8

0:000:00

પરમકૃપાળુ શ્રીજીમહારાજ, બાપાશ્રી, સદ્‌ગુરુઓ, પરમ પૂજ્ય સદ્‌ગુરુવર્ય મોટા સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી, સંતમંડળ તથા આ દિવ્ય સભાને ઘણા જ સ્નેહ સાથે દંડવત્ પ્રણામ સહિત વંદન કરું છું.

(મોટા મુક્ત કોઈના માથે હાથ મૂકે તો કેટલાક લોકોને સંકલ્પ થઈ જાય છે એ સંદર્ભમાં વાત કરે છે.)

"સાદીમાં સાદી એક વાત છે કે નાનું બાળક છ-બાર મહિનાનું હોય અને માતાના ખોળામાં રમતું હોય તો કોઈને કોઈ દિવસ સંકલ્પ થાય છે કે આ બાળકને કોઈ વિકાર થાય છે? જો હાડ-માંસનું બનેલું અજ્ઞાન બાળક એને જો વિકાર થાય નહિ, તો જે મહારાજના સુખમાં અખંડ રમતા હોય ને જે દેહ રહિત થઈ ગયા હોય તેને વિકાર થવાનો ક્યાં સવાલ છે? એ તો જેમ પારસને અડે તો પારસ થઈ જાય, એમ દિવ્ય વસ્તુને અડે તો દિવ્ય થઈ જાય. અંતરશત્રુ નાશ થઈ જાય અને દેહભાવ જતો રહે. તો જેને માથે મુક્તપુરુષનો હાથ પડે તે કેટલા ભાગ્યશાળી કહેવાય! ભગવાનની મૂર્તિમાં રહેલા સંત કે જેનો સ્પર્શ થતાં દિવ્ય થઈ જાય એ કંઈ થોડી વાત છે? માટે મોટા પુરુષને વિશે સંકલ્પ થાય એ બરાબર નથી. એ તો પોતાનું અજ્ઞાન છે.

જે પરમાત્મામાં પણ વિકાર સમજે છે એ અજ્ઞાન છે, તે સમજવા જેવું છે. જે દેહ રહિત થઈ પ્રભુરૂપ થઈ ગયા તેને દેહભાવ છે જ નહિ. ત્યાગ-ભાગ નથી. એવા પ્રભુમય થયેલા સંત દ્વારા પ્રભુ માથે હાથ મૂકે અને સંકલ્પ કરવા જાય એ કેવળ અજ્ઞાન નથી તો બીજું શું છે? પ્રભુના દિવ્ય સત્પુરુષમાં મનુષ્યભાવ સમજાય તો દિવ્યભાવ સમજવા માટે પાત્ર થવા માટે હજારો જન્મની જરૂર રહે છે. જ્યારે પરમાત્માના દિવ્ય સ્વરૂપને વિશે મનુષ્યભાવ ન આવે, ત્યારે જ આ ભવસાગર તરાય. કારણ કે એ છે જ દિવ્ય. જે વિષયથી રહિત થઈ ગયા હોય તેને વિષય રહ્યા જ ક્યાં? જ્યાં દેહભાવ જ નથી. દેહ જ નથી, કેવળ દિવ્ય વસ્તુ છે. હવે તે મનુષ્યરૂપે પ્રગટ થઈને આવે તો, અરે! ઊલટું કહેવું જોઈએ કે બાપા, "તમે કલ્યાણ તો કરો. માથે હાથ મૂકીને આશીર્વાદ તો દો. ચાંદલો તો કરો."

અમદાવાદમાં બાપાશ્રી પધાર્યા ત્યારે બધાને ચાંદલા કરતાં કંકુ ખૂટી ગયું. રસ્તામાં કોઈક કંકુ આપે તો ચાંદલો કરે. એક બાળક આવીને કહે, "બાપા, હું રહી ગયો." બાપાએ ધૂળ લઈને હાથમાં રાખી. પછી બાળક કહે, "બાપા મને ચાંદલો કરો." બાપાએ ધૂળનો ચાંદલો કર્યો તો કંકુનો થઈ ગયો. બાળક ખુશ ખુશ થઈ ગયો કે બાપાએ મને ચાંદલો કરી દીધો. બાપા તો મસ્ત થકા મૂર્તિમાં રહીને જોતા હતા. એમના દર્શન કરવા આપણને ન મળ્યા એનો અફસોસ થાય કે નહિ? કહો! તો આવી વાત સાંભળીને કોઈ સંકલ્પ કરે તો હું એને કહું કે ભાઈ, અનંત જન્મની મૂર્ખાઈ છે તે એક દહાડામાં ક્યાંથી જવાની હતી? આ જાય નહિને, કેવી રીતે જાય? ઘણા શાસ્ત્રો વાંચે, મંત્રો જપે, જપ જપે, પણ પેલા અખાએ કહ્યું તેમ 'તીરથ કરી કરી થાક્યા ચરણ, તો ય ન પહોંચ્યા હરિને શરણ.' એમ શું કામ એણે કહ્યું ખબર છે? પગ ઘસાઈ જાય તો પણ ભગવાનની પ્રાપ્તિ નહિ થાય. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન જેણે પ્રાપ્ત કર્યા હોય એની પાસે પહોંચવું જોઈએ, તો એ ભગવાન પાસે પહોંચાડી દે. જેણે કાશી જોઈ જ નથી એને ભોમિયા તરીકે લઈ જાઓ તો તે ક્યાં લઈ જાય?

એક બ્રહ્મજ્ઞાનીએ આવીને સ. ગુ. વૃંદાવન સ્વામીને પૂછ્યું કે, "સ્વામી, તમારી ઉંમર બહુ થઈ, પણ કાશીની યાત્રા કરી આવ્યા છો કે નહિ?" તો સ્વામી કહે, "ભાઈ, હું કાંઈ સમજ્યો નહિ. કઈ કાશી?" તો કહે કે, "સ્વામી, કેટલી કાશી આ પૃથ્વી ઉપર છે? પૃથ્વી ઉપર તો એક જ કાશી છે." સ્વામી કહે, "બે કાશી છે. હું જે કાશીએ ગયો છું ત્યાં તું નથી ગયો અને તું જે કાશીએ ગયો છે ત્યાં હું નથી ગયો." ત્યારે કહે, "બીજી કાશીનું નામ તો આપો?" એટલે સ્વામી કહે, "જે ભગવાનના દિવ્ય સુખમાં રહ્યા છે, જે અધોઊર્ધ્વ દિવ્ય તેજના સમૂહમાં રહ્યા છે એ અક્ષરધામરૂપી કાશીએ હું ગયો છું. તું ગયો છે?" ત્યારે કહે, "ત્યાં કેવી રીતે જવાય?" "ત્યાં કોઈ ન લઈ જઈ શકે. એ તો ભગવાનને મળેલા જે સંત હોય, અક્ષરધામમાં જે રમણ કરતા હોય એવા અનાદિ મહામુક્ત મળે તો એ લઈ જાય. આ ગાડી કે બીજું કોઈ સાધન ન લઈ જઈ શકે." ત્યારે તે કહે, "મારે શું કરવું?" સ્વામી કહે, "મેં તને જવાબ તો દીધો." ત્યારે તે દંડવત્ કરવા માંડ્યો અને કહ્યું, "મને એ કાશીએ લઈ જજો." સ્વામી કહે, "નાના, તમારે એ કાશીએ જવું જ નથી ને શું લઈ જાય?" તો કહે, "મારે જવું છે." તો કહે, "જો જવું હોય તો મેં કહ્યું તેમ કરવું એટલે એ કાશીએ પહોંચી જવાય." ત્યારે પગે લાગીને વર્તમાન ધરાવડાવ્યા. પછી કહે, "હું અજ્ઞાની બ્રાહ્મણ છું. હું એમ માનતો હતો કે મારા જેવું કોઈ પંડિત નથી, પણ હવે મને ખબર પડે છે કે મારા જેવું કોઈ મૂર્ખ નથી. મેં તમારા જેવા દિવ્ય મુક્તને પૂછ્યું કે તમે કાશીએ ગયા છો?" હવે કાશીએ ગયા તો ઓલો અખો કહે છે, 'ચરણ ઘસી તીરથ કર્યા તો ય કાંઈ વળ્યું નહિ.'

ત્યારે વિચાર કરો કે એ કેટલા ભાગ્યશાળી કહેવાય કે જેણે બાપાના દર્શન કર્યા. બાપાનો જોગ થયો. બાપાને દિવ્ય સમજી આશીર્વાદ લીધા. હું તો લાખો કરોડોની સભામાં એમ પૂછું કે તમે એક પણ એવી બાબત બતાવો કે જે બાપામાં (અબજીબાપાશ્રીમાં) બરાબર ન હતી. અને હું પાંચસો સાધુ અને પાંચસો પરમહંસના સમ દઈને કહું કે મારી વાત તમને ગળે ઊતરી કે નહિ? અને તમારે કહેવું કે મને પાંચસો સાધુ અને પાંચસો પરમહંસના સમ કે વાત ગળે નથી ઊતરી.

સ. ગુ. ભગવત્સ્વરૂપદાસજી સ્વામી પાસે એક જણે આવીને એમ કહ્યું કે, "આ નારાયણભાઈને ઉપાસના નથી. એ છે મહારાજના મુક્ત, પણ એમને ઉપાસનામાં ફરક પડી ગયો છે. એમને બોલાવીને તમે સમજાવો." સ્વામી કહે, "કેમ એવું કહો છો?" તો કહે, "તેઓ બાપાને ભગવાન માને છે." તો કહે, "બોલાવીએ. બેસો ઘરે હોય તો બોલાવીએ." પછી કોઈને મોકલ્યા એટલે હું આવ્યો. હું ઘેર જ હતો. પછી સ્વામી કહે, "આ દરબાર ગરાસિયા (ભક્ત સારા હતા. આજ્ઞા ઉપાસના બરાબર પાળે.) એમ કહે છે કે નારાયણભાઈની ઉપાસના બરાબર નથી. બાપાને ભગવાન માને છે." મેં કહ્યું, "અરે દરબાર! બાપા કોણ હતા એ તમને ખબર છે? મહારાજના સંકલ્પથી મહારાજના સુખમાં રહ્યા થકા એ મહારાજના અનાદિમુક્તરૂપે અહીં દેખાયા. એમનામાં રહીને દર્શન આપનારા કોણ હતા? સ્વામિનારાયણ ભગવાન હતા. એ તો મહારાજની મૂર્તિના સુખમાં રહેલા મહા અનાદિમુક્ત હતા. એમણે કહ્યું છે કે આજ્ઞા અને ઉપાસના એ બેમાંથી એક સરખું ન હોય તો ધામમાં ન પહોંચાય. પણ એ બાપાએ જે શિખવ્યું હોય એ હું અવળું સમજ્યો છું? હું તમને કહું જુઓ, સ્વામિનારાયણ ભગવાન સિવાય જો હું કોઈને ભગવાન માનતો હોઉં તો પાંચસો સાધુ ને પાંચસો પરમહંસના સમ છે. આ સ્વામીના સાંનિધ્યમાં કહું છું. અને હવે તમે કહો કે જો તમે જોઈને ખરેખર સાચું કહેતા હો કે મારી ઉપાસના બરોબર નથી. તો તમે એમ કહો કે પાંચસો સાધુ અને પાંચસો પરમહંસના સમ ખાઈને કહું છું કે તમારી ઉપાસના બરોબર નથી. તો હું તમારી વાત ગ્રહણ કરીશ જાવ. ભલે મારી વાત સાચી હોય."

પછી સ્વામી કહે, "દરબાર, કેમ જવાબ નથી આપતા?" તો તે કહે, "સ્વામી, હવે ખ્યાલ આવી ગયો કે એમની (નારાયણભાઈની) ઉપાસના ખોટી નથી, સાચી છે, બરાબર છે. બાપા સત્યમૂર્તિ છે." પછી સ્વામીએ એમ કહ્યું કે, "ગોપાળાનંદ સ્વામીનું એક જણ ભજન કરતો હતો. ગોપાળાનંદ સ્વામીએ તેને એમ કહ્યું કે મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો. તો કહે તમે મારા ભગવાન છો. તમે કહેશો તો ય હું એમનું ભજન નહિ કરું, તમારું જ કરીશ. પછી મહારાજે એમ કહ્યું કે સ્વામી, તમારું ભજન કરશેને તો ય એ કલ્યાણમાંથી નહિ પડે. એમ કહી અને તે દરબારને સ્વામીએ એમ કહ્યું. મહારાજે કહ્યું સ્વામી, તમે શું કામ ફીકર કરો છો? તમારું ભજન ભલે કરે એના કલ્યાણમાં જરાય ફેર નહિ પડે. થઈ રહ્યું ને? શા માટે એમ કહ્યું? એ મૂર્તિરૂપ હતા. એમાં રહીને ભગવાન જ દર્શન દેતા હોય." પછી સ્વામીએ એમ કહ્યું કે, "દરબાર, જો કોઈ અબજીબાપાને ભગવાન જાણશે ને તો ય એના કલ્યાણમાં ફેર મહારાજ નહિ પાડે. તમે શું કામ ચિંતા કરો છો?"

આ મૂળી દેશના અને બંને દેશમાં જેમના માટે કોઈ બેમત નથી એવા એ અદ્વિતીય સંત હતા. એમણે આ વાત કરી. પેલા દરબાર કહે કે, "મેં એમને (નારાયણભાઈને) સમ ખવડાવ્યા એટલે મને પાપ લાગ્યું?" તો કહે, "હા, પાપ જરૂર લાગ્યું." પછી સ્વામી કહે, "હવે તમારે કોઈ દિવસ સંકલ્પ ન કરવો તો તે પાપના અપરાધનું પ્રાયશ્ચિત્ત થશે. જો ફરી સંકલ્પ કરશો તો હતું એને એ પાપ ફરી ચોંટશે. આ પ્રાયશ્ચિત્ત છે, બીજું પ્રાયશ્ચિત્ત નથી. પ્રાયશ્ચિત્ત એટલું જ. ભગવાનના સાચા સંત હોય એના વિશે મનુષ્યભાવ લાવી અને એને ખોટા કહેવા એ પાપ છે. બાપાએ એમને સાચું સમજાવ્યું છે. અને તમે એની ઉપાસના ખોટી કીધી. એટલે એનો અર્થ એ થયો કે બાપા પણ ખોટા થયા! તો ગોપાળાનંદ સ્વામી અને મહારાજ બેય ખોટા ઠર્યા, તો કલ્યાણ કેવી રીતે થશે?" પછી તો પેલા ભક્ત રડી પડ્યા ને બે હાથ જોડ્યા, "આજથી હવે હું કોઈ દિવસ અબજીબાપામાં મનુષ્યભાવ નહિ લાવું. અબજીબાપાનો તો નહિ આવે, પણ એમને મળેલા સાચા સંત હશે એના વિશે પણ મને મનુષ્યભાવ નહિ આવે."

ખરા વખતે આમ કસોટી કરે હો! મને બોલાવ્યો કે, "આ દરબારને જવાબ આપો તમારી વાતો કરે છે. ખોટું હોય તો છોડી દેવું જોઈએ." મેં કહ્યું, "હા સ્વામી, જરૂર છોડી દેવું જોઈએ." અને પછી કેવી સરસ વાતો કરી. મોટા પુરુષે કરેલી વાતો જીવનમાં ઉતારીએ તો દેહભાવ જતો રહે અને ભગવાનના દિવ્ય મૂર્તિ સંતમાં જે મનુષ્યભાવ આવી જાય છે એ પણ આવે નહિ.


સારાંશ

મોટા પુરુષને વિશે સંકલ્પ થાય એ પોતાનું અજ્ઞાન છે. સત્પુરુષમાં મનુષ્યભાવ સમજાય તેવા જીવોને દિવ્યભાવ સમજવા, પાત્ર થવા ઘણો સમય લાગી જાય છે. ભગવાનના સાચા સંત વિશે મનુષ્યભાવ લાવી એમને ખોટા કહેવા એ પાપ છે. મોટા પુરુષોએ કરેલી વાતો જીવનમાં ઉતારીએ તો મનુષ્યભાવ જતો રહે અને દિવ્ય સંતપુરુષોમાં મનુષ્યભાવ ન આવે. પરમાત્માના સ્વરૂપને વિશે મનુષ્યભાવ ન આવે ત્યારે જ ભવસાગર તરાય.

ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો જે મુક્તે ભગવાનની પ્રાપ્તિ કરી હોય એની પાસે પહોંચીએ તો તેઓ ભગવાન પાસે પહોંચાડી દે. અનાદિમુક્તમાં રહીને મહારાજ દર્શન આપે છે ને સર્વે ક્રિયા કરે છે. મુક્તમાં રહીને આશીર્વાદ પણ મહારાજ જ આપે છે.