૨૪. સુણ સાહેલી શ્રી ઘનશ્યામ વિના મને કાંઈ ગમતું નથી

સદ્‌ગુરુ મંજુકેશાનંદ સ્વામી ‘નામમાળા’માં નોંધે છે :

‘ધ્યાનાનંદ નામે મુનિ દોય,

એક ધ્યાની બીજા કવિ સોય.’

ધ્યાની ધ્યાનાનંદ સ્વામી કારિયાણીના વતની હતા. શ્રીજીમહારાજ અને નંદસંતોના નિત્ય સમાગમથી એમના અંતરમાં વૈરાગ્ય પ્રગટતા તેમણે એક દિવસ મહારાજને ગદ્‌ગદ કંઠે પ્રાર્થના કરી : ‘મહારાજ, મને હવે તમારી મૂર્તિ વિના જગતના કોઈ પદાર્થમાં પ્રીતિ રહી નથી, માટે પ્રભુ... હવે મને તમારા ચરણની સેવામાં રાખો તો સારું.’ મહારાજે તત્કાળ તેમને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ ‘ધ્યાનાનંદ’ પાડ્યું.

સદ્‌ગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક પ્રસંગ આવે છે. એકવાર શ્રીજીમહારાજે ગવૈયા સંતોને બોટાદમાં સત્સંગ કરવા મોકલ્યા. કવિ અને સંગીતજ્ઞ સંતોએ એક મહિનો ત્યાં રહી કીર્તનોની રમઝટ બોલાવી. ગામ આખું કીર્તન સાંભળવા આવતું, પણ એમાંથી એક માણસ સોગંદ ખાવા પૂરતો પણ સત્સંગી ન થયો.

પછી મહારાજે શાસ્ત્રજ્ઞ વિદ્વાન સંતોને બોટાદ મોકલ્યા. મહા જ્ઞાની સંતોએ ત્યાં દિવસ-રાત કથાવાર્તાનો અખાડો ચલાવ્યો. આખું ગામ કથા સાંભળવા આવે, પણ કોઈ કંઠી બાંધી સત્સંગી ન થાય. એમ કરતા એક મહિનાની મુદત પૂરી થતાં એ સંતો પણ વિલે મોઢે પરત આવ્યા.

અંતે શ્રીજીમહારાજે સભામાં સંતોને તાકીદ કરતા કહ્યું : ‘જુઓ... સંગીત અને વિદ્વત્તા જે કામ કરી નથી શક્યા તે અમારા બે સંતો હવે કરી બતાવશે.’ આમ કહીને મહારાજે ધ્યાની ધ્યાનાનંદ સ્વામી તથા સાંખ્યાનંદ સ્વામીને બોટાદ જવાની આજ્ઞા આપી. એ બંને ગરીબ સ્વભાવના સંતોએ હાથ જોડીને દીનવચને શ્રીહરિને પૂછ્યું : ‘પ્રભુ, અમે ત્યાં જઈને શું કરીશું? અમને નથી ગાતા આવડતું કે નથી વાતો કરતા આવડતું. અમે તો રાતદિવસ માત્ર તમારું ધ્યાન ધર્યા કરીએ છીએ.’

મહારાજ કહે, ‘મહાપુરુષો ! અમારે વચને તમે બોટાદ જાઓ, ત્યાં તમે નહીં, તમારું વર્તન વાતો કરશે અને બોટાદમાં સત્સંગનો પાયો તમારા થકી જ નંખાશે.’

મહારાજની આજ્ઞાથી એ બંને સંતો બોટાદ આવ્યા. બોટાદ એ જમાનામાં જૈન ધર્મનો ગઢ ગણાતું. બોટાદમાં જ્યાં અત્યારે આપણું મંદિર છે, ત્યાં એ જમાનામાં એક નાનકડી ઓરડી હતી. બંને સંતો ત્યાં રહીને ભજનભક્તિ કરવા લાગ્યા. દિવસમાં ફક્ત એક જ વાર ગામમાંથી ભિક્ષા માગી લાવી ભોજન કરતા અને બાકીનો સમય ધ્યાન ધર્યા કરતા. સાંજે કોઈક દયાળુ ગૃહસ્થ અન્ન આપવા આવે તો પણ ન લેતા. થોડાં જ સમયમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે આપણાં ગામમાં બે મહા તપસ્વી કેવળીક આવ્યા છે, તે ચોવીયાર કરે છે અને અહોનિશ ધ્યાન કર્યા કરે છે.

તમાશાને તેડું ન હોય. ધીરે ધીરે જૈન વાણિયાના ટોળે ટોળા આ બે તપસ્વીઓને જોવા માટે ઊમટી પડ્યા. બંને નિસ્પૃહી સંતોના ચરણોમાં ધીરે ધીરે આખુંય ગામ આવીને લોટી પડ્યું. એ બંને સંતોના વર્તને બોટાદમાં એવી વાતો કરી જેના પરિણામે આજે બોટાદની બજારમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વિજયપતાકા ઉન્નત આકાશમાં ગૌરવભેર લહેરાય છે.

આ ધ્યાની ધ્યાનાનંદ વિષે સંપ્રદાયના ઇતિહાસમાં ઘણાં પ્રસંગો નોંધાયેલા પડ્યા છે, પરંતુ કવિ ધ્યાનાનંદ વિષે ઝાઝો ઉલ્લેખ નથી મળતો.

કવિ ધ્યાનાનંદ એક વિશદ્‌ વિદ્વાન અને સિદ્ધહસ્ત કવિ હતા. તેમણે શ્રીજીમહારાજના વિવિધ લીલાચરિત્રોને હિન્દી દોહા ચોપાઈમાં ગૂંથી ‘શ્રીહરિચરિત્રામૃત’ નામનો ગ્રંથ રચ્યો છે. આ સિવાય તેમણે કેટલાક રસિક કીર્તનો પણ રચ્યાં છે.

સદ્‌ગુરુ કૃષ્ણાનંદ સ્વામીના ગ્રંથ ‘શ્રીહરિ ચરિત્રામૃતમ્‌’માં કવિ ધ્યાનાનંદનો એક પ્રસંગે ઉલ્લેખ આવે છે. સં. ૧૮૮૫માં આસો સુદ અગિયારસે જાગરણની મહાસભામાં શ્રીજીમહારાજે કેટલાક નવોદિત કવિઓની કૃતિઓને સાંભળી તેમને પ્રમાણિત કર્યા હતા, તેમાં ધ્યાનાનંદ સ્વામીનો પણ સમાવેશ થયો હતો.

‘પછી સભા કરી સુખધામ, બેઠા સંત સભામધ્યે શ્યામ;

પછી બોલાવ્યા કવિને પોતે, સર્વે સભાસદને જોતે.

કાવ્ય સુણી નવા કવિ કેરી, હરિ રાજી થયા દ્રગ હેરી;

નહોતાં કાવ્યમાં મળતાં નામ, નવાં પાડ્યાં પોતે સુખધામ.

પછી પોતે કર્યા પ્રમાણ, આતો કવિ છે સારા સુજાણ;

દેવાનંદ, ભૂમાનંદ દેખો, ધ્યાનાનંદ દયાનંદ લેખો.’

આમ કવિ ધ્યાનાનંદ સ્વામી શ્રીજીમહારાજ પ્રમાણિત ઉર્મીશીલ કવિ હતા.

સંવત ૧૮૮૬ના જેઠ સુદ ૧૦ને દિવસે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા. શ્રીજીમહારાજના વિયોગે વ્યાકુળ બની કવિ ધ્યાનાનંદે અંતરની વ્યથાને કાવ્યમાં કંડારતા ગાયું હતું :

‘સુણ સાહેલી શ્રી ઘનશ્યામ વિના મને ગમતું નથી...’

વિપ્રલંભ વિરહ વિભાવનાના આ પદના પ્રગલ્ભગાન સાથે જ મહારાજે ધ્યાનાનંદને દિવ્યરૂપે દર્શન દઈ એમની વિરહવ્યથાને શાંત કરી હતી.

કાવ્યકૃતિ :

સુણ સાહેલી (૨), શ્રી ઘનશ્યામ વિના મને કાંઈ ગમતું નથી;

હરિ ગયા મેલી(૨), તે દુઃખની વાતો શી ઘણી તે કહું કથી. ટેક.

મન હરતા મોહન કર લટકે, શીર મોળિયું ધરતા રંગ ચટકે;

તે મૂર્તિ અંતરમાં અટકે. સુણ. ૧

હું જોતી હરિનું નિત્ય મુખડું, સામું જોઈ દેતાં વ્હાલો અતિ સુખડું;

મુને એ વિના દિલમાં છે દુઃખડું. સુણ. ૨

મારા મનમાં નિશદિન એ લેખું, હરિ ચરણકમળ કેરી રેખું;

હવે આ નયણે ક્યારે દેખું. સુણ. ૩

સખી છોગાળો અઢળક ઢળશે, મરમાળો અંક ભરી મળશે;

ત્યારે ચિત્તડાનાં સંકટ ટળશે. સુણ. ૪

હરિ બિરાજતા નિત્ય સભા કરી, ત્યારે જોતી હું નિશદિન નેણ ભરી;

ધ્યાનાનંદ હવે એ વિના દિલમાં ડરી. સુણ. ૫

આસ્વાદ :

કરુણાત્મક વિયોગ શૃંગારના પ્રસ્તુત પદમાં પ્રેમીભક્ત કવિ ધ્યાનાનંદ પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી ઘનશ્યામના વિયોગે વ્યાકુળ બનીને પોતાની અંતરવ્યથાને વાચા આપે છે. કાવ્ય એના વર્ણમાધુર્ય, શબ્દોની પુનરુક્તિ, પ્રાસની સ્વાભાવિકતા તથા મનમાં ગુંજી રહે એવી રમણીય ધ્રુવપંક્તિને કારણે ચોટદાર બન્યું છે.

‘સુણ સાહેલી, શ્રી ઘનશ્યામ વિના મને કાંઈ ગમતું નથી’ એ ધ્રુવપંક્તિ દ્વારા જ કવિની વિરહવિભાવના સુપેરે વ્યક્ત થઈ જાય છે. પ્રેમ અને વિરહ એ બંને સાપેક્ષ છે. પ્રેમ કઈ ભૂમિકાએ પાંગરી ત્યાંથી ઊર્ધ્વગામી બની, કઈ ભૂમિકાએ પ્રિયતમ પરમાત્માના પરસાત્મક સ્વરૂપમાં પર્યવસાન પામે છે તે ઉપર વિરહની અનુભૂતિનો આધાર છે.

સ્થૂળ ભૂમિકાએ પાંગરેલો પ્રેમ જ્યાં સુધી એ પ્રેમીભક્તના અંતરમાં પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય, ત્યાં સુધી પ્રિયતમના વિયોગે અસહ્ય વ્યથા આપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સચ્ચિદાનંદ સ્વામી આનું જીવંત દૃષ્ટાંત હતા. ગોપાળાનંદ સ્વામીનો પ્રેમ ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચીને પરમાત્માના પરમસાધર્મ્યને પામીને પૂર્ણકામ થયો હોવાથી એમને ક્યારેય વિરહવ્યથા નહોતી થતી. પ્રેમસખી પ્રેમાનંદ ગઢપુરમાં શ્રીજીમહારાજની અક્ષરઓરડીની સામે જ રહેતા હોવા છતાં રાત રાતભર વિરહવેદનાથી વ્યથિત અંતરે ‘બહુત દિનનકી પ્યાસી રે અંખિયાં...’ તથા ‘બિસર ન જાજો મેરે મિત...’ જેવા કીર્તનો ગાયા કરતા હતા.

એકવાર શ્રીજીમહારાજે પ્રેમાનંદ સ્વામીને પ્રસન્ન થઈને કંઈક વર માગવાનું કહ્યું. પ્રેમસખીએ તરત જ માગ્યું : ‘મહારાજ, તમારા આવા ને આવા દર્શન હંમેશાં મારા અંતરમાં થતાં રહે એ વર આપો.’ મહારાજ કહે, ‘સ્વામી, એ તો તમે સાધન કરશો ત્યારે અંતરમાં મૂર્તિ દેખાશે. હમણાં કાંઈ બીજું માગો.’ પ્રેમાનંદે ફરી અરજ કરી : ‘મહારાજ, આપના ચરણમાં મેં વાસ કર્યો છે ત્યારથી હું સાધન તો કરું છું. મારું પ્રાતઃ આપના કીર્તનથી પ્રારંભ થાય છે અને આખો દિવસ આપના સાંનિધ્યમાં વીત્યા પછી મારી રાત પણ આપના સંસ્મરણ સાથે જ વીતે છે. વિશેષ કયા સાધનની આવશ્યકતા છે, પ્રભુ?’ મહારાજે હસીને કહ્યું : ‘તમે ભક્તિ તો કરો છો, પરંતુ મનગમતી ભક્તિ કરો છો. જ્યારે અમારી આજ્ઞાથી સાધન કરશો ત્યારે જ અમારી પ્રસન્નતા પ્રાપ્ત થશે. અમારી પ્રસન્નતા થતાં જ અંતરમાં અખંડ અમારી મૂર્તિ દેખાશે.’ ત્યારે પ્રેમસખીએ ફરી પ્રાર્થનાપૂર્વક કહ્યું : ‘મહારાજ, આપ મને આજ્ઞા આપો એ પ્રમાણે હું સાધન કરવા તૈયાર છું.’

પ્રેમાનંદનો ખરો ખપ જોઈને મહારાજે કહ્યું : ‘પાંચ વાતોનું ખાસ ધ્યાન રાખવું : (૧) બ્રહ્મચર્યનું પાલન (૨) પંચ વર્તમાનનું પાલન (૩) ભગવાનના સ્વરૂપની ઉપાસના (૪) ભગવાનના લીલાચરિત્રનું સતત શ્રવણ - મનન - નિદિધ્યાસ અને (૫) અખંડ ભગવાનના નામનું સંસ્મરણ. અમારા વચને આટલું કરશો એટલે અંતરમાં અખંડ અમારી મૂર્તિ દેખાશે અને પછી ક્યારેય વિરહની વ્યથા નહીં સતાવે.’

કહેવાય છે કે પ્રેમાનંદ સ્વામીએ શ્રીહરિની ઉપરોક્ત વાતના સારરૂપે એજ દિવસે સ્વાભાવિક ચેષ્ટાના પદોની રચના કરી સાંજની સભામાં ગાયા હતા.

પ્રેમી ભક્તકવિ ધ્યાનાનંદે શ્રીહરિની રસિક રૂપમાધુરીનું હૃદયંગમ વર્ણન કર્યું છે.

‘મન હરતા મોહન કર લટકે,

શીર મોળિયું ધરતા રંગ ચટકે,

તે મૂર્તિ અંતરમાં અટકે.’

કવિને પ્રિયતમ પ્રભુ સાથે ગાળેલી એક એક ક્ષણ યાદ છે. સ્થૂળ દેહે શ્રીજી ભલે સ્વધામ સિધાવી ગયા, છતાં પણ ધ્યાનાનંદને હજી પણ આશા છે કે –

‘સખી છોગાળો અઢળક ઢળશે,

મરમાળો અંક ભરી મળશે;

ત્યારે ચિત્તડાના સંકટ ટળશે.’

કરૂણાત્મક વિયોગશૃંગારમાં પર્યવસાન પામતું પ્રસ્તુત પદ કવિ ધ્યાનાનંદની પ્રાસાદિક કૃતિ છે.