૧. પરમાત્મા તો એક ને ફક્ત એક જ છે
વૈવિધ્યપૂર્ણ આ વૈજ્ઞાનિક યુગમાં પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં વિશેષ ને વિશેષ સુખ મેળવવા મથે છે; રાતદિવસ મહેનત કરે છે, પરંતુ મેળવવા જેવું સર્વશ્રેષ્ઠ ને શાશ્વત સુખ તો કેવળ પરમાત્માના સ્વરૂપમાં જ રહેલું છે, જે મેળવ્યા પછી બીજું કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. એ પરમાત્મા સર્વવ્યાપક ને અપાર છે. એ એક જ હોઈ શકે. જો એ બે હોય તો એકબીજાને સીમિત કરે ને બંને મર્યાદિત બની જાય. એ સર્વોપરી પરમાત્મા જ સર્વેને સુખ, ઐશ્વર્ય ને સાર્મથ્યના દાતા છે. સર્વ કારણના કારણ, સર્વાવતારી, સર્વકર્તા ને સદા દિવ્ય સાકારમૂર્તિ એવા એક ને એક જ પરમાત્મા છે, જેમને આપણે સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વરૂપે ઉપાસીએ છીએ.