8. હરિનો મારગ છે શૂરાનો
કાવ્યકૃતિ :
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને...
સૂત વિત્ત દારા શીશ સમર્પે, તે પામે રસ પીવા જોને
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને...
મરણ આંગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને
તીરે ઊભા જુવે તમાશો, તે કોડી નવ પામે જોને...
પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને...
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને
મહાપદ પામ્યા એ મરજીવા, મૂકી મનનો મેલ જોને...
રામઅમલમાં રાતા-માતા, પૂરા પ્રેમી પરખે જોને
પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દિન નિરખે જોને...
મહાન તત્ત્વજ્ઞ ને પ્રેમી ભક્તકવિ શ્રી પ્રીતમની આ કાવ્યકૃતિમાં ખૂબ જ ગહન આધ્યાત્મિક રહસ્ય ને ઉત્તમ પ્રકારનો બોધ સમાયેલાં છે. પોતાના આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર પામવા માટેની તીવ્ર અભિપ્સા ધરાવનાર મુમુક્ષુ-સાધકની, સાધક સ્થિતિથી લઈ તેની પ્રગતિ, વિકાસ અને ધ્યેયસિદ્ધિ સુધીની સ્થિતિ-પરિસ્થિતિનું, તેની આધ્યાત્મયાત્રાનું અદભુત વર્ણન એમાં ગૂઢ રીતે સમાયેલું છે.
આપણે એ રહસ્યને ઉકેલી તેમાંથી હૃદયસ્પર્શી બોધ ગ્રહણ કરી, તેને જીવનમાં ઉતારી માનવજીવનનો સર્વોત્કૃષ્ટ ધ્યેય સિદ્ધ કરવા, આપણું જીવન સાર્થક કરવા પ્રયત્નશીલ બનીએ.
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને...
હરિનો મારગ એટલે પરમાર્થ સિદ્ધ કરવાનો માર્ગ. આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર પામવા માટેનો શ્રેયનો માર્ગ. આત્મામાં પરમાત્માના સ્વરૂપની અપરોક્ષાનુભૂતિ કરવાનો માર્ગ. તત્ત્વજ્ઞાનનો લક્ષ્યાર્થ સિદ્ધ કરવાનો માર્ગ. આ માર્ગ શૂરાનો અર્થાત્ શૂરવીરો માટેનો માર્ગ છે. બહુ જ કપરો ને મુશ્કેલ માર્ગ છે. નિર્બળ મનના કાયરો માટે આ માર્ગ પરનું પ્રયાણ અત્યંત દુષ્કર છે. અહીં શૂરાનો અર્થ યુદ્ધક્ષેત્રમાં શત્રુઓને પોતાના બાહુબળ તથા કૌશલ્યથી હણનાર યોદ્ધો એવો નથી. અહીં શૂરાનો અર્થ છે પોતાના ઇંદ્રિયો અંતઃકરણને જીતીને કાબુમાં રાખનાર. ઇંદ્રિયો અંતઃકરણનો ગુલામ નહિ, પણ તેની ઉપર સંયમ દ્વારા પ્રભુત્વ સ્થાપનાર, તેનો સ્વામી. આંતરબાહ્ય પ્રકૃતિ ઉપર કાબુ ધરાવનાર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માન, ઈર્ષા, દંભ, કપટ, સ્વાર્થ, નિંદા, પ્રમાદ, તૃષ્ણા વગેરે આંતરદોષો ઉપર વિજય મેળવી લેનાર સંયમી પુરુષ. રાગ-દ્વેષ, માન-અપમાન, નિંદા-સ્તુતિ, પ્રિય-અપ્રિય, સુખ-દુઃખ, લાભ-હાનિ, શીત-ઉષ્ણ, હર્ષ-શોક, મારું-તારું વગેરે દ્વંદ્વોમાં તથા સર્વ પરિસ્થિતિમાં સમભાવ રાખી સ્થિતપ્રજ્ઞ રહેનાર. જગતના સંબંધો તથા ભૌતિક પદાર્થોમાં નિરાસક્ત, નિર્મોહી રહેનાર. પરમાત્માના દિવ્યસ્વરૂપ સિવાય બીજે બધેથી આસક્તિ તોડી સમ્યક્ પ્રકારે વૈરાગ્ય સિદ્ધ કરી એક પ્રભુના સ્વરૂપમાં જ પ્રીતિ કરનાર. આંતર-બાહ્ય સંઘર્ષમાં કાયર બન્યા સિવાય પરમાત્માના સ્વરૂપમાં એકાગ્રતા સિદ્ધ કરી સ્થિર થવા સતત પુરુષપ્રયત્ન કરનાર સાધકને અહીં શૂરવીર ગણ્યો છે.
જે લોકો આ ભૌતિક જગતના સંબંધોમાં ને પદાર્થોમાં મોહ તથા આસક્તિવાળા છે. અંતઃશત્રુઓ સાથેના સંઘર્ષમાં નિર્બળ છે. ઇંદ્રિયો અંતઃકરણના ગુલામ, પંચવિષયોમાં અત્યંત પ્રીતિવાળા, દેહભાવયુક્ત, પ્રકૃતિના દાસ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યાકુળ ને વ્યગ્ર થઈ રોકકળ કરનાર, મૃત્યુના ભયથી ફફડતા નિર્બળ મનના મનુષ્યોને કવિએ કાયર ગણેલા છે. એવા કાયરો માટે પ્રભુપ્રાપ્તિનો માર્ગ નથી.
આગળ જણાવેલ ગુણોથી સંપન્ન એવા શૂરવીરો માટે જ આ માર્ગનું પ્રયાણ શક્ય છે.
સ્વામી વિવેકાનંદજી પણ કહેતા - नायमात्मा बलहीनेन लभ्यः। અર્થાત્ આત્મા-પરમાત્મા નિર્બળોથી (જગતનાં ભૌતિક સુખોમાં ને સંબંધોમાં અભિરુચિવાળા, અસંયમી, પંચવિષયોમાં અત્યંત આસક્ત) પ્રાપ્ત થતા નથી.
આ શ્રેયના માર્ગ પર પ્રયાણ કરવા ઇચ્છતા શૂરવીર મુમુક્ષુ-સાધકને માર્ગની વાસ્તવિકતાથી વાકેફ થવું આવશ્યક છે. આ માર્ગ પુષ્પો બિછાવેલ કોમળ, સરળ કે સુલભ નથી કે પગ માંડીને ચાલવા મંડી જવાય. અહીં તો પહેલાં મસ્તક મૂકવાની વાત છે; ચરણ મૂકવાની નહિ! મસ્તક મૂકવાનો અર્થ પણ ઘણો વિશદ્ છે.
મુમુક્ષુએ પોતાની તુચ્છ 'હું'પણાની મિથ્યા ભાવના, દેહાભિમાન, પોતે વિદ્વાન છે, જ્ઞાની છે, પંડિત છે, મહાન છે, સત્તાધીશ છે, શક્તિશાળી છે, સર્વગુણ સંપન્ન છે એ પ્રકારનો ગર્વ ને મિથ્યાભિમાન પ્રભુનાં ચરણમાં મૂકી દઈ, સંપૂર્ણ દાસત્વભાવ ને વિનમ્રતા ગ્રહણ કરી, પોતાના બધા જ ઠરાવો, હઠાગ્રહો - દુુરાગ્રહો પ્રભુ પાસે મૂકી દેવાની વાત છે. તન-મન-ધન ને પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરી અંતે આત્મસમર્પણ કરવાનું છે. પ્રભુની સાચી શરણાગતિ સ્વીકારી પોતાનું દેહાભિમાન ઓગાળી દઈ, પોતાના સમગ્ર અસ્તિત્વને પ્રભુના સ્વરૂપમાં વિલીન કરી દેવાની વાત છે. સાચી શરણાગતિનો અર્થ એ છે કે - 'પ્રભુએ આપણે માટે નિર્માણ કરેલી અનુકૂળ - પ્રતિકૂળ ગમે તે પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી આનંદપૂર્વક પ્રભુના સ્વરૂપમાં જોડાવાનો નિદિધ્યાસ કર્યા કરવો. પ્રભુએ સોંપેલું દરેક કાર્ય કે કર્તવ્ય એ તેમની ભક્તિ છે એમ માની પોતાની સર્વશક્તિ તેમાં લગાડી નિષ્ઠાપૂર્વક કર્તવ્યપાલન કરવું અને એ પણ કેવળ પ્રભુની પ્રસન્નતા માટે જ. સર્વકર્તાપણું એક પ્રભુનું જ છે ને હું તો નિમિત્તમાત્ર છું. એ ભાવ દૃઢ કરવો. કોઈ પણ પ્રકારની મુશ્કેલી, દુઃખ કે આપત્તિના પ્રસંગે પ્રભુએ આમ કેમ કર્યું હશે? એ પ્રકારનો મનમાં સંકલ્પ પણ ન થવા દેવો. પોતાના બધા જ પ્રકારના ઠરાવો ને આગ્રહ ત્યજી દઈ એક પ્રભુની મરજી પ્રમાણેનું વર્તન કરવું.' આ સાચી શરણાગતિની વ્યાખ્યા છે. આ પ્રકારની શરણાગતિ આવવી એ ઘણું જ મુશ્કેલ છે. પરમાત્માના સ્વરૂપમાં તથા સત્પુરુષનાં વચનોમાં માહાત્મ્યજ્ઞાને સહિત સંપૂર્ણ વિશ્વાસ ને દૃઢ શ્રદ્ધા પ્રગટે ત્યારે જ એવી પૂર્ણ શરણાગતિ સંભવે છે. મસ્તક મૂકવા પાછળનો આવો ઉત્કૃષ્ટ ભાવ આ પંક્તિમાં સમાયેલો છે.
માન, મોટપ, યશ, કીર્તિ, પ્રસિદ્ધિ વગેરે પામવાની અભિલાષા, સિદ્ધિઓ ને ઐશ્વર્યોનું પ્રલોભન, સ્વાર્થવૃત્તિ, સ્વકેન્દ્રીપણું, પોતાનામાં ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ વગેરે કોઈ શુભગુણો હોય તેનું માન, આ સર્વ ભાવો તથા સર્વપ્રકારના રાગ પ્રભુ પાસે ત્યજી દેવાની ભાવનાનો પણ મસ્તક મૂકવાના અર્થમાં સમાવેશ થઈ જાય છે. આટલી યોગ્યતા આવ્યા બાદ જ સાધક પ્રભુનું નામ લેવા માટે, તેની ઉપાસના-આરાધના કરવા માટે અધિકારી બને છે. આટલી યોગ્યતા કેળવ્યા સિવાય તેને તે અધિકાર નથી મળતો.
સૂત વિત્ત દારા શીશ સમર્પે, તે પામે રસ પીવા જોને
સિંધુ મધ્યે મોતી લેવા, માંહીં પડ્યા મરજીવા જોને...
પોતાની સઘળી ધન-સંપત્તિ, સ્ત્રી, સંતાનો આ સર્વકંઈ ત્યાગવાનું છે. તે બધાના કેવળ ઉપર ઉપરના બાહ્ય ત્યાગની વાત નથી, પરંતુ તે ભૌતિક પદાર્થોમાં તથા દેહના સંબંધીઓમાં રહેલ આસક્તિનો, મમત્વબુદ્ધિ ને તીવ્ર અભિનિવેશનો ત્યાગ કરવાની વાત છે. દેહભાવ તથા દેહાસક્તિનો ત્યાગ કરી આત્મસમર્પણ કરવાનું છે. પોતાના ક્ષુદ્ર અહંકારને પ્રભુના સ્વરૂપમાં વિલીન કરી પરમાત્મા સાથે એકાકાર થઈ, પ્રેમાદ્વૈત સાધી પ્રભુ સંબંધી દિવ્ય સુખરૂપ રસ માણવાનો છે.
અહીં એવા શૂરવીર સાધકને મરજીવા સાથે સરખાવ્યા છે. જેમ મરજીવા મૃત્યુનો ભય ટાળી સમુદ્રના ઊંડાણમાં પ્રવેશી તળિયેથી મોતી, માણેક વગેરે રત્નો લેવા સમુદ્રમાં ઝંપલાવે છે. પોતે જીવશે કે મરશે તેની કાંઈ પરવા કરતા નથી. એ રીતે સાધક સર્વ પ્રકારના ભય તથા આસક્તિનો ત્યાગ કરી અંતરવૃત્તિએ, એકાગ્રચિત્તે અંતઃકરણરૂપ અગાધ સાગરમાં ડૂબકી મારી પરમાત્માના સ્વરૂપરૂપ મહામૂલું રત્ન પ્રાપ્ત કરવા સાધના કરે છે.
મરણ આંગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને...
મરજીવા મૃત્યુની પરવા કર્યા સિવાય સમુદ્રને તળિયેથી રત્નો લાવી પોતાની નિર્ધનતા ટાળે છે, પરંતુ તીરે-કિનારે ઊભા ઊભા ફક્ત આ તમાશો જોનારાને ફૂટી કોડી પણ મળતી નથી. તેથી તેઓ દુઃખિયા પણ મટતા નથી. એ રીતે 'अर्थं साधयामि वा देहं पातयामि' એ સૂત્ર મુજબ દેહ ભલે પડી જાય, પણ અર્થ (પરમાર્થ) સાધવો છે. એ પ્રકારની દૃઢતાવાળો શ્રદ્ધાવાન સાધક પ્રભુના સ્વરૂપમાં એકાગ્રતા સિદ્ધ કરવા માટેનો અસ્ખલિત પ્રયત્ન કરે છે. તે પ્રયત્નને અંતે પ્રભુનો અનુગ્રહ મેળવી પ્રભુના દિવ્યસ્વરૂપનો પોતાના ચૈતન્યમાં સાક્ષાત્કાર કરી સંસારનાં સઘળાં બંધનો, દુઃખો, દ્વંદ્વો, જન્મ-મરણનો ભય, માયા-મમતા વગેરેથી પર થઈ મુક્તદશા પ્રાપ્ત કરે છે. કેવળ વાચ્યાર્થ જ્ઞાનવાળા, અનેક શાસ્ત્રો કંઠસ્થ કરેલા પંડિતો વાદ-વિવાદ ને વિતંડાવાદમાં અભિરુચિવાળા, તેમાં જ સમય ને શક્તિનો વ્યય કરવાવાળા, શાસ્ત્રોના ઉપદેશને બીજા પાસે રજૂ કરવામાં કુશળ, પણ પોતાનાં જીવનમાં તેનો લક્ષ્યાર્થ કરવામાં પ્રમાદી, એવા ઉપલકિયા શુષ્કજ્ઞાનવાળા લોકોને કાંઠે ઊભા રહી તમાશો જોનારા તરીકે ગણ્યા છે. તેઓને કોઈ ફલસિદ્ધિ થતી નથી.
પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને
માંહીં પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને...
આગળ ઉપર જણાવેલ કેવળ વાચ્યાર્થ જ્ઞાનવાળા પ્રભુના સ્વરૂપમાં એકાગ્રતા સિદ્ધ કરી જોડાવાની સાધના કરવામાં કાયર હોવાથી તે માર્ગે પ્રયત્ન કરવામાં શિથિલ ને પ્રમાદી રહે છે. અંતઃશત્રુઓ સામેની લડાઈમાં, સંઘર્ષમાં નિર્બળ મન હોવાથી પાછા પડી જાય છે. તેઓ પ્રભુમાં પરાપ્રેમ-પરાભક્તિ પામી શકતા નથી. જેઓ આંતરબાહ્ય પ્રકૃતિ ઉપર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ મેળવી પ્રભુના દિવ્યસ્વરૂપમાં રસબસ લીન થાય છે અને પ્રભુ સંબંધી દિવ્ય, અવર્ણનીય મહાસુખ માણે છે. તેવા મુક્તોની સ્થિતિ જોનારા કેવળ વાચ્યાર્થ જ્ઞાનવાળાને તેઓની ઈર્ષા આવે છે, પરંતુ તે મુક્તો સરખી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તેઓ પુરુષપ્રયત્ન કરતા નથી.
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને
મહાપદ પામ્યા એ મરજીવા, મૂકી મનનો મેલ જોને...
પોતાના આત્મામાં પરમાત્માના દિવ્યસ્વરૂપનો સાક્ષાત્કાર કરી, પ્રભુનું પરમસાર્ધમ્ય પામી કૈવલ્યમુક્તની, અનાદિમુક્તની પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરવી એ જગતના સઘળા પુરુષાર્થોમાં સૌથી કઠીન ને સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ સિદ્ધ કરનારો સાધક પોતાના અંતઃકરણની બધી મલિનતા દૂર કરી, પરમાત્માના સ્વરૂપ સાથે તદ્રૂપ-તલ્લીન બની મહાપદ અર્થાત્ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરે છે. પોતાના આત્માને પરમાત્મારૂપ, પુરુષોત્તમરૂપ કરી તે દિવ્યસ્વરૂપ સંબંધી અખંડ, અવિનાશી, શાશ્વત સુખના ભોક્તા થવું એ મુક્તદશાની સર્વોચ્ચ સ્થિતિ છે. કૈવલ્ય-અનાદિમુક્તની એ સ્થિતિ જ મહાપદ અથવા પરમપદ છે. એ સ્થિતિ સંપાદન કર્યા પછી એ વ્યક્તિને કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી, તે પૂર્ણકામ છે.
રામઅમલમાં રાતા-માતા, પૂરા પ્રેમી પરખે જોને
પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દિન નિરખે જોને...
પ્રભુના સ્વરૂપમાં અખંડ રસબસ લીન રહેનાર, એ દિવ્ય કેફ ને મસ્તીમાં અખંડ ગુલતાન રહેનાર, પ્રભુની પરાપ્રેમ-પરાભક્તિ સિદ્ધ કરનારને જ આ અપૂર્વ સ્થિતિની અપરોક્ષાનુભૂતિ થાય છે. એવા મુક્તોને સચરાચર સમગ્ર વિશ્વમાં, અણું એ અણુંમાં પરમાત્માનું સ્વરૂપ જ વિલસી રહેલું અનુભવાય છે. તે સ્વરૂપ તથા તેમની અલૌકિક લીલા સિવાય બીજું કંઈ જ ભાસતું નથી. તેને માટે સારુંય વિશ્વ સત્-ચિત્-આનંદમય બની જાય છે. વિશ્વની દરેક ગતિ, સ્થિતિ, શક્તિ તેને પરમાત્માની લીલારૂપે જ જણાય છે. તેનો અખંડ દિવ્ય આનંદ તેઓ માણે છે. તેમની દૃષ્ટિમાં જગત પ્રપંચરૂપ, દુઃખરૂપ ને મિથ્યા નથી, પરંતુ આનંદરૂપ છે. સર્વત્ર પરમાનંદ સભર ભર્યો છે, એવી નિરંતર અનુભૂતિ તેને થાય છે.
મુમુક્ષુ સાધકે શૂરવીર બની પોતાના દોષો જીતી, સઘળી નબળાઈઓ ને નિર્બળતાઓને ખંખેરી નાંખી હિંમત ને ધૈર્યપૂર્વક પ્રભુપ્રાપ્તિ માટે અસ્ખલિત પુરુષપ્રયત્ન કરવો જોઈએ. શ્રદ્ધા ને ધૈર્યપૂર્વક એવા પ્રચંડ પુરુષાર્થ દ્વારા પ્રભુકૃપા ઊતરે છે ને એ અંતિમ ધ્યેય સિદ્ધ થાય છે એ નિશ્ચિત છે.
સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાની શ્રીમુખવાણી વચનામૃતમાં ભક્ત-સાધકને હિંમત રહિત વાત કરવા વિશે કેવાં ઠપકાનાં વચનો કહે છે તે જોઈએ -
"આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે; ને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે, ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે? માટે જેટલું પળે તેટલું પાળીએ ને ભગવાન તો અધમ-ઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જે, ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઇત્યાદિક જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહિ; સદા હિંમત સહિત જ વાત કરજ્યો; અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો, અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તે દિવસ ઉપવાસ કરવો."
(વચનામૃત ગ. પ્ર. પ્ર. 17)
અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રી પ્રભુનો સાક્ષાત્કાર પામવા ઇચ્છતા મુમુક્ષુને પોતાનો ધ્યેય સિદ્ધ કરવા માટે બોધનાં વચનો કહે છે :
'પ્રત્યક્ષ મહારાજ ને મુક્ત મળ્યા માટે અખંડ શ્રીજીમહારાજની મૂર્તિ અંતર્વૃત્તિએ ધારવી. તે ધારતાં ધારતાં તેજમાં મૂર્તિ દેખાય ત્યારે જે કરવાનું છે તે કર્યું કહેવાય. સત્સંગીને કથા, વાર્તા કરવી તે તો ચારો છે, પણ અખંડ મૂર્તિમાં (પ્રભુના દિવ્ય સ્વરૂપમાં) રહેવું તે જ કરવાનું છે. એ તો નક્કી કરવું જોઈશે. જ્યારે મહિમાની વાતો કરીએ, ત્યારે સૌને સારી લાગે અને ધ્યાન કરવાની વાતો કરીએ છીએ ત્યારે સૌ અટકી પડે છે. તે જેમ (યુદ્ધમાં) ઘવરાવવા લીધા હોય ને શું? તેમ થઈ જાય છે, પણ એ તો જરૂરાજરૂર કરવું જોઈશે. મૂર્તિની વાત કરીએ ત્યારે જાણે વજ્ર કમાડ દીધાં. જેમ છોકરો કુપાત્ર હોય તેને પોતાનો બાપ કહી કહીને થાકી જાય, પણ કહ્યું કરે નહિ, તેમ કહી કહીને થાકી ગયા તો પણ ધ્યાન કરતા નથી. જ્યારે ગોદો મેલે ત્યારે બે ડગલાં ચાલે ને વળી પાછો ઊભો થઈ રહે, તે પંથ કેમ કપાય? તેમ જ્યારે વાતો કરીએ, ત્યારે જીવમાં શેડ્ય આવે ને થોડીક વાર ધ્યાન કરે ને પાછું મૂકી દે. જીવ શૂનકાર થઈ ગયો છે, તે માર્ગે જ ચાલતો નથી. ને કોઠારું, ભંડારું, મહંતાઈ વગેરેમાં સારું લાગે, જે આપણા તડના ભંડારી કે મહંત થયા, પણ ધ્યાન કરવાની તો વાતેય નહિ ને કરવુંયે નહિ, પણ તે કર્યા વિના છૂટકો નથી.
'આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહિ કરે તો મહારાજના ને મોટાના ગુનેગાર થાશે. જો ધ્યાનનો આગ્રહ કરે તો છ મહિનામાં ઝળળળ તેજમાં મૂર્તિ દેખાય ને (આત્મામાં) સાક્ષાત્કાર થઈ જાય અગર છ મહિનાની માંહે પણ મૂર્તિ સિદ્ધ થઈ જાય. આ દેહે શું ન થાય? જે કરે તે થાય. બે મહિના ઠાકોરજીને ન જમાડીએ તો દેહ રહે નહિ, તે દેહ રાખવાનું જેટલું જતન છે તેટલું મૂર્તિનું જતન કરે તો મૂર્તિ સાક્ષાત્ થાય.' (આત્મામાં પરમાત્માના દિવ્યસ્વરૂપનો સાક્ષાત્કાર થાય.)
(અબજીબાપાશ્રીની વાતો, ભાગ-1, વાર્તા-167)