તૃતીય આવૃત્તિનું નિવેદન
પ્રવર્તમાન સ્પર્ધાત્મક ને સંઘર્ષાત્મક સમયમાં મુમુક્ષુ સાધકને અનેક પ્રકારની વિટંબણામાંથી પસાર થવું પડે છે. જીવનનાં વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક એમ બંને પાસાંઓનું સંતુલન રાખવું ખૂબ જ મુશ્કેલ છે. સાધક માટે કર્તવ્યપાલન, અનેક પ્રકારની ઉત્તરદાયિતા તથા ફરજો બજાવવાની સાથે આધ્યાત્મિક વિકાસ સાધવો એ એક મોટો પડકાર છે. આવા વિપરિત કાળે મનોબળ, આત્મશ્રદ્ધા ને પરમાત્મામાં શ્રદ્ધાની વૃદ્ધિ અને દૃઢતા થવા માટે ડગલે ને પગલે યોગ્ય માર્ગદર્શનની આવશ્યકતા રહે છે.
આ હેતુને લક્ષ્યમાં રાખી અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈના ઉપદેશામૃતની વિચારધારાને આધારે 'પ્રેરણા સ્રોત' શીર્ષક હેઠળ આ લઘુ પુસ્તકરૂપે શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થા દ્વારા પ્રકાશિત કરતાં આનંદ ઉદભવે એ સ્વાભાવિક છે. કોઈ પણ ધર્મના અનુયાયી વાચકમુમુક્ષુને તેની જીવનયાત્રામાં પ્રકાશ પાથરી પથદર્શન કરાવવામાં આ પુસ્તક ઘણું ઉપયોગી છે. તેને લઈને જ ટૂંક સમયમાં ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનો સુભગ અવસર પ્રાપ્ત થયો છે.
સર્વોપરી શ્રીજીમહારાજ, પરમ કૃપાળુ બાપાશ્રી, મહાન સદગુરુશ્રીઓ તથા શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થાના સદાકાળના સ્થાપક, પ્રેરક, પોષક ને સંવર્ધક એવા અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈની પ્રસન્નતા આ ગ્રંથનો સદુપયોગ કરનાર સર્વકોઈ ઉપર ઊતરે એવી અંતરની અભ્યર્થના.