૧૮. ધન્ય ધન્ય ધન્ય ગઢપુર ધામને જો...

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિશ્વર દલપતરામનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે.

દલપતરામનો જન્મ સં. ૧૮૭૬માં વઢવાણમાં શ્રીમાળી બ્રાહ્મણ કુળમાં થયો હતો. તેમના પિતા ડાહ્યાભાઈ ત્રવાડી વેદપાઠી બ્રાહ્મણ હતા. માતા અમૃતબા પરમ ભગવદીય હતા. દલપતરામ આઠ વરસના હતા ત્યારે તેમના મામા સાથે ગઢપુર આવ્યા હતા.

ગામોગામથી આવેલા સેંકડો હરિભક્તોની ભીડમાં નાનકડો દલપત પણ શ્રીહરિના દર્શન માટે રાહ જોતો ઊભો હતો. ત્યાં તો શ્રીજીમહારાજ માણકી ઘોડી ઉપર બેસીને બહારગામથી આવી પહોંચ્યા. ઘોડી ઉપરથી હેઠે ઉતરીને મહારાજ એટલું બોલ્યા : ‘ભગુજી, ઘોડીને પાવરો ચડાવજો.’ બાળ દલપતના અંતરપટ પર મહારાજના ક્ષણભરના દર્શન અને આ બે ચાર શબ્દો ચિરકાલિન છાપ છોડી ગયા.

મહાકવિ ન્હાનાલાલે પિતાની જીવનકથામાં નોંધ્યું છેઃ ‘શ્રીજીના એટલા શબ્દો પણ કવિશ્વર એ વાતને સીત્તેર વર્ષ થઈ ગયાં તો ય ભૂલ્યા નહોતા...’

સં. ૧૮૯૦માં મૂળીમાં વસંતપંચમીનો સમૈયો યોજાયો હતો. દલપતરામ પોતાના પ્રેમાનંદ મામા સાથે મૂળી જવા માટે તૈયાર થઈ ગયા. ડાહ્યાભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સખત વિરોધી હતા. તેમણે દલપતરામને મૂળી જતા ઘણાં વાર્યા, પરંતુ દલપતરામ ન માન્યા. મૂળી જઈ સોળ વરસના સુકુમાર દલપતે સત્સંગ સભામાં ભજન કીર્તન સાંભળ્યા, સંતોના વૃંદ નિહાળ્યા, સંપ્રદાયના ધર્મસિદ્ધાંતો સમજ્યા. પરંતુ એકી સાથે આ બધું જોઈને આ બ્રહ્મકુમારનું મન સાશંક બન્યું. અનેક સવાલોએ એના અંતરને ઘેરી લીધુંઃ ઈશ્વરને અવતાર શા માટે લેવો પડે છે? શું અવતાર ધારણ કર્યા વિના તે પોતાનું કાર્ય પાર પાડી ન શકે? કળિયુગમાં શું અવતાર શક્ય ખરો? શું આગળનાં ધર્મશાસ્ત્રો ખોટાં છે?

કિશોર દલપત મૂળી મંદિરમાં સંતોના આસને જઈ પોતાના પ્રશ્નો રજૂ કરતો. પરંતુ તેને સંતોષકારક જવાબો જડતા નહોતા. એવામાં તેને ભૂમાનંદ સ્વામી ભેટી ગયા. એમના આસને દલપતને ‘સર્વે સખી જીવન જોવાને ચાલો રે...’ જેવા રસિક કીર્તનો સાંભળવા મળ્યા. સ્વામીની કથા કરવાની શૈલી યુવાન દલપતના દિલને સ્પર્શી ગઈ. ભૂમાનંદ સ્વામીએ દલપતના મનની બધી જ શંકાઓનું નિવારણ કર્યું.

સ્વામી ભૂમાનંદના ઉપદેશે દલપતરામને ધર્મબાણ વાગ્યાં. દલપતરામના શબ્દોમાં જ આ હકીકત જાણીએઃ ‘ઉપદેશ જેમ બાણ વાગે તેમ છાતીમાં ઉતરી ગયો. અંતઃકરણ પીગળી ગયું, નેત્રમાં આંસુ આવી ગયા.’ દલપતરામે ભૂમાનંદ સ્વામી પાસે પંચ વર્તમાનની સ્વામિનારાયણીય ધર્મદીક્ષા લીધી.

દલપતરામના પિતા ડાહ્યાભાઈ વેદિયાને પુત્રના આ ધર્માન્તરથી સજ્જડ આઘાત લાગ્યો. તેમણે આવેશમાં આવીને પોતાની યજ્ઞશાળાનો યજ્ઞકુંડ ખોદી નાંખ્યો અને થોડા સમય પછી એ સંસાર ત્યાગીને (પરોક્ષ સંપ્રદાયમાં) સાધુ માધવાનંદ થઈ ગયા.

દલપતરામ જન્મજાત કવિપ્રકૃતિના હતા. કિશોરવયમાં જ તેમણે ગુજરાતી સાહિત્યની ઉપાસના આરંભી દીધી હતી. સોનામાં સુગંધ ભળે તેમ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાને દલપતજીવનમાં નીતિ અને સદાચારનો દૃઢ પાયો રોપ્યો. એમના જીવન વિકાસમાં આ ધર્મદીક્ષાએ મહત્ત્વનો ફાળો આપ્યો. એ ધર્મદીક્ષા એમને કાવ્યદીક્ષા તરફ વાળવામાં પણ નિમિત્ત બની.

બે વરસ પછી દલપતરામ ફરીવાર મૂળી ગયા. એ વખતે મૂળી મંદિરના મહંત દેવાનંદ સ્વામીના ગાઢ પરિચયમાં તેઓ આવ્યા. દેવાનંદ સ્વામી પાસે તેમણે પિંગળ ભણવા માંડ્યું. એ સમયે પિંગળ અલંકારના ગ્રંથો વ્રજભાષામાં જ પ્રાપ્ય હતાં. દલપતરામના યુવાન હૈયામાં વ્રજભાષાના સંસ્કાર રોપાઈને દૃઢ થવા લાગ્યા. સ્વામિનારાયણ મંદિર એ દલપતરામની કાવ્યરચના માટેની પ્રયોગશાળા બની ગયું.

એકવાર મૂળી મંદિરમાં જન્માષ્ટમીના સમૈયા પ્રસંગે અમદાવાદથી આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પધાર્યા હતા. તેઓ દલપતરામની કાવ્યકલાથી અત્યંત પ્રસન્ન થયા. દલપતરામની શીઘ્ર કાવ્ય રચવાની અદ્‌ભુત શક્તિ, બેનમૂન કલ્પના ચાતુરી અને સમ્યક્‌ સ્મરણ શક્તિ જોઈને આચાર્યશ્રીએ તેમને અમદાવાદ બોલાવી સંસ્કૃત વાઙમયના વિશેષ અભ્યાસ માટેની વ્યવસ્થા કરી દીધી. અમદાવાદમાં તેમને અનેક સજ્જનોનો સહવાસ સાંપડ્યો. તેમની કવિત્ત્વશક્તિ હવે સોળેકળાએ ખીલી ઊઠી. વિશેષમાં અમદાવાદના એક અગ્રગણ્ય સાહિત્યરસિક સારાભાઈએ પોતાના પુત્ર ભોળાનાથને પિંગળ શીખવવા માટે દલપતરામને વિનંતી કરી. જ્યારે અમદાવાદમાં અંગ્રેજ અધિકારી ફાર્બસને ગુજરાતી શીખવાની જરૂર પડી, ત્યારે ભોળાનાથે તે કામ માટે પોતાના ગુરુ દલપતરામનું નામ સૂચવ્યું. દલપતરામ અને ફાર્બસ મળ્યા અને સમગ્ર ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં આ બંનેની મૈત્રી તથા તેમની સહિયારી સાહિત્યિક તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિએ મહત્ત્વનો ફાળો આપ્યો.

સં. ૧૯૦૪માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. ૧૯૧૧માં દલપતરામ એ સોસાયટીના આસિસ્ટન્ટ સેક્રેટરી નિમાયા. સં. ૧૯૧૮માં વાચનમાળા કમિટીમાં તેઓ સભ્ય નિમાયા અને પછી તેમની મદદની કદરરૂપે સી.આઈ.ઈ. થયા. આમ સ્વામિનારાયણ ધર્મ દલપતરામના અને તેમના વિકાસ દ્વારા સમગ્ર ગુજરાતના ઘડતરમાં નિમિત્ત બન્યો.

ન્હાનાલાલે યોગ્ય જ લખ્યું છે : ‘દલપતજીવનનો લાક્ષણિક વિશેષ રંગ સદ્ધર્મશીલતા હતો અને તે પાકો રંગ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયે દલપતઆયુષ્યને ધર્મના એ પાકા રંગે રંગેલું હતું. કવિ એ સંપ્રદાયનું ઋણ ક્યારેય વીસર્યા નહિ.’

દલપતરામની ઉત્તરાવસ્થામાં લોધિકાના દરબાર અભયસિંહજીએ તેમની પાસે રામચરિતમાનસની શૈલીમાં શ્રીજીમહારાજના ચરિત્ર વ્રજભાષામાં ‘પુરુષોત્તમ ચરિત્ર’ નામના ગ્રંથરૂપે રચાવ્યો. પાછળની અવસ્થામાં દલપતરામની આંખોનું તેજ હણાઈ ગયું હતું. છતાં પણ સં. ૧૯૪૦માં વડતાલના આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજની ઇચ્છાને માન આપીને તેમણે શ્રીજીમહારાજના લીલાચરિત્રોનો ગુજરાતી પદ્યમાં ખૂબ જ રસિક ગ્રંથ ‘શ્રીહરિલીલામૃત’નું સર્જન કર્યું. ન્હાનાલાલે આ ગ્રંથ વિષે નોંધતા લખ્યું છે : ‘કળિયુગમાં અધર્મ ધોઈ સદ્ધર્મસંસ્થાપનનો, એ અર્ધી સદીની વિજયવાર્તાનો, સરયૂના પાપપાવનાં પાણીથી ગુજરાતનાં મેલધોવાણના શ્રીજીચરિત્રની દિગ્વિજય વાર્તાનો શ્રીહરિલીલામૃત મહાગ્રંથ છે.’ દલપતરામની આ કૃતિને સાહિત્યકૃતિ તરીકે મૂલવવા કરતાં એ કૃતિ પાછળનું પ્રયોજન લક્ષમાં લઈને સંપ્રદાયની એક ધર્મકૃતિ તરીકે મૂલવીએ તો તે વધુ યોગ્ય ગણાશે. શ્રીજીમહારાજનું ચુંબકીય વ્યક્તિત્વ (Magnatic personality) આ ગ્રંથમાં સુચારુરૂપે ઉપસી આવે છે.

દલપતરામ હૃદયથી એક કવિ હતા અને તેમણે કાવ્યના અનેક પ્રકારો પર પોતાનો હાથ અજમાવ્યો છે. પરંતુ તેમના રચેલા ગઢપુર મહિમાનાં પદોમાં તેમનું ભક્તહૃદય અત્યંત પ્રગલ્ભપણે મુખરિત થાય છે. તેથી જ મહાકવિ ન્હાનાલાલ પોતાના પિતાશ્રી કવિશ્વર દલપતરામને અંજલિ અર્પતા અંતે કહે છે : ‘કવિશ્વરને શ્રીહરિએ કાવ્યનિપુણ કીધા, ભૂમાનંદ સ્વામીએ ધર્મનિપુણ કીધા, દેવાનંદ સ્વામીએ કલાનિપુણ કીધા, ધર્મધુરંધર અયોધ્યાપ્રસાદજીએ સંસ્કૃતનિપુણ કીધા અને સકળ દલપત આત્મલક્ષ્મીનો સદુપયોગ કીધો આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે. દલપતરામને સંપ્રદાયે સરજ્યા હતા, દલપતરામે સંપ્રદાયને શોભાવ્યો.’

કાવ્યકૃતિ :

ધન્ય ધન્ય ધન્ય ગઢપુર ધામને જો,

ઘણું વ્હાલું છે શ્રી ઘનશ્યામને જો. ધન્ય.

જેનો મહિમા અક્ષરધામ જેટલો જો,

અવિનાશીએ ઉચાર્યો મુખ એટલો જો. ધન્ય.

દાદાખાચરના ધન્ય દરબારને જો,

જેણે રાખ્યા જગદ્‌ આધારને જો. ધન્ય.

દીનબંધુ દયાસિંધુએ દયા કરી જો,

મુનિનાથ ગોપીનાથ રૂપે રહ્યા જો. ધન્ય.

ઉન્મત્ત સરિતા વહે છે સમીપમાં જો,

એવું શ્રેષ્ઠ તીર્થ નથી જંબુદ્વિપમાં જો. ધન્ય.

ઘણીવાર મહારાજે મંજન કર્યું જો,

તેથી તેનું માહાત્મ્ય મોટું ઠર્યું જો. ધન્ય.

ગંગા ગોમતી કાલિંદી ગોદાવરી જો,

ઉન્મત્ત ગંગા એથી અદકી ઠરી જો. ધન્ય.

પાપી પ્રાણીઓના પ્રૌઢ પાપ નાશની જો,

પરિપૂરણ પુણ્યપાવની પ્રકાશની જો. ધન્ય.

કરે વ્રત તપ જપ જે અહીં રહી જો,

ફળ કોટિ સંખ્યા ઘણું પામે સહી જો. ધન્ય.

પાવન પરમ ચોક શેરીયું બજાર છે જો,

હરિના ચરણની ઠારોઠાર છે જો. ધન્ય.

શિવ બ્રહ્મા ઇંદ્રાદિક ઘણા સ્નેહથી જો,

યાત્રા કરવા આવે છે દિવ્ય દેહથી જો. ધન્ય.

ધરી જન્મ અહીં યાત્રાએ ન આવિયો જો,

અવતાર એણે વૃથા ગુમાવીઓ જો. ધન્ય.

શીખે સાંભળે જે મહિમા એ ધામનો જો,

તે પર રીઝે દેવ દલપતરામનો જો. ધન્ય.

આસ્વાદ :

કવિશ્વર દલપતરામે પ્રસ્તુત ગરબીમાં ગઢપુર ધામનો મહિમા મન મૂકીને ગાયો છે.

અનંત કોટિ બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમનારાયણ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા, કિશોરાવસ્થામાં સમગ્ર ભારતમાં નેપાળથી કન્યાકુમારી અને જગન્નાથપુરીથી જૂનાગઢ સુધી પગપાળા વનવિચરણ કર્યું અને ત્યારબાદ રામાનંદ સ્વામી પાસે સાધુની દીક્ષા લઈ કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફર્યા, પરંતુ પોતાનું ઘર માનીને જો ઠરીને ઠામ થયાં હોય તો તે માત્ર ગઢપુરમાં જ ! શ્રીજીમહારાજે દાદાખાચર તથા લાડુબા-જીવુબાના અનન્ય પ્રેમને વશ થઈને ગઢપુરમાં પોતાનું કાયમી નિવાસસ્થાન રાખી ગઢપુરને ધન્ય કરી નાંખ્યું. તેથી જ દલપતરામ કહે છે -

ધન્ય ધન્ય ધન્ય ગઢપુર ધામને જો...

શ્રીજીમહારાજે (ગ.મ.૪૨મા) વચનામૃતમાં સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં આ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. તેથી જ ગઢપુરનો મહિમા કવિ અક્ષરધામ તુલ્ય ગણે છે.

દાદાખાચરને પણ કવિ ધન્ય કહે છે કે જેમણે કેટકેટલી કસોટીમાં સોળવલા સોનાની જેમ પાર ઉતરી શ્રીજીમહારાજને ગઢપુરમાં રોકી રાખ્યા. ભગવાન તો અત્યંત કરૂણાનિધાન છે, પરંતુ એની કરૂણાના, એની કૃપાના ભાજન બનવા માટે કેટલા નરબંકાઓ પાત્રતાની કસોટીએ ખરા ઉતરે છે? હકીકતમાં જે પાત્ર છે એના ઉપર પરમાત્માની કૃપાવર્ષા સતત થયાં કરે છે.

શ્રીજીમહારાજની સમસ્ત સત્સંગ ઉપર મહામોટી દયા તો એ છે કે પ્રભુ ગઢપુરમાં ગોપીનાથજી સ્વરૂપે સદાકાળ દર્શન આપે છે. ગઢપુરમાં વહેતી ઉન્મત્તગંગા યા ને ઘેલા નદીનો મહિમા અપરંપાર છે. ભારતભરની સર્વ પવિત્ર નદીઓમાં ઉન્મત્તગંગા શ્રેષ્ઠ છે. કારણ કે પૂર્ણ પુરુષોત્તમનારાયણ સ્વયં એમાં અસંખ્ય વાર સ્નાન કરી સંતો સાથે ખૂબ જળક્રીડા કરી હતી. એમાં સ્નાન કરવાથી ગમે તેવો પાપી હોય તે પણ પુણ્યશાળી બને છે !

ગઢપુરમાં રહીને જે મુમુક્ષુ જે કાંઈ વ્રત, તપ, જપ ઇત્યાદિ સાધન કરે છે તેનું કોટિ ઘણું ફળ તેને તત્કાળ પ્રાપ્ત થાય છે. અહીંના બજાર અને શેરીની ધૂળમાં શ્રીજીમહારાજની ચરણરજ ભળેલી હોવાથી શિવ બ્રહ્માદિ દેવો પણ અત્યંત મહિમાથી ભાવપૂર્વક આ ધામની યાત્રાએ દિવ્ય દેહે આવે છે.

કવિ કહે છે કે જે જીવે મનુષ્ય દેહ ધારણ કરીને જો ગઢપુરની યાત્રા ન કરી તેનો જન્મ નિરર્થક છે. અંતે દલપતરામ ખાત્રી આપે છે કે જે ભક્તો ગઢપુર ધામનો મહિમા ગાશે તેમના ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણની અપરંપાર કૃપા થશે.

કવિ દલપતરામની આ ગરબી સત્સંગમાં સુપ્રસિદ્ધ છે.