નિવેદન

જે સર્વોપરી પરમતત્ત્વ અનેક બ્રહ્માંડોના ઉત્પત્તિ, નિયમન ને પ્રલય કરે છે તેને આપણે ભગવાન, પરમાત્મા કે પરમેશ્વર કહીએ છીએ. આધુનિક વિજ્ઞાન પણ આ હકીકતનો સ્વીકાર કરે છે. તે પરમતત્ત્વ સાથે જોડાવું તે પરમ યોગ. તેને માટે ઘણા માર્ગ ચીંધવામાં આવ્યા છે, પણ સાચો, સરળ ને સર્વગ્રાહ્ય માર્ગ તો સ્વયં ભગવાન કે તેમની સાથે એકાત્મપણે જોડાયેલા મુક્તપુરુષો જ બતાવી શકે. આ કથનની યથાર્થતા આ પુસ્તિકાના વાંચનથી સહેજે સમજાશે.

શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ ઉપદેશેલ 'પંચ વર્તમાન' (પંચ મહાવ્રત), જે આ પુસ્તિકામાં વિસ્તૃત રીતે સમજાવેલા છે તેનું પાલન કેવળ પ્રભુ પ્રાપ્તિ માટે જ નહિ, પણ દરેક વ્યક્તિને સમાજના સર્વોત્તમ ઘડતર માટે તેમજ જગતના સામાન્ય સુખ-શાંતિ અર્થે અનિવાર્ય છે. જો આમ સમજાય તો શ્રીહરિના સર્વજીવહિતાવહ આદેશોનું પાલન-પ્રવર્તન સર્વત્ર થાય એ દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય બની રહેવું જોઈએ. જો પ્રત્યેક માનવના જીવનમાં તાણાવાણાની જેમ એ વણાઈ જાય તો વર્તમાનકાળે પ્રવર્તતી અશાંતિ ને અવ્યવસ્થા દૂર થઈ, સર્વત્ર શાંતિ ને વ્યવસ્થા પ્રસ્થાપિત થઈ જશે, એમ આ પુસ્તિકા વાંચ્યા પછી લાગ્યા વગર રહેશે નહિ.

સર્વોચ્ચ પરમપદની પ્રાપ્તિ ને માનવ સુમેળ બંને સાથે સંધાય એવો આ સરળ માર્ગ શા માટે ન અપનાવવો ? આથી આ માર્ગે ચાલીને વિશ્વમાં વસતા સર્વે મનુષ્યો પરસ્પરના સહયોગથી વિકાસ સાથે, એવી શ્રદ્ધા સાથે આ પુસ્તિકા પ્રકાશિત કરીઈ છીએ.

અંતમાં, મુક્તરાજ પ. પૂ. શ્રી નારાયણભાઈના પ્રાગટ્ય દિને જ આ પુસ્તિકાની તૃતીય આવૃત્તિ પ્રગટ થાય છે તે એક સુભગ અવસર છે. આશા છે કે, વધુને વધુ લોકો આનો લાભ ઉઠાવશે અને પોતાના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ પ્રગટાવી, અપાર્થિવ શાંતિનો અનુભવ કરશે - કરાવશે.

સં. 2060 મહા વદ એકાદશી

ઈ. સ. 2004, 16 ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન અમદાવાદ