2. આપણે ચૈતન્યસ્વરૂપ પરમાત્મારૂપ છીએ
સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વેદાંતશાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર, ઉપનિષદો વગેરે સત્શાસ્ત્રોનો અભ્યાસ કરનારને હું દેહ નથી, પંચભૂતાત્મક શરીર નથી, પરંતુ ચૈતન્યસ્વરૂપ છું એવું શબ્દજ્ઞાન જરૂર થાય છે, પણ પોતાનાં શરીર સાથે જીવાત્માને એવો તો ગાઢ સંબંધ થઈ ગયેલો છે ને તેનું એટલું બધું સાતત્ય છે કે તે જ્ઞાન સર્વ પ્રસંગે ઉપસ્થિત રહી શકતું નથી. દેહાત્મબુદ્ધિ સાથે, અહંકારની ગ્રંથિ સાથે જીવાત્મા એટલો બધો સેળભેળ થઈ ગયેલો છે કે તેને પોતે આ બધાથી પૃથક છે એવી પ્રતીતિ નથી આવી શકતી. એનું મુખ્ય કારણ એ છે કે આપણે અનંતકાળથી શરીરમાં 'હું'પણાની ક્ષુદ્ર ભાવના સાથે તાદાત્મ્ય સાધી કેવળ બાહ્યવૃત્તિમાં જ જીવ્યા છીએ.
આપણા અંતઃકરણનું કોઈક શાંત પળોમાં અંર્તદૃષ્ટિ દ્વારા નિરીક્ષણ કરીશું તો જણાઈ આવશે કે આપણું મનન-ચિંતન જગતના ભૌતિક સંબંધો અને વિવિધ પદાર્થોમાં તથા શબ્દાદિ પંચવિષયની આસક્તિમાં ને રાગ-દ્વેષની અનંત પ્રકારની વૃત્તિઓમાં થયા કરતું હોય છે. આપણો ચૈતન્ય વસ્તુગતે આ કોઈ પણ વસ્તુ સાથે સંબંધ ધરાવતો નથી. આત્મા પોતે દિવ્ય ચૈતન્ય શક્તિ છે. તે શુદ્ધ હોવા છતાં વિવિધ પ્રકારની ગ્રંથિઓ અને વૃત્તિઓ સાથે તેનું તાદાત્મ્ય સધાતાં તે પોતાને એ બધાં વળગણોમાં બંધાયેલો અનુભવે છે.
સાંખ્યજ્ઞાને કરીને જ્યાં સુધી આગળ જણાવેલ આત્મવિચારની સંપૂર્ણ દૃઢતા ન થાય અને એ વિચારનું દરેક ક્રિયામાં, દરેક અવસ્થામાં જાગૃતિપૂર્વક અનુસંધાન, મનન નિદિધ્યાસન ન થાય, ત્યાં સુધી શાસ્ત્રોના શબ્દજ્ઞાનથી અર્થાત્ વાચ્યાર્થજ્ઞાનથી ખાસ કોઈ હેતુ સરતો નથી.
સાંખ્ય વિચાર :
હું શાશ્વતકાળથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ છું. દેહ, ઇંદ્રિયો, અંતઃકરણ, અવસ્થાઓ સાથે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ ક્યારેય હતો નહિ, છે નહિ અને હશે પણ નહિ.
હું સદાય અચ્છેદ્ય, અભેદ્ય, અજર, અમર, અચ્યૂત, અખંડ, અવિનાશી, નિર્વિકારી, નિરંજન, અપરિવર્તનશીલ, શાશ્વત, સત્સ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ ને આનંદસ્વરૂપ છું. ભૌતિક પરમાણું જગતના ગુણધર્મોથી મારા આત્મસ્વરૂપના ગુણધર્મો તદ્દન ભિન્ન છે.
પંચભૂત : પૃથ્વી, જળ, તેજ, વાયુ, ને આકાશ
પંચજ્ઞાનેન્દ્રિયો : શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ
પંચકર્મેન્દ્રિયો : વાક્, પાણિ, પાદ, પાયુ ને ઉપસ્થ
ચાર અંતઃકરણ : મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર
પંચવિષય કે પંચતન્માત્રા : શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ તથા
દશ પ્રાણ : પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન તથા કૂર્મ, ધનંજય, કૃકલ, નાગ ને દેવદત્ત
તથા દશ ઇંદ્રિયો અને ચાર અંતઃકરણ એમ ચૌદ ઇંદ્રિયોના દેવતાઓ ને ગોલકથી હું પર છું. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ (ઐશ્વર્યના રાગરૂપ)એ ચાર દેહથી પર છું. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે અવસ્થાઓથી પર છું. કાળ, કર્મ, માયા તથા માયાના સત્ત્વ, રજસ, તમસ, ગુણોથી પર તથા માયાના વિકારોથી પર છું. ભૂખ, તરસ, નિદ્રા, શોક, મોહ, જન્મ, જરા, મૃત્યુ વગેરે ઊર્મિઓથી પર છું. આહાર, નિદ્રા, ભય ને મૈથુન એ પ્રાણી સહજવૃત્તિઓથી પર છું. સત-અસત, શુભ-અશુભ, હર્ષ-શોક, સુખ-દુઃખ, લાભ-હાનિ, પ્રિય-અપ્રિય, માન-અપમાન, અનુકૂળ-પ્રતિકૂળ, શીત-ઉષ્ણ, ભય-અભય, રાગ-દ્વેષ વગેરે દ્વંદ્વોથી પર છું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માન, ઈર્ષા, દંભ, કપટ, સ્વાર્થ, નિંદા, પ્રમાદ, આશા, તૃષ્ણા, વાસના વગેરે અંતરદોષો ને વિકારોથી અલિપ્ત છું. લિંગ, જાતિ, વર્ણ, આશ્રમ ને ઊંચ-નીચના ભેદથી પર છું. સદા સર્વદા પરમાત્મા સાથે તદાકાર, તદ્રૂપ, તલ્લિન છું. પરમાત્મારૂપ, પુરુષોત્તમરૂપ છું. પરમાત્માનાં દિવ્યસ્વરૂપમાં એકાકાર લીન રહી તે સંબંધી શાશ્વત, દિવ્ય, અવર્ણનીય, અલૌકિક, શાંતિ-સુખનો ભોક્તા છું. સદા પરમાત્મારૂપ, કૈવલ્યમુક્તની સ્થિતિમાં જ છું. અનાદિ નિત્યમુક્ત જ છું.
આ સાંખ્યવિચારનું સદા સર્વદા દરેક ક્રિયામાં ખાતાં-પીતાં, હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં, શુભ ક્રિયામાં તેમજ અશુભ ક્રિયામાં જાગૃતિપૂર્વક મનન કરવાથી, અનુસંધાન રાખવાથી હું ચૈતન્યસ્વરૂપ છું, પરમાત્માના અનુગ્રહથી પરમાત્મારૂપ છું, મારે વિશે સર્વકર્તાપણું એક પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું જ છે, એવી સાક્ષાત્કાર અનુભૂતિ થાય છે તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા સદાય ધૈર્યપૂર્વકનો પુરુષપ્રયત્ન કરવો જોઈએ. એ અપરોક્ષ અનુભવ થયા પછી પણ તે અલૌકિક સ્થિતિમાં અખંડ ટકી રહેવાય તે માટે પણ સતત જાગૃત રહેવું આવશ્યક છે.
'આજે મારી તબિયત સારી નથી. શરીરમાં ખૂબ કળતર થાય છે. બહુ કામના બોજાથી ને જવાબદારીઓથી હું તો થાકી ગયો છું, કંટાળી ગયો છું. હવે મારે આરામની ખૂબ જરૂર છે. આ કામ ઘણું મુશ્કેલ છે. એ કામ કરવું મને નહિ ફાવે, મારે માટે તે અશક્ય છે. ચિંતાઓમાં ને વિચારોમાં આજે તો મારું મગજ ફરી ગયું છે. મને આખી રાત ઊંઘ જ નથી આવી. આજે ફલાણો મારે વિશે કેવું ખરાબ બોલતો હતો? હું હવે તેને જોઈ લઈશ. આ ધન-દૌલત, કારખાનાંઓ, આ મકાન, વાહનો બધું મારું છે. એ મારી મહેનતનું જ પરિણામ છે. અનેક લોકોને મારી સલાહ લીધા સિવાય ચાલતું નથી. મારા જેવું જ્ઞાની, સમજુ બીજું કોણ છે? મારા જેવું શક્તિશાળી કોણ છે? આવી નાજુક પરિસ્થિતિમાં મારી જગ્યાએ કોઈ બીજો હોત તો એ ક્યારનો ખલાસ થઈ ગયો હોત. એ તો હું જ બધું સહન કરી શકું. એવા નીચા પ્રકારનું કામ આપણને ન ફાવે. આપણા ખાનદાનને એવું નાનું કામ ન શોભે.' વગેરે વગેરે.
આવાં અનેક પ્રકારનાં વચનો જે દેહભાવયુક્ત ને અહંકારયુક્ત હોય છે, તેવાં વચનો દિવસ દરમ્યાન વારંવાર આપણે બોલતા હોઈએ છીએ. આપણે આ વાતને ગૌણ ગણતાં હોઈએ છીએ, પરંતુ આ પ્રકારનાં પ્રત્યેક વચનો સૂચનોરૂપે આપણા અજાગૃત મનમાં sub-conscious mind માં અજાણપણે પ્રવેશીને આપણા અજ્ઞાનના થરને વધુ ને વધુ મજબૂત બનાવે છે. એનું આપણને ભાન હોતું નથી. આ પ્રકારનાં વચનો જ આપણે ચૈતન્યસ્વરૂપ છીએ એ વાતનું વિસ્મરણ કરાવે છે. તે આંતરદોષોને તથા નબળાઈઓને પોષણ આપે છે, જે આપણા ખુદને માટે અત્યંત હાનિકર્તા છે. આવાં વચનોથી દેહાભિમાનને પોષણ મળે છે. તેથી દેહ સાથેનું આપણું વળગણ-આસક્તિ વધુ ને વધુ સંગીન બને છે. વારંવાર આવી દેહભાવ જગાવતી ભાવના આપણા સાચા સ્વરૂપથી આપણને વિમુખ રાખે છે. પરમાત્મા સાથે આપણા ચૈતન્યનું તાદાત્મ્ય સાધવા માટે એ ખૂબ જ વિઘ્નકર્તા છે.
સત્પુરુષના સમાગમ વખતે, સત્શાસ્ત્રોનાં અધ્યયન સમયે તથા જપ-ધ્યાન-ચિંતન વગેરેની ક્રિયાઓ વખતે જ માત્ર 'હું ચૈતન્યસ્વરૂપ છું, પરમાત્મારૂપ છું, કૈવલ્યમુક્ત છું' એવું ચિંતન કરવાનું છે અને અન્ય સમયે દેહભાવેયુક્ત વર્તવાનું છે એમ છે જ નહિ. આ પ્રકારની ક્રિયા તો સો રૂપિયા કમાણી કરીને બસો રૂપિયા ગુમાવવા જેવી છે. એથી વ્યક્તિ ધનવાન શી રીતે બની શકે? તેમજ સંયમ સમયે આત્મા પરમાત્માનું ચિંતન કરનાર વ્યવહાર સમયે દેહાત્મબુદ્ધિએ યુક્ત, દેહભાવયુક્ત વર્તે તો ધ્યેય સિદ્ધ ન કરી શકે.
સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એમની શ્રીમુખવાણી વચનામૃતમાં જણાવે છે :
"એમ ચોખ્ખું સમજે જે, 'હું સચ્ચિદાનંદ સ્વરૂપ જે આત્મા તે મારા જેવો ગુણ દેહને વિશે એકેય આવતો નથી. અને જડ, દુઃખ ને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિશે એકેય આવતો નથી.' એવી વિક્તિને સમજીને ને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્યરૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતવન કરે. એવો જે જડ ચૈતન્યનો વિવેક તેને દૃઢ વિવેક જાણવો. અને ઘડીક પોતાને આત્મારૂપ માને અને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એને ગોબરો જાણવો. માટે એના અંતરમાં સુખ ન આવે. જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય ને તેમાં થોડુંક ઝેર નાખ્યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય, સામું દુઃખદાયી થાય છે. તેમ આઠે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું (પંચવિષયનું) ચિંતવન કરે, એટલે એનો સર્વ વિચાર ધૂળમાં મળી જાય છે. માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો."
(વચ. સા. પ્ર. 4)
આ રીતે પરમાત્મા, સત્પુરુષો તથા સત્શાસ્ત્રો તો આપણને અનેક વચનોથી આપણા ચૈતન્યસ્વરૂપનું ભાન કરાવે છે અને તેનું સતત અનુસંધાન રાખવા માટે બોધ કરે છે, પરંતુ આપણે પ્રમાદને લઈને પ્રયત્નશીલ ન રહેતાં દેહભાવથી મુક્ત થઈ શકતા નથી.
શરીરમાં કોઈ રોગ કે મંદવાડ જેવું જણાય ત્યારે એવો વિચાર કરવો કે હું ચૈતન્યસ્વરૂપ છું, પરમાત્મારૂપ છું, પુરુષોત્તમરૂપ છું. પરમાત્માને કોઈ રોગ કે મંદવાડ સંભવે જ નહિ, તેથી મને પણ તે સ્પર્શી શકે નહિ. કોઈક વ્યાવહારિક પ્રસંગે અપમાન, અપજશ કે નિંદા-ટીકા જેવું થાય ત્યારે એમ વિચારવું કે પરમાત્માને આમાનું કંઈ સ્પર્શી શકતું નથી અને હું પરમાત્મારૂપ હોવાથી મને પણ તે કંઈ સ્પર્શતું નથી. આ પ્રકારનો વિચાર દૃઢ થાય ત્યારે ગમે તે પરિસ્થિતિમાં વ્યક્તિ સ્થિર ને સ્થિતપ્રજ્ઞ રહી શકે છે. હું ચૈતન્યસ્વરૂપ, પરમાત્મારૂપ છું એ ભાવની વધુ ને વધુ દૃઢતા પણ થતી રહે છે. એ ભાવની દૃઢતા પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે એ ભાવની અપરોક્ષાનુભૂતિ અર્થાત્ સાક્ષાત્કારની સ્થિતિ અનુભવાય છે.
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥
બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા (ઇચ્છા) કરતો નથી અને સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો મારી પરમભક્તિને પામે છે.
(શ્રીમદ્ ભગવદ્ગીતા અ.18, શ્લો. 54)
એવા પરબ્રહ્મના ભાવને પામેલો મનુષ્ય પ્રસન્નચિત્ત અને સ્થિતપ્રજ્ઞ રહે છે.
ગ્રીસ દેશના વિદ્વાન તત્ત્વજ્ઞ સૉક્રેટિસને એની કેદની સજા દરમ્યાન તેને જેલમાં ઝેરનો પ્યાલો પાવામાં આવેલો. તે ઝેરની અસરથી મૃત્યુનાં ચિહ્નો જણાવા લાગતાં, ત્યાં હાજર રહેલા તેના શિષ્ય ક્રિટોએ તેને પૂછ્યું, 'આપના મૃત્યુ બાદ અમે આપને ક્યાં દફનાવીએ?' જવાબમાં મૃત્યુને આરે ઊભેલા સૉક્રેટિસે કહ્યું, 'મને તમે ક્યાં દફનાવશો? મને જો તમે પકડી શકો તેમ હો તો પછી તમને ફાવે ત્યાં દફનાવજો! શું મેં તમને અનેક વાર નથી કહ્યું કે આ શરીર એ સૉક્રેટિસ નથી!'
વહાલા મિત્રો! આ ક્ષુલ્લક દેહભાવમાંથી અહંભાવની વૃત્તિ ઉખાડી આત્મામાં સ્થાપી પરમાત્માનું ચિંતન કરી પરમાત્મારૂપ થવાનો અભ્યાસ અસ્ખલિતપણે કરવો જોઈએ. 'પ્રભુએ તથા મુક્તપુરુષે કૃપા કરીને મારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને પ્રભુના દિવ્યસ્વરૂપમાં અખંડ રાખ્યો છે.' આ જીવનમંત્રનું સતત સ્મરણ કરતાં રહેવું જોઈએ. પરમાત્માના સત્-ચિત્ત-આનંદ વગેરે ગુણધર્મો તથા અનેક કલ્યાણકારી ગુણોને નિરંતર પોતાના સ્વરૂપમાં ધાર્યા કરવામાં જ અનંત સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન, પ્રકાશ અને અગાધ સાર્મથ્યની ચાવી સમાયેલી છે.