૮. આધ્યાત્મિક દિવ્ય જીવન
મુક્તરાજનું સમગ્ર જીવન આધ્યાત્મિક અને દિવ્ય હતું. તેમનું દરેક કાર્ય, વાણી, વર્તન, ક્રિયા આધ્યાત્મિક જ. અખંડ અંતર્વૃત્તિ તેમને સહજ હતી. અખંડ ધ્યાનમાં જ તેઓ રહેતા. દરેક કાર્ય પ્રભુના સ્વરૂપમાં વૃત્તિ રાખીને કરતા. જો કે અનાદિમુક્તમાં રહીને તો ભગવાન પોતે કાર્ય કરતા હોય છે અને મુક્ત એ પ્રભુના સુખમાં અખંડ નિમગ્ન રહે છે. તેમ છતાં મુક્તરાજ જીવોની શિક્ષાર્થે દરેક કાર્ય કરતા અને જીવોને શીખવતા કે કઈ રીતે અખંડ તેલધારાવત્ વૃત્તિ ભગવાનમાં રાખવી અને ભગવાનમાં વૃત્તિ રાખીને કઈ રીતે દરેક કાર્ય સંપૂર્ણ ચોકસાઈપૂર્વક કરવું. પોતાના વર્તન દ્વારા તે શીખવતા.
પોતે સ્વતંત્ર અનાદિમુક્ત હતા. બીજા જીવોની જેમ તેમને સેવા-ભક્તિ દ્વારા પોતાના ચૈતન્યનો ઉત્કર્ષ સાધવાની આવશ્યકતા નહોતી. છતાં ય અવરભાવની દૃષ્ટિએ આ લોકમાં પધાર્યા, માટે આ લોકની રીતિ પ્રમાણે સદગુરુ શ્રી ભગવત્સ્વરૂપદાસજી સ્વામી તથા સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા.
સદગુરુ શ્રી ભગવત્સ્વરૂપદાસજી સ્વામીએ પણ મુક્તરાજને કંઠી બાંધી વર્તમાન ધરાવ્યાં હતાં. મુક્તરાજ નાના હતા ત્યારે મહારાજના અલૌકિક પ્રતાપ તથા મહિમાની ઘણી વાતો સ્વામી કરતા. આ સદગુરુ મહાસમર્થ હતા. ત્રણે અવસ્થામાં ભગવાનની મૂર્તિ અખંડ દેખતા. તેમને વચનામૃતના શબ્દે-શબ્દ કંઠસ્થ હતા. તેઓ કેરી, કેળા, ચીકુ વગેરે ફળો પ્રતિમા સ્વરૂપને ધરાવતા તે મહારાજ પ્રતિમા સ્વરૂપમાંથી પ્રગટ થઈ પ્રત્યક્ષપણે ગ્રહણ કરતા. બાપાશ્રીએ તેમને મહારાજની વ્યતિરેક મૂર્તિનો સાક્ષાત્કાર છપૈયા મંદિરમાં કરાવ્યો હતો. ત્યાર પછી તેઓ સદાય એ મૂર્તિનું દિવ્ય સુખ ભોગવતા. આવા મહાસમર્થ સદગુરુ મુક્તરાજના ગુરુ હતા. તેઓએ જ્યારે છેલ્લો મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે મુક્તરાજે સ્વામીશ્રીની અંતઃપૂર્વક દિવ્યભાવે સહિત સેવા કરી. સંતો અને હરિભક્તોએ મુક્તરાજને કહ્યું, "બધાને સમાસ થાય તે માટે તમે સમાધિ કરી મહારાજને પૂછી જુઓ કે સ્વામીશ્રીને ક્યારે ધામમાં તેડી જશે?" મુક્તરાજે સમાધિ કરી મહારાજને અંતર્વૃત્તિએ પૂછીને કહ્યું, "ચાર વાગે મહારાજ સ્વામીશ્રીને તેડી જશે." તે પ્રમાણે જ મહારાજ સદગુરુશ્રીને સવારના ચાર વાગે તેડી ગયા ને મૂર્તિને સુખે સુખિયા કર્યા. તે વખતે મહારાજે સદગુરુ દ્વારા દેહના ભાવ દેખાડ્યા અને મુક્તરાજે સ્વામીશ્રીના એ અંતિમ સમયમાં શ્રદ્ધાપૂર્વક સેવા કરી. જીવોને શીખવ્યું, પોતાના ગુરુને પોતાના આત્મિયજન કરતાં પણ વધુ માની, ભગવાનની સેવા માનીને કરવી. મહાસમર્થ સદગુરુશ્રીની દિવ્યભાવે સેવા કરી મુક્તરાજે તેમનો રાજીપો પ્રાપ્ત કર્યો. ધ્રાંગધ્રામાં ભોગાવો નદી પાસે સ્વામીશ્રીની દેરી છે. આજે પણ શ્રદ્ધાએ સહિત ત્યાં જઈને જે કોઈ શુભ સંકલ્પ કરે તેના સંકલ્પ સત્ય થાય છે.
અનાદિમુક્ત પૂર્ણ જ હોય છે. તેઓ અખંડ મહારાજની મૂર્તિના રોમેરોમનું સુખ ભોગવતા હોય છે, માટે તેમને તે સુખના જ્ઞાનની આવશ્યકતા હોતી નથી. તેમ છતાં અવરભાવમાં સદગુરુ સ્વામીશ્રી વૃંદાવનદાસજી સ્વામીને પોતાના જ્ઞાનગુરુ તરીકે સ્વીકાર્યા.
સ્વામીશ્રી ભગવત્સ્વરૂપદાસજીએ એક વખત મુક્તરાજને સદગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી મંદવાડ જણાવતા હોવાથી તેમના દર્શન કરી આવવાનું કહ્યું હતું. મુક્તરાજ અને તેમના ભાઈ ડૉ. અમૃતલાલભાઈ બંને સ્વામીનાં દર્શને અમદાવાદ વાડજમાં ચાંપાનેર સોસાયટીમાં એક હરિભક્તના મકાનમાં ગયા. સ્વામીશ્રીનાં દર્શન કરી રાત ત્યાં જ રોકાયા. વહેલી સવારે અગાશી પરથી નીચે ચોકમાં સ્વામીશ્રી સાજા હોય અને આંટા મારતા હોય તેવા બંને ભાઈઓને દર્શન થયાં. નીચે આવી જોયું તો સ્વામીશ્રી પથારીવશ હતા. આમ તેમણે જણાવ્યું કે મંદવાડ તો દેખાડવા માત્ર છે; બાકી તે મુક્તોને નડી શકતો નથી. તેમણે મુક્તરાજને નજીક બોલાવી કાનમાં કહ્યું, "મારાથી બોલી શકાય તેમ નથી. તમે સદગુરુ વૃંદાવનદાસજી પાસે જાઓ તેઓ તમને છેલ્લા વર્તમાન સમજાવશે." મુક્તરાજ સદગુરુ સ્વામીશ્રી વૃંદાવનદાસજી પાસે ગયા. સ્વામીએ છેલ્લા વર્તમાન વિષે જાણો છો? એમ પૂછતા મુક્તરાજે હા પાડીને કહ્યું, "મને ખબર છે. એમાં શું? મને તો અખંડ મહારાજની મૂર્તિ પણ દેખાય છે. અને મૂર્તિનું સુખ પણ આવે છે." વૃંદાવનદાસજી સ્વામી મર્મમાં હસ્યા અને બોલ્યા, "હજી તો સમુદ્રના જળમાં પગની પેની ડૂબી છે ને છબછબિયાં કરો છો, તેમાં આટલો આનંદ! સુખના મહાસાગરમાં ડૂબકી લગાવશો ત્યારે ખરી ખબર પડશે." એમ કહી અનાદિમુક્તની સ્થિતિ સમજાવી ને પ્રતિલોમ ધ્યાન કરાવી મહારાજના દિવ્ય સાક્ષાત્કાર દર્શન કરાવ્યા. પછી બોલ્યા, "આને છેલ્લા વર્તમાન કહેવાય." મુક્તરાજની તો પ્રથમથી જ એવી દિવ્ય સ્થિતિ હતી અને તેઓ અખંડ એવા દર્શન કરતા જ હતા, છતાં ય સ્વામીશ્રીએ જ્યારે તેમને દિવ્ય દર્શન કરાવ્યા ત્યારે ઘણા રાજી થયા. સ્વામીશ્રીએ દર્શન કરાવ્યા એ પહેલાં પોતે કોઈને એ વિષે જણાવતા નહિ, પરંતુ પછી તો બધાને જાણ થઈ કે મુક્તરાજને તો સદાય એવી અલૌકિક સ્થિતિ વર્તે છે.