પાંચમી આવૃત્તિનું નિવેદન

સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલાં પંચ વર્તમાન-પાંચ મહાવ્રતો સામાન્ય માનવી સમજી શકે તેવા સરળ અને સચોટ હોવા છતાંય અત્યંત ગહન આધ્યાત્મિક રહસ્યોથી ભરેલાં છે. તે વર્તમાનોને પૂર્ણ મુક્તસ્થિતિવાળા સત્પુરુષ જ્યારે સ્થૂળ તેમ જ સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થમાં સમજાવે, ત્યારે જ તે યથાર્થ સમજી શકાય છે. અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈ આત્મા-પરમાત્માના અખંડ સાક્ષાત્કારવાળા પૂર્ણસિદ્ધ મુક્ત હોવાથી, તેઓશ્રીએ પંચ વર્તમાનના આધ્યાત્મિક રહસ્યોને પણ વૈજ્ઞાનિક સંદર્ભમાં સુંદર રીતે સમજાવેલા છે. તે સમજાયા પછી તેને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવાની જવાબદારી મુમુક્ષુ સાધકની રહે છે. તે પ્રમાણે પાત્રતા કેળવી સાધક વર્તે તો પોતાના ચૈતન્યનું ઊર્ધ્વીકરણ કરી શકે. આથી પહેલી આવશ્યકતા છે તે વર્તમાનોને યથાર્થ રીતે સમજવાની અને બીજી આવશ્યકતા છે તેના યથાર્થ પાલન માટે પાત્રતા કેળવવાની.

આ બંને હેતુઓ સિદ્ધ થઈ શકે એવા ઉદ્દેશ્યથી પૂજ્યશ્રી નારાયણભાઈ દ્વારા રચિત “સમગ્ર જીવનનો યોગ” નામક પુસ્તિકા શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં પંચ વર્તમાનના અર્થો સંક્ષિપ્તમાં વર્ણવ્યા છે. આ પવિત્ર સંસ્થા દ્વારા જ પૂજ્યશ્રી નારાયણભાઈના ઉપદેશામૃતને “પંચ વર્તમાન” (વિશદ અર્થમાં) એ શીર્ષક હેઠળ પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવેલ. તેમાં પંચ વર્તમાનને ખરા અર્થમાં સમજી તેનું યથાર્થ પાલન થઈ શકે તે હેતુથી ઊંડાણપૂર્વક વિવરણ કરેલ છે. તેમાં આ વિષય સંબંધી સચોટ માર્ગદર્શન મળી રહે તેવો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે. આ પુસ્તકનું પ્રકાશન કેવળ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ કૃપાળુ બાપાશ્રી, મૂર્તિસ્થિત સદગુરુશ્રીઓ તથા આપણા લાડીલા વાત્સલ્યમૂર્તિ સદગુરુવર્ય અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈની નિઃસીમ કૃપાનું જ પરિણામ છે. આ પુસ્તકની ઉપયોગીતાને અનુલક્ષીને તેમ જ વાચકવૃંદના બહોળા પ્રતિસાદને લઈને આ પુસ્તકની પાંચમી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી રહી છે. “શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન” જેવી સર્વજીવહિતાવહ સંસ્થાના સ્થાપક, પ્રેરક ને સંવર્ધક એવા અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈનો અનેક મુમુક્ષુઓ પ્રત્યે નિર્ભેળ સત્યજ્ઞાન પહોંચાડવાનો કેવો પ્રબળ સંકલ્પ હતો તે સાબિત કરે છે. આવા સમર્થ સદગુરુવર્યની પ્રેરણા ને અમીદૃષ્ટિથી જ આવા પ્રકાશન જેવા ઉદ્દાત કાર્યને વેગ મળે છે. આપણે સૌ આ અવસરને સહર્ષ વધાવીને પંચ વર્તમાનના યથાર્થ પાલન દ્વારા સહિયારો પ્રયાસ કરી વ્યક્તિગત તેમ જ સામાજિક માનવચેતનાના ઉત્થાનના આ પવિત્ર કાર્યમાં યોગદાન આપી જીવન સાર્થક કરી લઈએ એ જ અભ્યર્થના!

સં. 2069, મહા સુદ છઠ

ઈ.સ. 2013, 16 ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન