4. જેવું દર્શન એવું સર્જન
'જેવું દર્શન એવું સર્જન' એ સિદ્ધાંત સત્ય છે. ઇચ્છેલા ફળની પ્રાપ્તિ કરવાની ચાવી આ અલ્પ સૂત્રમાં રહેલી છે. એ ચાવી જેને હસ્તગત છે અને તેનો ઉપયોગ કેમ કરવો, તે કળા જેને આવડે છે તે વ્યક્તિ સફળતા મેળવે છે. આ વિશ્વમાં તેને માટે અશક્ય, અસાધ્ય કે દુર્લભ જેવું કંઈ જ નથી રહેતું.
કોઈ પણ કાર્યસિદ્ધિ માટેના આ સૂત્રનું સ્વરૂપ એકાગ્ર ચિત્તે બરોબર ગ્રહણ કરી જીવનમાં આત્મસાત્ કરવામાં આવે તો સમગ્ર જીવન ધન્ય બની જાય. આ સૂત્ર વ્યાવહારિક તેમજ પારમાર્થિક, પ્રેય ને શ્રેય એ બંને માર્ગોમાં અત્યંત ઉપયોગી છે. આચરણમાં મૂકવાથી તેનો યથાર્થ અનુભવ થયા સિવાય રહેતો નથી.
પરમાર્થ - શ્રેયને માર્ગે પરમાત્માનાં દર્શન માટે આતુર એવો કોઈ મુમુક્ષુ સાધક પહેલાં પોતાના અંતરમાં તેને જોવાનો પ્રયત્ન કરે છે. સદગુરુએ દર્શાવેલ માર્ગ પ્રમાણે પ્રભુના સુંદર પ્રતિમા સ્વરૂપમાં જ્ઞાનપૂર્વક તે પ્રતિમામાંથી પ્રતિમાભાવ દૂર કરી, તેમાં પ્રત્યક્ષભાવ નિષ્પન્ન કરી, પોતાના અંતરમાં તેને પ્રેમ અને ભક્તિભાવથી ધારે છે. વિવિધ માનસોપચાર વડે તેની ભાવપૂજા, આરાધના, ઉપાસના કરે છે. ત્યારે પહેલાં તો એને કશું જણાતું નથી અથવા પોતાની ધારણા કરતાં કંઈક જુદા જ પ્રકારનો અનુભવ થાય છે. તેમ છતાં તે પોતાના પુરુષપ્રયત્નમાં અડગ શ્રદ્ધાથી મંડ્યો રહે છે. જે ધારેલા પ્રભુના સ્વરૂપને અંતઃકરણમાં નિહાળવાનો તે પ્રયત્ન કરે છે એ દર્શન નામની ક્રિયા છે. એ દર્શનની ક્રિયા હજી સર્વાંશે પૂર્ણ થઈ નથી. જોવાનો પ્રયત્ન ચાલ્યા કરે છે. જોવાનો પ્રયત્ન કરનાર સાધક જો તે પ્રયત્નને અધવચ્ચે છોડી ન દેતાં, ધૈર્યથી અને આગ્રહપૂર્વક અવિરતપણે તે પુરુષપ્રયત્ન ચાલુ રાખે છે. તો તે પોતાના લક્ષ્યને જરૂર સિદ્ધ કરી શકે છે. તેને પ્રભુકૃપાથી, પ્રભુનાં દર્શન પ્રથમ અંતઃકરણમાં ને ત્યાર બાદ પોતાના ચૈતન્યમાં સાક્ષાત્કાર થાય છે. ત્યાર બાદ તે પ્રભુના દિવ્યસ્વરૂપ સાથે તદ્રૂપ, એકાકાર બની, પ્રેમાદ્વૈત સાધી તે સ્વરૂપ સંબંધી અનિર્વાચ્ય શાશ્વત ને દિવ્ય સુખ, શાંતિ ને આનંદની અખંડ અનુભૂતિ કરે છે. એ જ્યાં જ્યાં દૃષ્ટિ કરે છે, ત્યાં ત્યાં તેને પરમબ્રહ્મ પરમાત્મા વિશ્વમાં સર્વત્ર વિલસી રહેલા જણાય છે. એ સાધકની દર્શનની ક્રિયા વાસ્તવિક સર્જનમાં પરિણમે છે. દર્શનની ક્રિયાનું પરિણામ સર્જનમાં અર્થાત્ ધારેલા ફળને નિષ્પન્ન કરવામાં થાય છે. એટલે જ અનુભવી જ્ઞાનીપુરુષો કહે છે : 'દર્શન એ જ સર્જન છે.'પરમાર્થ - શ્રેયને માર્ગે પરમાત્માનાં દર્શન માટે આતુર એવો કોઈ મુમુક્ષુ સાધક પહેલાં પોતાના અંતરમાં તેને જોવાનો પ્રયત્ન કરે છે. સદગુરુએ દર્શાવેલ માર્ગ પ્રમાણે પ્રભુના સુંદર પ્રતિમા સ્વરૂપમાં જ્ઞાનપૂર્વક તે પ્રતિમામાંથી પ્રતિમાભાવ દૂર કરી, તેમાં પ્રત્યક્ષભાવ નિષ્પન્ન કરી, પોતાના અંતરમાં તેને પ્રેમ અને ભક્તિભાવથી ધારે છે. વિવિધ માનસોપચાર વડે તેની ભાવપૂજા, આરાધના, ઉપાસના કરે છે. ત્યારે પહેલાં તો એને કશું જણાતું નથી અથવા પોતાની ધારણા કરતાં કંઈક જુદા જ પ્રકારનો અનુભવ થાય છે. તેમ છતાં તે પોતાના પુરુષપ્રયત્નમાં અડગ શ્રદ્ધાથી મંડ્યો રહે છે. જે ધારેલા પ્રભુના સ્વરૂપને અંતઃકરણમાં નિહાળવાનો તે પ્રયત્ન કરે છે એ દર્શન નામની ક્રિયા છે. એ દર્શનની ક્રિયા હજી સર્વાંશે પૂર્ણ થઈ નથી. જોવાનો પ્રયત્ન ચાલ્યા કરે છે. જોવાનો પ્રયત્ન કરનાર સાધક જો તે પ્રયત્નને અધવચ્ચે છોડી ન દેતાં, ધૈર્યથી અને આગ્રહપૂર્વક અવિરતપણે તે પુરુષપ્રયત્ન ચાલુ રાખે છે. તો તે પોતાના લક્ષ્યને જરૂર સિદ્ધ કરી શકે છે. તેને પ્રભુકૃપાથી, પ્રભુનાં દર્શન પ્રથમ અંતઃકરણમાં ને ત્યાર બાદ પોતાના ચૈતન્યમાં સાક્ષાત્કાર થાય છે. ત્યાર બાદ તે પ્રભુના દિવ્યસ્વરૂપ સાથે તદ્રૂપ, એકાકાર બની, પ્રેમાદ્વૈત સાધી તે સ્વરૂપ સંબંધી અનિર્વાચ્ય શાશ્વત ને દિવ્ય સુખ, શાંતિ ને આનંદની અખંડ અનુભૂતિ કરે છે. એ જ્યાં જ્યાં દૃષ્ટિ કરે છે, ત્યાં ત્યાં તેને પરમબ્રહ્મ પરમાત્મા વિશ્વમાં સર્વત્ર વિલસી રહેલા જણાય છે. એ સાધકની દર્શનની ક્રિયા વાસ્તવિક સર્જનમાં પરિણમે છે. દર્શનની ક્રિયાનું પરિણામ સર્જનમાં અર્થાત્ ધારેલા ફળને નિષ્પન્ન કરવામાં થાય છે. એટલે જ અનુભવી જ્ઞાનીપુરુષો કહે છે : 'દર્શન એ જ સર્જન છે.'
આ દર્શનની ક્રિયા ઉપર ઉપરની કેવળ છીછરી ન હોવી જોઈએ. એ દર્શનની ક્રિયા સાથે તેનું નિરંતર ચિંતન-મનન અને નિદિધ્યાસ ભળેલાં હોવા જોઈએ તો જ દર્શન વાસ્તવિક સર્જનમાં પરિણમે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રીમુખવાણી વચનામૃતમાં પણ શ્રવણ, મનન ને નિદિધ્યાસ અથવા દર્શન, મનન ને નિદિધ્યાસને આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થવામાં અત્યંત ઉપયોગી ને આવશ્યક ઉપકરણો ગણેલા છે.
'માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહિ તો આખી ઉંમર દર્શન-શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહિ.
(વચ. સા. પ્ર. 3)
પ્રભુના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવામાં જ આ વિધાન સત્ય છે અને અન્ય સ્થળે નથી, એમ નથી. જે સિદ્ધાંત સત્ય છે તે સદા, સર્વદા, સર્વત્ર સત્ય જ હોય છે. તેનો ઉપયોગ ગમે તે સમયે, ગમે તે સ્થળે કરવામાં આવે તે હંમેશાં સત્ય જ રહે છે.
વ્યાવહારિક કે પારમાર્થિક ફળની પ્રાપ્તિ થયેલી જ્યાં જ્યાં આપણે જોઈશું, ત્યાં ત્યાં આ સિદ્ધાંત જ પ્રવર્તેલો જોવામાં આવશે. વ્યવહારમાં માનસિક પ્રયત્નની સાથે શારીરિક પ્રયત્ન પણ હોય છે, જ્યારે પરમાર્થમાં મુખ્યત્વે માનસિક પ્રયત્ન હોય છે. એટલો જ ભેદ છે. પરંતુ વ્યાવહારિક - પ્રેય અને પારમાર્થિક - શ્રેય એ બંને પુરુષાર્થમાં દર્શનની ક્રિયામાં માનસિક પ્રયત્ન તો અવશ્ય હોય છે જ. એ પુરુષપ્રયત્ન પૂર્ણ થતાં ફળપ્રાપ્તિ અથવા સર્જન શક્ય બને છે.
ઉચ્ચ આદર્શ (Ideal)ને અથવા ઉચ્ચ અભિલાષાને નિરંતર મનમાં ધાર્યા કરવાં અને તેનું સતત મનન-ચિંતન કર્યા કરવું એ જ દર્શનની ક્રિયા છે. એમ ઘણા જ્ઞાનીઓ ને અનુભવીઓનું મંતવ્ય છે. તે વાસ્તવિક પણ છે. જે ઉચ્ચ ફળની આપણે પ્રાપ્તિ કરવી હોય તેનું જ મનન - રટણ - ચિંતન અંતરમાં સતત કર્યા કરવું એ જ તો દર્શનની પ્રક્રિયા છે. પ્રાપ્ત કરવા ધારેલું ઉચ્ચ ફળ અંર્તદૃષ્ટિથી જ્યારે નિઃસંશયપણે યથાર્થ અનુભવાય, ત્યારે બાહ્ય જગતમાં પણ આપણું ધારેલું ફળ આવિર્ભાવ પામેલું પ્રત્યક્ષ જણાય છે. જેને આપણે સ્વપ્ન સાકાર થયેલું માનીએ છીએ. દા.ત. કોઈ ચિત્રકાર કે શિલ્પકાર મનમાં પોતાની કલ્પનાશક્તિ દ્વારા કોઈ આકૃતિ ઉપસાવે છે ને ત્યારબાદ પોતાની પીંછી કે ટાંકણા દ્વારા બાહ્ય પદાર્થમાં તેનો આકાર રચે છે, ઘડે છે. લેખક પહેલાં મનમાં વિચારોનું આયોજન ઘડે છે, પછી પોતાની કલમ દ્વારા કાગળ ઉપર તેને અભિવ્યક્ત કરે છે. સંગીતકાર પણ કોઈ ધૂન કે બંદિશને પ્રથમ પોતાના મનમાં રચે છે, પછી તેને સ્વરબદ્ધ કરી બહાર તેને અભિવ્યક્ત કરે છે. આ બધી દર્શનની ક્રિયાઓ બાહ્ય જગતમાં સર્જનરૂપે પરિણમે છે.
જ્યારે ફળની પ્રાપ્તિનો મુખ્ય હેતુ દર્શનની ક્રિયા છે, તો પછી સુખરૂપ શુભ ફળને ઇચ્છનારે મનની દૃષ્ટિએ હંમેશાં સુખ, શાંતિ, આનંદ ને આરોગ્ય સિવાય નકારાત્મક બીજું કશું જ ન જોવું જોઈએ. આ વાત અહીં સહજપણે સ્પષ્ટ થાય છે.
જો વ્યક્તિ મનની દૃષ્ટિથી નિષ્ફળતા, નિર્ધનતા, દુઃખ, ભય, મુશ્કેલીઓ, આપત્તિઓ, નિર્બળતા, હતાશા વગેરે જોયા કરે, સતત ચિંતવ્યા કરે તો તેને તે તે અર્થની - ફળની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ એને જીવનમાં નિષ્ફળતા, નિર્ધનતા, દુઃખો, મુશ્કેલીઓ, આપત્તિઓ, ભય, હતાશા વગેરે જ મળ્યા કરે એ સ્વાભાવિક છે. આપણે મનની દૃષ્ટિથી આપણી જાતને લઘુતાગ્રંથિવાળા, અલ્પજ્ઞ, અશક્ત, વિકારો-દોષોથી ભરેલા માન્યા કરીએ, ચિંતવ્યા કરીએ તો આપણે પોતાને તથા જગતમાં બીજાને પણ તેવા પ્રકારના જોઈશું તેમાં આશ્ચર્ય જેવું કંઈ જ નથી, કારણ કે 'જેવું દર્શન એવું સર્જન છે.' જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. આપણે મનથી જેવું જોયા કર્યું છે, ચિંતવ્યા કર્યું છે, તેવું ફળ આપણને પ્રાપ્ત થયું છે. અને એવું ફળ મળવું પણ જોઈએ. કારણ કે કાર્ય હંમેશાં કારણ પ્રમાણે જ પ્રગટ થાય છે. Cause and effect ના નિયમ પ્રમાણે જેવું વાવીએ તેવું ઊગે છે. જેવું કરીએ તેવું પમાય છે.
પ્રેયમાર્ગમાં કે શ્રેયમાર્ગમાં નિષ્ફળતાના સ્વરૂપની રચના મનમાં ક્યારેય ન કરવી જોઈએ. જે કાર્યનો આરંભ કર્યો હોય તેમાં હંમેશાં જલવંત વિજય અને સફળતાનાં ચિહ્નો જ જાગૃતમાં ને સ્વપ્નમાં નિહાળ્યા કરવાં જોઈએ. સ્થૂળ જગતનું કારણ માનસ જગત છે. એમ સમજી મનોજગતની ઇમારતો ભવ્ય, દેદીપ્યમાન, સુખમય, શાંતિમય ને આનંદમય છે એ રીતે તેની રચના કરવી જોઈએ. માનસ જગતને આપણે જેટલું ભવ્ય અને સુંદર બનાવીશું, તેટલું જ બાહ્ય જગત - સ્થૂળ જગત ભવ્ય અને સુંદર બનાવવામાં આપણે સફળ થઈશું. માનસ જગતને અજ્ઞાનથી, રોકકળથી, હતાશા-નિરાશાથી, શોકથી, પ્રલાપોથી ભરીશું તો બ્રહ્માદિક મોટા દેવો પણ આપણને સુખી કરવા ઇચ્છશે તો પણ તે આપણને સુખી નહિ કરી શકે. માટે સફળતા અને વિજયને જ મનની દૃષ્ટિથી નિહાળ્યા કરવા હિતાવહ છે.
પૂર્વજન્મોનાં કર્મબંધનો કે પૂર્વે કરેલા અયોગ્ય વિચારોને લઈને ક્યારેક દુઃખના પ્રસંગો બને છે. તેથી માનસપટ પર સફળતા અને વિજયને જોયા કરનારે ભવિષ્યમાં ઉત્પન્ન થનારાં દુઃખોના અનુમાનથી તે અંગે સાવધાનતા રાખવાની અગત્ય છે એમ સ્વીકારીએ તો તે યોગ્ય છે, પરંતુ અનુમાન કરેલાં દુઃખોને આખો દિવસ વાગોળ્યા કરી, તેનું મનન-ચિંતન કરી, વર્તમાન સમયમાં તે સંબંધી રોદણા રોવા બિલકુલ હિતાવહ નથી, કારણ કે તેમ કરવાથી દુઃખોને આપણે આમંત્રણ આપી દઈએ છીએ. તે પણ જાણવું જરૂરી છે. ભવિષ્યમાં પ્રારબ્ધ કે સંજોગોવશાત્ આવનાર અનુમાન કરેલાં દુઃખોને દૂર કરવાની યોજના આપણા મગજે વિચારી રાખી હોય તો જ્યાં સુધી એ દુઃખદ પ્રસંગ ન ઉદભવે, ત્યાં સુધી એ યોજનાને મગજના ઊંડાણમાં જ છુપાવી રાખવી અને દુઃખદ પ્રસંગ ઉદભવે ત્યારે જ તેને બહાર લાવી દુઃખમાંથી માર્ગ કાઢવો. નહિતર તેને છુપાવેલી રાખવામાં અર્થાત્ ભૂલી જવામાં જ આપણું હિત સમાયેલું છે.
વિજય અને સફળતાનાં દૃશ્યો જ મનોજગતમાં રચ્યાં કરવાં જોઈએ. જાગૃતમાં, સ્વપ્નમાં, સર્વ અવસ્થાઓમાં એને જોયા કરવાં. આપણા મન, વાણી ને સર્વ ક્રિયાઓને વિજય અને સફળતાના જ વિચારો ને સંકલ્પનાઓ વડે રંગવા. દુઃખ, નિષ્ફળતા કે પરાજયની કલ્પના સરખી પણ મનમાં લાવવી નહિ. આપણા મનનું સજાગપણે હંમેશાં નિરીક્ષણ કરતા રહેવું. તે શાનું દૃશ્ય રચે છે, કેવા ઘાટ ઘડે છે તે જોયા કરવું. જો તે દુઃખો, આપત્તિઓ, રોગ, ભય, નિષ્ફળતા, નિર્બળતા, પરાજય વગેરે દૃશ્યોનું નિર્માણ કરતું રહેતું હોય તો તેવા વિચારોનું સાતત્ય તોડીને, તેને બદલીને સફળતા, સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતા, વિજય, સમૃદ્ધિ, આરોગ્ય વગેરેનાં દૃશ્યોની મનમાં રચના કરવી. નહિતર નકારાત્મક ઘાટની મૂર્તિઓ બંધાવાથી તેવા નકારાત્મક ફળની પ્રાપ્તિ થાય છે. એક વાર આવો પ્રયત્ન કરી બેસી ન રહેવું, પણ સતત સકારાત્મક દૃશ્યોની જ રચના મનમાં કરતા રહેવું. તેને સાકાર કરવા પ્રબળ પુરુષાર્થ કર્યા કરવો. ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ કહે છે કે મનમાં જેવા ઘાટ ઉત્પન્ન થાય ને તેનું ચિંતન કર્યા કરે તો તે ઘાટની મૂર્તિ અર્થાત્ આકૃતિ બંધાય છે, પછી તેને ભૂંસવી દુષ્કર બની જાય છે. માટે સકારાત્મક વિચારોનું મનન કરવું. સામાન્ય જીવતત્ત્વની ભાવના ટાળી પરમાત્મતત્ત્વની ભાવના દૃઢ કરવાનો નિરંતર અભ્યાસ કરવો. હું સામાન્ય જીવ નથી, પરંતુ પરમાત્મારૂપ, પુરુષોત્તમ નારાયણરૂપ મુક્ત છું એવા સર્વોત્કૃષ્ટ ભાવની સાક્ષાત્કાર અનુભૂતિ ન થાય ત્યાં સુધી અવિરતપણે પ્રયત્ન ચાલુ રાખવો. પ્રયત્ન કરવામાં કદી કાયર ન બનવું. અવાવરા કચરાના ઢગલાથી ભરેલા ઘરને સાફ કરવાની મહેનતથી જેઓ કંટાળે છે, તેઓ ઉકરડામાં રહેવાને લાયક છે, પણ સ્વચ્છ-સુંદર ઘરમાં રહેવા માટે લાયક નથી તે સમજવું ઘટે.
જે વસ્તુને આપણે આપણો ધ્યેય બનાવી તે પ્રત્યે જ સમગ્ર લક્ષ્ય કેંદ્રિત કરીએ તો તે વસ્તુ આપણી નજીક ને નજીક આવતી જાય છે અને આપણે પણ તેની નજીક ને નજીક જતા જઈએ છીએ. અધ્યાત્મશાસ્ત્રનો આ નિયમ છે. વિજય અને સફળતા પ્રતિ દૃષ્ટિ સ્થાપતાં આપણે તેની સમીપે જતા જઈએ છીએ, તેમ તેઓ પણ આપણી સમીપે આવતાં જાય છે. એ વાત નિશ્ચિત છે. પરમાર્થના માર્ગે પણ જેમ જેમ આપણે પરમાત્માની સમીપે જતા જઈએ, તેમ તેમ પરમાત્મા પણ આપણી વધુ ને વધુ સમીપ આવે છે.
'જેવું દર્શન એવું સર્જન' આ વાતનું કદી વિસ્મરણ ન થવા દેવું. જે આપણે જોઈતું હોય તેને જ લક્ષ્યમાં રાખી તે સંબંધી જ ધાર્યા-વિચાર્યા કરવું અને પ્રચંડ પુરુષાર્થ કરવો, એ જ સફળતાની ચાવી છે. જે ન જોઈતું હોય તેનો વિચાર સુધ્ધાં પણ મનમાં ન કરવો. 'જે ગામ જવું નહિ, તેનો માર્ગ શું પૂછવો?' આ લોકોક્તિ પાછળ પણ કંઈક આવો જ ભાવાર્થ સમાયેલો છે. જગતમાં સમાજનો મોટો ભાગ ઉપર જણાવેલ સૂત્રને અમલમાં ન મૂકવાથી દુઃખી ને ખિન્ન જણાય છે. માટે આજથી જ, અત્યારથી જ દૃઢ સંકલ્પ કરી આ સૂત્રને લક્ષમાં રાખી આચરણ શરૂ કરી દેવું. ઉચ્ચ આદર્શને, ઉચ્ચ ધ્યેયને મનન-ચિંતન દ્વારા પોષણ આપી પુરુષપ્રયત્ન કરવાથી ફળસિદ્ધિ દૂર નથી રહી શકતી!