૧૭. અમૃતબિંદુઓ
1. જ્યારે કોઈ સભામાં સંબોધન કરીએ કે કાંઈ પણ બોલીએ ત્યારે એમ કહેવું, પરમ કૃપાળુ શ્રીજીમહારાજ, તેમના અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી, સદગુરુઓ તથા દિવ્ય સભાને કોટાનકોટિ વંદન કરું છું. અને પછી બોલવાની શરૂઆત કરવી, તો મહારાજ અને મુક્ત પ્રસન્ન થાય.
2. જેમ તમે મને જુઓ છો અને હું તમને જોઈ શકું છું તેટલી જ સ્પષ્ટ રીતે જ્યારે આંખો બંધ કરીએ ત્યારે મહારાજની મૂર્તિ દેખાવી જોઈએ. ત્યારે ધ્યાનની દૃઢતા થાય.
3. ભગવાનનું દરેક અંગ એટલું બધું રમણીય છે કે, એ ભગવાન પોતે મનુષ્યસ્વરૂપે પ્રગટ થાય ત્યારે એટલું બધું સૌંદર્ય લઈને જો પ્રકાશે તો જીવો બધાં ખેંચાઈ જાય. આખા જગતની બધી ક્રિયાઓ ઠપ થઈ જાય. માટે મનુષ્ય જેવા થઈને જ દર્શન આપે છે.
4. જે જ્ઞાન આપણા જીવનઘડતરમાં ઉપયોગી ન થાય તો તેનો કોઈ અર્થ ખરો? જીવનઘડતરમાં ઉપયોગી થાય એ જ્ઞાન કામનું.
5. બધા પ્રશ્નોનો ઉકેલ મહારાજની મૂર્તિ છે.
6. પ્રાર્થના એ શક્તિશાળી હથિયાર છે. પ્રભુને નિઃસ્વાર્થભાવે પ્રાર્થના કરવી.
7. પરમાત્માનો સંબંધ એટલે નરી નિર્મળતા તો પછી એ સ્વરૂપ આપણા વ્યક્તિત્વને બદલી નાખ્યા વગર રહે ખરું?
8. અનાદિમુક્ત પ્રભુ પાસે પહોંચવાનું સર્વોત્કૃષ્ટ માધ્યમ છે. તે માધ્યમ વગર પ્રભુ પાસે પહોંચી ન શકાય.
9. આપણને જ્યારથી મહારાજ અને મુક્ત મળ્યા છે ત્યારથી કાળ, કર્મ અને માયાનું પ્રભુત્વ રહેતું નથી. એમ વિચારી હંમેશાં મહારાજને સંભાર્યા કરવા અને સદાય આનંદમાં રહેવું.
10. મહારાજ તથા મુક્તને પ્રાર્થના કરી સંપૂર્ણ શરણાગતિના ભાવ સાથે બધું કાર્ય તેમને સોંપી દેવું. તેઓ બધું પાર પાડી આપે.
11. નાત-જાત એ આ લોકના શબ્દો છે. આપણે તો એક સત્સંગીની નાત જ રાખવી, તે જ આપણી ખરી નાત.
12. વ્યક્તિમાં રહેલો સાત્ત્વિક રાગ પણ બંધનરૂપ નીવડે છે. આ સાત્ત્વિક રાગ સત્પુરુષ થકી સાચી સમજણ કેળવી દૂર કરવો જોઈએ, તો જ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ સરળ બને.
13. બધાં કાર્યો ભગવાનની પ્રસન્નતા માટે કરવાં, સ્વશ્લાઘા અને પ્રસિદ્ધિ માટે કાંઈ ન કરવું.
14. મોટા મુક્ત વખાણથી પર છે. તેમનામાં રહી મહારાજ બોલે છે, સર્વ કાર્ય કરે છે. એટલે એમની પ્રશાસા એ મહારાજની જ પ્રશંસા છે.
15. જેના થકી પાત્રતા આવી પછી તેનો મહિમા જાણવો જોઈએ. જો ભૂલી જઈએ તો પાત્રતા પાત્રતા રહેતી નથી.
16. મહારાજ કે મુક્તના સ્વપ્નમાં કે દિવ્ય સ્વરૂપે દર્શન થાય તે કોઈને કહીને આત્મપ્રશંસા કરવી નહિ. અંદર અંતરમાં જ તેનો આનંદ લેવો.
17. વિદ્યાર્થીએ ભગવાનને સંભારીને પેપર લખવું. મહારાજને યાદ કરી લખીએ એટલે મહારાજ આપણી ભેળા દિવ્યભાવે ભળે અને પછી મહારાજ જ પેપર લખે.
18. મહારાજના સ્વરૂપ વિશેની ખરી સમજણ તથા જ્ઞાન મુક્તની કૃપાથી જ આવે છે, રહે છે અને ટકે છે.
19. ડૉક્ટરો દરેક જાતનાં ઑપરેશન કરે છે, પણ કોઈ ઇગો સર્જરી નથી કરી શકતું. આપણે આપણી મેળે આત્મનિરીક્ષણ દ્વારા આપણા ઇગોની સર્જરી કરી નાખવી. દરેક કાર્ય મહારાજ કરે છે એમ વિચારી કાર્ય કરવાથી ઇગો સર્જરી થઈ જાય છે. અહંકાર ઓગળી જાય છે.
20. ભગવાન જેના પર રાજી હોય તેની જ કસોટી કરે છે. કસોટી કરનાર કોણ છે? પછી ભલેને કરે, કસોટીમાંથી તારશે પણ તે જ, તેવી દૃઢતા રાખવી.
21. મુક્ત તો મૂર્તિ સિવાય કાંઈ જોતા જ નથી. તેઓ તો મૂર્તિનું જ સુખ ભોગવે છે. અને જાણપણું પણ એક મૂર્તિના સુખનું જ રહે છે. તેના દ્વારા કર્તાપણું મહારાજનું જ છે.
22. આશીર્વાદ એ જ પ્રસાદી છે, પછી બીજી પ્રસાદીની આવશ્યકતા રહેતી નથી.
23. ભગવાનને સર્વોપરી સમજવા માટે જુદી જુદી કક્ષાઓ, જુદી જુદી ભૂમિકાઓ બાજુએ મૂકી દેવી જોઈએ, એ માત્ર ચર્ચા અને બૌદ્ધિક મનોરંજનનો વિષય બની રહે છે. જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે નાસ્તિકપણું, શંકા-કુશંકા ટળે અને વિવાદ માત્રનો અંત આવી જાય.
24. ભગવાનના સ્વરૂપની અખંડ સ્મૃતિ રહે તે મોટામાં મોટી પ્રાપ્તિ છે અને તેનું દિવ્ય સુખમાં રૂપાંતર થાય તે જ સાક્ષાત્કારની સ્થિતિ.
25. મહારાજની આજ્ઞા લોપે તો મહારાજનો દ્રોહ કર્યો કહેવાય. કોઈ દ્રોહ કરે અને ત્યાં પોતાનું ઊપજે એવું ન હોય તો મૌન પ્રતિકાર કરી ત્યાંથી ખસી જવું. તેવા વાતાવરણની વચ્ચે રહે તો ધ્યાન-ભજનમાં વિક્ષેપ થાય. આજ્ઞા લોપને આંખ આડા કાન કરવા તે પણ એક પ્રકારનો દ્રોહ ગણાય.
26. અંતઃશત્રુથી મુક્ત થયા પછી અને ઘાટ-સંકલ્પ બંધ થયા પછી જ ખરી શાંતિ આવે છે. જેણે અંતરમાં ભગવાન પધરાવ્યા હોય તેને જ આ સુખની પ્રાપ્તિ અને શાંતિ છે.
27. ભગવાનનાં દિવ્ય સાકાર સ્વરૂપનાં દર્શન થાય ત્યારે જે દિવ્યાનંદ અનુભવાય તે આનંદ કોઈ પણ આનંદ કરતાં અનંત ગણો વધુ છે. પ્રસિદ્ધિના રાગથી જો ભક્તિ થાય તો ભગવાનના સાકાર સ્વરૂપનાં દર્શન ન થાય.
28. જન્મો-જન્મથી જીવોને હેરાનગતિનો પાર નથી. ચર્મ ચક્ષુ મટીને દિવ્ય ચક્ષુ પામવા મહારાજ ભજવા. પરભાવમાં મહારાજ આગળ સ્ત્રી-પુરુષનો ભેદભાવ નથી, તેમ જ વિષય વાસના જેવો વિચાર માત્ર નથી.
29. જેણે જીભ પર જીત મેળવી નથી તે કોઈ દિવસ બ્રહ્મચર્યનું પાલન નહિ કરી શકે. માટે સંયમિત આહાર લેવો ને દરેક ઇંદ્રિયોનો આહાર શુદ્ધ રાખવો.
30. વ્યક્તિ સામે આપણે નજર ન રાખવી, પરંતુ વર્તન સામે મહારાજની નજર છે તે ન ભૂલવું.
31. પૂર્વગ્રહ જેવો કોઈ ગ્રહ નથી. નવ ગ્રહ તો બિચારા કાંઈ નડતા નથી, પણ પૂર્વગ્રહ તો જીવને વિઘ્નકર્તા છે તેને દૂર કરવો.
32. બીજાને પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન સમજાવવું તેના જેવી કોઈ સેવા નથી, પણ તે માટે પોતાને બરાબર સમજ હોવી જોઈએ.
33. પ્રભુ જેવો ને જેટલો ચૈતન્ય નિર્મળ થાય ત્યારે જ પ્રભુનો સાક્ષાત્કાર થાય ને પ્રભુરૂપ થવાય.
34. આપણે કઈ રીતે વર્તવું તે કોઈને પૂછવાની જરૂર ન પડે. કોઈ પણ ક્રિયા કરતાં પહેલાં વિચારવું કે આ ક્રિયા મહારાજને ગમશે? જો અંતર હા પાડે તો તે ક્રિયા કરવી અને ના પાડે તો તે ક્રિયા ન કરવી.
35. દુઃખ, આપત્તિ અને શિક્ષા તે ચૈતન્યને મોક્ષ માર્ગે લઈ જાય છે.
36. આપણને જે સ્વરૂપ ગમતું હોય તે એક જ સ્વરૂપમાં ધ્યાન કેન્દ્રીત કરવું. જુદું જુદું સ્વરૂપ ન લેવું. જુદાં જુદાં સ્વરૂપમાં ધ્યાન કેન્દ્રીત કરે તો ધ્યાન સિદ્ધ ન થાય.
37. મૂર્તિ સિદ્ધ થયા પછી હરિકૃષ્ણ મહારાજ એટલું બધું સૌંદર્ય ધારણ કરે છે કે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. જેવું સ્વરૂપ છે તેના દિવ્ય દર્શન પોતે આપે છે. માટે અધીરા બનવું નહિ. ભગવાનના સ્વરૂપનાં દિવ્ય દર્શન માટે ધીરજ રાખ્યે જ છૂટકો છે.
38. ભગવાન અને તેમના મુક્ત જ્યારે પ્રગટ થાય છે, ત્યારે જેને ભગવાન મેળવવાની ઇચ્છા હોય તેને પ્રભુ અને મુક્ત પોતે જ શોધી કાઢે છે.
39. જે મુક્ત આપણને પ્રગટ મળ્યા હોય તેમની સ્મૃતિ કરી ભગવાનના સ્વરૂપમાં જોડાવું તો ધ્યાન સરસ રીતે થાય.
40. મુક્તની સેવા કરે તેના ઉપર મહારાજ બહુ રાજી થાય છે. માટે મુક્તની સેવામાં પોતાના દેહને સુખડની જેમ ઘસી નાખવો જોઈએ કેમ કે મુક્ત દ્વારે મહારાજ જ સેવા અંગીકાર કરે છે.
41. મુક્ત મનુષ્ય ચરિત્ર કરે છે, કારણ કે તે આપણને (જીવોને) અનુકૂળ પડે છે, માટે કરે છે. ભગવાનનું સ્વરૂપ ઓળખાવવા પોતે મનુષ્ય જેવા થઈને રહે છે.
42. મુક્તની દૃષ્ટિમાં દૈવી કે આસુરી જીવ તેવો ભેદ નથી. પાત્ર-કુપાત્ર જોયા વગર તેઓ તો કેવળ કૃપા જ વરસાવે છે.
43. મહારાજ તો જીવના થઈને જ રહ્યા છે, પણ જીવો પોતાની અવળાઈને લીધે ભગવાનના થતા નથી.
44. અનાદિમુક્ત ન વિચરતા હોય ત્યારે તેમણે કહેલી વાણી સાંભળવી એ પણ એમનો સાક્ષાત્ સમાગમ છે.
45. જેને સ્વામિનારાયણ ભગવાનનું તત્ત્વજ્ઞાન યથાર્થ સમજાય તેને સુખનો પાર રહેતો નથી.
46. પંચવિષયનો રાગ જેને ટળી ગયો હોય તેને પ્રભુ પ્રાપ્તિ સરળ રીતે થઈ શકે.
47. અનુભવે કરીને મહારાજનું સ્વરૂપ સમજવું જોઈએ. બુદ્ધિએ કરીને સમજ્યા હોય તેમાં ક્ષતિ રહી જાય.
48. કાર્ય સફળ થાય કે ન થાય. આશીર્વાદમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. આશીર્વાદ જીવનું હિત કરે જ છે એેવો ખરો નિશ્ચય એ જ આશરાનું સ્વરૂપ છે.
49. સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજે ક્યાંય આસક્તિ રહે તો જન્મ ધરવો પડે.
50. મુક્તને અંતર્ધાન થવાપણું અને પ્રગટ થવાપણું બધું શ્રીહરિના સંકલ્પથી જ છે. પ્રાગટ્ય દિન અને અંતર્ધાન તે ભગવાનમાં જોડતી લીલા જ છે. મુક્ત કદીયે ગર્ભવાસમાં આવતા નથી. આ તો દિવ્ય સંકલ્પ માત્ર છે.
51. અનાદિમુક્તની વાણી આત્મસાત્ કરી પાત્ર થઈએ તો ધ્યાન સિદ્ધ થાય.
52. સર્વોપરી ઉપાસના ત્યારે થાય જ્યારે મહારાજમય થવાય. ઉપાસના પરિપક્વ થાય ને મહારાજની મૂર્તિ દૃઢ થાય ત્યાં સુધી જંપવું નહિ. પુરુષપ્રયત્ન ચાલુ રાખવો.
53. જન્મ-મરણ ત્યારે જ ટળે, જ્યારે આત્માનો પરમાત્મા સાથે સંબંધ થાય.
54. ઉત્ક્રાંતિ ધીરે ધીરે થાય. એક દિવસમાં ન થાય. અંતે થાય જ.
55. મોટા મુક્ત છેલ્લા જન્મના આશીર્વાદ આપે તે આશીર્વાદ ઝીલવા માટે પાત્રતા કેળવવી જોઈએ. જો પાત્રતા ન હોય તો આશીર્વાદ પાછા મૂર્તિમાં જતા રહે છે.
56. પ્રસિદ્ધિના રાગ સહિતની સેવા નિષ્ફળ નિવડે છે. સેવા-પ્રસિદ્ધી = શૂન્ય.
57. સાચી શરણાગતિ એટલે આપણે માટે પ્રભુએ નિર્માણ કરેલી કોઈ પણ પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી, નિર્વિકલ્પ થઈ અને અખંડ આનંદમાં વર્તવું.
58. પંચવિષય સંબંધી રાગ તે ઉપરનાં શિંગડાં જેવા સ્થૂળ છે. જે જ્ઞાનરૂપી શસ્ત્ર વડે સરળ રીતે ઊખડી જઈ શકે, પરંતુ કીર્તિ પ્રસિદ્ધિનો રાગ તે અંદર રહેલા શિંગડાં જેવો સૂક્ષ્મ રાગ છે, તે જવો અતિ કઠણ છે, અનાદિમુક્તની કૃપાથી જ તે રાગ ટળે.
59. અનાદિમુક્તનો જોગ કરતા તેમને વિષેથી મનુષ્યભાવ ટળી દિવ્યભાવની દૃઢતા થાય ને ઘાટ-સંકલ્પ ન થાય તો ત્વરિત પાત્રતા આવે.
60. દરરોજ મહારાજની મૂર્તિને એકાગ્ર ચિત્તે અડધો કલાક નીરખવાનો અભ્યાસ રાખે તો ઘાટ સંકલ્પ ટળી જાય ને અંતરવૃત્તિ થવા માંડે.
61. મૂર્તિના ધ્યાન સાથે પંચવર્તમાનના સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ મોટા મુક્ત પાસેથી સમજી લઈ તેનું યથાર્થ પાલન કરે તો પાત્ર થતા વાર ન લાગે.
62. મુક્ત પોતાની આધ્યાત્મિક શક્તિનો ગમે તેમ ઉપયોગ નથી કરતા, નહિ તો વેપાર કર્યો કહેવાય. પ્રભુએ પોતે પણ નથી કર્યો. જો મહારાજ શક્તિઓને ઉપયોગ કરવાની છૂટ આપી દે તો દુનિયામાં કોઈ દર્દી જ ન રહે. અનંત પ્રકારના ચમત્કારો સજાર્ય. એટલી બધી શક્તિ આજના મુક્તમાં છે. મહારાજ તે શક્તિનું નિયંત્રણ કરે છે.
63. મૂર્તિમાં એકાગ્ર વૃત્તિ થવા માંડે એ કારણ સત્સંગ છે. પછી તેને મંદિરની દોડાદોડ, ઉત્સવ-સમૈયા વગેરે કાર્ય સત્સંગ ગૌણ થવા માંડે છે.
64. અનાદિમુક્તને તો જીવોના કલ્યાણ કરવા વિશેની જ રુચિ હોય છે, તેથી ઐશ્વર્યાર્થીઓની જેમ કાર્યની ધમાલ તેમને પસંદ નથી હોતી.
65. મહારાજ તથા મોટા અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ હોય અને તેમના આશીર્વાદ મળ્યા હોય તો પણ તેને કેફે કરીને છકી જવું નહિ અને ધર્મ--નિયમ તથા આજ્ઞાપાલનમાં શિથિલતા આવી ન જાય તેની હંમેશાં તકેદારી રાખવી.
66. જે સાધકને શ્રીજીમહારાજ તથા તેમના અનાદિમુક્તની કૃપાથી પ્રભુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, તે ચૈતન્ય નિરાકારમાંથી દિવ્ય સાકાર બને છે. તે પ્રભુના જેવો જ દિવ્ય સાકાર થઈ પ્રભુ સાથે રસબસ લીન રહી દિવ્ય સુખ માણે છે.
67. સાધકને સાધનનો ભાર હોય ત્યાં સુધી કોટી જન્મ સુધી દાખડા કરે તો પણ દિવ્યસુખની પ્રાપ્તિ ન થાય અને મુક્તદશા પણ ન આવે. એ તો પ્રભુ તથા તેમના સિદ્ધ અનાદિમુક્ત સાથે જોડાય ત્યારે કૃપા કરીને જીવને પોતાના સુખમાં લઈ જાય ને પૂરું કરી દે.
68. અનાદિમુક્તની કૃપાથકી આત્મા-પરમાત્માનો સંગ કરવાનું યથાર્થ જ્ઞાન થાય તે જ સત્સંગ.
69. વ્યક્તિ ગમે તેવી ઉચ્ચ સાધનદશામાં હોય, તો પણ તેને પતનની શક્યતા રહે છે, પરંતુ પ્રભુના સ્વરૂપના સાક્ષાત્કારવાળા આમાં અપવાદરૂપ છે. There is no season for a man to be corrupt, but an enlighted person is an exception.
70. પ્રભુને પ્રાર્થના કરવી ત્યારે પ્રભુ પાસે પોતાના ઠરાવ રાખીને ન કરવી, કારણ કે આપણું હિત શેમાં છે તે આપણે જાણી શકતા નથી. માટે પ્રભુને કહેવું કે જેમાં મારું હિત હોય તે પ્રમાણે જ કરવા કૃપા કરજો.
71. ધ્યાન અને પ્રભુની કલ્યાણકારી સેવાપ્રવૃત્તિ બંને સાથે કરવું, તો ક્યારેય Monotony એકસૂરતા ન લાગે અને જલદી પાત્રતા આવે.
72. રાત્રે કોઈક કારણસર ઊંઘ ઊડી જાય ને નિદ્રામાંથી જાગૃત થઈ જવાય તો ફરી સૂતાં પહેલાં પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવું. આ પ્રકારના લાંબા અભ્યાસથી નિદ્રા યોગનિદ્રામાં બદલાઈ જાય છે.
73. આલોકની ઔષધિઓથી તનનો રોગ જાય, જ્યારે શ્રીજીમહારાજની મૂર્તિરૂપી દિવ્ય ઔષધિ દ્વારા તન, મન તથા ચૈતન્યના બધા રોગ દૂર થઈ જાય.
74. ઔષધ પણ પ્રભુને ધરાવીને ગ્રહણ કરવું, જેથી પ્રભુ તેમાં ભળે એટલે રોગ દૂર થાય.
75. જીવોને મહારાજ ને મુક્ત ઓળખાવવા તેના જેવી કોઈ મોટી સેવા નથી, પ્રભુ પ્રસન્નતાનું તે મોટું સાધન છે.
સંત લક્ષણ કહે હરિ હેત શું રે,
સુણો હરિજન એકમન ચિત્ત રે.
સેવીએ એવા સંતને રે,
સદા શુભ ગુણ શોભે ત્રીસ તનમાં રે;
તેનું વિધવિધ કહું વરતંત રે.
કૃપાસિંધુ ન કરે દ્રોહ કોયનો રે,
ક્ષમાવંત વદન સત્ય વાણ રે;
નિંદા દ્વેષ નહિ ને ઉપકાર અતિ રે,
કામ રહિત જીતી છે ઇંદ્રિય જાણ રે.
કોમળ નિર્મળ આચાર અતિ ઘણો રે,
સંગ્રહરહિત લીયે છે લઘુઆહાર રે;
શિતળ હૃદયે વિચાર પાળે ધર્મને રે,
સાવધાન સદા વ્યાપે નહિ વિકાર રે.
ધીર ગંભીર દયાળુ દીસે દિલના રે,
ખટ ઊર્મિ ન કરે જેને ખેદ રે;
માન રહિત જે દાસપણું દાખવે રે,
સુણ્યા ગતિ દાતા જ્ઞાન અભેદ રે.
સગા સહુના વિવેકી વિશ્વાસી વળી રે,
ભ્રાંતિ રહિત હરિને પરાયણ રે;
અતિ નિરાશી ઉદાસી આ સંસારથી રે,
રટે નિશદિન નામ નારાયણ રે.
સંપૂરણ લક્ષણ કહ્યાં સંતનાં રે,
શ્રીમુખ વચનામૃતમાંય રે;
કહ્યું શ્રીમુખે નિજાશ્રિત આગળ રે,
કહ્યું નિષ્કુળાનંદે તે પદમાંય રે.