૧૦. સમાધિનું લક્ષણ

समाधिमष्टमं चांगं योगस्याऽथ वदामि सः ।

ध्यानाभ्यास–विवृद्धेन प्रेम्णा स्यान्मनसो हरौ ।। २२ ।।

एकैकावयवस्योक्तं पृथग्यच्चिंतनं हरेः ।

तत्तथा न प्रकृर्वीत सर्वां मूर्तिं विचिंतयेत्‌ ।। २३ ।।

नैरंतर्येण यन्मूर्तेः सर्वस्याश्चिन्तनं हरेः ।

स समाधिरिति प्रोक्तो योगांग योगवित्तमैः ।। २४ ।।

શ્રી સહજાનંદ સ્વામી મહાપ્રભુ યોગનું આઠમું અંગ જે સમાધિ છે તેને કહે છે : ધ્યાનના અભ્યાસથી વૃદ્ધિ પામેલો જે પ્રેમ તેણે કરીને શ્રીહરિને વિષે મનનો નિરોધ થાય છે (૨૨) ત્યારે શ્રીહરિના એક એક અંગનું જે પૃથક્‌ પૃથક્‌ ચિંતવન કરવારૂપ ધ્યાન ન કરે; પરંતુ શ્રીહરિની સમગ્ર મૂર્તિનું ધ્યાન કરે. ચઆને ધારણા કહેવાય છેૃ (૨૩). અને એવી રીતે ધ્યાન કરતાં કરતાં શ્રીહરિની સમગ્ર મૂર્તિનું જે નિરંતર ચિંતવન થાય તેને યોગને જાણનારા પુરુષોએ ‘સમાધિ’ (યોગની અંગભૂત સ્થિતિ) કહેલ છે (૨૪).

ध्येयाकारमनोवृत्ति-प्रवाहः सुचिरं तु यः ।

स संप्रज्ञातनामांगी समाधिः कथ्यते बुधैः ।। २५ ।।

ध्यानेंऽगे चांगिनि तथा समाधौ सूक्ष्मया दृशा ।

विशेषस्त्ववगतव्यः पक्वापक्वत्व-भेदतः ।। २६ ।।

यथा वेदमधीयानोऽधीतवेदश्च पूरुषः ।

वेदाध्यापक इत्येते क्रमाच्छ्रेष्टाः प्रकीर्तिताः ।। २७ ।।

तत्राऽथ ध्यानवाञ्‌छ्रेष्ठस्तस्मादंगसमाधिमान्‌ ।

तस्माच्छ्रेष्ठश्च कथितः संप्रज्ञात-समाधिमान्‌ ।। २८ ।।

ધ્યેય જે શ્રીજીની મૂર્તિ તે આકારે મનની વૃત્તિનો પ્રવાહ લાંબા સમય સુધી રહે તેને જ બુદ્ધિશાળી પુરુષે ‘સંપ્રજ્ઞાત નામે અંગી સમાધિ’ કહેલ છે (૨૫). અને ‘ધ્યાન’, તથા ‘અંગ સમાધિ’ ને ‘અંગી સમાધિ’ તેને વિષે પક્વ અપક્વપણાના ભેદે કરીને ન્યૂનાધિકપણું સૂક્ષ્મ દૃષ્ટિથી જાણવું (૨૬). જેમ વેદાભ્યાસી તથા વેદાભ્યાસ પારંગત તથા અન્યને વેદનો ભણાવનાર અધ્યાપક એ ત્રણ પ્રકારના પુરુષો અનુક્રમથી શ્રેષ્ઠ કહ્યા છે (૨૭). તેમ જ આ યોગની સ્થિતિમાં ધ્યાનવાનથી અંગ સમાધિમાન શ્રેષ્ઠ છે, તેથી અંગી સંપ્રજ્ઞાત સમાધિમાન શ્રેષ્ઠ કહ્યો છે (૨૮).

अंगीसमाधि–रेषोऽपि द्विधा संप्रोच्यते बुधैः ।

संप्रज्ञाताख्य एकोऽन्यस्त्वसंप्रज्ञात–संज्ञकः ।। ४० ।।

लक्षणं तत्र चाद्यस्य प्रोक्तमन्यस्य कीर्तये ।

चित्तस्य भूमिकास्तस्य प्रसंगाच्छृणु पंच च ।। ४१ ।।

બુદ્ધિશાળી પુરુષે આ અંગી સમાધિને સંપ્રજ્ઞાત ને અસંપ્રજ્ઞાત એમ બે પ્રકારે કહેલ છે (૪૦). તેમાં પ્રથમની સંપ્રજ્ઞાત સમાધિનું લક્ષણ કહ્યું. હવે બીજી અસંપ્રજ્ઞાત સમાધિનું લક્ષણ કહીએ છીએ, તેમાં પ્રસંગથી ચિત્તની પંચભૂમિકાને સાંભળો (૪૧).

क्षिप्तं मूढं च विक्षिप्त-मेकाग्रं रुद्धमेव च ।

चित्तं पंच विधं तेन तत्संज्ञा भूमिका अपि ।। ४२ ।।

વિષયભોગમાં આસક્ત એવા ચિત્તને ‘ક્ષિપ્ત’ કહ્યું છે અને નિદ્રા-તંદ્રાથી ગ્રસ્ત એવા ચિત્તને ‘મૂઢ’ જાણવું. ક્યારેક ધ્યાનયુક્ત ને ક્યારેક વિષયાસક્ત એવું ચિત્ત તે ‘વિક્ષિપ્ત’ જાણવું. ધ્યેય જે શ્રીજીની મૂર્તિ તેને આકારે જે ચિત્ત તે ‘એકાગ્ર’ કહ્યું છે. શ્રીજીની સળંગ મૂર્તિમાં રસબસભાવે લીન થઈ ગયું હોય તે ‘રુદ્ધ’ જાણવું. આ રીતે ચિત્ત પાંચ પ્રકારવાળું છે તેણે કરીને તે ચિત્તની ભૂમિકા પણ પાંચ પ્રકારની છે (૪૨).

आद्यद्वये तु शंकैव समाधेस्तत्र नास्ति हि ।

संदेहोऽस्ति च विक्षिप्ते क्वचित्क–ध्यानसंभवात्‌ ।। ४३ ।।

संप्रज्ञात-समाधिस्तु चितैकाग्र्‌ये समीरितः ।

रोधे तु सर्ववृत्तिना – मसंप्रज्ञात उच्यते ।। ४४ ।।

चेतसो विलये ह्यत्र हरावानंदवारिधौ ।

मग्नः किंचिन्‌ न जानाति बाह्यमाभ्यंतरं तथा ।। ४५ ।।

પ્રથમના બે પ્રકારવાળું ચિત્ત જે ‘ક્ષિપ્ત’ ને ‘મૂઢ’ એ બેમાં સમાધિ થાય જ નહિ. અને ‘વિક્ષિપ્ત’ ચિત્તમાં સમાધિ થવાનો સંદેહ છે; કેમ કે વિક્ષિપ્ત ચિત્તમાં ધ્યાનપ્રસંગ વીજળીના ઝબકારા જેવો હોઈ તથા વિક્ષિપ્ત ચિત્ત, શુદ્ધ સત્ત્વમૂલક નહિ હોવાના કારણે સમાધિને અનુકૂળ નથી (૪૩). અને ભગવાનને વિષે જ્યારે ચિત્તનું ‘એકાગ્રપણું’ હોય ત્યારે સંપ્રજ્ઞાત સમાધિ થાય છે અને જ્યારે સર્વ વૃત્તિઓનો શ્રીહરિની મૂર્તિમાં (‘રુદ્ધ’ ચિત્ત સમયે) નિરોધ થાય ત્યારે જ અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે (૪૪). જે અસંપ્રજ્ઞાત સમાધિમાં સુખના સાગર એવા શ્રીજીમહારાજ તેમાં ચિત્તનો લય થઈ જાય છે અને તે યોગી મૂર્તિમાં જ નિમગ્ન થકો બહારનું - અંદરનું કાંઈ પણ જાણતો નથી. અર્થાત્‌ એક મૂર્તિના સુખમાં જ થીજી રહે છે (૪૫).

व्युत्थानेऽस्य पुनश्चित-वृत्तिनां संभवोऽपि च ।

निरिन्धनाग्निवद्‌ ब्रह्मञ्‌छाम्यत्येव शनैः शनैः ।। ४६ ।।

ततो योगी प्रशांतात्मा ब्रह्मरुपतया स्थितः ।

अनिर्वाच्यं महानंदं हृदयेऽनुभवत्यसौ ।। ४७ ।।

હે બ્રહ્મન ! આ યોગીની ચિત્તવૃત્તિઓનું ફેર ઉત્થાન થવાનો સંભવ નથી, કેમ જે કાષ્ઠ વિનાના અગ્નિની માફક તેની વૃત્તિઓ ધીરે ધીરે શાંત થાય છે (૪૬). ત્યાર બાદ બ્રહ્મરૂપ ને પ્રશાંતાત્મા એવો તે યોગી હૃદયાકાશમાં શ્રીજીના સ્વરૂપ સંબંધી અનિર્વાચ્ય એવો મહા આનંદ તેને અનુભવે છે; કહેતાં શ્રીહરિજીની કૃપાથી મૂર્તિનું સુખ ભોગવે છે (૪૭).

આંહીં આવો પ્રશ્ન થાય છે જે અસંપ્રજ્ઞાત સમાધિ સિદ્ધ થાય છે તે અષ્ટાંગયોગના અનુક્રમે સાધન સિદ્ધ કરવાથી થાય છે માટે અષ્ટાંગયોગ સાધવો કે ધ્યાન જ કરવું ? આવી શંકાનું સમાધાન સત્સંગિજીવન - પ્ર. ૫ માં યોગોપદેશમાં જ કર્યું છે તે જુઓ :-

अष्टस्वंगेषु चैतेषु बहिरंगान्तरंगता ।

प्रोक्ता तत्राप्यन्तरंग-श्रेष्ठत्वं विद्धि समन्ते ! ।। २९ ।।

હે સન્મતે શતાનંદમુનિ ! પ્રથમ કહ્યા જે યમ-નિયમાદિ પાંચ તે બહિરંગ કહ્યાં છે ને ધ્યાન, ધારણા ને સમાધિ એ ત્રણ અંતરંગ કહ્યાં છે તેમાં અંતરંગ શ્રેષ્ઠ છે એમ તમે જાણો (૨૯).

पूर्वपुण्यौघसंस्कारै – रादावेव लभेत यः ।

अंतरंग स नो कुर्याद्‌ बहिरंगाप्तये श्रमम्‌ ।। ३० ।।

‘‘જે પુરુષ પૂર્વ જન્મમાં કરેલી સત્પુરુષની સેવા ને સ્વધર્માદિક સાધન તે રૂપ ઘણાક પુણ્યના સંસ્કાર, તેણે કરીને પ્રથમથી જ ધ્યાન, ધારણા ને સમાધિ - આ ત્રણ અંગને પ્રાપ્ત કર્યાં છે તે પુરુષે બહિરંગ જે યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર તેને પ્રાપ્ત કરવા પરિશ્રમ કરવો નહિ, અર્થાત્‌ ચતુર્અશીત વા ચતુર્દંશ આસન કરવાં તથા ધોતી ગળવી ને નેતી, બસ્તી, કુંજરક્રિયા ઇત્યાદિ માટે પરિશ્રમ કરવો નહિ; અર્થાત્‌ સકલ અષ્ટાંગયોગના સાધનનો પ્રયાસ છોડીને સત્પુરુષનો સમાગમ કરી, શ્રીજીમહારાજની સર્વોપરી આજ્ઞા-ઉપાસના દૃઢ કરવી ને વિષયાસક્તિનો ત્યાગ કરીને ‘અસંપ્રજ્ઞાત સમાધિ’ જે શ્રીજીની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યાં સુધી શ્રીજીની મૂર્તિના ધ્યાનનો જ અભ્યાસ કરવો.’’ આ પ્રકારે શ્રીજીમહારાજે શતાનંદમુનિને અષ્ટાંગયોગનું રહસ્ય કહ્યું છે (૩૦).