10

0:000:00

સહજાનંદ સ્વામી મહારાજની જય! બાપાશ્રીની જય!

શ્રીજીમહારાજ અને બાપાશ્રીએ આપણને આશીર્વાદ આપ્યા કે તમને મૂર્તિમાં રાખ્યા છે. બેંકમાં પૈસા પડ્યા હોય, પણ જ્યારે આપણને મળે ત્યારે સુખ આવેને! એમ આપણો ચૈતન્ય છે તેને ભગવાને પોતાના સુખમાં રાખ્યો છે, પણ બાધિતાનુવૃત્તિ એટલે હજી પાત્રતા નથી. એટલે આપણને સુખનો અનુભવ થતો નથી. જેમ બેંકના પૈસા હાથમાં આવે તો તેનો ઉપયોગ થઈને આનંદ આવેને, તેમ આપણા ચૈતન્યને હજી સુખનો અનુભવ થતો નથી, પણ આપણને રાખ્યા છે ખરા. એ પાત્રતા થાય ત્યારે સુખનો અનુભવ થવા માંડે બસ. પછી આવરણ હટી જવા જોઈએ. ત્યારે આવરણ સહિત ભગવાને પકડીને પોતાના સુખમાં રાખ્યા છે. એટલે આપણને નિર્ભય કરી દીધા કે હવે તમે ચિંતા ન કરશો. એટલે ભગવાનને એમ કહે કે મહારાજ, આ ક્યારે થાય? ત્યારે મહારાજ કહે કે અંતકાળે તો જરૂર એ સુખનો અનુભવ કરાવશું. એ પહેલા જો પાત્ર થશો તો એ પહેલા પણ કરાવશું. પણ પાત્ર નહિ થાઓ ત્યાં સુધી આ દેહના સુખ-દુઃખ છે તે અમારી ઇચ્છાથી તમારે ભોગવવાના રહેશે. પણ અંતકાળે અમે બધું પૂરું કરી નાંખશું, માફ કરી દેશું. કારણ કે તમે અમારા શરણે આવ્યા છો, માટે તમારું બધું સમાપ્ત કરીને આવરણ હટાવી દેશું અને આવરણ હટી જશે એટલે સુખનો અનુભવ થશે.

આપણો જે ચૈતન્ય છે તે આવરણોથી ઘેરાયેલો છે, છતાં પણ ભગવાને પોતાની પાસે આકર્ષણ કરીને પોતાના સુખમાં રાખ્યો છે. એ કૃપાળુ છે, હવે કૃપા એ જબરજસ્ત વાત છે. માટે ચૈતન્યને આકર્ષણ કરીને પોતે રાખે છે. એ ચૈતન્ય સુખમાં છે, પણ એ શ્રદ્ધા બરોબર રાખવાની. એ શ્રદ્ધા એવી રાખવાની કે આપણને ભગવાને સુખમાં રાખ્યા છે. એ મનન સતત રહેવું જોઈએ, પણ એમ થાય કે હું હોઈશ કે નહિ? એ સંશય થયો તો ‘સંશય આત્મા વિનશ્યતિ’ એમ લખ્યું છે ને ગીતામાં? સંશય નહિ થવો જોઈએ. ભગવાને આશીર્વાદ આપીને સુખમાં રાખ્યા પછી વિચાર કરીએ કે રાખ્યા હશે કે નહિ? તો માણસ જેટલો ય વિશ્વાસ ન કર્યો. એમાં તો એવું થયુંને, બીજું શું થયું? હા, પણ એવું ન થવું જોઈએને! માણસમાં વિશ્વાસ રાખીએ છીએ. કોઈક સારો માણસ હોય એકદમ. આપણા પરિચયમાં આવ્યો હોય, આપણને એમ લાગે કે આહા! સો ટકા સોના જેવું પ્રામાણિકપણું છે. તો વિશ્વાસ રાખીએ છીએ કે નહિ? તો ભગવાનમાં કેમ ન રાખીએ? એ કંઈક બોલે તો કરીએ. આપણે કોઈકને કહીએ કે હું આમ કરીશ તો આપણે કરીએ છીએને! વિશ્વાસ થઈ જાય છે. તો પરમાત્મામાં વિશ્વાસ કેમ ન રાખીએ? એમ કહે છે કે પોતે સુખમાં રાખ્યા છે. તેથી એમ માનવું, નિશ્ચય રાખવો બરોબર!

દાખલા તરીકે તમે લાયક ન હો, પણ તમારા પર રાજી હોઈએ તો ભલે કાંઈ કામ ન હોય, પણ તમને રાખ્યા કંપનીમાં. ચાલો રાખી દઈએ છીએને! ભલે કાંઈ આવડત ન હોય, પણ પાંચ માણસ રાખવા હોય એટલે એમ થાય કે ભલે બેસી રહે અને કાંઈ કામ ન કરે, અને કાંઈ ન આવડે બરોબર! તો ય પગાર આપે છે. તેમ ભગવાનના છે તેને ભલે પાત્રતા ન હોય તો પણ એને શરણે ગયા, એના વિષે હેત રાખ્યું. હે પ્રભુ! તારા શરણે છીએ, તું તારા શરણમાં અમને રાખજે, તારામાં અમે વિશ્વાસ મૂકશું કે તું પાપ થકી રહિત કરીશ, તારા સુખને પમાડીશ. મહારાજ કહે ભલે! આપણને એ સુખમાં રાખ્યા છે. આ રીતે હવે એની દયાએ પૂરું કરતાં એને આવડે છે. આવરણો હટાવવા એ તો દૃષ્ટિમાત્રમાં ખસી જાય. જેમ પ્રકાશ આવે તો અંધકાર ન હટી જાય? હટી જાય. એમ પોતાના સંકલ્પ ભેગા જ આવરણો હટી જાય અને ચૈતન્યદેહ બની જાય અને ભગવાનના સુખમાં રહે. અને એ ચૈતન્ય દિવ્યદેહ ધારણ કરે છે; સાકાર. એ દિવ્યદેહ અને આ માયિક દેહમાં કોઈ મેળ નથી. બધું જુદું. ત્યાં કોઈ એવો માયિક હાથ-બાથ, બીજું-ત્રીજું કાંઈ, કોઈ એવી વસ્તુ જ નથી. એક એ સુખ જ છે. અને તે ભગવાનના સુખમાં રહે છે. ત્યારે આમ મનન કર્યા કરવું કે ભગવાનના સુખમાં જ છીએ.

એક ભક્ત હતા તે કહે મને ભગવાનની મૂર્તિ નથી દેખાતી અત્યારે હવે. કારણ કે એવું દુઃખ હશે. એ વખતે ન સાંભરે એવું બને, યાદ ન આવે એવું ય બને. મેં કહ્યું તમને મૂર્તિ નથી દેખાતી, પણ ભગવાન તો તમને દેખે છેને? ભગવાન તમને દેખે છે તેમ રાખો. ભલે, ભગવાન મને દેખે છે. મહારાજે મને એના સુખમાં રાખ્યો છે બસ. એ વખતે એ જ મનન કરવાનું, પણ બીજું મનન નહિ કરવાનું. બરોબરને? ભલે તે ન સાંભરે બીજી શું જરૂર છે? આ જ મનન. એકરૂપ થઈ જવાનું બસ! હું એ સુખમાં જ છું બસ! એટલે પછી આપોઆપ જ દિવ્ય પ્રકાશ અજવાળું થઈ જશે. જ્યારે દેહમાંથી નીકળવાનું થાયને! ત્યારે ખબર જ નથી પડતી. એટલે સુખમાં જ લાગીએ છીએ. એટલે બધું ભૂલી જવાય છે. હું આવો હતો ને મંદવાડ, દુઃખ ને બધું હતું, એમ કાંઈ સ્મૃતિ રહેતી નથી. સનાતન દિવ્ય સુખમાં આમ જ છું એમ જ લાગે છે. કોઈ દુઃખ કે પૂર્વજન્મના દુઃખો યાદ આવે છે? તો દિવ્યજન્મ થતાં તો આવા કોઈ જ દુઃખો યાદ આવતા નથી. એ વિશિષ્ટતા છે. એ ક્યારે મળે? શ્રદ્ધા, શ્રદ્ધામાં ફેર પડવો જોઈએ નહિ. ઢચુ-પચુ થઈ જાય તો એ બરાબર ન કહેવાય, પણ ઢચુ-પચુ કરવું જ શું કામ પડે? એમ ઢચુ-પચુ કરવાથી ફાયદો શું? મને સમજાવો. માણસો ઢચુ-પચુ કરે છે. હું એમ કહું છું તમને ઢચુ-પચુ કરવાથી ફાયદો તો થતો નથી. ઉલટો ગેરફાયદો થાય છે. તો ઢચુ-પચુ કરીએ જ શા માટે? વિશ્વાસ કેમ ન આવે?

ભગવાનના મુક્તો દ્વારા ભગવાન બોલે છે અને કહે છે કે મારા શરણે હવે તું આવ્યો, માટે તારા બધા સંશયો દૂર કરી દે અને એમ જ રાખ કે બસ મને ભગવાને એના સુખમાં, એના સાંનિધ્યમાં રાખ્યો છે. પછી ક્યાં વાંધો છે? એમ સતત એ ચિંતનમાં, આનંદમાં રહેવું જોઈએ. એક એક ઘડી આનંદમાં વર્તાવી જોઈએ. કેટલાય જન્મથી અશ્રદ્ધા કરતા આવ્યા છીએ એટલે એવું ઢચુ-પચુ થાય છે. એવો સ્વભાવ પડી જાય છે. સંશયી સ્વભાવ થઈ જાય છે. બધા મનુષ્યનું એવું છે. ઠેકાણું જ નથી. સંશય કર્યા જ કરે, નવરા બેઠા ઘાટ કરે, મન એવું સાવ નીચ છે તે આખો દહાડો નવરું હોય તો વિચાર કર્યા જ કરે. ન કરવાના વિચાર કરે. તો પછી આવો પણ વિચાર કરે, ત્યારે એવો વિચાર નહિ કરવાનો. આપણું પૂર્ણકામ થઈ જ ગયું છે. માટે અધૂરું નથી. પૂરું જ થઈ ગયું છે, પણ એમાં એક ઢચુ-પચુ નહિ કરવાનું. બસ, પછી જુઓ એ સુખમાં કેવો આનંદ આવે છે! ત્યારે એમાં રહ્યા છીએ પછી શી કડાકૂટ? હવે શા માટે સંતાપ કરીએ? આપણે બધા જ એ સુખમાં છીએ. હવે જુદા તો પડવાનું નથી, બીજા જીવોની જેમ. જેને ભગવાન નથી ઓળખાયા એ બધા જીવો અત્યારે આ દુનિયામાં સાથે રહે છે, પણ જેવા દેહથી જુદા પડે છે ત્યારે કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય. આપણે તો ભગવાનના સ્વરૂપમાં જ રહેવાનું. તરત જ ખબર પડે છે કે ભગવાનના મુક્તો ભગવાનના ધામમાં આવ્યા. બરોબરને! એવું જાણપણું પણ રહે છે. તો પછી આપણે જુદા પડવાનું નથી.

ભગવાનમાં દિવ્યદૃષ્ટિ થાય એને બધું દિવ્ય લાગે. દિવ્ય જ જણાય. બધું દિવ્ય કેવું હોય? કેમ અનુભવ થાય? એ તો માણીએ તો જ ખબર પડે. ગોળ ખાધો ન હોય કોઈ દી’ તો ગોળનું વર્ણન કરે, પણ ગોળનો સ્વાદ આવે? એ તો ખાઈએ ત્યારે જ અનુભવ થાયને કે ગોળ આવો હોય! ગમે એવું વર્ણન કરે, પણ શું ખબર પડે? ગોળ ખાધો જ ન હોય તો; ખાવો જ પડે. એમ આ દિવ્ય વસ્તુ કેવી છે એનું વર્ણન કરે ક્યાં પાર આવે? એ તો જ્યારે એનો સ્વાદ આવે, ત્યારે જ ખબર પડે કે આમ છે. એ અનુભવ-સ્વાદ એટલે આપણને અનુભવ કરાવે. માટે એવી શ્રદ્ધા પાકી રાખવી તો પૂરું થઈ જાય. નહિ તો એના જેવું, એકવાર છોટાભાઈ સ્કૂટર ઉપર ચડ્યા અને સ્કૂટરને સવારમાં કીક મારી પછી ચાલુ થયું. થોડીવારે બંધ થઈ ગયું. પછી કીક લગાવ્યા જ કરે, પણ ચાલુ જ ન થાય. પછી ત્યાં પડખે કોઈક હતા, ત્યાં એક બાજુ લઈ ગયા, કહ્યું ભાઈ, જોને શું થયું છે? તો કહે પેટ્રોલમાં સહેજ કચરો આવી ગયો હતો એટલે અટકીને ઊભું રહ્યું. એમ અશ્રદ્ધા છે એ કચરા જેવી છે. એ અટકાવે તો અટકી જાવું પડે. માટે શ્રદ્ધામાં ખામી આવવી જોઈએ નહિ. શા માટે લાવીએ? ખામી લાવીએ તો અટકી જઈએને! મહારાજની મૂર્તિમાં છીએ એવી ખુમારી રાખવી બસ! મને મહારાજે મુક્ત દ્વારા આશીર્વાદ આપ્યા છે. એનાથી મારું પૂર્ણકામ થઈ ગયું, એમ માનવું. ગમે તેમ થાય તો ય શું? કૃપાથી પૂરું થઈ ગયું બસ! અને હકીકત છે. કૃપાને ક્યાં શરત છે? કૃપા કરી નાંખી પછી ભગવાન કાંઈ કૃપાની શરત નથી રાખતા. જો શરત રાખવા બેસે તો કોઈનું પૂરું થાય? ભગવાન આપણા કૃપાસાધ્ય છે. નહિતર તો જન્મો જન્મ સુધી માથાકૂટ કરે તો ય પાર આવતો નથી. આ તો આ જ જન્મે જાવ બધું પૂરું કરી દઈશ. મારે શરણે આવો બસ! એણે શરણે રાખ્યા છે.

તમારે તો સુખ છે. તમે સુખિયા છો. તમે ભગવાન ઓળખ્યા છે. અને હવે એમ જ રાખજો કે ભગવાનના સુખમાં છીએ બસ! અધૂરું છે જ નહિ આપણું. આ જ મનન કરવું. મારા ચૈતન્યને મુક્ત કરીને મહારાજની મૂર્તિમાં રાખ્યો છે. શ્રીજીમહારાજની મૂર્તિમાં જ રાખ્યો છે. આપણા ચૈતન્યને એમની કૃપાથી રાખ્યો છે. પછી ક્યાં સવાલ છે? માટે એમ માનવું. મુક્ત મનુષ્યરૂપે ન દેખાય (અદૃશ્ય થાય ત્યારે) એટલો ફેર છે, પણ મહારાજ ને મહારાજના મુક્તો દિવ્યભાવે અખંડ ભેળા જ છે. અનંત મુક્ત અને મહારાજ એક મુક્ત ભેળા જમે છે. અખંડ દિવ્યભાવમાં સુખ જ જમે છે. અને આનંદ કરે છે. આપણે બધાય મહારાજના દિવ્યસુખમાં છીએ, કોઈ નાનું-મોટું નથી એમ માનવું. બધાને વિષે દિવ્યભાવ રાખવો. મહારાજના પ્રતાપે મુક્તના ચરણમાં જ અડસઠ તીર્થ છે.

બાપાની વાતમાં લખ્યું છે કે ગોપાળાનંદ સ્વામી જેવા ઐશ્વર્ય ચમત્કાર અત્યારના મુક્ત કેમ નથી બતાવતા? તો બાપા કહે, જો અત્યારના મુક્ત એવું બતાવે તો અંધપરંપરા ચાલે. તો ભગવાનને પડ્યા મૂકી અને મુક્તમાં જોડાઈ જાય. એટલે તેઓ ઐશ્વર્યને ખૂબ દાબી રાખે છે અને પરચાઓ બતાવતા નથી. પણ ભગવાનનું જ્ઞાન કરી અને મૂર્તિના સુખમાં રાખે છે. જો એવું બતાવે તો માણસો પછી એમાં જ વળગે, પરચા જ ઇચ્છે. મહારાજે કહ્યું, પરચા ઇચ્છે એ પામર કહેવાય કારણ કે, પરચા પતી જાય એટલે ભગવાનને પડ્યા મૂકે. જ્યાં સુધી પરચા બતાવે, ત્યાં સુધી સારું લાગે. પછી એવું થાય કે પરચાનું માહાત્મ્ય થઈ જાય ને પછી પરચા મુક્ત ન બતાવે તો એને પડ્યા મૂકે. પછી બીજા પરચાવાળાને શોધે. ત્યારે જેમાંથી અનંત પરચાઓ નીકળે છે એ પ્રભુને ઓળખવા જોઈએને? જેમ વૃક્ષ છે એ થડને આધારે છે. માટે થડ પકડવું. ડાળાં-પાંખડાં કામના છે ખરા, પણ તેનો આધાર થડ છે. જો કે ડાળાં-પાંખડાંથી વૃક્ષની શોભા છે. પણ વૃક્ષનો આધાર એ નથી. એટલે ભગવાનના મુક્ત છે એ સેવક છે અને ભગવાન સ્વામી છે. એટલે જો મુક્ત ખૂબ પરચા બતાવવા માંડે તો એ એમ જ કહે કે તમે અમારા ભગવાન છો. અહીં આવું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પરચા બહુ જણાવ્યા. પછી બધા ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન માનવા માંડ્યા, એવું છે. અને મહારાજને પડતા મૂકીને સ્વામીમાં બધા વળગી પડ્યા. એ વખતે પછી પ્રકરણ બંધ કર્યું. કારણ કે એમણે જોયું કે આ તો બધું અવળું થવા માંડ્યું. પછી બંધ કરી દીધું પાછું. ગોપાળાનંદ સ્વામીએ પણ મહારાજ ગયા પછી સમાધિઓ કરાવવા માંડી, સર્વોપરી ભગવાનને ઓળખાવવા માટે. પછી એમ લાગ્યું કે આ પ્રકરણ બરોબર નથી. પછી એમણે ય બંધ કરી દીધું. એટલે એ પરચા અને ચમત્કાર એવી વસ્તુ છે કે ભગવાનને પડ્યા મૂકી એમનામાં જોડાઈ જાય પાછા. એટલે એ ઢાંક્યું જ રાખે છે.

મુક્ત હોય એ ભગવાનને મોટા કરી અને બતાવે કે તમે ભગવાનમાં જોડાવ. જેના સુખમાં રહેવું છે એમને વળગવું જોઈએને? એમ મુક્ત તો એ સુખમાં જોડવા માટે તમને મદદ કરે છે. તમને પહોંચાડે છે ત્યાં, પણ જોડાવાય તો ભગવાનમાંને? પ્રભુ એ પ્રભુ! ને મુક્ત એ મુક્ત! એટલે આ મનન કરીને સુખિયા રહેવું બસ! અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. મુક્તદશા પ્રાપ્ત થાય ત્યારે જીવ ભગવાન જેવો સાકાર બને અને પછી જો એ મૂર્તિમાં જ એકલીન થઈ જાય, ત્યારે ભગવાન જ એક રહે અને મુક્ત અંદર રહે સુખમાં. જેમ લક્ષ્મીજી અતિ સ્નેહે કરીને લીન થઈ જાય એમ. મહારાજે લખ્યું, એમ મુક્ત છે તે અતિ સ્નેહ થાય ત્યારે મૂર્તિમાં - ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય. એટલે દેખાવ ભગવાનનો રહે, પણ જ્યારે મુક્ત મનુષ્યરૂપમાં હોય, ત્યારે એ એનો ચૈતન્ય પુરુષોત્તમરૂપ બની જાય. પણ એનો જે મનુષ્યદેહ છે એ કંઈ એનો આકાર બદલતો નથી એમ. અને અનાદિમુક્તની સ્થિતિમાં આ દેહ નિર્ગુણ ને દિવ્ય થઈ જાય છે. આમ છતાં પણ એ મનુષ્યરૂપનો આકાર પ્રભુ જેવો થઈ જતો નથી. કારણ કે સેવક છે એટલે.

બાપાએ એમ કહ્યું કે મુક્તનું ધ્યાન ન કરવું, પણ શ્રીજીમહારાજનું ધ્યાન કરવું. એ નિષેધ કર્યો, કારણ કે સેવક છે અને સેવકનું ધ્યાન ન થાય, પણ સુખદાતા એવા ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરવું. એમ બાપાએ આજ્ઞા કરી. મુક્ત ગમે તેટલા પ્રતાપી દેખાય પણ મુક્તનું ધ્યાન ન થાય. એની સાથે હેત થાય કે જેથી હેત થાય તો ભગવાનમાં લગની લાગે. ને એમ હેત કરવું, પણ સ્નેહ ભગવાનને વિષે રાખવો એ ભક્તિ કહેવાય. તમારે તો હરતા-ફરતા એમ કેફ રાખવો કે ભગવાનનાં સુખમાં છીએ. આપણે મઝા થઈ ગઈ. નારદજીને ભગવાને એમ કહ્યું કે જેટલા પાંદડાં એટલા યુગ જશે ત્યારે દર્શન આપીશ એમ કહેજે પેલાને. (યોગીને) તો ય એ યોગી નાચવા મંડી પડ્યા. શા માટે? જે એને નક્કી તો થઈ ગયું કે બોલ્યા જે આટલા યુગ જશે અને દર્શન આપશે. એમ નક્કી તો થઈ ગયું કે મારે. માટે નાચવા લાગ્યા ને આનંદમાં આવી ગયા. એને કેટલી શ્રદ્ધા કે બોલ્યા એટલે હવે થવાનું. તરત જ થઈ ગયું બધું. કારણ કે એ ભગવાન યુગ પૂરા કરી નાંખે. જેટલા યુગે એને થવાનું હતું એટલા યુગ એક ઘડીમાં સમાપ્ત કરી દીધા અને દર્શન આપ્યા. ભગવાન એવા છે. શ્રદ્ધામાં ખામી ન હોય તો તરત દર્શન આપે, પણ એ શ્રદ્ધામાં થોડી ખામી હોય છે. એટલે સુખમાં ફેર રહે છે. અંદરના આનંદમાં ફેર રહે છે. આમ હશે કે નહિ? હશે કે નહિ? એમ અશ્રદ્ધા રહે. એના લીધે જેવા સુખિયા રહેવું જોઈએ એવા રહેવાતું નથી. જો એમ ન રહે તો બહુ આનંદ આવી જાય. તો જુઓ પછી એમાં આનંદ જ રહ્યા કરે. ક્યાંય લેવા જવું ન પડે. કોઈ દી’ એમ ન થાય કે મને આનંદ નથી. અખંડ આનંદ વર્તે, પણ આમાં જરા ખામી હોયને! એટલો ફેર પડે છે. સુખમાં રાખ્યા એનો કેફ અખંડ રાખે તો પછી શું રહ્યું? નિર્ભય થઈ ગયાને બધા? ભગવાનના સુખમાં રહ્યા પછી અભયપદ આપ્યું ભગવાને.

ભલે, જય સ્વામિનારાયણ! હવે રજા આપો.


સારાંશ

શ્રીજીમહારાજે જીવોને તેમના સુખમાં રાખ્યા છે છતાં બાધિતાનુવૃત્તિને લીધે સુખનો અનુભવ શક્ય બનતો નથી. જીવ પાત્ર થાય ત્યારે એ સુખનો અનુભવ શક્ય બને છે. જીવ ભગવાનના શરણે જાય પછી ભગવાન તેને અંતકાળે પણ બધું માફ કરી પોતાના સુખમાં લઈ જાય છે. ભગવાનની કૃપા અને અનાદિમુક્તના આશીર્વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા કે તેઓએ આપણા ચૈતન્યને મૂર્તિમાં રાખ્યો છે. દિવ્યદેહ અને માયિકદેહમાં કોઈ મેળ નથી. ભગવાનના સુખમાં જ છીએ એ મનન સતત કરવું. જીવને ભગવાનની મૂર્તિ ન દેખાય, પણ ભગવાન તેને જુએ છે એમ વિશ્વાસ રાખવો. અનાદિમુક્તમાં રહી ભગવાન બોલે છે. અનાદિમુક્ત આશીર્વાદ આપે પછી તે આશીર્વાદમાં સંપૂર્ણ શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસ રાખી મને મૂર્તિમાં રાખ્યો છે તે વાતનું અંતિમ શ્વાસ સુધી મનન કરી સતત આનંદમાં રહેવું.

ભગવાનનું સુખ કેવું છે તે જ્યારે માણીએ, ત્યારે જ અનુભવ થાય. સંપૂર્ણપણે ભગવાનના શરણે જવાથી ભગવાન તે જીવને પોતાના સુખનો અનુભવ અનાદિમુક્ત દ્વારા કરાવે છે. અનાદિમુક્ત મનુષ્યરૂપે અદૃશ્ય થવા છતાં દિવ્યભાવે સદાય ભેળા જ હોય છે. મહારાજના પ્રતાપે અનાદિમુક્તના ચરણમાં અડષઠ તીર્થ હોય છે. અનાદિમુક્ત બહુ પરચા-ચમત્કાર બતાવતા નથી, પણ મહારાજનું જ્ઞાન કરી મૂર્તિના સુખની પ્રાપ્તિ કરે તેવા જીવને પાત્ર બનાવે છે. બહુ પરચા-ચમત્કારથી જીવો તેમાં લેવાઈ જઈ પામવાનું પામી શકતા નથી. પરચા-ચમત્કારો જોઈ જીવો મુક્તને ભગવાન માની તેમને પૂજે અને ભગવાનને ભૂલી જાય છે. માટે અનાદિમુક્ત પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તે છે. મુક્ત ભગવાનને મુખ્ય કરી જીવોને ભગવાનમાં જોડે છે.

જીવો જ્યારે અનાદિમુક્તની સ્થિતિને પામે, ત્યારે ભગવાનના જેવા સાકાર બની મૂર્તિમાં લીન થઈ આનંદ અનુભવે છે. અનાદિમુક્ત સાથે હેત કરી ભગવાનમાં લગની લગાડી મહારાજનું જ ધ્યાન કરવું. અનાદિમુક્તના વચનમાં દૃઢ વિશ્વાસથી અનેક જન્મની કસર સમાપ્ત થઈ એક જન્મમાં જ પૂર્ણકામપણાને પમાય છે.