2. મુમુક્ષત્વ જાગૃતિ
- આધ્યાત્મિક પ્રગતિ માટે સાધકે પોતાની અનેક પ્રકારની માન્યતાઓ, ગ્રંથિઓ અને ઠરાવોને સત્પુરુષના જોગ દ્વારા તેમજ અંર્તદૃષ્ટિ દ્વારાએક એક કરીને ઓળખવાં પડે છે. વિવિધ માન્યતાઓને અનુભવની એરણ ઉપર કસવી પડે છે. ત્યારે જ ખોટી અને ભૂલ ભરેલી માન્યતાઓ - ગ્રંથિઓ શિથિલ થાય છે, જડતા દૂર થાય છે અને સાચા જ્ઞાનમાં મતિ સ્થિર બને છે.
- સ્થૂળ બુદ્ધિથી સૂક્ષ્મ બુદ્ધિ, કનિષ્ઠ પ્રકારના આચરણથી સત્પુરુષે સમજાવેલા પંચવર્તમાનના* વિશદ્ અર્થ સહિતના ઉત્કૃષ્ટ આચરણ તથા પરમાત્માના દિવ્યસ્વરૂપ સંબંધી જ્ઞાન, કર્મ ને ઉપાસનામાં નિરંતર ગતિ થતી જવાથી સાધક ક્રમશઃ ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધે છે.
- ભગવાન સ્વામિનારાયણે 'વચનામૃત'માં કહ્યા પ્રમાણે સદાય ભૌતિક શરીરની અંતઅવસ્થા – મૃત્યુ જોનાર વ્યક્તિ સાંસારિક બંધનોમાંથી મુક્તિ તરફ, પ્રભુપ્રાપ્તિ એવા પરિણામસ્વરૂપ લક્ષ્ય તરફ ત્વરિત ગતિથી પ્રગતિ સાધે છે.
- ચિત્તમાં કામાદિ વિકારો ન ઉદભવવા દેવાનો એક ઉત્તમ ઉપાય એ પણ છે કે પોતાની જાતને હંમેશા પ્રભુપ્રસન્નતારૂપ માનવકલ્યાણકારી સેવા કાર્યોમાં વ્યસ્ત રાખવી અને સાથે સાથે પ્રભુપ્રાપ્તિના મહાન ધ્યેયની પરિપૂર્તિ માટે સદાય પ્રયત્નશીલ રહેવું.
- વ્યક્તિનું અંતઃકરણ દિવસ દરમ્યાન અનેક વખત શુદ્ધ ને અશુદ્ધ થયા કરે છે. એક જ વ્યક્તિ સવારે દેવ તુલ્ય હોય તો સાંજે શયતાન પણ હોઈ શકે છે! વિપરિત જ્ઞાન ને ક્રિયાઓથી મોહવશ થઈ વ્યક્તિ અશુદ્ધ બને છે - ને સાચાં જ્ઞાન, કર્મ ને ઉપાસનાથી તે શુદ્ધ બને છે. માટે સાધકે આ બાબત લક્ષ્યમાં રાખી સદાય જાણપણું રાખી પોતાની જાતને તપાસતાં ને સુધારતાં રહેવું જોઈએ. આ પ્રક્રિયાને અવિરત ચાલુ રાખવાથી તે પોતાના ધ્યેય સુધી નિશ્ચિતપણે પહોંચી શકે છે.
- જીવનની સાર્થકતા માટે સાધકે અતિ સાવધાન રહેવું આવશ્યક છે, જેમ કે મારે માટે શું જોવું યોગ્ય છે ને શું જોવું અયોગ્ય છે. શું સાંભળવું યોગ્ય છે ને શું સાંભળવું અયોગ્ય છે. શું ખાવું યોગ્ય છે ને શું ખાવું અયોગ્ય છે. શું બોલવું યોગ્ય છે ને શું બોલવું અયોગ્ય છે. શું જાણવું યોગ્ય છે ને શું જાણવું અયોગ્ય છે. આ રીતે વિવેકપૂર્વક જાગૃતિ રાખી ઇંદ્રિયોના આહાર શુદ્ધ રાખવાથી અંતઃકરણ વિશુદ્ધ બને છે. એવું અંતઃકરણ જ પ્રભુના સ્વરૂપમાં એકાગ્રતા માટે યોગ્ય બની શકે છે.
- આ જગતમાં અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર ઘટનાઓ હંમેશા ઘટતી જ રહે છે. તેનો વ્યક્તિ ઉપર સારો- નરસો પ્રભાવ પડે છે, પરંતુ સાધકે સતત સજાગ રહી એ જોતા રહેવાની જરૂર છે કે તે ઘટનાઓનો પોતાની ઉપર શું પ્રભાવ પડી રહ્યો છે; મારા પ્રભુપ્રાપ્તિ સંબંધી લક્ષ્યમાં ક્યાંય શિથિલતા તો નથી આવતીને? સંજોગવશાત્ કોઈક ઘટનાનો અંત:કરણ પર દુષ્પ્રભાવ પડી જાય તો તુરત જ તેને દૂર કરવા પ્રયત્ન કરવો ને તે દૂર ન થાય ત્યાં સુધી ખંતપૂર્વક પ્રયત્ન ચાલુ રાખવો એ સાધકનું કર્તવ્ય છે.
- સાધકને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ સિદ્ધ મુક્તદશા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી મુક્તપુરુષ એવા સદગુરુનું નિર્દેશન અને તેમની આજ્ઞાનું યથાર્થ પાલન અત્યંત આવશ્યક છે, અન્યથા પોતાના ધ્યેયથી વિચલિત થઈ પતન તરફ દોરવાઈ જવાની પૂરી સંભાવના રહે છે.
- પ્રારંભિક સ્થિતિમાં સાધક વિચારે છે કે આ સંસારના સુખોને, ભોગોને હું ત્યજી દઈશ તો મારી પાસે શું રહેશે? એક બાજુ સાંસારિક સુખો ત્યજી દીધા, પણ પરમાત્માનું સુખ મળવાનું તો હજુ શરૂ પણ નથી થયું, તો મારી પાસે કંઈ નહિ બચે, હું ખાલી થઈ જઈશ! આવો નિર્માલ્ય વિચાર ઉદભવે ત્યારે એમ વિચારવું કે ભૌતિક સુખોનું પ્રલોભન કે તેની આસક્તિ છૂટી જતાં વાસનાના ક્ષયરૂપ આનંદની પ્રાપ્તિ થાય છે ને ચિત્તમાં સાત્ત્વિક પ્રસન્નતા નિષ્પન્ન થાય છે, જે કોઈ પણ સાંસારિક મોટામાં મોટા સુખ કરતાં ઘણી વિશેષ છે.
- નવો સાધક પ્રારંભમાં સત્સંગ સેવારૂપ કાર્ય ભલે ઓછું કરે, પરંતુ તે કરે જરૂર. કારણ કે પ્રભુપ્રાપ્તિને માર્ગે નિષ્કામભાવે ને નિઃસ્વાર્થપણે કરેલું કલ્યાણકારી કાર્ય અત્યંત ઉપયોગી નિવડે છે. તેવા કાર્યથી પૂર્વકર્મના સંસ્કારો ઘસાય છે ને સાત્ત્વિકભાવ ઉદય થાય છે, જે પ્રભુના સ્વરૂપમાં જોડાવાની ભૂમિકા તૈયાર કરે છે.
- પ્રભુની પ્રસન્નતારૂપ કલ્યાણકારી સેવાકાર્યો કર્યા વગર કોઈ સાચો સાધક બની શકતું નથી. જેવી રીતે પ્રભુ અકારણ કૃપા કરીને આપણને સત્યજ્ઞાન, ઉપાસના, ભક્તિ વગેરે પ્રદાન કરી ઉપકૃત કરે છે, તેવી રીતે આપણી પણ બીજાના કલ્યાણ ને અભ્યુદય માટે નિષ્કામ પરોપકારી પ્રવૃત્તિ કરવાની પવિત્ર ફરજ બને છે. તે દ્વારા જગતમાં પ્રભુના સ્વરૂપના સત્યજ્ઞાન ને ઉપાસનાની રક્ષા થાય છે, તેથી સાધક પર પ્રભુની પ્રસન્નતા ને કૃપા ઉતરે છે.
- પોતાની ફરજોને ભૂલી જવી, કાર્યમાં શિથિલ બનવું, કાર્યની પ્રમાદને લઈને ઉપેક્ષા કરવી, નાની ભૂલોને ગંભીરતાથી લક્ષ્યમાં ન લેવી વગેરે પ્રકારનું મનોવલણ સાધકની બેજવાબદારી, શુષ્કતા ને પ્રમાદ સૂચવે છે, જે સાધનામાં બાધક નિવડે છે.
- જે સાધક પોતાની ફરજોનું ખૂબ જ ગંભીરતાથી નીતિયુક્ત રહી સારી રીતે પાલન કરે છે, શ્રદ્ધાથી કર્તવ્યને પ્રભુએ સોંપેલું છે તેમ માની નિષ્ઠાપૂર્વક બજાવે છે તે લૌકિક દૃષ્ટિથી તો સફળતા પ્રાપ્ત કરે જ છે, પણ સાથે સાથે આધ્યાત્મિક માર્ગે પણ સફળતા ને ઉન્નતિ સાધે છે.
- જેવી રીતે વ્યક્તિ પોતાની ઉન્નતિ ને સફળતાને સર્વપ્રકારે ઇચ્છે છે, ક્યારેય અવનતિ ને નિષ્ફળતાને ઇચ્છતો જ નથી, તેવું અન્યને માટે પણ ઇચ્છે તથા તેમાં સહાયરૂપ થાય તો ધીરે ધીરે રાગ-દ્વેષથી રહિત થઈ પ્રગતિ સાધે છે.
- સાધકનો લૌકિક વ્યવહાર પણ સારો ને નીતિપૂર્ણ હોવો આવશ્યક છે. તેથી સાધનામાં લૌકિક-વ્યાવહારિક વિક્ષેપો ઓછા નડે છે ને કેટલીક જરૂરી વ્યાવહારિક સહાય પણ મળી રહે છે, જે સાધનદશામાં અપેક્ષિત છે.
- સાધના કરતાં કરતાં જે અનુભવો ને ઉપલબ્ધિઓ થઈ હોય તેની સ્મૃતિ રાખવી જરૂરી છે. એ સાધનાની શિથિલતામાં અને નિરાશાની ક્ષણોમાં નવો પ્રાણ પૂરવા, નવી આશા અને ઊજાર્નો સંચાર કરવામાં ઉપયોગી બની રહે છે.
- જે સાધક દેહ સંબંધી ભૌતિક પદાર્થો તથા લૌકિક સંબંધો પ્રત્યેની આસક્તિને પૂર્વતૈયારી કરીને મનમાંથી એક વખત પણ દૂર નથી કરી શકતો તેની આગળની પ્રગતિ અવરોધાય છે. વારંવાર સાંખ્યજ્ઞાન કરી પ્રયત્નપૂર્વક તે આસક્તિ દૂર કરવી જોઈએ. તેમ સતત કરતાં રહેવાથી દૃઢતા આવે છે ને અંતતઃ તેમાં જીત મળે છે.
- કોઈ પણ દુર્ગુણને ત્યાગવાનો ને સદગુણને ગ્રહણ કરવાના પ્રયત્નમાં અસંખ્યવાર નિષ્ફળતા મળવા છતાં પણ નિરાશ કે હતાશ થયા વગર ખંતપૂર્વક પ્રયત્ન કરનારને સફળતા નિશ્ચિતરૂપે આવી મળે છે.
- પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ સિવાયની બીજી બધી લૌકિક કે અલૌકિક, ભૌતિક કે અધિભૌતિક પ્રાપ્તિની ઇચ્છામાત્ર ન રહે ત્યારે સાચું મુમુક્ષત્વ જાગૃત થાય છે.