૫. વચનામૃતમાં જગતનું વર્ણન
વિજ્ઞાનમાં જેમ હાઈડ્રોજન, ઑક્સિજન, લોહ, સોનું, ચાંદી વગેરે તત્ત્વો કહેવાય છે, તેવી રીતે શાસ્ત્રમાં પણ પાંચ મૂળ તત્ત્વો ગણેલાં છે. આ જગતમાં જે કાંઈ દેખાય છે તે સમગ્ર આ પાંચ તત્ત્વનું બનેવું છે. આ પાંચ તત્ત્વોને પંચ મહાભૂત પંચભૂત પણ કહે છે. આવા પાંચ તત્ત્વો છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ.
‘પૃથ્વી’ એટલે આ પૃથ્વીનો ગોળો નહિ, પણ પૃથ્વી તત્ત્વ તરીકે જેનાથી ઘનપણું Solidness જણાય છે તે, નક્કર. આ નક્કર તત્ત્વને કારણે જ બીજાં તત્ત્વો છુટાં-જુદાં વિભાગ તરીકે સમજી શકાય છે. નક્કર પૃથ્વી તત્ત્વ જ બધાંને સ્થાન આપે છે. જળ એટલે પ્રવાહી. ગમે તે પ્રવાહીને જળતત્ત્વ તરીકે સમજવામાં આવે છે. તેજ એટલે જેનાથી પ્રકાશ થાય છે તે તથા તેજ તત્ત્વને કારણે જ ભૂખ-તરસ થાય છે. વાયુ એટલે પવન, હવા, વાયુ તત્ત્વને ગેસ-gas. આકાશ તે અવકાશ, ખાલી જગ્યા, space.
કોઈ પણ પદાર્થ ઘન, પ્રવાહી, વાયુ, તેજ ને અવકાશનો જ બનેલો હોય છે, તે આપણો અનુભવ છે. દાખલા તરીકે આપણું શરીર છે તેમાં હાડકાં, માંસ, સ્નાયુ વગેરેમાં જે ઘનતા-નક્કરતા છે તે પૃથ્વીતત્ત્વની છે; લોહી, પાણી, અન્યરસ, વગેરે જે છે તે જળતત્ત્વ છે. આપણા શરીરમાં જે કાંઈ અવકાશ-ખાલી જગ્યા- છે તે આકાશતત્ત્વ. તેમાં પ્રવાહી, વાયુ, વગેરેનું વિચલન થાય છે. વાયુ એટલે હવા કે બીજાં કોઈ પણ ગેસ શરીરમાં થાય છે તે સમગ્ર વાયુ તત્ત્વમાં ગણાય. ભૂખ-તરસ થાય છે, શરીરની અંદર-બહાર જે કાંઈ તેજસ્વીતા- brightness છે તે તેજતત્ત્વની છે. એવું પાંચ તત્ત્વનું બનેલું આપણું શરીર જે વિશ્વ કે જગતમાં હરે ફરે છે તે જગતનો સમગ્રપણે વિચાર કરીએ તો તે પણ એ પાંચ મૂળતત્ત્વોનું જ બનેલું છે. આ જગતમાં ઘનતા-નક્કરપણું છે તે પૃથ્વીતત્ત્વ છે, હવા કે અન્ય વાયુઓ છે તે વાયુતત્ત્વ છે, પાણી કે અન્ય પ્રવાહી છે તે જળતત્ત્વ છે, પ્રકાશ જણાય છે તે તેજતત્ત્વ છે, ને આકાશ દેખાય છે તે તથા જે કાંઈ અવકાશ-ખાલી જગ્યા- છે તે આકાશતત્ત્વ છે. એ રીતે પાંચ તત્ત્વનું બનેલું આપણું શરીર અથવા પાંચ તત્ત્વના બનેલા બીજા દરેક પદાર્થો એ આ જ પાંચ તત્ત્વોના બનેલા આ જગતમાં હરે ફરે છે, વસે છે. માણસ મરી ગયા પછી તેનો અગ્નિસંસ્કાર કરે ત્યારે તેના શરીરમાં રહેલાં પાંચ તત્ત્વો જગતમાં રહેલાં પાંચ તત્ત્વોમાં મળી જાય છે તેથી મૃત્યુને ઘણીવાર ‘પંચત્વને પામ્યા’ એમ કહીને સમજાવાય છે.
હવે પંચતત્વના બનેલા આપણાં શરીરનો વિશેષ વિચાર કરીએ. જે શરીર દેખાય છે તે ‘સ્થૂળ’ શરીર કહેવાય છે. આપણાં શરીરમાં જુદાં જુદાં અવયવો છે, તે અવયવોને શાસ્ત્રમાં ‘ઇંદ્રિયો’ કહે છે. આવા અંગો કે અવયવો કે ઇંદ્રિયોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે: જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયો એટલે જેના વડે અન્ય પદાર્થોની જાણકારી કે જ્ઞાન થાય છે તે માટેના અવયવો કે જ્ઞાન મેળવવાની ઇંદ્રિયો. આવી જ્ઞાનેન્દ્રિયો પાંચ છે: (૧) શ્રોત્ર-કાન, (૨) ત્વચા (ત્વક્)- ચામડી, (૩) ચક્ષુ-આંખો, (૪) રસના-જિહ્વા- જીભ, (૫) ઘ્રાણ (નાસિકા)- નાક: શ્રોત્રથી સાંભળી, ત્વચાથી સ્પર્શ કરીને, ચક્ષુથી જોઇને, રસનાથી ચાખીને, ઘ્રાણથી સુંધીને અન્ય પ્રદાર્થોનું જ્ઞાન મેળવાય છે. જ્ઞાનેન્દ્રિયો જેમ પાંચ છે તેમ કર્મેન્દ્રિયો પણ પાંચ છે: (૧) વાક્-વાણી-મોઢું (૨) પાણિ-હાથ, (૩) પાદ-પગ, (૪) પાયુ-ગુદા-મળદ્વાર, (૫) ઉપસ્થ-જનનેંદ્રિય-લિંગ. આમ કર્મ ઇંદ્રિયોથી આપણાં શરીરનું કામકાજ થાય છે. આ રીતે, આપણાં શરીરમાં કુલ દસ ઇંદ્રિયો છે. પાંચ મૂળતત્વો (કે પંચભૂત) તથા દસ ઇંદ્રિયો મળી પંદર તત્વનું આપણું આ સ્થૂળ શરીર બન્યું છે.
આપણો એવો અનુભવ છે કે જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ, ત્યારે આપણે આપણી આંખોનાં પોપચાં બીડી લઈને આંખો બંધ કરીને સૂઈએ છીએ, પણ કાનને બંધ કરવાની કોઈ સુવિધા નથી! તે છતાં, જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ ને તે વખતે જો કોઈ આપણી પાસે આવીને સામાન્ય અવાજે વાતો કરે તો તે આપણે સાંભળતા નથી. બીજા માણસો આપણી પાસે વાતો કરતા હોય ત્યારે, આપણે જાગૃત હોઈએ ને કાનના પડદાનું જે હલનચલન થાય તે આપણે ઊંઘેલા છીએ ત્યારે પણ થાય છે જ, તે વાતોનો સંદેશ કાનમાંથી મગજ સુધી પહોંચે પણ છે, પણ એ સંદેશાને પૃથક્કરણ કરનાર ઊંઘી ગયેલ છે! આ બતાવે છે કે આપણા સ્થૂળ શરીરની અંદર પૃથક્કરણ કરનાર બીજું સાધન રહ્યું છે, તેને ‘સૂક્ષ્મ શરીર’ કહે છે. સૂક્ષ્મ શરીર નવ તત્ત્વનું બનેલું છે: ચાર અંત:કરણ તથા પાંચ તન્માત્રા (અથવા વિષયો).
અંત:કરણ એટલે અંતર્ (અંદર) + કરણ (ઇંદ્રિયો), અંદરની ઇંદ્રિયો, ચિત્ત-તંત્ર conscious. અંત:કરણ ચાર છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર.
કોઈ પણ જાતના ભોગ ભોગવવાની ઇચ્છાની ઉત્પત્તિ મનમાંથી થાય છે. કોઈ પણ દેહધારી (માણસ, જાનવર કે ગમે તે જીવંત વસ્તુ) શાંત બેઠેલ હોય, ને મનમાં ભોગ ભોગવવાની કાંઈક ઇચ્છા-સંકલ્પ થાય કે તરત મન છે તે શરીરના અવયવો-ઇંદ્રિયોમાં દાખલ થાય અને તેના દ્વારા ભોગ ભોગવવાનો પ્રયત્ન કરે. દાખલા તરીકે કોઈ મનુષ્ય શાંતિથી બેઠો હોય, ત્યાં પોતાની જાતે જ મનમાં ઇચ્છા થઈ આવે કે ચાલો, ટી.વી.માં ફલાણો પ્રોગ્રામ જોઈએ, અથવા તો શાંતિથી બેઠો હોય ને કોઈ જગ્યાએથી ટી.વી.ના શબ્દો તેના કાને પડે તેથી મન તે શબ્દો ગ્રહણ કરીને પ્રોગ્રામ જોવાની ઇચ્છા કરે. મન તરત સ્થૂળ શરીરને આજ્ઞા કરે, શરીર ઊભું થાય, ટી.વી. ચાલતું હોય ત્યાં જાય અથવા ટી.વી. ચાલુ કરે, પ્રોગ્રામ જુએ, વગેરે રીતે ઇચ્છા પૂર્ણ કરે. હવે જો એ ભોગ મને ઇચ્છયા હોય તે મુજબના હોય તો મન સંતોષ પામે ને સુખ માને અને ખૂબ આનંદ થયો એવું તે અનુભવે, પણ જો તે ભોગ મને ધાર્યા મુજબના ન હોય તો અસંતોષ રહે ને મન દુ:ખ પામે ને દુ:ખ અનુભવે. આમ, મન છે તે સુખ-દુ:ખ અનુભવવાનું સાધન બને છે. જીવ અને મનને ખૂબ દોસ્તી છે. સામાન્ય રીતે જીવ મનનું ધાર્યું જ કરતો હોય છે, એટલે કે જીવ જે દેહમાં રહ્યો છે તે દેહની સર્વે પ્રવૃત્તિ ખરેખર તો જીવ તે દેહમાં હાજર હોવાથી જ થઈ શકતી હોવા છતાં જીવે પોતાના દેહને પોતાના મનને સોંપી દીધો હોય છે, તેથી મનની ઇચ્છા થાય તે મુજબ જ દેહ વર્તે છે, ને મન જે રીતે સુખી કે દુ:ખી થાય છે તેને જીવ, મન સાથેની મિત્રતા-એકતા-ને કારણે, પોતે સુખી કે દુ:ખી થયેલો માને છે. ખરેખર તો મન તો સૂક્ષ્મ શરીરનું એક સાધનમાત્ર જ છે, પણ તેના ઉપર જીવ એટલો બધો આધાર રાખતો-અવલંબતો થઈ જતો હોય છે કે જાણે જીવ તે મન ને મન તે જીવ! આમ મન છે તે દેહધારીના સ્થૂળ શરીરની સર્વે ઇંદ્રિયોનો નિયંતા બની બેસે છે. જેમ કોઈ રાજા- એશ આરામી હોય તો પોતાના રાજ્યનો બધો કારભાર પોતાના વતીથી પોતાના દિવાન (કે વડાપ્રધાન કે સેક્રેટરી)ને સોંપી દે ને રાજ્યના બધાં વહીવટદારો તે દિવાનને જ પૂછી-પૂછીને ચાલે, દિવાનને વફાદારી બતાવે, તેમ દેહમાં રાજા તો જીવ છે, પણ પોતે પોતાનું માલિકીપણું ભોગવ્યા વિના, તે પોતાના મિત્ર એવા મનને સોંપી દે છે, તેથી દેહ સંપૂર્ણપણે મનના ધાર્યા પ્રમાણે કરે છે.
બુદ્ધિને કારણે આપણામાં પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે. આપણી સર્વે ઇંદ્રિયો-અવયવો-માં જે વિશેષ જ્ઞાન રહ્યું છે તે બુદ્ધિને કારણે છે. બુદ્ધિને કારણે સંશય-નિશ્ચય, નિદ્રા-સ્મૃતિ વગેરે થાય છે. શરીર વિજ્ઞાનમાં આપણે મગજ એટલે આપણા મસ્તિષ્કમાં રહેલો મગજ નામનો વિભાગ- વિશે ભણીએ છીએ, ને તે મગજને બુદ્ધિનું સ્થાન માનીએ છીએ. પણ આપણાં શાસ્ત્રોમાં ‘બુદ્ધિ’ નામે જે અંત:કરણ વર્ણવેલ છે તે બુદ્ધિ-મગજ (brain) થી વિશેષ છે. શાસ્ત્રમાં કહેલ ‘બુદ્ધિ’ દેહમાં નખશિખા પર્યંત વ્યાપેલી છે. તે બુદ્ધિને વિશે રહીને જીવ દરેક પ્રકારનું જ્ઞાન મેળવે છે.
ચિત્ત વડે આપણે ચિંતવન કરીએ છીએ. જે કાંઈ પદાર્થમાત્ર છે તે ચિત્તમાં સાંભરી આવે છે. ચિત્ત પોતે તો નિર્મળ ને સ્વચ્છ દર્પણતુલ્ય છે, પણ તેમાં જે કાંઈ સાંભરી આવે તેમાં તે ચોંટે છે. આમ, ચિત્તનો ચોંટવાનો સ્વભાવ છે જે તે, સારી-નરસી વસ્તુમાં તે ચોંટી જાય છે, ચોંટવાનો જ તેનો સ્વભાવ છે.
અહંકાર એટલે જેનાથી ‘હું’ પણું અનુભવાય છે તેવું તત્ત્વ. આ અહંકાર ત્રણ પ્રકારનો હોય છે: સાત્ત્વિક, રાજસી ને તામસી. (સત્ત્વ, રજ ને તમસ્ એવા ત્રણ ગુણ છે. સત્ય, દયા, ક્ષમા, શાંતિ, જ્ઞાન, નીતિ વગેરે લક્ષણ-યુક્ત સ્થિતિ તે સત્ત્વગુણની સ્થિતિ છે. રાજસી વૃત્તિરૂપ રજોગુણ છે તે પ્રવૃત્તિનો હેતુરૂપ, કાર્યરતપણાનું કારણરૂપ ગણાય છે. ગર્વ, લોભ, કામ વગેરેની પ્રવૃત્તિ કરાવનારો તે ગુણ છે. રજોગુણથી જીવનું રંજન થાય છે ને કામવાસના સદા જાગૃત રહે છે તેથી તે રજોગુણ કહેવાય છે. તમો ગુણને અજ્ઞાન, જડતા, આળસ, પ્રમાદ, મોહ વગેરેના કારણરૂપ માનવામાં આવે છે.) સાત્ત્વિક અહંકારમાં શાંતપણું છે, રાજસી અહંકારમાં ચપળતા રહેલી છે ને તામસી અહંકારમાં ઘોરપણું (ભયાનકપણું) રહેલ છે.
આમ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર- એવા ચાર અંત:કરણ સૂક્ષ્મ શરીરમાં રહેલાં છે. તે ઉપરાંત સૂક્ષ્મ શરીરમાં પાંચ વિષયો રહેલ છે. વિષયો એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયોથી કરી શકાય તે કર્મ. વિષયો પાંચ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. કાનેથી સંભળાય તે શબ્દ, ત્વચાથી અનુભવાય તે સ્પર્શ, નેત્રથી જોવાય તે રૂપ, જિહ્વાથી ચખાય તે રસ ને નાકથી અનુભવાય- સુંઘાય તે ગંધ. ખરેખર તો શબ્દ સાંભળવાની, સ્પર્શ કરવાની, રૂપ જોવાની, રસ ભોગવવાની કે ગંધ લેવાની ઇચ્છા થઈ આવવી, તેમાં આસક્તિ થવી તે વિષય છે. વિષય એટલે આવી ભોગ ભોગવવાની ઇચ્છા. આમ તો આવી ભોગ ભોગવવાની ઇચ્છા આપણને આપણા મનમાં એટલે કે અંત:કરણમાંથી ઉદભવતી જણાય છે, પણ ખરેખર તેમ નથી. સૌથી પ્રથમ ઇંદ્રિયો (અવયવો)ને બહારના વિષયોનો સંબંધ થાય છે, ને તે ઇંદ્રિયો દ્વારા વિષયોનો એ અનુભવ અંત:કરણ (એટલે સૂક્ષ્મ શરીરમાં) આવે છે, તે મનને ગમે છે, તેથી ફરી ફરીને એવા વિષયો ભોગવવાની મનને ઇચ્છા થઈ આવે છે, તેથી આપણને એમ લાગે છે કે વિષયો અંત:કરણમાંથી ઉત્પન્ન થાય છે, પણ મૂળભૂત રીતે તો વિષયો બહારથી ઇંદ્રિયો દ્વારે જ અંત:કરણમાં પ્રવેશેલાં છે. વિષયોને તન્માત્રા પણ કહે છે.
આમ, પાંચ તત્વ (ભૂત) તથા દસ ઇંદ્રિયો (અવયવો) મળીને પંદર તત્ત્વના સ્થૂળ શરીર (જે દેખાય છે તેવું શરીર)માં ચાર અંત:કરણ ને પાંચ વિષયોનું બનેલું (4+5= 9 નવ તત્વનું) સૂક્ષ્મ શરીર મળે છે, તેથી કુલ ચોવીસ તત્વોનું (સ્થૂળ + સૂક્ષ્મ) શરીર છે. શરીરનો એક ત્રીજો પ્રકાર છે તે કારણ-શરીર. ભોગ ભોગવવાની ઇચ્છા (વાસના) કે ઐશ્વર્ય પ્રાપ્ત કરવાની લાલસાનું બનેલું કારણ શરીર છે. કારણ શરીરને લીધે સૌને પોતે પુરુષ છે (કે સ્ત્રી છે) તેનું અનુસંધાન રહે છે, એટલે કે લિંગ-દેહનું ભાન રહે છે. આ રીતે ત્રણ દેહ (શરીર): સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ.
આ ઉપર વર્ણવ્યા મુજબ ચોવીસ તત્વોની રચનામાં આ સમગ્ર દેહધારી આવી જાય છે. કોઈ દેહધારીને (દા.ત. વનસ્પતિ) દસેય ઇંદ્રિયો ન હોય તો તેટલા ઓછા તત્વોનું તે દેહ બને, પણ કુલ ચોવીસ તત્વોથી સમગ્ર વિશ્વની ઉત્પત્તિ થઈ છે.