૩. પંચ વર્તમાન
હવે એ પંચ વર્તમાન ક્રમશઃ વિગતે સમજીએ:
પ્રથમ વર્તમાન: દારૂનો ત્યાગ
તન-મન-ઇંદ્રિયોને નશો કે ઘેન ચડાવી પ્રભુના માર્ગથી ચલિત કરે એ સર્વે દારૂ છે. જુદા જુદા પ્રકારના દારૂ તથા ચા, કૉફી, સિગારેટ, બીડી, તમાકુ, અફીણ, ગાંજો, ભાંગ આદિ કેફ કરનારા પદાર્થો એક યા બીજા પ્રકારના દારૂ જ છે. એ સર્વે પદાર્થો શરીરના સ્વાસ્થ્યને ઓછાવત્તા અંશે નુકસાન કરે છે, એટલું જ નહિ ઘણી વાર જીવલેણ નીવડતા હોવાથી સર્વદા ર્વજીએ. દશ ઇંદ્રિયો અર્થાત્ પાંચ કર્મેન્દ્રિયો (વાક્, હાથ, પગ, ગુદા ને પ્રજનનેન્દ્રિય) અને પાંચ જ્ઞાનેન્દ્રિયો (નેત્ર, શ્રોત્ર, રસના, ઘ્રાણ ને ત્વચા) ને કેફ ચડાવી, ભગવાનને પામવાના વિવેકનું અનુસંધાન ચુકાવી દે તે સર્વે દારૂ ગણાય. ન જોવા લાયક વસ્તુઓ પરત્વે આકર્ષણ થાય અને તે જોવાનું પ્રલોભન થઈ જાય એ નેત્રનો દારૂ. વ્યર્થ ગ્રામ્ય વાતો કરવી કે કોઈની નિંદા-ટીકા કરવી કે કોઈને ગાળ દેવી એ વાણીનો દારૂ. કોઈ પણ વ્યક્તિની નિંદાજનક વાતો સાંભળવી, ન સાંભળવા જેવાં ગીતો કે વાતોનું શ્રવણ કરવું --એ સર્વે શ્રોત્રનો દારૂ છે. રજોગુણી ને તમોગુણી વૃત્તિ ઉત્પન્ન કરે તેવાં અતિ ખાટા -ખારા-તીખા-ગળ્યા સ્વાદિષ્ટ પદાર્થો ખાવાની રુચિ હોવી તે રસનેંદ્રિયનો દારૂ છે. ભગવાનના સંબંધ વિનાનાં રજોગુણી સુગંધીવાળાં અત્તર-તેલ આદિ દ્રવ્યો વાપરવાનું અંગ પાડવું એ ઘ્રાણેન્દ્રિયનો દારૂ. ભગવાન સિવાય જગત સંબંધી ખોટા વિચારો કે ઘાટ-સંકલ્પોનું ચિંતન-મનન કરવું એ મનનો દારૂ છે. પરસ્ત્રી સંસર્ગ, જુગટું રમવું, મૃગયા કરવી, મદ્યપાન કરવું, નૃત્ય-સંગીત-વાદ્યની આદત, વૃથાટન, નિંદા અને દિવસની નિદ્રા --આ દશ વ્યસનો આપણી વૃત્તિને ભગવાનના સ્વરૂપમાં રાખવામાં વિધ્નકર્તા છે. રજોગુણી ને તમોગુણી જીવન પણ દારૂ તુલ્ય છે. મન-ઇંદ્રિયોને પંચ વિષયરૂપ ઘેન ચડાવે તે સર્વે દારૂના જુદા જુદા પ્રકાર છે, જેનો સ્વેચ્છાએ સમજણપૂર્વક ત્યાગ એ પ્રથમ વર્તમાન છે.
દ્વિતીય વર્તમાન: માટી (હિંસા)નો ત્યાગ
માટીનો ત્યાગ એટલે માત્ર માંસાહારનો ત્યાગ નહિ, પણ આંતર-બાહ્ય આહારશુદ્ધિ જાળવવી તે છે. માટીના ત્યાગમાં મન-કર્મ-વચને હિંસાનો સંપૂર્ણ ત્યાગ સમાવિષ્ટ થઈ જાય છે. સાફ કર્યા વગરનાં, જીવાતવાળાં અનાજ, ફળ, મેવા આદિ પદાર્થો તથા જંતુયુક્ત ગાળ્યા વગરનું પાણી-દૂધ-તેલ-ઘી આદિ પ્રવાહીનો ઉપયોગ તે એક પ્રકારનું માંસભક્ષણ છે. તે સર્વે પદાર્થો જીવ-જંતુ રહિત થાય તેવા ચોખ્ખા કરીને જ વાપરવા. બજારુ અનાજ ઘંટીનો ઉપયોગ ઇચ્છનીય નથી. શક્ય હોય તો આર્થિક અનુકૂળતા કરી ઘરઘંટી વસાવી, તેનો ઉપયોગ કરવો. તદુપરાંત આપત્કાળ સિવાય શંકાસ્પદ એવું ઔષધ ક્યારેય ન લેવું. માંસના સંસર્ગવાળા અથવા શુદ્ધતા વગરના બજારુ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કદાપિ ન કરવો. અન્યને દુભવીને, છેતરીને કે અન્યાયી રીતે મેળવેલ ધનથી ખરીદેલું અન્ન માટી તુલ્ય જ છે. તે ગ્રહણ ન કરવું. આંતરબાહ્ય શુદ્ધિના નિયમ મુજબ તૈયાર કરેલા ભોજનનો થાળ ભગવાનને અર્પણ કરી, મહાપ્રભુની સ્મૃતિસહિત જમવું તે ખરા અર્થમાં માટી ત્યાગ કર્યો કહેવાય.
હવે માટીના સૂક્ષ્મ સ્વરૂપ વિશે વિચારીએ. કોઈને ઈજા કરવી-દૂભવવા-ક્રોઘ કરવો એ પણ માટી છે. પોતાના સ્વાર્થ ખાતર અન્યને પીડનરૂપ થવું એ હિંસા છે. ઈર્ષા-દ્વેષ, જૂઠું બોલવું કે કોઈના પરત્વે ભૂંડો સંકલ્પ કરવો તેમ જ ગજા ઉપરાંત વિશેષ પરિશ્રમ કરવો એ સર્વે હિંસાના જુદા જુદા પ્રકાર જ છે. આમ સ્થૂળ ને સૂક્ષ્મ સર્વે પ્રકારની હિંસાનો ત્યાગ અર્થાત્ અહિંસાનું પાલન એ દ્વિતીય વર્તમાન છે.
તૃતીય વર્તમાન: ચોરીનો ત્યાગ
કોઈ પણ પદાર્થ, ફળ-ફૂલ, ધન-જમીન આદિ તેના ધણીની આજ્ઞા વિના લઈ લેવાં તે ચોરી છે. કોઈને દૂભવીને કે યુક્તિપૂર્વક કે બળજબરીથી તેનું પડાવી લેવું તે ચોરી છે. વળી પોતાની આવક તેમ જ પોતાને મળતા સમયમાંથી પ્રભુને અર્પણ કરવાનો ભાગ (ધર્માદો) ન કાઢવો એ પણ ચોરી ગણાય. કોઈનો વિશ્વાસઘાત કરવો એ ચોરી છે. નોકરી-ધંધામાં પોતાનાં કર્તવ્ય-જવાબદારી પ્રામાણિકપણે ન બજાવવાં તે પણ ચોરી. અંગત હેતુ અર્થે મોટા પુરુષના નામનો દુરુપયોગ કરવો એ પણ ચોરી કહેવાય. કોઈએ પ્રેમભાવ કે મહિમાથી આપેલ પદાર્થ કે બક્ષીસ, આસક્તિ કે લોભવૃત્તિથી સ્વીકારવાં તે પણ આ વર્તમાનનો લોપ છે. આ રીતે મન-કર્મ-વચને સર્વ પ્રકારની સ્થૂળ-સૂક્ષ્મ ચોરી જાણ્યે અજાણ્યે પણ ન થઈ જાય એ માટે સતત જાગૃતિ રાખવી એ તૃતીય વર્તમાન.
ચતુર્થ વર્તમાન: અવેરીનો ત્યાગ
અવેરીનો ત્યાગ એટલે મન-કર્મ-વચને વ્યભિચારનો ત્યાગ-પરસ્ત્રીપુરુષના અનિષ્ટ વ્યવહારનો ત્યાગ અર્થાત્ બ્રહ્મચર્યનું પાલન એ ચોથું વર્તમાન છે. પરમેશ્વરના સ્વરૂપમાં ચર્યા એ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યની આવી સ્થિતિને પામેલા પુરુષને સ્ત્રીનું ને એવી સ્ત્રીને પુરુષનું આકર્ષણ ટળી જાય છે. ઇંદ્રિયોની વિષયાસક્ત વૃત્તિનો જાણ્યે અજાણ્યે સ્થૂળ કે સૂક્ષ્મ રીતે નિગ્રહ ન થતાં જાગ્રત કે સ્વપ્ન અવસ્થામાં બ્રહ્મચર્યવ્રતનો ભંગ થઈ જાય તે અવેરી. આપણા મનમાં વિષય-વિકાર ઉદભવે કે એવા વિકારી વિચારનું ચિંતન-મનન થઈ જાય તે અવેરી છે. મનમાં ઉદભવતી કામવૃત્તિને જોરે કરીને દબાવી દેવાથી મનોવૈજ્ઞાનિક વિકૃતિ કે અન્ય નબળાઈ ઉત્પન્ન થાય છે. પરંતુ જ્ઞાન-ધ્યાન-ઉપાસના, સદ્પ્રવૃત્તિ, સદ્વાચન ને સત્પુરુષના સેવા-સમાગમ દ્વારા એ વિકારી વૃત્તિનું સાત્ત્વિક વૃત્તિમાં રૂપાંતર કરી, તેનું ઊર્ધ્વીકરણ કરવાથી સર્વોપરી પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની પાત્રતા આવે છે. અતિરેકપણું ર્વજીને જપ, તપ, દેહદમન, પૂજાપાઠ, સ્વાધ્યાય, સેવા-ભક્તિ આદિ કરવાં એ સર્વે પાત્રતા અને નિષ્કામવ્રતની દૃઢતા અર્થે જ છે. સંતાનની આવશ્યકતા ન હોય તો ગૃહસ્થાશ્રમીઓએ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી, ભગવાનનાં ભજન-ભક્તિ ને સેવાના કાર્યમાં જોડાવું. ત્યાગી-ગૃહી સ્ત્રીપુરુષોએ પોત-પોતાનાં ધર્મ-નિયમ-મર્યાદામાં ખબરદાર રહી, પ્રભુના સ્વરૂપમાં રસબસ જોડાવાનો નિત્ય અભ્યાસ રાખવો. બ્રહ્માનંદસ્વામીએ કહ્યું છે કે "રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યૂં મિસરી પય માંહી ભળી." કૃપાસાધ્ય પ્રભુની કૃપાથી સદાય આ સ્થિતિમાં વર્તાય ત્યારે 'ચતુર્થ વર્તમાન'નું સંપૂર્ણ પાલન થયું ગણાય.
પંચમ વર્તમાન: વટલવું નહિ ને વટલાવવું નહિ
'વટલવું નહિ ને વટલાવવું નહિ' અર્થાત્ વાણી, વિચાર ને વર્તનની આંતર-બાહ્ય શુદ્ધિ જાળવવી-જળવાવવી તે. જેની ક્રિયા અશુદ્ધ હોય, જે સ્વચ્છતાના જરૂરી નિયમો પાળતા ન હોય, જેમના આહારવિહાર અનિચ્છનીય ને અશુદ્ધ હોય અર્થાત્ જે માંસાહારી, દારૂના વ્યસની ને ચારિત્ર્યહીન હોય, ને જે ભગવાનની આજ્ઞા લોપતા હોય તેવાં સર્વે મનુષ્યોના હાથનાં અન્નજળ ગ્રહણ ન કરવાં. અનિવાર્ય સંજોગો સિવાય એવા મનુષ્યનો સ્પર્શ વર્જવો ને કરવો પડે અથવા થઈ જાય તો ઘેર આવ્યા પછી શુદ્ધિ માટે સ્નાન કરવાનું રાખવું. બહેનોને દર માસે ઋતુકાળ કુદરતી રીતે આવે છે. તબીબી રીતે રજસ્ત્રાવની અશુદ્ધિ ત્રણ દિવસ સુધી રહે છે. ઋતુસ્ત્રાવ પછી ચોથા દિવસે નાહીને શુદ્ધિ થાય છે. વળી એ સમયે આરામ ને સંયમ અતિ આવશ્યક છે. આ બધી દૃષ્ટિએ રજસ્વલા બહેનોએ સ્વેચ્છાએ ત્રણ દિવસ ઘરમાં કોઈનો સ્પર્શ ન કરવો. રજોદર્શનના પાલનનો આ વર્તમાનમાં સમાવેશ થાય છે. આપણું અશુદ્ધ વર્તન આપણા સંપર્કમાં આવનાર વ્યક્તિનાં તનમનને દૂષિત કર્યા વગર રહેતું નથી. માટે આપણા પોતાના તેમ જ અન્યના હિતમાં આપણું વર્તન ને આપણી વાણી નિર્મળ, સત્યમય ને અનુકરણીય હોવાં જોઈએ. એ વાત આપણને પાંચમું વર્તમાન ભારપૂર્વક શીખવે છે.
આ રીતે પંચ વર્તમાન માનવજીવનના દરેક ક્ષેત્રમાં ને સમાજના રોમરોમમાં પ્રવેશવા આવશ્યક છે. આ આદર્શ પ્રત્યેક મનુષ્યનો ખુદ સ્વભાવ બનવો જોઈએ. આવી રીતે આપણે પંચ વર્તમાન વિશે જ્યારે વિશ્વવ્યાપી આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરીશું ત્યારે તે અત્યારના કરતાં અનેકગણા વધારે કલ્યાણકારી બનશે.
એક વાત બરાબર યાદ રાખીએ કે પાંચેય વર્તમાન એકબીજા સાથે સંકળાયેલા હોઈ, એકના આંશિક લોપથી બીજા વર્તમાન ઓછાવત્તા અંશે લોપાય છે. આથી એકધારું જીવનઘડતર થતું નથી અને સર્વોચ્ચ ધ્યેયને પામવાનું શક્ય બનતું નથી. તેથી પાંચેય વર્તમાનનું પૂરેપૂરું પાલન થાય એ અત્યંત આવશ્યક છે.
ઉપરોક્ત પંચ વર્તમાનમાં સંજોગવશાત્ કાંઈ ફેર પડે તો આત્મનિરીક્ષણ કરી, મોટા પુરુષનું માર્ગદર્શન મેળવી દોષમુક્ત થવું, જેથી પરમપદને પામવા માટે આંતરશુદ્ધિ વૃદ્ધિ પામતી રહે.