૧૬. નવલ વસંત નવલ વૃત્તાલય નવલ શ્રી ધર્મકુમાર...

સૌરાષ્ટ્રની ધીંગી ધરાના ઝમરાળા ગામનો એક મુમુક્ષ યુવાન એકવાર મોક્ષ પ્રાપ્તિની મહત્ત્વાકાંક્ષા સાથે તીર્થાટન કરતો કરતો ગઢપુર આવી ચડ્યો. શ્રીજીમહારાજના પ્રથમ દર્શને જ એના અંતરમાં શાંતિના શેરડા પડ્યા. માણિગરની મનોરમ્ય મૂર્તિએ એના હૈયા પર કામણ કર્યું. એના દિલમાં આનંદના ઓઘ ઉતરવા લાગ્યા. શ્રીહરિની નિશ્રામાં રહીને ભજનસ્મરણ અને ધર્મપાલનમાં એને અનોખી શાતા મળવા લાગી. એણે સત્ત્વરે પોતાના અંતરાત્માના અવાજના આધારે શ્રીહરિને પ્રાર્થના કરી : ‘પ્રભુ, મને સાધુની દીક્ષા આપી આપની નિશ્રામાં અખંડ સ્થાન આપો.’ મહારાજે તેને યોગ્ય પાત્ર સમજી સાધુની ભાગવતી દીક્ષા આપી તેનું નામ ‘ધર્માનંદ’ પાડ્યું.

‘નંદમાળા’માં ધર્માનંદ નામના બે સંતોનો ઉલ્લેખ છે.

‘ધર્માનંદ બેઉનાં નામ, એક ભજની બીજા નિષ્કામ.’ એ પૈકી આ ધર્માનંદ ભજની અને કવિ હતા.

કવિ ધર્માનંદ સ્વામી મોટેભાગે ગઢપુરમાં જ રહેતા હતા. તેઓ અખંડ મહારાજની મૂર્તિના ધ્યાન સાથે સ્વામિનારાયણ મહામંત્રની માળા સતત ફેરવ્યા કરતા. સંપ્રદાયની તવારીખમાં નોંધાયેલું છે કે ધર્માનંદ સ્વામી એટલી હદે માળા ફેરવતા કે માળાના ઘસારાથી એમની તર્જનીના પર્વમાં સળ પડી ગયા હતા. એમની માળાનો મિણીયો દોરો પણ દર મહિને તૂટી જતો. નામસ્મરણની આ પરાકાષ્ઠાએ એમને એવી સિધ્ધિ આપી હતી કે તેઓ જે બોલતા તેમ જ થતું.

એકવાર ધર્માનંદ સ્વામી સાળંગપુર ગયા હતા. ત્યાં કાઠીનો એક અટકચાળો છોકરો સ્વામીની લાકડી લઈને ભાગી ગયો. સ્વામીએ ધ્યાનમાં બેસીને શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને કહ્યું : ‘અમે તમારા ગામમાં આવ્યા એટલે તમારા મહેમાન કહેવાઈએ. તમારા મહેમાનનું તમે આવું ધ્યાન રાખો છો?’ હનુમાનજી આ સાંભળીને હસ્યા. ઘડીભરમાં તો સ્વામીની લાકડી અધ્ધર આકાશમાંથી આવીને સ્વામીની પાસે પડી.

સં. ૧૮૮૨માં શ્રીજીમહારાજે વડતાલમાં વસંતપંચમીએ વસંતોત્સવ ઉજવ્યો ત્યારે કવિ ધર્માનંદ સ્વામીએ વસંતને વધાવતા રસિક પદો રચીને તે પ્રગલ્ભ સ્વરે ગાયા હતા.

‘નવલ વસંત નવલ વૃત્તાલય નવલ શ્રી ધર્મકુમાર;

નવલ હિ ધર્મરાય કે આંગન, નવલ મિલે નરનાર.’

કાવ્યકૃતિ :

નવલ વસંત નવલ વૃત્તાલય નવલ શ્રી ધર્મકુમાર;

નવલ હિ ધર્મરાય કે આંગન, નવલ મિલે નરનાર.

નવલ. ૧

નવલ હિ કેસર રંગ માટ ભરે, નવલ હિ મૃગ મદમાર;

નવલ લાલ રંગ ભરી ગ્રહિ હે, નવલ કનક પીચકાર.

નવલ. ૨

નવલ મુનિ સંગ પ્રેમે ઉડાવત, નવલ ગુલાલ અપાર;

નવલ તાલ મૃંદગ બજાવત, નવલ હિ ગાત સુમાર.

નવલ. ૩

નવલ વિમાન ગગન સબ છાયે, નવલ હિ જૈ જૈ કાર;

ધર્માનંદ કે નવલ પ્રીતમ છબી, નવલ ચરણ બલિહાર.

નવલ. ૪

આસ્વાદ :

કવિ ધર્માનંદનું પ્રસ્તુત વસંતગાન એની આગવી રીતે નવજીવનની ભક્તિભાવે પોષાયેલી રચનાત્મક મસ્તી અભિવ્યક્ત કરે છે.

કવિના અંતરમાં અદમ્ય આનંદની રસમસ્તી હિલોળે ચડી છે, તેથી એમને સકલ સૃષ્ટિ નવીન દૃષ્ટિગોચર થાય છે. ખ્યાતનામ કહેવત છે - ‘દૃષ્ટિ એવી સૃષ્ટિ.’ જ્યારે પ્રભુ પ્રત્યેના નિર્વ્યાજ પ્રેમનો ઉત્કટ ઉન્માદ ભક્તની આંખોમાં એની ખુમારીના આંજણ આંજે છે, ત્યારે એ પ્રેમીભક્તને સર્વત્ર નિત્ય નવીન આહ્‌લાદ જ ભાસે છે.

ધર્માનંદ સ્વામીને વસંતનું આગમન, વૃત્તાલય ગામ તેમ જ ધર્મનંદન સ્વામી સહજાનંદજી મહારાજ - બધાં જ દિવ્ય અને અલૌકિક ભાસે છે. વસંતોત્સવનું રોચક વર્ણન કરતા કવિ ગાય છે -

‘નવલ હિ કેસર રંગ માટ ભરે, નવલ હિ મૃગ મદ માર;

નવલ લાલ રંગ ભરી ગ્રહિ હે, નવલ કનક પીચકાર.’

વૃત્તાલય ગામે શ્રીહરિ સાથે વસંતોત્સવ માણવા માટે હજારો નરનારીઓ ભેગા મળ્યાં છે. કેસરવર્ણા રંગોની ગાગરો ભરી છે, શ્રીજીમહારાજ સુવર્ણની પિચકારીમાં લાલ રંગ ભરીને ભક્તો ઉપર રંગવર્ષા કરે છે. સંતો ઉપર ગુલાલ ઉડાડીને મહારાજ એમને પોતાના પ્રેમના રંગે રંગી રહ્યા છે. સંતો પ્રગલ્ભ સ્વરે વસંતગાન કરી રહ્યા છે. સિતાર, સરોદ, દુકડ અને મૃદંગનું વાદ્યસંગીત આખા ય માહોલને મસ્તીભર્યા આહ્‌લાદમાં રસલીન કરી રહ્યું છે. આખું ય આકાશ આ દુર્લભ દૃશ્યને નીરખવા માટે દેવલોકમાંથી દોડી આવેલા દેવોના વિમાનોથી છવાઈ ગયું છે. એ દેવો શ્રીહરિની આ અલભ્ય રંગલીલા નિહાળીને જયજયકાર કરે છે. કવિ ધર્માનંદ શ્રીહરિની નિત્ય નવીન મૂર્તિ ઉપર વારી જાય છે.

નવલ શબ્દનો બીજો અર્થ આશ્ચર્યકારક પણ થાય છે. કવિના અંતરમાં શ્રીજીમહારાજની વસંતલીલા નિહાળીને આનંદના અતિરેકથી જે આશ્ચર્યનો ભાવ જાગ્યો એમાંથી આ કીર્તનની રચના થઈ છે, તેથી તેની પંક્તિએ પંક્તિએ ‘નવલ’ શબ્દનું આવર્તન આપીને કવિએ પોતાના હૃદયગત અહોભાવને સમ્યક્‌ અભિવ્યક્તિ આપી છે.

કાવ્ય પ્રાસાદિક અને સુગેય છે.