13. આરોગ્ય વિચાર

0:000:00

પોતાને ઉત્તમ પ્રકારનું આરોગ્ય મળે એવું ન ઇચ્છતી હોય એવી એક પણ વ્યક્તિ આ જગતમાં નહિ મળે! સદીઓથી માનવજાત તન-મનનું ઉત્તમ આરોગ્ય પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરતી આવી છે. તેમ છતાં ભાગ્યે જ કોઈને પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થયેલું દેખાય છે.

સત્શાસ્ત્રો માનવશરીરને દેવોને પણ દુર્લભ એવું પરમાત્માનું મંદિર કહીને બિરદાવે છે. એમ છતાં અસંખ્ય માનવશરીરો તપાસતાં ભાગ્યે જ એવું શરીર જોવામાં આવે છે કે તેને જોતાં એમ લાગે કે આ શરીરમાં નિઃશંકપણે પરમાત્માનો વાસ છે! જે સ્થાનમાં પરમાત્માનો નિવાસ હોય એ સ્થાન નિર્મળ, પવિત્રતાની સુવાસ સર્વત્ર પ્રસરાવતું, દિવ્ય આભા-પ્રભાએ યુક્ત, સુંદર ને દેદીપ્યમાન હોવું જોઈએ કે તેને જોતાં જ જોનારને અપૂર્વ આનંદ ને પ્રસન્નતાની લાગણી ઉદભવે. તે આંતર-બાહ્ય વિશુદ્ધ અને ઓજસપૂર્ણ, તૈજસપૂર્ણ હોવું ઘટે. પ્રભુના નિવાસસ્થાનરૂપ એવા દેહમંદિરમાં અદભુત ને અલૌકિક સાર્મથ્યવાળી ઇંદ્રિયો, અંતઃકરણ, વિવિધ માનસિક તેમજ આધ્યાત્મિક શક્તિઓ અને અસાધારણ સંકલ્પશક્તિ તથા આત્મબળ પ્રગટેલાં હોવા જોઈએ. જે દેહમાં આ કહ્યું એમાંનું કંઈ જ ન હોય તો ત્યાં પરમાત્માનો નિવાસ છે એમ શી રીતે માની શકાય? મલિન જગ્યાએ તૃણની ઝૂંપડીમાં ચક્રવર્તી રાજા રહે છે તેમ કોઈ કહે તો તે શી રીતે માનવામાં આવે?

દેવોને દુર્લભ દેહમંદિરો આજે કંપારી છૂટી જાય એવી દુર્દશાયુક્ત સ્થિતિમાં જોવા મળે છે! માનવીને કેન્સર, ક્ષય-ટીબી, હૃદયરોગ, મધુપ્રમેહ (ડાયાબિટીસ), હાઈબ્લડપ્રેશર, લીવર-કિડનીની તકલીફો, શ્વાસના રોગો, એઈડ્ઝ, કમળો, ટાઇફૉઈડ, મલેરિયા, ફ્લુ, અનેક પ્રકારના ચામડીના રોગો તથા માનસિક અને મનોદૈહિક રોગો વળગેલા હોય છે. કોઈનું શરીર હાડકાંના માળખા જેવું હોય છે, તો કોઈનું શરીર મેદને કારણે હાથીના મદનિયાં જેવું હોય છે. કોઈક અકાળે વૃદ્ધાવસ્થાવાળા, કોઈક નિસ્તેજ આંખોવાળા, કોઈ કાને બહેરાશવાળા, કોઈ સડી ગયેલા દાંત તથા દુર્ગંધયુક્ત મુખવાળા, કોઈક હરતી ફરતી લાશ જેવા એમ અનેક પ્રકારની વિકૃતિઓયુક્ત નજરે પડે છે.

કોઈક ક્રોધાગ્નિની ભઠ્ઠી જેવા તો કોઈ વિષયવાસનાનાં પૂતળા જેવા, આળસ-પ્રમાદ, કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા, દ્વેષ વગેરે અનેક પ્રકારના દોષોએ યુક્ત હોય છે. ડ્રગ્સ, દારૂ, તમાકુ, જુગાર, વ્યભિચાર વગેરે દુર્વ્યસનોમાં રત, વિકૃતિ, કુરુપતા ને વ્યાધિઓવાળા ખંડેર જેવા આ દેહમંદિરોમાં પ્રભુનો વાસ શી રીતે શક્ય બને? નિજમંદિરો શી રીતે સંભવે?

વહાલા મિત્રો! આપણને આપણા શરીરની, મનની તથા અંતઃકરણની આવી ક્ષતિઓવાળી ને દોષે યુક્ત સ્થિતિ જોઈને કદાચ એમ લાગે કે આવા શરીરને આપણે પ્રભુનું નિવાસસ્થાન કેવી રીતે બનાવી શકીશું? તો તેને માટે વ્યગ્ર થવાની જરૂર નથી. આપણે ઇચ્છીએ તો આપણા દેહને ચોક્કસ પ્રભુનું મંદિર બનાવી શકીએ. પરમાત્મા તો પોતાની અનંતશક્તિઓ સાથે આપણા દેહમંદિર દ્વારા પ્રકાશવા માટે તૈયાર જ છે. પરંતુ અજ્ઞાનતા, અસંયમીપણું, અસાવધાનતાથી આપણે આપણા દેહમંદિરને ખંડેર જેવું બનાવી દીધું છે. તેથી પરમાત્મા આપણા દેહમંદિર દ્વારા પ્રકાશતા નથી. જેમ કોઈ ઉત્તમ સંગીતકારને તૂટેલી વીણા આપીએ તો તેના દ્વારા તે પોતાની કલા કઈ રીતે પ્રગટ કરી શકે? એવી જ રીતે અનેક પ્રકારના દોષો, વિકૃતિ ને મલિનતાવાળા આપણા શરીર દ્વારા પરમાત્મા સર્વશક્તિમાન હોવા છતાં પ્રકાશતા નથી.

તન-મનનું યથાર્થ આરોગ્ય ને નિર્મળતા પ્રાપ્ત થતાં સૂર્યને આવરી રહેલું વાદળ ખસી જાય ને સૂર્ય પૂર્ણકળાએ પ્રકાશી ઊઠે છે, એ જ રીતે શરીર દ્વારા પરમાત્મા પણ પ્રકાશે છે, manifest થાય છે, તેમનો આવિર્ભાવ થાય છે.

તન-મનનું યથાર્થ આરોગ્ય ને પવિત્રતા સંપાદન કરવાં તે દરેક માનવનું મુખ્ય કર્તવ્ય છે. કેટલાક મનુષ્યો સારી રીતે ખાઈને પચાવી શકતા હોય છે. હરીફરી શકતા હોય છે. કલાકો સુધી શારીરિક ને માનસિક શ્રમ પણ કરી શકતા હોય છે. ગાઢ નિદ્રા લઈ શકતા હોય છે. તેથી તેઓ એમ માની લે છે કે તેમણે પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરી લીધું છે. વસ્તુગતે આવા સામાન્ય આરોગ્યમાં અને પૂર્ણ આરોગ્ય (holistic health)માં જમીન-આસમાનવત્ તફાવત છે.

વ્યક્તિ જ્યારે પૂર્ણ આરોગ્યવાન બને છે, ત્યારે તેનાં શરીરના દરેકે દરેક કોષમાં પરમાત્માની દિવ્યતા પ્રકાશતી હોય છે. શરીરના પરમાણું એ પરમાણુંમાં આમૂલ પરિવર્તન આવી જાય છે. ઇંદ્રિયો અંતઃકરણમાં અલૌકિક સાર્મથ્ય પ્રગટે છે. પ્રબળ સંકલ્પ અને આત્મબળ પૂર્ણરૂપે વિકસેલાં હોય છે. સમગ્ર પ્રકૃતિ ઉપર તેમનો અકલ્પ્ય કાબૂ હોય છે. રોગનાં જીવાણું તો શું પણ રોગની કલ્પના સરખી પણ તેમને સ્પર્શી શકતી નથી. તેમને કોઈ પણ પ્રકારનાં આવરણો નડતાં નથી. તેઓ નિરાવરણ સ્થિતિવાળા હોય છે. એવા પૂર્ણ આરોગ્યવાન સિદ્ધપુરુષોનાં શરીરમાં ક્યારેક રોગ કે મંદવાડ જેવું જણાય તે બીજા જીવોના કલ્યાણ અર્થે જ હોય છે. તેમના મંદવાડમાં દિવ્યભાવ સહિત મહિમાથી જે વ્યક્તિ સેવા કરે તેનાં સઘળાં પાપકર્મોનો ક્ષય થઈ તેનું ત્વરિત ગતિએ આધ્યાત્મિક ઊર્ધ્વીકરણ થાય છે. સિદ્ધમુક્તનો મંદવાડ પણ પ્રારબ્ધવશાત નહિ, પરંતુ તેમણે પોતાની ઇચ્છાથી સ્વતંત્રપણે ગ્રહણ કરેલો હોય છે. દુઃખ કે વેદનાનો તેમને લેશમાત્ર અનુભવ થતો નથી.

સામાન્ય આરોગ્યવાળા મનુષ્યના શરીરમાં રોગનાં, વિકૃતિનાં બીજ છુપાયેલાં હોય છે. તેથી તે અજ્ઞાન હોય છે, પણ જ્યારે તે રોગરૂપે તેના શરીરમાં પ્રગટ થાય છે, ત્યારે જ વ્યક્તિને તેનું ભાન થાય છે. પછી રોગને પરવશ થઈ તે દુઃખ ને વેદનાની અનુભૂતિ કરે છે.

અવતારી પુરુષો તથા મુક્તપુરુષોનું માનવ શરીરનું ધારણ કરવું કે તેનો ત્યાગ કરવો તેમાં તેઓ કર્માધીન નથી હોતા, પરંતુ સ્વતંત્ર હોય છે. જીવોના આધ્યાત્મિક ઊર્ધ્વીકરણ માટે જ તેમની કેવળ મનુષ્યલીલા હોય છે. જ્યારે સામાન્ય મનુષ્યને માનવશરીર તેનાં પ્રારબ્ધકર્મના ભોગ અર્થે મળેલું હોય છે. બદ્ધ જીવો માયાના સત્ત્વાદિ ગુણો અનુસાર કર્મ કરવામાં સ્વતંત્ર છે, પણ પ્રારબ્ધ કર્મોનું ફળ ભોગવવામાં પરતંત્ર છે. આમ હોવા છતાં કુદરતી, નિર્મળ, ચારિત્ર્યસભર, સંયમી ને પ્રભુની આજ્ઞાનુસાર પ્રયત્નપૂર્વક જીવન જીવવામાં આવે તો તેઓ ધીમે ધીમે પ્રભુના અનુગ્રહથી ઉત્તમ આરોગ્ય સંપાદન કરી પ્રભુપ્રાપ્તિનાં સાધનો કરી શકે છે.

માનવીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અનેક પ્રકારની વૈજ્ઞાનિક શોધખોળ કરી છે અને એ ક્ષેત્રમાં અવિરતપણે વિકાસ થયા કરે છે, પરંતુ યથાર્થ આરોગ્ય, પૂર્ણ આરોગ્ય મેળવવામાં તે પ્રમાદ સેવે છે. આરોગ્ય ઉપર અત્યાર સુધીમાં અનેક ગ્રંથો રચાયા છે. અનેક પ્રકારનાં ઔષધો બનાવાયાં છે. અનેક પ્રકારનાં રસાયણો, ચૂર્ણો, ક્વાથ, ગોળીઓ વગેરે શોધાયેલાં છે. અનેક પ્રકારની સારવાર પદ્ધતિઓ જેવી કે એલોપથી, હોમિયોપથી, નેચરોપથી, આયુર્વેદ, યુનાનિ પદ્ધતિ તથા ઓલ્ટરનેટિવ મેડિસીન જેવી કે કલર થેરેપી, મેગ્નેટ થેરેપી, વૉટર થેરેપી, એક્યુપંચર, એક્યુપ્રેશર વગેરે વગેરે અસંખ્ય ઉપચાર પદ્ધતિઓ શોધાયેલી છે. અનેક હૉસ્પિટલો, દવાખાનાંઓ, ક્લિનિકો, ઔષધાલયો હોવા છતાં બહુ જ થોડા મનુષ્યો સંપૂર્ણ નીરોગી ને યથાર્થ આરોગ્યવાળા હોય છે.

મોટા ભાગના લોકો અનેક પ્રકારના રોગો તથા દુઃખોના સતત વિચાર કર્યા કરતા હોય છે. તે અંગે પોતાના મનમાં કાલ્પનિક ભય ઉત્પન્ન કરે છે. જરા શરદી-સળેખમ જેવું થાય કે તરત જ કલ્પના કરે કે મને ન્યુમોનિયા કે ટાઇફૉઈડ તો નહિ થઈ જાય ને? શરીરે કંઈક નાનો ઘા પડે તો વિચારે છે કે મને ધનૂર થઈ જશે તો? પેટમાં દુઃખે કે વિચારે કે મને કમળો કે અલ્સર તો નહિ હોય ને? હું આ ખાઈશ તો મને નહિ પચે ને હું માંદો પડી જઈશ. આટલો બધો શ્રમ હું કરી ન શકું. એ રીતે અનેક પ્રકારના રોગો, બીમારી ને દુઃખોના કાલ્પનિક ભય નીચે જીવતા હોય છે. તેથી શરીરમાં સામાન્યપણે રહેલ રોગને માનસિક રીતે, અજ્ઞાતપણે કલ્પના દ્વારા પોષણ આપી વધુ બળવાન બનાવી દે છે.

અમુક પ્રકારના લોકો પોતાના શરીર પ્રત્યે વધારે પડતું દુર્લક્ષ સેવે છે, એ પણ હિતાવહ નથી. કેટલાક તો તપને નામે ને શરીર દમનને નામે શરીર પર નિર્દય રીતે જુલમ ગુજારી એવી તો દુર્દશા કરી મૂકે છે કે પછી તેના શરીરની ને મનની શક્તિઓ અત્યંત ક્ષીણ થઈ જાય છે. તેથી શરીર દ્વારા જે ધ્યેય સિદ્ધ કરવાનો છે તે રહી જાય છે. તેથી ક્યારેક અકાળે મૃત્યુ પણ આવી પહોંચે છે. શરીર કાંઈ આપણું દુશ્મન નથી કે તેની ઉપર બેરહેમ જુલમ કરવો પડે. તે તો પ્રભુપ્રાપ્તિ કરવા માટેનું સર્વોત્તમ સાધન છે.

વ્યક્તિએ પોતાના શરીર પ્રત્યેની અત્યંત આસક્તિ તેમજ તેનો વ્યર્થ અનાદર કરવો આ બંને ત્યાજ્ય છે. એટલે ખૂબ જ વિવેક રાખવાની જરૂર છે. પોતાના શરીર પ્રત્યેની તીવ્ર આસક્તિ તો બંધનરૂપ છે જ, જે હિતાવહ નથી તેમજ શરીર પ્રત્યેની ખોટી બેદરકારી પણ એટલી જ હાનિકારક છે.

પ્રકૃતિના પોતાના અમુક ચોક્કસ નિયમો હોય છે, જે કુદરતના દરેક હિસ્સાને લાગુ પડે છે. માનવશરીર પણ કુદરતનો જ એક હિસ્સો છે. કુદરતના નિયમો સાથે તાલમેળમાં રહી જીવન જીવતાં પશુ-પક્ષીઓ તથા વનસ્પતિઓ મનુષ્ય કરતાં બહુ ઓછા રોગના ભોગ બને છે. હાલના સંજોગોમાં પશુના રોગો પાછળ પણ માનવીએ બગાડેલ પર્યાવરણ જ કારણભૂત હોય છે. જ્યારે માનવી કુદરતના નિયમોથી વિરુદ્ધ વર્તતો હોવાથી વધુ રોગીષ્ટ તથા દુઃખી થાય છે. પોતાના અહંકાર મિશ્રિત બુદ્ધિબળને લઈને જ માનવી પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરે છે. ઇંદ્રિયોના ને અંતઃકરણના અશુદ્ધ આહાર, બેફામ વિષયભોગ તથા દુર્વ્યસનો દ્વારા શરીરની દુર્દશા નોતરે છે.

ઉત્તમ આરોગ્ય સંપાદન કરવા મનુષ્ય પ્રકૃતિમાં રહેલ અખૂટ જીવનતત્ત્વ મેળવવા પ્રયત્ન કરે તો પ્રકૃતિ તેની સહાયમાં ભળીને પોતાના પ્રાણતત્ત્વના ને વૈશ્વિક ઊજાર્ના અનંત ભંડારમાંથી તેને જીવનતત્ત્વ પૂરું પાડી ઉત્તમ પ્રકારનું આરોગ્ય બક્ષે છે. આપણી પૃથ્વી તથા આપણે સર્વે સૂર્યકુટુંબના સભ્યો છીએ. સૂર્યનાં સંતાનો છીએ. આપણી પૃથ્વી પરનું સમગ્ર જીવન સૂર્યપ્રકાશને આભારી છે. સૂર્યના પ્રકાશમાં સૌથી વધુ જીવનતત્ત્વ રહેલું છે. જેમાંથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા (Photosynthesis process) દ્વારા જીવનતત્ત્વ પોતાનામાં પચાવે છે. તેમાંથી વિવિધ વિટામીન્સ, પ્રોટિન્સ, કાર્બોહાઇડ્રેટ્સ વગેરે પોષક તત્ત્વો તેમજ પ્રાણવાયુ (oxygen) બને છે. જે પ્રાણીજીવનને માટે અત્યંત ઉપયોગી છે.

સૂર્ય બાદ જીવનતત્ત્વનો ભંડાર વિશુદ્ધ હવામાં રહેલો છે. તેના પછી જળમાં અને ત્યારબાદ શુદ્ધ, સાત્ત્વિક ને પૌષ્ટિક આહારમાં રહેલો છે. વિશુદ્ધ હવામાં રહેલ પ્રાણવાયુ (oxygen)માંÅ જીવનતત્ત્વનો વિશુદ્ધ ભંડાર ભર્યો છે. પ્રાણવાયુ તો પ્રાણીઓનું જીવન છે. એ ન હોત તો પૃથ્વી પરનું જીવન શક્ય જ ન હોત! મોટાભાગના લોકોને શુદ્ધ હવાનો જોઈએ તેવો લાભ બરોબર લેતાં નથી આવડતું. શ્વાસોચ્છ્વાસ કેમ લેવા તેનું અજ્ઞાન અને પ્રમાદ હોવાથી હવામાંના જીવનતત્ત્વનો પૂરો લાભ મળી શકતો નથી.

રાજયોગનાં આઠ અંગોમાં યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન-સમાધિમાંનું એક અંગ પ્રાણાયામ છે. જેમાં પ્રાણનો નિરોધ કરી પ્રકૃતિમાં રહેલ સમગ્ર પ્રાણતત્ત્વ ઉપર પૂર્ણ પ્રભુત્વ મેળવી તે દ્વારા ચિત્તનો નિરોધ કરી, સમાધિ પ્રાપ્ત કરવા માટે પ્રયોજવામાં આવે છે. પ્રાણાયામના યથાર્થ અભ્યાસથી શરીર તેમજ મનની મલિનતા દૂર થઈ ઉત્તમ આરોગ્ય પ્રાપ્ત થાય છે. ઇંદ્રિયો અંતઃકરણની શક્તિઓનો અકલ્પ્ય વિકાસ થાય છે. અનેક પ્રકારની યૌગિક સિદ્ધિઓ પ્રગટ થાય છે. આ પ્રાણાયામનો અભ્યાસ પવિત્ર સદગુરુના યથાર્થ માર્ગદર્શન હેઠળ થવો જોઈએ. નહિતર તેનું યથાર્થ જ્ઞાન ન હોય તો લાભને બદલે હાનિ થવાનો સંભવ રહે છે. તેમ છતાં ઊંડા ને દીર્ઘ શ્વાસોચ્છ્વાસનો અભ્યાસ તો ગમે તે વ્યક્તિ કરી શકે છે. સવાર-સાંજ અર્ધો અર્ધો કલાક જેટલો સમય ખુલ્લી શુદ્ધ હવામાં બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંડા ને દીર્ઘ શ્વાસ (deep breathing) લેવા જોઈએ. તેનાથી ફેફસાંમાં આવેલા અસંખ્ય વાયુપુટો પૂરતાં ખૂલે છે ને વધુ પ્રમાણમાં પ્રાણવાયુ ગ્રહણ કરે છે. તેથી લોહીનું શુદ્ધિકરણ થતાં સમગ્ર શરીરના કોષોને જીવનતત્ત્વ મળે છે. શ્વાસ બહાર કાઢતી વખતે ફેફસાંને પૂરેપૂરા ખાલી કરવાથી તેના વાયુપુટોમાં રહેલો અંગારવાયુ (carbondioxide) તથા દૂષિત કફ, ચેપી જીવાણુંઓ વગેરે મેલ દૂર થઈ ફેફસાં શુદ્ધ, સ્થિતિસ્થાપક અને મજબૂત બને છે. લોહીનું શુદ્ધિકરણ અને પરિભ્રમણ સરસ રીતે થવાથી શરીર રોગરહિત, મજબૂત ને આરોગ્યમય બને છે. શરીર તંદુરસ્ત બનવાથી મન પણ પવિત્ર, પ્રફુલ્લિત ને શક્તિશાળી બને છે. તેથી કોઈ પણ વિષય ઉપર મનની એકાગ્રતા સાધવામાં સરળતા રહે છે.

શુદ્ધ હવા પછી જીવનતત્ત્વનો વિપુલ જથ્થો શુદ્ધ જળમાં રહેલો છે. દિવસમાં ઓછામાં ઓછું 2થી 3 લિટર શુદ્ધ જળ પીવું જોઈએ. જળમાં રહેલાં આરોગ્યવર્ધક ક્ષારો પણ શરીરની ચયાપચય પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી થાય છે. જળ દ્વારા લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. કિડની અને લિવરની કાર્યક્ષમતા વધવાથી શરીરમાં રહેલ ઝેરી કચરો (toxins) તથા બિનઉપયોગી ક્ષારો દૂર થાય છે ને લોહીનું શુદ્ધિકરણ થાય છે. શરીરના દરેક કોષોને પ્રાણવાયુ દ્વારા જીવનશક્તિ મળી રહેવાથી આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. જળ દ્વારા શરીરનું યોગ્ય તાપમાન પણ જળવાઈ રહે છે. શરીરની ચામડી પણ ચમકવાળી ને નીરોગી બને છે. આમ શુદ્ધ જળ શરીર માટે અતિ આવશ્યક છે.

જળ બાદ શુદ્ધ સાત્ત્વિક આહારમાં પણ જીવનતત્ત્વ રહેલું છે. અનેક પ્રકારના પ્રજીવિકો-વિટામીન્સ, પ્રોટીન્સ, ખનિજો, કાર્બોહાઇડ્રેટ્સ વગેરે ખોરાકના પોષક ઘટકો આહાર દ્વારા શરીરને મળે છે. આહાર લેવામાં પણ ખૂબ જ વિવેક વાપરવાની જરૂર છે. અતિ રાજસી ને અતિ તામસી પ્રકારનો આહાર શરીરના આરોગ્યને તેમજ મનની પવિત્રતાને પણ હાનિકારક નીવડે છે. અતિ રાજસી, તામસી ને વધુ પડતો આહાર જ અનેક પ્રકારના રોગો થવામાં મૂળ કારણરૂપ હોય છે. નિઃસ્વાર્થભાવે બીજાને હાનિ પહોંચાડ્યા સિવાય પોતાના પરિશ્રમથી ને નીતિપૂર્વક મેળવેલો શુદ્ધ, સાત્ત્વિક ને પૌષ્ટિક આહાર આરોગ્ય માટે હિતકર બને છે. તે પણ પ્રભુને અર્પણ કરીને લેવાથી ઉત્તમ પ્રસાદીરૂપ આહાર બને છે. તે આહારમાંથી તમસ અને જડતા ઓછાં થઈ ગયેલા હોય છે. આ પ્રમાણે યોગ્ય પ્રમાણમાં શુદ્ધ, સાત્ત્વિક ને પૌષ્ટિક આહાર તન-મન માટે આરોગ્યવર્ધક બને છે. 'આહાર તેવો વિચાર' એ ઉક્તિ પ્રમાણે શુદ્ધ આહારથી વિચાર પણ પવિત્ર બને છે. અશુભ વિચારો તથા વિકારોનું પ્રમાણ ઘટે છે. મન સાત્ત્વિક ને પવિત્ર બનતાં ચેતનાનો આધ્યાત્મિક વિકાસ ઝડપી બને છે.

તન-મનના આરોગ્ય માટે પ્રાણાયામ, કેટલાંક યોગનાં આસનો, ધ્યાનનો અભ્યાસ તથા વ્યાયામ પણ અતિ અગત્યનાં છે. પ્રવૃત્તિના અભાવવાળા બેઠાડું જીવનથી શરીરમાં મેદની વૃદ્ધિ થાય છે. તેથી આળસ-પ્રમાદ, તમસ, મોહ વગેરે મનોરોગો તથા હાઈ બી.પી., મધુપ્રમેહ, હૃદયરોગ વગેરે અનેક પ્રકારના રોગો થવાની સંભાવના વધે છે. યોગ-વ્યાયામથી શરીરના દરેક અવયવો સુદૃઢ, શક્તિશાળી, નીરોગી, સ્ફૂર્તિલાં તેમજ કાર્યક્ષમ બને છે. ધ્યાન દ્વારા શરીરમાં રહેલાં અંતરસ્રાવી ગ્રંથિઓના તથા મગજનાં રસાયણો સપ્રમાણ રીતે ઉત્પન્ન થવાથી તાણ-તણાવ વગેરે દૂર થતાં મનોદૈહિક રોગો દૂર થાય છે. તેથી તન-મનને ઉત્તમ આરોગ્ય પ્રાપ્ત થાય છે.

શરીર તથા મનને અનેક પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાથી તે થાક તથા કંટાળો અનુભવે છે. તાણ-તણાવ અનુભવે છે. તેથી તેને યોગ્ય આરામની પણ આવશ્યક્તા છે. સામાન્ય માનવીને ઓછામાં ઓછી 6 કલાક ને વધુમાં વધુ 8 કલાકની ગાઢ નિદ્રાની આવશ્યકતા રહે છે. ખલેલ વગરની ગાઢ નિદ્રામાં દિવસ દરમ્યાનના પરિશ્રમથી ઘસાયેલા કે મૃત થયેલા શરીરના કોષો દૂર થઈ નવા કોષો જન્મે છે. મગજમાં તણાવ દૂર કરનારા રસાયણો ઉત્પન્ન થાય છે. શરીરના આરોગ્યમાં ઉપયોગી એવા આંતરસ્રાવી ગ્રંથિઓનાં રસાયણો સપ્રમાણ ઉત્પન્ન થાય છે. શ્રમિત થયેલાં અવયવોને પૂરતો આરામ મળવાથી તે ફરી પાછાં સ્ફૂર્તિલાં ને નવી ઊજાર્એ યુક્ત બની તેજસ્વી ને કાર્યક્ષમ બને છે. માટે યોગ્ય નિદ્રા-આરામ આરોગ્ય માટે અત્યંત જરૂરી છે. વધુ પડતી ઊંઘ પણ શરીર તથા મનમાં સુસ્તી ઉત્પન્ન કરી આળસ-પ્રમાદ તથા બેચેની વધારે છે, માટે ઊંઘ લેવામાં પણ વિવેક વાપરવો જરૂરી છે. અતિ ઉજાગરા શરીરને તથા મનને તમોગુણથી ભરી દે છે. ઉજાગરાથી શરીરમાં રસાયણોનું સંતુલન બગડે છે. પાચન બરોબર ન થવાથી વાત-પિત્ત-કફમાં વિકૃતિ આવે છે, જે તન-મનના આરોગ્યને હાનિ પહોંચાડે છે. એટલે વિવેક જરૂરી છે.

પ્રભુના સ્વરૂપના પ્રેમ ને ભક્તિભાવપૂર્વકનાં ચિંતન-મનન-સ્મરણ સાથે બધી ચિંતાઓ પ્રભુના ચરણે ધરી દઈ, નચિંત થઈ નિદ્રામાં ઊંડા ઉતરવાથી બધી ચિંતાઓ, વ્યગ્રતા, ભય, વાસના-વિકારો દૂર થતાં પ્રગાઢ નિદ્રા આવે છે. પ્રભુના સ્વરૂપના ધ્યાન-ચિંતનયુક્ત નિદ્રા લેવાના અભ્યાસથી ક્રમશઃ યોગનિદ્રા સિદ્ધ થાય છે. આવી યોગનિદ્રા દરમ્યાન પ્રભુની દિવ્ય પ્રેરણા, શક્તિ, જ્ઞાન, સુખ-શાંતિ-આનંદ વગેરેનો ઇંદ્રિયો અંતઃકરણમાં સંચાર થતાં વ્યક્તિની ચેતનાનો આધ્યાત્મિક વિકાસ થાય છે. આ પ્રકારની યોગનિદ્રામાંથી વ્યક્તિ જાગૃત થાય છે ત્યારે નવાં બળ, તાજગી, સ્ફૂર્તિ, ઉત્સાહ મળેલાં હોવાથી વધુ સારી રીતે કાર્ય કરી શકે છે.

આ રીતે પ્રકૃતિનાં વિવિધ બળોનો તથા વૈશ્વિક ઊજાર્નો વિવેકપૂર્વક ઉપયોગ કરી તેમાંથી જીવનતત્ત્વ મેળવી ઉત્તમ આરોગ્ય સંપાદન કરી જીવનને મધુર બનાવી શકાય છે. સાથે સાથે આંતરબાહ્ય પવિત્રતા, ઇંદ્રિયો, અંતઃકરણના શુદ્ધ આહાર, વિવેકપૂર્વકનો વિષયભોગ , (ગૃહસ્થ સાધકો માટે) કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા, તિરસ્કાર, દ્વેષ તથા ભય, શોક, ચિંતા, વ્યગ્રતા, અહંકાર વગેરે મનોવિકારો ને આવેગોની તીવ્ર લાગણીઓનું શમન કરી પ્રભુપ્રસન્નતાનાં સાધનો કરવાં તે પૂર્ણ આરોગ્ય મેળવવાની ચાવી છે. શરીરના આરોગ્યની જેટલી અગત્ય છે એથી વિશેષ અંતઃકરણના-મનના આરોગ્યની ને પવિત્રતાની અગત્ય છે. અંતઃકરણનું શુદ્ધિકરણ પરમાત્માની ભક્તિ, ઉપાસના, આરાધના, જ્ઞાન-ધ્યાનયોગ, ભક્તિયોગ, જપયોગ, કર્મયોગ વગેરે સાધનોથી શક્ય બને છે. એવા શુદ્ધ અંતઃકરણથી વ્યક્તિની ચેતનાનો ઉત્કૃષ્ટ પ્રકારનો આધ્યાત્મિક વિકાસ થાય છે.

આ રીતે તન તેમજ મનના ઉત્તમ આરોગ્ય દ્વારા દેહમંદિરમાં પરમાત્માનો નિવાસ શક્ય બને છે. તન-મનના પૂર્ણ આરોગ્યવાળા દેહમંદિરમાં પરમાત્મા આવિર્ભાવ પામી પ્રકાશે છે. એવાં પરમાત્માના નિવાસસ્થાનરૂપ દેહમંદિરો-નિજમંદિરો (મુક્તપુરુષો) દ્વારા બીજાં અનેક દેહમંદિરોનું નિર્માણ થાય છે. આ રીતે ઉત્ક્રાંતિની અવિરત પ્રક્રિયામાં ચૈતન્યોનું ઊર્ધ્વીકરણ થયા કરે છે. એ પ્રક્રિયામાં ત્વરિત ગતિએ પ્રગતિ સાધવા પુરુષપ્રયત્ન કરવો એ જ માનવજીવનની સાર્થકતા છે.

જીવાત્માનું શરીર પ્રત્યેનું તુચ્છ 'હું'પણું તન તેમજ મનના પૂર્ણ આરોગ્યની પ્રાપ્તિમાં બાધારૂપ છે. પરમાત્માની અસીમ કૃપા સંપાદન કરવા માટે તેમના અનંત સાર્મથ્ય, શક્તિ, જ્ઞાન, પ્રકાશ, સુખ, શાંતિ, આનંદ, ઐશ્વર્ય વગેરે ગુણધર્મોનું, પરમાત્માના સ્વરૂપ સાથે તાદાત્મ્ય સાધી ચિંતન-મનન કરવું અને તેવા દિવ્યભાવથી સમગ્ર શરીર અને મનમાં પરમાત્માની દિવ્ય ચેતનાનો અનુભવ કરવો. આ પ્રકારની સાધના દ્વારા જીવનું તુચ્છ મિથ્યા 'હું'પણું પ્રભુના સ્વરૂપમાં વિલીન થઈ જવાથી જન્મ, જરા, મૃત્યુ વગેરેનો ભય અદૃશ્ય થઈ પૂર્ણ આરોગ્ય સાંપડે છે. આધુનિકોના મતે holistic health પ્રાપ્ત થાય છે.

પરમાત્મા સાથે આત્માની તદ્રૂપતા સિદ્ધ થવાથી વ્યક્તિ પણ પૂર્ણ મુક્તદશા પ્રાપ્ત કરે છે. એવા સિદ્ધદશાવાળા સત્પુરુષના પ્રબળ સંકલ્પમાત્રથી અનેક જીવો નીરોગી થઈ ભવરોગથી પણ મુક્ત બની જાય છે.