3. વચનામૃતમાં વપરાયેલ સંવત

વચનામૃત ગ્રંથમાં અષાઢી સંવત વર્ણવેલી છે. તે મુજબ અષાઢ સુદી એકમે નવી સંવત શરૂ થાય છે. દાખલા તરીકે: ગઢડા પ્રથમ પ્રકરણનું ૭૭મું વચનામૃત સં. ૧૮૭૬ના દ્વિતીય જેઠ વદ અમાવાસ્યાનું છે, એટલે કે ૧૮૭૬ની સાલના છેલ્લા દિવસનું છે. ત્યાર પછીનું ગ. પ્ર. ૭૮મું વચનામૃત સં. ૧૮૯૯ના અષાઢ સુદી ત્રીજનું છે.

વળી, કારિયાણી પ્રકરણનું છઠ્ઠું વચનામૃત "સં. ૧૮૭૭ના આસો વદી અમાસ જે દિવાળી" તે દિવસનું છે, તે પછીનું એટલે કે કારિયાણી પ્રકરણનું સાતમું વચનામૃત સં. ૧૮૭૭ના કાર્તિક સુદી ૧ પડવાનું છે. આમ કાર્તિક સુદી ૧ પડવાને દિવસે બેસતું વર્ષ ગણેલું નથી. કાર્તિક સુદી પડવાને દિવસે અન્નકૂટનો ઉત્સવ રંગેચંગે થતો, પણ નવી સંવત તો અષાઢ સુદી એકમથી ગણાતી.

તે રીતે ગઢડા છેલ્લા પ્રકરણનું ૩૯મું એટલે કે છેલ્લું વચનામૃત સં.૧૮૮૬ના અષાઢ વદી ૧૦ દશમીનું છે. શ્રીજીમહારાજ સં. ૧૮૮૬ના જેઠ સુદી ૧૦ દશમીના રોજ અંતર્ધાન થયા. કોઈને એવી શંકા થાય કે શ્રીજીમહારાજ જેઠ માસમાં અંતર્ધાન થયા તો તે જ સંવતનું અષાઢ વદીનું વચનામૃત કેવી રીતે હોય? પણ તે તો એમ છે કે સં. ૧૮૮૬ની સાલ અષાઢ સુદી ૧ પડવાને દિવસે બેઠી, ત્યાર બાદ થોડા દિવસે અષાઢ વદી ૧૦ દસમીને રોજ છેલ્લું વચનામૃત કહેલું છે, અને તે પછી દસ-અગિયાર માસ બાદ એટલે કે જેઠ સુદી ૧૦ દસમીને રોજ શ્રીજીમહારાજ અંતર્ધાન થયા. છેલ્લું વચનામૃત કહ્યા પછી ૧૦-૧૧ માસ દરમિયાન કોઈ વચનામૃતની નોંધ નથી.

અત્યારે પણ જુદા જુદા પ્રદેશમાં નવી સંવત જુદા જુદા સમયે શરૂ થાય છે. ગુજરાતમાં નવી સંવત કાર્તિક સુદી ૧ પડવાથી ગણાય છે, તો મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશમાં ચૈત્ર સુદી ૧ પડવાથી નવી સાલ ગણાય છે. કચ્છ-સૌરાષ્ટ્રના કોઈ વિભાગમાં હજુ અષાઢ સુદી ૧ પડવાથી નવી સંવત ગણાય છે.