17

0:000:00

સાર્ધ-શતાબ્દી મહોત્સવના આ દિવ્ય પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન અને તેમના અનાદિ મુક્તરાજ બાપાશ્રીના આશીર્વાદ અને સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાવર્ષા સતત ચાલી રહી છે. આશીર્વાદ આપવા કે માગવાનો હવે કોઈ પ્રશ્ન જ રહેતો નથી. કૃપાવર્ષા ચાલુ ને ચાલુ જ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંકલ્પથી જેમને આ બ્રહ્માંડમાં દૃષ્ટિગોચર કર્યા એવા પરમ પૂજ્ય બાપાશ્રીએ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય કર્યું. સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય એ કે શ્રીજીમહારાજની મૂર્તિમાં યેનકેન પ્રકારેણ જીવોને જોડી દેવા અને ભગવાનના સુખે સુખિયા કરવા. તેમના દિવ્ય વિચરણની વાત વિસ્તૃત રીતે, સરસ રીતે અનાદિ મુક્તરાજ ભાઈ શ્રી રામકૃષ્ણભાઈએ કરી. બાપાશ્રીએ એમના જીવન દ્વારા ધાર્મિક અને સામાજિક બંને કાર્યો કર્યા. માત્ર સત્સંગી જ નહિ, પણ અન્યધર્મી તમામમાં એમણે પોતાના જીવનથી પરિવર્તન આણી દીધું.

જ્યારે બાપાશ્રી અમદાવાદ પધાર્યા ત્યારે એમની સાથે સંતવૃંદ હતું. હરિભક્તો પણ ઝાંઝ વગાડી કીર્તન ગાતા ચાલતા હતા; પણ શી ખબર કેમ આખા ગામને ખબર પડી ગઈ કે એવા એક જ પુરુષ અત્યારે છે કે જે ભગવાનની દિવ્ય મૂર્તિમાં રમે છે, કિલ્લોલ કરે છે. ભગવાનના અન્ય બધા ભક્તો છે, ધર્મપરાયણ છે, અનન્યનિષ્ઠાવાળા છે, ઉચ્ચસાધનદશાવાળા છે, પણ આ પુરુષની જોડ જોવા મળે એવું નથી. એ પુરુષ આવ્યા છે એવા સમાચાર સાંભળતા છાપરા ઉપર લોકો ચડી ગયા. સરસપુરની નજીકની સરસ્વતી વિદ્યાલય છે તેની અંદર જે બાળકો ભણતા હતા તેમને પણ છોડી મૂક્યા જોવા માટે. અને બધા જ બાપાશ્રીના દર્શન કરે, છાપરા ઉપરથી ફૂલની વૃષ્ટિ કરે, કુમકુમ નાખે અને કેટલાંક બાળકો કોર્ડન તોડીને અંદર ઘૂસી જાય ને કહે કે બાપા! ચાંદલો કરો! તો હાથમાં કંકુ રાખ્યું હોય તેનાથી બાપા ચાંદલો કરે. કંકુ ખૂટી ગયું. તો કેટલાક બાળકો આવે ને કહે કે કાંઈ નહિ ધૂળની ચપટીથી ધૂળનો ચાંદલો કરશો તો ય ચાલશે. બાપાશ્રીને તો કાંઈ ખબર નહિ. એ તો મહારાજની મૂર્તિની લક્ષસ્થિતિમાં હોય અને ધૂળનો ચાંદલો કરે ત્યાં કંકુનો ચાંદલો થઈ જાય! આ કોનો પ્રતાપ? ભગવાન સ્વામિનારાયણનો. આવા હતા ભગવાન સ્વામિનારાયણના અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી કે જેમનામાં સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રકાશી રહ્યા હતા અને આશીર્વાદ આપતા હતા. બાપાશ્રી તો મૂર્તિના સુખે સુખિયા હતા અને એ ભગવાનની મૂર્તિમાં સંલગ્ન રહેતા. એ આગળ ચાલતા જાય. સરસપુરથી કાળુપુર મંદિર આવતા દરમિયાન બેથી અઢી કલાક જેટલું ચાલ્યા. બાપાશ્રીને ગાડામાં બેસવા કહ્યું તો ય ન બેઠા. ગાડીમાં બેસવાનું કહ્યું તો ય ન બેઠા. એ તો પદયાત્રાથી ચાલવા લાગ્યા. અને ચાલતા ચાલતા એમનો દિવ્ય પ્રભાવ એવો કે લોકો જોઈ જ રહે. બધાને એમ થાય કે વાત તો સાચી છે કે આ પુરુષના દર્શન કરતાં અંતરમાં ટાઢું થઈ જાય. આ કંઈ થોડી વાત? ભગવાનના મુક્ત જેમાં સ્વામિનારાયણ ભગવાન પ્રકાશતા હોય ત્યારે એ ભગવાનની દિવ્યતા ચારેકોર પ્રસરી રહે એમાં શું નવાઈ? જો સૂર્યનો પ્રકાશ બધે પ્રસરતો હોય - સૂર્ય એક ભૌતિક પદાર્થ છે, ધગધગતો એક પ્રકાશિત ગોળો છે, તો પણ આખા વિશ્વ-આખી પૃથ્વીને પ્રકાશે છે - તો જેમાં ભગવાન સ્વામિનારાયણરૂપી દિવ્ય સૂર્ય પ્રકાશતો હોય એની દિવ્યતા સર્વત્ર પ્રસરી રહે એમાં શું નવાઈ? એ દિવ્યતા પ્રસરવામાં નાત્ય, જાત-કુજાત, નાના-મોટા એવું કાંઈ જોવાનો કોઈ સવાલ જ ક્યાં રહે? બધે એકલી દિવ્યતા પ્રસરી રહી હતી. આખું અમદાવાદ ધન્ય બની ગયું. આ એમનું દિવ્ય વિચરણ.

ત્યારે એ દિવ્ય વિચરણ દરમિયાન એમણે આંતરિક પરિવર્તન કરી નાખ્યું એના ઘણા દાખલા છે. એવી જ રીતે સામાજિક પરિવર્તન કર્યું કે પોતાના જીવન દરમિયાન સ્વામિનારાયણ ભગવાનની પ્રણાલિકા અનુસાર એમણે બધાની રહેણીકરણી શુદ્ધ કરી. બધા મહારાજની પ્રણાલિકા મુજબ વર્તતા હતા, પણ જે કંઈ કચાશ હતી એ કચાશ બાપાશ્રીના દર્શન કરતાં નીકળી ગઈ. એવી રહેણીકરણી બતાવી. અને આંતરિક અને બાહ્ય રીતે પણ બધાને શુદ્ધ કરી મૂક્યા. કચ્છ પ્રદેશના આ હરિભક્તો અહીં બેઠા છે એ જાણે છે કે તેમની જો આર્થિક સ્થિતિ અને આંતરિક જબરજસ્ત પરિવર્તન કર્યું હોય તો કોણે કર્યું તે અહીં બેઠેલા વિદેશી મહાનુભાવોને પૂછો. અને પૂછો કે તમને વિદેશ કોણે મોકલ્યા? બાપાશ્રીએ મોકલ્યા. બાપાશ્રીએ આશીર્વાદ આપ્યા તો અત્યારે તમે જુઓ છો કે એક ફૂટ અદ્ધર ચાલે એવા દિવ્ય પ્રભાવથી આ બધા હરિભક્તો ચાલે છે. એમને ભગવાન સ્વામિનારાયણનું બળ છે. અને એ બળ કોણે આપ્યું? પરમ પૂજ્ય જીવનપ્રાણ બાપાશ્રીએ આપ્યું. જીવનપ્રાણ કોને કહેવાય? કે જે અનાદિમુક્તમાં ભગવાન સ્વામિનારાયણ પ્રકાશે તે આપણા જીવનપ્રાણ. એનો અર્થ એ કે ભગવાન જીવનપ્રાણ. મહારાજ અને તેમના મુક્તો એ આપણા જીવનપ્રાણ. આપણો શ્વાસોશ્વાસ, આપણું આખું જીવન એ આ જીવનપ્રાણને આધારે ચાલે છે. મહારાજ અને મુક્તોના પ્રતાપે.

અને આ તમે જુઓ તો ખરા! અત્યારે આ મહોત્સવ કેટલી સરળતાથી શીતળતા પાથરીને અને કોઈ પણ જાતના પ્રયાસ વગર ચાલી રહ્યો છે! It is running very smoothly. તમે જુઓ છો કે ખુશનુમા વાતાવરણ કેવું છવાઈ રહ્યું છે! ભગવાન સ્વામિનારાયણના અનાદિ મહામુક્તરાજના આ સાર્ધ-શતાબ્દી મહોત્સવે આવું દિવ્ય વાતાવરણ થઈ રહ્યું છે. ગામોગામથી સંતો પણ ખેંચાઈ આવ્યા. કોણે ખેંચ્યા? ભગવાન સ્વામિનારાયણે ખેંચ્યા. શા માટે? કે મારા મુક્તનો મહોત્સવ મારે ઉજવવો જોઈએ જીવોના સર્વોત્તમ ઉદ્ધારને માટે. તમે જોઈ શકો છો કે આટલા સંતો છે. બ્રહ્મનિષ્ઠ સંતો. એમની વાણી કેટલી સરસ હતી! તેમણે ખરેખર મને જે ખબર નહોતી તેવી માહિતી, તેવું બાપાશ્રીનું જીવનદર્શન આ સંતોએ કરાવ્યું. હું તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયો કે આ શું! આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ. પોતાના અનાદિ મુક્તરાજના આ સાર્ધ-શતાબ્દી મહોત્સવ ઉપર કેટલો રાજીપો! કેટલી કૃપાવર્ષા!

તમે જુઓ છો કે ગામોગામથી બધાને પ્રેરણા થઈ ચૂકી, બધા આવી ગયા. પ્લેગ પણ એવો રોગ કે સંવત 1958 થી 1964 એમ છ વર્ષ સુધી પ્લેગ ભારતમાં ચાલ્યો હતો. એ એવો પ્લેગ કે ઘડીકમાં ઊંઘી જાય, ઘડીકમાં જાગે. તો મહોત્સવ પહેલાં સ્વામિનારાયણ ભગવાને જોયું કે જો આવો પ્લેગ મહોત્સવ પહેલાં જતો નહિ રહે તો સર્વોત્તમ ઉદ્ધારનું જે મારું કામ આ મહોત્સવ પ્રસંગે મારે કરવાનું છે એ રહી જશે. એટલે મહારાજે પ્લેગને રજા આપી દીધી અને વિશ્વની આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું કે ભારતમાં કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ગામમાં પ્લેગનું નામ-નિશાન નથી રહ્યું એવી વર્તમાનપત્રમાં જાહેરાત કરી દીધી. અને બધા તૈયાર થઈ ગયા કે પ્લેગ ગયો... પ્લેગ ગયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ અને તેમના અનાદિ મહામુક્તરાજ દિવ્યસ્વરૂપ બાપાશ્રીનો મહોત્સવ. એમાં શું કહેવાનું હોય? અરે! કેટલો વરસાદ વરસ્યો! આવો વરસો પહેલાં થયેલો, પણ એ વરસાદે આ વરસાદ જેવું પરિણામ આણ્યું નહોતું. આ વરસાદે દુકાળ કાઢી મૂક્યો. ત્રણ વરસ સુધી દુકાળ ન થાય એટલું પાણી ભરી દીધું. ચારેકોર ગામોગામ કૂવા ઊભરાઈ ગયા હતા. પાતાળ સુધી બધા ભરાઈ ગયા. છેક સુધી. પૂછો આ ગામોગામથી પધારેલા હરિભક્તોની સાક્ષી. કે તમારા ગામમાં કૂવાઓ ભરાઈ નથી ગયા એવું બન્યું છે? પાણીથી છલકાય છે? તમારા ગામમાં ઓણ પાક પાક્યો છે અને તમે નિર્વિઘ્ને અહીં આવી પહોંચ્યા છો? ભગવાન સ્વામિનારાયણ આ મહોત્સવ ઉજવી રહ્યા છે. અને પોતાના સંત-હરિભક્તોને અહીં ખેંચી રહ્યા છે. હજી તો આ સભામંડપ ટૂંકો પડશે મને તો એવું લાગે છે. કારણ કે આ તો નવ દિવસનો પ્રોગ્રામ.

અને કેટલા માઈલો સુધી કચ્છની સૂકી રણભૂમિ તેમાં આ રળિયામણો દેશ, રળિયામણી જગ્યા, નૈમિષારણ્યક્ષેત્રરૂપ જગ્યા. જુઓ તો ખરા બાપાશ્રીનો પ્રતાપ! આ પ્રતાપ કોનો? અરે! જેની મૂર્તિમાં સંત અખંડ સુખમાં રહ્યા તો આશીર્વાદ આપનારા ભગવાન પોતે જ થયાને? શું ખામી? ત્યારે ભગવાન કહે છે કે મારા મહોત્સવ કરતાં મારા મુક્તનો મહોત્સવ હું વધારે સારી રીતે ઉજવું. કારણ કે એણે મને વશ કરી લીધા છે. ભગવાન એટલા રાજી છે. એટલા બધા રાજી કે 'સંત તે મારી મૂરતિ રે તેમાં ફેર નહિ એક રતી રે.' આટલો બધો રાજીપો. એક રતીનોય ફેર નહિ. આ કંઈ થોડી વાત?

ત્યારે બાપાશ્રીએ જે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઊર્ધ્વગમન કરીને લોકોને મહારાજની મૂર્તિના સુખે સુખિયા કરી સર્વોપરી પરમાત્મતત્ત્વમાં જોડી અને જે કામ કર્યું તે પગલે ચાલી અને આપણે એ કામ-એ સેવા બજાવવાની છે ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા અર્થે. તો જ આ મહોત્સવમાં આવ્યાની સાર્થકતા. બાપાશ્રીનું એક વચન છે કે ઉત્સવ-મહોત્સવ તો થયો પણ મહારાજની મૂર્તિ સામે નજર રહી ખરી? આ મહોત્સવની ફળશ્રુતિ એ કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સતત અનુસંધાન રહે. મૂર્તિમાં રહીને ક્રિયા થાય એવી રીતે આ મહોત્સવ માણીએ. અને ભગવાનના આશીર્વાદ તો વરસે જ છે પછી ક્યાં આપવાની કે માગવાની એવી કોઈ જરૂરિયાત? છતાં પણ આપણે ભગવાનની એક સેવક તરીકે એક પ્રાર્થના બધા કરીએ કે આવી ને આવી કૃપાવર્ષા મહાપથારી સુધી કરજો. ભગવાન સ્વામિનારાયણ ભગવાનની જય!, તેમના અનાદિ મહામુક્તરાજ દયાળુ પરમ પૂજ્ય બાપાશ્રીની જય! અને એમને વરેલા, એમની સાથે રહીને જેમણે ભગવાન સ્વામિનારાયણનું અમોઘ કાર્ય કર્યું એવા સદ્‌ગુરુઓ અને આ સ્થાનને જેમણે ખૂબ વિકસાવ્યું એ આપણા વાત્સલ્યમૂર્તિ, આપણા લાડીલા એવા પરમ પૂજ્ય અનાદિ મહામુક્તરાજ સદ્‌ગુરુ મુનિસ્વામી પુરાણી સ્વામી એમની જય!. એમને મુનિ કહ્યા! બોલ્યા વગર કામ થાય! બોલ્યા વગર કામ કરે! એમને જુએ તો ય એમ થાય કે આ તો મૂર્તિની મસ્તીમાં ચાલે છે. એવા એ સદ્‌ગુરુને લાખો વંદન કરી અને હું વિરમું છું.


સારાંશ

અનાદિમુક્તનું એક જ કાર્ય હોય કે ગમે-તે રીતે જીવો મૂર્તિમાં આવે. સત્સંગી કે બિનસત્સંગીમાં પણ તેઓ પોતાના જીવનથી પરિવર્તન લાવી દે છે. બાપાશ્રીને મહારાજે પોતાના સંકલ્પથી મોકલ્યા હતા. આથી લોકો તેમના પ્રભાવ હેઠળ આવ્યા વગર રહી શકતા નહિ. તેમના દર્શન માત્રથી લોકોના જીવમાં ટાઢક થતી, તેમનામાં આંતરિક પરિવર્તન આવી જતું. આંતરિક અને બાહ્ય બંને રીતે બાપાએ જીવોને શુદ્ધ કર્યા. અનાદિમુક્તના જોગ-સમાગમથી એક અનેરું બળ પ્રાપ્ત થાય છે. ભગવાન તથા તેમના અનાદિમુક્ત આપણા જીવનપ્રાણ બનવા જોઈએ.

અનાદિમુક્તના પ્રસંગ પહેલા વાતાવરણમાં અને સર્વત્ર સાનુકૂળતા છવાઈ જાય છે. કારણ કે મુક્તમાં રહી ભગવાન પોતે આશીર્વાદ આપે છે. પોતા કરતા પોતાના મુક્તના ઉત્સવો ભગવાનને વધુ વહાલા છે. ઉત્સવ-સમૈયા કરતાં વૃત્તિ મહારાજમાંથી ખસવી જોઈએ નહિ, તો જ એની ફળશ્રુતિ ઉત્તમ પ્રાપ્ત થાય.