૨૦. પ્રગટ પુરુષોત્તમનો મહિમા, ધારો ને વિચારોજી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખનું એક ઉજ્જવલ પાનું, અસ્પૃશ્ય ગણાતી વણકર જ્ઞાતિમાં જન્મેલા ભક્તવર્ય શ્રી તેજાભગત અને તેમના અગ્રગણ્ય શિષ્ય ભક્તકવિ નારાયણદાસને બેશક ગણી શકાય.

ભગવાન શ્રી સ્વામિનારાયણ અનંત જીવોનું કલ્યાણ કરવા માટે જ્યારે આ લોકમાં પ્રગટ થયા ત્યારે તેમણે સ્ત્રી-પુરુષ, ઉંચનીચ કે ગરીબ-તવંગર એવા કોઈ ભેદભાવ ભાળ્યા વિના આત્યંતિક કલ્યાણનું સદાવ્રત ખોલી સર્વે જીવોને સુખિયા કર્યા હતા.

વડોદરા શહેરની ઉત્તર પાદરે આવેલું છાણી ગામ આમ તો બહુધા બ્રાહ્મણો અને પટેલોની વસ્તી માટે જાણીતું છે. પરંતુ ગામની બહાર આવેલા વણકર વાસમાં આશરે સો જેટલા વણકર જાતિના હરિજનોના ઘર છે. સંવત ૧૮૨૪માં છાણીની વણકર જ્ઞાતિમાં એક મહામુક્તનો જન્મ થયો. તેમનું નામ તેજાભગત હતું. તેજાભગત જન્મસિદ્ધ મુક્ત હતા. સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીના તેઓ અત્યંત કૃપાપાત્ર શિષ્ય હતા.

તેજાભગતે છાણીમાં પોતાની જ્ઞાતિના અનેક હરિજનોને સમાસ કરાવી શ્રીહરિના આશ્રિત કર્યા હતા. શ્રીજીમહારાજ જ્યારે વડતાલમાં રહી ગોમતી ગળાવતા હતા, ત્યારે તેજાભગત અને તેમના સત્સંગ મંડળે એ કાર્યમાં પોતાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સંવત ૧૮૮૨માં મહારાજા સયાજીરાવ (બીજા)ના આગ્રહભર્યા આમંત્રણને માન આપીને શ્રીજીમહારાજ વડોદરા પધાર્યા ત્યારે તેજાભગતે પોતાના સત્સંગમંડળ સાથે શ્રીજીમહારાજનું છાણીમાં ભાવભીનું સામૈયું કરી શ્રીહરિની અપ્રતિમ પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. એ પ્રસંગે શ્રીજીમહારાજે તેજાભગતને એમની એકોતેર પેઢી સહિત એમનું આત્યંતિક કલ્યાણ કરવાનું વરદાન આપ્યું હતું.

શ્રીજીમહારાજ જ્યારે જ્યારે વડતાલ પધારતા ત્યારે તેજાભગત તેમના સત્સંગમંડળ સાથે શ્રીહરિના દર્શન - સેવા - સમાગમ માટે તત્કાળ ત્યાં પહોંચી જતા. એકવાર વડતાલમાં શ્રીજીમહારાજ રામપ્રતાપભાઈના બંગલામાં સ્નાન કરવા બિરાજ્યા હતા, ત્યારે નાળ વાટે મહારાજનું સ્નાનોદક બહાર રસ્તા ઉપર પડતું હતું. એ વખતે તેજાભગત મંદિર સામેના ઓટલા ઉપર બેઠા હતા. તેમણે બ્રહ્મચારીને પૂછ્યુંઃ ‘આ પાણી ક્યાંથી આવે છે?’ બ્રહ્મચારીએ કહ્યુંઃ ‘એ તો શ્રીજીમહારાજ સ્નાન કરે છે તેનું પાણી પડે છે.’ આ સાંભળીને તેજાભગત બોલ્યા : ‘અરે... આ પાણી ન કહેવાય. આ તો સાક્ષાત્‌ ઉન્મત્ત ગંગા છે.’ એમ કહીને તેજાભગત દોડીને એ પ્રસાદીના જળમાં મહિમાસહ સ્નાન કરવા મંડ્યા. સાક્ષાત્‌ પુરુષોત્તમનારાયણના ચરણામૃતધારામાં સ્નાન કરવાની સાથે જ તેજાભગતને સહજ સમાધિદશા પ્રાપ્ત થઈ ગઈ. ત્યારપછી તો અવારનવાર એમને ઘણીવાર સમાધિ થતી. એટલું જ નહીં તેઓને એ પછી નિરાવરણ દૃષ્ટિ પણ પ્રાપ્ત થઈ ગઈ.

તેજાભગતે માત્ર છાણીમાં જ નહીં, આજુબાજુના નાના નાના ગામો જેવા કે પોઈચા, સાંકરદા, પીલોલ, ભાદરવા તથા વાસણા વગેરે ગામોમાં પણ સત્સંગનો ખૂબ પ્રચાર અને પ્રસાર કર્યો. તેજાભગત ૧૦૫ વરસનું આયુષ્ય ભોગવી સં. ૧૯૨૯માં અક્ષરધામ સિધાવ્યા.

તેજાભગતને અનેક શિષ્યો હતા, તે પૈકી તેમણે ભક્તકવિ નારાયણદાસ પ્રત્યે અનન્ય અનુરાગ હોવાથી તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા.

નારાયણદાસનો જન્મ સં. ૧૯૦૫માં ઉત્તરસંડામાં થયો હતો. તેમના પિતાનું નામ પૂંજાજી હતું. પૂંજાજીને બે પુત્રો હતા. નારાયણદાસ અને નરસિંહદાસ. પૂંજાજી ભગવાન સ્વામિનારાયણના અનન્ય ઉપાસક હતા, તેથી નારાયણદાસને સત્સંગના સંસ્કાર બાલ્યકાળથી જ અનાયાસે સાંપડ્યા હતા.

નારાયણદાસ પૂર્વના મોટા મુક્ત હતા. તેઓ કિશોરાવસ્થાથી જ અવારનવાર એકલા વડતાલ દર્શને જતા. ત્યાં તેમને છાણીના મહામુક્ત તેજાભગતનો પરિચય થયો. તેજીને તો ટકોર જ બસ છે, એ કહેવત મુજબ નારાયણદાસ તત્કાળ તેજાભગતના મંડળમાં જોડાઈ ગયા.

નારાયણદાસને તેમની ૨૪ વરસની ઉંમર સુધી તેજાભગતનો યોગ રહ્યો. નારાયણદાસ જન્મજાત સિદ્ધહસ્ત લોકકવિ હતા. તેમની રચનાઓ સીધી અંતરના ઊંડાણમાંથી પ્રગટતી હોવાથી સાંભળનારના હૈયામાં સોંસરી ઉતરી જતી. છતાં પણ પિંગળના વિશેષ જ્ઞાન માટે તેઓ અવારનવાર સંત કવિ જગદીશાનંદ બ્રહ્મચારી પાસે જતા. નારાયણદાસ છાણીના ભક્તોના આગ્રહને વશ થઈને સત્સંગના સમાસ અર્થે સં. ૧૯૭૬માં કાયમ માટે છાણી જઈને વસ્યા. ત્યાંના વણકર ભક્તોએ એક મકાન વેચાતું લઈ તેમને રહેવા આપ્યું હતું. તેઓ આજીવિકા અર્થે હાથવણાટનાં ધોતિયાં, ચાદર, ગજીયાં વગેરેની ફેરી કરીને વેચતા હતા.

તેજાભગતે છાણી અને એની આજુબાજુના ગામોમાં પ્રવર્તાવેલા સત્સંગને નારાયણદાસે નવપલ્લવિત કર્યો. તેઓ પ્રાતઃ કાળે બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠી સ્નાન-સંધ્યા પતાવી મંદિર જઈ આરતી-ધૂન-ભજન તથા કથાવાર્તા કરતા. નારાયણદાસના ઉપદેશને તેમના યોગમાં આવેલા વણકર ભક્તોએ પોતાના જીવનમાં સાંગોપાંગ ઉતારી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યે સહિત શ્રીહરિની નિષ્કામ પ્રેમલક્ષણાં ભક્તિને આત્મસાત્‌ કરી હતી.

નારાયણદાસ ઉત્તરાવસ્થામાં ઘરભંગ થયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેઓ આખો દિવસ સત્સંગની પ્રવૃત્તિમાં તથા કાવ્ય-રચના જેવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા. પરિણામે તેજાભગતના એક વંશજ દલસુખ નામના યુવાનને તેમની અંગત સેવામાં રાખવામાં આવ્યો. દલસુખ દિલ દઈને ભક્તકવિની સેવા કરતો, તેથી નારાયણદાસના અંતરમાં પણ દલસુખ પ્રત્યે પુત્રવત્‌ પ્રેમ પાંગર્યો હતો.

સં. ૧૯૯૧માં નારાયણદાસે દલસુખને બોલાવીને કહ્યુંઃ ‘૧૯૯૨ની શ્રાવણ સુદી જન્માષ્ટમીના દિવસે સાંજે પાંચ વાગે હું ધામમાં જઈશ.’ વરસ પછી એ દિવસ આવી પૂગતા નારાયણદાસ ધામમાં જવાની, તૈયારી રૂપે ધ્યાનમાં બેસી ગયા. જેમ સમય વીતવા લાગ્યો, તેમ એક પછી એક નાડી તૂટવા લાગી, શ્વાસ ચડવા લાગ્યો અને અંતિમ પળ નજીક આવી ગઈ. ત્યાં તો દલસુખને હૈયું હાથમાં ન રહ્યું. તેણે ‘દાદા... ઓ દાદા... તમે મને મૂકીને આમ ચાલ્યા ન જાઓ.’ એમ બરાડતો પોંક મૂકીને રડવા લાગ્યો. થોડીવારમાં નારાયણદાસ ફરી પાછા સચેત થયા. ભાનમાં આવી તેમણે દલસુખને કીધું : ‘દલસુખ, તેં આજે મને ધામમાં જતો અટકાવ્યો. ભરતજીને જેમ મૃગનું બચ્ચું નડ્યું તેમ આજે તું મને નડ્યો. હવે હું ૧૯૯૩માં અષાઢ સુદ ચોથના દિવસે સવારે નવ વાગે ધામમાં જઈશ.’ ઇતિહાસ સાક્ષી છે, નારાયણદાસ સં. ૧૯૯૩ના અષાઢ સુદ ચોથે સવારે નવ વાગે સ્વતંત્રપણે ધામમાં પધાર્યા.

તેમની અંતિમ યાત્રા છાણી ગામમાં નીકળી ત્યારે તેમનું શિષ્યમંડળ ઢોલક મંજિરા સાથે નારાયણદાસ રચિત ભક્તિબોધનું પદ ‘પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારોજી...’ ગાતું હતું. નારાયણદાસ રચિત કીર્તનોનુ પુસ્તક ‘ભક્તિપ્રકાશ’ સં. ૧૯૯૪માં પ્રકાશિત થયું હતું.

કાવ્યકૃતિ :

પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારોજી;

અહો ધન્ય આ હરિ ભજવાનો અવસર આવ્યો સારોજી.

મંગળ મૂર્તિ મોહનવરની અંતરમાં ઉતારોજી;

જાણપણારૂપ દરવાજે રહીને કામ ક્રોધને મારોજી.

સમજીને સત્સંગી થઈએ, લાભ અલૌકિક લેવાજી;

હરિકથા ને કીર્તન કરીએ, સદાય સુખના મેવાજી.

તન મન અંતર સ્વચ્છ કરીને, સાચા સેવક થઈએજી;

દાસ નારાયણ હરિ ભજીને, હરિ સમીપે જઈએજી.

આસ્વાદ :

પ્રસ્તુત બોધપ્રધાન પદમાં ભક્તકવિ નારાયણદાસ પ્રગટની ભક્તિનો મહિમા મર્મભરી વાણીમાં રજૂ કરે છે.

પદનો ઉપાડ અત્યંત આકર્ષક છે. પ્રગટ અને પ્રત્યક્ષ આ બે શબ્દોના અર્થઘટનમાં ભલભલા વિદ્વાનો પણ થાપ ખાઈ જાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ લોકમાં પ્રગટ નહોતા થયાં ત્યારે પણ મુમુક્ષુઓ તો ભગવાન ભજતા જ હતાં, પરંતુ એ ભક્તિ પરમાત્માના પ્રતિનિધિ તરીકે આવેલા અવતારો, પેગમ્બરો તથા તીર્થંકરોની થતી અને એની ફળશ્રુતિ તરીકે થતી પ્રાપ્તિ પણ એ પ્રમાણેની જ રહેતી. ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૃથ્વી ઉપર પ્રાગટ્ય (સ્ીહૈકીજંટ્ઠર્ંૈહ) થયું એ પછી એમને ભજીને જે મુક્તો આત્યંતિક કલ્યાણ પામ્યા તેમની પ્રાપ્તિ સર્વોચ્ચ હતી. શ્રીજીમહારાજ અત્યારે મનુષ્યરૂપે પ્રત્યક્ષ નથી, પરંતુ પ્રગટ તો છે જ. મહારાજ અને મુક્ત એકવાર પ્રગટ થયા પછી સદાય પ્રગટ જ રહે છે, ક્યારેય અપ્રગટ થતા નથી. અનંત કોટિ બ્રહ્માંડોમાં ભગવાન માત્ર એક જ છે, અને એ ભગવાનનો એવો મહિમા છે કે મુક્ત ભગવાનને જેવા જાણે છે એવો તો એ પોતે ભગવાનના પ્રતાપે થાય છે, છતાં પણ ભગવાન તો તેના માટે અગાધ જ રહે છે. આમ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણનો મહિમા અપરંપાર છે! આપણે સૌ ધન્યભાગી છીએ કે આવા ભગવાનને ઓળખીને ભજવાના અવસરરૂપ સત્સંગ આપણને અનાયાસે સાંપડ્યો છે.

કવિ નારાયણદાસે પ્રત્યેક ચરણમાં ઉત્તમ વિચાર મૌક્તિકો ગૂંથ્યાં છે. દ્વિતીય ચરણમાં કવિ માણિગરની મંગલમૂર્તિને મનમાં ઉતારી આત્મસાત્‌ કરવાની લાખેણી સલાહ આપે છે. ધ્યાન અને ભક્તિ એ બંને સાધનમાં વિઘ્નરૂપ કામ ક્રોધ ઇત્યાદિ અંતઃ શત્રુઓને કવિ સાક્ષીભાવ યાને જાગરૂકતા (Awareness) દ્વારા નાથવાનું સૂચન કરે છે.

નારાયણદાસ એક જાગૃત કવિ છે. એમનો ઉપદેશ હૈયામાં આરપાર ઉતરી જાય એવો ચોટદાર છે, કારણ કે એમની વાણીની પાછળ એમના શુદ્ધ વર્તનનું પાણીદાર પીઠબળ છે. કવિ કહે છે - સત્સંગી થવું તો સમજીને થવું, કુટુંબમાં બાપદાદાથી સત્સંગ ચાલ્યો આવે છે એટલે આપણે સત્સંગી એમ લોલેલોલ ન કરવું. સ્વામિનારાયણ મંદિરમાં જે સત્સંગી થાય તેને જમવામાં દરરોજ લાડુ દાળભાત શાક મફત મળે છે એ પ્રલોભનથી પણ ઘણાં ગરીબો સત્સંગી બને છે. સાચો સત્સંગી એ છે જેને હંમેશાં હરિકથા અને કીર્તનભક્તિમાં જ સાચું સુખ મનાય છે અને એમાં જ એને આનંદ આવે છે.

સત્સંગના સાચા સેવક બનવા માટે તન અને મન એ બંને સ્વચ્છ, સ્વસ્થ અને તંદુરસ્ત હોવા અત્યંત આવશ્યક છે. પ્રત્યેક સત્સંગીનું અંતિમ ધ્યેય તો મહારાજની મૂર્તિ છે, એને પામવા માટે અહોનિશ શ્રીજીમહારાજની પ્રસન્નતાના સાધનરૂપ ધ્યાન-ભજન કરવા જોઈએ.

પદ અત્યંત પ્રાસાદિક અને સુગેય છે.