૧૭. શ્રી સહજાનંદ સુખકારી, જાઉં મૂર્તિ પર બલિહારી...
જૂનાગઢના જોગી સદ્ગુરુ શ્રી મહાપુરુષદાસજીનો જન્મ સં. ૧૮૭૪માં ગોંડલ રાજ્યના ભાયાવદર ગામના પરમ ભગવદીય વિપ્ર દેવકૃષ્ણ જોષીને ત્યાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ રામજી હતું.
એકવાર શ્રીજીમહારાજ ભાયાવદર પધાર્યા ત્યારે દેવકૃષ્ણ જોષીએ પોતાને ઘરે મહારાજને જમવા બોલાવ્યા. જમીને મુખવાસ લઈને શ્રીહરિ ઢોલિયા ઉપર બિરાજ્યા ત્યારે જોષીએ પોતાના પાંચ વરસના પુત્ર રામજીને મહારાજના ચરણોમાં બેસાડી એને વર્તમાન ધરાવવા માટે પ્રાર્થના કરી. મહારાજે રામજીની જમણી હથેળીમાં જળ આપી તેને વર્તમાન ધરાવી કંઠી બાંધી તેના માથે પોતાનો વરદ્ હસ્ત મૂકીને કહ્યું : ‘દેવકૃષ્ણ, તમારે ત્યાં તો આ માર્કન્ડઋષિ અવતર્યા છે. આ તો પૂર્વના મુક્ત છે, તેથી સંસારમાં બંધાયેલા બહુ નહીં રહે. આગળ જતાં એ અનેકના કલ્યાણ કરશે.’
આઠ વરસની ઉંમરે રામજીના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. રામજી દશ વરસના થયા ત્યારે પોતાના કાકા પિતાંબર જોષી સાથે જૂનાગઢ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શન કરવા આવ્યા હતા. શ્રી રાધારમણદેવ, રણછોડજી, ત્રિકમજી તથા સિધ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાવિધી સંપન્ન થયા પછી મંદિરના પ્રાંગણમાં આસોપાલવના વૃક્ષ નીચે સભા ભરીને શ્રીજીમહારાજ બિરાજમાન હતા ત્યારે પિતામ્બર જોષીએ જાહેરમાં મહારાજને પ્રશ્ન કર્યો : ‘બુદ્ધિના પ્રેરક તો પરમાત્મા છે, તો પછી માણસ જે પાપ કરે છે તે પાપ ભગવાનને ન લાગતા માણસને કેમ લાગે છે?’
શ્રીજીમહારાજે સંક્ષિપ્તમાં જવાબ આપતા જણાવ્યું : ‘અંતર્યામી પરમાત્મા જીવને હંમેશાં સદ્બુદ્ધિ જ આપે છે અને સદ્વિદ્યા જ પ્રેરે છે. પરંતુ જીવમાં રહેલું અજ્ઞાનનું આવરણ તેને પોતાના અંતરાત્માના અવાજની અવગણના કરી પોતાના અંગત સ્વાર્થ માટે પાપકર્મ કરાવે છે. જીવ સારાનરસા કર્મમાં પોતાના કર્તૃત્ત્વભાવને લીધે કર્મના બંધનમાં ફસાઈ જેતે કર્મના ફળને ભોગવે છે. પરમાત્મા તો આકાશની જેમ નિર્લેપ છે, તેમને ક્યારેય કોઈ દોષ અડતો નથી.’
રામજી બાલ્યકાળથી જ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી ઇત્યાદિ નંદસંતોના નિકટ સહવાસમાં રહેતા હતા. એકવાર શ્રીજીમહારાજે રામજીને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું : ‘રામજી, તું વડતાલ જઈ ગોપાળાનંદ સ્વામી ભેળો રહે, તો હું અખંડ તારી ભેળો જ રહીશ.’ શ્રીહરિના આદેશ અનુસાર રામજી વડતાલ જઈ સ્વામીશ્રી ભેળા રહેવા લાગ્યા.
રામજીભાઈ ખૂબ જ સેવાભાવી મુમુક્ષુ હતા. સ્વામીશ્રીની કૃપાથી તેઓ સ્વતંત્રપણે સમાધિ કરીને અક્ષરધામમાં જવા લાગ્યા. પિતા બાલકૃષ્ણ જોષીએ જબરજસ્તીથી તેમના લગ્ન કરાવી નાંખ્યા, પરંતુ રામજીભાઈનું અંતર તો અહોનિશ ભગવદ્ભક્તિમાં જ રચ્યું પચ્યું રહેતું હતું.
એકવાર રામજીભાઈ જૂનાગઢ મંદિરમાં સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા રહ્યા હતા ત્યારે તેમને સમાચાર મળ્યા કે તેમના પત્નીનું અકાળે અવસાન થયું છે. રામજીએ નિસ્પૃહભાવે તેનું નાહી નાંખ્યું અને એની ખુશાલીમાં મંદિરમાં સહુ સંત હરિભક્તોને સાકર વહેંચી. પછી રામજીભાઈ જૂનાગઢથી સીધા ગઢપુર આવ્યા અને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસે બ્રહ્મચારીની દીક્ષા લઈ પુરુષાનંદ બ્રહ્મચારી બન્યા.
પુરુષાનંદ બ્રહ્મચારીને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પ્રત્યે અનન્ય ગુરુભાવ હતો. જન્મે બ્રાહ્મણ હોવાથી પોતે બ્રહ્મચારી તો બની ગયા, પરંતુ બ્રહ્મચારીના નિયમધર્મોમાં બંધાયેલા હોવાથી તેઓ પોતાના ગુરુવર્ય ગોપાળાનંદ મહામુનિની પ્રસાદી જમી નહોતા શકતા, તેથી એક દિવસ તેમણે ભંડારામાં જઈને સાધુના તુંબડાનું જળ પી લીધું. સંપ્રદાયના નિયમોને આધિન ત્યાર પછી તેમને સાધુની દીક્ષા આપી તેમનું નામ મહાપુરુષદાસજી રાખવામાં આવ્યું.
સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની છત્રછાયામાં મહાપુરુષદાસજીનો આધ્યાત્મિક ઉત્કર્ષ એની સોળે કળાએ ખીલી ઊઠ્યો. ગુરુ પાસેથી તેમણે ચોર્યાશી પ્રકારની યોગકળાઓ જેવી કે નોળી, કુંજરી, વજ્રોલી, ખેચરી ઇત્યાદિ સિદ્ધ કરી હતી. ગુરુદેવની અપરંપાર કૃપાથી તેમને શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ તેલધારાવત્ દેખાતી હતી. તેઓ સ્વતંત્રપણે સમાધિ કરીને અક્ષરધામમાં જતા તેમ જ અન્ય મુમુક્ષુઓને પણ સમાધિ કરાવી આધ્યાત્મિક જગતની અનેક ભૂમિકાઓ દેખાડતા હતા. તેઓ એક વચનસિદ્ધ સંત હતા. તેમના વચને અનેક જીવો સુખિયા થયા હતા.
સં. ૧૯૩૯ના ફાગણ માસમાં સૌરાષ્ટ્રના હાટીના માળીઆ ગામથી કેશવભગત નામના એક મુમુક્ષુને વૈરાગ્ય થતાં તેઓ સાધુ થવા માટે જૂનાગઢ સ્વામી મહાપુરુષદાસજી પાસે આવ્યા. સ્વામીએ તેમને પોતાની સેવામાં રાખ્યા. રાત્રે કેશવજી સ્વામીશ્રીના પગ દબાવતા હતા ત્યારે સ્વામીએ વાત કરી : ‘ભગત, તમે નહીં માનો પરંતુ એ હકીકત છે કે શ્રીજીમહારાજ જ્યારે છપૈયામાં બાળસ્વરૂપે બિરાજતા હતા ત્યારે હું તેમનું નામ પાડવા ગયો હતો. ઘનશ્યામ મહારાજની એ મનોરમ્ય બાળમૂર્તિ મને હજી પણ નખશિખ યાદ છે.’ કેશવભગત કહે, ‘સ્વામી, છપૈયામાં મહારાજનું નામ પાડવા માટે તો માર્કન્ડઋષિ ગયા હતા એવું સત્સંગિજીવનમાં આવે છે.’ સ્વામી કહે, ‘કેશવ, એ જ માર્કન્ડઋષિ મારા પૂર્વજન્મમાં હું પોતે હતો.’ કેશવભગત તો આ સાંભળીને દિગ્મૂઢ થઈ ગયા. ત્રણ વરસ પછી સ્વામીશ્રીએ કેશવભગતને આચાર્ય શ્રી વિહારીલાલજી પાસે ગઢપુરમાં દીક્ષા અપાવી સાધુ રૂગનાથચરણદાસ નામ પાડ્યું.
એકવાર સ્વામી મહાપુરુષદાસજી ઊનાના મંદિરમાં હતા ત્યારે રાત્રે શ્રીજીમહારાજે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે દર્શન દઈને એમને કહ્યું : ‘અમારી વિવિધ લીલાની ઘણી વાતો તમને કંઠસ્થ છે તેનો એક ગ્રંથ રચો ને તેનું નામ ‘પુરુષોત્તમ નિરૂપણ’ આપજો.’ એ જમાનામાં ગ્રંથો મોટેભાગે પદ્યમાં જ રચાતા હતા, ગદ્યનું ચલણ નહિવત્ હતું. સ્વામી કહે, મહારાજ, હું પિંગળ ભણ્યો નથી, માટે ગ્રંથ શી રીતે રચું?’ મહારાજ કહે, ‘તમે ચોપાઈ લખવા મંડજો એટલે આવડશે.’ પછી સવારે ઊઠીને સ્વામીએ ભક્તચિંતામણિની શૈલીમાં ચોપાઈઓ લખવા માંડી. થોડા દિવસોમાં તો ત્રીસ અધ્યાય રચાઈ ગયા. ત્યારબાદ સ્વામીએ રામચરિતમાનસની શૈલીમાં ‘ઉપદેશ ચિંતામણિ’ નામના બે અધ્યાય પણ લખ્યા. સ્વામીશ્રીએ કેટલાક કીર્તનો પણ રચ્યા છે, તેમાંનું એક કીર્તન-
‘શ્રી સહજાનંદ સુખકારી, જાઉં મૂર્તિ પર બલિહારી’
સ્વામીશ્રીની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનું દ્યોતક છે.
સ્વામી મહાપુરુષદાસજી સં. ૧૯૫૦ના ભાદરવા વદ પાંચમને દિવસે મધ્યાહ્ન સમયે ભૌતિક દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં પધાર્યા.
કાવ્યકૃતિ :
શ્રી સહજાનંદ સુખકારી, જાઉં મૂર્તિ પર બહિલારી. ટેક.
શ્રી અનિર્દેશથી આવ્યા, સાથે મુક્ત અનેકને લાવ્યા;
છો હરિજનના હિતકારી, શ્રી સહજાનંદ. ૧
વળી રીત અલૌકિક ભાળી, તમે કામને નાખ્યો બાળી;
જગજીવન જય જયકારી. શ્રી સહજાનંદ. ૨
તમે અગણિત જીવને ઉધ્ધાર્યા, ભવસાગરમાંથી તાર્યા;
છો અવતારના અવતારી. શ્રી સહજાનંદ. ૩
કરી જગન વિપ્ર જમાડ્યા, બહુ અદ્ભુત પરચા દેખાડ્યા;
દિવ્ય ક્રિયા છે સઘળી તમારી. શ્રી સહજાનંદ. ૪
હતા તમારા વેરી અનેક, તેની તમે તોડાવી ટેક;
કરી લીલા સુ કામણગારી, શ્રી સહજાનંદ. ૫
મહાપુરુષદાસના પ્યારા, તમે શોભો છો ઘણા સારા;
ધન્ય લલાટ તિલકધારી, શ્રી સહજાનંદ. ૬
આસ્વાદ :
જૂનાગઢના જોગી સ્વામી મહાપુરુષદાસજીએ આ પદમાં શ્રીજીમહારાજનો અપરંપાર મહિમા ગાયો છે.
કવિ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ ઉપર વારી જાય છે. કારણ કે એ સ્વરૂપ આનંદનુ ધામ છે, સાચા સુખનું પ્રદાતા છે. કવિએ અક્ષરધામ માટે અહીં ‘અનિર્દેશ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. જેનું પરિમાણ છે તે નિર્દેશ કહેવાય, જેમ કે પૃથ્વીનો પટ પચાસ કરોડ જોજન છે તેથી તે નિર્દેશ કહેવાય, પરંતુ જળ અનિર્દેશ કહેવાય. જળ કરતાં તેજ વધુ વ્યાપક હોવાથી જળ નિર્દેશ છે અને તેજ અનિર્દેશ છે. તેજથી વાયુ, વાયુથી આકાશ, મહતત્ત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ આ બધા એકબીજાથી મોટા છે અને તેથી અનિર્દેશ પણ છે. પ્રકૃતિ પુરુષથી પર શ્રીજીમહારાજનું અક્ષરધામ છે તે અધોઊર્ધ્વ અને પ્રમાણે રહિત છે તેથી તેને અનિર્દેશ કહેવામાં આવે છે.
શ્રીજીમહારાજ અક્ષરધામમાંથી જ સીધા આ લોકમાં એમના અનેક મુક્તોની સાથે પધાર્યા હતા. શ્રીહરિ હંમેશાં પોતાના ભક્તોનું હિત સાધે છે. શિક્ષાપત્રીરૂપી સુદર્શન ચક્રથી સમસ્ત સત્સંગને સુરક્ષિત કરીને મહારાજે અનોખી પ્રણાલિ દ્વારા સર્વે હરિભક્તોની કામ, ક્રોધ ઇત્યાદિ અંતઃશત્રુઓથી રક્ષા કરી છે. તેથી કવિ એમનો જયજયકાર કરે છે.
ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં પ્રગટ થઈને અગણિત જીવોને ભવસાગરમાંથી તારી તેમનો મોક્ષ કર્યો હતો. કવિ માને છે કે આ કોઈ અવતાર નહીં, પરંતુ સર્વે અવતારોના પ્રેરક અવતારી પૂર્ણ પુરુષોત્તમનારાયણ છે.
શ્રીજીમહારાજે અમદાવાદ, જેતલપુર, ડભાણ વગેરે અનેક સ્થળોએ મોટા મોટા જગન કરી અસંખ્ય બ્રાહ્મણોને જમાડી બહુ અદ્ભુત પરચાઓ આપ્યા હતા. કવિને શ્રીહરિની સઘળી ક્રિયાઓ દિવ્ય ભાસે છે.
સ્વામી મહાપુરુષદાસજી પ્રભુને કહે છે : ‘હે મહારાજ, અનેક અજ્ઞાની ને પાપી પાખંડીઓ આપના વેરી હતા, આપના દ્રોહી હતા. એ સર્વેની ટેક તમે તોડાવીને એમને તમારા શરણમાં લીધા છે. આપની લીલાઓ ખરેખર કામણગારી છે.’
કવિ શ્રીહરિની શોભા પર, એમની રૂપમાધુરી પર કુરબાન છે.કાવ્ય સુગેય અને પ્રાસાદિક છે.