5. શાંતિના ક્ષેત્રમાં પરમાત્માનાં દર્શન
શિષ્ય : ગુરુદેવ! મારે પરમાત્માનાં દર્શન કરવા છે. આપ મને કરાવી શકશો?
ગુરુજી : અવશ્ય વત્સ, એના જેવું ઉત્કૃષ્ટ કાર્ય બીજું શું હોઈ શકે? પરંતુ મારો પણ તમને એ પ્રશ્ન છે કે તમે પરમાત્માને જોઈ શકશો ખરા? કોઈ અદૃષ્ટ કે અપ્રગટ વસ્તુને જોવા માટે તેનું દર્શન કરાવનારની જેટલી અગત્ય છે, તેટલી જ અગત્ય દર્શન કરવા ઇચ્છનારની યોગ્યતાની પણ છે. પરમાત્મા તો સર્વવ્યાપી હોવા છતાં મન-વાણી ને બુદ્ધિથી પર ને અગોચર છે. તેનાં દર્શન કરવાની પાત્રતા કેવા ઉચ્ચ પ્રકારની હોવી ઘટે તે વિચારો. દર્શનાભિલાષી પોતાની પાત્રતા કેળવી દર્શન કરવાનો પુરુષપ્રયત્ન ન કરે તો દર્શન કરાવનારના એકલાના પ્રયત્નથી તે તત્ત્વનું જ્ઞાન તથા અનુભૂતિ નથી આવતાં.
સૂર્ય ક્યાં છે? એવો પ્રશ્ન તમે કરો અને હું કહું કે ઊંચે આકાશમાં જુઓ તે પ્રત્યક્ષ દેખાય છે, પરંતુ તમે ઊંચે જુઓ નહિ અથવા ઊંચું જોવા છતાં પણ આંખો બંધ જ રાખો તો મારા બતાવવાથી શું લાભ થવાનો? જોવા ઇચ્છનાર જોવાનો પ્રયત્ન ન કરે તો બતાવનારનો ગમે તેવો તર્કયુક્ત કે જ્ઞાનયુક્ત પ્રયત્ન પણ નિષ્ફળ જાય છે. આમ હોવાથી હું ફરીથી તમને પૂછું છું કે તમને પરમાત્માનાં દર્શનની ખરી ત્વરા ઉદય થઈ છે ખરી? મારી દર્શાવેલી દિશામાં તમે ડગ માંડી પ્રયાણ કરશો ખરા?
મારું કર્તવ્ય કેવળ દિશાસૂચન કરવાનું છે, માર્ગદર્શન આપવાનું છે, પણ કંઈ તમારે જે કરવાનું છે તે કરવાનું નથી. તમારે કરવાનો પ્રયત્ન તમે ન કરો અને કોઈ અન્ય વ્યક્તિ કરે તો તેનો લાભ તમને નહિ, પણ જેણે પ્રયત્ન કર્યો હોય તેને જ મળે છે. દા.ત. તમારે બદલે કોઈ બીજો ખાય તો તે ખાનારની ક્ષુધા નિવૃત્તિ પામે, નહિ કે તમારી! તમારે જે કરવાનું છે તે વિશ્વમાં તમારા સિવાય બીજું કોઈ જ કરી શકે તેમ નથી. એ તો તમારે જ કરવું પડે. સૌ પ્રથમ તમે આ વાતનો સ્વીકાર કરો.
શિષ્ય : મારે જે કરવાનું છે તે બધું કરવા હું તૈયાર છું, ગુરુદેવ!
ગુરુજી : તો પછી દિશા બતાવવા, સત્ય માર્ગદર્શન આપવા હું પણ તૈયાર જ છું. મારાં વચનો એકાગ્ર ચિત્તે ધારણ કરજો. જુઓ, પરમાત્માનાં દર્શન શાંતિના ક્ષેત્રમાં જ થાય છે. એ શાંતિના ક્ષેત્રમાં પરમાત્મા પ્રત્યક્ષ દર્શન આપે છે.
તમારી મુખાકૃતિ પરથી સ્પષ્ટ જણાય છે કે મારા કહેવાનું તાત્પર્ય તમે હજુ બરોબર સમજી શક્યા નથી. મારા શબ્દો ફક્ત કાન સાથે અથડાયા છે, પણ હૃદયને ર્સ્પશ્યા નથી. ખેર! ચિંતાનું કોઈ કારણ નથી. સ્પષ્ટીકરણ થતાં અજ્ઞાનરૂપી અંધકારના ઓળા દૂર થઈ જ્ઞાનપ્રકાશ પથરાઈ જશે ને બધું યથાર્થપણે સમજાઈ જશે.
પ્રભુનાં દર્શન શાંતિમાં થાય છે. શાંતિ એટલે શું? તે ક્યાં છે? કઈ દિશામાં છે? તે કેવી રીતે મળે? વત્સ, ચાલો મારી સાથે એ શાંતિક્ષેત્રને આપણે શોધી લઈએ. પછી તેમાં પ્રવેશી આપણા જીવનપ્રાણ, પ્રિયતમ પ્રભુને પ્રેમથી નિહાળીએ અને તેનાં અલૌકિક દિવ્યસ્વરૂપમાં તદાકાર થઈ આપણું સમગ્ર અસ્તિત્વ તેમાં વિલીન કરી દઈ તેના અવર્ણનીય દિવ્ય આનંદનો અનુભવ કરીએ.
આવો, આ હિમાલયનો રળિયામણો પ્રદેશ તો જુઓ. સુંદર વનરાજી અને ખળખળ કરતાં વહેતાં ઝરણાંઓ કેવું મધુર સંગીત રેલાવે છે. હિમાચ્છાદિત ઉત્તંગ પહાડો વગેરેનું પ્રાકૃતિક સૌંદર્ય મનને હરી લે છે. અહીં ચારેય તરફ કેવી શાંતિ પ્રસરેલી છે નહિ? અહીં શહેરની કોઈ ધાંધલ-ધમાલ નથી. વાહનોનો, કારખાનાઓનો, માણસોની ચહલ-પહલનો કોઈ ઘોંઘાટ નથી. હવાનું, જળનું કે ધ્વનિનું કોઈ પ્રદૂષણ પણ નથી. કીડિયારામાં ઊભરાતી કીડીઓની જેમ શહેરોમાં ને નગરોમાં ઊમટતાં માનવ જેવા કોઈ પ્રાણી જગતમાં વસે છે કે કેમ, તેની પણ અહીં સ્મૃતિ થતી નથી. આ પ્રકૃતિમાતાની ગોદમાં અપૂર્વ શાંતિનો જ ભાસ થાય છે.
'શાંતિના ક્ષેત્રમાં જ પ્રભુનાં દર્શન થાય છે' એવા મારા વિધાન પ્રમાણે આ જ શાંતિનું ક્ષેત્ર છે એવી ભ્રાંતિ રાખશો નહિ! હા, આ પ્રદેશ શાંતિનો છે ખરો, પણ સર્વાંશે નહિ. આ તો શાંતિના પ્રદેશનો એક અંશ માત્ર છે. એ બાહ્ય પ્રકારની શાંતિનો પ્રદેશ છે. હિમાલયનો આ પ્રદેશ સાચી શાંતિના ક્ષેત્રમાં પ્રવેશવાનું એક પ્રાથમિક દ્વાર ગણી શકાય ખરો, પરંતુ બધા સાધકને માટે તે સુલભ અને અનુકૂળ નથી. જો પ્રભુનાં દર્શન માટે હિમાલયની જ આવશ્યકતા હોત તો તે દરેક સાધક માટે ખૂબ જ મુશ્કેલ બની જાત. તેથી જેને હિમાલય જવું સુલભ કે અનુકૂળ ન હોય તેણે પોતાના જ ઘરમાં કોઈક શાંત ખંડમાં અથવા તે પણ બની ન શકે તો કોઈ શાંત ખૂણામાં જ્યારે વાતાવરણમાં શાંતિ પ્રસરેલી હોય તેવા સમયે પ્રભુનાં દર્શન માટે નિયમિત ધ્યાન-ભજન વગેરે સાધન કરવાં એ જ હિતાવહ છે.
એ સ્થળમાં શાંતિ સમયે પવિત્ર થઈ પ્રવેશ કરી દ્વાર બંધ કરી જ્યાં કોઈ અવાજ નથી આવતો એવી આપણી એકાંત ઓરડીમાં મનને એકાગ્ર કરવાનો અભ્યાસ કરવો. એ ઓરડી જ હિમાલયનો પ્રદેશ છે એવી સમજ સાધકને માટે ખૂબ જ ઉપયોગી થશે. તેવી સમજ સાધનામાં તેનો ઉત્સાહ વધારશે. સાધનદશામાં મનની એકાગ્રતા સિદ્ધ કરવા માટે પવિત્ર તેમજ શાંત સ્થળની અગત્ય ઘણી છે.
હા, હવે શાંત સ્થળમાં આપણે આવી તો ગયા, પણ હજુ શાંતિમાં પ્રવેશ નથી થયો. આપણે તો હજી ધમાધમમાં જ છીએ. પ્રભુનાં દર્શન તો શાંતિમાં થાય છે. તો ચાલો, ધમાધમમાંથી નીકળી શાંતિમાં પ્રવેશીએ.
મારાં વચનો એકાગ્રતાપૂર્વક ગ્રહણ કરશો તો જ મારી વાત તમને યથાર્થ રીતે સમજાશે. જુઓ, આપણા શરીરનું આપણને પૂરેપૂરું ભાન છે. શરીરના અવયવોનું હલન-ચલન હજી ચાલુ છે. નેત્રો ખૂલ-બંધ થાય છે. કોઈ ને કોઈ અવાજ પ્રત્યે આપણા કાન સતર્ક થાય છે. શ્વાસોચ્છ્વાસ પણ વેગથી થાય છે. પ્રાણ તથા રુધિરાભિસરણની ગતિ પણ હજી મંદ થઈ નથી. આપણા શરીરની આટલી બધી ચંચળતાને કંઈ શાંતિ કહેવાય? અને જો એ શાંતિ નથી તો ત્યાં વળી પરમાત્માનાં દર્શન કેવી રીતે શક્ય બને? તેથી સૌ પ્રથમ આ બધા વેગને આપણે શિથિલ (Relax) કરીએ, શાંત કરીએ. જ્યાં આ વેગનું ભાન ન રહે તેવી સ્થિતિનું નિર્માણ કરીએ.
જેમાં શરીરના અવયવોનું હલન-ચલન નથી. જેમાં સ્થિર થવાથી પ્રાણની ગતિ પણ મંદ પડે છે. એવું કોઈ સિદ્ધ, પદ્મ, સ્વસ્તિક કે સુખાસન જેવું યોગાસન જે આપણને સરળ લાગે તે આસનમાં બેસી, ઊનનું કે સુતરાઉ કપડાનું શુદ્ધ ને પવિત્ર આસન લઈ નિશ્ચલ થઈ બેસીએ. ત્યાર બાદ ઊંડા ને દીર્ઘ શ્વાસ લઈને મનને શાંત કરવાનો પ્રયાસ કરીએ. શરીર સાથે આપણા સ્વરૂપનું તાદાત્મ્ય સાધનાર 'હું'પણાની ક્ષુદ્ર ભાવનાને શરીરમાંથી કાચબો જેમ પોતાનાં અંગોને સંકોરે છે તેમ સંકેલી અંતરમાં ઊંડા ઊતરીએ. આમ કરવાથી બાહ્ય જગતના તેમજ શરીરના અશાંત પ્રદેશમાંથી શાંતિ તરફ પ્રયાણ કરતા હોઈએ એવો અનુભવ અમુક અંશે ચોક્કસ થશે. પરંતુ આ પરિસ્થિતિએ પહોંચ્યા એ પણ હજી શાંતિનું ક્ષેત્ર નથી!
આપણા મનમાં હજી વિવિધ પ્રકારના વિચારોની હારમાળાઓ, સંકલ્પ-વિકલ્પો, તર્ક-વિતર્કો, શંકા-કુશંકાઓ અને અનેક પ્રકારના વિષયો સંબંધી વાસનાઓના ઉછાળાઓ વગેરે આંતર્જગતની ગડમથલ તો બાહ્ય જગતની ધમાલ કરતાં પણ વધુ તીવ્ર ને અસહ્ય જણાય છે. વ્યક્તિ જેવી પોતાના આંતર્જગતમાં ડૂબકી મારવાનો પ્રયત્ન કરે છે. પોતાના સ્વરૂપનો પરિચય મેળવવા કોશિશ કરે છે કે તરત જ તેને પોતાના વાસ્તવિક રૂપનું ભાન થાય છે. બાહ્ય જગતમાં તો તે દિવસ દરમ્યાન અનેક પ્રકારનાં મહોરાં પહેરીને ફરે છે. અને પોતાના અસલી ચહેરાને દંભના અંચળા હેઠળ ઢાંકવાનો પ્રયત્ન કર્યા કરે છે. પરંતુ અંતરમાં ઉતરવાથી પોતાના અસલી ચહેરાથી તે ભયભીત થઈ ઊઠે છે, ફફડી જાય છે. ભૂતકાળ-અતીતની કર્મકથનીઓ, પાપકર્મો, આંતરદોષો, વાસનાઓ વગેરે તેની સામે ભયાનક આકૃતિઓરૂપે પ્રગટ થાય છે. અંતર્વૃતિ દ્વારા પોતાના અસલી ચહેરાનું ભાન થતાં અને પોતાનો દંભ પોતાની સામે જ ખુલ્લો થવાથી વ્યક્તિ ભય પામીને આંતર્જગતમાંથી બાહ્ય જગતમાં તરત જ પાછો આવી જાય છે. એકાંતમાં તે પોતાના જ સ્વરૂપ સાથે રહેવાથી, પોતાનો પરિચય કેળવવામાં ડરી જાય છે ને પછી આંતર્જગતમાં પ્રવેશવાની હિંમત નથી કરતો. અને સુખ-શાંતિ મેળવવા બાહ્ય જગતમાં ફાંફા મારે છે. એકાંતમાં પોતાના સ્વરૂપ સાથે રહેવું આટલું કઠીન હોય તો પ્રભુનાં દર્શન કેટલાં દુષ્કર છે, તે સમજી શકાય તેવી બાબત છે. વ્યક્તિને એકાંત બિહામણું લાગે છે. પોતાની જાત સાથે રહેવાથી તે ગભરાય છે. એટલે બાહ્ય જગતના મિત્રો-સ્નેહીઓ સાથે સમય વ્યતિત કરવામાં તેને સલામતી લાગે છે. વ્યક્તિ જો નિર્ભય બની આ બધા સંઘર્ષનો સામનો કરવા તત્પર બને તો તે ચોક્કસ સફળ થઈ સાચા સુખ-શાંતિ ને આનંદની અનુભૂતિ કરી શકે છે.
સમુદ્રમાં સતત ઊછળતાં મોજાંઓની જેમ મનની આવી તાણ-તનાવગ્રસ્ત ડામાડોળ પરિસ્થિતિમાં પરમાત્માનાં દર્શન કઈ રીતે સંભવે? આવો, આપણે આ પ્રદેશને પણ પ્રયત્નપૂર્વક ઓળંગી જઈ આગળ વધીએ. તમારાથી આ પ્રદેશ, સંકલ્પ-વિકલ્પોના ઉન્નત પર્વતો ઓળંગી નિઃસંકલ્પ, નિર્વિકલ્પ પ્રદેશમાં નથી અવાતું કેમ? વ્યાકુળ ન થશો. એ ગઢ અગમ છે. એ ગઢ ઉપર ચડતાં ભલભલા ગોથાં ખાઈને નીચે પછડાયા છે. તે ગઢ સર કરવાની સીડીરૂપ યુક્તિઓ અનેક પ્રકારની છે. સત્પુરુષોએ તે શોધી કાઢી છે, પરંતુ મોટાભાગના મનુષ્યોને તે સીડી ગોઠવતાં જ નથી આવડતું. અને કદાચ તે સીડી ગોઠવાઈ જાય તો પણ તે સીડીનું ચડાણ ઘણું કપરું છે. પ્રભુના સ્વરૂપના જ્ઞાન, ધ્યાન ને ઉપાસના, અડગ નિષ્ઠા, સત્પુરુષનાં વચનોમાં અતૂટ શ્રદ્ધા અને અસ્ખલિત પુરુષપ્રયત્ન દ્વારા ભગવદ્કૃપા ને સત્પુરુષની કૃપા થયે તે કાર્ય પણ સહેલું બની જાય છે. ભગવદ્ગીતામાં કહ્યા પ્રમાણે સતત અભ્યાસ અને સમ્યક્ પ્રકારના વૈરાગ્ય દ્વારા મનનો નિગ્રહ સરળ બને છે. વત્સ! તમે ખંતપૂર્વક પ્રયત્ન કરો, આ સીડી પણ તમે ચોક્કસ ચડી શકશો. એક પછી એક સોપાન ચડતા જાવ. મુશ્કેલીભર્યું ચડાણ પણ સરળ થઈ જશે. મારા તમને શુભાશીર્વાદ છે.
અસંખ્ય લોકો કહે છે ખરા કે અમને પરમાત્માનાં દર્શનની તીવ્ર અભિલાષા છે, પણ ખરું જોતાં તેમને એવી તીવ્ર અભિલાષા, ઉત્કંઠા કે ત્વરા હોતી જ નથી. પ્રભુના સ્વરૂપના સાક્ષાત્કારથી સિદ્ધિઓ, ઐશ્વર્યો વગેરે મળે છે અને તેનાથી વિવિધ પ્રકારના ચમત્કારો ર્સજી શકાય છે. એવું સાંભળી સિદ્ધિઓના લોભે તેઓ પ્રભુનો સાક્ષાત્કાર કરવા માગે છે, પરંતુ પ્રભુનો સાક્ષાત્કાર થવાથી તેના દ્વારા પ્રાપ્ત થનાર સ્વયં પ્રભુ અને તે સંબંધી દિવ્ય, શાશ્વત સુખ, શાંતિ ને પરમાનંદની તેમને ઇચ્છા નથી હોતી. સિદ્ધિઓ મેળવવાની લાલચને લીધે તેમને પ્રભુપ્રાપ્તિ માટે સાચો પ્રેમ અને શરણાગતિનો ભાવ પ્રગટતો નથી. પ્રભુના ભક્તને સંસાર પ્રત્યે જે ઉદાસીનતા, પંચવિષયો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય, જગતના સંબંધો, પદાર્થો, વૈભવો પ્રત્યે નિરાસક્તિ વગેરે હોય છે. એમાંનું કંઈ જ આ સિદ્ધિઓની ને તેને પામીને યશ, કીર્તિ, પ્રસિદ્ધિ મેળવવાની લાલચ રાખનાર વ્યક્તિમાં નથી હોતું. કોઈક વિલાસી પ્રસંગે તરત જ તેઓ પ્રભુદર્શનની ઉત્કૃષ્ટ ઇચ્છાનો ત્યાગ કરી તુચ્છ ભોગવિલાસમાં જ મશગુલ બની જાય છે. મિત્રો સાથે ગામ-ગપાટા મારવામાં તેમનો સમય વેડફી નાંખે છે.
હૃદયની તીવ્ર વેદના વિનાની શુષ્ક ઇચ્છાથી કોઈ પ્રભુપ્રાપ્તિ કરી શક્યું છે ખરું? આવું બધું કહીને હું તમને નિરુત્સાહ કે નિરાશ કરવા નથી માગતો, પણ વાસ્તવિકતા પ્રત્યે સભાન કરવા માગું છું. તમે સમજી શકો છો કે પ્રભુનાં દર્શન માટે હૃદયને કોરી નાખે એવી તીવ્ર અભિપ્સા-મુમુક્ષુતા પ્રગટ થવી જોઈએ. એવી પ્રબળ ઇચ્છા જ પ્રભુની અસીમ કૃપાને નીચે ઉતારી લાવવામાં સહાય કરે છે.
હવે મેં તમને સ્પષ્ટ સમજાવ્યું છે કે ક્યા ક્ષેત્રમાં પ્રભુનાં દર્શન થઈ શકે. શરીર, ઇંદ્રિયો ને અંતઃકરણના સઘળા વ્યવહાર-વ્યાપાર અટકતાં જે આત્માના અતલ ઊંડાણના ક્ષેત્રમાં શાંત અવસ્થાનો અનુભવ થાય છે, એ અવસ્થામાં જ પ્રભુના દિવ્યસ્વરૂપનો સાક્ષાત્કાર સંભવે છે. એ નિરપેક્ષ ભૂમિકા જ સાચી શાંતિનું ક્ષેત્ર છે.
મેં દિશા બતાવી છે. હવે પ્રયાણ તમારે કરવાનું છે. હવે શી રીતે પ્રયાણ કરવું એ પ્રશ્ન અસ્થાને ગણાય. કારણ કે તીવ્ર અભિપ્સાવાળાને આટલું માર્ગદર્શન પૂરતું છે. દિશા જાણ્યા પછી તે કમ્મર કસીને ચાલવા માંડે છે. ભોજન તૈયાર હોય, થાળી પિરસાઈ હોય, કોળિયા પણ અન્ય વ્યક્તિ દ્વારા મુખમાં મૂકવામાં આવે, પણ ચાવવાની ક્રિયા તો વ્યક્તિએ પોતે જ કરવાની હોય છે! તે સહજ સમજાય તેવી બાબત છે.
તમને પ્રભુપ્રાપ્તિની તાલાવેલી ન જાગતી હોય તો જગતના જે પદાર્થોની તમને કામના હોય તેને મેળવી પંચવિષય સંબંધી સુખ-દુઃખનો અનુભવ કર્યા કરો. તીવ્ર વૈરાગ્ય વગર ઘરબાર ત્યજી ભગવી કંથા ઓઢવાનું દંભરૂપ નાટક મહેરબાની કરીને ન ભજવશો. પ્રભુમિલન માટે સાચી અભિપ્સા જાગ્યા વિના પર્વતમાં જશો કે કોઈ ઝાડની બખોલમાં ભરાશો કે કોઈ અંધારી ગુફામાં જઈને બેસશો, તો પણ તમારું મર્કટ જેવું મન સંસારની વાસનામાં જ ગૂંચવાયેલું રહેવાનું. સાંસારિક બાહ્ય ધમાલ કરતાં પણ મનની અંદર ચાલતી વિવિધ વાસનાઓની ને સંકલ્પ-વિકલ્પરૂપ આંતરિક ધમાલ વધુ અહિતકર છે. ભગવું વસ્ત્ર ધારણ કરીને કદાચ તમે માની બેસશો કે તમારે માટે આખું જગત નિરસ બની ગયું છે. તમારા જેવા ત્યાગી ને નિર્વાસનિક બીજા કોઈ નથી. એ ભ્રાંતિમાં અટવાઈને બીજાઓને પણ એવું ભાન કરાવવાનો તમારો મિથ્યા પ્રયાસ હશે. બીજા લોકો કદાચ તમારા દંભને ઓળખી નહિ શકવાથી એ વાત માની પણ લેશે, પરંતુ વાસ્તવિકતા દંભના અંચળા હેઠળ ઢંકાયેલી રહેશે. તેથી તમને કે બીજા કોઈને લાભ નહિ થાય અને તમે અધઃપતન તરફ દોરવાઈ જશો. આવું આત્મઘાતી વલણ અપનાવવાથી શો ફાયદો થવાનો?
'ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના' સ.ગુ. નિષ્કુળાનંદ સ્વામીના એ વિધાન અનુસાર તીવ્ર વૈરાગ્ય ઉદય થયા વિના કરેલો સંસારત્યાગ મહદ્અંશે નિષ્ફળ નીવડે છે. જ્યારે પ્રાતઃકાળે કે યથાવકાશે એક કે અર્ધો કલાક પણ ખરા મનથી જ્ઞાનપૂર્વક કરેલો સંસારત્યાગ વિસ્મયકારક પરિણામ લાવે છે. આગળ મેં જણાવેલ નિઃસંકલ્પરૂપ, નિરપેક્ષભૂમિરૂપ શાંતિના ક્ષેત્રમાં પ્રવેશવાનો માર્ગ જ વસ્તુતઃ સંસારત્યાગ છે. એ ત્યાગ પાસે મોટાં મોટાં રાજ્યનો, અધિકારનો, સત્તાનો, કુબેર જેવી ધનસંપત્તિનો ને અપ્સરા જેવી સ્વરૂપવાન સ્ત્રીનો કરેલો બાહ્ય ત્યાગ પણ વ્યર્થ છે. વિષયોથી એકલા તનને વેગળું રાખવાનું નથી, પરંતુ મનને પણ વેગળું રાખવાનું છે.
વિષયોનો શારીરિક સંબંધ માત્ર દુઃખનો હેતુ નથી, પણ વિષયો પ્રત્યે મનની આસક્તિ, વિકાર ને તીવ્ર અભિનિવેશ જ વાસ્તવિકરૂપે દુઃખના કારણ છે. પંચવિષયોના ચિંતન-મનનથી મનને અલગ રાખી શકનાર વ્યક્તિ વૈભવ-સમૃદ્ધિના સાગરમાં ઝીલતી હોય તો પણ તે મહાન ત્યાગી છે. જ્યારે વિષયોનું ચિંતન કરનાર બધું ત્યાગીને વનમાં તપ કરતો હોય તો પણ તે ભોગી છે, કારણ કે તેનો ત્યાગ ઉપલકિયો છે.
વત્સ! વિષયોના ચિંતનથી મનને પૃથક કરવાનો અભ્યાસ પ્રાતઃકાળે કે યથાવકાશે પ્રયત્નપૂર્વક નિરંતર કર્યા કરશો. આ મહાત્યાગ, આંતરિક ત્યાગ, કેવળ ત્યાગાશ્રમમાં જ કરી શકાય તેવી ભ્રાંતિને કદાપિ વશ થશો નહિ. ત્યાગીઓના નિવાસસ્થાને જઈ તેમની આંતરબાહ્ય પ્રવૃત્તિઓનું અવલોકન કરશો તો તમને પોતાને જ ખાતરી થશે કે કેવળ બાહ્ય ત્યાગ મનને વિષયોમાંથી પાછું વાળવા માટે મુખ્ય હેતુ છે એ વાત તદ્દન મિથ્યા છે. તીવ્ર ઇચ્છાથી ને સમજણપૂર્વક કરેલો પુરુષપ્રયત્ન જ મનનો નિગ્રહ કરવામાં, મનનો અમનીભાવ કરવામાં મુખ્ય હેતુ છે. સાધક આવો પ્રયત્ન ગમે તે અવસ્થામાં કરી શકે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ કહે છે કે ત્યાગી-ગૃહીમાં જેની સમજણ મોટી તે જ મોટો છે.
હવે નિરાશ કે નિરુત્સાહ થયા સિવાય એમ નિશ્ચય કરો કે તમારી હાલની વર્તમાન પરિસ્થિતિ એ પ્રકારની સાધના માટે અનુકૂળ છે. પ્રભુ તથા સત્પુરુષની કૃપા મેળવવા પ્રસન્ન ચિત્તે પુરુષપ્રયત્નમાં જોડાઈ જાવ. તમારી સફળતા નિશ્ચિત છે એમ દૃઢતાપૂર્વક માનજો.
તથાસ્તુ!
આપણા ઉપર્યુક્ત ઉચ્ચ ધ્યેયને સિદ્ધ કરવા માટે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના હરિભક્તો પ્રત્યે લખેલ પ્રતિલોમવૃત્તિએ ધ્યાન કરવાની રીતનો પત્ર જોઈએ:
'લિખાવીતં સ્વામી શ્રી સહજાનંદજી સમસ્ત મુમુક્ષુ બાઈ-ભાઈ સર્વે અમારા નારાયણ વાંચશો.
જત, તમે સર્વે નારાયણદેવ જે પ્રત્યક્ષ ભગવાન તેનું ધ્યાન કરો છો તથા અન્વય-વ્યતિરેકપણે કરીને તેના સ્વરૂપનો વિચાર કરો છો તથા તેનું નામ-સ્મરણ કરો છો તથા ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનો વિચાર કરો છો એટલે કરવે કરીને પણ સમગ્રપણે કરીને કૃતાર્થપણું મનાતું નથી અને મનમાં સંતોષ-શાંતિ પણ નથી થાતી. અને તૃષ્ણા રહે છે તેનું શું કારણ છે? તો જે પ્રથમ ભગવાન આ જગતને સરજીને તે જગત પ્રત્યે અંતર્યામીરૂપે કરીને પ્રવેશ કરતા હવા. અને પોતાનું સ્વરૂપ તથા જગતનું સ્વરૂપ તેને જાણ્યાને અર્થે વેદને સર્જતા હવા. તે વેદ, પુરાણ, સ્મૃતિ તેને વિશે જીવોની શાંતિને અર્થે એમ કહ્યું છે જે જેમ પરાધીનપણે સ્વપ્નને અવલંબને કરીને અને મૂર્છાને અવલંબને કરીને આ જીવ દેહનાં વિવર (હૃદય-અંતરમાં) પ્રત્યે પ્રવેશ કરે છે. અને તે દેહના અવકાશને વિશે અજ્ઞાનમય સુખદુઃખને પ્રાપ્ત થાય છે, તેમ જ્યારે સ્વાધીનપણે કરીને આ જીવ ભગવાનની મૂર્તિના ધ્યાનને અવલંબને કરીને હૃદય પ્રત્યે પ્રવેશ કરે તથા સ્મરણાદિક જે નવ પ્રકારે ભક્તિનાં અંગ તેના અવલંબને કરીને દેહના હૃદયાકાશ પ્રત્યે પ્રવેશ કરે તથા પૂરક, કુંભક, રેચક આદિક જે અષ્ટાંગયોગ તેના અવલંબને કરીને વ્યષ્ટિ-સમષ્ટિને વિશે રહ્યું જે પુરુષોત્તમનું સ્વરૂપ તેના વિચારના અવલંબને કરીને દેહના અવકાશ પ્રત્યે પ્રવેશ કરે તથા શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયને વિશે કહ્યું જે જીવનું સ્વરૂપ તેના વિચારના અવલંબને કરીને હૃદયાકાશ પ્રત્યે પ્રવેશ કરે. એવી રીતે ભક્તિ તથા વિચારના અવલંબને કરીને દેહને માંહી અવકાશ (અંતર) પ્રત્યે સ્વાધીનપણે પ્રવેશ કરે, ત્યારે એ જીવના સ્વરૂપને દેખે ને સંશય નિવૃત્તિ પામે ને પુરુષોત્તમનું સ્વરૂપ જેવું પ્રત્યક્ષ છે તેવું દેખે.
અને બ્રહ્મમહોલ, વૈકુંઠાદિક જે ધામ તેને પણ દેખે. અને મૂળાધારાદિક જે ચક્ર તેને વિશે રહ્યા જે દેવતા તેને દેખે. અને પોતાના જીવને વિશે રહ્યા જે દૃષ્ટા તેને દેખે. એવી રીતે જ્યારે દેખે, ત્યારે કોઈક ઈશ્વર સાથે એકપણાને પામીને શાંતિ-સંતોષને પામે. અને કોઈક સ્વામી-સેવકપણે રહીને સંતોષને પામે. એવી રીતે પૂર્વે નારાયણદેવે એવો નિયમ બાંધ્યો છે જે આ દેહના વિવર (અંતર) પ્રત્યે પ્રતિલોમપણે કરીને જ્યારે પ્રવેશ કરે, ત્યારે જ શાંતિને પામે, પણ વેદાંતશાસ્ત્ર તથા ભક્તિશાસ્ત્ર તેને શ્રવણે કરીને અથવા તેને કહેવે કરીને પણ શાંતિ ન પામે.
અને તીવ્ર વૈરાગ્યે કરીને પણ તેવી શાંતિને ન પામે. અને અલ્પ વૈરાગ્યનું બળ હોય, અલ્પ ભક્તિનું બળ હોય, અલ્પ આત્મજ્ઞાનનું બળ હોય, પણ જો પ્રતિલોમપણે દેહને વિશે, હૃદયરૂપી ગુફાને વિશે પ્રવેશ કરે ત્યારે જ શાંતિને પામે. એવી રીતે સર્વે શાસ્ત્રને વિશે મોટા સાધુ કહી ગયા છે. તે વાત સત્ય છે. અને અમે પણ એવી રીતે જ શાંતિને દીઠી છે. (અનુભવી છે) એ વચનને જે અમારા હો તે સાચું માનજો.'