૨. પ્રભુદર્શનનો રાજમાર્ગ
સંવત 1837ની સાલ હતી. તે વખતે સર્વત્ર વ્યાપેલ અજ્ઞાનરૂપ અંધકારનો લય કરી, અનંત જીવોને પોતાના દિવ્ય સુખને પમાડવા ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ શ્રી છપૈયાપુરને વિશે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ પ્રગટ થયા. એ જમાનામાં સંદેશાવ્યવહાર ને વાહનવ્યવસ્થા નહિવત્ હતાં ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે 25થી 27 વર્ષના ટૂંકા ગાળામાં લાખો મનુષ્યોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને પોતાના અનન્ય આશ્રિત બનાવ્યા. સૌને પોતાના સર્વોપરી પુરુષોત્તમ સ્વરૂપના સુખનો અનુભવ થાય એ માટે જરૂરી પાત્રતા પ્રાપ્ત કરવા, એમણે આંતર-બાહ્ય શુદ્ધિનો સરળ છતાં પૂર્ણ માર્ગ બતાવ્યો; એ છે એમના સર્વજીવહિતાવહ પંચ વર્તમાન (પંચ મહાવ્રત)નું યથાર્થ પાલન.
સર્વોપરી મહાપ્રભુના દિવ્ય સ્વરૂપને વિશે જેમની અલૌકિક સ્થિતિ થઈ હોય, એવા અનુભવી સિદ્ધ મુક્તને ઓળખી એમના જોગ દ્વારા એ પંચ વર્તમાનના સ્થૂળ ને સૂક્ષ્મ અર્થની સમજણ કેળવી, તે કહે તેમ તેનો અમલ કરીએ, તો જે કરવાનું-પામવાનું છે તેની પ્રાપ્તિ થતાં વાર ન લાગે. એ જ પ્રભુદર્શનનો રાજમાર્ગ છે. આ લઘુ પુસ્તિકા આ દિશામાં માર્ગદર્શનરૂપ થશે.