૧૫. મંદવાડની અલૌકિક લીલા
શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ કિલ્લોલ કરનારા શ્રીહરિના પરમ લાડીલા અનાદિમુક્ત પ્રભુના સંકલ્પથી અવની પર સ્વતંત્રપણે પધારી અનેક મનુષ્યલીલા દ્વારા દયાએ કરીને અનેક જીવોને મૂર્તિને સુખે સુખિયા કરે છે. તેમના દ્વારા શ્રીજીમહારાજ દરેક કાર્ય કરતા હોવાથી મુક્તની સેવા તે મહારાજની જ સેવા ગણાય અને મુક્તનો રાજીપો તે મહારાજનો જ રાજીપો ગણાય. સેવા ભક્તિના અંગવાળા હરિભક્તોને સેવાનો દુર્લભ અને અલભ્ય લાભ પ્રાપ્ત થાય તે માટે મુક્ત મંદવાડ ગ્રહણ કરે છે. અક્ષમ્ય પ્રારબ્ધનાં અભેદ આવરણો જે જીવને વળગી રહ્યાં હોય તે પોતાના દેહ પર લેતા હોય તેવો ભાવ દેખાડી જીવ માટે મોક્ષનો માર્ગ મોકળો કરી આપે છે. તે પ્રારબ્ધકર્મોની અસર પોતાના દેહ પર અવરભાવમાં જણાવે છે. તેમાં પોતાને કોઈ પ્રકારની પીડા કે દુઃખનો અનુભવ નથી થતો, પણ કૃપાપાત્રોને મંદવાડની લીલા દ્વારા અલૌકિક સંભારણું કરાવી આપે છે.
મુક્તરાજ સુરતમાં ભણતા ત્યારે ન્યૂમોનિયા ગ્રહણ કરેલો જે પાટણ ગયા ત્યાં સુધી લંબાવેલો. પછી હરિભક્તોની પ્રાર્થના સ્વીકારી સ્વતંત્રપણે મંદવાડને રજા આપી હતી. અમદાવાદમાં એક વખત ટાઇફૉઇડનો મંદવાડ ગ્રહણ કર્યો હતો. તે મંદવાડ પણ લાંબો ચલાવ્યો હતો અને પછી સ્વતંત્રપણે તેનો ત્યાગ કર્યો. ઘણી વખત મેલેરિયા જેવા તાવ પણ ગ્રહણ કરતા અને મરજી થાય ત્યારે ત્યાગ કરતા. આવું સ્વતંત્રપણે કરતા, જેથી ડૉક્ટર પણ નવાઈ પામતા અને મુક્તરાજને ભગવાનના મોટા સંતપુરુષ જાણતા. એવી જ રીતે ઈ. સ. 1991 27મી જાન્યુઆરીના દિવસે મુક્તરાજે શરીરમાં હૃદયરોગના હુમલાનું દર્દ દેખાડ્યું. પંદર દિવસ હૉસ્પિટલમાં રહી કેટલાય મુમુક્ષુઓને સેવાનો અનેરો લાભ આપી, તેમનાં પ્રારબ્ધકર્મો ઓછાં કરી, તેમને પ્રભુની વધુ નજીક પહોંચાડ્યા. મુક્તરાજના મંદવાડ દરમ્યાન હૉસ્પિટલમાં રહેલા બધા ગંભીર હૃદયરોગવાળા દર્દીઓ પણ સાજા થઈ ગયા હતા. આ મંદવાડમાં પણ જ્યારે હરિભક્તોની પ્રાર્થનાથી પોતે મંદવાડને રજા આપી દીધી છે એમ જણાવ્યા બાદ સારું થવા લાગ્યું હોય તેવું દેખાડ્યું. આવું જોઈ ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમના મુખમાંથી 'ઇમ્પોસીબલ' (અસંભવ) શબ્દો સરી પડ્યા. મંદવાડ તેમને આધીન હોય તેમ મુક્તરાજ ઇચ્છે ત્યારે વધે અને તેઓ ઇચ્છે ત્યારે ઘટે અને ઇચ્છે ત્યારે દૂર પણ થઈ જાય. હૉસ્પિટલમાં એક મુસ્લિમભાઈને મુક્તરાજના સ્વરૂપમાંથી તેજ નીકળતું હોય તેવા દિવ્ય દર્શન થયાં. આથી તેઓ કહેવા લાગ્યા, "આ તો 'અલ્લાહ' છે." મુક્તરાજ શિક્ષણક્ષેત્રમાં હતા ત્યારે વર્ગના પિરિયડ લેવામાં, મિટિંગોમાં ઘણો સમય સતત બોલવાનું રહેતું. ત્યાર બાદ સત્સંગ સભાઓને સંબોધન કરવામાં તથા પ્રવચનો આપવામાં તેમ જ હરિભક્તો સાથે વાર્તાલાપ અને જ્ઞાનોપદેશ કરવામાં સતત વાણીનો ઉપયોગ થતાં લાંબા ગાળે તેમને ગળાના સ્વરતંતુઓમાં સોજો આવી ગયેલો. આ સોજાને લઈને બોલવામાં તકલીફ થતી, સ્પષ્ટ અવાજ ન નીકળે, તાણીને બોલવું પડે, આમ હોવા છતાં કરુણા કરી જીવોના ઉદ્ધાર માટે ને કલ્યાણકારી પ્રવૃત્તિ માટે બોલવું તો પડે જ. તેથી પોતાની તકલીફને અવગણીને પણ એ પ્રવૃત્તિ ચાલુ જ રાખી. ગળાની તકલીફ છેવટ સુધી દેખાડી, તેમ છતાં જ્યારે પોતે ઇચ્છા કરે ત્યારે સ્વતંત્રપણે આ તકલીફ દૂર કરી સ્પષ્ટ અવાજમાં કલાકો સુધી બોલતા.
આમ મુક્તરાજ જીવોના કલ્યાણાર્થે સ્વતંત્રપણે મંદવાડ ગ્રહણ કરતા અને ત્યાગ પણ કરતા.