9

0:000:00

શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ દિવ્ય સભાને કોટાનકોટી વંદન કરું છું. આ જેવી બીજી દિવ્ય સભા કોઈ જગ્યાએ નથી. સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય સભાથી અધિક સભા બીજી કોઈ નથી. મહારાજને અને મહારાજના મુક્તોને ઓળખવા માટે તાલાવેલી હોય એવા તથા મહારાજને ધરી રહેલા મુક્ત આ દિવ્ય સભામાં પધાર્યા છે. (પછી શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા પ્રકાશિત પુસ્તકો અને કેટલાક હરિભક્તો સંબંધી વાત થયા પછી કોઈક હરિભક્તના મંદવાડ વિશે વાત કરીને કહે છે)

મહારાજ અને મહારાજના અનાદિમુક્તો એમ કહે કે જાવ તમારો મંદવાડ મટી જશે. બાપાએ કહ્યું તમને મટી જશે. એ વચનમાં એમનામાં રહીને મહારાજ બોલ્યા છે. શ્રીજીમહારાજના એ વચનમાં રહેલી દિવ્યશક્તિ એ વચન ભેગી જ એના શરીરમાં રહેલા રોગોનું મારણ કરી નાખે છે. માત્ર દવા જ રોગનું મારણ કરી નાખે એવું નથી, પણ ભગવાનના વચને અને ભગવાનનો રાજીપો જો થાય તો બધા રોગ મટી જાય. શરીરના મંદવાડ મટી જાય અને જીવના રોગ પણ મટી જાય. એટલે એમ નહિ સમજવાનું કે મહારાજ હંમેશાં આમ કરે તો સારું, બધાયને આમ આવી દર્શન દઈને મટાડી દે.

મહારાજ એમ કહે છે કે અમે કોઈ કોઈ પ્રસંગે સમાસને અર્થે અમારો દ્રોહ કરનારને અમે કેવા રાજી થઈએ છીએ એ દર્શાવવા માટે આવા થોડા પ્રસંગો ઊભા કરીએ છીએ. પાકા ભક્તે એમાં એમ માનવાનું. એમ મહારાજ ને બાપાશ્રી કહે છે કે અમારા વિશે આવું હેત કરવું. અને આવું હેત હોય તો તમારા ચૈતન્ય ઉપરનો મંદવાડ દૂર થઈ ગયો અને તમે તદ્દન નિરોગી થઈ ગયા. એમ પોતે કહે એટલે એવું જ કહેવાય ને? માટે આપણે મહારાજ પાસે એવું માંગવું કે હે મહારાજ! આ દેહના સુખ-દુઃખ તો આવે. એવું બનવાનું. તમે અતિશય દુઃખ મટાડી દો તેમ અમારી માંગણી નથી. એ તો તમારા ધ્યાનમાં જ હોય, પણ અમારા જીવનો મંદવાડ, જીવનો રોગ, જીવમાં રહેલો (દેહાભિમાનરૂપ) કાંટો કાઢી અને તમારી મૂર્તિના સુખમાં સદાય રાખજો. એમ એ ભક્તના દૃષ્ટાંતથી હું સમજું છું.

એ કાંટો એ જ લકવો. એ શારીરિક લકવો નહિ. શારીરિક લકવો તો મહારાજનો સુંદર સેવક છે. એ તો મહારાજની મૂર્તિમાં લઈ જાય. કારણ કે બેઠા બેઠા એ સ્વરૂપને સંભારતાં બધી વૃત્તિનો અંત આવી જાય ને મૂર્તિરૂપ થઈ જાય. કાર્ય-પ્રવૃત્તિ બધી બંધ થઈ જાય. અને કેવળ કારણ-પ્રવૃત્તિ રૂપે મહારાજની મૂર્તિનું સુખ ભોગવવાનું જ રહે. એ લકવાનો ગુણ તો સારો થયો ને? પણ પેલો જીવનો લકવો જીવના કાંટારૂપ લકવો તે શું? તો મહારાજ 'આજ મારે ઓરડે' કીર્તનમાં પોતાના આશ્રિતોને કહે છે "રહેવું હોય જો મારી પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચવિષયની આશ." મહારાજ એમ કહે છે કે પંચવિષયરૂપી લકવો જેને મટી ગયો તેને ભગવાન સાથે રહેવાનું નક્કી થઈ ગયું.

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ જેને ભગવાન સંબંધી જ હોય તો માયિક પંચવિષય ખોટા થઈ જાય. એ લકવો દૂર થાય એ જરૂરી છે. મહારાજ કહે છે કે મારા આશ્રિત જે હોય તેને અંત સમે જરૂર મારે તેડવા આવવું એવું મારું બિરૂદ છે. એ સત્ય હકીકત છે. પણ આપણે એ સમજીએ કે આપણે મહારાજના આશ્રિત ક્યારે થયા કહેવાઈએ? તો મહારાજને સંપૂર્ણ શરણાગત, સંપૂર્ણ સમર્પણ કરીએ અને શ્રીજીમહારાજ સિવાય બીજા કોઈના આશરાનો સંકલ્પ સરખો પણ ન થાય. ગમે તેટલી ભૂમિકા હોય, ઠેઠ મૂળઅક્ષર સુધીની ભૂમિકા હોય, ગમે તેવા વિષયો હોય, ત્યાં મહારાજના આશ્રિતને એમાં નિશ્ચય કે મહિમા થાય નહિ. ભગવાનથી અધિકપણું ક્યાંય સમજાય નહિ. સર્વકર્તા એક ભગવાન જ સમજાય એ આશરો, એ આશ્રય. મહારાજ કહે છે કે એ આશરો ખંડિત ન થવો જોઈએ. જો ખંડિત થઈ જાય તો પ્રાયશ્ચિત્ત કરવું પડે. ઘણી વાર પ્રસંગો એવા ઊભા થાય છે કે જ્યારે આશરામાં સંકલ્પ-વિકલ્પ થઈ જાય. અને એમ સંકલ્પ-વિકલ્પ થઈ જાય, શમી જાય, શ્રદ્ધા ખંડિત થાય. વળી પાછું મન પોતાની મેળે એ સંકલ્પો દૂર કરે, એવું કર્યા કરે. શા માટે કરે છે?

સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો, મહારાજની દૃષ્ટિ પડી એટલે મહારાજ એને આકર્ષણ કરીને પકડી રાખે છે. કોઈ જગ્યાએ કોઈ ભૌતિક ચમત્કાર કે કોઈ પરચો કે કોઈમાં સારપ જેવું થઈ જાય, તો ત્યાં પેસી જાય, તો આશરાનો ભંગ થઈ જાય. પણ મહારાજની જેના ઉપર ખરેખર કૃપા થઈ હોય, આવી દિવ્ય સભામાં શ્રીજીમહારાજ પોતે આશીર્વાદ આપીને જીવને આકર્ષણ કરીને પકડે છે. મહારાજ કહે છે - "હું પકડું એને છોડતો નથી. જ્યાં સુધી એ પાત્ર ન બને, ત્યાં સુધી પકડી રાખું છું. પછી એ ચૈતન્ય મારો ભક્ત થયો હોવા છતાં એને આશરાની પરિપક્વતા બરોબર દૃઢ નહિ થઈ હોવાથી આવું થયા કરે છે. એટલે એને મારી મૂર્તિનું સુખ બરોબર આવતું નથી. એટલે આશ્રય એનું નામ કે મહારાજ સિવાય એને ક્યાંય રૂચિ વર્તે નહિ. ક્યાંય એની દૃષ્ટિ ખેંચાય જ નહિ. એનું નામ મહારાજનો આશરો. આવો જો ભગવાનનો આશ્રિત હોય તો એને પોતાનું સ્વરૂપ જોવાની ઇચ્છા થાય. મહારાજ કહે છે - મારો નિશ્ચય હોય તો પોતાનું સ્વરૂપ એને તરત દેખાય. સ્વરૂપ દેખાવું સહેલું નથી. સ્વરૂપ જોવા ઇચ્છે ખૂબ અંતરથી તો જરૂર દેખાય. મહારાજ કહે છે - પોતાના સ્વરૂપને જોવાને ઇચ્છે નહિ એ અજ્ઞાની છે. બરોબર છે. સ્વરૂપ તો ક્યારે દેખાય, તો મહારાજની આજ્ઞા બરોબર પાળીને શુદ્ધ થાય. અને સ્વરૂપ જે આવરણોથી, આવા અંતઃશત્રુઓ અને બીજા દોષોથી તે ઘેરાયેલો છે, એટલે સ્વરૂપ દેખાતું નથી. એટલે મહારાજ પ્રયત્ન કરવાનું કહે છે. ક્યારે દાખડો કર્યો ને ન દેખાણું? પણ દાખડો જ ન કરે તો શું દેખાય? તો પંચવિષયની આશ એ લકવો મટાડવો તો જોઈએ ને? એ બધું મટી જાય પછી પંચવિષયમાંથી રુચિ ખસી જાય છે. એટલે આ સ્વરૂપ ખૂબ નિર્મળ દેખાય છે."

હવે એ નિર્મળ સ્વરૂપ ભગવાનના અક્ષરધામરૂપ તેજ સાથે અથવા તો ભગવાનની મૂર્તિ સાથે જોડાઈને એકરૂપ બની રહે ત્યારે સુખ આવે. પોતાના સ્વરૂપનો સંબંધ ભગવાન સાથે ત્યારે જ થાય, જ્યારે એ નિર્મળ બને. મહારાજ કહે છે - મારા જેટલો નિર્મળ બને ત્યારે એ મારા સુખમાં રહી શકે. એટલે ભગવાન જેટલા નિર્મળ ત્યારે જ થવાય, જ્યારે ભગવાનનો સાચો આશ્રિત થાય. ત્યારે ભગવાનનું સ્વરૂપ સમજાય. ધીમે ધીમે મહારાજની કૃપા વરસે અને મહિમા સમજાય. દાખડો કરવા માટે મહિમા જોઈએ, પણ એ મહિમા પુસ્તક વાંચીને ન સમજાય. એ તો ગોપાળાનંદ સ્વામી જેવા અનાદિમુક્ત, એવા સત્પુરુષના જોગ થકી સમજે ત્યારે એ મહારાજનું સ્વરૂપ સમજાય એવું છે. એમ કાંઈ સમજાય એવું નથી. કાંઈ હાથ ન આવે! મહારાજનું સ્વરૂપ, મહારાજનો મહિમા સમજવા માટે એવા સત્પુરુષ જોઈએ. મહારાજે એક વાર ગોપાળાનંદ સ્વામી સાથે મજાક કરી, આનંદ કર્યો, વ્યંગ કર્યો. મનુષ્ય ભાવ ભજવ્યો. તો શું કર્યું? "સ્વામી, અમારી વાણી તમે કેમ સમજ્યા છો તે અમને કહો તો ખબર પડે." ગોપાળાનંદ સ્વામીએ થોડા વચનામૃતોથી મહારાજનું હાર્દ-સ્વરૂપ સમજાવ્યું. મહારાજને પોતે જે સમજ્યા હતા એ સમજાવ્યું. તો મહારાજ શું કહે છે તે ખબર છે? મહારાજ કહે, "સ્વામી, અમારી વાણી તમે જેવી સમજ્યા છો એવી તો અમેય નહોતા સમજ્યા. અમને ખબર નહિ કે તમે આટલી સરસ રીતે સમજ્યા છો." તો હવે જુઓ, ભગવાન એમ કહેતા હોય, એટલે સત્પુરુષનો મહિમા સમજાવે છે કે આ અમારી વાણી જલદી નહિ સમજાય. સત્પુરુષ થકી જ સમજાશે. કારણ કે સત્પુરુષ અનુભવે કરીને સમજ્યા હોય. માત્ર વાંચીને, ગોખીને કે બુદ્ધિએ કરીને સમજ્યા હોય એમ ન હોય. બુદ્ધિએ કરીનેસમજ્યા હોય તેમાં ક્ષતિ હોય. તેમાં સંપૂર્ણ માર્ગદર્શન ન હોય. આડા-અવળા જતા રહે. માટે આ ખૂબ જરૂરી છે કે ભગવાનનો આશ્રય કરનારે ભગવાનના સ્વરૂપને ઓળખવાને માટે આવા સત્પુરુષનો સમાગમ કરવો જોઈએ.

ત્યારે એમ થયું કે બાપાશ્રીને મહારાજે અહીં મોકલ્યા. પૃથ્વી ઉપર દૃષ્ટિગોચર બનાવ્યા. કારણ કે અનાદિમુક્ત મૂર્તિના સુખમાં રસબસ હોય છે. તે કદીયે જુદા પડતા નથી. એ તો સંકલ્પે કરીને દૃષ્ટિગોચર બને છે. ત્યાં (પરભાવમાં) રહ્યા થકા એ મુક્તો જુદા જુદા બ્રહ્માંડોમાં પણ દૃષ્ટિગોચર થાય છે. એવા અનંત બ્રહ્માંડો છે કે જ્યાં મનુષ્યો રહે છે. આહીં તો સાત ગ્રહોમાં ફરે તો ય પાર ન આવે. આવા અનંત બ્રહ્માંડો છે, આવા મનુષ્યરૂપો છે જ્યાં મહારાજ દર્શન આપે છે. જ્યારે શ્રીજીમહારાજ અને તેમના અનાદિમુક્તો પ્રગટે એના થકી આ વાત સમજાય. હવે એવા મુક્તો કોઈ વાર એટલી સ્થિતિવાળા (મુક્ત) કદાચ ન પણ હોય. કોઈ વાર એવું પણ બને. મહારાજના સંત કે મહારાજ વિચરતા જ હોય. એમાં ભગવાનના યમ-નિયમ, ધર્મ, આજ્ઞા પાળે અને ભગવદી હોય એનેય સંત કહેવાય. પણ આ સંતો (મુક્તો) ઠેઠ મહારાજની મૂર્તિમાં પહોંચેલા હોય એની વાત જુદી થઈ જાય. એવા સંતના સમાગમથી આ વાત સમજાય.

ગોપાળાનંદ સ્વામીએ વચનામૃતો ગુણાતીતાનંદ સ્વામીને અને શુકમુનિ જેવાને પણ સમજાવ્યા. એ કાગળ ઉપર નહોતા મુકાયા. એ સમજૂતી કાગળ ઉપર મુકાઈ નહિ. એટલે આપણને અત્યારે વાંચવા મળતી નથી. એ નથી મળતી એમ લાગ્યું એટલે શ્રીજીમહારાજે પોતાના મહાન અનાદિમુક્ત પૂજ્ય બાપાશ્રીને પૃથ્વી ઉપર દૃષ્ટિગોચર કર્યા. અને એમણે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા લખી. એ બેસ્ટ ગાઈડ છે. પ્રમાણભૂત ગાઈડ છે. એ પ્રમાણભૂત માર્ગદર્શિકા. સર્વોપરી તત્વજ્ઞાનની પ્રમાણભૂત માર્ગદર્શિકા છે. આવી હજી સુધી લખાઈ નથી. અને કોઈ લખવા જાય છે તો ભૂલો કરે છે. કારણ કે ત્યાં (દિવ્ય સ્થિતિમાં) પહોંચ્યા ન હોય ને લખે એમાં શું ભલીવાર હોય? એવી આ ટીકા સત્પુરુષનું માર્ગદર્શન છે એવું સમજાવે છે. તો આ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરીને કેટલો બધો ઉપકાર કર્યો! એવા અનાદિ મુક્તરાજ બાપાશ્રીને સત્સંગ કેમ ભૂલી શકે? જો ભૂલી જાય તો થોડું કૃતઘ્નીપણું ન કહેવાય? સાચી વાત? એટલે નહિ ભૂલવું જોઈએ. એટલે એ પ્રદીપિકા ટીકા ભગવાનનો મહિમા, ભગવાનનું સ્વરૂપ સમજાવે છે.

મહારાજ કહે છે જ્યારથી અમારા આશ્રિત થયા, ત્યારથી પૂર્ણકામ થયા એમ માનવું. બિલકુલ બરોબર છે. પણ આશરો ખંડિત થવો જોઈએ નહિ. એટલું તો મનુષ્યદેહથી કરી શકાય ને? કારણ કે મનુષ્યને મહારાજે મનનશક્તિ આપી છે. વિચારશક્તિ આપી છે. સમજવાની શક્તિ પણ અદ્‌ભુત આપી છે. તો વિચાર તો કરવો જોઈએ ને? વિચાર ન કરે તો નિરુત્તર થાય, એવી એણે રચના કરી છે. તો ભગવાનના આપણે સાચા આશ્રિત બનીએ.

આ મૂર્તિ (પ્રતિમા), ધામની મૂર્તિ અને મનુષ્યરૂપે પ્રગટ થયા એ મૂર્તિ પોતે એક જ છે એમ કહ્યું છે. કેટલીક વાર એવું પણ કહે છે કે મુક્ત (પ્રતિમાથી) અધિક છે. એમ નથી. એ સમજવામાં ફેર છે. ફેર એટલો કે મહારાજના અનાદિમુક્તમાં રહીને શ્રીજીમહારાજ પોતે જ કામ કરે છે. એટલે શ્રીજીમહારાજ કહે છે કે મારી ચિત્રપ્રતિમા અને મારું ધામનું સ્વરૂપ એક જ હોવા છતાં અમને પૃથ્વી ઉપર દૃષ્ટિગોચર થવું પડે છે. અમારી (પ્રતિમા) ચિત્રપ્રતિમા બોલે નહિ, ચાલે નહિ, કાંઈ કરે નહિ. તમે પ્રશ્ન પૂછો તો કાંઈ કહે કે જણાવે ખરા? કશું ન કરે. ત્યારે કહે છે કે અનાદિમુક્તમાં રહીને અમે જ બોલીએ છીએ. તો અમારા મનુષ્યરૂપે આ સમજાય. બધાને જોગ-સમાગમ થાય એવું બધું સુખ ત્યારે આવે. એટલે અમે મનુષ્યરૂપે હોઈએ ત્યારે અધિકપણું છે. અને મુક્તભાવે અમે જ બોલીએ છીએ. એટલે એ અમારું જ અધિકપણું થયું. મુક્ત તો સેવક છે અમારા. મુક્તને (અમારાથી) અધિક કહેવાય નહિ. એમ સમજવાનું.

હવે મહારાજના મુક્ત પ્રગટ હોય તો વાત જુદી થઈ જાય. પણ મહારાજ કહે છે કે આ લોકની અપેક્ષાઓ રાખી જોગ ન કરવો. મને સોમચંદભાઈ એક વાર કહેતા હતા કે નારાયણભાઈ, જો આપણે કોઈનું આ લોકમાં સારું થાય એવા સંકલ્પ કરીએ અને મહારાજ સંકલ્પ સત્ય કરે એ વાત જુદી છે. અને જો નવ્વાણું કરીએ અને સોમો સંકલ્પ જો સત્ય ન કરીએ તો ભગવાનના આ જે ભક્તો છે ને તેને સંકલ્પ-વિકલ્પ થાય છે. એટલે આ માર્ગ બહુ વિચિત્ર છે. ત્યારે મેં કહ્યું કે આપણે પણ ક્યાં એવી અપેક્ષા છે કે ભગવાનના એ ભક્ત એમ સમજે કે આમનામાં કાંઈ નથી. તો આપણને શું ખોટ જવાની છે? અને આપણે એવો સંકલ્પ કરીએ કે ભલે એમણે (આપણા વિશે) સંકલ્પ કર્યો તો કર્યો છતાંય એને મૂર્તિનું સુખ મળે. બરોબર? કારણ કે એટલા માટે તો આપણને મહારાજે મોકલ્યા છે. એમ સૌને મૂર્તિનું સુખ પમાડવું. દ્રોહ કરે, સંકલ્પ-વિકલ્પ કરે તો એને પણ મનન તો થયું ને મહારાજનું અને મુક્તનું. તો એ જરૂર સુખને પામવાનો. એ બી (પણ) એક જાતનું ભજન છે. મનન-ચિંતન થાય એ ભજન નહિ? તો એ ભજન થયા જ કરે છે. લોકો પૈસાને પામવા માટે કેટલી ધમાલ કરતા હોય છે. આ કરે, આ કરે, આખો દિવસ પૈસાનું જ ચિંતન થાય. હવે એ બીજી રીતનું ભજન. ભજનનો પ્રકાર જુદો. બહુ ગમે નહિ એવો પ્રકાર બરોબર?

એટલે મહારાજે એ પ્રકારના (દ્રોહના) માર્ગે ન જવાનું કહ્યું છે. અને જાય તો શિક્ષા થાય તો એ ઠીક નહિ ને? ભગવાન બધાને એમ કહે છે કે ભાઈ, બધું મૂકીને મારી પાસે આવો. મારામાં સર્વ સુખ છે. આ જે કાંઈ તમારી પાસે છે તે મારું જ છે. જો તમારી કોઈ પણ ચીજ વસ્તુ હોય તો તે હું છું એમ ભગવાન કહે છે. તમારું જે કાંઈ પણ હોય તે હું છું, તો મને જ પકડી રાખો ને? આ બધું છે એ કોઈ સાથે કાયમ તો રહેવાનું નથી. સુખરૂપ થવાનું નથી. હું જ એવો છું જે સુખરૂપ છું. ત્યારે મહારાજ કહે છે હું જ સુખરૂપ છું. અમારી સાથે રહેવામાં મજા છે. અમારાથી જુદા પડવામાં મજા નથી. અમારી મૂર્તિ ભૂલવામાં મજા નથી. સર્વ કાર્ય કરતાં અમારી મૂર્તિ ન ભૂલો તો અમને અત્યંત આનંદ થાય છે. (એમ મહારાજ કહે છે.)

અત્યારે સમય થોડો છે. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને સૌને અને એમના સર્વ આશ્રિતોને પોતાના સુખ તરફ ખૂબ ખેંચે અને એમની આજ્ઞા ધારીએ તો ય ન લોપી શકાય એવું કરે. એવી આપણે આજે દિવ્ય સભાને પ્રાર્થના કરીએ. આવા રૂડા આશીર્વાદ આપણ સૌ ઉપર વરસાવે એવી મહારાજને પ્રાર્થના કરીએ. આશીર્વાદ તો દઈ દીધા છે. એ આશીર્વાદની સ્મૃતિ કરીને તાજા કરતા રહેવું જોઈએ. જો એ આશીર્વાદ ભૂલીએ તો સુખ ન આવે. એટલે એ આશીર્વાદની સ્મૃતિ આપણે ફરીથી કરીએ. બધા ખૂબ રાજી રહેજો. બીજું કે આવતી સભામાં કદાચ હું હોઈશ ઘણખરું. ને કદાચ ન હોઉં એવું બને તો આશીર્વાદ હું પણ લઈ લઉં ને? આ દિવ્યસભાના આશીર્વાદ કોને ન ખપે? બરોબર, મને તો ધરાઈ ધરાઈને ખપે છે. એ આશીર્વાદને હૃદયે ચાંપતા ધરાતો નથી. આ દિવ્ય સભાને એવી ચાપું છું કે છાતીએથી (હૃદયેથી) ઉખડે જ નહિ.

એક આંખે મોતિયો ઊતરાવ્યો ત્યારે દિવ્યસભાને પ્રાર્થના કરેલી તો શ્રીજીમહારાજે મોતિયો સારી રીતે ઉતારી દીધો. એની વિઝન 50 ટકા ઉપર આવી ગઈ છે. પણ બીજી આંખે એટલો જ મોતિયો આવી ગયો છે. એ બંને સાથે જ ઉતારવો જોઈએ, પણ બંને સાથે ન ઉતારાય. એટલે જાન્યુઆરીના છેલ્લા વિકમાં કદાચ 26 તારીખ આવે છે. છેલ્લો રવિવાર 27 તારીખે આવે છે. જો અહીં હોઈશ તો સભામાં તમારા સૌના દર્શન થશે. ન હોઉં તો અત્યારે જ આ સભાને કહું કે જેવો આ આંખે મોતિયો મહારાજે સરસ રીતે ઉતારી દીધો તેવો જ આ આંખે પણ ઉતારી દે. સૌ રાજી થઈને રૂડા આશીર્વાદ આપજો. આપશો ને? બધા આપશો ને? (પછી બધા કહે 'હા') તો પછી બોલો તો ખરા. મહારાજ પાસે હું તો સેવક છું. મહારાજના આશીર્વાદથી જ બધું સારું કામ થાય છે. ભગવાનના આશીર્વાદ વગર કોઈ સારું કામ બનતું નથી. એવા આશીર્વાદ તો ગોપાળાનંદ સ્વામી જેવા પણ લેતા, તો આપણે તો લેવા જ જોઈએ ને? પણ એ નિઃસ્વાર્થ હોવા જોઈએ. કોઈ વાર આશીર્વાદ પ્રમાણે થાય કે ન થાય તે બેય સરખું સમજવું જોઈએ. આશીર્વાદ ન ફળ્યા એવું ન સમજવું. આશીર્વાદ ફળ્યા તો જ આમ થયું. ભલે એ સરખું હોય કે ન હોય. આવો નિશ્ચય એ જ દૃઢ આશરાનું લક્ષણ છે, બરોબર? એ જ ભગવાનનો આશ્રિત.

સૌને પ્રાર્થના કે આપે રાજી થઈને આશીર્વાદ આપ્યા તે આશીર્વાદ હું અંતરથી ઝીલું છું અને પ્રાર્થના કરું છું કે મહારાજની મૂર્તિમાં આપણે સૌ રસબસ ભેગા છીએ એમ સદાય એવું જાણપણું રહ્યા કરે. એવા અમને રૂડા આશીર્વાદ આપજો, એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય.


સારાંશ

મોટાના વચનો તન-મન તેમ જ જીવના રોગ મટાડી દે છે. શારીરિક રોગ એ મહારાજનો સેવક છે. માંદગીમાં મહારાજ વધુ સાંભરે. એ મૂર્તિમાં લઈ જાય તેવો સેવક છે. પંચવિષયના રાગરૂપ રોગ દૂર કરવો.

મહારાજના સાચા આશ્રિત બનવું. નિષ્ઠા પાકી રાખવી. બીજે ક્યાંય બંધાવું નહિ. નિશ્ચય પાકો હોય અને દાખડો કરે તો તરત પોતાનું સ્વરૂપ જોઈ શકાય. દાખડો કરવા માટે મહારાજનો મહિમા જોઈએ. એ મહિમા પુસ્તક વાંચીને ન સમજાય. ગોપાળાનંદ સ્વામી જેવા સત્પુરુષ સમજાવે ત્યારે સમજાય. કારણ કે તેઓ અનુભવે કરીને બોલે છે. માટે એ ખૂબ જરૂરી છે કે ભગવાનનો આશ્રય કરનારે ભગવાનના સ્વરૂપને ઓળખવાને માટે અનુભવી સત્પુરુષનો સમાગમ કરવો.

મહારાજ કહે છે અમારી ચિત્ર પ્રતિમા બોલે નહિ, ચાલે નહિ, પ્રશ્નોના ઉત્તર આપે નહિ માટે અમારા અનાદિમુક્તને તમારી પાસે મોકલીએ છીએ. એમનામાં રહી અમે જ બોલીએ છીએ. માટે અમારું અધિકપણું થયું. તેઓ તો સેવક છે. સેવકને અમારાથી અધિક કહેવાય નહિ.

અનાદિમુક્ત પાસે આ લોકની અપેક્ષાઓ રાખી જોગ ન કરવો. આ લોકની વસ્તુ કામની નથી. મહારાજનું સુખ એક કામનું છે. માટે મહારાજને પકડી રાખવા. મોટાએ આશીર્વાદ આપ્યા હોય તે ભૂલવા નહિ. આશીર્વાદ ફળે કે ન ફળે નિશ્ચય ફરવો જોઈએ નહિ.