૧૦. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનની સ્થાપના

0:000:00

મુક્તરાજ સરસપુર તળિયાની પોળમાં રહેતા હતા ત્યાંથી ઈ. સ. 1967ના જાન્યુઆરી મહિનામાં સર્વમંગલ સોસાયટીમાં રહેવા આવ્યા. સોસાયટીમાં ઘર માટે ડ્રો કર્યો તેમાં સર્વ સત્સંગમાં અગ્રગણ્ય મુક્તરાજને એક નંબરનું ઘર મળ્યું. સર્વમંગલમાં રહેવા આવ્યા ત્યારથી મુક્તરાજના મનમાં સર્વજીવહિતાવહ તથા સર્વમંગલ કાર્ય કરવાની ઇચ્છા હતી. પોતે તેવાં કાર્યો નાના પાયે તો કરતા જ હતા, પરંતુ તેમના સંકલ્પ પ્રમાણેનું સાકાર સ્વરૂપ તો તેમને થોડાં વર્ષ બાદ પ્રદાન થયું.

ઈ. સ. 1977માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈના મનમાં સર્વજીવહિતાવહ તથા સર્વમંગલ કાર્ય કરવાનો સંકલ્પ હતો. પોતે તેવાં કાર્યો નાના પાયે તો કરતા જ હતા, પરંતુ મુક્તરાજને સમગ્ર જનસમુદાય માટે વિશેષ કંઈક કરવાની ઇચ્છા હતી, જેમાં જીવન ઉત્કર્ષના વિકાસલક્ષી કાર્યો જેની અંદર સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કાયમ ચાલતી રહે અને જીવોનું ઊર્ધ્વીકરણ થતું રહે. આ માટે એક સંસ્થા સ્થાપવાનો મુક્તરાજનો વિચાર હતો. મનના વિચારો શ્રીજીમહારાજ સમક્ષ પ્રગટ કરવા તેઓ કાળુપુર, શ્રી સ્વામિનારાયણ મંદિરે રંગમહોલના ઘનશ્યામ મહારાજના દર્શન કરવા ગયા. ત્યાં જ મહારાજની પ્રત્યક્ષ પ્રેરણા થઈ અને મહારાજે આશીર્વાદ આપ્યા. મહારાજે પોતે સંસ્થાનું નામ પણ સૂચવ્યું 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' આવું દિવ્યરૂપે લખીને મહારાજે પોતાના દિવ્ય હસ્તાક્ષરમાં અનુમતિની મહોર પણ મારી આપી. મહારાજ તરફથી અનુમોદન મળતાં અત્યંત આનંદિત થઈ તા. 8 ઑક્ટોબર ઈ. સ. 1981 વિજ્યા દશમીના શુભ દિને મુક્તરાજે 'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન'ની સ્થાપના કરી. સત્સંગ સમાજમાં પ્રતિષ્ઠિત, સાધન સંપન્ન, આગેવાન અને શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય નિષ્ઠાવાળા તથા મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ વિશે સ્નેહભાવ ધરાવતા એવા હેતરૂચિવાળા હરિભક્તોનું સંસ્થાના ટ્રસ્ટીઓ તરીકે મંડળ રચી ચૅરિટી કમિશ્નરશ્રીની કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિઃસ્વાર્થ વગેરે સાધુતાના ગુણોથી અભિભૂત એવા સંતવિભૂતિ પૂજ્યશ્રી નારાયણભાઈને સત્સંગ સમાજે સંસ્થાના આજીવન પ્રમુખ તરીકે સ્થાપ્યા. સંસ્થાનાં વિકાસલક્ષી કાર્યો માટે ફાળો આપવાની શરૂઆત પૂજ્યશ્રી નારાયણભાઈ દ્વારા થઈ, ત્યાર બાદ તેમની પ્રેરણા લઈ ધીમે ધીમે અન્ય દાતાઓ સક્રિય થતા ગયા. મિશનમાં ફાળા માટે મુક્તરાજે ક્યારેય કોઈ પાસે હાથ લાંબો કર્યો નહોતો. દાતાઓ સ્વેચ્છાએ મિશનની કલ્યાણકારી પ્રવૃત્તિઓ જોઈ તન, મન, ધનથી સેવા આપવા આકર્ષાયા. શ્રીજીમહારાજની પ્રેરણાથી અને મુક્તરાજના બળવાન સંકલ્પથી શુભ સંસ્કારોવાળા પ્રતિષ્ઠિત અને ભણેલા હરિભક્તોનો એક વર્ગ પણ મુક્તરાજના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનને સેવા અર્પણ કરવા તૈયાર થયો અને સર્વજીવહિતાવહ કાર્યોનું સદાવ્રત શરૂ થયું.

હેતુ અને ઉદ્દેશો

મિશનની સ્થાપના કરી ત્યારે જ મુક્તરાજે તેના ઉદાત્ત હેતુઓ, આદર્શ ઉદ્દેશો અને મિશનની પ્રવૃત્તિઓ વિષે સુંદર માળખું તૈયાર કરી રાખ્યું હતું, જેથી સુવ્યવસ્થિત રીતે અવિરતપણે કાર્ય પ્રવાહ વહેતો રહે. આ મિશન ટ્રસ્ટમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સિદ્ધાંતોનુસાર માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલુ કરી. જેના દ્વારા સુંદર ચારિત્ર્ય ઘડતર થઈ જીવનનો સર્વોચ્ચ ધ્યેય જે પ્રભુ પ્રાપ્તિ તથા આત્યંતિક કલ્યાણ થાય તેવા ઉદાત્ત હેતુ, આ મિશનની સ્થાપના પાછળ અભિપ્રેત છે.

ઉદ્દેશો

શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વજીવહિતાવહ સંદેશ અનુસાર માનવજાતના શ્રેય અને પ્રેય માટે--

(ક) સેવા-સદાવ્રતના આદર્શો અનુસાર ભેદભાવ વિના આર્થિક મૂંઝવણ અનુભવતાં ભાઈ-બહેનોને જરૂરી રાહત પહોંચાડવી;

(ખ) આરોગ્યપ્રસારની માર્ગદર્શક વ્યવસ્થા અને રોગોપચારનાં સારવાર કેન્દ્રો -- ઔષધાલયો સ્થાપવાં- ચલાવવાં, અગર એવું કાર્ય કરતી સંસ્થાઓને સહાયરૂપ થવું;

(ગ) આત્મિક શાંતિ અને માનવતાની ભીનાશ રેલાવતાં મંદિરો, સત્પુરુષોનાં સ્મારકકેન્દ્રો વગેરેનાં નિર્માણ--નિભાવ--વિકાસ કરવાં;

(ઘ) જીવનઘડતરમાં ઉપયોગી સાહિત્ય અને કલાના વિકાસકાર્યને ઉત્તેજન આપવું;

(ચ) સમ્યક્ અભ્યાસ માટે પુસ્તકાલય, સંગ્રહાલય, સંશોધનકેન્દ્ર સ્થાપવાં-ચલાવવાં અગર એવા એકમોને મદદરૂપ થવું;

(છ) સર્વસમન્વય સધાય એવાં સાંસ્કારિક અને તત્ત્વજ્ઞાનવિષયક પ્રકાશનો પ્રસિદ્ધ કરવાં અને તે વડે જનસમુદાયનો ઊર્ધ્વગામી વિકાસ સાધવામાં મદદરૂપ થવું;

અને એ રીતે :

(1) સમાજજીવનની આધારશિલાસમાં સદાચાર અને નીતિનાં ધોરણો બળવત્તર થાય તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું;

(2) સમાજમાં સંપ, એકતા અને પરસ્પર સુહૃદ્ભાવ વૃદ્ધિ પામે, વિશ્વબંધુત્વની ભાવના વિકસે અને વિસંવાદિતા દૂર થાય એવા કાર્યક્રમો આપવા;

(3) વિશ્વના ધર્મો અને પક્ષો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે એ માટે સર્વધર્મીય પરિષદોનું આયોજન કરતા રહી આધ્યાત્મિક અને સામાજિક ઉત્કર્ષને વેગ આપવો.

આવા સુઆયોજિત કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા પરિપૂર્ણ ભગવત્સ્વરૂપની પ્રાપ્તિ તરફ માનવસમુદાય સર્વાંગી વિકાસ પામી ગતિમાન થાય એવો મિશનનો શુભ આશય છે.

સંસ્થાનું નાણાકીય તથા વહીવટી માળખું સુવ્યવસ્થિત રીતે ચાલ્યા કરે તે માટે સેવાભાવી કાર્યકરોને યોગ્યતા પ્રમાણે કાર્યની સોંપણી કરવામાં આવી. તા.11-6-1982એ ઇન્કમટેક્સ રજિસ્ટ્રેશન કરાવ્યું.

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થાના સર્વધર્મ સમન્વયકારી ને સર્વજીવહિતાવહ ઉદ્દેશો સરળતાથી બર આવે ને મિશનની પ્રવૃત્તિઓ અવિરત ચાલ્યા કરે એ આશયથી ઇન્કમટેક્સ એક્ઝમ્પશન મેળવવાનો વિચાર કર્યો. આ વખતે એક ઉલ્લેખનીય પ્રસંગ બન્યો. અધિકારીશ્રી પાસે ઇન્કમટેક્સ એક્ઝમ્પશનનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે મુક્તરાજ નારાયણભાઈને કહ્યું, "તમારા ટ્રસ્ટના ઉદ્દેશો ખૂબ જ સારા છે, પરંતુ ટ્રસ્ટના નામમાં 'શ્રી સ્વામિનારાયણ' નામ આવે છે તે બદલીને બીજું નામ રાખો, કારણ કે સાર્વજનિક હેતુઓ માટેની સંસ્થામાં સાંપ્રદાયિકતા યોગ્ય ન ગણાય, જેથી અમે ઇન્કમટેક્સ માફી ન આપી શકીએ." પૂજ્યશ્રી નારાયણભાઈએ ભગવાન સ્વામિનારાયણનો સંક્ષિપ્ત પરિચય આપી અધિકારીશ્રીને વિનમ્રભાવે કહ્યું, "સાહેબ, એ પરમ કૃપાળુ પરમાત્મા તો આ સંસ્થાના આત્મા છે. એ આત્મા વગર સંસ્થારૂપ શરીરની કોઈ જ કિંમત નથી. Body without Soul has no value at all. સ્વામિનારાયણ નામ કોઈ સાંપ્રદાયિક નામ નથી. એ અનંત વિશ્વના આત્મા એવા પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનું દિવ્ય નામ છે. એ નામમાંથી વહેતા પ્રાણશક્તિના સ્રોતથી સમગ્ર વિશ્વનું નિયમન ને સંચાલન થાય છે. અમારી સંસ્થાના પ્રાણ અને સંસ્થાની કલ્યાણકારી પ્રવૃત્તિઓના તે પરમાત્મા કેન્દ્રબિંદુ છે." આવું વિધાન સાંભળી અધિકારીશ્રી પ્રભાવિત થઈ મુક્તરાજની વાતો સાથે સંમત થઈ ગયા ને તા. 29-6-1982એ 'Income Tax Exemption 80 G (5) from 8-10-1981 to 31-3-1983’નું સર્ટિફિકેટ આપ્યું.

પૂજ્યશ્રી નારાયણભાઈના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઉદ્દેશો અનુસાર પ્રવૃત્તિઓ સુંદર રીતે ચાલતી જણાતા ઇન્કમટેક્સ અધિકારીશ્રી તરફથી ઇન્કમટેક્સ એક્ઝેમ્પશન 80G (5) અવારનવાર મળતું જ રહ્યું. તે આજદિન સુધી ચાલુ જ છે, જે સંસ્થાની માનવકલ્યાણની પ્રવૃત્તિઓનું સંચાલન સુંદર રીતે થઈ રહ્યું છે તે સાબિત કરે છે. દાતાશ્રીઓ આ બાબતથી પ્રોત્સાહિત થતા ગયા ને દાનપ્રવાહ વધુ ને વધુ વેગીલો બનતો ગયો. જે સંસ્થા માટે ગૌરવની વાત છે.

નાણાભંડોળને વ્યવસ્થિત ગોઠવવા જુદી જુદી બેંકોમાં ખાતાં ખોલાવ્યાં. થાપણો ગોઠવી, જેથી તેના વ્યાજમાંથી મિશનની પ્રવૃત્તિઓ ચાલ્યા કરે.

પ્રવૃત્તિઓ

"જે તળાવમાં પાણીની નાનકડી પણ અખંડ સરવાણી વહેતી હોય તે તળાવ કદી સુકાતું નથી, જ્યારે મોટી મોટી નદીઓ પણ કાળાંતરે સુકાઈ જાય છે."

- પરમ પૂજ્ય બાપાશ્રી

અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈએ ગોઠવેલી શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનની કાર્યપદ્ધતિમાં ઉપરના સિદ્ધાંતને જ કેન્દ્રબિંદુએ રાખવામાં આવેલો છે. મુક્તરાજના માર્ગદર્શન હેઠળ મિશનની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ શરૂ થઈ તેની ઝાંખી કરીએ.

આધ્યાત્મિક પ્રવૃત્તિ

શરૂઆતમાં બહેનોની સત્સંગસભા મકાન નં.8ના ગ્રાઉન્ડ ફ્લોરમાં થતી હતી. દિન-પ્રતિદિન ભાવિક બહેનોની સંખ્યા વધતા મકાન નં.20નો પ્રથમ માળ ખરીદવામાં આવ્યો. ત્યાર બાદ તે જ મકાનનો ગ્રાઉન્ડ ફ્લોર ખરીદી તેનો જિર્ણોદ્ધાર કરી તેને બહેનોના સભાખંડમાં રૂપાંતરિત કરવામાં આવ્યો. જેથી વધુ ને વધુ બહેનો સત્સંગ સભાનો મોકળાશથી લાભ લઈ શકે. આ સભાખંડમાં શ્રી ઘનશ્યામ મહારાજનું પૂરા કદનું અતિ સુંદર ભવ્ય સ્વરૂપ પધરાવવામાં આવ્યું. ઘનશ્યામ મહારાજનું આ સ્વરૂપ મૂળીમાં અનાદિમુક્ત સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય અનાદિમુક્ત સ. ગુ. શ્રી હરિનારાયણદાસજી સ્વામીએ તૈયાર કરાવેલું. કોઈ કારણવશાત્ આ સ્વરૂપ મૂળી મંદિરમાં પધરાવવામાં ન આવ્યું અને વર્ષો સુધી મૂકી રખાયેલું.

જ્ઞાન-ધ્યાન-ઉપાસના કેન્દ્ર જેમાં નિયમિત રીતે હરિભક્તો ભેગા થઈ પ્રભુનું ધ્યાન, આરતી-ધૂન, કીર્તન-ભજન, કથા-વાર્તા વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરી પોતાનો ઉત્કર્ષ સાધવાના પ્રયત્નો કરે છે. ઉપરાંત દર મહિનાના છેલ્લા રવિવારે મુક્તરાજે સભાનું આયોજન કર્યું છે. જેમાં ગમે તે વ્યક્તિ આવી શકે. અહીં આવી તેઓ આધ્યાત્મિક બાબતે પોતાની સમજ રજૂ કરે અને પોતાને ન સમજાતી બાબતો વિષે બીજા પાસેથી સમજ મેળવે. આ કાર્યક્રમમાં બાળકો પણ સહભાગી થાય તેવું મુક્તરાજ આયોજન કરતા, જેથી તેમનામાં છુપાયેલી વિવિધ કળા અને શક્તિનો વિકાસ થાય. સભાને અંતે પૂજ્યશ્રી નારાયણભાઈ સ્વયં કૃપા કરી સભાને સંબોધે અને પ્રવચન કરે, જેમાં પ્રશ્ન પૂછ્યા વગર આપોઆપ જ દરેકની મૂંઝવણ દૂર થાય. કોઈને આધ્યાત્મિક બાબતે ગૂંચવણ હોય તો તે પણ ઉકેલાઈ જાય. આશીર્વચનો વરસાવે જેથી જીવો ઊર્ધ્વીકરણ પામે. આ સભાના કાર્યક્રમોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધ્યાન, સ્વરૂપ ચિંતન, ઉપાસના, સમગ્ર જીવનને યોગમય બનાવી દિવ્ય જીવન જીવવાની કળા તથા વચનામૃત, બાપાશ્રીની વાતો વગેરેમાં રહેલા જ્ઞાનગાંભીર્ય તથા ધર્મશુદ્ધિ અને વહીવટશુદ્ધિ વગેરે વિવિધ પાસાંઓ સાહજિક રીતે જ પ્રવાહિત થાય છે. ભક્તગણને પણ આ સભાને વિષે ઘણો દિવ્ય ભાવ છે. કોઈ ધામમાં ગયા હોય તેમને વધુ ને વધુ શ્રીજીસુખ પ્રાપ્ત થાય તેવી સમગ્ર સભા શ્રીજીમહારાજ અને તેમના મુક્તોને પ્રાર્થના કરે છે.

સભામાં પણ શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે ભાઈઓ અને બહેનોની ધર્મમર્યાદા સાહજિક રીતે જળવાઈ રહે તે હેતુથી ભાઈઓ અને બહેનોના પહેલેથી જ અલગ ખંડો તૈયાર કરાવી સુંદર મૂર્તિઓ પધરાવેલી છે અને એવા નિયમ બનાવવામાં આવ્યા છે કે બહેનોના ખંડમાં બહેનો દર્શન કરતાં હોય ત્યારે ભાઈઓએ દર્શન કરવા જવું નહિ અને ભાઈઓના ખંડમાં ભાઈઓ દર્શન કરતા હોય ત્યારે બહેનોએ જવું નહિ. સત્સંગ સમુદાય વધવાથી ખંડો નાના પડતા હતા.

મિશનની વિકસતી જતી પ્રવૃત્તિઓથી આકર્ષાઈ સર્વમંગલ સોસાયટીમાં રહેતા એક સાધન-સંપન્ન ને નિષ્ઠાવાન હરિભક્તે પોતાનું ટેનામેન્ટ નં.7 સંસ્થાને સેવાર્પણ કરવાનું વિચાર્યું. પ્રભુપ્રેરણાથી સ્વેચ્છાએ અર્પણ કર્યું, જે સંસ્થા માટે અત્યંત ગૌરવની વાત બની રહી. એ મકાનને ટેનામેન્ટ નં.8 સાથે સાંકળી લઈ ઉપર ભાઈઓ માટે વિશાળ પ્રાર્થના હોલ નિર્માણ કરવામાં આવ્યો અને નીચેના ભાગમાં બહેનો માટે અલગ પ્રાર્થના હોલ પણ બનાવવામાં આવ્યો. જેથી વધુ લોકો લાભ લઈ શકે.

પૂજ્યશ્રી નારાયણભાઈના અમૃતોત્સવ નિમિત્તે યોજાયેલા શ્રીહરિ કૃપાવર્ષા બ્રહ્મયજ્ઞનો પ્રારંભ તા. 27-2-1997ના રોજ થયો. તે પ્રસંગે સરસપુરના વયોવૃદ્ધ પવિત્ર સંતમૂર્તિ સ. ગુ. શ્રી હરિજીવનદાસજી સ્વામીને સાથે રાખી પૂજ્યશ્રી નારાયણભાઈએ ભાઈઓના સભાખંડમાં પ્રભુનાં અતિશય સુંદર અને ચિત્તાકર્ષક સ્વરૂપો પધરાવ્યાં. તેમ જ બહેનોના સભાખંડમાં અગાઉના સભાખંડમાં પધરાવેલ ઘનશ્યામ મહારાજની પૂરા કદની ભવ્ય મૂર્તિ તથા બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજની નાની મૂર્તિનું સ્થાપન કર્યું અને આશીર્વાદ આપ્યા, "આ સ્થાનમાં આવીને ધ્યાન, ભજન, કથા-વાર્તા, ઉપાસના કરનારને અંતરમાં અલૌકિક સુખ-શાંતિની અનુભૂતિ તથા આત્યંતિક કલ્યાણ થશે. ભગવાનનાં આ પ્રતિમા સ્વરૂપો સમક્ષ ગદગદ કંઠે, સાચા ભાવથી કરેલી પ્રાર્થના શ્રીજીમહારાજ જરૂરથી સાંભળશે અને તેના શુભ મનોરથ પૂર્ણ કરશે." આવા અનુપમ આશીર્વાદને લઈને મિશન સંસ્થા શ્રીજીમહારાજના કૃપાપ્રસાદની ચિરકાલીન અમૃતસરિતા બની છે.

સભાખંડોમાં શ્રીજીમહારાજના સમકાલીન સંતોનાં તથા બાપાશ્રીના સમકાલીન સદગુરુઓનાં પ્રેરણાદાયી પ્રતિમા સ્વરૂપો પણ પધરાવવામાં આવ્યાં છે, જેથી તેમને સંભારવાથી જીવોને તેમના કલ્યાણકારી ગુણો પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા મળી રહે. આજે પણ અનેક લોકો આ મૂર્તિઓનાં દર્શન કરી પોતાના દિવસની શુભ શરૂઆત કરે છે. કોઈ વ્યાવહારિક મુશ્કેલી હોય, કોઈ માંદુ હોય કે અન્ય કોઈ પણ મૂંઝવણમાં આ મૂર્તિઓ પાસે ગદગદ કંઠે સાચા ભાવથી પ્રાર્થના કરવાથી મૂંઝવણ દૂર થયાની અનુભૂતિ અનેકને થાય છે.

ઈ. સ. 1993ના ઑગસ્ટ માસમાં મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈ શ્રીજીમહારાજની પ્રત્યક્ષ પ્રેરણાથી અનેક જીવોના આત્યંતિક કલ્યાણ અંગેના સંકલ્પ સાથે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનના સર્વધર્મ સમન્વયકારી ને સર્વજીવહિતાવહ ઉદ્દેશોને વિદેશમાં રહેલા હરિભક્તોને પહોંચાડવા મિશન સંસ્થાના પ્રભાવક પ્રતિનિધિ તરીકે વિદેશ યાત્રાએ ગયા. લંડન તથા અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં વસતા હરિભક્તોને લાભ આપી પોતાની યાત્રાનો ઉદ્દેશ પાર પાડી તા. 21-11-1993માં સ્વદેશ પાછા ફર્યા અને મિશનની પ્રવૃત્તિમાં પુનઃ પ્રવૃત્ત થયા. એક વખત મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈએ સંસ્થાની માસિક રવિવારીય સભામાં કહેલું : "આ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થા એ શ્રીજીમહારાજનું સ્વરૂપ છે. આ સ્થાનેથી શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના અને કારણ સત્સંગનો સારા ય વિશ્વમાં ફેલાવો થશે." મુક્તરાજની વિદેશયાત્રા પાછળ પણ આવો જ ગર્ભિત ઉદ્દેશ હતો.

ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વોપરીપણાનો ડંકો વગાડનાર જ્ઞાનગુરુ ને શ્રીજીસંકલ્પ એવા અનાદિ મહામુક્તરાજ પ. પૂ. શ્રી અબજીબાપાશ્રીના સાર્ધશતાબ્દી વર્ષની (ઈ. સ. 1994) ઉજવણીનો સંકલ્પ કરી મુક્તરાજે તેનું આયોજન સંભાળી લીધું. તેમના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન ટ્રસ્ટ તથા છત્રી ટ્રસ્ટના કાર્યકરોએ સાથસહકારથી સેવાકાર્ય ઉપાડી લીધું ને એ પર્વને ભવ્યાતિભવ્ય રીતે ઉજવી શ્રીજીમહારાજ ને તેમના મુક્તોની પ્રસન્નતાના અધિકારી થયા. આ મહાન આયોજનમાં શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનનો ફાળો અપૂર્વ હતો.

મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈને 75 વર્ષ પૂરાં થતાં હોવાથી તેમના અમૃતોત્સવ નિમિત્તને લક્ષમાં રાખી બ્રહ્મયજ્ઞ કરવો તેવું વિચારાયું. મુક્તને તો એવી ઉજવણીમાં રૂચિ હોતી જ નથી, પરંતુ શ્રીજીમહારાજને પોતાના અનાદિમુક્ત પોતાના સ્વરૂપ કરતાં પણ અતિ વહાલા હોય છે. કારણ કે એ મુક્તો પ્રભુનું સંપૂર્ણ સાર્ધમ્યપણું પ્રાપ્ત કરેલા હોય છે, જેથી તેમના નિમિત્તે જે કાંઈ થાય તે પ્રભુ અર્થે-પ્રભુ પ્રસન્નતાર્થે જ થાય છે એ નિઃસંશય વાત છે. આ બ્રહ્મયજ્ઞમાં પણ વર્ષ દરમ્યાન કથા-વાર્તા, ધ્યાન ભજન, ધૂન-કીર્તન વગેરે પ્રભુના સ્વરૂપમાં જોડાવાની સાત્ત્વિક પ્રવૃત્તિઓમાં હરિભક્તોની વિશેષ અભિરૂચિ થાય એ હેતુથી તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ આ દરમ્યાન એક આઘાતજનક ઘટના એ ઘટી કે સદગુરુવર્ય પૂજ્યશ્રી નારાયણભાઈ પોતે જે સંકલ્પ લઈને પ્રગટ થયેલા તે પૂર્ણ થતા તા. 20-9-1997 શનિવાર, ભાદરવા વદ પાંચમના પાવન દિવસે 12:25 કલાકે ભૌતિક દેહ અદૃશ્ય કરી સદાકાળ માટે મૂર્તિમાં લીન થઈ ગયા. પોતાને આવવા-જવાપણું ન હોવાથી દિવ્યરૂપે તો સદાય પ્રગટ છે જ તેની અનેક હરિભક્તોને પ્રતીતિ કરાવી હતી અને હજુ પણ કરાવી રહ્યા છે. તેઓશ્રીની સત્સંગને બહુ મોટી ખોટ તો પડેલી જ છે. કારણ કે, અનાદિમુક્ત મનુષ્યરૂપે પ્રગટ હોય ત્યારે અસંખ્ય હરિભક્તોને જે પ્રત્યક્ષપણાના સુખની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યદેહ અદૃશ્ય થતાં લુપ્ત થાય છે. હવે તો દિવ્યરૂપે સદાય ભેળા છે તેવી શ્રદ્ધાની દૃઢતા કરવી એ જ આપણું કર્તવ્ય, ગુરુવર્યશ્રીને દિવ્યાંજલિ અર્પવા તારીખ 5 ઑકટોબર, 1997ના રોજ એક સભાનું આયોજન થયેલ. તેમાં સૌ સંત-હરિભક્તોએ ગુરુદેવની સ્મૃતિ કરી હૃદયપૂર્વક દિવ્યાંજલિ અર્પણ કરેલી.

પૂર્વાયોજીત કૃપાવર્ષા બ્રહ્મયજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે તા. 12-2-1998થી તા. 16-2-1998 સુધી ગ્રંથરાજ 'શ્રીમદ્ સત્સંગિભૂષણ'નું પારાયણ યોજેલું. પાંચેય દિવસોએ અનેક સંતો તથા હજારો હરિભક્તોએ બ્રહ્મયજ્ઞનો તથા મહાપ્રસાદનો તથા પ્રભુપ્રસન્નતાનો દિવ્ય લાભ લીધેલો. જેનું વર્ણન અશક્ય છે.

રવિવારીય માસિક સભામાં લાભ લેવા આવતા બાળ-યુવાનોએ સભાની સાત્ત્વિક પ્રવૃત્તિઓથી પ્રેરિત થઈ બાળ-યુવાનોની નોખી સભા કરવાનું સૂચન કર્યું. તેને વડીલ હરિભક્તોએ સ્વીકૃતિ સાથે અનુમોદન આપતાં માસિક દ્વિતીય રવિવારે બાળ-યુવક સભા શરૂ કરવામાં આવી. જેમાં કથા-વાર્તા, જ્ઞાનગોષ્ઠી, પ્રશ્નોત્તરી, વક્તવ્યો, વિવિધ આયોજનો અને કાર્યક્રમો અંગેની ચર્ચા-વિચારણા વગેરે પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

બાળકો અને યુવાનોના શારીરિક, માનસિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક વિકાસ એમ સર્વાંગી વિકાસના હેતુને ધ્યાનમાં લઈ મિશન દ્વારા શિબિરોનું પણ આયોજન થાય છે. જેમાં વિદ્વાન અનુભવી વડીલોનું માર્ગદર્શન તથા વિદ્વાન વ્યાખ્યાનકારો, યોગપ્રશિક્ષકો, તાલીમાર્થિઓનો લાભ પણ લેવામાં આવે છે. તદુપરાંત શ્રીજીમહારાજ અને મુક્તોના પ્રસાદીભૂત યાત્રાસ્થળોની મુલાકાતની સાથે આનંદમય વાતાવરણમાં જ્ઞાનગોષ્ઠીનો લાભ મળી રહે એવું આયોજન પણ સમય-સંજોગોને અનુરૂપ કરવામાં આવે છે.

પૂજ્યશ્રી નારાયણભાઈને બાળકોનો ઉત્કર્ષ થાય તેમાં વિશેષ અભિરૂચિ હતી. કારણ કે બાળકો નિર્દોષ હોવાથી તેમનામાં સદ્સંસ્કારોનું સિંચન સરળતાથી થઈ શકે તેવું તેમનું ચિત્ત કોમળ અને નિર્મળ હોય છે. આ હેતુને લક્ષ્યમાં લઈ સદગુરુવર્ય પૂજ્યશ્રી નારાયણભાઈના પ્રાગટ્ય દિનને 'સત્સંગ બાલદિન' તરીકે ઉજવવો એવો સર્વે હરિભક્તોનો ભાવ હોવાથી તા. 16 ફેબ્રુઆરી જે ગુરુવર્યનો પ્રાગટ્ય દિન છે તે દિવસે મોટા બ્રહ્મયજ્ઞનું આયોજન કરવાનું સર્વાનુમતે નક્કી થયું, ત્યાર પછી દર વર્ષે તા. 16 ફેબ્રુઆરીએ 'સત્સંગ બાલદિનરૂપે' બ્રહ્મયજ્ઞ ઉજવાય છે, તેનો અસંખ્ય હરિભક્તો લાભ લે છે.

અનાદિમુક્ત સદગુરુવર્ય પ. પૂ. શ્રી નારાયણભાઈની અંતર્ધાન તિથિ ભાદરવા વદ-5 આવે છે. યોગાનુયોગ પરમ કૃપાળુ અબજીબાપાશ્રીની પણ શ્રાદ્ધ તિથિ આ દિવસે છે. આ સુભગ અવસરે 'પૂજ્યશ્રી નારાયણભાઈ સ્મૃતિ દિન' તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે મોટા બ્રહ્મયજ્ઞનું આયોજન કરવામાં આવે છે.

અનાદિમુક્ત પ. પૂ. શ્રી સોમચંદબાપા સત્સંગમાં 'હરતા-ફરતા બ્રહ્મયજ્ઞ' તરીકે સુપ્રસિદ્ધ હતા. તેમની પુણ્યતિથિ માગશર સુદ-4ના દિવસે આવે છે. તે જ દિવસે 'વચનામૃત જયંતી' પણ આવે છે. તેથી આ બંને સુભગ અવસરે સંસ્થા તરફથી મોટા બ્રહ્મયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ ત્રણેય મોટા બ્રહ્મયજ્ઞમાં કથા-વાર્તા, સમૂહપારાયણ, ધૂન-કીર્તન, મુક્તપુરુષના સંસ્મરણો ઉપર પ્રવચનો, વ્યાખ્યાનો, વિદ્વાન સંતો-હરિભક્તોના જ્ઞાનસભર વક્તવ્યો વગેરેનો ભક્તિરસથી તરબોળ કરતો કાર્યક્રમ થાય છે. તેમાં અસંખ્ય હરિભક્તો લાભ લે છે. સાથે સાથે પ્રભુના મહાપ્રસાદનો લાભ લઈ હરિભક્તો કૃતજ્ઞતા ને ધન્યતા અનુભવે છે.

સેવા-સદાવ્રત

મિશન દ્વારા ચાલતી સદાવ્રતની પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વગર ગરીબ વિદ્યાર્થી તેમ જ ગરીબ કુટુંબો માટે સદાવ્રત ચાલુ કર્યું. જેમાં વિદ્યાર્થીઓની સ્કૂલ ફી, પાઠ્યપુસ્તકો, નોટબુકો વગેરે અપાવવા માટેની આર્થિક સહાય શરૂ કરી તથા ગરીબ સંસ્કારી પરિવારો અનાજ, દવા, કપડાં વગેરેની સહાયતા મેળવી, તેમની આર્થિક સંકળામણને હળવી બનાવી શકે તેવી વ્યવસ્થા કરી. આવા સદાવ્રત દ્વારા એવા ઘણા દાખલા બન્યા છે કે જે વ્યક્તિએ મિશન પાસેથી સહાયતા મેળવી હોય તે પછી પોતાના પગભર થઈ હોય ને તેને ફરી ક્યારેય સહાયની જરૂર ન પડી હોય, બલ્કે તેણે જ મિશનને દાન આપ્યું હોય. આવા ઉદાહરણમાં પ્રભુ પ્રસન્નતાની ઝાંખી થયા વગર રહેતી નથી. સેવા સદાવ્રતનાં કલ્યાણકારી કાર્યો કરતી અન્ય સંસ્થાઓ જેવી કે: રેડક્રોસ સોસાયટી, ગુજરાત કેન્સર સોસાયટી, સદ્વિચાર પરિવાર, રક્તપિત્ત હોસ્પિટલ, અંધજન મંડળ, બહેરા-મૂંગાની શાળા, જલારામ મંડળ, સંતરામ આશ્રમ, હરિ ૐ આશ્રમ, અનાથ આશ્રમો વગેરેમાં પણ ફાળો આપવો, ગામડાંઓમાં આવેલાં હરિમંદિરોના જિર્ણોદ્ધારમાં સહાય કરવી વગેરે પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલતી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા સમાજ વિકાસનાં અનેક કાર્યો થયાં છે. માનવ સમાજના સામાજિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે કાર્યરત એવી અનેક સંસ્થાઓને શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશને સહાય કરી-કરાવી છે. જેમાં અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીના છત્રી સ્થાનમાં મંદિર, ઉતારા, છાત્રાલય, વિદ્યાલય વગેરે બાંધકામો તથા કાર્યાલય વ્યવસ્થા, વહીવટી વ્યવસ્થા, બ્રહ્મયજ્ઞ આયોજનો વગેરે; સરસપુર, શ્રી સ્વામિનારાયણ મંદિર બાઈઓ-ભાઈઓનાં મંદિરોનો વિકાસ, પુંસરી સત્સંગભવનનો ઉદભવ અને વિકાસ, પાટડી સત્સંગભવનનો વિકાસ, મૂળી મંદિરના બ્રહ્માનંદ ભોજનાલયમાં આર્થિક સહાય તેમ જ લીમલી મંદિર, સરા હરિમંદિર, ધ્રાંગધ્રા બાઈઓનું હરિમંદિર, અયોધ્યા મંદિર, રામપરા સત્સંગભવન, જોરાવરનગર હરિમંદિર, ટોરડા મંદિર વગેરે અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે.

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનના પ્રથમ ઉદ્દેશ સેવા-સદાવ્રતના આદર્શો અનુસાર ભેદ-ભાવ વિના આર્થિક મૂંઝવણ અનુભવતા ભાઈ-બહેનોને જરૂરી રાહત પહોંચાડવી.

એ હેતુને લક્ષ્યમાં લઈ સેવા-સદાવ્રતની થતી અન્ય પ્રવૃત્તિઓમાં ઉમેરો કરતી વધુ એક પ્રવૃત્તિ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા નોટબુક અને ફૂલસ્કેપ ચોપડા રાહત-દરે વિતરણ ઈ. સ. 2000ની સાલથી શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તેનો લાભ અસંખ્ય વિદ્યાર્થીઓ લઈ ચૂક્યા છે ને લઈ રહ્યા છે. આ નોટબુક-ચોપડાઓમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ કૃપાળુ અબજીબાપાશ્રી તથા સદગુરુવર્ય પૂજ્ય શ્રી નારાયણભાઈના પ્રેરણાદાયી, દર્શનીય આકર્ષક સ્વરૂપો મૂકવામાં આવ્યા છે. સાથે સાથે અંદર પૂજ્યશ્રી નારાયણભાઈના પ્રેરણાદાયી સુવિચારો અને મૌક્તિકો પણ મૂકવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓને નીતિમય, સદાચારયુક્ત અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા અને બળ પૂરું પાડે છે.

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનના બીજા ઉદ્દેશ - આરોગ્ય પ્રસારની માર્ગદર્શક વ્યવસ્થા અને રોગોપચારના સારવાર કેન્દ્રો-ઔષધાલયો સ્થાપવા-ચલાવવા, અગર તેવું કાર્ય કરતી સંસ્થાઓને સહાયરૂપ થવું.

એ હેતુની પરિપૂર્તિ કરવા માટે ઈ. સ. 2001ની સાલમાં પ્રાયોગિક ધોરણે પ્રથમ સવારનું દવાખાનું શરૂ કરવામાં આવ્યું. જેનું નામાભિધાન 'પૂજ્યશ્રી નારાયણભાઈ સાર્વજનિક દવાખાનું' કરવામાં આવ્યું. વખત જતાં દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થતાં અને બહોળો પ્રતિભાવ મળતાં ઈ. સ. 2003થી સાંજનું દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું. તેમાં નિષ્ણાત તબીબોની સેવા ઉપરાંત તપાસ, નિદાન, ઉપચાર અને દવાઓ વગેરેની નિઃશુલ્ક સેવાઓ ઉપલબ્ધ થવાથી અનેક દર્દીઓ લાભાન્વિત થઈ રહ્યાં છે.

પ્રકાશન કાર્ય

અત્યાર સુધીમાં મિશન તરફથી 73 ઉત્કૃષ્ટ પુસ્તકોનું પ્રકાશન થઈ ચૂક્યું છે. મિશન તરફથી બહાર પડેલ 'અનાદિ મહામુક્તરાજશ્રી અબજીબાપાશ્રીનું જીવન ચરિત્ર' એ ગ્રંથને The Federation of Indian Publishers, New Delhi તરફથી Award for Excellence in Publication, 1993નો મેરિટ એવૉર્ડ એનાયત થયો છે, જે પ્રકાશનની ઉચ્ચ ગુણવત્તા સાબિત કરે છે. સંસ્થાનાં અન્ય પ્રકાશનો પણ સમાજમાં સ્વીકૃતિ પામી લોકભોગ્ય બન્યાં છે. મિશન દ્વારા આવાં ઉત્કૃષ્ટ પ્રકાશનોનું કાર્ય હજુ ચાલુ જ છે.

(1) સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને વિશ્વધર્મ

(2) અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી

(3) શ્રીહરિ પ્રાર્થના

(4) જનમંગલ સ્તોત્ર નામાવલિ

(5) શિક્ષાપત્રી

(6) અનાદિ મુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો

(7) દિવ્ય જ્ઞાનામૃત

(8) અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી સોમચંદભાઈ જીવરાજભાઈ મહેતા જીવનદર્શન અને પત્રો દ્વારા ઉપદેશ

(9) ઓળખ્યા એના અહોભાગ્ય-વાત્સલ્યમૂર્તિ સદગુરુઓ

(10) જ્ઞાનાચાર્ય અનાદિ મુક્તરાજ સદગુરુવર્ય શ્રી વૃંદાવનદાસજી સ્વામીની વાતો

(11) કીર્તન માધુરી

(12) અનાદિ મુક્તરાજ સ. ગુ. શ્રી તદ્રૂપાનંદ સ્વામીની નિત્ય સ્મરણીય વાતો

(13) અનાદિમુક્ત પ. પૂ. શ્રી સોમચંદભાઈનો પત્રો દ્વારા ઉપદેશ

(14) પ. પૂ. ધ. ધુ. આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ રચિત કીર્તનાવલિ

(15) શિક્ષાપત્રી રહસ્યસાર મનનીય અધ્યયન ખંડ--1

(16) વચનામૃતમ્ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકોપેતમ્ ભાગ-1, 2

(17) વચનામૃત-ધ્યાનાદિ અધ્યયન

(18) અવતાર--અવતારી ભેદનિરૂપણ

(19) અનાદિ મુક્તરાજ અબજીબાપા કૃત અધ્યાત્મજ્ઞાન

(20) શિક્ષાપત્રી રહસ્યાર્થ ભાગ-1, 2

(21) અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીનું જીવનચરિત્ર ભાગ-1,2

(22) સમગ્ર જીવનનો યોગ

(23) અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીનું જીવનવૃત્તાંત

(24) Supreme Lord Shri Swaminarayan and the World Religion

(25) Yoga for Entire Life

(26) બાપાશ્રીની વાતોનું ચિંતન

(27) Let us Breathe the Fragrance Divine - દિવ્ય સૌરભ અનુભવીએ

(28) શ્રીજીસંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતસાગર

(29) શ્રીજી પ્રસાદ

(30) કચ્છના કરુણામૂર્તિ સંત શ્રી અબજીબાપા

(31) 'રસબસ હોઈ રહી રસિયા સંગ.....!' (ચૂંટેલાં સારરૂપ કીર્તનપદો ને છંદો)

(32) નિત્ય નિયમાવલી

(33) દિવ્ય દર્શન - Divine Darshan

(34) સ્તોત્રમ્

(35) પૂજ્યશ્રી નારાયણભાઈ

(36) Pujya Shri Narayanbhai

(37) બાપાશ્રીની વાતોનું એકીકરણ

(38) અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી કૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાની વિશિષ્ટતાઓ

(39) પરમ સાર્ધમ્યે

(40) બાળકોના બાપાશ્રી

(41) શિક્ષાપત્રી રહસ્યસાર ખંડ-2

(42) જીવન પાથેય - પૂજ્યશ્રી નારાયણભાઈએ પ્રબોધેલ અનુભવસિદ્ધ અધ્યાત્મસાર

(43) ધ્યાન

(44) Essence of Shikshapatri - part-2

(45) Jeevan Patheya (Life Enhancing Principles) - Self-experienced spiritual essence taught by Pujyashri Narayanbhai

(46) બાળકોના મામાશ્રી

(47) પંચવર્તમાન - વિશદ્ અર્થમાં - પૂજ્યશ્રી નારાયણભાઈએ પ્રબોધેલ અધ્યાત્મસાર

(48) Wisdom of Bapashri : book-1’

(49) Bapashri as Experienced by Kids

(50) Mamashri as Experienced by Kids

(51) Wisdom of Bapashri : Book-2

(52) Five Moral Codes - Elaborated - Spiritual Essence as explained by Pujyashri Narayanbhai

(53) પ્રેરણા સ્રોત - પૂજ્યશ્રી નારાયણભાઈએ પ્રબોધેલ અધ્યાત્મસાર

(54) ધર્મનો મર્મ - પૂજ્યશ્રી નારાયણભાઈએ પ્રબોધેલ અધ્યાત્મસાર

(55) મનોયાત્રા

(56) પ્રસંગ માળા-1

(57) પ્રસંગ માળા-2

(58) અમૃત સરિતા-1

(59) અમૃત સરિતા-2

(60) કીર્તન માધુરી-2

(61) વચનામૃત માર્ગદર્શિકા-1

(62) વચનામૃત માર્ગદર્શિકા-2

(63) વચનામૃત માર્ગદર્શિકા-3

(64) વચનામૃત મૌક્તિકો

(65) અમૃત બિન્દુઓ

(66) સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને વિશ્વઘર્મ (હિંદી)

(67) સમગ્ર જીવનનો યોગ (હિંદી)

(68) દિવ્ય સૌરભ અનુભવીએ (હિંદી-અંગ્રેજી)

(69) જીવન પાથેય (હિંદી)

(70) પૂજ્યશ્રી નારાયણભાઈ (હિંદી)

(71) મનોયાત્રા (હિંદી)

(72) અમૃત સરિતા-3

(7૩) કીર્તન માધુરી-3

(74) સંતની પરખ

(75) પૂજ્યશ્રી લીલામાસી

આ રીતે પ્રકાશન પ્રવૃત્તિ અવિરતપણે ચાલે છે. આવા ઉત્કૃષ્ટ પ્રકાશનોની સાથે સત્સંગ સમુદાયની માંગને માન આપી વિવિધ સાઈઝની ભગવાનની તથા મુક્તની મૂર્તિઓ, લેમીનેટેડ ફોટોગ્રાફ્સ, પૂજા પેટી, માળા-કંઠી, ઓડિયો કેસેટ, સી. ડી. વગેરેનું વિતરણ પણ કરવામાં આવે છે.

ગ્રંથાલય

સમાજની ગમે તે વ્યક્તિને વિવિધ વિષયો પરનાં પુસ્તકો કોઈ એક સ્થાનમાં જ વાચન માટે ઉપલબ્ધ થાય અને વ્યક્તિને તેના જીવનઘડતરમાં ઉપયોગી થાય તેવા આશયથી મુક્તરાજે ગ્રંથાલયની પણ સ્થાપના કરી છે. જેમાં જિજ્ઞાસુ વ્યક્તિને તેના રસના વિષયનાં પુસ્તકો મળી રહે અને સંશોધનાત્મક અભ્યાસ કરી શકે. દરેક ધર્મનાં પુસ્તકો પણ ગ્રંથાલયમાં વસાવ્યાં છે, જેથી મુમુક્ષુ જીવ તુલનાત્મક અભ્યાસ કરી, સ્વામિનારાયણ ધર્મ સર્વોપરી ને શ્રેષ્ઠ વિશ્વધર્મ છે તે જાણી શકે અને સર્વધર્મ સમન્વયકારી વિશાળ દૃષ્ટિ વિકસાવી શકે, જેથી સંકુચિતતા અને ભેદદૃષ્ટિ દૂર થાય.

શરૂઆતમાં ગ્રંથાલય પૂજ્યશ્રી નારાયણભાઈના ઘરના ઉપરના માળે ચાલતું હતું. ઈ. સ. 1998માં શ્રીહરિ કૃપાવર્ષા બ્રહ્મયજ્ઞ પ્રસંગે સૂરેશ્વરી સોસાયટીના મકાન નં.2/A નવનિર્મિત પ્રથમ અને બીજા માળમાં ફેરવવામાં આવ્યું. આ ગ્રંથાલયનું 'પૂજ્યશ્રી નારાયણભાઈ જ્ઞાનભવન ગ્રંથાલય' એવું નામાભિધાન નીચે દર્શાવેલ કારણોને લક્ષ્યમાં રાખીને કરવામાં આવ્યું છે.

ગ્રંથાલયમાં પુસ્તકો વસાવવાનાં હોય ત્યારે પૂજ્યશ્રી નારાયણભાઈ જાતે જ તે ખરીદવા જતા. દરેક પુસ્તક ચોકસાઈપૂર્વક જોઈ તપાસીને પછી જ ખરીદતા. જીવનઘડતરમાં ઉપયોગી થવા યોગ્ય હોય તો જ તે પુસ્તક પસંદગી પામતું. ગ્રંથાલયમાં પુસ્તકોની સાફસૂફી, પુસ્તકોની રજિસ્ટરમાં નોંધણી અને પુસ્તકોની વિષયવાર ગોઠવણી, આ દરેક બાબતમાં સ્વયં કાળજી તથા પરિશ્રમ લઈ કાર્ય કરતા. પોતાના માર્ગદર્શન હેઠળ કાર્યકરો પાસે પણ કામ કરાવતા. પોતાની ટૂંકી આવકમાંથી પણ બચત કરી ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે વિશાળ ગ્રંથાલયની સ્થાપના કરી. પચાસેક વર્ષના લાંબા ગાળાના અથાગ પરિશ્રમની ફલશ્રુતિરૂપે આશરે પચીસ હજાર પુસ્તકો સમાવતું આ અદભુત ગ્રંથાલય આકાર પામ્યું. આ સાહિત્ય-સમુદ્રમાં ગુજરાતી, અંગ્રેજી, હિંદી ને સંસ્કૃત જેવી વિવિધ ભાષામાં લખાયેલાં જીવનઘડતર, ચારિત્ર્યઘડતર, ચિંતનાત્મક, શિક્ષણક્ષેત્રના ઇતિહાસ, વિજ્ઞાન વગેરે વિવિધ વિષયોને લગતાં પુસ્તકો; જગતના વિવિધ ધર્મો તથા સ્વામિનારાયણ ધર્મનાં તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો; મહાપુરુષોનાં જીવનચરિત્રો; ગાંધી સાહિત્ય; રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન, અરવિંદ આશ્રમ, દિવ્ય જીવન સંઘ વગેરે જગવિખ્યાત મહાન વિભૂતિની સંસ્થાઓનાં પ્રકાશનો; દેશ-વિદેશના તત્ત્વચિંતકોનાં પ્રકાશનો; આરોગ્યને લગતાં પ્રકાશનો; શબ્દકોશો, જ્ઞાનકોશો વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ રીતે સામાજિક, શૈક્ષણિક ને આધ્યાત્મિક એમ સર્વાંગી વિકાસ સાધવામાં અત્યંત ઉપયોગી એવા પુસ્તકોને લોકભોગ્ય બનાવવા માટે એક આદર્શ ગ્રંથાલયનું નિર્માણ કર્યું છે.

આવા ઉત્કૃષ્ટ પ્રકારના ગ્રંથાલયની સાથે વિદ્યાર્થીઓ એકાગ્ર ચિત્તે પોતાનો અભ્યાસ કરી શકે તે હેતુથી ગ્રંથાલયના મકાનમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર 'વાંચનાલય'ની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવી છે.

આ રીતે જોતાં સહજ જ ખ્યાલ આવે છે કે, મુક્તરાજ જે હેતુ ને સંકલ્પ લઈને પૃથ્વી ઉપર પ્રગટ થયા તે હેતુને બર લાવવા માટેની કલ્યાણકારી, સર્વજીવહિતાવહ પ્રવૃત્તિઓની ગંગોત્રી સુદીર્ઘકાળ પર્યંત વહેતી મૂકી, જેથી આપણી પેઢી તથા આવનાર પેઢી તેનો અવિરતપણે લાભ ઉઠાવી શકે.

સમય અને સંજોગોને લઈને સંસ્થાના ટ્રસ્ટીમંડળમાં ફેરફાર થતા આવ્યા છે અને થશે. કોઈ પણ સંસ્થાના વિકાસ માટે વડીલોનું યોગ્ય માર્ગદર્શન ને સંનિષ્ઠ કાર્યકરોની કર્તવ્યનિષ્ઠા અત્યંત જરૂરી છે. સાચા ભાવથી આવી સેવા આપનાર જ ખરા અર્થમાં ટ્રસ્ટી છે. હોદ્દો તો લોકવ્યવહારમાં અનિવાર્ય કાયદાકીય વ્યવસ્થા છે. પ્રભુની પ્રસન્નતા દરેક સાચા સેવાભાવી કાર્યકર ઉપર અચૂક ઊતરે છે. પૂજ્યશ્રી નારાયણભાઈ આ પ્રકારની સમજણ આપતા, જે કાર્યકરોમાં અખૂટ બળ પૂરું પાડે છે.

'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' સંસ્થા અને ગુરુવર્ય પૂજ્યશ્રી નારાયણભાઈના નામને ગૌરવ પ્રદાન કરતી એક અત્યંત આનંદકારી ઘટના એ બની કે તા. 26-9-2002ના રોજ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થા પાસેથી પસાર થતો અને આગળ 'નવરંગ હાઈસ્કૂલ' સુધીનો માર્ગ છે તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'પૂજ્યશ્રી નારાયણભાઈ માર્ગ' તથા આગળના ચાર રસ્તાને 'સહજાનંદ ચોક' એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ માર્ગે આવતી-જતી દરેક વ્યક્તિને ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈની સહેજે જ સ્મૃતિ થતાં કલ્યાણનું બીજબળ થતું રહેશે.

ઉપસંહાર

માનવજીવનના શૈક્ષણિક, સામાજિક, વ્યાવહારિક તેમ જ આધ્યાત્મિક વિકાસના ઉદાત્ત હેતુને ફળીભૂત કરવા માટે મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈએ ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રત્યક્ષ પ્રેરણા ને આદેશથી શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થાની રચના કરી મુમુક્ષુઓને શ્રેય ને પ્રેય બંનેની પ્રાપ્તિ માટે ઉત્તમ ભૂમિકા પૂરી પાડી છે. નિઃસ્વાર્થ ને નિષ્કામ એવા આ સંતમૂર્તિએ પોતાનું સમગ્ર જીવન માનવ-સેવા પરાયણ બનાવી દીધેલું. પોતાની સમગ્ર આધ્યાત્મિક શક્તિનો સર્વજીવહિતાવહ કાર્યોમાં સદ્ઉપયોગ કર્યો. જણ-જણ પ્રત્યે કરેલા તેમના અનંત ઉપકારોનો બદલો આપણે કદી આપી ન શકીએ. તેમનું ઋણ અદા કરવા આપણે અસમર્થ છીએ તે માનવું જ રહ્યું. પ્રભુ સ્વરૂપ એવી આ સંસ્થા અને તેની કલ્યાણકારી પ્રવૃત્તિઓ માનવ સમુદાયનું ઊર્ધ્વીકરણ કરી પ્રભુપ્રાપ્તિ તરફ દોરી જવાની સેવા બજાવે છે.

આ રીતે ઉત્તરોત્તર વિકસતી જતી મિશનની પ્રવૃત્તિઓ જનસમૂહને વધુ ને વધુ આકર્ષિત કરે છે. તેનો બહોળો પ્રતિભાવ પણ સાંપડતો રહે છે. સાથે સાથે મિશનના સર્વજીવહિતાવહ ઉદ્દેશોની પરીપૂર્તિ પણ થતી રહે છે. આ બધું કેવળ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ, બાપાશ્રી તથા સદગુરુવર્ય પૂજ્યશ્રી નારાયણભાઈની અસીમકૃપાનું પરિણામ છે.

ભવિષ્યમાં પણ સદ્પ્રવૃત્તિઓના ધામરૂપ આ સંસ્થાના ઉદ્દેશોને અનુરૂપ પ્રવૃત્તિઓ વિકસતી રહે અને વધુ ને વધુ મુમુક્ષુ ચૈતન્યો આત્યંતિક કલ્યાણના પથયાત્રી બને એવી પ્રભુ તથા સદગુરુને પ્રાર્થના કરીએ અને સર્વના સાથ - સહકારની અપેક્ષા સાથે શ્રદ્ધાપૂર્વકના પુરુષાર્થમાં જોડાઈ પ્રભુ પ્રસન્નતાના અધિકારી બનીએ.

અસ્તુ!!!