23

0:000:00

આ સમગ્ર મહોત્સવ પરમ દયાળુ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી નિમિત્તે થયો છે. દરેક મનુષ્યના જીવનનું ઉચ્ચત્તમ ધ્યેય ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું છે. એ પ્રાપ્તિ થઈ ગઈ એટલે પછી કંઈ જ કરવાનું રહેતું નથી. એ કામ શ્રીજીમહારાજે બાપાશ્રીને દ્વાર બનાવીને કર્યું. શ્રીજીમહારાજનું કામ બાપાશ્રીએ એમના સંકલ્પ મુજબ સંપૂર્ણ પૂરું કરાવ્યું. અનાદિ મુક્તરાજનો ધ્યેય દરેકને સર્વોપરી મહાપ્રભુની મૂર્તિમાં રસબસ રાખી દિવ્ય સુખને પમાડવાનો હોય છે. એ જ રીતે અનાદિ મુક્તરાજ દિવ્યસ્વરૂપ બાપાશ્રીના મહોત્સવે અનેકને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સુખમાં રાખવાના આશીર્વાદ મુક્ત દ્વારા આપ્યા.

એ આશીર્વાદ અવિચળ છે અને આપણે શ્રદ્ધા અને મહિમા એવો રાખીએ કે ભલે બધું ચલિત થઈ જાય, પણ આ આશીર્વાદમાં કોઈ પણ જાતની અસ્થિરતા આવે નહિ. એક વાત તદ્દન હકીકત છે કે જો આ આશીર્વાદ મહિમા સાથે અને સંપૂર્ણ શ્રદ્ધાથી કોઈ પણ જાતના વિકલ્પ વગર જો ઝીલીએ, તો આપણું સમગ્ર જીવન દિવ્ય બની જાય એમાં કોઈ શંકા નથી. આપણા બધા અવયવો ફરી જાય. અને આપણને એવું જરૂર લાગશે કે ભગવાનનું સ્વરૂપ આપણા અંતરમાં અનાયાસે દેખાશે અને અંત વખતે અથવા એ પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ આશીર્વાદ મૂર્તિમાન કરી અને આપણને એમની મૂર્તિના સુખભોક્તા કરશે. આ કંઈ થોડી વાત? આ સત્ય છે એમ માનવાનું. આ આશીર્વાદ ફરવાના નથી, ભલે આપણે પાત્ર બરાબર ન હોઈએ તો ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન કહે છે કે હું તમારો સર્વોત્તમ ઉદ્ધાર કરી દઈશ અને તમને હું મારી મૂર્તિના સુખમાં રાખીશ. એ ભગવાન પરમાત્મા બોલે એમાં કોઈ ફેર પડે ખરો?

ત્યારે આપણને એક નિરાંત તો થઈ ગઈ કે પૂર્ણકામપણું ભગવાનના આશ્રિત થયા એટલે થયું અને બીજું એ પણ પૂર્ણકામપણું હૃદયમાં દૃઢ થઈ ગયું કે હવે પછી આપણો જન્મ રહેશે નહિ. અનેક જન્મ સુધી આપણે કેટલાં બધા દુઃખો ભોગવ્યા? હેરાન-પરેશાન થયા. ત્યાં ભગવાન સ્વામિનારાયણના પૂર્વે કોઈ મોટા મુક્તોના જોગમાં આવી ગયા હઈશું તેથી આ કારણ સત્સંગરૂપ બગીચો જે બાપાશ્રીએ ખીલવ્યો એમાં પણ આપણે આવી ગયા.

અને હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે આપની દિવ્ય સ્મૃતિ પરમ પૂજ્ય બાપાશ્રી સહિત હંમેશાં રહે. આપણે એ સ્મૃતિ મૂર્તિરૂપ થઈને કરી શકીએ એવી કૃપાવર્ષા કરી છે તે મહાપથારી સુધી જાળવી રાખી અમારું સેવન કરજો અને અમને એ દિવ્ય સુખના અનુભવમાં મૂકી દેશો કે જે મૂર્તિના સુખમાં અત્યારથી જ અમને રાખવાના આશીર્વાદ આપી દીધા છે. એ આશીર્વાદ મુક્ત દ્વારા અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીએ જ આપ્યા અને એમાં એ આશીર્વાદમાં મુખ્ય બોલનાર તો ભગવાન સ્વામિનારાયણ જ છે. અનંત અનંત મુક્તો સુખભોક્તા છે, કાર્ય તો મુક્તને નિમિત્ત બનાવીને પોતે કરે છે. તો માધ્યમ-સર્વોત્તમ માધ્યમ- તો અનાદિમુક્ત જ કહેવાયને? કારણ કે અનાદિમુક્ત દ્વારા ભગવાને અનેક કામ કર્યાં. અને આ સદાવ્રત માત્ર થોડા સમય માટે જ નહિ, પણ આ પૃથ્વી-બ્રહ્માંડ ચાલશે ત્યાં સુધી આ સદાવ્રત સ્વામિનારાયણ ભગવાન તેમના અનાદિમુક્તોને આ પૃથ્વી ઉપર પ્રગટ કરીને ચાલુ જ રાખશે.

સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સિવાય ક્યાંય સારપ્ય નહિ રહેવી જોઈએ. બધા જ અવતારો, બધા જ દેવો એમાં ભગવાન સ્વામિનારાયણનો પ્રેરણા દ્વારા આવિર્ભાવ છે. એટલે એ બધા જ પૂજનીય, આદરણીય છે. આપણે એમનું દર્શન કરીએ, પરંતુ સર્વોપરી પરમાત્મા સિવાય એ કોઈ પણ ઉપાસ્યમૂર્તિ ન ગણાય. ઉપાસ્યમૂર્તિ તો એ ગણાય કે જેનો મંત્ર સર્વોપરી હોય. તે સિવાય બીજો કોઈ મંત્ર અધિક નથી. માટે આપણે એક વસ્તુ નક્કી કરવી કે કોઈ પણ જાતનું દુઃખ આવે - એ તો આ જન્મ લીધો છે અને આ જગતમાં આવ્યા તો સુખ-દુઃખ તો ચાલ્યા જ કરવાનું. અને - એ સહન કરવું એ જ ભગવાનની પ્રસન્નતા છે. વિશ્વાસ રાખીને. જો વિશ્વાસ ડગી જાય અને બીજે ક્યાંય સારપ્ય જો મનાઈ જાય તો સર્વોપરી ઉપાસનામાં કચાશ કહેવાય. ગમે તેવું દુઃખ પડે તો વધુમાં વધુ શું થઈ જવાનું છે? આ દેહ પડી જવાનો છે. તો સર્વોપરી ઉપાસના રાખવાની એટલે કે કોઈ જગ્યાએ સારપ્ય નહિ રાખવાની. ભગવાન સિવાય કોઈ બીજા દેવી-દેવતાઓ દુઃખ મટાડે એ શું? ભગવાનની પ્રેરણાથી જ બીજા દેવ-દેવીઓ દુઃખ મટાડે છે. એ બધા દેવો પોતે મટાડે છે? ના, ના. ભગવાન સ્વામિનારાયણે આપેલાં ઐશ્વર્યથી મટાડે છે. જો એ પાછું ખેંચી લે, તો કોઈ કામ કોઈ દેવથી થઈ શકે જ નહિ.

તો આ વાત આપણે દૃઢ કરી ભગવાન સ્વામિનારાયણના એવા મજબૂત અડગ સિંહ-સૈનિક બની રહીએ કે જેથી આપણને એ મૂર્તિ સિવાય ક્યાંય સારપ્ય મનાય નહિ. એ મૂર્તિ જ આનંદરૂપ લાગે. બાપાએ કહ્યું કે બધી જ ક્રિયા કરતાં કરતાં ભગવાનનું અનુસંધાન રાખી અને કામ કરવું. ફરીથી આ દિવ્ય સભાને વંદન કરી, સૌના રૂડા આશીર્વાદની અપેક્ષા સાથે વિરમું છું. અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ આશીર્વાદ બધાય અખંડ ઝીલાયા કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું.


સારાંશ

મનુષ્યના જીવનનું ઉચ્ચત્તમ ધ્યેય ભગવાનના સ્વરૂપમાં જોડાવું તે છે. તે પ્રાપ્ત કર્યા પછી કાંઈ કરવું શેષ રહેતું નથી. એ કામ અનાદિમુક્ત દ્વારા શક્ય બને છે. એ આશીર્વાદમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી. બધું ચલિત થાય, પરંતુ એ આશીર્વાદ ક્યારેય ચલિત થતા નથી. એવો દૃઢ વિશ્વાસ રાખવો. પાત્ર નહિ થઈએ તો મહારાજ અંત વખતે પાત્ર કરી સુખમાં મૂકી દેશે. અનાદિમુક્તમાં રહી મહારાજ આશીર્વાદ આપે છે. મૂર્તિ પ્રાપ્ત કરવા ભગવાન પોતાના સર્વોત્તમ માધ્યમ અનાદિમુક્તને મોકલે છે. અને પૃથ્વી રહેશે ત્યાં સુધી મહારાજ જીવો પર દયા લાવી તેમને મૂર્તિનું સુખ ભોગવવા જેવા પાત્ર બનાવવાનું સદાવ્રત તેમના અનાદિમુક્ત દ્વારા ચાલતું રાખશે.

બધા દેવો-અવતારો પૂજનીય છે, પણ ઉપાસના ફક્ત સ્વામિનારાયણ ભગવાનની જ કરવી. ગમે-તેવા દુઃખ આવે ઉપાસના ખંડિત થવી જોઈએ નહિ. દેહ પડી જાય તેવું દુઃખ આવે છતાં પણ ઉપાસનારૂપી વિશ્વાસ ડગવો જોઈએ નહિ. બધા દેવોમાં ભગવાન સ્વામિનારાયણે સાર્મથ્ય મૂક્યું છે માટે તેઓ કામ કરી શકે છે.

દરેક ક્રિયામાં ભગવાનને સાથે રાખી કામ કરવું.