૧૧. મુક્તરાજનું વ્યક્તિત્વ, કલ્યાણકારી ઉદાત્ત ગુણો અને સાર્મથ્ય

0:000:00

મુક્તરાજ મધ્યમ કદના છતાંય સશક્ત, વિશાળ ભાલ, આંખોમાં કરુણા અને તેજસ્વી મુખારવિંદ ધરાવતા. પહેરવેશ સાવ સાદો. ઘરમાં પહેરણ, ઝભ્ભો અને લેંઘો પહેરે અને બહાર જાય ત્યારે ખાદીની ટોપી, ઝભ્ભો, ધોતિયું અને પગમાં સ્લીપર ધારણ કરતા. ચાલે ત્યારે એક લાઈનમાં પગલાં પડે. મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખી અંતર્વૃત્તિએ અર્ધબીડેલી આંખે ખૂબ જ ઝડપથી ચાલતા. બાહરી વ્યક્તિત્વ સાવ સાદું, જાણે મૂર્તિમાન સાદગી ઝળહળતી હોય! વ્યક્તિત્વ એવું આકર્ષક કે ગમે તે વ્યક્તિ હોય, તેમના તરફ આકર્ષાઈ પ્રભાવિત થયા વગર રહી શકતી નહિ. ઘણાને એવા અનુભવો છે કે મુક્તરાજનાં દર્શને જાય ત્યારે મુક્તરાજના સ્વરૂપમાંથી તેજ નીકળતું હોય, દિવ્ય સૌરભ વહેતી હોય. મુક્તરાજની રહેણી-કરણી, પહેરવેશ, ભોજન બધું જ સાદું, સુઘડ ને સુવ્યવસ્થિત.

સત્સંગમંડળ મુક્તરાજને 'મામા'ના હુલામણા નામથી સંબોધતું. આ લોકમાં મા જેમ પોતાના બાળકને સાચવે છે, તેમ મુક્તરાજ પણ અવરભાવમાં માતાની જેમ જીવોની સાંસારિક મુશ્કેલીઓથી રક્ષા કરતા અને માની જેમ જ સાચવીને જીવોનો મોક્ષ કરી પરભાવનું સુખ પણ આપતા. બંને પ્રકારે સુખ આપે, તેથી બે વખત 'મા' 'મા'. આ લોક અને પરલોક બંનેમાં સુખિયા કરે એવા અલૌકિક મા એટલે મામા. આવું જ અર્થઘટન તેમના માટે ઉચિત ગણાય.

નાના કે મોટા ગમે તે સંત હોય, મુક્તરાજ તેમને દંડવત કરે, પગે લાગે. વિનમ્રભાવે બોલાવે, સંતોને ધોતિયાં ઓઢાડે, ફળો આપે. દરેક હરિભક્તનું આતિથ્ય કરે, કોઈ આવે તો ઊભા થાય, આવકાર આપે, તેમને ચાંદલો કરે, હાર પહેરાવે, તેમને કંઈક પ્રસાદી જમાડીને જ મોકલે. કોઈ ના પાડે તો ફળો, લીંબુપાણી વગેરે મહારાજને ધરાવીને આપે. દરેક નાની-મોટી વ્યક્તિને તમે કહીને જ આદરપૂર્વક બોલાવે. તહેવારો આવે ત્યારે દરેકને પૈસા પ્રસાદીના કરીને આપે. દુઃખી ને વ્યથિત લોકોને વિનમ્ર અને મધુર વાણીમાં આશ્વાસન આપે, જેથી તેઓનું અર્ધું દુઃખ ત્યાં જ દૂર થઈ જતું.

'કોઈને દુઃખિયો રે દેખી ન ખમાય' એ ઉક્તિ અનુસાર કોઈને દુઃખી જુએ તો પોતે ગળગળા થઈ જાય, તેમને ચરણરજ આપે, તેઓનું દુઃખ દૂર કરવા મહારાજને પ્રાર્થના કરે, તેઓનાં દુઃખ દૂર થાય ત્યારે તેમને શાંતિ થાય, જેઓ દૂર રહેતા હોય તેમને ફોન દ્વારા પણ સમાચાર પૂછે. હિતશત્રુઓ અને તેજોદ્વેષીઓ ક્યારેક વિઘ્નકર્તા બને ત્યારે સમર્થ થકા જરણા કરતા અને તેવા જીવો પ્રત્યે પણ કરુણા દર્શાવી ક્ષમા આપતા. ક્યારેક પોતે એમ પણ કહેતા, "જો હું ખરો અનાદિમુક્ત હોઉં તો મારો દ્વેષ કરનાર કે અપરાધ કરનારનું પહેલું કલ્યાણ કરું." અહો! મુક્તરાજની કેવી વિશાળ ભાવના અને કેવી સહૃદયતા!! સત્સંગમાં સદાય દાસભાવ રાખે. જ્યારે કોઈને પત્ર લખે કે કોઈ લખાણ લખે ત્યારે 'સત્સંગનો દાસાનુદાસ' કે પછી 'દીનદાસ' એવું લખે, અને 'દંડવત્ સહિત સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ' એવું પણ લખે. પોતાને ઉદ્ઘોષ જરા ય ગમે નહિ. પોતાના પ્રાગટ્ય દિન નિમિત્તે અથવા કોઈ શુભ પ્રસંગે મુક્તમંડળ હાર પહેરાવવા જાય તો ઘણો જ અણગમો દર્શાવે અને મહારાજને અડાડી હરિભક્તોને જ તે હાર પાછો પહેરાવી દે.

વાણી વર્તનમાં એકતા પણ એવી જ. પોતે જે ઉપદેશ આપતા તે તેમના વર્તનમાં મૂર્તિમાન જણાઈ આવતું. વાણી-વર્તનમાં હંમેશા સત્યનું પાલન કરતા. પ્રામાણિક પણ શતપ્રતિશત. નોકરી કરતા ત્યારે પોતાના કામથી કોઈને પત્ર લખવો હોય તો ત્યારે પોતાનો જ કાગળ વાપરે, તે વખતે ઑફિસની ટાંકણી પણ વાપરે નહિ. આવું બીજાને પણ શીખવતા, ધર્માદાનો એક પણ પૈસો ગેરવલે જવો જોઈએ નહિ. પોતાની કમાણીના પૈસા પણ પ્રભુના જ છે, તેથી તેનો પણ દુરુપયોગ ન થવો જોઈએ તેમ કહેતા. નૈતિકતાના તો પ્રખર હિમાયતી હતા.

નીડર પણ એવા જ. વિદ્યાર્થીકાળમાં 1942ની સ્વાતંત્ર્યતાની ચળવળમાં પોતે ભાગ લીધેલો. લોકચેતના જાગૃત થાય અને દેશપ્રેમ વધે તેવાં પ્રવચનો પોતે કરતાં. મદ્રાસમાં જ્યારે તેમના રિસર્ચ પેપરને મળેલ રાષ્ટ્રીય એવૉર્ડ લેવા ગયા ત્યારે ત્યાં કોંગ્રેસ વિરોધી આંદોલન ચાલતું હતું. મુક્તરાજની ટોપી જોઈ તેમને કોંગ્રેસી ધારી છોકરાઓ ઘેરી વળ્યા. મુક્તરાજે નીડરતાપૂર્વક શાંતચિત્તે તેઓને અંગ્રેજીમાં એવું સરસ રીતે સમજાવ્યું કે છોકરાઓ શાંત થઈ ગયા અને મુક્તરાજથી પ્રભાવિત થઈ ગયા. ધર્મશુદ્ધિ અને વહીવટશુદ્ધિની કોઈ બાબત હોય ત્યારે નીડર થઈ ગમે તેને સ્પષ્ટપણે કહી દેતા. તેમાં કોઈની શેહશરમ રાખતા નહિ.

પોતે દીર્ઘદૃષ્ટિ વાપરી લાંબુ વિચારીને જ લોકોને વ્યાવહારિક કે આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. તેમને ભૂત-ભવિષ્ય અને વર્તમાન હસ્તામળ હતા. ઘણી વાર ભવિષ્યમાં આમ થશે એવું પહેલેથી કહી દેતા. તે પછી તેમ જ થતું. ઘણી વખત અનિવાર્ય સંજોગોમાં પોતે મહારાજને પ્રાર્થના કરી વાતાવરણ પણ બદલી નાખતા. વરસાદ ન પડતો હોય તો વરસાદ વરસાવતા તો કોઈ વખત વધારે વરસાદ પડતો હોય તો બંધ પણ કરતા. જીવોને વર્તમાન ધરાવી કંઠી બાંધીને તેમનાં કેટલાય જન્મોનાં પ્રારબ્ધ બાળી આવરણો ટાળી નાખતા, પ્રસાદીની કરીને મૂર્તિ આપે તેમાં ઘણા મુમુક્ષુઓને દિવ્યતા જણાઈ આવતી. પ. પૂ. બાપાશ્રીના સાર્ધશતાબ્દી મહોત્સવ વખતે મહારાજને પ્રાર્થના કરી પ્લેગ રોગ દૂર કરાવ્યો અને મહારાજના પ્રતાપથી એવો ચમત્કાર જણાવ્યો કે ત્યારે કોઈ માંદુ પડ્યું જ નહિ. બલ્કે જે માંદા દર્શને આવ્યા તેઓનો મંદવાડ પણ ત્યાં આવવાથી દૂર થઈ ગયો. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનો અભિષેક મુક્તરાજે કર્યો ત્યારે બાપાશ્રીની મૂર્તિમાં એની મેળે અભિષેક થવા લાગ્યો. તેવા હાજર રહેલાં હજારો લોકોને દર્શન થયાં. એવો જ અભિષેક મુક્તરાજના અમદાવાદના ઘરમાં એ જ વખતે બાપાશ્રીની મૂર્તિમાં પણ થયો હતો. મુક્તરાજે આ યજ્ઞમાં પ્રસન્ન થઈ બધાને છેલ્લા જન્મના આશીર્વાદ આપી જીવો પર કૃપા વરસાવી સૌને ન્યાલ કરી દીધા. પોતે અંતર્ધાન થયા પહેલાં અને પછી ઘણા સમય સુધી ચંદનની વૃષ્ટિ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન ને તેની આજુબાજુની જગ્યામાં ચાલુ રહી.

આમ પરમાત્માના દરેક કલ્યાણકારી ઉદાત્ત ગુણો તથા અનંત સાર્મથ્ય મુક્તરાજમાં સહજપણે વર્તતા.