6. કેટલાક સિદ્ધાંતો
- શુદ્ધ જ્ઞાન, શુદ્ધ કર્મ ને શુદ્ધ ઉપાસના દ્વારા જ સાધક પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે, અન્યથા નહિ.
- જગત સંબંધી સાંસારિક ભોગો તો અસંખ્ય લોકોને પ્રાપ્ત થાય છે, પરંતુ પરબ્રહ્મનું સાક્ષાત્કાર અનુભવજ્ઞાન ને તે સંબંધી શાશ્વત દિવ્ય સુખ-શાંતિ તો કોઈક વિરલ વ્યક્તિને જ ઉપલબ્ધ થઈ શકે છે.
- નવા સાધકને પ્રારંભમાં એવી લાગણી થાય છે કે પ્રભુપ્રાપ્તિમાં સુખ-શાંતિ-આનંદ છે જ, પરંતુ લૌકિક પદાર્થોમાં તથા ભોગોમાં પણ સુખ ને આનંદ છે તો બન્નેને સાથે રાખીને ચાલવું જેથી તે બંનેમાં સફળતા મળે, પણ એવું થઈ શકતું નથી! સાધનાની પરિપક્વતા થાય ત્યારે એવી ભ્રાંતિ તૂટે છે.
- શ્રેયમાર્ગે સાચો પ્રયત્ન કરનાર જ પ્રેયમાર્ગ (ભૌતિક ભોગોના માર્ગ) થી બચી શકે છે. શ્રેયમાર્ગની રૂચિમાં ને પ્રયત્નમાં શિથિલતા આવવાથી વ્યક્તિ શ્રેયમાર્ગ તરફથી પ્રેયમાર્ગ તરફ દોરવાઈ જાય છે.
- જે સાધકમાં પરમાત્માના કલ્યાણકારી ગુણોને આત્મસાત્ કરવાના પુરુષાર્થનો અભાવ, ઇંદ્રિયોના આહારની શુદ્ધિનો તથા મનોનિગ્રહ અને અનુશાસનનો અભાવ છે તે ભૌતિકવાદની આંધી સામે ટક્કર નથી લઈ શકતો અને પંચવિષયનો યોગ થતાં સાધના છોડી ભોગોમાં બંધાઈ જાય છે.
- જે લોકો એમ બોલે છે કે અમે મોક્ષની ઇચ્છા નથી કરતા, તેમનું કથન સત્યથી વેગળું છે. કારણ કે તેઓ પણ સાંસારિક દુઃખો ને કષ્ટોમાંથી મુક્તિ તો ઇચ્છે જ છે!
- પ્રભુપ્રપ્તિના ધ્યેયવાળી વ્યક્તિ જેવું નિષ્કામ કર્મ કરી શકશે, તેવું નિષ્કામ કર્મ આવા ઉત્કૃષ્ટ ધ્યેયથી રહિત એવો વૈજ્ઞાનિક પણ ક્યારેય નથી કરી શકતો.
- હજારો ભૌતિક વૈજ્ઞાનિકો ભેળા મળીને સમાજનો જેટલો ઉત્કર્ષ કરી શકે છે તેના કરતાં પરમાત્માના સાક્ષાત્કારવાળા એક સંત સમાજનો અનેકગણો અભ્યુદય કરી શકે છે.
- હાનિકારક, કષ્ટદાયી ને દુઃખદાયી લાગતા પદાર્થો તથા સંબંધોને દૂર કરવાનો પ્રયાસ વ્યક્તિ હંમેશા કરતી રહે છે. જો તેવો પ્રયાસ જોવામાં ન આવે તો એ સ્પષ્ટ છે કે તે વ્યક્તિને હાનિકારક ને કષ્ટદાયી પદાર્થની કે સંબંધની સમજ જ નથી; એ વ્યક્તિ મોહવશ છે.
- અજ્ઞાનને લઈને થઈ જતા અધર્મ કરતાં ઉતાવળ ને અસાવધાનીને કારણે થઈ જતો અધર્મ પતન તરફ વધુ લઈ જાય છે ને તેના કરતાં પણ સમજણપૂર્વક, જાણી જોઈને કરાતો અધર્મ તો અધઃપતનની સ્થિતિ માટે નિશ્ચિતરૂપે જોખમી ને જવાબદાર છે.
- સતત સત્કર્મો કરતા રહેવાથી દોષો દબાયેલા રહે છે. સત્કર્મો કરવાના છોડી દેવાથી દબાયેલા દોષો માથું ઊંચકીને આપણને દબાવવા પ્રયાસ કરશે. જેમ પરિશ્રમ કરતા રહેવાથી આળસ રહેતી નથી, પણ પરિશ્રમ છોડી દેવાથી તરત જ આળસ ઉત્પન્ન થાય છે, આવો એક નિયમ છે.
- જે સાધક મૃત્યુના ભયથી રહિત છે તે જ મહાવ્રતોનું, નિયમોનું ને આજ્ઞાઓનું લન કરી પ્રભુપ્રાપ્તિને માર્ગે પ્રગતિ સાધી શકે છે. તેની પાછળ પ્રભુના સ્વરૂપની શુદ્ધ ઉપાસના, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ વૈરાગ્ય ને શુદ્ધ કર્મ અપેક્ષિત છે.
- પ્રભુ સામાન્યપણે તો બધાની સહાયતા કરતા રહે છે, ભલે કોઈ તેના નિયમોનું પાલન કરે કે ન કરે, પરંતુ જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પ્રભુની આજ્ઞાઓનું ને નિયમોનું પાલન કરે છે તેની ઉપર પોતાની કૃપા પ્રસન્નતા ઉતારીને તેની અનેક રીતે વિશિષ્ટપણે સહાય તેમ જ રક્ષા કરે છે, એ વાત નિશ્ચિત છે.
- વ્યક્તિ સ્વયંની શક્તિ દ્વારા - સંતો, સત્શાસ્ત્રો, સાધના વગેરેની સહાયથી પોતાનો આત્મિક ઉત્કર્ષ સાધવા પ્રયત્ન કરી શકે છે, પરંતુ સ્વયં પરમાત્માની કે મુક્તપુરુષની કૃપા અને સહાય ઉપલબ્ધ થવાથી જે ઉત્કર્ષ સધાય છે તેની તો વાત જ ન્યારી છે.
- પ્રભુની સાથે સંબંધ જોડવાથી તેમની સહાયતા ને રક્ષા મળે છે તે એવી રીતે છે કે જેમ બાળકને શ્રેષ્ઠ ને યોગ્ય માતા-પિતા મળવાથી સહાય ને રક્ષા મળે છે, બાકી પ્રભુની સહાયતાના અભાવવાળી વ્યક્તિ તો અનાથ બાળકો જેવી છે કે જે સહાયતા માટે જ્યાં ત્યાં ભટકતી રહેતી હોય.
- જે વ્યક્તિ સમજણ છતાં જગતસંબંધી પંચવિષયના ભોગોમાં મોહવશ થઈ આસક્ત થાય છે તેને પ્રભુની વિશેષ સહાયતા મળવી શક્ય નથી.
- શુભ છતાં સકામ કર્મો કરનાર અશુભ કર્મોથી પૂર્ણ રીતે બચી શકતો નથી. અશુભ કર્મોથી પૂર્ણ રીતે બચવાનો ઉપાય માત્ર નિષ્કામપણું છે.
- અડગ શ્રદ્ધા, વિશ્વાસ અને શુદ્ધ પ્રેમ વગર ન તો કોઈ પ્રકારનું સફળ આચરણ થઈ શકે છે ન તો કોઈ પ્રગતિ.
- મનુષ્ય સ્વયં પોતે જ અનેક પ્રકારની સમસ્યાઓની જાળ ઊભી કરે છે ને મોહવશ થઈ તેમાં ફસાયેલો રહે છે.
- રાગ-દ્વેષયુક્ત સ્થિતિમાં બુદ્ધિ આધ્યાત્મિક રહસ્યના ઊંડાણને સ્પર્શી શકતી નથી. રાગ-દ્વેષ રહિત શુદ્ધ બુદ્ધિ જ સૂક્ષ્મ હોવાથી આધ્યાત્મિક રહસ્યને ખરા અર્થમાં પામી શકવા સમર્થ બને છે.
- સત્પુરુષની આજ્ઞાઓનું યથાર્થ પાલન થવાથી તેમની કૃપા થાય છે. તે કૃપાથી શુદ્ધ બુદ્ધિનો ઉદય થાય છે તેથી આધ્યાત્મજ્ઞાનના રહસ્યો સરળતાથી સમજાય છે.
- સમાજ ઉપર સૌથી મોટો પરોપકાર એ જ છે કે પ્રભુએ, સત્પુરુષોએ અને સત્શાસ્ત્રોએ બતાવેલા ઉચ્ચ આદર્શોને પ્રથમ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી પછી તે પ્રમાણે જીવન જીવવાનો માર્ગ અન્યને દર્શાવવો. એના વગર સમાજનું પતન થતું અટકી શકે નહિ.
- વિષયભોગને મુખ્ય માનવાથી વ્યક્તિ માટે પાપ-પુણ્યની પરિભાષાનો કોઈ મતલબ રહેતો નથી અથવા તે મનસ્વી રીતે તેની વ્યાખ્યા કરવા મંડી પડે છે. ને પોતે ગેરમાર્ગે દોરવાઈ ને અન્યને પણ ગેરમાર્ગે દોરે છે.
- સાચા સાધકો પોતાના ધ્યેય અને આદર્શોમાંથી ક્યારેય વિચલિત થતા નથી. તેમને માટે મૃત્યુ પણ ગૌણ બની જાય છે અને તે નિર્ભય બની જાય છે.
- હિતેચ્છુ અને નિર્ભય વ્યક્તિ જ અન્યને તેના દોષો બતાવી શકે છે. રાગ-દ્વેષથી ભયભીત તથા મહોબતીયા સ્વભાવની વ્યક્તિ અન્યને તેના દોષો પ્રત્યે સભાન નથી બનાવી શકતી.
- પ્રભુપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરનાર સાધક પ્રભુપ્રાપ્તિમાં બાધક એવા સંબંધો કે પદાર્થ પ્રત્યે દ્વેષ કરે તો તેની પ્રગતિ અવરોધાય છે, માટે દ્વેષ ન કરતાં વિવેકપૂર્વક તેનો ત્યાગ કરવાનો માર્ગ કાઢવો આવશ્યક છે.
- પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની ઉપાસના અને શ્રદ્ધા શ્રેષ્ઠ જણાતી હોય તો પણ સાધકે બીજા ધર્મો કે મતો પ્રત્યે દ્વેષભાવ ન રાખતાં સહિષ્ણુ બનવું જોઈએ, નહિતર સાધનામાં વિક્ષેપ આવે છે. માટે સર્વધર્મ આદરની વિશાળ દૃષ્ટિ રાખવી, સાથે સાથે પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધામાં ને ઉપાસનામાં પણ સ્થિર અને દૃઢ બનવું જોઈએ.
- જીવ, ઈશ્વર ને માયાના સ્વરૂપનું યથાર્થજ્ઞાન સત્પુરુષ પાસેથી ગ્રહણ કર્યા પછીનું સોપાન પુરુષાર્થ જ છે, પછી તેની ઉપર પ્રભુની કૃપા ઉતરે છે.
- સત્પુરુષના આદેશોની અવગણના કરી પ્રભુકૃપા મેળવવાનો પ્રયત્ન તે આકાશકુસુમવત્ નિરર્થક ને અસંભવ છે.
- ભગવાન સ્વામિનારાયણે આપેલાં દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહિ ને વટલાવવું નહિ. આ પંચવર્તમાનમાં યોગમાર્ગના યમ-નિયમ તથા સત્ય, અહિંસા વગેરે બધા ગુણોનો સમાવેશ થઈ જાય છે. આ પંચવર્તમાનમાં રહેલા સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થોનું સત્પુરુષો પાસેથી રહસ્ય સમજી લઈ તેનું યથાર્થ પાલન કરી અંતર્વૃત્તિએ પ્રભુના સ્વરૂપમાં જોડાવું તે જ સર્વશ્રેષ્ઠ સાધના છે. અન્ય સાધનાઓ આની પાસે ગૌણ છે.