૪. ક્યૂં પાયે ઘર દુર, બંદે! ક્યૂં પાયે ઘર દુર

સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી બહુમુખી પ્રતિભાસંપન્ન એક વિરલ વિભૂતી હતા. જન્મજાત કાષ્ઠકલા અને શિલ્પ સ્થાપત્યના આ કુશળ કલાકારે તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થતાં સંસારનો ત્યાગ કર્યો, પરંતુ પછી પણ એમણે પોતાનીઆ ઈશ્વરદત્ત કલાના સર્વ કસબનો સુંદર વિનિયોગ શ્રીજીમહારાજની પ્રસન્નતાર્થે સંપ્રદાયના અનેક મંદિરોની દૃષ્ટાંતરૂપ સેવામાં કર્યો હતો.

ગઢડામાં કલાત્મક અક્ષર ઓરડી, ધોલેરા મંદિરના કમાડની બેનમૂન બારસાખ, વડતાલ મંદિરનો ભવ્ય દરવાજો તથા જ્ઞાનબાગમાં આવેલો બાર બારણાનો કાષ્ઠહિંડોળો એમની સર્જકતાના સીમાચિહ્‌નો છે!

શ્રીજીમહારાજે તો એમને ગઢડા મંદિરના મહંત બનાવવાનો પોતાનો મનસુબો પ્રગટ કર્યો હતો, પરંતુ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદે તો એ ઉપાધિ પોતાના ત્યાગ-વૈરાગ્યમાં વિઘ્નરૂપ માની સૌરાષ્ટ્રના શુષ્ક પ્રદેશમાં આવેલા ધોલેરા મંદિરના મહંત બનવાનું સ્વીકાર્યું. ત્યાં જઈને પણ તેઓ પગ વાળીને મહંતની ગાદીએ બેસી ન રહ્યા, દિવસરાત કારીગરો સાથે મંદિરના સ્થાપત્યને સુશોભિત બનાવવા માટે મથ્યા કરતા. એમાંથી સમય મળે એટલે સંપ્રદાયના સાહિત્યને સમૃદ્ધ કરવા માટે લેખન કરતા. વળી પ્રતિદિન સંધ્યા આરતી પછી મંદિરના સભા મંડપમાં યોજાતી ધર્મસભામાં મુમુક્ષુઓને જ્ઞાન - વૈરાગ્યની વાતો દ્વારા સમ્યક્‌ સમજણ આપતા.

ધોલેરોમાં સ્વામી અત્યંત સાદાઈથી પોતાનું વાર્ધક્ય વીતાવતા હતા. આહારમાં માત્ર બાજરીનો રોટલો અને છાશ જ જમે. એમાં વળી ધોલેરાની ખડકાળ જમીનનું સખત પાણી. પરિણામે સ્વામીને આખા શરીરે ગરમી ફૂટી નીકળી. છતાં પણ સ્વામી તો દેહની પીડાને સહેજ પણ ગણકાર્યા વિના પોતાના કર્મઠ જીવનની વ્યસ્ત દિનચર્યા, જૈસે થે... ચાલુ જ રાખતા. પરંતુ એમની આ કારમી દેહપીડા હેતવાળા સંત-હરિભક્તોના કોમળ હૈયાને કોરી ખાતી હતી.

એકવાર સ્વામી સંધ્યાકાળે મંદિરની વાડીએ સ્નાન કરવા ગયા હતા, ત્યારે મંદિરમાં સર્વે સંતો અને સત્સંગી હરિભક્તોએ ભેગા મળીને શ્રી મદનમોહનજી મહારાજને ગદ્‌ગદ્‌ કંઠે પ્રાર્થના કરી : ‘મહારાજ! નિષ્કુળાનંદ સ્વામીને શરીરે જે મહાકષ્ટદાયક વ્યાધિ થયો છે તે કૃપા કરીને મટાડો અથવા તો સ્વામીને સત્ત્વરે અક્ષરધામમાં તેડી જાઓ. એમની અસહ્ય દેહપીડા હવે અમારાથી જોવાતી નથી.’

પ્રાર્થનાની પૂર્ણાહૂતિ બાદ બધા શ્રી ઠાકોરજીના સાંનિધ્યમાં બેસીને શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય કરવા લાગ્યા. એટલામાં તો સ્વામી વાડીએથી સ્નાન કરીને મંદિરમાં આવી પહોંચ્યા. દેવના દર્શને મંદિરના ગર્ભગૃહમાં ગયા ત્યારે સર્વે સંત-હરિભક્તોને ધૂન્ય કરતા જોઈને સ્વામીએ સહસા પૂછ્યું : ‘તમે બધા આજે કોઈ વિશેષ પ્રયોજનથી આ ધૂન્ય કરી રહ્યા છો કે શું?’ સ્વામીનો આવો અણધાર્યો સવાલ સાંભળીને સૌ ચોંકી ઊઠ્યા. થોડીવાર મંદિરમાં સોપો પડી ગયો.

પછી એક સંતે સહેજ સાચવીને કહ્યું : ‘સ્વામી, આજની આ વિશેષ પ્રાર્થનાસભા આપની આ દારૂણ દેહપીડાને ટાળવા માટે શ્રીહરિને ચરણે એક આર્ત યાચના સ્વરૂપે આયોજવામાં આવી છે.’ આ સાંભળીને સ્વામીનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો : ‘મહાપુરુષો, મારા એક પ્રશ્નનો તમે મને સીધે સીધો જવાબ આપો. મેં તમારા બધાનું શું બગાડ્યું છે? હું મારી રીતે સત્સંગની સેવા અને ભજનભક્તિ કર્યા કરું છું અને યથાશક્તિ તમારી પાસે પણ કરાવું છું. હું ક્યારેય તમને કોઈને કનડું છું કે આજે તમે બધાં ભેગા મળીને મારું બગાડવા બેઠા છો?’ આ સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા. સર્વેની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ.

એક ભલા ભક્તે સજળ નેત્રે બે હાથ જોડીને કહ્યું : ‘દયાળુ, આપ તો બ્રહ્મસ્વરૂપ છો, મુક્ત છો, આપને દેહાધ્યાસ નથી એટલે આવી અસહ્ય દેહપીડામાં પણ હસતે મુખે ભગવાન ભજો છો. પરંતુ સ્વામી, અમે બધા હેતવાળા હરિભક્તોને આપની સાથે અત્યંત આત્મબુદ્ધિ બંધાઈ ગઈ છે, તેથી આપનું આ દુઃખ અમારાથી જોવાતું નથી.’ આ સાંભળીને સ્વામી સહેજ હસ્યા ને પછી બોલ્યા : ‘તમે મારું દુઃખ જોઈ શકતા નથી, પરંતુ તમારાથી મારું દુઃખ લઈ શકાય તેમ પણ નથી એ એક હકીકત છે. મારા પ્રારબ્ધનું દુઃખ તો મારે ભોગવ્યા વિના છૂટકો જ નથી. જો તમે બધા મહારાજને પ્રાર્થના કરીને મારો રોગ મટાડી દો અથવા મને અક્ષરધામમાં મોકલાવો તો મારે મારા બાકી રહેલા પ્રારબ્ધ કર્મોને ભોગવવા માટે બીજો જન્મ ધારણ કરવો પડશે. વળી શ્રીજીમહારાજ મારા દ્વારા જે સત્સંગ સેવા અને સમાસ કરાવે છે તે લાભ પણ બંધ થઈ જશે. માટે ક્યારેય આવી પ્રાર્થના કોઈના માટે ન કરવી. શ્રીજીમહારાજ જે કરતા હોય તે હંમેશાં સહુના સારા માટે જ હોય છે એવી દૃઢ સમજણ રાખવી.’

એેક સંતે વળી વિનંતીના સૂરમાં દલીલ કરતા પૂછ્યું : ‘સ્વામી, આપ તો મહારાજના લાડીલા મુક્ત છો. આપને વળી આ પ્રારબ્ધનાં બંધન શેના? એતો સામાન્ય બદ્ધ જીવો માટે છે.’ આ સાંભળીને સ્વામી ફરી ગર્જ્યા : ‘અરે... તમે ભૂલો છો ભક્તો, યાદ કરો શ્રીજીમહારાજે છેલ્લાના સત્તરમાં વચનામૃતમાં ભરતજીના દૃષ્ટાંતને ચમત્કારી કેમ કહ્યું છે ! ભરતજી જીવનમુક્ત હતા તો પણ પ્રારબ્ધવશ મૃગનો દેહ આવ્યો. જગતનો ઇતિહાસ તપાસો. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને રાજા રંતિદેવ જેવાને પ્રારબ્ધવશ કેવા દુઃખ ભોગવવા પડ્યા? આપણાં માટે તો શ્રીજીમહારાજની મરજી એ જ આપણું પ્રારબ્ધ છે. મહારાજની મરજીથી જીવનમાં જે સુખદુઃખ આવે તે ભોગવી લેવા, એને દુર કરવા માટે મહારાજને પ્રાર્થના ન કરવી. ભગત અને જગતમાં આ એક ઊડીને આંખે વળગે એવો ફરક છે. ભગત ભગવાનની ઇચ્છાથી જીવનમાં જે દુઃખો આવે તેને હસતા મોઢે સહન કરે છે, જ્યારે જગતના વાસનિક જીવો રડતા રડતા ક-મને દુઃખની પીડાને વેઠે છે. સહન તો બધાએ જ કરવું પડે છે, પણ કોણ કેવી રીતે દુઃખનો સામનો કરે છે એ ઉપરથી એની યોગ્યતા સિદ્ધ થાય છે.’

થોડીવાર અટકીને સ્વામીએ ફરી પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું : ‘મારા વ્હાલાં હરિભક્તો, હવે મુખ્ય મુદ્દાની વાત કહું છું તેને ગણીને ગાંઠે બાંધો. જે ભક્તો જીવનમાં માત્ર પંચ વિષયના સુખો જ ઇચ્છે છે તેમના ઉપર ક્યારેય ભગવાનની પ્રસન્નતા થતી નથી. મહારાજની મરજીથી જીવનમાં જે તડકો - છાંયડો આવે તેને પ્રભુની પ્રસાદી માનીને ગ્રહણ કરો, આદરપૂર્વક એને અપનાવો. એનાથી ક્યારેય દુર ન ભાગો. દુઃખથી દુર ભાગવું એ તો કાયર ભક્તિ છે. આપણે તો સહજાનંદી સિંહ - શૂરવીર નરબંકા છીએ. અને સંતો, તમે પણ સાંભળો... માત્ર ભગવા વસ્ત્રો પહેરી કીર્તન કરવાથી આપણે મુક્ત નથી બની જતા. મને તો તમારા બધાની વાતો સાંભળીને અચંબો થાય છે ! ભગવાનના દુઃખરૂપી પ્રસાદનો અનાદર કરીને પોતાને ભગવાનના ભક્ત કહેવડાવવું એ તો ભગવાનને છેતરવા બરાબર છે.’

સ્વામીની આવી મર્મસ્પર્શી ચોટદાર વાતો સાંભળીને સર્વે સંત હરિભક્તો તેમના ચરણોમાં લોટી પડ્યા. સહુએ એકીસ્વરે સ્વામીને પ્રાર્થના કરી : ‘સ્વામી, આજે આપે અમારી અંતરની આંખો (Insight) ખોલી નાંખી અમને સાચા અર્થમાં સત્સંગી બનાવ્યા છે. આપે આજે અમને જે જ્ઞાન આપ્યું તેને એક કીર્તનના, રૂપમાં જો ગુંથી આપો તો નિત્ય એ વાર્તાનું શ્રવણ - મનન થાય.’

હરિભક્તોની આગ્રહભરી વિનંતીને સ્વીકારીને સદ્‌ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શીઘ્ર એક હિન્દી કાવ્યની રચના કરી તેને આશાવરી રાગની બંદિશમાં ગાઈને સભામાં સંભળાવ્યું :

‘ક્યૂં પાયે ઘર દૂર, બંદે ! ક્યૂં પાયે ઘર દૂર,

કાયર ભક્તિ કામ ન આવે ! હો તું અબ નર સુર.’

કાવ્યકૃતિ :

ક્યૂં પાયે ઘર દૂર, બંદે ! ક્યૂં પાયે ઘર દૂર;

કાયર ભક્તિ કામ ન આવે ! હો તુ અબ નર સુર. બંદે. ટેક.

મીરાં મોરધ્વજ તજી મમતા, હરિસે રહે હજુર;

ભૂપતિ ગોપીચંદ ભરથરી, તન-ધન જાને ધુર. બંદે. (૧)

શેખ ફરિદ કૂવા બીચ લટકે, શૂલી ચડે મનસૂર;

શહેર બિલાખ સહિત બાજંદે, તજી સોલસે હુર. બંદે. (૨)

સમસ્ત તબરે જેને સિરકી ચમડી, ખેંચ દઈ જીન દૂર;

તનસુખ ચાહે રામ રીઝાયે, એતો બાત હૈં કુર. બંદે. (૩)

બહાના બનાયે સાખી પદ ગાયે, માનું ભક્તિ લઈ ભરપુર;

નિષ્કુળાનંદ એહી અચંબા, હરિકુ ધૂતત ભુર. બંદે. (૪)

આસ્વાદ :

સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું પ્રસ્તુત હિન્દીપદ વૈરાગ્યમૂલક ઉપદેશનું દ્યોતક છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત સિધ્ધાંતોમાંવૈરાગ્યનું એક આગવું સ્થાન છે. ડૉ. યૂથી લખે છે : Vairagya is a very important and essential part of Swaminarayan’s teachings.

‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી’ એ અમર કવિતાના પ્રાણવાન પુરસ્કર્તા સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીને સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે વૈરાગ્યમૂર્તિનું બિરુદ આપ્યું હતું. નિષ્કુળાનંદ એમના પદોમાં દૃઢતા, શ્રદ્ધા અને ત્યાગને જ ભક્તિ કહે છે.

કાવ્યનો ઉપાડ આકર્ષક છે. ધ્રુવ પંક્તિમાં જ કવિ રૂપક રચીને તથા કથનનું પુનરાવર્તન કરીને એને વધુ ચોટદાર અને વેધક બનાવે છે. કવિએ મુમુક્ષુ ભક્તને બંદે ! તરીકે સંબોધી એને ટપાર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયને અભિમત અક્ષરધામ એ જ આત્યંતિક કલ્યાણ પછી સર્વે મુક્તાત્માઓનું ઘર યાને આખરી વિરામસ્થાન (મંઝિલ) છે. પરંતુ જે શૂરવીર ભક્તોએ શિર સાટે ભગવાનને ભજ્યા હોય છે એને જ અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. નિષ્કુળાનંદ ઉપાલંભના સૂરમાં મોક્ષાર્થી ભક્તની સામે એક ધ્રુવપ્રશ્ન મૂકે છે : હે ભક્ત! તેં તારી જાતને તારી મંઝિલથી - અક્ષરધામરૂપી તારા ઘરથી આટલી બધી દૂર - આટલી બધી અળગી કેમ કરી દીધી છે?

સવાલની વેધકતા અને એના કથન પાછળનો કટાક્ષ હજી ઓસરે એ પહેલાં જ કવિ એનું સમાધાન આપતા કહે છેઃ ‘કાયર ભક્તિ કામ ન આવે, હો તુ અબ નર સુર.’ કવિના ધ્રુવપ્રશ્નનો જવાબ પણ આમાં છે અને સાથે સાથે પ્રેમાળ પ્રોત્સાહન પણ.

અહીં કવિ પ્રીતમદાસની ખ્યાતનામ કાવ્યપંક્તિ યાદ આવે છે :

‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો.

પરથમ પહેલાં મસ્તક મૂકી, વળતું લેવું નામ જો.’

આત્યંતિક કલ્યાણનો માર્ગ એ વીરોનો માર્ગ છે. એમાં કાચાપોચાનું કામ નથી. પરંતુ પ્રગટ પુરુષોત્તમનારાયણની પ્રાપ્તિ થયા પછી હવે તો તું સહજાનંદી સિંહ છે, તારી જાતને હવે તું નબળો ન માન. જગતના વાસનિક જીવોની સાથે રહીને તું તારી સાચી ઓળખ ભૂલી ગયો છે, માટે હવે અજ્ઞાનતાની એ ભ્રામક જાળને ભેદીને તું તારા આત્મબળને જાગૃત કર!

કવિએ પોતાના કથ્યને વધુ ઉજાગર કરવા માટે પુરાણ અને કુરાનમાંથી અનેક પ્રેરણાદાયી દૃષ્ટાંતો આપ્યા છે. મેવાડની મીરાંએ પોતાની કૃષ્ણભક્તિને કેટકેટલાં કષ્ટો વેઠીને પણ અખંડ પ્રજ્વલિત રાખી હતી. શ્રીકૃષ્ણના પરમ ભક્ત રાજા મોરધ્વજની કસોટી કરવા માટે સ્વયં શ્રીકૃષ્ણ અર્જુનની સાથે તેની પાસે ગયા હતા. શ્રીકૃષ્ણનો આદેશ થતાં મોરધ્વજ પોતાના મસ્તક ઉપર કરવત મૂકાવવા તૈયાર થઈ ગયો હતો.

આ જગતમાં જેણે જેણે પણ હરિનો મારગ લીધો છે તેણે માથે કફન બાંધીને હંમેશાં કેસરિયા કર્યા છે! એ શૂરવીર નરબંકાઓ ક્યારેય રણમેદાનમાંથી પીઠ દેખાડીને ભાગ્યા નથી.

ગોપીચંદ બંગાળમાં આવેલ રંગપુરનો રાજા હતો. તે ભર્તૃહરિની બહેન મેનાવતી અને રાજા ત્રિલોકચંદ્રનોપુત્ર હતો. તેણે પોતાની માતા મેનાવતીના ઉપદેશથી રાજપાટ છોડી સંન્યાસ લીધો હતો. તે જલંધરનાથનો શિષ્ય હતો અને ત્યાગી થયા પછી તેણે પોતાની પત્ની પાઠમદેવી પાસે મહેલમાં જઈ ભિક્ષા માગી હતી. ભર્તૃહરિ ઉજ્જયિનીનો સુપ્રસિદ્ધ રાજા હતો. પોતાની પ્રિય પત્ની પિંગળાને પોતાના અશ્વપાલ સાથે પ્રેમ કરતી જાણીને તેને તીવ્ર વૈરાગ્ય પ્રગટ્યો હોવાથી તેણે રાજપાટ છોડીને ભેખ લીધો હતો.

જગતનો ઇતિહાસ તપાસતાં એમ જોવા મળે છે કે મોટા મોટા રાજા-મહારાજા અને બાદશાહો પણ વૈરાગ્યને લીધે ત્યાગી બનીને મોક્ષના માર્ગે ચાલ્યા છે. શેખ ફરિદ અને મનસૂર સૂફી સંતો હતા. પરવરદિગારના એ નેક બંદાઓએ ખુદાને માશૂક માનીને બેઇન્તહા મહોબ્બત કરતા કરતા મોતને વ્હાલું કર્યું હતું.

મનસૂર નવમી સદીમાં ઇરાકના બેજાનગરમાં હુસેનહલ્લાજ નામના મુસલમાનને ત્યાં જન્મ્યો હતો. બર્ફ નામના પહાડ ઉપર ખુદાએ મનસૂરને પોતાનો ગેબી પૈગામ આપ્યો હતો કે ખુદાતાલા પ્રત્યેની બેપનાહ મહોબ્બત એજ ખુદાની ખરી ઈબાદત છે. એ પછી અલ્લાહનો ઈલમી કરિશ્મા મનસૂરની રગેરગમાં એવો તો વ્યાપી ગયો કે તે અહોનિશ અનલહકનો પોકાર કરવા લાગ્યો. અનલહક એ ફારસી શબ્દ છે એનો અર્થ ‘અહં બ્રહ્માસ્મિ’ અર્થાત્‌ ‘હું ખુદા છું’ એવો થાય છે. ઈસ્લામના સિદ્ધાંત મુતાબિક અલ્લાહ એક જ છે અને બીજું કોઈ અલ્લાહ બની નથી શકતું. પરિણામે બગદાદના ખલીફા મક્તદિરે મનસૂરને ઈસ્લામ વિરોધી સમજીને કેદખાનામાં નાંખ્યો. જેલમાં ખલીફા મનસૂરને સમજાવવા જાય છે કે તું અનલહકની તારી જિદ્દ છોડી દે, નહીં તો તને ફાંસી આપવામાં આવશે.

ત્યારે મનસૂર ખલીફાને કહે છેઃ

મુઝે ઉઠાને આયા હૈ વાઈઝ-એ-નાદાં?

જો ઉઠા સકે તો મેરા સાગર-એ-શરાબ ઉઠા ।

કહીં સે બર્ફ બિજલી ચમકતી હૈ દેખ વાઈજ,

મૈં મેરા જામ ઉઠાતા હૂઁ તૂં તેરી કિતાબ ઉઠા ।।

મનસૂરનો આ મર્મી શેર સમજવા જેવો છે. ‘હે નાદાન ધર્મ ઉપદેશક, તું મને સમજાવવા આવ્યો છે? જો તું ખરેખર મને સમજવા માગતો હોય તો પહેલાં ખુદા પ્રત્યેની મારી મહોબતને સમજ, મારા ભક્તિના કેફને સમજ. બર્ફ નામના પહાડ ઉપર ખુદાએ જ્યારે મને આ પ્યાર-મહોબતનો પૈગામ આપ્યો, ત્યારે ખુદાઈ નૂરથી એ પહાડ ઉપર વિજળી પડી અને પહાડ ભસ્મીભૂત થઈ ગયો હતો. હે ધર્માંધ ખલીફા, એ પૈગામ તું યાદ કર. છતાં પણ મારી વાત તારા પલ્લે ન પડતી હોય તો મને મારા હાલ ઉપર છોડી દે. હું તો અનલહકના નાદ સાથે જ ભક્તિના નશામાં અલ્લાહનો પ્યારો થઈશ, તું તારા કિતાબી તથા કથિત જ્ઞાનનો ભાર લઈને ફર.’

મનસૂર પરમાત્માનું પરમસાધર્મ્ય પામેલો ફરિસ્તો હતો, એ ખુદાના નામે ખુશી ખુશી શૂળી ઉપર ચડી ગયો.

બલ્ખ બુખારાના બાદશાહ બાજંદની જાહોજલાલીનો પાર નહોતો. એના હરમમાં સોળસો રાણીઓ હતી. પરદેશ જવું હોય તો એના રસોડાનો સામાન ત્રણસો ઊંટો ઉપર જતો. આવા ભોગવિલાસી બાજંદનું માનીતું એક ઊંટ એકવાર અચાનક મરી જતા બાજંદને ગૌતમ બુદ્ધની જેમ વૈરાગ્ય સાંપડ્યો અને એ પોતાનો સઘળો વૈભવ છોડીને ફકીર બની ગયો.

આ બધા રજોગુણી રાજાઓ જે રાતદિવસ મોજશોખમાં મગ્ન રહેતા એમના માટે એશોઆરામની જિંદગી છોડવી એ તો જીવતે જીવ ચામડી ઉતરડી નાંખવા જેવું કષ્ટદાયક હતું, પરંતુ જ્યારે વૈરાગ્યે એમનું ગળું ઝાલ્યું ત્યારે એ ત્યાગ શક્ય બન્યો. પંચ વિષયના દેહસુખ ભોગવવા અને ભગવાનની પ્રસન્નતા પણ પ્રાપ્ત કરવી આ બે વાત એકસાથે ક્યારેય શક્ય નથી. ભગવાનની કૃપા (Grace) જોઈતી હોય તો દેહના સુખોનો ત્યાગ કરી પરમાત્માની ઇચ્છાથી જીવનમાં જે દુઃખો આવે તેને સહર્ષ સ્વીકારવા.

કવિ બાલશંકરે ખૂબ જ સુંદર વાત કરી છે :

‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે;

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.’

અંતિમ અંતરામાં કવિ આજના તથાકથિત સાધુઓ અને વિદ્વાનો તરફ લાલબત્તી ધરતા કહે છે : ભગવા વસ્ત્રોનું બહાનું બનાવી મુખેથી કાવ્ય-કીર્તનના પદો ગાવાથી કોઈ સંત નથી બની જતું. નિષ્કુળાનંદ અંતે આક્રોશપૂર્વક આલાપે છે કે મને તો આવા ધતિંગ જોઈને અચંબો થાય છે કે આજે ઠગ ભગતો ભક્તિના આડંબર નીચે ભગવાનને છેતરવાની ધૃષ્ટતા કરે છે.

આજથી લગભગ પોણા બસો વરસ પહેલાં સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી આ હકીકત આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તેથી જ એક આધુનિક શાયરે લખ્યું છે -

‘મને એ જોઈને હસવું હજારો વાર આવે છે,

પ્રભુ ! તારા બનાવેલા આજે તને બનાવે છે!’