૨. ચિત્રપ્રતિમા પૂજા : બાહ્ય પૂજાવિધિ

સૂર્ય ઊગ્યા પહેલાં ઊઠી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને મુક્તોના નામનું ઉચ્ચારણ કરી, તેમને સ્તુતિ-પ્રાર્થના કરી, તેમનું ધ્યાન કરવું. ત્યાર બાદ પથારીમાંથી ઊઠી જઈ પ્રાતઃવિધિ કરવી. કુદરતી હાજત - શૌચવિધિ કરી હાથ-પગની બરાબર શુદ્ધિ કરવી. તે પછી એક જગ્યાએ બેસીને, ગાળેલા પાણીથી ધોયેલું દાતણ કરવું ને ગાળેલા પાણીથી કોગળા કરી મુખશુદ્ધિ કરવી. દાતણ કરતાં કરતાં હરવું-ફરવું નહિ ને વાતો કરવી નહિ. ત્યાર બાદ ચોખ્ખા પાણીથી સ્નાન કરવું ને તે વખતે ભગવાનનાં નામોનું તથા તીર્થોનાં નામોનું સ્મરણ કરવું. નાહ્યા પછી ધોયેલાં ચોખ્ખાં વસ્ત્રો પહેરવાં. ધોતિયું પહેરવું ને ખેસ કે શાલ ઓઢવાં. સુતરાઉ ધોતી પહેર્યા પછી ફરી ધોઈને પૂજામાં પહેરવા લેવી. રેશમી ધોતી ધોયા વગર ફરી પહેરી શકાય. મેલાં વસ્ત્રો ન પહેરવાં. પૂજા કરવા માટે શાંત પવિત્ર જગ્યાએ, બરાબર બેસી શકાય તેવા પવિત્ર આસન ઉપર પૂર્વ કે ઉત્તર મુખે બેસવું. આ બધી બહારની શુદ્ધિ સાથે મનથી પણ પવિત્રપણે રહી પ્રેમપૂર્વક પૂજા કરવી.

જમણા હાથની હથેળીમાં ચોખ્ખું - ગાળેલું પાણી લઈ ‘‘ૐ શ્રી સ્વામિનારાયણાય નમઃ’’ કહી આચમન કરવું. ફરીથી પાણી હથેળીમાં લઈ ‘‘ૐ શ્રી હરિકૃષ્ણાય નમઃ’’ કહી આચમન કરવું. તેમ જ ત્રીજી વાર પાણી હથેળીમાં લઈ ‘‘ૐ શ્રી ઘનશ્યામાય નમઃ’’ એમ નામ મંત્ર બોલીને આચમન કરવું. ત્યાર પછી પુરુષોએ કપાળ, છાતી, બે હાથ - એમ ચાર જગ્યાએ પ્રસાદીના ચંદનથી ઊર્ધ્વપુંડ્ર તિલક કરી તેમાં કંકુનો કે ચંદનનો ચાંદલો કરવો. સધવા સ્ત્રીઓએ કપાળમાં ચાંદલો કરવો. તે તિલક-ચાંદલો કરતી વખતે ‘સ્વામિનારાયણ’ મહામંત્ર બોલવો. તે પછી માનસી પૂજા કરવી.

ત્યાર બાદ :

प्रणम्य राधाकृष्णस्य लेख्यार्चां तत आदरात्‌ ।

शक्त्या जपित्वा तन्मंत्रं कर्तव्यं व्यावहारिकम्‌ ।।

।। शि. श्लोक ५४ ।।

રાધાકૃષ્ણની એટલે મુક્ત અને મહારાજની (શ્રી સહજાનંદ સ્વામી રાધા નામે પોતાના મુક્તને કહે છે ને કૃષ્ણ નામે પોતાને જ કહે છે.) ચિત્રપ્રતિમા જે ધર્મવંશી આચાર્ય પરંપરાએ પોતાના ગુરુએ પ્રસાદી કરીને પૂજવા આપી હોય એવી તે મૂર્તિને આસન ઉપર પધરાવીને નીચેનો મંત્ર બોલવો :

उत्तिष्ठोत्तिष्ठ हे नाथ ! स्वामिनारायण प्रभो ! ।

धर्मसूनो दयासिन्धो स्वेषां श्रेयः परं कुरु ।।

आगच्छ भगवन्‌ देव स्वस्थानात्‌ परमेश्वर ।

जहं पूजां करिष्यामी सदा त्वं सम्मुखो भव ।।

આ મંત્ર બોલીને નીચે પ્રમાણે આવાહન કરવું :

‘ॐ श्रीसहजानंदाय नमः, सहजानंदस्वामीनं आवाहनं समर्पयामि’

હે નાથ ! તમે જાગ્રત થઈને દર્શન આપો. હે સ્વામિનારાયણ પ્રભુ ! તમે સમર્થ છો. દયા કરીને પરમ ધર્મ સ્થાપન કરવા ધર્મપુત્ર થયા છો, તમે તમારા આશ્રિત એવા અમારો આત્યંતિક મોક્ષ કરો. હે ભગવન્‌ ! હે દેવ ! તમારા ધામથી પધારો. હે પરમેશ્વર ! સન્મુખ દર્શન સદાય આપો. હું તમારી પૂજા કરીશ. આમ આવાહન કરીને પછી ‘આદરાત્‌ પ્રણમ્ય’ કહેતાં આ પ્રતિમા સ્વરૂપ સાક્ષાત્‌ સ્વામિનારાયણ ભગવાન છે એવા ભાવથી નમસ્કાર કરીને દર્શન કરવાં. પછી સાકર આદિનું નૈવેદ્ય તથા ધૂપ, દીપ, પુષ્પાદિક અર્પણ કરવાં. પછી સ્વસ્તિક આસને બેસી મૂર્તિના સન્મુખ દૃષ્ટિ રાખીને ‘સ્વામિનારાયણ’ એ ષડક્ષર મહામંત્ર છે તેનો જપ કરવો અથવા ‘બ્રહ્માહં કૃષ્ણદાસોઽસ્મિ’ આ અષ્ટાક્ષર જે મંત્ર છે તે ધર્મવંશી ગુરુ થકી પ્રાપ્ત કરીને તેનો જપ કરવો. (તે મંત્રની સમજૂતી ને જપવિધિ આગળ કહેવાશે.) જપ કર્યા પછી પ્રદક્ષિણા અને દંડવત્‌ - પ્રણામ કરવા. પછી બેસીને સ્તુતિ - પ્રાર્થના આ પ્રકારે કરવી જે :-

मा देह – गेह – द्रविणेषु बुद्धि – र्व्रजेद्भवत्‌ पादयुगं विहाय ।

अस्माकमित्येव हरेऽभियाचितं सम्पूरयाधीश भव प्रसन्नः ।।

હે હરે ! મારી બુદ્ધિ તમારા ચરણયુગલને ત્યાગ કરીને દેહ, ગેહ, દ્રવ્યાદિકમાં પ્રવેશ ન કરો. અને તમારામાં જ રહો એ જ અમે યાચના કરીએ છીએ. તે તમો પ્રસન્ન થઈને પૂર્ણ કરો અને તમારા ભક્તનો મન, વચન અને દેહે કરીને ક્યારેય દ્રોહ ન થાય ને અવગુણ ન આવે અને કુડાપંથી ને નાસ્તિક એ આદિ કુસંગથી અને કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આદિ દોષથી રક્ષા કરો. દુષ્ટ વાસના ને દેહાભિમાન થકી મુક્ત કરીને તમારી પાસે રાખો અથવા તમારી મૂર્તિમાં રાખો. આમ સ્તુતિ - પ્રાર્થના કરીને વિસર્જનનો શ્લોકરૂપ મંત્ર નીચે પ્રમાણે બોલવો.

स्वस्थानं गच्छ देवेश ! पूजामादाय मामकीम्‌ ।

इष्टकाम – प्रसिद्ध्यर्थं पुनरागमनाय च ।।

હે દેવેશ ! સર્વ અવતાર ને સર્વ મુક્તના નિયામક એવા તમોએ મારી પૂજા ગ્રહણ કરી, હવે તમો મારા હૃદયાકાશરૂપ તમારા દિવ્ય ધામમાં બિરાજો અને વળી મારા મનોરથ પૂરા કરવા ને દર્શન દેવા પુનઃ પધારશો, આ મારી પ્રાર્થના છે. આમ કહીને, પછી ‘શિક્ષાપત્રી’નો પાઠ કરી સમાપ્તિ કરવી.

શ્રીહરિની ચિત્રપ્રતિમાની પૂજાવિધિમાં ચિત્રમૂર્તિને જળથી સ્નાન, ચંદન વગેરે થઈ શકે નહિ પણ મૂર્તિને પ્રેમભાવથી માનસિક ઉપચાર કરવા તે થઈ શકે. તે શું તો (આદૌ ધ્યાનં)

श्रीमच्छारदपूर्णचन्द्रविलसत्‌ स्मेराननं श्रीहरिं...

આમ પ્રથમ ધ્યાન કરીને પછી નીચેના નામમંત્ર તથા આવાહન આદિના જે જે શ્લોક છે તે અતિ દીનતાએ કરીને બોલવા.

नाममंत्र

ॐ श्रीपूर्णपुरुषोत्तम–श्रीहरये नमः श्रीहरिमावाहयामि स्थापयामि ।। १ ।।

ॐ श्रीकृष्णाय नमः, श्रीकृष्णमासनं समर्पयामि ।। २ ।।

ॐ श्रीहरिकृष्णाय नमः, तं पाद्यं समर्पयामि ।। ३ ।।

ॐ श्रीनीलकंठाय नमः, तमर्ध्यं समर्पयामि ।। ४ ।।

ॐ श्रीघनश्यामाय नमः, तमाचमनीयं समर्पयामि ।। ५ ।।

ॐ श्रीसहजानंदाय नमः, तं मलापकर्ष–स्नानं सम०१ ।। ६ ।।

ॐ श्रीस्वामिनारायणाय नमः, तं पञ्‌चामृत–स्नानं सम० ।। ७ ।।

ॐ श्रीनारायणमुनये नमः, तं चन्दनं सम० ।। ८ ।।

ॐ श्रीपुरुषोत्तमाय नमः, तं तुलसीपत्राणि सम० ।। ९ ।।

ॐ श्रीसहजानंदस्वामिने नमः, तं स्तोत्रेण सह सततजलधारया महाभिषेक–स्नानमेव सम० ।। १० ।।

ॐ श्रीतेजःपुंजाक्षर-निवासिनेनमः, तं मार्जनं सम० ।। ११ ।।

ॐ श्रीमुक्त – अनादिमुक्त – स्वामिने नमः, तं वस्त्रोपवस्त्रे सम० ।। १२ ।।

ॐ श्रीसर्वाविर्भावकारणाय नमः, तं अत्तरचन्दन – तुलसीदलानि सम० ।। १३ ।।

ॐ श्रीभक्तिधर्मात्मजाय नमः, तं यज्ञोपवीतं सम० ।। १४ ।।

ॐ श्रीस्वांगप्रकाश–पुंजाक्षरधाम–निवासाय नमः, त दिव्य विविधवस्त्राणि सम० ।। १५ ।।

ॐ श्रीस्वामिनारायणाय नमः, तं विविध–दिव्याभूषणानि सम० ।। १६ ।।

ॐ श्रीमुक्त–अनादिमुक्ताधिपतये नमः, तं दिव्य-पुष्पालंकार द्वसम० ।। १७ ।।

ॐ श्रीअनादि–कृष्णनामक–भक्तिधर्मपुत्राय नमः, तं दिव्यधुपं सम० ।। १८ ।।

ॐ श्रीशिक्षापत्री–वचनामृत-शास्त्रास्वरूप–प्रत्यक्षाय नमः, तं दिव्य-दीपं सम० ।। १९ ।।

ॐ श्रीनित्यमुक्त–निवासाय नमः, तमपोशनं सम० ।। २१ ।।

ॐ श्रीअनादिमुक्तानंदाय नमः, तं मुखवासं सम० ।। २२ ।।

ॐ श्रीपरमैकांतिक–मुक्तमध्य–निवासाय नमः, तमारतीं सम० ।। २३ ।।

ॐ श्रीएकांतिक–भक्तार्थ–माविर्भावाय नमः, तं प्रदिक्षणां सम० ।। २४ ।।

ॐ श्रीनारायणाय नमः, तं साष्टांगप्रणामं सम० ।। २५ ।।

ॐ श्रीस्वामिनारायणाय नमः, स्तुतिं प्रार्थनां च सम० ।। २६ ।।

ચિત્રપ્રતિમા સ્વરૂપ શ્રીહરિને આ માનસિક ઉપચાર અર્પણ કરાય છે તેમાં કેટલાંક પ્રત્યક્ષ પ્રમાણ થઈ શકે એવાં હોય છે. તે જો ખાસ પૂજા સામગ્રી અનુકૂળ હોય ને શ્રદ્ધા - માહાત્મ્યથી થઈ શકે તો વિશેષ લાભ થાય ને જો તે અનુકૂળ ન હોય, ને તેમ ન થઈ શકે તો પણ મહાપ્રભુજી આપણી પૂજાને સંપૂર્ણ માને છે. અને જે ભક્તજન પ્રાતઃકાળમાં આવી રીતે અતિ પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર ને ગદગદ કંઠ થઈને શ્રીહરિજીની ચિત્રપ્રતિમાની પૂજા કરે છે તે ભક્ત ઉપર ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે ને આ લોકમાં પણ સુખિયા રહે છે ને છતે દેહે મૂર્તિના સુખને પામે છે. આ પ્રકારે ચિત્રપ્રતિમાનો પૂજાવિધિ સમાપ્ત થાય છે. હવે તેથી વિશેષ પૂજાવિધિ ને તેમના અધિકારી કોણ થઈ શકે તે કહીએ છીએ.