5. સમ્યક્ દૃષ્ટિ
- ભવિષ્યમાં ગમે તેટલી સફળતા મળે, પરંતુ એ આશાએ વર્તમાનમાં પોતાના લક્ષ્ય ને કર્તવ્ય પ્રત્યે બેદરકાર રહેવું એ આળસ ને પ્રમાદ છે, તે લક્ષ્યસિદ્ધિમાં વિઘ્નરૂપ બને છે.
- આપણું કર્તવ્ય જગતની લૌકિક વ્યક્તિઓ સાથે સંબંધ બાંધી રાખવો એ નથી, પરંતુ સત્પુરુષ સાથે સંબંધ જોડી રાખવો તે છે. લૌકિક વ્યક્તિ સાથેનો સંબંધ લક્ષ્યથી વિચલિત કરે છે, જ્યારે સત્પુરુષ સાથેનો સંબંધ આત્યંતિક મોક્ષરૂપી લક્ષ્ય સિદ્ધ કરાવે છે.
- આપણા કાર્યો માટે જગત-સમાજ શું વિચારશે તેના કરતાં પ્રભુ શું વિચારશે તે જોવું વધુ અગત્યનું છે. જગતની દૃષ્ટિને સાચી માનવાથી શું લાભ થવાનો? જો પ્રભુની દૃષ્ટિમાં તે કાર્ય અયોગ્ય હોય તો!
- પરમાત્માની દૃષ્ટિમાં જે અયોગ્ય છે તે અયોગ્ય જ છે ને જે યોગ્ય છે તે જ યોગ્ય છે. યોગ્ય-અયોગ્યની કસોટી પ્રભુની દૃષ્ટિએ છે, નહિ કે જગતની દૃષ્ટિએ.
- કોઈ પણ કર્મ કરતાં પહેલાં તપાસવું કે આ કર્મ પ્રભુના ગમતામાં છે? તેમની એમાં પ્રસન્નતા થાય તેવું છે? જો એનો ઉત્તર 'હા' હોય તો તે કાર્ય કરવું ને 'ના' હોય તો તે કાર્ય કરવું નહિ.
- જેવી રીતે સામાન્ય લૌકિક વ્યક્તિને સંસારના દુ:ખો પ્રત્યે ઘૃણા અને અનિચ્છા ઉપજે છે. તેવી રીતે સાધકને ઇંદ્રિયોના પંચવિષય સંબંધી ભોગોને વિષે ઘૃણા અને અનિચ્છા ઉપજે છે. જે સાધક તેને પ્રથમથી જ દુઃખદાયી જાણીને તેને પ્રાપ્ત કરવા નથી ઇચ્છતો તે સફળ થાય છે.
- સાધારણ સાધક એમ વિચારે છે કે 'હું પ્રભુપ્રાપ્તિને માર્ગે ચાલવા તો ઇચ્છું છું, પરંતુ મારામાં તેવું સાર્મથ્ય નથી.' આ નકારાત્મક વિચાર કાયરતા લાવે છે. સાચા ખપવાળો સાધક ઓછું સાર્મથ્ય ને મર્યાદાઓ હોવા છતાં હિંમત રાખી તે માર્ગે ચાલશે, સાર્મથ્ય વધારવાની નિષ્ઠાપૂર્વક કોશિશ કરશે. એવા સાધકને પરમાત્મા તરફથી અવશ્ય સહાય મળી રહેશે.
- સાચો સાધક આત્મપરીક્ષણની સાથે સાથે બીજાઓનું પરિક્ષણ પણ કરતો રહે છે અને તેની પોતાની સાથે તુલના કરે છે. તેમાં જે સદગુણો જણાય તેનું ગ્રહણ કરે છે ને દોષો જણાય તે ત્યજી દે છે, પરંતુ તે પ્રત્યે દ્વેષભાવ રાખતો નથી.
- કોઈ વ્યક્તિના કેટલાંક ગુણો જોઈને એના દોષોને ગુણ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ, તેમ જ કોઈ વ્યક્તિના કેટલાક દોષોને જોઈને એના ગુણોને પણ દોષરૂપ માની લેવાની ભૂલ પણ ન કરવી જોઈએ. જે વ્યક્તિ ગુણ-દોષનું યથાર્થ પૃથક્કરણ નથી કરી શકતી તે સફળ થઈ શકતી નથી.
- અન્યની પાસેથી કંઈ પણ અપેક્ષા રાખતાં પહેલાં તેની યોગ્યતા, સાર્મથ્ય ને મર્યાદાઓને ધ્યાનમાં લેવાં જરૂરી છે, નહિતર સમય ને શક્તિનો વ્યય થાય છે.
- આધ્યાત્મિક સાધનાને કષ્ટરૂપ સમજવા કરતાં કર્તવ્ય સમજવાથી જ તેમાં સફળતા મળે છે.
- પરમાત્માથી ડરીને સાધનાપથ પર ચાલવા કરતાં નિર્ભય બનીને સમજણ ને વિવેકપૂર્વક જાગૃત રહીને ચાલવું તે વધુ ઇચ્છનીય છે.
- કેટલીક વ્યક્તિ સંજોગો અને ઘટનાઓને અભૂતપૂર્વ માની તેનાથી અત્યંત પ્રભાવિત થઈ જાય છે, પરંતુ તેનાથી પ્રભાવિત કે વિચલિત ન થનાર ને સ્થિતપ્રજ્ઞ રહેનાર જ સફળતા મેળવે છે.
- પ્રત્યક્ષ અનુભવ કે પ્રમાણ વગર કોઈ પણ વ્યક્તિ વિશે મિથ્યા ધારણા બાંધવી તે માનસિક પાપ છે. જ્યાં સુધી તેનો અનુભવ ન થાય, ત્યાં સુધી કોઈમિથ્યા આક્ષેપો થયેલા હોય ત્યારે સાધકને પોતાનું અપમાન થઈ રહ્યું છે તેમ માની પ્રતિકાર ન કરવો, કારણ કે સાધકે માન-અપમાનથી રહિત બનવાનું છે, પરંતુ પ્રતિકાર એટલા માટે કરવો જોઈએ કે તેમ ન કરવાથી અસત્યને પુષ્ટિ મળી જાય છે. માન્યતા બાંધવી તે યોગ્ય નથી. પ્રમાણ કે અનુભવ વગર કોઈ પણ વ્યક્તિ માટે ખોટી ધારણા કરવાથી તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ, અભાવ, અવગુણ, હીનતા, ઉપહાસ, અવજ્ઞા વગેરેની ભાવના ઉદભવી શકે છે, તેનાથી સાધકને આધ્યાત્મિક પ્રગતિમાં વિક્ષેપ થાય છે.