5
આ દિવ્ય સભાને કોટાન કોટી વંદન કરી ધન્યતા અનુભવું છું.
આજે શ્રીમુખવાણી વચનામૃત જયંતી છે અને સાથે સાથે અનાદિમુક્ત સોમચંદભાઈની પુણ્યતિથિ પણ છે. એટલે આ દિવસે આપણે મહારાજના મહામુક્તોનું પણ સાથે સ્મરણ કરીશું. ભગવાનના મહામુક્તોને યાદ કરવાથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સહેજે આપણને સાંભરે છે. એટલે આજે તો આ દોઢ-બે કલાક મહારાજની મૂર્તિરૂપ થઈને, મહારાજની મૂર્તિને બે કલાકમાં સિદ્ધ કરી લઈએ તો આજનો દિવસ બરાબર ઉજવાયો કહેવાય. મહારાજ કહે મારી મૂર્તિના સંબંધ વિનાની કથા-વાર્તા, વિદ્યા ભણવી એ બધું જ નિર્બીજ છે. સબીજ ન ગણાય. ભગવાનના સંબંધવાળી બધી જ વાર્તા, કથા-વાર્તા, ઉત્સવ સમૈયા એ બધું જ ભગવાનના સંબંધવાળું હોય તો સબીજ કહેવાય, અને નિર્ગુણ કહેવાય. ત્યારે આપણી બધી જ ક્રિયા, બધી જ પ્રવૃત્તિઓ નિવૃત્તિ કર્મ અને પ્રવૃત્તિ કર્મ બધાય ભગવાનની મૂર્તિના સંબંધવાળા થવાં જોઈએ.
આજે આ વચનામૃત જયંતીનો દિન છે એ આપણા બધા ઉપર ભગવાનની કૃપા ઊતરે અને સહેજે ભગવાનની દિવ્ય મૂર્તિનો સંબંધ રહે એવું થાય એવી આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને આ બધી જ કથા-વાર્તાનો કાર્યક્રમ કરવા મળે છે અને અહીંયા તો જે બધા મુક્તો છે એ બધા જ મૂર્તિના સંબંધવાળા છે. અને આ દિવસે તો મહારાજની કૃપા આપણા પર સહેજે ખૂબ ઊતરે કારણ કે આ વચનામૃત જયંતી છે. એ દિવસનો મહિમા અગાધ છે. ત્યારે દિવસનો પણ મહિમા છે. એ આધારે કે આજે ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી આ વાણી સરે છે. અને સારાય બ્રહ્માંડને પાવન કરી દીધું. આ દિવ્ય વાણીના આંદોલનો સારાય બ્રહ્માંડમાં પ્રસરે છે. એ પાત્રતા જેને થાય છે તેના ચૈતન્યમાં આ વાણીના આંદોલનો ગુંજે છે. જેમ રેડિયોની અંદર અમુક પ્રકારની વેવલેંથ હોય તો એ આંદોલનોનો સ્પર્શ થાય છે. તેમ જે-જે જીવો ભગવાન સન્મુખ વળે છે, ભગવાન સ્વામિનારાયણને ઓળખે છે, તેના ચૈતન્યમાં આ વાણીના આંદોલનો ગુંજે છે અને એને દિવ્યરૂપ કરી મૂકે છે. આપણે હવે સંગીતનો કાર્યક્રમ આગળ ચલાવીએ. આ એટલા માટે જ કહ્યું કે કેટલાક લોકોને ખબર ન હોય કે આજે વચનામૃત જયંતી છે.
મહારાજે પોતાની મૂર્તિ સિદ્ધ થવાનો સરસ ઉપાય બતાવ્યો. નેત્ર મારી મૂર્તિ સિવાય બીજું કાંઈ જ જુવે નહિ એ રીતે વૃત્તિ સ્થિર રાખવી જોઈએ. જેમ બાળક છે એ કામમાં પરોવાઈ જાય તો પછી એના નેત્રની વૃત્તિ બરોબર એમાં રહે છે. કારણ કે એની વૃત્તિઓ ફેલાયેલી નથી. એમ આપણી નેત્રની વૃત્તિ મહારાજની દિવ્ય મૂર્તિને વિશે એકાગ્રિત રાખવાની. દર્શન કરવા તો એવા કરવા કે જેથી એ મૂર્તિરૂપ થઈ જવાય. સારંગપુરના બીજા વચનામૃતનો મુખ્ય સાર મહારાજની દિવ્ય મૂર્તિ સિદ્ધ કરવી એ છે. સિદ્ધદશા પ્રાપ્ત તો જ થાય કે મહારાજની મૂર્તિ નીરખતાં બીજું કાંઈ નજરમાં ન આવે. મનમાં પણ કોઈ વસ્તુ સ્ફૂરે નહિ. જો ભગવાનને વિશે લગની લાગી હોય. બાપાશ્રીએ એમ કહ્યું કે દિવ્ય મહિમાએ સહિત મહારાજની મૂર્તિનો મહિમા જો સમજાણો હોય તો મનની વૃત્તિ મહારાજમાં સ્થિર રહે. સારનો સાર એ કે ભગવાનની મૂર્તિમાં જો જોડાઈ જવાય તો બધું જ થઈ ગયું. કાંઈ કરવું બાકી રહેતું નથી. તો પછી મૂર્તિમાં લગની લગાડીને એમાં જ ન જોડાઈ જઈએ? શા માટે બીજું બધું કરવું જોઈએ? કથા-વાર્તા એ તો ચારો છે. એ એટલા માટે કરવો પડે છે કે જેમ દેહને દરરોજ નવડાવવો પડે જો ન નવડાવો તો વળી અશુદ્ધ થઈ જાય. એમ આ જીવનો સ્વભાવ એવો છે કે દરરોજ કથા-વાર્તા-જ્ઞાનવાર્તારૂપ ગંગામાં નવરાવવો પડે. જ્યારે એને નવરાવવો ન પડે ત્યારે એને સિદ્ધ દશા આવી કહેવાય. ત્યારે કથા-વાર્તાની જરૂર પણ ન રહે. ભગવાનમાં વૃત્તિ રહ્યા જ કરે બસ એ જ આનંદ એ જ સુખ. આવી દિવ્ય મનોહર મૂર્તિને જોઈને બીજું સંભારવાનું કેમ ગમે? કેવી મનોહર મૂર્તિ!
આ લોકમાં જુઓે બધા કાશ્મીર જાય, બાગ-બગીચામાં જાય ને બધું નવીન જુએ, ફૂલો જુએ ને એ જોઈને હરખાય. ત્યારે એ બધી સુંદર વસ્તુઓ આગળ મન બીજે જતું નથી. તેમ ભગવાનની મનોહર મૂર્તિ કે જેના સૌંદર્ય આગળ કોઈ સૌંદર્ય હિસાબમાં નથી. એવું જ્ઞાન જો આપણને થાય તો મહારાજની મૂર્તિ વિશે લગની લાગે. બીજું રૂપ જોવું ગમે નહિ. એના જેવું રૂપ બ્રહ્માંડમાં ક્યાંય છે જ નહિ પછી ક્યાં રહ્યું? એવું એ દિવ્ય સ્વરૂપનું મનોહર રૂપ છે.
બ્રહ્માનંદ સ્વામી એ મૂર્તિના કીર્તન ગાતા હતા. ત્યારે આપ તો સૌ જાણો છો, કે એક હરિભક્તને વિચાર થયો કે બ્રહ્માનંદ સ્વામી મહારાજની મૂર્તિનું વર્ણન કરે છે તેવા મહારાજ રૂપાળા નથી. તો બ્રહ્માનંદ સ્વામી મહારાજનું આટલું બધું મનોહર રૂપ કેમ વર્ણન કરે છે? શું કારણ? કવિ છે એટલે અતિશયોક્તિ કરે છે? તો ભાઈ, આ ભક્ત તો ઘેલા જેવા, સમજે નહિ બીચારા, ભોળા. તો મહારાજને જ સીધું પૂછ્યું, "કે મહારાજ! તમે એટલા બધા રૂપાળા તો નથી જેટલા બ્રહ્માનંદ સ્વામી તમને વર્ણવે છે. મહારાજ એનું કારણ શું? બ્રહ્માનંદ સ્વામી કેમ તમને એવા વર્ણવે છે?" મહારાજ કહે, "એ તો મને પણ ખબર પડતી નથી. તમે બ્રહ્માનંદ સ્વામીને જઈને પૂછજો એ એનો ઉત્તર આપશે." ત્યારે કહે, "મહારાજ, ક્યારે જાઉં?" મહારાજ કહે, "ચાર વાગે જ્યારે માનસી પૂજા કરીને ઊઠે ત્યારે તમે સ્વામીને પૂછજો." પછી એ ભક્ત તો ઉપડ્યા ચાર વાગે. સ્વામી ધ્યાનમાં બેઠા હતા. માનસી પૂજા કરીને ઊઠ્યા પછી ભગવાનને પ્રસાદી ધરાવીને આપી અને પૂછ્યું કેમ આવ્યા ભક્તરાજ? ત્યારે કહે, "હું તો તમને એક પ્રશ્ન પૂછવા આવ્યો છું." સ્વામી કહે, "હા પૂછો." ભક્ત કહે, "મહારાજે મોકલ્યા છે." સ્વામી કહે, "એમ! મહારાજે મોકલ્યા છે? પૂછો-પૂછો એવો શું પ્રશ્ન છે તમારો?" ભક્ત કહે, "આજે તમે મહારાજના નેણના વર્ણન કરતા હતા, મહારાજના મુખારવિંદના અને મૂર્તિનું વર્ણન કરતા હતા ત્યારે હું મહારાજની મૂર્તિ સામે જોતો હતો. મહારાજ તો એવા રૂપાળા મને લાગતા નહોતા. તો તમે એવું વર્ણન શા આધારે કર્યું?" બ્રહ્માનંદ સ્વામી હસવા લાગ્યા. પછી સ્વામીએ એમને કહ્યું, "કે ભક્તરાજ, મહારાજે તમને મારી પાસે મોકલ્યો છે એ તો બરાબર છે, પણ તમે મહારાજને જઈને જ એમ પૂછોને, કે બ્રહ્માનંદ સ્વામી જેવા તમને દેખે છે એવા હું તમને ક્યારે દેખીશ?" પછી ભક્ત મહારાજ પાસે આવ્યા. કહે, "મહારાજ, બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે એ જેવા તમને દેખે છે એવા હું તમને ક્યારે દેખીશ એનો ઉપાય આપ બતાવો?"
મહારાજ કહે, "એવા દેખાવાને માટે તમે બ્રહ્માનંદ સ્વામીને જ પૂછો કે તમે મહારાજને જેવા દેખો છો એવા શા ઉપાયે દેખ્યા?" તો વળી પાછા ભક્તરાજ બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા. અને મહારાજે જે કહ્યું એ જ પ્રશ્ન પાછો પૂછ્યો, "કે તમે મહારાજને કેવી રીતે દેખ્યા? તમે મને ઉપાય બતાવો." પછી બ્રહ્માનંદ સ્વામી કહે, "ભાઈ, તમે મહારાજની સેવામાં રહી જાઓ એ એનો ઉપાય છે." સારું. ત્યારે એ ગયા મહારાજ પાસે, "મહારાજ ઉપાય બતાવ્યો. તમારી સેવામાં રહી જવાનું કહ્યું." પછી પાછા પોતે જ કહે છે, "મહારાજ, તમારી સેવામાં તો મૂળજી બ્રહ્મચારી, ભગુજી બધા રહ્યા છે. મને કેવી રીતે તમારી સેવામાં રાખશો? મારે તમારી શું સેવા કરવાની?" મહારાજ કહે, "અમારી સેવાનો તો તોટો જ નથી. તમારે સેવા કરવી છે?" તે કહે, "હા મહારાજ, સેવા કરવી છે." મહારાજ કહે, "જાવ ત્યારે આ બધા ખાડા છે ને એ ખાડા દરરોજ સવાર-સાંજ સાફ કરવાના. કરશો?" તો કહે, "હા મહારાજ કરીશ." "રાજી થઈને કરશો? ગમશે ને? ત્યાં તો બધી દુર્ગંધી આવે તમને ગમશે ને?" ભક્ત કહે, "મહારાજ, મને દુર્ગંધ નહિ આવે. હું તો સાફ કરીશ. દરરોજ સાફ કરીશ." મહારાજ કહે, "કચરો પૂંજો?" તો કહે, "એ પણ કરીશ. એ થઈ જાય પછી શું કરવાનું?" મહારાજ કહે, "એ પતી જાય પછી મંદિરમાં જ્યાં-જ્યાં કચરો-પૂંજો હોય એ બધો તમારે સાફ કરવાનો ક્યાંય કચરો રહેવા નહિ દેવાનો. બધી સાફ-સૂફી કરવાની. પછી કોઈ સંતના કપડાં મેલા-ઘેલા દેખાય તો માંગી લેવા કે લાવો હું ધોઈ આપું. તમારે આ જ કાર્ય કરવાનું બીજું કાંઈ કરવાનું નહિ. આ સેવા કરવાની." ભક્ત કહે, " સારું મહારાજ. મહારાજ આ સેવા ક્યાં સુધી કરવાની?" મહારાજ કહે, "જ્યાં સુધી બ્રહ્માનંદ સ્વામી જેવા મને દેખે છે એવા તમે દેખો ત્યાં સુધી." ભક્ત કહે, "હા. સારું મહારાજ."
ભક્તની શ્રદ્ધા જબરી એટલે કાંઈ સંકલ્પ થાય નહિ. મૂઢ ભક્ત હતા. સેવામાં લાગી ગયા. દરરોજ બધા ખાડા સરસ સાફ કરે. ખાડા ચીકાશવાળા હોય તો કોઈ વાર લપસીને પડી પણ જાય. તો ઊભા થઈ પાછા ઘસવા લાગે. એમ થાય કે એવા સાફ કરું કે ચીકાશ જ ન રહે. તો સાફ કરવા પથ્થર અને નારીયેલના છોતાં બધું લઈને બરાબર સાફ કરે. સાધુ-સંતો વાત કરે કે ખાડા કોણ સાફ કરે છે? તો કોઈએ આ ભક્તની વાત કરી. ઓ...હો બહુ સારું કહેવાય. ભક્ત ખાડા એવા સાફ રાખે કે લીલ જામે નહિ, ચીકાશ થાય નહિ. બસ સદાય એમ સેવા કરે. મહારાજે સોંપેલી બધી સેવા બરાબર કરે. બધી સેવા કરીને બાર મહિના થયા પછી મહારાજ પાસે ગયા. મહારાજને કહે, "મહારાજ, હવે તમે જેવા છો એવા સ્વરૂપના મને ક્યારે દેખાશો?" મહારાજ કહે, "એ તો મેં તમને કહ્યું જ છે. હું ભગવાન ખરો કે નહિ?" ભક્ત કહે, "હા મહારાજ. તમે ભગવાન ખરા." મહારાજ કહે, "તો મને નહિ ખબર પડતી હોય કે હું જેવો છું એવો તમને ક્યારે દેખાઉં? જાઓ ત્યારે ફરી સેવામાં લાગી જાઓ." ત્યારે ભક્ત કહે, "સારું મહારાજ."
બાર મહિના સેવા કરે ને વળી પાછા મહારાજ પાસે આવે ને પૂછે. અને વળી મહારાજ એને એ જવાબ આપે. આમ પાંચ-છ વર્ષ સુધી સેવા કરી. મહારાજ પાસે પાછા ગયા એનો એ પ્રશ્ન. મહારાજે એ જ ઉત્તર આપ્યો. પાછા ઉમંગથી કરતા ગયા કે સેવા કરતાં-કરતાં જ મહારાજ દર્શન આપશે. તો એક વખતે ખાડો ધોતા-ધોતા પગ ખસ્યો ને પડ્યા. પડ્યા એવા મૂર્છા આવી. અને મૂર્છા આવી એવા જ મહારાજના દિવ્ય દર્શન થયા. મહારાજના એવા દિવ્ય દર્શન થયા કે પછી એમ બોલ્યા કરે, ઓ...હો...હો, ઓ...હો...હો એમ જ કર્યા કરે. આપણા જેવા કોઈક ત્યાં આવ્યા ને અવાજ સાંભળ્યો કે આમ કોણ કરે છે? જોયું તો ભક્ત ખાડામાં એમ ને એમ પડ્યા-પડ્યા બોલ્યા કરે છે. બીજાને કહ્યું પેલા ભક્ત ખાડામાં પડી ગયા છે ને વાગ્યું છે તે આ...હા...હા કરે છે ને હસે છે આમ કેમ કરે છે? ગાંડા થઈ ગયા છે કે શું? ખાડામાંથી કાઢી તેમને પૂછ્યું કે ભક્ત આમ કેમ કરો છો? તો પણ આ...હા...હા એમ જ કર્યા કરે. એમને તો મૂર્તિને જોઈને અહો! અહો! થઈ ગયું.
હવે ખબર પડી કે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કેવા દેખે છે. બધા કહે પણ શું થયું? અરે બધું ઓ... હો... હો... તેઓ મહારાજના દિવ્ય સ્વરૂપે દર્શન કરતા હતા. પછી પાછા મહારાજ પાસે આવ્યા હોં. મહારાજને કહે, "મહારાજ, હવે ખબર પડી ગઈ હોં. તમે કેવા છો હોં. બ્રહ્માનંદ સ્વામીનું વર્ણન કાંઈ હિસાબમાં નથી. તેમને તમારું વર્ણન કરતાં નથી આવડતું." મહારાજ કહે, "તો તમે કરો." ત્યારે કહે, "શું કરું ઓ...હો...હો આ જ વર્ણન. એના સિવાય તમારી મૂર્તિનું વર્ણન થઈ શકે તેમ નથી." એવો જવાબ એમણે આપ્યો. ઓ...હો...હો સિવાય બીજું કાંઈ બોલી શકાય નહિ. ત્યારે એમનો એ જવાબ હતો. મહારાજની મૂર્તિનું દિવ્ય દર્શન કેવું હોય, તેના વર્ણન માટેના શબ્દો આ લોકમાં ન જડે, છતાં બ્રહ્માનંદ સ્વામીએ આ લોકના શબ્દોમાં એનું વર્ણન કર્યું. નહિ તો આ ભક્તરાજની જેમ ઓ...હો...હો થાય. જે-જે મહારાજની મૂર્તિના સુખને પામ્યા, સાક્ષાત્કાર થાય એટલે આવું થાય. બસ આવી જ વાત. ભક્તરાજે કહ્યું એમ ઓ...હો...હો એ જ વર્ણન. જાણે એ માણે અને માણે એ બોલે નહિ. કારણ કે વર્ણન થઈ શકતું નથી. માટે મહારાજે સારંગપુરના બીજા વચનામૃતમાં દિવ્ય મૂર્તિ સિદ્ધ કરવા માટે આ કહ્યું. જો આ સમજાય તો લગની લાગે કે નહિ? પેલા ભક્તને જુઓ કેટલી સેવા કરી? આખો દિવસ સેવા કરે. નહિ તો આખો દહાડો કરીને કંટાળી જ જાયને? છ-છ વર્ષ સુધી કામ કરે પાછા. નહિ તો એમ થાય કે મૂકો લપ મહારાજ તો ક્યારેય દર્શન દેશે? એમ જો સેવા કરતાં દેહ છૂટી જાય તો કામ પતે નહિ.
મહારાજની મૂર્તિ સિદ્ધ કરવા માટે ખૂબ ધીરજ જોઈએ. મૂર્તિ દેખાય કે ન દેખાય એની સામે જોઈ રહીને મૂર્તિ અંગોઅંગ નીરખવાની. અંગોઅંગ ચિત્તમાં ઉતારવાના. અને એ મૂર્તિ સદાકાળ આપણને દેખાય એવી રીતે મહારાજે સારંગપુરના વચનામૃતમાં એકાગ્રતા કહી. મહારાજની મૂર્તિની એવી એકાગ્રતા કરવી કે એ મૂર્તિ સિવાય બીજું કાંઈ દેખાય જ નહિ. અર્જુનને જેમ મત્સ્યની આંખ સિવાય કાંઈ દેખાણું નહિ, એમ મહારાજની મૂર્તિ સિવાય આજુ-બાજુનો કોઈ ભાગ ન દેખાવો જોઈએ. મૂર્તિ જ દેખાવી જોઈએ. મૂર્તિની આજુ-બાજુની જગ્યા પણ ન દેખાવી જોઈએ. નેત્ર નીરખતા હોઈએ ત્યારે નેત્રમાં જ વૃત્તિ ચોંટી જવી જોઈએ. એમ મહારાજના એકે-એક અંગમાં એવી વૃત્તિ ચોંટાડી દેવી કે મૂર્તિ ઘડીકમાં સિદ્ધ થઈ જાય. તો આવી સ્થિર વૃત્તિથી મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ તો મૂર્તિ સિદ્ધ થતાં વાર લાગતી નથી.
સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, કે મહારાજ, તમારી આજ્ઞાની હદ ક્યાં સુધી? મહારાજ કહે, "મારી આજ્ઞાની હદ મૂર્તિ ભૂલાય નહિ ત્યાં સુધી. મૂર્તિ ભૂલાય ત્યાં સુધી આજ્ઞા લોપી કહેવાય." ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યું, "મહારાજ, તમારી મૂર્તિ ન ભૂલાય એનો ઉપાય ખરો?" મહારાજ કહે, "ચોવીસ કલાક નિર્વિકલ્પ થઈને જો એકે ઘાટ-સંકલ્પ વગર અમારી મૂર્તિમાં વૃત્તિ રહે તો ચોવીસ કલાકમાં અમારી મૂર્તિનો સાક્ષાત્કાર થાય." સચ્ચિદાનંદ સ્વામી તો પાત્ર હતા, એટલે એમણે તરત જ મૂર્તિમાં વૃત્તિ ચોંટાડી દીધી. હવે તો ચોવીસ કલાક થાય એ જ. ત્યાં જ એક ભક્તરાજ આવ્યા કહે, "ચાલો તમારું દળવાનું કામ તમારા માટે મહારાજે તૈયાર રાખ્યું છે, ચાલો, તમે ચાલો." તો આંખો મીંચીને મૂર્તિમાંથી વૃત્તિ ખસે નહિ પાછી હોં. મહારાજે કહ્યું ચોવીસ કલાક વૃત્તિ ખસેડવાની નહિ. માટે આંખો મીંચીને ચાલે. પેલા કહે, "શું જ્યાં-ત્યાં અથડાય છે? પડતા-આખડતા નહિ. તમે સરખા ચાલોને." એમ કહે પણ સ્વામી તો મહારાજની મૂર્તિને જોયા કરે. મૂર્તિમાંથી વૃત્તિ જરાય ખસેડે નહિ. પછી દળવા માટે ગયા. હાથમાં દાણા લઈને ઓરે તો બહાર નીકળે. તેથી પેલા ટપલા મારે કે સરખું દળતાં પણ નથી આવડતું. જોઈને નાંખને? ત્યારે કહે, "સારું, સારું." એમ કહીને દાણા નાંખે, પણ મહારાજની મૂર્તિમાંથી વૃત્તિ ખસેડે નહિ. ચોવીસ કલાક સુધી મહારાજના કહ્યા પ્રમાણે મૂર્તિમાં સ્થિર વૃત્તિ રાખીને એમણે ભગવાનના દર્શન કર્યા. જો આવી વૃત્તિ સ્થિર થઈ જાય તો એક પળમાં દર્શન થાય. વૃત્તિ સ્થિર થવા માટે પ્રસન્નતાના સાધન કરવા પડે. પ્રસન્નતાના સાધન કરતાં-કરતાં મહારાજની મૂર્તિમાં વૃત્તિ સ્થિર થશે.
હવે આપણો કાર્યક્રમ આગળ ચલાવીએ અને મહારાજના બ્રહ્માનંદ સ્વામી તથા પ્રેમાનંદ સ્વામીના કીર્તન બોલો.
(સોમચંદ બાપા વિશે કહે છે.) એમના જીવનમાંથી ઘણું બધું રહસ્ય જાણવાનું મળશે. એમનું જીવન મહારાજની મૂર્તિરૂપ હતું. એમનું જીવન જ અધ્યાત્મ હતું. ત્યારે અહીંયા બધા એમના એક-એક પ્રસંગ કહે તો ઘણું સારું. હું એમના ઘણા જીવન પ્રસંગો જાણું છું. એક ટૂંકો પ્રસંગ બે-ત્રણ મિનિટમાં હું કહું. ત્યાર પછી તમે બધા શરૂઆત કરો. એ પ્રસંગનો દરેકને ખૂબ અનુભવ થયો હશે. હું એક પ્રસંગ કહું છું. લગભગ એમનું 68 કે 69મું એમનું વર્ષ ચાલતું હતું. ત્યારે જે આ બે પગ હોય એના ઢીંચણની અંદરની ઢાંકણીઓ ઘસાઈ ગઈ હતી. હવે જો વધુ ચાલે તો એમનો પગ સજ્જડ થઈ જાય. એટલે વધુ ચાલવાની ડૉક્ટરે ના પાડી. પછી તેઓ અમદાવાદ આવેલા ત્યારે એ વાત નીકળી. ત્યારે મેં તેમને કહ્યું કે હવે તમે એક જગ્યાએ બેસીને મહારાજની વાતો કરો. બધા તમારી પાસે આવશે. ત્યારે એમણે એમ કહ્યું, "કે બાપાએ મને એમ કહ્યું છે કે, મહાપથારી સુધી, મહાપથારી સુધી એટલે આ દેહ દેખાય ત્યાં સુધી, દેહ રહે ત્યાં સુધી. તારે ઘરે-ઘરે જઈને મહારાજની મૂર્તિનો મહિમા સમજાવવો. મહારાજની મૂર્તિ હૈયામાં સ્થાપી દેવી. આ તારે ઘરે-ઘરે જઈને મહાપથારી સુધી કર્યા કરવું." તો મને એમણે એમ કહ્યું, "મારે તમારું માનવું કે બાપાનું માનવું?" મેં કહ્યું, "મારું નહિ માનવું જોઈએ. બાપાનું માનવું જોઈએ. હું તો તમને આ પગની તકલીફ છે એટલે કહું છું." પણ કહે, "બાપા તો મહારાજની મૂર્તિરૂપ હતા, પુરુષોત્તમરૂપ વર્તતા હતા. મને આજ્ઞા કરતાં પહેલાં એમને બધી નહિ ખબર હોય કે મારું કેમ થશે?" મેં કહ્યું, "એમને તો બધી ખબર હોયને?" તો કહે, "બસ ત્યારે. જે દિવસે એમ કરશે એ દિવસે એક જગ્યાએ બેસી જઈશ. નહિ ચલાય ત્યાર પછી તો બેસવાનું જ છે, પણ એમણે કહ્યું છે એટલે એ તો કરવું પડે." એમને 365 દિવસ ઓછા પડતા હતા. એટલા બધા ભગવાનના ભક્તો સંભારે કે દિવસમાં બે-ત્રણ ગામડાં ફરે. ચાલે પાછા. ચાલીને જ જાય. અને એક નાનો થેલો, પોટલા જેવો એમાં એક-બે ઝભ્ભા હોય. એક ઝભ્ભો પહેરેલો હોય એને ત્રણ તો થીગડાં હોય. એમના ધોતિયે પણ બે-ત્રણ થીગડાં હોય. કોઈ ધોતિયું લાવી આપે તો એમ કહે, "આ ધોતિયું ફાટશે ત્યારે લઈ જઈશ. તારા કબાટમાં સાચવી રાખ. હું માંગી લઈશ. તું તારા માટે રાખી મૂક. તને જરૂર લાગે તો તારે પહેરવાની છૂટ." આવી રીતે ઘરે-ઘરે જાય. પાછા પોતે આત્મનિવેદી ભક્ત. પોતાના હાથે રાંધીને જ જમે. ઘરમાં એક ખૂણો શોધી કાઢે. પછી એમની સગડી માંગીને એક-બે પાણીથી ધોઈ પછી વાપરે. જમવાનું શું ખબર છે? ખીચડી. ખીચડીની અંદર બટાકું કે જે કંઈ શાક આપે તે ધોઈ કરીને બધું અંદર નાખી દે અને બીજું મીઠું બસ. એ રાંધી અને જમી લે.
એમની અવસ્થા થઈ પછી બધા સોમચંદભાઈની જગાએ સોમચંદબાપા કહેતા. ત્યારે કોઈક કહે, "બાપા, તમે કોઈક દિવસ તો શીરો જમો." તો કહે, "આજે તો મારે તમારું માનવું જ પડશે. શીરો જ જમું, પણ મને ચોખા-મગનો શીરો રોજ ભાવે છે. પેલો શીરો મને નથી ભાવતો. એ શીરો ખાઉં તો ઊલટી થઈ જાય. ચોખા-મગનો શીરો હું સારો બનાવું છું. એટલે મને ચોખા-મગ આપો." તો કહે, "બાપા, એ તો ખીચડી થાય." ત્યારે પોતે કહે, "ના-ના એ તો ચોખા-મગનો શીરો કહેવાય. ખીચડી ન કહેવાય. એની અંદર બધું નાખું છું ને શાક-બાક એટલે શીરો કહેવાય. તમે જમો તો ખરા કેવો સરસ લાગે છે." એમ કહે. કોઈક પરાણે માંગે તો થોડુંક આપે. પછી કહે, "સારો લાગે છે ને? મહારાજની પ્રસાદી તો સારી છે ને?" પેલા કહે, "હા સારો લાગે છે." એટલે કહે, "કોઈને ખબર નથી પડતી એટલે પેલો શીરો ખાય છે. નહિતર આ ચોખા-મગનો શીરો તો સૌથી સારો કહેવાય." જમવાનું આવું. નિઃસ્વાદિ વર્તમાન પૂરેપૂરું. બહારનું કાંઈ ખવાય નહિ. અરે દૂધ પણ ચોખ્ખું ન હોય તો નહિ જમવાના. આંચળ સાફ કર્યા હોય શુદ્ધ રીતે દોહ્યું હોય તો જ લે. લોટ પણ હાથે દળેલો હોય તો જ જમે. પોતે હાથે દળી નાંખે. ઘંટી હોય તો દળી નાંખે. નહિ તો ઘઉંને-વાટી નાંખે. ઘઉં ન મળે તો આખા મગ અને ચોખાની ખીચડી એટલું જ જમે રોજ. એમને બીજું કાંઈ જોઈએ નહિ.
એકવાર મુંબઈ ગયા તો આવું કાંઈ મળે નહિ. તો એકલા કેળાં હતાં. હું સાથે હતો. પછી કહે, "કેળાં સારા છે આપણે અર્ધો ડઝન કેળાં જમી લઈએ એટલે પંચાત નહિ. લઈ લો." મેં કહ્યું, "રોજ અર્ધો ડઝન કેળાં તે કંઈ ખવાતાં હશે? કંઈક તો બીજું જમવું પડેને?" તો કહે, "જો હું રોજ જમું તો મને શું થાય? માંદા પડી જવાય?" મેં કહ્યું, "હા, માંદા પડી જવાય. અને પછી અશક્તિ આવે." તો કહે, "તમારે રોજ મારા મોઢા સામું જોવું. અને જો હું જરાકેય નબળો લાગું તો તમારે મને કહેવું. બરોબરને? સાજો ન લાગું, થોડો ઢીલો લાગું તો તમારે મને કહેવું." પછી દરરોજ અર્ધો ડઝન કેળાં મંગાવે. પછી એમાંથી પાસે બેઠા હોય એમને વેંચી દે. એક કેળું પોતાને ભાગે આવે. એટલે એક કેળા ઉપર આખો દિવસ ચલાવે. એક અઠવાડિયું થયું. એક દિવસ તો એક પણ કેળું ન વધ્યું. ભક્તો વધ્યા તેથી બધા વપરાઈ ગયા. પછી મને કહે, "હું મોળો લાગું છું?" મેં કહ્યું, "ના મોળા તો નથી લાગતા." તો કહે, "મોળા ન લાગીએ પછી શું કામ ચિંતા કરો છો?" પછી મને એક વાત યાદ આવી.
એક વાર નિત્યાનંદ સ્વામી ગાડામાં બેઠા. નિત્યાનંદ સ્વામીનું શરીર બહુ ભારે હોં, જગ્યા ખૂબ રોકે. આખું વિશ્વ આવરી લે એવી એ મૂર્તિ. તેઓ ગાડામાં બેઠા હતા ત્યારે એક જણો કહે, "આ સ્વામિનારાયણનો સાધુ છે ને ખાઈને કેવો પાડા જેવો થયો છે." સ્વામી એ સાંભળી ગયા. એટલે કહે, "તારો બાપ ખાઈ-ખાઈને નથી જાડો થયો. પાશેર અન્ન પણ નથી જમતો." ત્યારે પેલો કહે, "એવું શું ખાય છે કે આવો જાડો થયો છો?" સ્વામી કહે, "તને ખાવા ન મળે એવું હું જમું છું." તો કહે, "એવું તે શું જમે છે?" સ્વામી કહે, "હું જમું છું એવું તું કદીયે જમતો નથી." પેલો કહે, "તમે જમો છો શું?" સ્વામી કહે, "હું તો બ્રહ્માનંદ જમું છું." પેલો કહે, "અરે! માળા બ્રહ્માનંદ જમે છે, પણ બ્રહ્માનંદ શું કહેવાય?" સ્વામી કહે, "એ તો મારા ભેગો રહે ત્યારે ખબર પડેને?" પછી એને એમ થયું કે સાધુ તો કોઈ યોગીપુરુષનું સ્વરૂપ લાગે છે. બ્રહ્માનંદ જમે છે. એને એમ થયું કે આના સિવાય બીજું કાંઈ જમતા હશે કે નહિ?
આ વાત મેં સોમચંદબાપાને કરી ત્યારે હસ્યા. મેં એમને કહ્યું કે, "મને હવે ખબર પડી કે તમે કેળાં સિવાય બીજું કાંઈક જમો છો ખરા!" પછી હસીને કહે, "મહારાજ એવું કરતા હોય તો ના નહિ." આમ આવો જવાબ આપે, કે મહારાજ એવું કરતા હોય તો ના નહિ. જવાબ આપવાની ટેવ પણ આવી રમૂજી. આના ઉપરથી આપણને શીખવા મળે છે કે જે ભગવાનના સુખમાં રમે છે એને સ્વાદ-બાદની કાંઈ પડી નથી. એ તો દેહના નિર્વાહ પૂરતું જ કંઈક લેતા હોય છે. બાકી મહારાજની મૂર્તિનો દિવ્ય આહાર કરતા જ હોય છે. દુઃખ માનતા જ નથી. ત્યારે આ એમનો જીવનપ્રસંગ કેટલો બધો ઊંચો છે.
(એક હરિભક્તની વાત કરી લીધા પછી એ અનુસંધાનમાં વાત કરે છે.)
એક વાર ભગવત્સ્વરૂપદાસજી સ્વામીએ મને એમ કહેલું, કે હર્ષ અને શોક બંને શમાવતાં શીખવું જોઈએ. એ રીતે હર્ષને પણ શમાવતાં શીખવું જોઈએ. અને એકદમ હર્ષની લાગણી થઈ જાય તે પણ શમાવતાં શીખવું જોઈએ. કે જેથી એ વાતમાંથી બીજાને લાભ મળે. વીરમગામવાળા ડૉ. રતીભાઈ તથા ડૉ. મણિભાઈ બંને વારાફરતી સોમચંદબાપા પાસે જાય. પછી એક વખત બાપાને દાંત કાઢવા હતા. એ વખતે હું ત્યાં હાજર હતો. ડૉક્ટર પક્કડ લઈને કહે, "બાપા હાલો તમારા દાંત કાઢવા છે." ત્યારે કહે, "કાલે કાઢજોને આજે રહેવા દો." બીજે દિવસે સવારે ઊઠ્યા. ડૉક્ટરને કહે, "ઊભા રહો." પછી કહે, "પેલો ચિપિયો હાથમાં લેવો એના કરતાં આમ નીકળી જાય." એમ કહી પોતાના હાથે જ બધા દાંત ખેંચી જ કાઢ્યા. અને કહે, "લો આ. નકામો ચિપિયો વાપરવો ને હેરાન થવું." બધા જ દાંત ખેંચી નાખ્યા. મને કહે, "શું આવો ચિપિયો નાંખવો." મેં નજરે જોયું કે બધા દાંત ખેંચી-ખેંચીને બાજુએ મૂકે. બધાં જ દાંત પોતાના હાથે જ ખેંચી નાંખ્યા. એટલે આ બધા મોટા પુરુષોની વાતમાં વૈવિધ્ય હોય.
જુદા-જુદા મુક્ત જુદી-જુદી રીતે વિવિધ કાર્યો કરી બતાવતા હોય છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એમને દેહ જેવો ભાવ જ નથી. નહિતર હાથે દાંત ખેંચી નાંખે! ત્યારે બતાવે છે કે પોતે દેહ રહિત વર્તે છે. કોઈવાર ખૂબ દેહભાવે વર્તે છે એવું મનુષ્ય ચરિત્ર પણ કરી નાંખે. એ વખતે પેલું દાંતનું ચરિત્ર યાદ કરવું. બીજું યાદ ન કરવું. નહિ તો તરત પાછો મનુષ્યભાવ આવી જાય બરોબર? એવી વાત છે. એકવાર ડબગરવાડે અમે જતા હતા. ડબગરવાડેથી મંદિર જતા હતા. હું સાથે હતો. ડબગરવાડ અર્ધો નીકળી ગયો. ત્યાં પહોંચ્યા અને તેઓ ઊભા રહી ગયા. મને કહે, "હવે પગ અટક્યો. 'મારી મરજી વિના કોઈથી તરણું નવ તોડાય." આમ બોલ્યા પાછા. પછી કહે, "આંહીં પગ અટક્યો એક ડગલું નહિ મૂકાય. જાવ ત્યારે ઘોડાગાડી બોલાવી લાવો. અને ચડાવો. ઘરે કેમ પહોંચવું?" પછી મેં કહ્યું, "થોડુંક પણ નહિ ચલાય? હું પકડી રાખું તો ચલાશે?" ત્યારે કહે, "ચલાય તો હું ન ચાલું." પછી મેં ગાડી બોલાવી, પછી કહ્યું, "બાપા, અંદર કેવી રીતે આવશો? હું તમને ઉપાડી શકીશ?" ત્યારે કહે, "પેલા ઘોડાગાડીવાળાને કહો તમારી ભેગા ભળે." મેં ઘોડાગાડીવાળાને કહ્યું, "આમનો પગ રહી ગયો છે તું મને થોડી મદદ કર." બીજા બે-ત્રણ જણા પણ આવી ગયા અને ઘોડાગાડીમાં અંદર બેસાડી દીધા અને ઘરે ગયા. પછી મને કહે, "પેલા ભાઈ અશુદ્ધ છે તે અડી ગયા એટલે નહાવું પડશે." આવું કહે. પછી કહે, "ચાલો તો શુદ્ધ થઈએ." મેં કહ્યું, "તમને કોઈ અશુદ્ધિ અડતી હશે?" ત્યારે કહે, "અશુદ્ધિ તો ન અડે પણ આ લોકો માંસ ને એવું ખાયને એટલે ભલે આપણે અશુદ્ધ નથી થતા છતાં નહાવું તો પડશે જ." પછી ઘોડાગાડીવાળાએ નીચે ઊતાર્યા. નીચે બેઠા અને બેઠા-બેઠા જ ચોકડીમાં આવ્યા. ને ત્યાં ને ત્યાં બેસીને નાહ્યા. અને મને પાણી છાંટ્યું. મેં ના પાડી અને કહ્યું, "હું પણ નાહીશ." ત્યારે કહે, "નાહી લો." મેં નાહી લીધું. નાહીને એમણે માંડ-માંડ કપડાં પહેર્યાં ને પછી બેઠા. પછી કહે, "હવે બધા શેકો, તેલ લઈ કંઈક ચોળો બધા." પછી શેક્યું ને ચોળ્યું. રાતે બાર વાગ્યા સુધી શેક્યું, ચોળ્યું કંઈક કર્યું. પછી બીજે દિવસે સવારે ઊઠ્યા કહે, "હવે કંઈક ઠીક છે. જુઓ, 'મારી મરજી વિના કોઈથી તરણું નવ તોડાય." એવું પાછું બોલ્યા હોં. કહે, "મહારાજની મરજી વિના કંઈ થાય, જો ચલાણું? અને હવે એની મરજી થઈ તો ચલાયું."
એટલે એવા બનાવથી કોઈવાર મનુષ્યભાવ બતાવે તો મનુષ્યભાવની લીલા બતાવે. એ પાછું નિહાળતા આવડવું જોઈએ. ત્યારે કોઈ એવો મનુષ્ય છે કે આમ હાથેથી દાંત ખેંચી કાઢે? મને કહો? મેં તો નથી જોયો. મેં કહ્યું લોહી પણ ન નીકળ્યું? ત્યારે કહે, "લોહી હોય તો નીકળે ને?" એટલે આવા કેટલાક પ્રસંગો હોય તે કોઈકવાર યાદ આવી જાય, પરંતુ આવા મહાપુરુષોના પ્રસંગોમાં ઘણું બધું જાળવવાનું હોય છે.
વચનામૃત જયંતી ભેગા મોટા મુક્તની પુણ્યતિથિ એ પણ જયંતી જ કહેવાય. બાપાએ એમ કહ્યું હતું કે શ્રીજીમહારાજનું પ્રગટ થવાપણું અને અંતર્ધાન થવાપણું બંને એક સરખું છે. બંનેનો મહિમા એક સરખો છે. એમ મહારાજના મુક્તોમાં પણ એમ જ છે. એમને આ લોકમાં દર્શન આપે અને અદૃશ્ય થાય બંને એક જ છે. કારણ, આવવા-જવાપણું જ નથી. તેઓ તો જીવોના કલ્યાણ માટે દેખાયા અને કલ્યાણ કરી સ્વરૂપ બંધ કર્યું. જેમ શ્રીજીમહારાજ પ્રતિમા સ્વરૂપે પ્રત્યક્ષ છે, એમ તેમના મુક્તો પણ સદાય પ્રત્યક્ષ રહે છે. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સોમચંદભાઈ જેવા મહામુક્ત એ બધા જ જેમ મહારાજ પ્રગટ છે એમ મુક્તો પણ પ્રગટ છે. બ્રહ્માનંદ સ્વામી પોતે એકવાર મૂર્તિમાંથી બોલ્યા હતા. એ પ્રસંગ છે. અત્યારે ટાઈમ નથી, પણ અત્યારે એ મૂર્તિ મૂળીમાં છે. એ મૂર્તિમાંથી બ્રહ્માનંદ સ્વામી પોતે બોલ્યા હતા. મહારાજ જેમ પ્રગટ છે એમ મુક્તો પણ પ્રગટ છે જ. પરંતુ મૂર્તિરૂપે દેખાય છે. જેવા ચર્મચક્ષુ મટીને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય કે તરત જ પ્રતિમાભાવ જતો રહે છે. અને દિવ્ય સ્વરૂપમાં જેવા છે એવા જ દેખાય છે. એ જ આપણને વાતો કરે છે. એવા જ આશીર્વાદ વરસાવે છે. ત્યારે મહારાજ અને મુક્તો અનાદિથી ભેગા છે. મહારાજ કોઈ દિવસ એકલા નથી. જ્યારથી મહારાજ ત્યારથી મુક્ત ભેળા જ હતા. એમ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મુક્તો મહારાજના ભેળા અનાદિથી છે. એ તો અહીંયા મહારાજ સાથે આવ્યા. જીવોનું કલ્યાણ કરવા માટે. ભગવાન પોતાના મુક્તોને લાવેને? મુક્ત દ્વારા પાછા પોતાને (ભગવાન) ઓળખાય એવું કરે છે. પાછા પોતે જેવા છે એવા ઓળખાવે હોં. હવે કોઈને પ્રશ્ન છે?
(ફરી પાછા એક હરિભક્તના બોલી લીધા બાદ પોતે વાત કરે છે.)
બધાને એમ થાય કે આ...હા...હા કેવી સરસ વાતો છે. આવી વાતો શેના લીધે થાય છે? ભગવાન સ્વામિનારાયણ આ ભગવાનના મુક્તોમાં રહીને બોલે છે, માટે એ વાતો સરસ થાય છે. ભગવાનની મૂર્તિ ધારીને જ્યારે વાતો થાય એ વાતો ખૂબ સરસ થાય. એનું કારણ એ છે કે ભગવાનની ઇચ્છા એવી છે કે પોતાની સરસ ઊંચી વાતો આપણી પાસેથી નીકળે. એ વાતો ભગવાન સ્વામિનારાયણે મૂકી એમ માનવું. કેટલાક મુદ્દાઓ એટલા બધા સરસ આવ્યા, કે બધા જ અવતારો દ્વારા જે ચરિત્રો થયાં એ બધા ભગવાન સ્વામિનારાયણના છે. વાત બરોબર છે. ભગવાનના સંકલ્પથી એ અવતાર પ્રગટ થયા અને એ અવતારોમાં આવિર્ભાવ મૂકી ભગવાન સ્વામિનારાયણે જીવોને પાત્ર કરવાને માટે જુદા-જુદા ચરિત્રો કર્યાં. એ અવતારો દ્વારા ચરિત્રો કર્યાં ને જીવોને પાત્ર કર્યા. ધર્મ-નિયમ-ભક્તિવાળા કર્યા. રામચંદ્રજી દ્વારા આદર્શ ધર્મ શીખવ્યો. આદર્શ ધર્મ કોને કહેવાય એ ભગવાન રામચંદ્રજી દ્વારા ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો. પ્રેમલક્ષણા ભક્તિ કોને કહેવાય એ ગોપીઓ દ્વારા શ્રીકૃષ્ણ ભગવાને બતાવ્યો. ઊર્ધ્વરેતા બ્રહ્મચારી કોને કહેવાય એ ભગવાન સ્વામિનારાયણે શ્રીકૃષ્ણના અવતાર દ્વારા બતાવ્યું. આવિર્ભાવ સ્વામિનારાયણ ભગવાનના થયા માટે ચરિત્રો તો એમના જ કહેવાય. વળી બાપાએ એમ પણ કહ્યું કે વેદવ્યાસજી પુરુષ-પ્રકૃતિમાંથી આગળ જતા નથી. એ વાત બરોબર છે. મૂળપુરુષથી આગળ જતા નથી. મૂળપુરુષ એ શ્રીકૃષ્ણ ભગવાન. શ્રીકૃષ્ણ ભગવાન સુધી વેદવ્યાસજી બધું જ કહે છે. સૌથી મોટો અવતાર શ્રીકૃષ્ણનો થયો. એ જ્ઞાન ત્યાં સુધી રહ્યું. અને લોકોએ શ્રીકૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ ધારીને ભજન કર્યું. ભગવાન સ્વામિનારાયણે આ અવતાર દ્વારા જેટલું કરવું જોઈતું હતું એ બધું જ કર્યું. ત્યાર પછી પોતે પધાર્યા. બધા જ અવતારોને પોતાનામાં લીન કરી દેખાડીને કહ્યું, કોઈ અવતાર મારા સ્વરૂપને લીન કરી શકતા નથી, પણ હું બધા સ્વરૂપોને લીન કરી નાખું છું. આ સર્વોપરી ઉપાસના ભગવાને કહી. ભગવાન કહે છે કે મૂળપુરુષ શ્રીકૃષ્ણ ભગવાનને લઈને તો વ્યાસજીને પણ ભગવાન કહેવામાં આવ્યા.
મહારાજ પ્રગટ થયા ત્યારે વેદ ઉપર પણ સર્વોપરી વેદ એ વચનામૃત ગ્રંથ રચ્યો અને વચનામૃતમાં પોતાની સર્વોપરી ઉપાસના સમજાવી. એ સર્વોપરી ઉપાસનામાં બધા જ અવતારો દ્વારા જે-જે ચરિત્રો કર્યાં એ ભગવાન સ્વામિનારાયણે કર્યાં એ વાત બરાબર. એ ચરિત્રો આપણામાં ધર્મ અને ભક્તિ ઉદય થાય એ અર્થે હતા. પણ આત્યંતિક મોક્ષ માર્ગ બાકી રહ્યો હતો. હવે આત્યંતિક મોક્ષ કરવાને માટે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોનું જ સ્મરણ થાય. ભગવાન સ્વામિનારાયણના વખતમાં પણ ઘણા વખત સુધી જુદા-જુદા અવતારોનું નામ લઈને બધા ભજન કરતા હતા. ત્યાર પછી ભગવાનને એમ થયું કે જ્યારે પોતે સર્વોપરી પૂર્ણપુરુષોત્તમ ભગવાન પોતે પ્રગટ થયા છે, ત્યારે હું જો એવો ભગવાન પ્રગટ થયો છું તો જો હું બધાને નહિ કહું તો એમને નહિ સમજાય. મારી ગતિને પામવાને માટે બધા સમજી શકશે નહિ. ત્યારે પોતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, કે હવે તમારે બીજા કોઈ નામ લઈને ભજન કરવાની જરૂર નથી. જેમ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું બધા ધર્મનો ત્યાગ કરીને મારા શરણે આવ. જ્યાં સુધી એ અવતાર પ્રગટ રહ્યો, ત્યાં સુધી પોતે એમ કર્યું એ વાત બરાબર છે. એમ જ્યારે પોતે અવતારી ભગવાન પ્રગટ થયા ત્યારે પોતે એમ કહ્યું કે બધા જ નામોનો સમાવેશ મારા નામ, મારા મંત્રમાં થઈ જાય છે. માટે આજથી તમે હવે કોઈ નામનું ભજન કરવું રહેવા દઈને મારા જ નામનું ભજન કરો. જ શબ્દ વાપર્યો. મારા જ નામનું ભજન કરો. મારું જ ભજન કરો. મારું જ ચિંતન કરો. મારું જ સ્મરણ કરો. મારું જ ધ્યાન કરો. મારી જ ઉપાસના કરો. મારું જ કીર્તન કરો. અને મારી જ માળા ફેરવો. બધું જ મારી મૂર્તિને ધારીને કરો. હું તમને સર્વ દોષોથી રહિત કરીને, બધામાંથી મુક્ત કરીને, હું મારા સર્વોપરી દિવ્ય સુખને પમાડીશ. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. બધા અવતારો દ્વારા થયેલા ચરિત્રોનું હવે મનન કરવાની જરૂર રહેતી નથી. ભગવાન સ્વામિનારાયણના આ શબ્દો ઉપરાંત એનું ચિંતન મનન કરવું.
એમ કહેવાય છે કે વર્ષો સુધી દર્શન કરો, કથા કરો પણ ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી. વાત બરોબર છે. કારણ કે દર્શન અને કથા પછી જો ચિંતન, મનન અને નિદિધ્યાસ, એ નિદિધ્યાસ થાય નહિ તો સાક્ષાત્કાર કેવી રીતે થાય? માટે જે સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો હોય એ સ્વરૂપના જ ચરિત્રોનું ચિંતન મનન થાય. જો ભગવાન સ્વામિનારાયણનો ખરેખર તેમના ભક્તોએ સાક્ષાત્કાર કરવો હોય તો એના સ્વરૂપનું જ ચિંતન થાય. એમના જ શાસ્ત્રનું મનન થાય. અને બધા શાસ્ત્રોને આ શાસ્ત્રમાં લીન કરી નાંખે તો એ ભગવાનનું ચિંતન-મનન અને નિદિધ્યાસ થઈને સાક્ષાત્કાર થાય. નહિતર એ થાય નહિ. ભગવાને એમ કહ્યું કે 'સંત સમાગમ કીજે હો નિશદિન સંત સમાગમ કીજે.' સંત કોણ? કે જે ભગવાન સ્વામિનારાયણના તદાકાર ભાવને પમાડી દે. કારિયાણીના પ્રથમ વચનામૃતમાં કહ્યું તેમ ભમરી ઇયળને ચટકો ભરતાં-ભરતાં જે ભમરીરૂપ થઈ જાય છે, એ રીતે ભમરીના તદાકાર ભાવને પામી જાય છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જે સંતને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એવા સંતનો સમાગમ કરવાથી ભગવાન સ્વામિનારાયણના તદાકારભાવને પમાય. કારણ કે એ સંત પાસે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું જ ચિંતન-મનન થાય.
મને અત્યારે એક વાત યાદ આવી, કે બાપાશ્રીએ કહ્યું કે માનસી પૂજામાં ચિત્ર-વિચિત્ર વસ્ત્રો ધારવા નહિ. દિવ્ય વસ્ત્રો ધારવા. ત્યારે કોઈએ પૂછ્યું, કે બાપા, દિવ્ય વસ્ત્રોમાં અને બીજા વસ્ત્રોમાં શું ફરક? તો એમણે એમ કહ્યું કે મહારાજના દિવ્ય વસ્ત્રોમાં ભગવાનનું એકે અંગ ઢંકાતું નથી. દિવ્ય વસ્ત્રો પહેરેલાં છતાં પણ મહારાજનું અંગ ઢંકાતું નથી. એનું નામ દિવ્ય વસ્ત્રો. અત્યારે તોરા પહેર્યા છે. હાર પહેર્યો હતો એ કાઢી નાંખ્યો, આવરણરૂપ હતો. મહારાજ એમ કહે છે આ તોડા, ઘરેણાં એ બધા જ મારા સ્વરૂપને ઢાંકી દે છે. જ્યારે તમારી દિવ્ય સ્થિતિ થાય ત્યારે એ બધા જ વસ્ત્રોમાંથી સ્થૂળભાવ દૂર થઈને દિવ્ય બની જાય છે. ત્યારે એ દિવ્ય વસ્ત્રોમાં ભગવાન જેમ છે તેમ જ દેખાય છે. ત્યાં કોઈ વસ્ત્ર વિહીનતા જેવું પણ નથી. અને વસ્ત્ર જેવું પણ નથી. ત્યારે એ દિવ્ય વસ્ત્રોમાં રહેલા ભગવાન ખરેખર વસ્ત્ર વિહીન દેખાય છે. બધા જ અંગો સ્પષ્ટ દેખાય છે. કોઈ જ આવરણ નથી. ભગવાને પહેરેલી દિવ્ય કંઠી પણ ભગવાનના એટલા અંગને ઢાંકતી નથી. ત્યારે આ કલ્પના ક્યાંથી આવે? કે દિવ્ય વસ્ત્રો કોને કહેવાય? અને એ દિવ્ય વસ્ત્રોમાં ભગવાન કેટલા દિવ્ય મનોહર દેખાતા હશે? આ દિવ્ય અનુભવ જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એને જ થાય. બાપાશ્રી તો મૂર્તિ નજરે જોઈને કહેતા હોય. એ દિવ્ય અનુભવ ભગવાન આપણને કરાવશે.
દર્શન, કથા બધું જ કરીએ, પણ ચિંતન-મનન-નિદિધ્યાસ એક સ્વામિનારાયણ ભગવાનનું જ કરવું. બધા જ ચરિત્રો લીન કરી દેવા. આનું નામ સર્વોપરી ઉપાસના. જ્યાં સુધી બધા ચરિત્રો લીન ન થાય, ત્યાં સુધી એક ઉપાસના પરિપક્વ નથી. અને ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજી કોઈ પણ જાતનું ચિંતન થાય ત્યાં સુધી સર્વોપરી ઉપાસના એ માત્ર શબ્દોમાં છે. ત્યારે ઉપાસના બરાબર સિદ્ધ થઈ ત્યારે જ કહેવાય, જ્યારે ભગવાન સ્વામિનારાયણમય બની જાય. કોઈ લો. કોઈ લો. ભગવાન સ્વામિનારાયણ આ રહ્યા, આ રહ્યા. આ ભગવાન સ્વામિનારાયણ રહ્યા. બાપા કહે, "આ મૂર્તિ રહી. મૂર્તિ લઈ લો. કારણ કે બાપા મહારાજની મૂર્તિરૂપ વર્તતા હતા. જેમ ગોપીઓ પણ કહેતી કૃષ્ણ લો, કૃષ્ણ લો. કારણ કે તેઓ કૃષ્ણરૂપ બની ગઈ હતી. ભગવાનની સર્વોપરી ગોપીઓ એ ભગવાનના અનાદિમુક્ત છે. જેઓ ભગવાનની મૂર્તિમાં રહે છે. ભગવાનની આસપાસ મહારાજના દિવ્ય મુક્તોના મંડળ ભરાઈને બેઠા છે. ભગવાનની મૂર્તિમાંથી દિવ્ય સુગંધી ઝરે છે, છૂટે છે. એ દિવ્ય મૂર્તિનો દિવ્ય આહાર કરી, દિવ્યરસ લઈ અને મુક્તો સુખ ભોગવે છે.
આ સૂર્ય છે, એ એટલો દૂર છે, છતાં પણ ઉનાળામાં કેટલો તાપ લાગે છે. નજીક જઈએ તો વધારે ને વધારે તાપ લાગે. સૂર્યની દિશા લઈને જે તરફ સૂર્યનું અંતર ઘટે ત્યાં ખૂબ તાપ લાગે. જો વધારે ને વધારે નજીક જઈએ તો બળવાની સ્થિતિ પેદા થાય. અત્યારે જે અવકાશની શોધ થાય છે, તેમાં પણ એ તાપ કેટલો છે એની કોઈ કલ્પના આવતી નથી. એ તાપ ક્યાંથી નીકળે છે? સૂર્યમાંથી નીકળે છે. સૂર્યની અંદર જો કોઈ પ્રવેશ કરી જાય તો ત્યાં કેટલો બધો તાપ હોય? આ પૃથ્વી છે. એમાંથી ગરમ પાણી નીકળે છે, પણ જો એ પૃથ્વીના પેટાળમાં પેસી જવાનું હોય તો એ ગરમીની સીમા રહે ખરી? તો તેજના આધારે મૂર્તિ નથી, પણ મૂર્તિના આધારે મહારાજનું અક્ષરધામરૂપ તેજ છે. એ મૂર્તિમાંથી સુખના ધોધ નીકળે છે. એમના દિવ્ય મુક્તો જે તેમની સમક્ષ ભરાઈ બેઠા છે. તેઓ દિવ્યરૂપે એ મહારસનું, એ દિવ્યરસનું પાન કરે છે. ત્યારે જેમાંથી મૂર્તિના સુખનો ધોધ છૂટે છે એ દિવ્ય મૂર્તિની અંદર કેટલું બધું સુખ હશે? બાપા એમ કહે છે કે આ ગતિ તો સમજાય તેવી નથી. વચનામૃતમાં તો કહે જ છે. શિક્ષાપત્રીમાં પણ કહે છે, બ્રહ્માનંદ સ્વામીએ પણ કહી છે. મૂર્તિમાં રસબસ થઈ જવું. તો રસબસ થઈ જવું એ અલૌકિક સ્થિતિ છે.
જેમ અવકાશયાનમાંથી અવકાશ યાત્રીઓ પૃથ્વી ઉપર આવે ત્યારે કોઈ પૂછે, કે ભાઈ વજનવિહીન સ્થિતિમાં કેવું થાય છે એ તો કહો? ત્યારે તેઓ થોડી-થોડી વાતો કરે, પણ પેલાએ તો કલ્પના જ કરવી રહીને? જ્યાં તપેલી મૂકો ત્યાં રહે, કારણ કે અવકાશમાં ગરુત્વાકર્ષણ તો છે નહિ. ત્યારે કલ્પના થાય કે આ રીતે વસ્તુઓ અવકાશમાં કેમ રહેતી હશે? એ સ્થિતિ જ જુદી. એ તો જ્યારે અવકાશયાનમાં ઊડીને જાય ત્યારે એનો પ્રત્યક્ષ અનુભવ થાય. ત્યારે દિવ્યવસ્ત્રોમાં રહેલા ભગવાનનું અંગ ઢંકાય નહિ. એ દિવ્ય વસ્ત્રો કેવાં હશે? એ તો અનુભવથી જ ખબર પડેને? એ સિવાય તો ખબર પડે નહિ. આ તો સત્ય ઘટના છે. ત્યાં બુદ્ધિ કામ કરે નહિ. બુદ્ધિ કામ કરતી અટકી જાય. જેથી ભગવાનને પામવાની જીવને તાલાવેલી જાગે કે ઓ...હો...હો આવી વસ્તુ છે? બસ એ મય થઈ જાઓ. ત્યારે મૂર્તિમાં રહીને બોલો, મૂર્તિમાં રહીને જમો. તેનો અર્થ બાપાએ એમ કર્યો કે માનસી પૂજા કરો તો અર્ધા કલાક પછી તો મહારાજની મૂર્તિ તમે એક કોર મૂકી દો છો અને ભૂલી જાઓ છો. બરોબર? તો એ માનસીપૂજા અર્ધા કલાક પૂરતી જ છે. એવી માનસી પૂજા નહિ કરવાની. માનસી પૂજા કરતાં-કરતાં અખંડ માનસી પૂજા થવી જોઈએ. મહારાજને એક કોર મૂકી દે એ કેમ ચાલે? ત્યારે આવરણો તોડી નાંખનાર મહારાજના સંત અનાદિમુક્તો છે. તેઓ વિચરતા જ હોય. સત્સંગ કોઈ દિવસ મુક્તો વગર રહેવાનો નથી. એ નિર્મુક્ત નથી બની જવાનો. એ લીલીવાડી હંમેશાં રહે છે, અને મુક્તો સત્સંગમાં વિચરે જ છે. એમના જેવા ઉપાસનાવાળા, ભગવાનના સાક્ષાત્કારવાળા સંતોના સમાગમથી આ વસ્તુ સમજાય છે. એ 64 તસુની મૂર્તિ જેમ છે તેમ છે. પોતે ભલે વિશ્વરૂપ ધારણ કરે, પણ મહારાજ એમ કહે છે, હું તો જેમ છું એમ જ છું. 64 તસુની મારી મૂર્તિ છતાં પણ હું વિશ્વરૂપ ધારણ કરું છું, બધે રહ્યો છું, સર્વત્ર વ્યાપક છું. ત્યાં નથી એમ કહેવાય નહિ. હું તો સર્વત્ર છું. ત્યારે આવા ભગવાનના દિવ્ય સ્વરૂપની અંદર મુક્તો સુખમાં દોટો દે છે. મસ્તકે-મસ્તક, ચરણે-ચરણ એનો અર્થ એ છે કે મુક્તો રોમે-રોમનું સુખ ભોગવે છે. સળંગ સત્તાએ ચૈતન્ય સત્તાએ ભોગવે છે. ત્યાં એ સુખ સિવાય દર્શન અને સુખ ભોગવવું, સાંભળવું આ બધું જુદું નથી. બધું એક-મેક થઈ જાય છે. એ મૂર્તિમાં રહેવાની સ્થિતિની સમજણ અતિ દૃઢ રાખવાની. તો જેટલી સમજણ એટલી જ પ્રાપ્તિ થાય. અંતે તો એમ જ રાખવાનું કે એ દિવ્ય સુખમાં રહેવાય. એ દિવ્ય સ્વરૂપમાં તો અગાધ સુખ છે. જે પરમએકાંતિક મુક્તને પણ નથી મળતું. પરમએકાંતિક મુક્ત જે સુખ ભોગવે છે એ પણ અગાધ છે. ત્યારે અગાધનુંય અગાધ સુખ અનાદિમુક્ત લે છે. એ બાપાએ જોઈને કહ્યું. ભગવાન સ્વામિનારાયણે આ સ્થિતિ સમજાવવાને માટે એમને મોકલ્યા. બ્રહ્માનંદ સ્વામીએ કહી એ બધી વાત લોકો જીરવી શકે તેમ નહોતું એટલે બાપાએ જોર-શોરથી કહ્યું. બાપાએ નિર્ગુણદાસજી સ્વામીને કહ્યું કે, "સ્વામી, મૂર્તિમાં રહેવાની વાતો કરો છો?" સ્વામી કહે, "બાપા, મૂર્તિમાં રહેવાની વાતો તો કોઈ જીરવી શકે એવું નથી. ગતિ જ નથીને. એટલે મહારાજે મર્મમાં કહી છે. એ સમજે નહિ તો હું શું કરું?" બાપાએ કહ્યું, "તો સમજે એ રીતે તો કહો. અંતે કીધા વગર છૂટકો નથી." બાપાએ સર્વોપરી ઉપાસનાનો ઝંડો બરાબર ફરકાવ્યો. કે ભગવાન સ્વામિનારાયણ મૂળપુરુષની ભૂમિકાથી અતિ પર છે. એ એમણે જોઈને સ્પષ્ટ કરી દીધી.
અરે અત્યારે વિજ્ઞાન કહે છે કે સાત-આઠ ગ્રહો સુધીએ પહોંચાતું નથી. તો એનાથી કેટલાય ગ્રહો પડ્યા છે. એનો તો ક્યાં પાર આવે? બરાબર છે. વિજ્ઞાન પણ એ સત્ય શોધવાને માટે આગળ વધ્યા જ કરે છે. તો પણ એ પાર પામતું નથી. તો આ ગતિનો ક્યાં પાર પમાય? આ ભૂમિકાઓ કહીને આ સર્વોપરી ભગવાનથી આગળ કાંઈ નથી એમ પોતે કહે છે. ભગવાને કહ્યું એમ કોઈએ કહ્યું નથી. બધા એમ કહે છે કે કાંઈક આગળ છે. મહારાજ એમ કહે છે કે ગોલોક સુધી ગરુડ ઊડ્યું પછી ગરુડ પણ ઊડી શક્યું નહિ, પછી અમે ઊડ્યા. અક્ષરધામમાં ગયા અમારા સિવાય કોઈ પુરુષોત્તમ દીઠો નહિ. ત્યાં એમ ન કહ્યું કે પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાન ત્યાં છે. ગોલોકથી અમે આગળ ગયા અને બધે ગયા પોતે પુરુષોત્તમ એક જ રહ્યા. એમ પોતે આવી રીતે દરેક જીવોને સમજાવવાને માટે કહ્યું. એમને ઊડવાનું હતું જ ક્યાં? માટે જો આવી રીતે સમજાવે નહિ તો સમજાય નહિ. અને બાપાએ સ્પષ્ટ કહ્યું કે સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની આ સ્થિતિ. હવે એનાથી આગળ કાંઈ નથી. એમ અમે જોઈને કહીએ છીએ. અને મહારાજે પોતે કહ્યું બધું મારે તેજે તેજાયમાન છે. સર્વ કાંઈ. મારાથી પર કાંઈ નથી. હું પૂર્ણ પુરુષોત્તમ અવતારી પરમાત્મા છું. એમણે એટલા જોર-શોરથી કહી દીધું. અને બધાની ચોખ્ખીચટ વાત કહી દીધી.
અનાદિમુક્તને મોકલ્યા કે જાઓ ગોપાળાનંદ સ્વામીનું કાર્ય અધૂરું રહ્યું છે. કારણ કે અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું, "સ્વામી, વધુ પડતી વાત નહિ કરતા." તો ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી. અયોધ્યાપ્રસાદજી મહારાજને કહે, "મને એક હજાર વર્ષ સુધી ખોળિયામાં રાખીને શું કરશો? જ્યાં સુધી એ વાત હું નહિ કરું, ત્યાં સુધી મહારાજ મને છોડશે નહિ, પણ તમે ગાદીપતિ છો. તો તમારું વચન લોપું કે શું કરું? એ મારા મનને માટે મોટો સવાલ છે." એમ કહી પોતે ગદગદ થઈ ગયા. પછી મહારાજે એમને કહ્યું કે હજાર વર્ષ પૂરા કરી દીધા. સ્વામી ગદગદ થતાં મહારાજે પોતાની મૂર્તિમાં મૂકી દઈ પોતાના સ્વરૂપમાં લીન કરી દીધા. ત્યારે એ જ વાત બાપાશ્રીએ નિર્ભય થઈ કરી બતાવી કે સાક્ષાત્કાર કરવા માટે આ સત્યનો અનુભવ કરવો પડે. મહારાજની મૂર્તિમાં રહેવાની વાત એ ગલત નથી, કપોળ-કલ્પિત નથી. જેની બુદ્ધિમાં પહોંચતી નથી એ તો એમ જ કહે. અવકાશયાનો ઊડતાં પહેલાં આઈનસ્ટાઈને કહેલું કે Atom is divisible. ત્યારે બધા આઈનસ્ટાઈનની હાંસી કરતા હતા, પણ જ્યારે એણે એટમ ડિવિઝિબલ કરી બતાવ્યો ત્યારે બધાએ કહ્યું, આઈનસ્ટાઈનની વાત સાચી છે. બરાબર? એમ બાપાશ્રીએ કહ્યું કે જ્યાં સુધી અનુભવ નહિ થાય, ત્યાં સુધી આ સ્થિતિ સમજાશે નહિ. ભલા થઈને અમારું કહ્યું માનજો. અમે જોઈને કહીએ છીએ. જો જોઈને ન કહેતા હોઈએ તો આ મહારાજની મૂર્તિના સમ છે. એટલે અમે સાચું કહીએ છીએ. મૂર્તિમાં રહીને મૂર્તિમાં સુખ લેવાની રીત અલૌકિક છે. માટે એ સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરો અને મૂર્તિરૂપ બનો. આ દેહને ભૂલો. આકારે રહિત વર્તો. એટલે આપણે આકારે રહિત વર્તીએ અને પુરુષોત્તમરૂપ પુરુષોત્તમના આકારે વર્તીએ. આ માયિક આકારને તો શું ધોઈ પીવો છે. આવા તો કંઈક આકાર ગયા ને કંઈક નાશ પામ્યા. અરે અવતારોના આકારો પણ મહારાજમાં લીન થઈ ગયા. રહ્યા કોઈ? એક પુરુષોત્તમનો આકાર જ કોઈમાં લીન થતો નથી. ત્યારે વિચાર તો કરો. એ એક જ અવિચળ સ્વરૂપ છે. બધા અવતાર અચળ સ્વરૂપો. એ અવતારમાં સર્વોપરી અવતાર શ્રીકૃષ્ણ. એ પણ અચળ સ્વરૂપ છે. એ અચળ સ્વરૂપ પણ અવિચળમાં લીન થઈ જાય છે. ત્યારે એ અવતાર સ્વરૂપ દેખાતું બંધ થઈ જાય છે. એટલે એક જ ભગવાન સ્વામિનારાયણનું અવિચળ સ્વરૂપ છે. એમાં સર્વ કોઈ લીન થાય છે. એ મૂર્તિમાં અલૌકિક સુખ છે. બાપા કહે છે, એ મૂર્તિમાં મુક્તો દોટો દે છે. જેમ જળમાં માછલાં કિલ્લોલ કરે છે. આ તો એક ભૌતિક દૃષ્ટાંત છે, પણ એ તો દિશ બતાવવા કહીએ છીએ. પણ મૂર્તિમાં સુખ ભોગવવાની વાત તો અલૌકિક છે.
અનંત અનાદિમુક્તો એ મૂર્તિના સુખમાં કિલ્લોલ કરે છે. એ 64 તસુની લાગતી મૂર્તિ તો અગાધ છે. બાપા એમ કહે છે કે બાજરીના દાણામાં બ્રહ્માંડ દેખાય. તો બાજરીમાં બ્રહ્માંડ દેખાય? ચોક્કસ દેખાય. ક્યાં દેખ્યું? એ જ અલૌકિક સ્થિતિ. 64 તસુની મૂર્તિ તો સુખનો સાગર છે. સુખનો સિંધુ છે. એ સુખના સિંધુમાં અનંત અનાદિમુક્તો કિલ્લોલ કરે છે. દિવ્ય સુખના ભોક્તા બને છે. અને મહારાજની ઇચ્છાએ કરીને અંદર રહ્યા થકા ભગવાન જેટલું જ દેખે છે. ભગવાન જેટલું જ કાર્ય ભગવાનને લઈને કરે છે. એટલી એમની સત્તા છે, પણ બધું જ ભગવાનને લઈને છે. આવા એ સ્વતંત્ર અનાદિમુક્તો છે. એકાંતિક સ્થિતિથી બીજી બધી સ્થિતિ ઓરી (નીચી) છે.
એકાંતિક સ્થિતિ થાય ત્યારે ભગવાનની કૃપા વરસવા માંડે છે. ત્યારે ભગવાન એકાંતિક સ્થિતિવાળાને ભાગવતીતનું આપી દે છે. બાપાએ જોઈને એકાંતિક શબ્દ વાપર્યો. અને પરમ એકાંતિક કોને કહેવાય છે? તો એકાંતિકની સ્થિતિમાં પૂર્ણ સાધનદશા છે. એ સાધનદશામાં કૃપા વરસે છે. કૃપાપાત્ર થઈ ચૂક્યો છે. કારણ કે વાસના રહિત થઈ ગયો છે. ત્યાં વાસના નિર્મૂળ થઈ જાય છે. એનું નામ એકાંતિક. સો ટકા નિર્વાસનીક. મૂર્તિ સિવાય કોઈ પ્રકારની વાસના રહે નહિ. એ સ્થિતિમાં ભગવાનની કૃપા વરસે છે. કૃપા વરસાવે ત્યારે એકાંતિક ભક્તનો ચૈતન્ય દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે. અને ભગવાન સ્વામિનારાયણના તદાકારભાવને પામે છે. અને દિવ્ય આકૃતિ ધારણ કરે છે. અને પછી એ મૂર્તિનું સુખ ભોગવે છે. એ પરમ એકાંતિક કહેવાય. જો એને અતિ સ્નેહ પ્રગટ થાય તો ભગવાનની મૂર્તિમાં લક્ષ્મીજીની જેમ લીન થાય છે. આ સ્થિતિ અનાદિમુક્તની છે. એ સત્ય ઘટના છે, એમ બાપા નીરખીને કહે છે. બધા ધીરે-ધીરે એ વાત કબૂલ કરતા થઈ જશે. કે આ વાત બરોબર છે. બાપાશ્રીની છેવટની વાત કેવી રીતે ખબર પડે? આપણને માયિક સ્થૂળ દેહની સ્થિતિનો ખ્યાલ આવતો નથી. તો આવી સ્થિતિનો ખ્યાલ આવે ખરો?
મહારાજના મુક્તમાં કોઈ દિવસ સંશય કરવો નહિ. ભગવાનના અનાદિમુક્ત બધું જોઈને બોલે છે. ત્યાં જુઠ્ઠું બોલવાનો કોઈ સવાલ જ રહેતો નથી. અસત્યથી પર થાય ત્યાં અસત્ય નીકળે ખરું? ભગવાનના ગોપાળાનંદ સ્વામી જેવા સંતને પણ કેટલાય એમ કહેતા કે વધુ પડતી વાત કરશો નહિ. ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ શું કહ્યું? ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા ત્યારે એમણે આચાર્ય મહારાજને કહ્યું, "તમારા બાપ પાસે તો કોઈ ગણતરીમાં જ નથી. એના ગુણગાન નહિ ગાઉં તો કોના ગાઉં? મારી આ વાત સાંભળે તે પાત્ર સમજવો. જો ન સાંભળે અને સાંભળીને જીરવવાની તાકાત ન હોય તો એ પાત્ર નથી, કુપાત્ર છે." માટે એ વાત સ્પષ્ટ કહી દીધી. ગોપાળાનંદ સ્વામીએ ગાદીની મર્યાદા રાખી. બંને સંતોએ વિશિષ્ટપણું બતાવ્યું. ત્યારે એક વાત છે જે સમજે જ છૂટકો છે. એ કે મહારાજની મૂર્તિમાં રહી અને મહારાજના દર્શન કરવા. મહારાજની માનસી પૂજા કરવી. દેહમાં જીવ રહી શકતો હોય તો મૂર્તિમાં અનંત અનાદિમુક્તો રહીને સુખ લે છે એ કેમ ન હોઈ શકે? સ્થૂળમાં રહે છે તો દિવ્ય વસ્તુ તો દિવ્યમાં રહી શકે જ ને? દિવ્ય વસ્તુ કાંઈ પોલી કે પોકળ નથી. દેહ પોલો છે. દિવ્ય વસ્તુમાં તો ત્યાગ-ભાગ નથી. ત્યાગ-ભાગનો શું અર્થ થયો? પોલાણપણું નથી. તો પોલાણમાં તો જેટલું સમાય એટલું રહે. એવું ત્યાં છે નહિ. આ દિવ્ય સ્થિતિ જબરજસ્ત છે. મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવાની વાત સૌએ કરવી. ભલે બધાને પચે કે ન પચે. બરોબર? આ વાત વૈજ્ઞાનિક છે અને બધા વચ્ચે કહી શકાય એમ છે. કોઈ ના પાડી શકે એમ નથી. આ હકીકત છે. બાપાએ નિર્ભય થઈને જોર-શોરથી આ વાત કહી છે. અરે, અમે જોઈને કહીએ છીએ. શું તમે ના કહેતા હતા. જ્યારે બાપા વાત કરતા ત્યારે કોઈ બોલી શકતું નહોતું. ભૂજની સભામાં પણ વાત કરતા હતા. મૂર્તિમાં રહેવાની વાતો કરે. તેઓ જાણતા એમની સ્થિતિ જબરજસ્ત છે શું બોલે? વાત તો બરોબર છે. પોતાની ગતિ નહિ હોય તો નહિ બોલી શક્યા હોય. વાત એટલી છે કે જેટલું સમજાય એટલી વાત યાદ રહે.
શ્રીકૃષ્ણ ભગવાન એ મૂળપુરુષ એથી ક્યાંય પર મહારાજ છે એમ એમણે કહ્યું. શ્રીકૃષ્ણ ભગવાન એ કાંઈ જેવો તેવો અવતાર હતા? જબરજસ્ત અવતાર! અને એમના ચરિત્રો. જેની કોઈ સીમા નહોતી રહી. તો આ સીમા ક્યાં? (મહારાજની) એ રીતે ભગવાન સ્વામિનારાયણના ભક્તોએ આવી ઉપાસના દૃઢ કરવી. ભગવાનના તદાકાર ભાવને પામવાને માટે આ સમજણ રાખવી. ભગવાન સ્વામિનારાયણના ચિંતન-મનન અને નિદિધ્યાસ તથા દર્શન-કથા બધું જ કરીએ, પણ આ નહિ કરીએ એટલે નિદિધ્યાસ વગર ભગવાનનો સાક્ષાત્કાર ન થાય. એ એક જ સ્વરૂપનું ચિંતન. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. માનસીપૂજા અર્ધો કલાક કરીએ તો જ ધ્યાન થાયને? જીવોને શીખવવાને માટે પણ મહારાજે કહ્યું કે મારા મહામુક્તો પણ માનસીપૂજા, પાઠ વગેરે ક્રિયા ચાલુ રાખે છે. દેહભાવ રહે ત્યાં સુધી આ બધું કર્યા કરવું. માનસીપૂજાની રીત મહારાજે પણ કહી છે અને માનસીપૂજાની રીત તો એ કે પ્રાતઃકાળમાં જે ક્રિયા કરીએ એ બધી જ ક્રિયા શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપમાં રહીને કરવી. આ બધા થાળ ધરાવવા, વસ્ત્રો ધરાવવા એ બધું કરીએ છીએને? બધું નથી કરતા? એ બધું દિવ્યરૂપમાં કરીએ. ભગવાનના સ્વરૂપમાં જોડાઈને કરીએ. હવે એનું વર્ણન કરતાં તો વાર લાગી જાયને? કારણ કે એ જ અર્ધો કલાક સુધી કરીએ તો મજા આવે. અને એ કરતાં-કરતાં-કરતાં એ સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. તો વધારે સારું.
જુઓ આ મહારાજની મૂર્તિને પહેલાં હાર આવરણ કરતો હતો તે કાઢ્યો એટલે હવે સુંદર દેખાય છે ને? હાર રાખવા તેના ઉપર ચાર-પાંચ ટેપ ચોંટાડી. ટેપ એટલી સજ્જડ ચોંટાડી કે મહારાજ કહે છે આ શું પત્તર ખાંડે છે. એ પણ આપણને સમજાવ્યું. ત્યારે મને યાદ આવ્યું કે દિવ્યસ્વરૂપ ને દિવ્ય વસ્ત્રોમાં ભગવાનનું અંગ ઢંકાતું નથી. એનું નામ દિવ્ય વસ્ત્રો. દિવ્ય વસ્ત્રોમાં મહારાજ એવા ને એવા દેખાય. વસ્ત્રવિહીન દેખાય. વસ્ત્રવિહીન મૂર્તિ તો શું સુંદર લાગે છે કે ત્યાં વસ્ત્રવિહીનતાની કલ્પના જ નથી. એ તો આ લોકમાં છે. બધા જ દિવ્ય વસ્ત્રો પહેર્યાં છે. આ આપણી વસ્તુને સ્વીકારીને મહારાજ પોતાના સ્વરૂપને પમાડી દેશે. અબજીબાપાના શબ્દોમાં જ્ઞાન-ધ્યાન ને ઉપાસના બરોબરને? મેં તો એમની વાતો ઘૂંટીને મૂકી. મેં એનું ચિંતન કર્યું. ઘૂંટીએ તો ચાલેને. નહિ તો એકડો ઘૂંટીએ જ નહિ તો? રોજ જમવું તો પડેને? બીજા દિવસે ભૂખ્યા થઈ જઈએ છીએને? ત્યારે જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી રોજ આ જમવું પડે. ન જમીએ તો ભૂખ્યા થઈ જવાય માટે જમ્યા જ કરવાનું. દાળ-ભાત રોજ જમીએ છીએ છતાં અપખે પડે છે? કાલ પાછું ભોજન એવું ને એવું કરીએ છીએ. માટે ભગવાન સ્વામિનારાયણનું ચિંતન-મનન સદાય એવું ને એવું નવીન લાગે છે. એ કંઈ જૂનું થઈ જતું નથી. એનું નામ જ ભગવાનનું નામ.
આ તો સામુહિક બ્રહ્મયજ્ઞ છે. એમાં બધાને વગર નિમંત્રણે જ આવવાનું હોય. નિમંત્રણ મળે કે ન મળે. નિમંત્રણને શું કરવું હોય? ભગવાન મેળવવામાં જો નિમંત્રણની રાહ જુએ એ એકલો રહી જાય. બધાયમાં નિમંત્રણની અપેક્ષા રાખવી, પણ ભગવાન મેળવવાને માટે નિમંત્રણની રાહ જોવી નહિ.
સહજાનંદ સ્વામી મહારાજની જય. આ સભાની પ્રસન્નતા ઇચ્છી વિરમું છું.
સારાંશ
ભગવાનની કથા-વાર્તા, ઉત્સવ-સમૈયા ભગવાનના સંબંધવાળા હોય તો સબીજ. મહારાજના મુક્તોને સંભારવાથી મહારાજ સહેજે સાંભરી આવે છે. માટે તેમના દિનોની ઉજવણી કરવી, પણ એ બધા ઉત્સવો આપણી બધી ક્રિયા ભગવાનના સંબંધવાળા હોવાં જોઈએ.
ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીના આંદોલનો સારાય વિશ્વમાં ગુંજે છે. જેની પાત્રતા થાય તેને એ આંદોલનોનો સ્પર્શ થાય છે. જે ભગવાન સન્મુખ થાય તેના ચૈતન્યમાં પણ એ આંદોલનો ગુંજે છે અને અંતે દિવ્યરૂપ કરી મૂકે છે અને તે ભગવાન સન્મુખ થાય છે. સિદ્ધ દશા ત્યારે જ પ્રાપ્ત થાય કે મહારાજની મૂર્તિ નીરખતા બીજું કાંઈ નજરમાં ન આવે. મનમાં કોઈ વસ્તુ સ્ફૂરે નહિ. સિદ્ધદશા આવ્યા પછી કથા-વાર્તારૂપી સાધનોની આવશ્યકતા રહેતી નથી.
જેને ધ્યાન કરતા કે અંતર્વૃત્તિ કરતા ન આવડતું હોય તેમણે મહારાજ કે તેમના અનાદિમુક્તની શ્રદ્ધાએ સહિત સેવા કરવી. તો તેમની કૃપાથી પાત્રતા આવી જાય અને મહારાજના દિવ્ય દર્શન થાય. એ દર્શન થયા પછી એના વર્ણનના શબ્દો જડતા નથી. બધું અહો... અહો જ થઈ જાય છે. મહારાજના અનાદિમુક્ત જ સામાન્ય જીવોને સમજાવવા આ લોકની ઉપમા આપી તેનું થોડું વર્ણન કરી શકે છે.
મહારાજની મૂર્તિ સિદ્ધ કરવા ખૂબ ધીરજ જોઈએ. મહારાજની મૂર્તિમાં એવી એકાગ્રતા કરવી કે એ મૂર્તિ સિવાય બીજું કાંઈ દેખાય જ નહિ, અર્જુનની જેમ. વૃત્તિ સ્થિર કરવા પ્રસન્નતાનાં સાધન કરવા પડે.
અનાદિમુક્તના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળતું હોય છે. તેઓને આ લોકના ખોરાકની વધુ આવશ્યકતા હોતી નથી. તે દેખાવ માત્ર હોય છે. તેઓ તો મહારાજના દિવ્ય સુખનો આહાર કરતા હોય છે. (અનાદિમુક્ત મામા પોતે પણ કેટલો ઓછો ખોરાક લેતા તેટલા ખોરાકથી શરીર ટકી શકે નહિ. તેઓ દેખાવ પૂરતું જ ખાતા. તે આપણે સૌ જાણીએ છીએ.) મોટા પુરુષના દિવ્ય ચરિત્રો અને મનુષ્યલીલા બંને સરખું છે. માટે તેમના ચરિત્રો જોઈ મનુષ્યભાવ લાવી ક્યારેય સંકલ્પે ચડી જવું નહિ. નહિ તો જીવનું બગડી જાય. અનાદિમુક્તને આવવા-જવાપણું નથી, માટે તેમનું પ્રાગટ્ય અને અંતર્ધાન બંને સરખું જ સમજવું. તેઓ જીવોના કલ્યાણ કરવા સ્વરૂપ ધારણ કરે છે અને કલ્યાણ કર્યા બાદ સ્વરૂપ દેખાવું બંધ કરે છે. જેમ મહારાજ સદાય પ્રગટ છે, તેમ તેમના અનાદિમુક્ત પણ સદાય પ્રગટ છે.
સ્વામિનારાયણ ભગવાન એક સર્વોપરી, બીજા અવતારો એમને લઈને ભગવાન કહેવાયા. જેમ શ્રીકૃષ્ણને લઈને વેદવ્યાસ ભગવાન કહેવાયા તેમ. અવતારોના ચરિત્રો તે મહારાજના જ કહેવાય. આત્યંતિક મોક્ષ માટે ફક્ત ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોનું જ સ્મરણ થાય, તેમનું જ ભજન થાય, તેમનું જ ચિંતન-મનન-નિદિધ્યાસ અને ધ્યાન બધું જ એમનું થાય. બીજાનું નહિ.
ભગવાનના તદાકારભાવને પમાડી દે તેવા મુક્તનો સમાગમ કરવો. મહારાજના દિવ્ય સ્વરૂપમાં વસ્ત્રો પણ દિવ્ય છે. એ વસ્ત્રો, કંઠી કાંઈ પણ મહારાજના અંગને ઢાંકતા નથી. વસ્ત્રો હોવા છતાં બધા અંગો સ્પષ્ટ જોઈ શકાય તેવા એ દિવ્ય વસ્ત્રો છે. એ અનુભવે જ ખબર પડે. એ દિવ્ય સ્વરૂપના તેમના અનંત મુક્તો એ મૂર્તિમાં રસબસ થઈ રોમેરોમનું સુખ ભોગવે છે. પાત્રતા પ્રાપ્ત કરવા માનસીપૂજા કરવી. તે અર્ધીકલાકની ન રહેતા કાયમી થઈ જવી જોઈએ. ભગવાનનો સાક્ષાત્કાર તેમના અનાદિમુકત થકી જ થાય છે. સત્સંગમાં તેઓ વિચરતા જ હોય છે. મૂર્તિમાં રહેવાની સમજણ અતિ દૃઢ રાખવાની. કારણ, જેટલી સમજણ હોય એટલી જ પ્રાપ્તિ થાય છે.
બાપાશ્રીએ સર્વોપરી ઉપાસના અને મૂર્તિમાં રહેવાની વાત જોર-શોરથી કરી છે. ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જ અવિચળ છે. અનાદિમુક્ત એ સ્વરૂપમાં દોટ દે છે. અને મહારાજ જેટલું જ જાણે, જુએ છે. માટે અનાદિમુક્તમાં ક્યારેય સંશય ન કરવો. મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવાની વાત બાપાશ્રીએ કરી અને આપણે પણ સૌને કરવી. એ સત્ય હકીકત છે. બધાએ એ સમજે જ છૂટકો છે.
બધામાં નિમંત્રણની રાહ જોવાય, પરંતુ ભગવાન મેળવવામાં નિમંત્રણની રાહ ન જોવાય.