7. દોષ

  • કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે આંતરિક દોષો તો જેની ઉપર ભગવાન કૃપા કરે તેના જ ટળે એમ માની તેને ટાળવા વિધેયાત્મક પુરુષપ્રયત્ન ન કરે અને એવી હિંમત રહિત વાત અન્યને પણ કરે તે પોતાની જાતને તથા અન્યને પણ અન્યાય કરે છે. ભગવાન સ્વામિનારાયણે એવી હિંમત રહિત વાત કરનારને સત્સંગમાં કુસંગ સમ ગણેલો છે.
  • આંતરદોષો તો સર્વમાં સહજપણે હોય જ છે એમ માની તેની સાથે (દોષ સાથે) મજૂતી - સમાધાન કરે તો તે દોષને ક્યારેય જીતી શકે નહિ.
  • દોષો હોવા છતાં લોકૈષણા માટે પોતે નિર્દોષ ને સર્વગુણસંપન્ન છે તેવો દંભ-દેખાવ કર્યા કરે તો સાધક પતનને અવશ્ય નોતરે છે.
  • બધામાં દોષ જ ભર્યાં છે તેવી સંકૂચિત દૃષ્ટિવાળી વ્યક્તિ બીજામાંથી દોષોને પડતા મૂકી એકલા ગુણોને ક્યારેય ગ્રહણ કરી શકતી નથી.
  • દેહાભિમાની વ્યક્તિને બધાની વચ્ચે તેના દોષ બતાવવામાં આવે તો તે પોતાની જાતને અપમાનિત થયેલી ગણીને દોષ દેખાડનાર પ્રત્યે દ્વેષ કરશે, જ્યારે સાચો સાધક તેવી પરિસ્થિતિમાં પોતાનામાં સુધાર લાવવાનો પ્રયાસ કરશે.
  • સજ્જન વ્યક્તિની જેમ પ્રભુ પણ દિવ્યરૂપે સહાય કરી શકે છે તેવો વિશ્વાસ વ્યક્તિમાં ઘણી વખત ન હોવાથી તેની પ્રગતિ મંદ પડે છે.
  • જેને પોતાની ત્રુટિઓ ને દોષો પ્રત્યે દાઝ - અભાવ કે ખિન્નતા ઉત્પન્ન થતી નથી તે સુધરી શકતો નથી.
  • સત્પુરુષોએ પ્રભુપ્રાપ્તિ માટે બતાવેલા માર્ગ કરતાં હું ભૌતિક વિજ્ઞાનની મદદથી નવો, ટૂંકો, આગવો માર્ગ શોધી ત્વરિત રીતે સફળ થઈ જઈશ તેમ માની સત્પુરુષે બતાવેલ માર્ગની અવગણના કરી મનસ્વી સાધના કરનાર વધુ વિઘ્નો ને વિક્ષેપોમાં સપડાય છે ને અંતે તેવી સાધનામાં નિષ્ફળ જાય છે. કારણ કે સત્પુરુષે બતાવેલ માર્ગ અનુભવસિદ્ધ ને સત્ય હોય છે ને સાધકનો પોતાનો માર્ગ કલ્પિત ને મિથ્યા હોય છે.
  • જે વ્યક્તિ સ્વબચાવ માટે પોતાના દોષોનું સમર્થન કરવા લાગે છે તે પક્ષપાતી, જડ ને દુરાગ્રહી બની જાય છે.
  • અધુરી સ્થિતિમાં, ઓછી યોગ્યતામાં માન-સન્માનની અલ્પ ઇચ્છા પણ જો રહેલી હોય તો જ્યારે વધુ યોગ્યતા મળે છે, ત્યારે તે ઇચ્છા તીવ્રતા ધારણ કરે છે, જે સાધકને પ્રગતિમાં મોટી અડચણરૂપ બને છે.
  • વાચ્યાર્થજ્ઞાનને અનુભવનો વિષય બનાવી લક્ષ્યાર્થ ન બનાવે ત્યાં સુધી સાધકની એ દિશામાં કોઈ પ્રગતિ શક્ય નથી.
  • મુખ્ય બાબત ને ગૌણ બાબતને જે સારી રીતે પારખી શકતો નથી તેના સમય ને શક્તિ વેડફાવાથી તે નિષ્ફળ નિવડે છે.
  • અતિ વિશ્વાસ (over confidence) ને અતિ આશામાં મિથ્યાભિમાન ન આવી જાય તેની કાળજી રાખવી. મિથ્યાભિમાનરૂપ દોષથી બચવા માટે બધું પ્રભુને અર્પણ કરવું. બધા ગુણો ને સાર્મથ્ય પ્રભુનું જ છે, મારું કંઈ નથી, 'He is everything and I am nothing' તેમ દાસભાવ દૃઢ કરવો.
  • પુરુષાર્થ ને પરિશ્રમથી કાયર બનીને બચવા ઇચ્છનાર વ્યક્તિ સત્પુરુષે દર્શાવેલ માર્ગ પર ચાલી નથી શકતી અને જ્યાં છે, ત્યાં જ રહી જાય છે.
  • ઘણી વખત કઠોરવાણી ને ઉદ્ધત વર્તન કરવા છતાં વ્યક્તિ તે બાબત પ્રત્યે સભાન નથી હોતી તે મોટો દોષ છે. આ દોષ તેને માટે અનેક મુશ્કેલીઓ સર્જે છે.
  • આંતરદોષોને પરમાત્માના દિવ્યસ્વરૂપનો સાક્ષાત્કાર કર્યા વગર પૂર્ણ રીતે ક્યારેય નષ્ટ કરી શકાતા નથી.
  • પરમાત્મા સંબંધી આધ્યાત્મજ્ઞાનની વાતો આપણું આ લોકમાં કોઈ સ્વાર્થની પૂર્તિના પ્રયોજન પૂરતી જ સિમિત રહે અને પ્રયોજન પૂરું થતાં એ વાત ગૌણ બની જાય, તો તે સાધક માટે મોટો દોષ છે ને તેને પ્રયત્નપૂર્વક દૂર કરવો જ રહ્યો.
  • કામ, ક્રોધ, લોભ, મોહ, માન વગેરે આંતરદોષો ઉપર વિજય મેળવ્યા પછી પણ જ્યાં સુધી આત્મામાં પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર નથી થયો, ત્યાં સુધી જો તેમાં ગાફેલપણું રાખે ને સાવધ ન રહે અને એમ માની બેસે કે 'હું તો પૂર્ણપણે નિર્લેપ છું. મને કંઈ નડી શકતું નથી.' આવી માન્યતા ભ્રમણા સિવાય બીજું કશું નથી. આ એક મોટો દોષ છે તેને જાગૃત રહી દૂર કરવો જ રહ્યો.