14. ઉપાસના

  • ઉપ અર્થાત્ પાસે અને આસન અર્થાત્ બેસવું; પરમાત્માના અખંડ સાંનિધ્યમાં રહેવું. તેનો સર્વોચ્ચ અર્થ એ છે કે પરમાત્માના સ્વરૂપ સાથે સંપૂર્ણ ઐક્ય સાધી તદ્રૂપ બની એ દિવ્ય સ્વરૂપ સંબંધી અનિર્વાચ્ય પરમાનંદની, શાશ્વત સુખ-શાંતિની અખંડ અપરોક્ષાનુભૂતિ (સાક્ષાત્કાર અનુભૂતિ) કરવી.
  • મન પરમાત્માના ધ્યાન ને જ્ઞાનમાં સુસ્થિર ન થાય ત્યાં સુધી ઉપાસના પરિપક્વ બની શકતી નથી. ધ્યાન વખતે મનની વૃત્તિઓ વિષયોમાં અહીં તહીં ભટકતી રહે ત્યારે સાધકે સમજવું કે હજી ઉપાસનામાં કાચપ છે, કારણ કે પ્રભુ સિવાય બીજે વૃત્તિ ચોંટવાથી ઉપાસના ખરા અર્થમાં સિદ્ધ થઈ શકતી નથી.
  • પંચવિષયના વિવિધ ભોગોમાં આસક્તિ છે ત્યાં સુધી પ્રભુમાં અનુરાગ ને પરાપ્રેમ નિષ્પન્ન થઈ શકતો નથી. જ્યાં સુધી બીજે બધેથી સમ્યક્ વૈરાગ્ય પામીને કેવળ પ્રભુમાં જ અનુરાગ ઉત્પન્ન નથી થતો, ત્યાં સુધી શુદ્ધ ઉપાસના જ ક્યાં થઈ છે? જે છે તે ભ્રાંતિ છે, કેવળ વાચ્યાર્થ છે; લક્ષ્યાર્થ નથી.
  • પ્રભુપ્રાપ્તિની સાધનામાં આળસ-પ્રમાદ આવે ને કર્તવ્યપરાયણતા, આજ્ઞાપાલન વગેરેમાં શિથિલતા વર્તે, મન વિષયભોગમાં વધુ આકર્ષાયેલું રહે ત્યારે ઉપાસકે સમજવું કે તેની ઉપાસના કહેવામાત્ર છે. તેમાં દૃઢતા કે પરિપક્વતા નથી. માટે હજી સઘન પ્રયત્નની આવશ્યકતા છે.
  • વિષમ દેશકાળમાં પ્રભુના સર્વોપરી સ્વરૂપ સિવાય અન્ય દેવ-મંત્ર-જંત્ર-વિદ્યા વગેરેમાં લેશમાત્ર પ્રતિતી આવે તે અન્યાશ્રય હોવાથી પ્રભુની સર્વોપરી શુદ્ધ ઉપાસના સિદ્ધ થઈ શકતી નથી, માટે સત્પુરુષ પાસેથી શુદ્ધ ઉપાસના સમજી તેને સિદ્ધ કરવા પ્રયત્નશીલ બનવું.
  • ચૈતન્યના આત્યંતિક મોક્ષ - Ultimate liberation માટે સર્વ કારણના કારણ, સર્વ અવતારોના અવતારી એવા સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમનારાયણના સ્વરૂપની શુદ્ધ ઉપાસનાની નિતાંત આવશ્યકતા છે. આવી ઉપાસના પરમાત્માના સાક્ષાત્કારવાળા અનુભવી સત્પુરુષના અનન્યભાવે કરેલા સેવા-સમાગમ દ્વારા જ ઉપલબ્ધ થાય છે.
  • પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થવા માટે ભગવાન સ્વામિનારાયણે શ્રીમુખવાણી 'વચનામૃત'માં પ્રભુના સ્વરૂપની ઉપાસના અને તે સ્વરૂપનું ધ્યાન, આ બે બાબતને અત્યંત આવશ્યક ગણી છે. આ ઉપરથી ફલિત થાય છે કે શુદ્ધ ઉપાસના સાધક માટે કેટલી અગત્યની છે.