નિવેદન

‘સ્વાંગપ્રકાશરૂપ’ પોતાના તેજરૂપ અક્ષરધામને વિષે સદા દિવ્યસાકાર મૂર્તિમાન થકા વિરાજમાન અને એ ધામને વિશે પરમએકાંતિક મુક્ત ચોમેર બેઠા થકા જેમનાં દર્શન કરે છે અને અનાદિમુક્તને પોતાની મૂર્તિમાં રાખીને સુખ ભોગવાવે છે એવા, અને અક્ષરાતીત ને મન-વાણી થકી પર ને સર્વેને અગોચર તથા સત્ય સંકલ્પ એવા શ્રી પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી ભગવાન છે, એ જ પોતે કૃપા કરીને એમ ધારે છે જે, જ્ઞાની-અજ્ઞાની એવા જે મૃત્યુલોકનાં મનુષ્ય તે સર્વે મુને દેખો. એમ ધારીને જીવોનો મોક્ષ કરવા પ્રગટ થાય છે. આવા દિવ્યમૂર્તિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય પરાવાણીરૂપ મૂર્તિ આ શિક્ષાપત્રી ગ્રંથ છે એમ શ્રીજીમહારાજે પોતે શિ. શ્લો. ૨૧૦માં કહ્યું છે :-

‘मद्रूपमिति मद्वाणी मान्येयं परमादरात ।।’

આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એમ પરમ આદર થકી આ શિક્ષાપત્રી માનવી.

અને વળી આ શિક્ષાપત્રી એક પરોક્ષાર્થ અને બીજો પ્રત્યક્ષાર્થ એમ દ્વિઅર્થવાળી છે. તેમાં શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે : ‘સહજાનંદ સ્વામી હું મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું, તે શ્રીકૃષ્ણ કેવા છે તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે ને જેના વક્ષઃસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે.’ તથા શ્લોક ૧૦૮માં ‘શ્રીકૃષ્ણ આપણા ઇષ્ટદેવ છે’ તથા શ્લોક ૨૧૨માં ‘શ્રીકૃષ્ણ ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો.’ એમ જે શ્રીજીમહારાજે પરોક્ષપણે શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યા છે તે શ્રીજીમહારાજે પરોક્ષપણે શ્રીકૃષ્ણ ભગવાન નામે પોતાને જ કહ્યા છે અને રાધિકા તથા લક્ષ્મી નામે પોતાના પરમએકાંતિક તથા અનાદિમુક્તને કહ્યા છે. અને વૃંદાવન, ગોકુળ, મથુરા, દ્વારકા આદિ નામે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના સંત-હરિભક્ત સાથે જે સ્થાનમાં રમણ કર્યું છે એવા જે વન-પર્વત, છપૈયા, લોજ, ભુજ, ગઢપુર, શ્રીનગર, વડતાલ ને જેતલપુર આદિ શહેર - ગામ છે એમ સમજવું એ શ્રીજીમહારાજનો મુખ્ય સિદ્ધાંત છે ને प्रत्यक्षार्थ છે.

અને જે શ્રીકૃષ્ણ ભગવાનને વ્યાસજીએ ભાગવત આદિ શાસ્ત્રમાં ક્ષર-અક્ષરથી પર પુરુષોત્તમ પરબ્રહ્મ કહ્યા છે, અને વળી રાધિકાજી ને લક્ષ્મીજીના પતિ ને વસુદેવ-દેવકીના પુત્ર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે એમને જ શિક્ષાપત્રીમાં શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા છે એમ જે સમજવું તે परोक्षार्थ છે અને સામાન્ય સિદ્ધાંત છે. તેમ જ રાધિકાજી ને લક્ષ્મીજી પણ એ શ્રીકૃષ્ણ ભગવાનનાં સેવક છે એમ જે સમજવું અને વળી એ શ્રીકૃષ્ણ ભગવાનને રાધિકાજી ને લક્ષ્મીજી સાથે જે સ્થાનકમાં રમણ કર્યું છે એવાં જે ગોકુળ, વૃંદાવન, મથુરા ને દ્વારકા આદિ ગામ-પુર છે, તેને જ શિક્ષાપત્રી આદિ શાસ્ત્રમાં કહ્યાં છે એમ સમજાય એ પરોક્ષાર્થ અને શ્રીજીમહારાજનો સામાન્ય સિદ્ધાંત છે.

હવે શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત શ્રી શતાનંદ સ્વામી આદિ મોટા કવિઓ તેમણે શાસ્ત્રમાં પરોક્ષાર્થ જે સામાન્ય સિદ્ધાંત છે તે શા સારુ રાખ્યો છે, તો પરોક્ષ અવતારમાં પ્રીતિવાળા સામાન્ય મુમુક્ષુને પ્રત્યક્ષ શ્રી હરિકૃષ્ણ મહારાજને સન્મુખ આકર્ષવા સારુ જ રાખ્યો છે તે શિક્ષાપત્રીમાં જ કહ્યું છે જે :-

'सर्वजिवहितावहः’

આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે જીવને હિત કરનારી છે.

તેમ જ શ્રી સ્વામિનારાયણ ભગવાન ને તેમના અનાદિમુક્તોએ શ્રીજીમહારાજના અનન્ય એકાંતિક ભક્તને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડીને મૂર્તિનું સુખ પમાડવા સારું પ્રત્યક્ષાર્થ જે મુખ્ય સિદ્ધાંત તે પણ શાસ્ત્રમાં કહ્યો છે.

અને સર્વ કારણના કારણ, સર્વકર્તા પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે જ પોતાના ચરણકમળની સર્વોપરી ઉપાસનાએ સહિત શુદ્ધ સનાતન એકાંતિક ધર્મને જીવોના આત્યંતિક મોક્ષને અર્થે શિક્ષાપત્રી સ્વરૂપે પ્રગટ રહીને નિજાશ્રિતને સમજાવે છે, માટે શિક્ષાપત્રી ગ્રંથ સ્વતઃ પ્રમાણ છે તો પણ શિક્ષાપત્રી ગ્રંથકર્તા શતાનંદ સ્વામીએ સર્વ જીવના હિતને અર્થે શિક્ષાપત્રીની વ્યાખ્યા (ટીકા) રચી છે, તેમાં પરોક્ષ કહેતાં પૂર્ણકાળમાં પ્રગટ થયેલા જે મનુ તથા યાજ્ઞવલ્ક્યાદિ મહર્ષિઓ તેમણે રચેલી સ્મૃતિઓ તથા આદિ આચાર્ય શ્રી વ્યાસ ભગવાન તેમણે કરેલાં જે અષ્ટાદશ પુરાણ તથા મહાભારત, ભાગવત, ગીતા ને શિક્ષાપત્રીના ભાવાર્થની ઐક્યતા કરી છે અને શિક્ષાપત્રીની ઘણી જ મહત્તા ને વિશાળતા સમજાવી છે ને શિક્ષાપત્રીનું અનાદિ સનાતનપણું સમજાવ્યું છે, પણ એ ટીકા બહુધા પરોક્ષાર્થમાં સમાસ અર્થે છે અને કેટલાક શ્લોકની ટીકામાં પ્રત્યક્ષાર્થ પણ છે તે ૧૦૮ શ્લોકની ટીકામાં પ્રત્યક્ષાર્થ સમજાવવા સારુ આ શ્લોક મૂક્યો છે :

यः साक्षाद्भगवान्‌ क्षराक्षरपरः कृष्णः स एव स्वयं

भक्तो धमेत आस भूरिकृपया श्रीस्वामिनारायणः ।

मानुष्यं भुवि नाट्यन निज-जनाचार्यत्वधर्मे स्थितः

कृष्णं प्राह प्ररोक्षवन्न तु ततोन्यः सोऽस्ति यत्स स्वयम्‌ ।।

ક્ષર જે મૂળમાયા ને તેનું કાર્ય અને અક્ષર જે મૂર્તિમાન અક્ષરબ્રહ્મ જેને પાંચ ભેદમાં બ્રહ્મ કહ્યા છે, એ ક્ષર-અક્ષર થકી પર એટલે તેજઃપુંજરૂપ અક્ષરધામને વિષે ‘યઃ’ જે અનાદિ શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, એ જ પોતે અતિ કૃપા કરીને પૃથ્વીને વિષે ધર્મભક્તિ થકી શ્રી સ્વામિનારાયણ નામે પ્રગટ થયા છે અને પોતાનું અનાદિ શ્રીકૃષ્ણપણું ગુપ્ત રાખવું તે રૂપ મનુષ્યલીલાને કરતા થકા પોતાના આશ્રિતના ગુરુપણે વર્તે છે. એ હેતુ માટે અનાદિ શ્રીકૃષ્ણને પરોક્ષની માફક કહે છે; પરંતુ સર્વોપરી એવા અનાદિ શ્રીકૃષ્ણ થકી સહજાનંદ સ્વામી અન્ય કહેતાં પૃથક્‌ નથી,જે કારણપણા માટે સહજાનંદ સ્વામી પોતે જ રામ-કૃષ્ણાદિક અવતારના અવતારી સર્વોપરી અનાદિ શ્રીકૃષ્ણ ભગવાન છે, ઇત્યાદિ પ્રત્યક્ષાર્થ શિક્ષાપત્રીના ટીકાકર્તા અનાદિ સદગુરુ શતાનંદ સ્વામીએ પોતે જ જણાવેલ છે.

વળી શ્રી સ્વામિનારાયણના અનાદિમુક્ત બ્ર. વાસુદેવાનંદ સ્વામી, બ્ર. અખંડાનંદ સ્વામી, બ્ર. અચિંત્યાનંદ સ્વામી આદિ મહાન સંતોએ ‘સત્સંગિભૂષણ’, ‘શ્રીહરિચરિત્ર’ તથા ‘હરિલીલાકલ્પતરુ’ વગેરે મહામોટાં શાસ્ત્ર રચ્યાં છે, તેમાં શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના જન્મથી તે અંતર્ધાનપર્યંત ચરિત્ર તથા આચરણ એ સર્વે કહ્યા છે. અને એ શાસ્ત્રોમાં શ્રીજીમહારાજે પોતે જ પોતાની સર્વોપરી ઉપાસના તથા માહાત્મ્યે સહિત ભક્તિ કરવાનું કહ્યું છે. આમ શાસ્ત્રના પ્રમાણભૂત અને અતિ રહસ્યરૂપ એવાં વાક્યોથી શિક્ષાપત્રીના ભાવાર્થની પુષ્ટિ કરવામાં આવે તો પ્રત્યક્ષાર્થ સર્વને સમજવો સુગમ થાય.

શિક્ષાપત્રી રહસ્યની આ લઘુ પુસ્તિકાના શ્રાવણ-વાંચન-મનન-નિદિધ્યાસથી, શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમાશ્રિત માત્રને, શ્રીજીની શિક્ષાપત્રીની આ દિવ્ય પરાવાણી તે શ્રીજીની મૂર્તિ જ છે, એવું દિવ્યપણું દૃઢ થાય અને આજ્ઞા-ઉપાસનાનો સુમેળ સાધવાનું અલૌકિક બળ મળે એવું પ્રાર્થી વિરમું છું.

ઉત્તરાયણ

સં. ૨૦૧૬

પુરાણી સાધુ કેશવપ્રિયદાસ

સ્વામિનારાયણ મંદિર અમદાવાદ.