11. સુખ-દુ:ખ

  • અનંત જન્મોથી જીવ સુખપ્રાપ્તિ માટે ભટકે છે ને મનુષ્ય જન્મમાં પણ બાળપણથી જ સુખ માટે વલખાં મારે છે, પણ સાચું સુખ, શાશ્વત સુખ શેમાં છે ને તે શી રીતે મેળવી શકાય તેની અધિકાંશ વર્ગને ખબર જ નથી, તેથી દુઃખોનો અંત આવતો નથી.
  • બધા સુખ અને સુખપ્રાપ્તિના સાધન - સગવડોને ઇચ્છે છે, પરંતુ પ્રેય ને શ્રેયનો ભેદ નહિ સમજવાથી કેટલાક ભૌતિકવાદી બની જાય છે ને તે ભેદને યથાર્થ સમજી શ્રેયનો માર્ગ ગ્રહણ કરે છે તે અધ્યાત્મવાદી બને છે.
  • સંસાર સંબંધી લૌકિક સુખને પણ તે જ વ્યક્તિ સારી રીતે ભોગવી શકે છે કે જે સંયમપૂર્વક ને શાસ્ત્રોની મર્યાદામાં રહીને ભોગવે છે. દા.ત. જે સ્વાદને કારણે વધુ પડતું ખાય છે તે રોગી બને છે ને જે સંયમપૂર્વક મિતાહાર કરે છે તે નિરોગી ને પુષ્ટ બને છે.
  • જે સાધક પરબ્રહ્મની પ્રાપ્તિ ઇચ્છે છે, મુક્ત થવા માંગે છે, તે પંચવિષયના સુખોને આસક્તિપૂર્વક ભોગવ્યા કરે તો ક્યારેય મુક્ત થઈ શકતો નથી.
  • પંચવિષયના ભોગોમાં પણ સુખ છે તેવી માન્યતા ધરાવનાર ક્યારેય પણ તે ભોગોની લાલસામાંથી છૂટી શકતો નથી.
  • એક ઇંદ્રિયનું સુખ લેવામાં રુચિ રાખનાર અન્ય ઇંદ્રિયોનું સુખ લેવામાંથી બચી શકતો નથી. એક ઇંદ્રિયને મોકળી મૂકે તો બધી ઇંદ્રિયો મોકળી થઈ જાય છે ને પોતપોતાના વિષયો પ્રત્યે આકર્ષાઈજાય છે.
  • એક ઇંદ્રિયને સુખ લેવામાં આસક્ત કરવાથી બીજી ઇંદ્રિયોમાં પણ ઉત્તેજના ઉત્પન્ન થઈ જાય છે. જેમ કે નેત્રથી રૂપ જોયું તો સ્પર્શેન્દ્રિય પણ ઉત્તેજિત થશે. નેત્રથી મિષ્ટ ભોજન જોયું તો રસના ઇંદ્રિયમાં સ્વાદ ઉત્તેજિત થશે, તેની સુગંધ લેવા ધ્રાણેન્દ્રિય ઉત્તેજિત થશે, તેને લેવા માટે હાથ પણ કાર્યરત થશે. મધુર અવાજ સાંભળવાથી તેનું રૂપ પણ જોવા માટેની ઇચ્છા જાગૃત થશે. માટે એક ઇંદ્રિય ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવાથી ધીમે ધીમે અન્ય ઇંદ્રિયો પણ નિયંત્રણમાં આવી જાય છે. દા.ત. રસના ઇંદ્રિય જીતવાથી ક્રમશઃ બીજી ઇંદ્રિયો જિતાઈ જાય છે.
  • પંચવિષય સંબંધી ભોગોમાં પ્રથમ સુખ ભાસે છે ને તેના ઉપભોગ પછી અંતે તેમાં દુઃખ જ છે તેવું પ્રતિત થાય છે, જ્યારે પરમાત્મા સંબંધી સુખપ્રાપ્તિના માર્ગમાં પ્રથમ દુઃખ ને કષ્ટ જણાય છે, પરંતુ અંતે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. પંચવિષયનું સુખ મૃગજળવત્ આભાસી અને નાશવંત છે, જ્યારે પરમાત્મા સંબંધી સુખ અનુભવજન્ય, અલૌકિક ને અવિચળ છે.
  • “ઈંદ્રિયોના ભોગોની વૃત્તિને નિયંત્રણમાં લાવી શકાય છે." આ વાત સંભવ છે તેમ તો અનેક વ્યક્તિ સ્વીકારે છે, પરંતુ 'આ ઇંદ્રિયોની વૃત્તિને હું ત્વરીતપણે જીતી લઈશ' એવી હકારાત્મક દૃઢ ભાવના તથા તેને અનુરૂપ પ્રયત્ન કોઈક વિરલ વ્યક્તિ જ કરે છે.
  • સત્પુરુષો ને સત્શાસ્ત્રો કહે છે કે વિષયભોગમાં ઝાંઝવાના જળ તુલ્ય સુખાભાસ માત્ર છે. એ સુખ નથી, દુઃખ જ છે. છતાં તેમાં લૌકિક મનુષ્યને સુખ મનાય છે. સત્પુરુષોની વાતમાં ને લૌકિક મનુષ્યની વાતમાં વિરોધાભાસ છે, ત્યારે હવે કરવું શું? તો સાધકે સત્પુરુષોના ને સત્શાસ્ત્રોના વચનમાં નિઃશંકપણે વિશ્વાસ ને શ્રદ્ધા રાખી તેમની વાત જ સ્વીકારી જીવનમાં ઉતારવી પડશે, અન્યથા તે સાધનામાં સફળ થઈ શકશે નહિ.
  • દુઃખોથી વ્યગ્ર થયેલી વ્યક્તિ એકાગ્રતાના અભાવે પ્રભુપ્રાપ્તિ તરફ આગળ વધી શકતી નથી. માટે સુખ-દુઃખમાં સ્થિતપ્રજ્ઞ થવા પ્રયત્ન કરવો અનિવાર્ય છે.
  • પુરુષાર્થ ને પરિશ્રમથી કષ્ટ થાય છે એવો વિચાર ભૂલ ભરેલો છે, કારણ કે પરિશ્રમ ને પુરુષાર્થ સુખપ્રાપ્તિના પ્રથમ સોપાન છે. પ્રભુની કૃપા-પ્રસન્નતા પણ પુરુષાર્થી ઉપર જ ઉતરે છે.
  • મન અને ઇંદ્રિયોને જીતવા માટે કરાતી તપસ્યા પ્રભુપ્રાપ્તિના સાધન તરીકે સ્વીકારવામાં આવે તો તે કષ્ટમય ન લાગતાં આનંદપ્રદ લાગે છે, પરંતુ તેને પ્રભુ પ્રસન્નતાનું સાધન ગણવામાં ન આવે તો કષ્ટપ્રદ બની રહે છે.
  • ભૂતકાળના દુઃખોને વાગોળ્યા કરવાથી શાંતિનો અનુભવ કદી થતો નથી, ઉલટાનું નવા દુઃખો જન્મવાનું તે નિમિત્ત બને છે. માટે ભૂતકાળ ભૂલી પ્રભુની સ્મૃતિ સહ આનંદપૂર્વક વર્તમાનમાં જીવવું તે સુખ-શાંતિ પ્રાપ્ત કરવાનો સચોટ ઉપાય છે.
  • ‘સૂરપુર, નરપુર, નાગપુર એ તીનમેં સુખ નાહીં, કાં સુખ હરિ કે ચરણમેં, કાં સંતન કે માંહી' એ પંક્તિ અનુસાર સાચું સુખ પ્રભુમાં ને સત્પુરુષમાં જ છે, પરંતુ તેવો પ્રત્યક્ષ જોગ ન હોય ત્યારે શું કરવું? તો એવો જોગ ન હોય ત્યારે અંતર્વૃત્તિએ પ્રભુના સ્વરૂપનો ને મુક્તપુરુષનો તેમની દિવ્ય સ્મૃતિ દ્વારા અખંડ જોગ કર્યા કરવો તે સુખ પ્રાપ્તિનો અમૂલ્ય ઉપાય છે.