7
આ દિવ્ય વાતાવરણ ઉપરથી સૌ કોઈને સમજી શકાય એવી એક કૃપાવર્ષા ચાલે છે એ શ્રીજીમહારાજની પ્રસન્નતા. અને કેવળ શ્રીજીમહારાજના સંકલ્પથી જ પરમકૃપાળુ બાપાશ્રી અત્રે આ પૃથ્વી પર પ્રગટ થયા હતા. અને આ સાર્ધ-શતાબ્દી નિમિત્તે મને પોતાને તો એમ લાગે છે કે સર્વ કોઈને એમ લાગશે કે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતાના મુખ્ય પ્રણેતા અબજીબાપાશ્રી જ છે. એમાં કોઈ અન્ય વિકલ્પ મને જણાતો નથી.
અને બાપાશ્રીએ માત્ર સત્સંગ ઉપર નહિ, પણ સમગ્ર માનવકુળ ઉપર ઉપકાર કર્યો છે. આ વિશ્વમાં સંપ્રદાયો ઘણા છે, પરંતુ એ સંપ્રદાયોમાંનો આ એક સંપ્રદાય નથી. આ તો વિશ્વધર્મ છે કે જેની અંદર બધા જ સંપ્રદાયોનો સમાવેશ થઈ જાય છે. અન્ય બધા જ સંપ્રદાયો તો અપૂર્ણ જેવા છે. વિશ્વધર્મ એનું નામ કે જે સર્વમાન્ય હોય. ભગવાન જુદા જુદા વાદો અને સંપ્રદાયોથી જગતને સર્વમાન્ય થાય એવા છે જ નહિ. અલબત્ત, જુદા જુદા સંપ્રદાયોના સ્થાપકોને આધ્યાત્મિક રીતે સારા એવા અનુભવો થયા છે, પરંતુ તે અનુભવો અપૂર્ણ છે. અને હજી પણ જેમણે જેમણે એ સંપ્રદાયો સ્થાપ્યા છે તેમના પ્રણેતાઓ પણ ફરીથી પૃથ્વી ઉપર પ્રગટ થઈને ભગવાન સ્વામિનારાયણને ઓળખશે ત્યારે જ પૂર્ણતાનો એવો વાદ એ સમજી શકશે. આ પૂર્ણવાદ છે. બાકીના બધા અપૂર્ણવાદ છે એ સત્ય ઘટના છે. આપણા કોઈ પણ સંતોએ કે હરિભક્તોએ કદી પણ આ સંપ્રદાયને બધા સંપ્રદાયોમાંનો એક નહિ સમજવો જોઈએ. ભલે વિશ્વનો ગમે તે દેશ હોય, પણ તે સ્વામિનારાયણ ભગવાનના આદર્શો સર્વ રીતે સ્વીકારશે. પણ આપણને એ આદર્શો જગત પાસે મૂકવાની આવડત આવી નથી. ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરીને એવી આવડત કેળવીએ કે કોઈ પણ દેશનો કોઈ પણ માનવી હોય એને આપણે વૈજ્ઞાનિક રીતે સમજાવી અને ગળે ઊતારી શકીએ કે આ આદર્શો સમગ્ર માનવકુળને માટે છે કે નહિ તે કહો. તેઓએ હા જ પાડવી પડશે.
સ્વામિનારાયણ ભગવાનના જે પાંચ વર્તમાન - પાંચ ideals અને શિક્ષાપત્રી અને વચનામૃત આ બે ગ્રંથના રહસ્યો સમજવા માટે જગતને તથા જગતના ચિંતકોને વર્ષો લાગશે એવા ગૂઢાર્થ પણ એમાં છે. અને જે નહિ ભણેલા હોય તેને પણ સમજી શકાય, જીવનમાં ઉતારી અને પોતાનું જીવન નિર્મળ બનાવી શકે એવું પણ છે. ત્યારે આ તત્વજ્ઞાન આ બે દૃષ્ટિએ એટલું સરસ-ઉત્તમ છે કે બિલકુલ ભણેલા ન હોય તે પણ આ બે ગ્રંથના માત્ર શ્રવણથી પોતાનું જીવન ઉન્નત બનાવી શકે એ એક વાત. બીજી વાત એ કે એની અંદર આ સાદી ભાષાની અંદર એટલું બધું તત્વજ્ઞાન મૂકાયેલું છે કે અત્યારે વિશ્વના જે ચિંતકો છે એની પાસે જો આપણે અંદરના ગૂઢ રહસ્યો મૂકીએ તો તે પણ વિચારતા થઈ જાય. એક સમય એવો આવશે કે સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ સંતો-મહાન અનાદિમુક્તો- પૃથ્વી ઉપર પ્રગટ થશે અને એ ભગવાનના મહાન સંતો એમ સમજાવશે કે સર્વોપરી પરમાત્મા એ શું છે, એ કઈ દિવ્યતા છે, એ કઈ દિવ્ય વિભૂતિ છે. એ કેવી દિવ્ય વસ્તુ છે એ હજી જગત સમજી શક્યું નથી, માટે આ ભગવાનનો વિશ્વધર્મ છે તે જોઈએ તેવો પ્રચાર પામ્યો નથી. એમાં આપણો પણ વાંક છે. આપણે ખૂબ ફાળો આપવો જોઈએ. અને ફરીથી એકવાર કહું છું કે આપણો સંપ્રદાય એ સંપ્રદાય નથી. દરેક સંપ્રદાયનો એ વિશ્વધર્મ છે.
રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પણ બાપાશ્રીએ મૌલિકતા બતાવી છે. જે ગહન રહસ્યો આપણા પાંચ મહાન સદ્ગુરુઓ કે જેમણે વચનામૃત શોધ્યા, વચનામૃત લખ્યા અને છપાવ્યા તે પણ વચનામૃતના ગહન રહસ્યો બરાબર સમજી શક્યા ન હતા. તેઓ એ રહસ્યો કોના થકી સમજ્યા? સર્વોપરી ગણાતા એવા મહાન અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામી દ્વારા. એક વર્ષ સુધી સ્વામીએ સમજાવ્યા. પણ તે સમજૂતી લખાઈ નહિ, લખવામાં આવી નહિ. અને એ પાંચ સદ્ગુરુઓ મહાન સમર્થ યોગેશ્વર એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા સમજ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત બોલ્યા કે હવે જે સુખ, શાંતિ અને દિવ્ય આનંદ સ્વામિનારાયણ ભગવાનમાંથી જે નીકળે છે, જે સુખ પ્રાપ્ત થાય છે એ હમણાં સમજાયું. ત્યારે વિચાર કરો કે આ સાદી ભાષામાં લખાયેલ શિક્ષાપત્રી અને વચનામૃત કેટલાં અગાધ! આપણે તેના સાદા અર્થ કરીએ છીએ. એના સ્થૂળ અને સૂક્ષ્મ અર્થો જ્યારે જગત પાસે મૂકીએ ત્યારે આપણે બુદ્ધિવાન અને ઝીણી બુદ્ધિવાળા કહેવાઈએ. મહારાજે ઝીણી બુદ્ધિવાળાને વખાણ્યા છે. એનું નામ ઝીણી બુદ્ધિ કે જે ભગવાનને જેમ છે એમ ઓળખાવી શકે. તે એમ કદી ન કહે કે દસ હજાર સંપ્રદાયમાંનો આ એક સંપ્રદાય છે. How? કદી નહિ. કદી નહિ બોલવું જોઈએ.
પછી બીજી વાત એ કે ભગવાનના મુક્તની સાર્ધશતાબ્દી ઉજવવા માટેનો કોઈ ઉલ્લેખ નથી એમ છે જ નહિ. તે સમજ્યા વગરની વાત છે. મહારાજ તો એમ કહે છે કે મારી જન્મ-જયંતી તો સૌ કોઈ ઉજવે, પણ મારા અનાદિમુક્તોની જન્મ-જયંતી સૌ ઉજવે ત્યારે જ મારી ખરી મહાનતા ખબર પડે. ભગવાન પોતાના અનાદિમુક્તને શું કહે છે? 'સંત તે મારી મૂરતિ રે તેમાં ફેર નહિ એક રતી રે'. કેટલું બધું કહી નાખે છે! તે શું બતાવે છે? પ્રસન્નતા બતાવે છે. કે મારા મુક્ત મારું સર્વોપરી તત્વજ્ઞાન સમજાવવા માટેના શ્રેષ્ઠ માધ્યમો છે. અને એ માધ્યમ દ્વારા એ પરમાત્મા છેવટે કામ કરે છે. કામ કરનાર ભગવાન સ્વામિનારાયણ જ છે. કર્તા એ છે, કરે છે એ, પણ પોતાના મુક્ત દ્વારા કરે છે. મુક્તોને પોતાનું દ્વાર બનાવે છે.
બાપાશ્રી દ્વારા ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા સત્સંગમાં પણ ગાજતી થઈ ગઈ. અત્યાર સુધી તો લોકો સ્વામિનારાયણ ભગવાનને અન્ય અવતારો સાથે ગણતા હતા. ક્યાં અવતાર ને ક્યાં અવતારી એવા સ્વામિનારાયણ ભગવાન! વિચારીએ તો ખરા! એમાંથી એ બધા જ અવતારો પ્રગટ થયા અને એ અવતારોએ પણ આ પૂર્ણતાને પામવાનું છે. ત્યારે એ ભગવાન સ્વામિનારાયણના આપણે મહાન હરિભક્તો ને સંતોએ આપણા ધર્મને વિશ્વ-ધર્મ બનાવવો જોઈએ. વિશ્વ-ધર્મ એટલે બધાને માટે. એ બધા માટે ખુલ્લો. કોઈ પણ પાળી શકે. તેમાં હરિજન ન પાળી શકે કે મોચી ન પાળી શકે કે વૈશ્ય ન પાળી શકે એવું છે જ નહિ. બધા જ માટે છે.
પરમાત્મા તો એક જ છે. અને પૂર્ણ પુરુષોત્તમ સંપૂર્ણ સ્વરૂપમાં ભગવાન સ્વામિનારાયણ રૂપે તે પરમાત્મા છે અને એ આપણા ભાગ્યમાં આવી ગયા! તો આપણા કેટલાં ભાગ્ય કે ભગવાન કૃપાસાધ્ય બન્યા! આપણામાં શું પાત્રતા છે બતાવો? છતાં પણ એના ઝપાટામાં - ખંપાળીમાં આવી ગયા તો આપણે મહાન બની ગયા. કૃપાસાધ્ય કોને કહે? રાજી થઈ જાય તો ખંડિયા રાજાને ચક્રવર્તી રાજા બનાવી આપે. તેમ આપણને પાત્ર ન હોવા છતાં પણ મહાન બનાવી દીધા.
તો આ પારાયણ મહોત્સવ પ્રસંગે ખરેખર ભગવાન સ્વામિનારાયણ એમ સૂચવે છે કે મારા મહાન અનાદિમુક્તો ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મહાન સંતોની જન્મ-જયંતી પ્રસંગે પણ આપણે આવા ઉત્સવો યોજવા જોઈએ કે જેમાં ભગવાન સ્વામિનારાયણની નરી પ્રસન્નતા વરસે છે. અને આપણે એવા મહાન અનાદિ મુક્તરાજ પરમપૂજ્ય બાપાશ્રીની સાર્ધ-શતાબ્દી ઉજવીએ છીએ. એ સાર્ધ-શતાબ્દીને સારોય સત્સંગ તેમ જ અન્યધર્મીઓ પણ જરૂર માન આપશે.
અને આપણે બધા એક જ શિક્ષાપત્રી વાંચીએ, એક જ વચનામૃત વાંચીએ અને એક જ ભગવાન સ્વામિનારાયણનું રટણ કરીએ અને એમાં જાત-જાતના ફાંટાઓ થયા તે ફાંટા ન થવા જોઈએ. મંડળો થવા જોઈએ. અને એકબીજાનો વિરોધ ન કરવો જોઈએ અને એક સૂરમાં ભગવાન સ્વામિનારાયણને સમગ્ર વિશ્વમાં જો ગાજતા કરીએ તો કેટલાય જીવોનું સારું થઈ જાય. માટે એક સૂર; કોઈ વિરોધ નહિ. અમદાવાદ, વડતાલ, ભુજ તેમ જ ગુરુકુળ આ બધા એક જ ભગવાનના મંડળો છે. કોઈ બે-પાંચ સ્વામિનારાયણ ભગવાન અલગ અલગ છે અને અમે આ સ્વામિનારાયણને માનીએ છીએ, તમે પેલા સ્વામિનારાયણને માનો છો એવું તો કોઈ બોલતા નથી. જો એકબીજા મંડળો વચ્ચે વિરોધ હોય તો એ બતાવે છે કે આપણે મહારાજને બરાબર સમજ્યા નથી. જો બરાબર સમજ્યા હોઈએ તો વિરોધ જેવી વસ્તુ રહે નહિ. બાપાશ્રીએ તો એમ કહ્યું કે જે પંચ વર્તમાન પાળે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળે અને ભગવાનને જેવા છે તેવા ઓળખે એ બધા એક મંડળ છે. એ જુદા જુદા મંડળ નથી. અને જુદા જુદા મંડળ સમજે તો ભગવાનનો અપરાધ થાય. આ બાપાશ્રીની જે વાણી તે જીવનમાં ઉતારવા જેવી છે. અને એવો સુલેહ સાધવો જોઈએ કે સંઘર્ષ કે ઝઘડા જેવું કંઈ રહે જ નહિ. અદેખાઈ, ઈર્ષ્યા, દ્વેષ આ શું? બાપાશ્રીને આ ગમતું જ નહિ. કદીપણ નહિ.
આપણે ભગવાન સ્વામિનારાયણ અને તેમના મહા અનાદિમુક્તોનું દિવ્ય સ્મરણ કરીને તેમના ચરણમાં આપણા ચૈતન્યને સમર્પણ કરીને તન, મન, ધન અર્પણ કરીને ભગવાન સ્વામિનારાયણને રાજી કરીએ અને આપણા સંપર્કમાં આવે તેને ભગવાન સ્વામિનારાયણને જેમ છે તેમ બહુ વિવેકપૂર્વક, બહુ પ્રેમથી, મગજ ગુમાવ્યા વગર, સ્વસ્થ ચિત્તે આપણે જરૂર સમજાવીએ કે જેથી આપણે જો પાંચ જણને સમજાવીએને તો પાંચ બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ મળે. તો આ સાર્ધ-શતાબ્દી નિમિત્તે આજે આપણે સંકલ્પ કરીએ કે આપણા સંબંધમાં આવ્યા હોય તેમને બધાને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવીએ અને કહીએ કે ભાઈ! આ સ્વામિનારાયણ ભગવાનનું તત્વજ્ઞાન અદ્ધરથી ઝીલો. આ છે. જુઓ, આ કેવી સારી વસ્તુછે! એમ કરી અને એમને આપણે સમજાવવાનું કર્તવ્ય છે તે બરાબર સરસ રીતે આ સાર્ધ-શતાબ્દી નિમિત્તેપૂર્ણ કરી અને ધન્ય ધન્ય બની જઈએ એવી પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણને કરું છું. તેમ જ ભગવાન સ્વામિનારાયણની કૃપાવર્ષા આપણા બધા ઉપર ઊતરે અને આપણો આ છેલ્લો જન્મ બની જાય એવા જે આપણને આશીર્વાદ મળ્યા છે એ આપણે બરાબર પાત્ર રહીને જાળવી રાખીએ એવો પણ કટિબદ્ધ નિર્ણય કરીએ.
સારાંશ
ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાના પ્રણેતા બાપાશ્રી છે. સ્વામિનારાયણ ધર્મ એ દરેક સંપ્રદાયનો, વિશ્વધર્મ છે. સર્વમાન્ય છે. મહારાજના અનાદિમુક્ત પૃથ્વી પર પ્રગટ થઈ બધાને એ સમજાવશે. શિક્ષાપત્રી અને વચનામૃત સાદી ભાષામાં હોવા છતાં ઘણા ગહન છે.
ભગવાનના અનાદિમુક્તના દિનની ઉજવણી તે જ ખરી ઉજવણી અને એથી મહારાજ ઘણા રાજી થાય.
બધા મંડળોએ ભેગા મળીને વિશ્વને ભગવાન ઓળખાવવા જોઈએ. આપણે સૌએ પણ આપણા સંબંધમાં આવનારને પ્રેમથી મહારાજનું તત્વજ્ઞાન સમજાવવું જોઈએ.