25

0:000:00

જીવનનું ઉચ્ચત્તમ ધ્યેય, દરેક મનુષ્યનું ઉચ્ચત્તમ ધ્યેય ભગવાનના સ્વરૂપમાં જોડાવવાનું છે. એ પ્રાપ્તિ થઈ ગયા પછી કંઈ જ કરવાનું રહેતું નથી. એ કામ શ્રીજીમહારાજે બાપાશ્રીને દ્વાર બનાવીને કર્યું. શ્રીજીમહારાજનું કામ બાપાશ્રીએ એમના સંકલ્પ મુજબ સંપૂર્ણ પૂરું કરાવ્યું. અનાદિ મુક્તરાજનો ધ્યેય દરેકને સર્વોપરી મહાપ્રભુની મૂર્તિમાં રસબસ રાખી દિવ્યસુખને પમાડવાનો હોય છે. અનાદિમુક્તે આપેલા આશીર્વાદ અવિચળ છે. આપણે શ્રદ્ધા અને મહિમા એવા રાખીએ કે બધું ચલિત થઈ જાય, પણ આશીર્વાદમાં કોઈ પણ જાતની અસ્થિરતા આવે નહિ. એક વાત તદ્દન હકીકત છે કે જો આશીર્વાદ મહિમા સાથે, સંપૂર્ણ શ્રદ્ધાથી અને કોઈ પણ જાતના વિકલ્પ વગર ઝીલીએ, તો આપણું સમગ્ર જીવન દિવ્ય બની જાય એમાં કોઈ શંકા નથી. આપણા બધા અવયવો ફરી જઈ ભગવાનનું સ્વરૂપ આપણા અંતરમાં અનાયાસે દેખાશે અને અંત વખતે અથવા તે પહેલાં સ્વામિનારાયણ ભગવાન એ આશીર્વાદ મૂર્તિમાન કરી આપણને એ મૂર્તિના સુખભોક્તા કરશે. આ કંઈ થોડી વાત? આ સત્ય છે એમ માનવાનું. આશીર્વાદ ફરવાના નથી, ભલે આપણે બરાબર પાત્ર ન હોઈએ તો પણ ચિંતા કરવાની જરૂર નથી.

ભગવાન કહે છે કે હું તમારો સર્વોત્તમ ઉદ્ધાર કરી દઈશ અને હું તમને મારી મૂર્તિના સુખમાં રાખીશ એ ભગવાન પરમાત્મા બોલે એમાં કંઈ ફેર પડે ખરો? ત્યારે આપણે એક નિરાંત તો થઈ ગઈ કે પૂર્ણકામપણું ભગવાનના આશ્રિત થયા એટલે થયું અને બીજું એ પણ પૂર્ણકામપણું હૃદયમાં દૃઢ થઈ ગયું કે હવે પછી આપણો જન્મ રહેશે નહિ. અનેક જન્મ સુધી આપણે કેટલા બધા દુઃખો ભોગવ્યા? હેરાન-પરેશાન થયા. પૂર્વે કોઈ મોટા મુક્તના જોગમાં આવી ગયા તો આ કારણ સત્સંગરૂપ બગીચો જે બાપાશ્રીએ ખીલવ્યો એમાં આપણે પણ આવી ગયા. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે આપની દિવ્યસ્મૃતિ પરમપૂજ્ય બાપાશ્રી સહિત હંમેશાં સામે રહે. આપણે એ મૂર્તિરૂપ થઈને કાર્ય કરી શકીએ એવી કૃપાવર્ષા કરી છે તે મહાપથારી સુધી જાળવી રાખી અમારું સેવન કરજો. અને અમને એ દિવ્યસુખના અનુભવમાં મૂકી દેશો કે જે મૂર્તિના સુખમાં અત્યારથી જ અમને રાખવાના આશીર્વાદ આપી દીધા છે. એ આશીર્વાદમાં મુખ્ય બોલનારા તો ભગવાન સ્વામિનારાયણ જ છે. મહારાજ સુખદાતા અને અનંત મુક્તો સુખભોક્તા છે, મુક્તને નિમિત્ત બનાવી પોતે કામ કરે છે.

સર્વોત્તમ માધ્યમ તો અનાદિમુક્ત જ કહેવાયને? કારણ કે અનાદિમુક્ત દ્વારા ભગવાને અનેક કામ કર્યા. આ સદાવ્રત માત્ર થોડા સમય માટે જ નહિ, પણ આ પૃથ્વી - બ્રહ્માંડ ચાલશે ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન તેમના અનાદિમુક્તોને આ પૃથ્વી ઉપર પ્રગટ કરી અને ચાલુ જ રાખશે. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સિવાય ક્યાંય સારપ નહિ રહેવી જોઈએ. બધા જ અવતારો, બધા જ દેવોમાં ભગવાન સ્વામિનારાયણનો પ્રેરણા દ્વારા આવિર્ભાવ છે. એટલે બધા જ પૂજનીય, આદરણીય છે. આપણે એમનું દર્શન કરીએ, પરંતુ એ કોઈ પણ ઉપાસ્યમૂર્તિ ન ગણાય. ઉપાસ્યમૂર્તિ તો એ ગણાય કે જેનો સર્વોપરી મંત્ર શ્વાસોશ્વાસ ચાલતો હોય. તે સિવાય બીજો કોઈ મંત્ર અધિક નથી. માટે આપણે એક વસ્તુ નક્કી કરવી કે કોઈ પણ જાતનું દુઃખ આવે એ તો આ જન્મ લીધો છે અને આ જગતમાં આવ્યા તો સુખ દુઃખ તો ચાલ્યા જ કરવાનું. સંપૂર્ણ વિશ્વાસ રાખીને એ સહન કરવું એ જ ભગવાનની પ્રસન્નતા છે. વિશ્વાસ જો ડગી જાય અને બીજે ક્યાંય સારપ મનાઈ જાય તો સર્વોપરી ઉપાસનામાં કચાશ કહેવાય. ગમે તેવું દુઃખ પડે, વધુમાં વધુ શું થઈ જવાનું છે? આ દેહ પડી જશે. તો સર્વોપરી ઉપાસના દૃઢ રાખવી. કોઈ જગ્યાએ સારપ નહિ રાખવાની. કોઈ દુઃખ મટાડે એ શું? ભગવાનની પ્રેરણાથી જ બીજા દુઃખ મટાડે છે. એ બધા દેવો મટાડે છે? ના ના. ભગવાન સ્વામિનારાયણે આપેલા ઐશ્વર્યથી મટાડે છે. જો એ પાછું ખેંચી લે, તો કોઈ કામ કોઈ દેવથી થઈ શકે જ નહિ.

આ વાત અતિ દૃઢ કરીને આપણે એવા મજબૂત અડગ ભગવાન સ્વામિનારાયણના સિંહ-સૈનિક બની રહીએ કે જેથી બીજે ક્યાંય આપણને એ મૂર્તિ સિવાય સારપ મનાય નહિ. એ મૂર્તિ જ આનંદરૂપ લાગે. બધી જ ક્રિયા કરતાં કરતાં બાપાએ કહ્યું કે ભગવાનનું અનુસંધાન રાખીને કામ કરવું. ફરીથી આ દિવ્યસભાને વંદન કરી, સૌના રૂડા આશીર્વાદની અપેક્ષા સાથે વિરમું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ આશીર્વાદ બધાય અખંડ ઝીલાયા કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું.


સારાંશ

શ્રીજીમહારાજ પોતાનું કાર્ય તેમના અનાદિમુક્તને દ્વાર બનાવી પાર પાડે છે. અનાદિમુક્તના એક વખતના આશીર્વાદ અને તે આશીર્વાદમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ જીવને મૂર્તિના સુખભોક્તા બનાવે છે. અનાદિમુક્તના આશીર્વાદ અનેક જન્મે સિદ્ધ થતું કાર્ય એક જન્મમાં સંપન્ન કરે છે. જીવના પૂર્વના કોઈ મોટા સુકૃત ઉદય થાય ત્યારે અનાદિમુક્ત ઓળખાય છે, તેમના આશીર્વાદ મળે છે. આપણે અનાદિમુક્તને પ્રાર્થના કરવી કે મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદની કૃપાવર્ષા કરી છે તે સદાય સાથે રહે ને એ સ્મૃતિ સહિત અમારાથી દરેક કાર્ય થાય. અનાદિમુક્તને પૃથ્વીપર મોકલી જીવોના કલ્યાણ કરવારૂપી સદાવ્રત શ્રીજીમહારાજ આ પૃથ્વી રહેશે ત્યાં સુધી ચલાવશે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. બીજા દેવો તેમણે આપેલા ઐશ્વર્યો દ્વારા કાર્યો કરે છે.