચોરને ચોરી કરવાની પ્રેરણા, પ્રોત્સાહન, અનુમોદન કે આદેશ આપનાર, ચોરી કરવામાં મદદરૂપ થનાર, ચોરીકાર્યનો ઢાંકપિછોડો કરનાર છાવરનાર તથા ચોરીની વસ્તુનો જાણવા છતાં આનંદથી ઉપભોગ કરનાર, આ સર્વે ગુનેગાર છે અને આ સર્વેને ચોરીનું કર્મફળ ભોગવવું પડે છે.

નાનું બાળક જ્યારે પડોશમાં, શાળામાં કે દુકાન વગેરે અન્ય કોઈ સ્થળે નાની વસ્તુની ચોરી કરે અને તેને પોતાના મા-બાપ, વાલી કે વડીલો તરફથી સમજણપૂર્વકનો ઠપકો ન મળે અને પ્રોત્સાહન મળે અથવા તેવા બાળકના ચોરીકાર્ય પ્રત્યે બેકાળજી દાખવે કે તેને છાવરવાની કોશિશ કરે તો બાળક ચોરી કરવા માટે નિર્ભય ને ઉત્સાહી બની જાય. પછી વારે વારે ચોરી કરવાની કુટેવવાળું બની જાય. પછી જેમ જેમ મોટું થતું જાય, તેમ તેમ વધુ ને વધુ મોટી ચોરીઓ કરતાં શીખે, એવી કુટેવ પડવાથી ચોરી કરવામાં તે એક પ્રકારની માનસિક વિકૃતિનો આનંદ લેતો થાય. ચોરી કરવી એ મર્દાનગીભર્યું કાર્યકૌશલ્ય છે, એમ માનવા લાગે. એટલે ચોરી કરવાની કળામાં વધુ હોંશિયાર બની મોટો તસ્કર બની જાય. ત્યાર પછી તેને સુધારવો ઘણો કઠણ થઈ પડે. “પાકે ઘડે કાંઠા ન ચડે.” એ ઉક્તિ અનુસાર એવા રીઢા ગુનેગારને સુધારવા અત્યંત મુશ્કેલ બની જાય. ચોરીની સાથે સાથે હિંસા, વ્યભિચાર, દુર્વ્યસનો વગેરે અનેક બદીઓ પણ વધતી જાય છે. માટે બાળક નાનું હોય ત્યારથી જ તેને સાચી સમજણ આપીને અને જરૂર પડે તો થોડા કડક વલણ સાથે નજીવી શિક્ષા કરીને પણ ચોરી વગેરે કુકર્મો કરતાં પાછું વાળવું હિતાવહ છે ને અનિવાર્ય પણ છે.

આ પ્રકારની સ્થૂળ ચોરીની સજા થવાનું સમાજમાં કાયદાકીય બંધારણ પણ છે. ચોરી કરનાર જો ચોરી કરતાં પકડાઈ જાય તો એકઠો થયેલો સમુહ માર મારે, ત્યાર બાદ પોલીસનો અસહ્ય માર સહન કરવો પડે અને પછી હવાલાત (જેલ)ની પણ હવા ખાવાનો વારો આવે. આ થઈ સ્થૂળ ચોરીની સજા.

"स्तेनकर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित”

-શિક્ષાપત્રી.

ભગવાન તથા સત્પુરુષો તો કહે છે કે કોઈક ધર્મકાર્ય સિદ્ધ કરવા માટે પણ ચોરી ન કરવી. ઘણાને એવું અજ્ઞાન ઉદય થાય છે કે છળકપટ કે ચોરી કરી મેળવેલું ધન કે પદાર્થમાંથી થોડો ભાગ ધર્માદા પેટે દાન તરીકે આપી દઈશું, એટલે કરેલાં બધા પાપકર્મ બળી જશે. અને બાકી રહેલ ધન કે પદાર્થોનો ભૌતિક સુખ-સગવડો ને મોજશોખ માટે ઉપભોગ કરીશું એટલે કોઈ વાંધો નહિ આવે. આ ખ્યાલ ભૂલ ભરેલો છે. કારણ કે ધર્મકાર્ય અર્થે ચોરી કરવાથી તેણે કરેલું ધર્મકાર્ય આપોઆપ જ અધર્મરૂપ થઈ જાય છે. ચોરી કરવાની ક્રિયા એ ધર્મથી વિરુદ્ધની અધર્મરૂપ ક્રિયા છે. તેથી એવી અધર્મરૂપ ક્રિયાથી ધર્મકાર્ય શી રીતે સિદ્ધ થાય? આ ગણિત સમજે તો ધર્મકાર્ય માટે ચોરી કરવાની લાલસા ન જાગે. આવા ચોરીકર્મનું ફળ પણ અવશ્ય ભોગવવું પડે છે. અન્ય હેતુ માટે થયેલ ચોરી કરતાં ધર્મકાર્ય માટે થયેલ ચોરીનું ફળ બમણું ભોગવવું પડે એમાં શંકાને કોઈ સ્થાન નથી. જેની વસ્તુ ચોરી લીધી હોય તે માલિકનો પણ નિઃસાસો લાગે. કારણ કે તેણે કેટલા પરિશ્રમથી તે વસ્તુ મેળવેલી હોય! કદાચિત તેણે પણ અધર્મને માર્ગે વસ્તુ મેળવી હોય તો તે પદાર્થની ચોરી કરનારને પોતે કરેલી ચોરીનું તથા જેની પાસેથી તે વસ્તુ ચોરી હોય તે માલિકના અધર્મ કર્મનું, એમ બંને પ્રકારનું ફળ ભોગવવું પડે. આ કર્મની ગતિ કેવી આંટીઘૂંટીવાળી છે નહિ? ખેર! આ વાત બરોબર જાણી રાખી હોય તો વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતાં પહેલાં સો વાર વિચાર કરતી થઈ જાય અને પાપ કર્મમાંથી બચી શકે.

ચોરી કરવાની કુટેવના, શારીરિક-માનસિક સજા, સમાજમાં કલંક તથા માન-પ્રતિષ્ઠાહાનિ વગેરે અનેક પ્રકારના દુષ્પરિણામો છે. ચોરી કરવાથી મનની નૈતિક તાકાત, સ્વતંત્રતા, પવિત્રતા વગેરે નષ્ટ થાય છે અને માનસિક વિકૃતિને લઈને તેની ચેતના અધઃપતન તરફ નીચે સરી પડે છે, અધોગતિ થાય છે.

હવે ચોરીના સૂક્ષ્મ અર્થ વિશે વિચારીએ. પોતાના પદ ને સત્તાની ઓથે કોઈની પાસેથી લાંચ-રિશ્વત લેવી તે ચોરી છે. પછી ભલે તેનું કોઈ કાર્ય સિદ્ધ કરી આપવાનું હોય કે તેને કોઈ પ્રકારે સહાયરૂપ થવાનું હોય. કેટલાક લોકો પોતાના પદ, અધિકાર ને સત્તાનો ઉપયોગ કરી કોઈનું કાર્ય સિદ્ધ કરી આપવા લાંચ-રિશ્વત લે છે અને તેને પોતાનું મહેનતાણું સમજી લેવાની ભૂલ કરે છે. અથવા “આ તો ફક્ત મહેનતાણું છે ને, તેમાં લાંચ જેવું શું છે?” એમ પોતાના મનને પોતે કંઈ ખોટું નથી કરતા એવું મનાવવાની મિથ્યા કોશિશ કરે છે, પછી ભલે તેનો અંતરાત્મા તેને ડંખતો હોય! પરંતુ એ ચોરીકાર્ય જ છે.

નીતિમત્તાના મૂલ્યોને વિસારી દઈ અનીતિ, ભ્રષ્ટાચાર, દાણચોરી, વિવિધ પ્રકારની યુક્તિઓ અજમાવી કરવામાં આવતી કરચોરી જેવી કે આવકવેરો, વેચાણવેરો, જકાતવેરો વગેરેમાં ચોરી કરવી, કોઈનો વિશ્વાસઘાત કરી ગેરલાભ ઉઠાવવો, કોઈએ પોતાની થાપણ - અનામત સાચવવા આપી હોય તેને હડપ કરી જવી, કોઈક પોતાની વસ્તુ કોઈક સ્થાનમાં ભૂલી ગયું હોય તેને પોતાના અંગત ઉપયોગ માટે લઈ લેવી, માર્ગમાં કોઈની વસ્તુ પડી ગઈ હોય તે લઈ લેવી આ સર્વે ચોરીના પ્રકારો છે.

માણસ કોઈક કાર્ય કરે ત્યારે ભૂલ થવાનો પૂરો સંભવ હોય છે. “માણસ માત્ર ભૂલને પાત્ર” એવી ઉક્તિ પણ છે. ભૂલ થવી એ ગુનો નથી, પરંતુ થયેલ ભૂલનો નમ્રતાપૂર્વક સ્વીકાર ન કરવો ને ભૂલ સ્વીકાર્યા પછી તેમાં સુધારો કરવાનો પ્રયત્ન ન કરવો એ ચોક્કસ ગુનો છે; તે ચોરી છે.

પોતાની જરૂરિયાત કરતાં અન્ન-દ્રવ્યાદિક પદાર્થોનો વધુ પડતો સંગ્રહ, બિનજરૂરી પરિગ્રહ કરવો એ ચોરી છે. કારણ કે પરિગ્રહ કરનારને તેનો ઉપયોગ ન હોય અને અન્ય જરૂરિયાતમંદ લોકો તેના લાભથી વંચિત રહે છે. એટલે અનાવશ્યક સંઘરાખોરી પણ એક પ્રકારની ચોરી છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અન્ન-દ્રવ્યાદિકના સંગ્રહ વિશે લખ્યું છે, પરંતુ તે પોતાના ઘરમાં વરો હોય, એટલે જેટલી જરૂરિયાત હોય તેટલો જ સંગ્રહ કરવાનું કહ્યું છે, પરંતુ બિનજરૂરી સંગ્રહ કરવાનું કહ્યું નથી. પોતાને કેટલી જરૂરિયાત છે તેનો પ્રામાણિકપણે અંદાજ કાઢીને એટલો જ સંગ્રહ કરવાનો છે તે વિચારવું ઘટે. વધુ પડતા સંગ્રહથી Perishable - બગડી જાય તેવા ખાધ્ય પદાર્થો અથવા અન્ય પદાર્થો બગડી જાય પછી પોતાના કે બીજા કોઈના કામમાં આવતાં નથી. તેથી તેને કચરા તરીકે ફેંકી દેવા પડે છે, જે નુકસાન જ છે ને? વધુ પડતું નાણું-કાળું નાણું સંચય કરવાનો માનવીય સ્વભાવ પોતાને, સમાજને અને દેશને એ બધાને હાનિકર્તા બને છે. પૈસાનો બિનઉપયોગી સંગ્રહ પડી રહે છે ને એના લાભથી બધા વંચિત રહે છે. સંગ્રહ કરેલ નાણાંમાં વ્યક્તિને તીવ્ર આસક્તિ જન્મે છે, જે તેને મૃત્યુ પછી સદગતિ થવામાં વિઘ્નરૂપ નિવડે છે. જેમ ખાબોચિયામાં રહેલું બંધિયાર પાણી પ્રદૂષિત થઈ ગંધાઈ ઊઠે છે ને કોઈ ઉપયોગમાં આવતું નથી, પરંતુ નદી તથા ઝરણાનું પાણી વહેતું રહેતું હોવાથી બગડતું નથી અને અનેકના ઉપયોગમાં આવે છે. તેમ પૈસાનો સદુપયોગ ન થઈ શકે તો તેવો સંઘરી રાખેલ પૈસો અનેક મુશ્કેલીઓ ને અનર્થો સર્જે છે.

પોતે મેળવેલ જ્ઞાન કે વિદ્યાનો સમાજમાં અન્યના હિત માટે સદુપયોગ ન કરે, અર્થાત્ જ્ઞાનદાન કે વિદ્યાદાન પોતાની શક્તિ હોવા છતાં પણ ન કરે તો તે સૂક્ષ્મ પ્રકારની ચોરી છે. માટે વ્યક્તિની પાત્રતા-યોગ્યતા જોઈને તેને જ્ઞાનદાન કે વિદ્યાદાન અવશ્ય કરવું જોઈએ. જ્ઞાનદાન-વિદ્યાદાન એ દાનના સર્વ પ્રકારોમાં શ્રેષ્ઠ દાન છે. આપણા દેશની ઘણી બધી વિદ્યાઓ તથા કલાઓ વિદ્યાદાનના અભાવે લુપ્ત થઈ ચૂકી છે, તે બધાને સુવિદિત છે. પોતાની વિદ્યા બીજા જાણી જશે તો પોતાને મળતા યશ-કીર્તિ-પ્રસિદ્ધિ તથા અર્થલાભ ઘટી જશે. એવા ભયથી પણ વિદ્યાવાન વિદ્યાદાન કરી શકતા નથી. તેમાં ક્યારેક ઈર્ષા - દ્વેષ પણ ભાગ ભજવે છે. તેથી સમાજમાં રહેલ અજ્ઞાન ને અંધકાર દૂર થઈ શકતાં નથી. આપણા દેશમાં રહેલ વિદ્યાઓનો જો યોગ્ય રીતે સદુપયોગ કરવામાં આવે તો દેશનું ઘણું બધું અજ્ઞાન દૂર થઈ જાય અને દેશ પ્રગતિના પંથે વધુ ગતિશીલ બને. પ્રભુને પ્રાર્થના કરીએ કે આવો શુભ અવસર દેશને પ્રાપ્ત થાય.

વહેપારીઓ, ભેળસેળિયાઓ ઘરાકને ઊંચાભાવે માલ વેચે કે હલકી ગુણવત્તાવાળો માલ સારી ગુણવત્તા ધરાવે છે એમ કહી તે માલને ઊંચાભાવે વેચે ને એ પ્રકારની છેતરપિંડી કરીને લૂંટ ચલાવે છે. દા.ત., દૂધવાળા દૂધમાં પાણી ભેળવે, પેટ્રોલપંપવાળા પેટ્રોલમાં ડીઝલ, સોલવન્ટ કે કેરોસિન વગેરે ઉમેરે, રસોડાના તૈયાર મસાલા વેચનાર તેમાં વિવિધ રંગનું ભૂસું મિલાવે, ખાદ્યપદાર્થોમાં અનેક પ્રકારની મિલાવટ, દવાઓમાં મિલાવટ. ક્યાં ભેળસેળ કે મિલાવટ નથી એ પ્રશ્ન છે! હવે તો બનાવટી દૂધ ને બનાવટી ઘી પણ મળે છે. સોની સોનું કાઢી લઈ તેમાં તાબું કે અન્ય ધાતુ ભેળવે, દરજી સારું કપડું પોતાના ઉપયોગ માટે કાઢી લે વગેરે સર્વે ચોરીના જ વિવિધ પ્રકારો છે.

પોતાનામાં કેટલાક સદગુણો હોય તેનાં કરતાં વધારે છે એમ દેખાવ કરવો તે દંભરૂપ ચોરી છે. પોતાની તથા પોતે કરેલાં કાર્યોની બડાઈ મારવી, ખોટાં બણગાં ફૂંકવા કે આત્મશ્લાધા કરવી તે પણ ચોરી છે.

પોતાની શારીરિક, માનસિક કે આર્થિક શક્તિ ને ક્ષમતા હોવા છતાં બીજાને સહાયરૂપ ન થવું, સ્વાર્થી કે સ્વકેન્દ્રી બનવું, પોતાના માતા-પિતા, ગુરુ કે અન્ય રોગી, દુઃખી કે જરૂરિયાતમંદોની પોતાના સાર્મથ્ય પ્રમાણે સેવા ન કરવી તે ચોરીકર્મ છે. રેલવેમાં કે બસમાં કે અન્ય સ્થળે જ્યાં ટિકિટ લેવાતી હોય, ત્યાં ટિકિટ લીધા વગર મુસાફરી કરવી કે પ્રવેશ કરવો તે ચોરી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ યુક્તિથી ચોરી થાય છે તે દેખીતી રીતે જ ચોરી છે.

પોતાના અંગત સ્વાર્થ ખાતર સત્ય હકીકત છૂપાવવી, પોતાના દોષોને છાવરવા અથવા ઢાંકપિછોડો કરવો, દોષો છૂપાવવા અથવા તે ગુણો છે, પણ દોષો નથી તેમ યુક્તિપૂર્વક અન્યને ઠસાવવા પ્રયત્ન કરવો તે સૂક્ષ્મ ચોરી છે. જુગાર - સટ્ટો વગેરે અયોગ્ય ને ટૂંકા રસ્તે અણહક્કનો પૈસો કમાવો તે ચોરી છે.

પોતાની ઊપજ-આવક તેમ જ પોતાને મળતા સમયમાંથી પ્રભુપ્રસન્નતા માટે પ્રભુને અર્પણ કરવાનો ભાગ ધર્માદારૂપે ન કાઢવો તે ચોરી છે. આપણી જે કંઈ આવક હોય, ઊપજ હોય, તેમાંથી પ્રભુને અર્પણ કરવાથી તે શુદ્ધ બને છે. તેવી શુદ્ધ આવકનો સદુપયોગ થવાથી ચિત્તની નિર્મળતા તથા પ્રભુપ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તેથી કલ્યાણ થાય છે.

પોતાના સેવકો કે આશ્રિતવર્ગને જમાડ્યા વગર પોતે એકલા સ્વાર્થવૃત્તિથી પેટ ભરી લેવું તે પણ ચોરી છે.

નોકરી, ધંધો કે વ્યવસાયમાં કે પછી સમાજસેવા અથવા દેશસેવા આદિ પ્રવૃત્તિમાં પોતાની ફરજો, જવાબદારીઓ પ્રામાણિકપણે ન બજાવવી તથા કર્તવ્યપરાયણતામાં ખામી હોવી તે બધી સૂક્ષ્મ ચોરી છે.

ભગવાન તથા સંતપુરુષ-મુક્તપુરુષ પાસે પોતાનું કપટ કે પાપકર્મ છુપાવવું તે ચોરીનો અતિ સૂક્ષ્મ પ્રકાર છે. ભગવાન કે ભગવાનના મુક્તપુરુષના નામનો પોતાના અંગત સ્વાર્થ હેતુ સિદ્ધ કરવા દુરુપયોગ કરવો, સત્પુરુષે કદાપિ ન કહેલાં હોય તેવા વચનો એ સત્પુરુષના વચનો છે, માટે તેને ગ્રહણ કરો. એમ કહી સત્પુરુષના નામને વટાવીને કોઈને ગેરમાર્ગે દોરવા, અધર્માચરણ તરફ દોરવા એ સૂક્ષ્મ ચોરી છે.

કોઈ પણ કૃતિની, રચનાની, શોધખોળ - સંશોધન વગેરેની તેના કર્તાની ઇચ્છા કે પરવાનગી વગર નકલ કરવી અથવા તેના માલિક બની બેસવું તે ચોરી છે. સત્પુરુષ જેવા સદગુણો ન આવ્યા હોય ને દંભે કરીને તેના વાણી-વર્તનની નકલ કરવી તે સૂક્ષ્મ ચોરી છે.

કોઈએ ભલે પોતાની મરજીથી, પ્રેમથી કે મહિમા જાણીને કોઈ પદાર્થ ભેટ તરીકે કે બક્ષિસ તરીકે આપેલ હોય તેનો લોભવૃત્તિ કે આસક્તિપૂર્વક સ્વીકાર કરી ઉપભોગ કરવો તેનો પણ ચોરીમાં સમાવેશ થાય છે. ભગવાનના સ્વરૂપને સમર્પણભાવથી ધરાવ્યા વગર અન્ન કે અન્ય પદાર્થનો ઉપભોગ કરવો તે પણ ચોરીનો પ્રકાર છે.

ભગવાન તથા સત્પુરુષના સ્વરૂપ અને તેમના વચનો વિશે અશ્રદ્ધા, અવિશ્વાસ ને છૂપો નાસ્તિકભાવ તે સૂક્ષ્મ ચોરી છે. દ્રવ્યાદિક પદાર્થ પ્રત્યે લોભવૃત્તિ, મોહાસક્તિ, માનસિક સંકુચિતતા, લૌકિક પદાર્થ પ્રત્યેનો તીવ્ર અભિનિવેશ, કૃપણતા, કંજૂસાઈ વગેરે દુર્ગુણોનો ચોરીની વ્યાખ્યામાં સમાવેશ થઈ જાય છે.

આ રીતે સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારની ચોરી મનને ક્ષોભ પમાડે છે. તે ચિત્તની નિર્મળતાને ક્ષતિ પહોંચાડી અશુદ્ધ બનાવે છે. મનની સ્વતંત્રતા છીનવાઈ જઈ મન દુર્ગુણોનું ગુલામ બને છે. અંતઃકરણ દૂષિત થવાથી ચૈતન્યની આધ્યાત્મિક પ્રગતિ અવરોધાય છે ને ચેતના અધોગતિ તરફ સરી પડે છે. માટે સ્થૂળ - સૂક્ષ્મ ચોરીકર્મ મન-કર્મ-વચનથી ન થઈ જાય તે અર્થે સતત જાગૃત રહી તેનો ત્યાગ રાખવો એ આ ત્રીજા વર્તમાનનું પાલન છે.