૪. અનાદિમુક્તની સાર્ધ શતાબ્દીની ઉજવણી શા માટે?

અનાદિમુક્તનું પ્રાકટ્ય અનંત જીવોને શ્રીહરિના દિવ્યસુખને પમાડવા, ભગવાન શ્રી સ્વામિનારાયણના કેવળ સંકલ્પથી થાય છે. સર્વોત્તમ ઉદ્ધારના એ આદર્શ અનુસાર, અનાદિ મહામુક્ત શ્રી અબજીબાપાશ્રી કચ્છ-ભૂમિ પર ભૂજથી 18 કિલોમીટર દૂર આવેલા અને એ મહાપ્રભુનાં પાવન પગલાંથી આઠ વખત અંકિત થયેલ શ્રી બળદિયા (શ્રી વૃષપુર) ગામે સંવત 1901ના કારતક સુદ પ્રબોધિની એકાદશીને રોજ પ્રગટ થયા. તેમણે આત્યંતિક મોક્ષરૂપ અનાદિમુક્તની સર્વોચ્ચ સ્થિતિની લક્ષ્યાર્થ સમજણ કરાવી, અનેક સંત-હરિભક્તોને શ્રીહરિના પરમપદના અધિકારી બનાવી, મૂર્તિના સુખભોક્તા કરી દીધા હતા. વળી તેમણે સર્વોપરી આદર્શ તત્ત્વજ્ઞાનથી ભરપૂર ગ્રંથ 'શ્રી વચનામૃતમ્' પર પ્રશ્નોત્તર રૂપે સરળ ભાષામાં સમજૂતી આપતી શ્રેષ્ઠ માર્ગદર્શિકા સમી 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા' રચી, સદાને માટે મોક્ષનો માર્ગ સરળ ને સુલભ બનાવી દીધો છે. એમની દિવ્યવાણી 'શ્રી અબજીબાપાશ્રીની વાતો ભાગઃ1-2'ના નામથી પ્રકાશિત થયેલ છે. એ બંને ભાગોમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહેવાની વાતોરૂપી અમૃતરસ છલકાય છે. બસ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ! તે સિવાય કશી વાતનું સ્મરણ કે અધ્યાપન બાપાશ્રીએ રાખ્યું નથી. એ બંને ભાગો શીતળ જ્ઞાનજળથી ભરેલા છે જે વાંચીને જીવમાં ટાઢું ટાઢું થઈ જાય છે.

સ.ગુ. શ્રી ગોપાળાનંદસ્વામીના શિષ્ય સ.ગુ.શ્રી નિર્ગુણદાસજીસ્વામી પોતાના સર્વે સંત-હરિભક્તોને વારં-વાર કહેતા કે, "શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાનું અલૌકિક સુખ આપવા માટે હાલ આ 'અબજીભાઈ'ને મોકલ્યા છે." બાપાશ્રીની બેનમૂન સાદાઈ, તેમના જીવન અને વર્તનનો એક દોર, તેમનું આજ્ઞાપાલન અને શિસ્ત ખરેખર અદભુત હતાં. બાપાશ્રીના જીવનમાં ડગલે ને પગલે સૌ કોઈને વેદની ઋચાઓનો સાક્ષાત્કાર થતો; તેમની દરેક ક્રિયામાં અલૌકિકપણાનો અનુભવ થયા વગર રહેતો નહિ. પરમ કૃપાળુ શ્રી અબજીબાપાશ્રી મોટા પારાયણ-યજ્ઞો કરતા ત્યારે પોતે આશીર્વાદ આપતા કે, "આ જગનમાં જે કોઈ હાજરી આપશે, જે કોઈ પ્રસાદી જમશે તે સર્વેનો છેલ્લો જન્મ કરીને અમો અક્ષરધામમાં લઈ જઈશું." કેવું અદભુત સાર્મથ્ય! કેવી અદભુત પ્રાપ્તિ! અનાદિમુક્તની વાત જ ન્યારી!

અનાદિમુક્તની સાર્ધ શતાબ્દી એ અક્ષરધામની અલૌકિક પ્રાપ્તિ, છેલ્લા જન્મના દુર્લભ આશીર્વાદ ને અમોઘ કૃપા મેળવી લેવાનું અનુપમ પર્વ છે. આવા પુનિત પ્રસંગોએ શ્રીહરિ પ્રસન્ન થઈ અપાર કૃપાવર્ષા કરે છે, જેથી આપણા અવયવો પણ ફરી જાય છે. પંચ વર્તમાનનું યથાર્થ પાલન કરીને, દૃઢ વિશ્વાસ ને મહિમા સહિત એ કૃપા અધ્ધરથી ઝીલીએ એ જ અનાદિમુક્તની સાર્ધ શતાબ્દીની ઉજવણીની ફલશ્રુતિ છે.