17

0:000:00

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ કૃપાળુ બાપાશ્રી, સદ્‌ગુરુઓ, પરમ પૂજ્ય સદ્‌ગુરુ સ્વામીશ્રી હરિનારાયણદાસજી સ્વામી, પરમ પૂજ્ય અન્ય સંતો તથા આદરણીય સત્સંગી બંધુઓ.

હું તો અહીંયા પરમ પૂજ્ય સ્વામીશ્રીની વાણી સાંભળવા આવ્યો હતો. મેં એ શરત હીરાભાઈ સાથે કરી હતી. હીરાભાઈને મેં કહ્યું કે, ‘ભાઈ, સ્વામીશ્રી ત્યાં અત્યારે બિરાજે છે તો અમસ્તો જોવા આવતો નથી. તેમની પાસે બેસીને આપણે સ્વામિનારાયણ ભગવાન ને તેમના અનાદિ મુક્તરાજ બાપાશ્રીની વાતો એકાંતમાં સાંભળીશું.’ થોડા સમય માટે સાંભળી પણ ખરી. હજી સાંભળવી હતી. હજુ મને એમ હતું કે એકાદ કલાક સ્વામીની વાણી સાંભળવા મળશે. કીર્તન પાછળથી રાખ્યું હોત તો સારું થાત, તો એમની વાણી મારે સંભળાત. હવે એમણે જ્યારે આગ્રહ કર્યો કે મારે બોલવું. જો ન બોલું તો અવિવેક થાય અને પોતે રાજી ન થાય. એમને રાજી કરવા તો આવ્યો છું. એટલે આવા સદ્‌ગુરુનો રાજીપો મેળવવો એ જ ધ્યેય છે. વાતોમાં તો દરરોજ પોતે જે વાતો કરે છે તેમાં બધું આવી જાય છે. કાંઈ બાકી નથી રહેતું અને રહેશે નહિ. મારે તો બીજું શું બોલવાનું હોય! મને પોતાને તો એક જ વાત સતત રહ્યા કરે છે કે ભગવાન સ્વામિનારાયણના દિવ્યસ્વરૂપની સાથે લગની લગાડવી. જ્યાં જ્યાં ભગવાનના ભક્તો કીર્તન કરતા હોય, ભગવાનની ધૂન કરતા હોય, આવા સદ્‌ગુરુઓ વાતો કરતા હોય, દિવ્યસભા બેઠી હોય, ત્યારે ત્યારે ભગવાનની મૂર્તિના સ્વરૂપમાં ઊંડા ઉતરી અને એની સાથે કેમ લગની લગાડવી એ જ કરવાનું છે. એવું મને પોતાને લાગ્યું છે. કદાચ ઉંમરને લીધે પણ એમ હોય અને સદ્‌ગુરુઓની વાતોમાંથી પણ મને પોતાને તો એમ જ સમજાયું છે.

સારનો સાર કે બધા જ બ્રહ્મયજ્ઞનું ફળ એ ભગવાનની મૂર્તિ સાથે લગની લગાડવાનું છે. ભગવાનની મૂર્તિ સાથે જો અખંડ સંબંધ રહે તો કંઈ કરવાનું બાકી રહેતું નથી. ભગવાનની મૂર્તિ સાથે તો અખંડ સંબંધ ત્યારે જ રહે કે બાળપણથી જ ભગવાનની મૂર્તિ સાથે લગની લાગે. ભગવાનની મૂર્તિ જ ગમે. ખૂબ વહાલી લાગે. નાના બાળકને જેમ મા વહાલી લાગે છે, તેમ એ ભગવાન વિષે સ્નેહ ઉત્પન્ન થાય છે, ત્યારે ભગવાન સિવાય બીજું કાંઈ જ ગમતું નથી. બધો આનંદ એ મૂર્તિના દર્શન કરવામાં. મૂર્તિમાં રહીને, મૂર્તિ જોવી એમ બાપાશ્રી કહે છે. એનો અર્થ જ એ કે અતિ સ્નેહે કરી અને એ મૂર્તિ સાથે રસબસ થઈ જવું. ભગવાનની કૃપા થતાં આમ થાય છે. ભગવાનનો સંબંધ થતાં મૂર્તિમાં જોડાતાં જોડાતાં ભગવાનની આપણા ઉપર કૃપા ઉતરે છે. એ કૃપાને લીધે મૂર્તિ ભૂલાતી નથી. મૂર્તિ ન ભૂલાય એ રીતે બધી જ ક્રિયા કરવી જોઈએ. ક્રિયા એવી ઉતાવળે ન કરવી જોઈએ કે જેથી મૂર્તિ ભૂલાય. કાર્ય બગડે તો વાંધો નહિ, પણ મૂર્તિ ન ભૂલાય એમ કરવું જોઈએ. મૂર્તિનો સંબંધ રાખતાં રાખતાં કીર્તન બોલવાં. મૂર્તિ સાથે જોડાઈ જતા જો કીર્તન બંધ થઈ જાય તો કંઈ જ વાંધો નહિ, પણ ભગવાનની મૂર્તિનો સંબંધ છે એ સર્વોપરી પ્રાપ્તિ છે. જ્યારે જ્યારે સમય મળે, ત્યારે ભગવાનની મૂર્તિમાં અખંડ જોડાવું. મૂર્તિનું ધ્યાન કરતાં વિક્ષેપ આવે એવી જગ્યાએ બેસીને ધ્યાન કરવું નહિ. નૈમિષારણ્ય ક્ષેત્ર એવા સદ્‌ગુરુઓના સાંનિધ્યમાં રહીને જો ધ્યાન થાય તો જલદી થાય.

મંદિરમાં પ્રવેશ કર્યા પછી સદ્‌ગુરુના સાંનિધ્યમાં રહીને એમની વાણી સાંભળવી, પણ મંદિરમાં પ્રવેશ કર્યા પછી કોઈ પણ વ્યાવહારિક વાત જો કરવામાં આવે તો એનો અર્થ એ કે આપણે ભૂલી ગયા કે આપણે ભગવાનના મંદિરમાં આવ્યા છીએ. કલાક - બે કલાક એવો નિયમ જ રાખવો જોઈએ કે મંદિરમાં પ્રવેશ કર્યા પછી ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ જ યાદ આવવું જોઈએ નહિ. એવી શાંતિથી ભગવાનનું દરેક જણાએ ધ્યાન કરવું. મંદિરમાં આવીને અન્ય વ્યાવહારિક વાતો નહિ કરવી જોઈએ. પછી તે સત્સંગ વિષયક હોય તો પણ ન કરવી જોઈએ. મહાપ્રભુજીનું કીર્તન કરી શકાય, ભગવાનની કથા વાંચી શકાય, સદ્‌ગુરુઓની પાસે બેસીને એમની વાણી સાંભળી શકાય, ધૂન કરી શકાય, પણ સત્સંગ વિષયક કે બીજા વિષયક વાત નહિ કરવાની અને મંદિરમાંથી, મંદિરના બારણામાંથી બહાર નીકળીએ પછી વાત કરીએ તો વાંધો નહિ. આવો નિયમ રાખવો જોઈએ, તો એ મંદિરની શિસ્ત જાળવી કહેવાય. નહિતર એ વાતો કરવાનું સ્થાન થઈ જાય. અન્ય વાતો કરવાનું સ્થાન મંદિર! બીજે વખત ન મળે તો ચાલો મંદિરમાં જઈને વાતો કરીએ એવું બની જાય. મંદિરનો અર્થ એ નથી. મંદિર એટલે તો ભગવાનને રહેવાનું ધામ છે. જ્યાં ભગવાન બિરાજતા હોય, ત્યાં તો સુખ અને શાંતિ જ હોય. ત્યાં બીજી વાતો હોય નહિ. તો જ ભગવાનના સ્વરૂપને વિષે સ્થિતિ થાય. મંદિર આવ્યાનું સાર્થક ગણાય. નાના બાળકોને પણ આ વાત શીખવવી જોઈએ.

ભગવાન સ્વામિનારાયણના દિવ્યસ્વરૂપ વિષે બ્રહ્માનંદ સ્વામીએ એકવાર કીર્તન ગાયું. એક હરિભક્તને સંકલ્પ થયો કે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજનું શું કાંઈ વર્ણન કર્યું? ભગવાન તો એ વખતે બિરાજતા હતા તો ભગવાનના મુખ સામું જોયા કરે, ભગવાનના સ્વરૂપને જોયા કરે, દર્શન કરે. એને એમ થયું કે બ્રહ્માનંદ સ્વામી વર્ણન કરે છે એવા તો સૌંદર્યવાન ભગવાન લાગતા નથી. પણ ભગવાનનો મહિમા બ્રહ્માનંદ સ્વામીને ખૂબ છે એટલે સ્વામી એમ બોલતા હશે. ભક્ત તો બહુ ભોળા. શ્રીજીમહારાજને જઈને એકવાર પૂછ્યું. મહારાજ એકલા હતા. તો મહારાજને પૂછ્યું કે, ‘મહારાજ! બ્રહ્માનંદ સ્વામી આજ કીર્તન બોલ્યા એવા રૂપાળા તમે લાગતા તો નથી. તો બ્રહ્માનંદ સ્વામીએ આવું બધું વર્ણન કર્યું એનું શું કારણ મહારાજ?’ મહારાજ કહે, ‘એનું કારણ તો બ્રહ્માનંદ સ્વામીને પૂછો તો ખબર પડેને! તો તમે બ્રહ્માનંદ સ્વામીને પૂછો. બ્રહ્માનંદ સ્વામી બહુ હર્ષઘેલા છે. મારા વિષે ખૂબ હેત છે એટલે મારી બહુ પ્રશંસા કરે છે એટલે એવું કીર્તન બોલ્યા હશે. તમે જઈને પૂછો તો ખરા, તો મને ય ખબર પડે કે બ્રહ્માનંદ સ્વામી આમ કેમ બોલે છે.’

ભક્ત તો બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા. બ્રહ્માનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હતા. થોડીવાર પછી ધ્યાનમાંથી જાગ્યા ત્યારે ભક્તે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે, ‘સ્વામી, તમે મહારાજના સ્વરૂપનું વર્ણન કર્યું એટલું સૌંદર્ય તો ભગવાનમાં જોવા મળતું નથી તો એનું શું કારણ? તમે આ કઈ રીતે વર્ણન કર્યું?’ બ્રહ્માનંદ સ્વામી હસ્યા. બ્રહ્માનંદ સ્વામી કહે, ‘ભક્તરાજ, મારી પાસે શબ્દો નથી. એ સ્વરૂપના સૌંદર્યનું વર્ણન કરવા માટે, એટલે આવા પાંગળા શબ્દોમાં એ વર્ણન કર્યું છે. તે ગમ્યું નહિ પણ શું કરું? બધાને એ સ્વરૂપને વિષે લગની લગાડવાને માટે જે શબ્દો મળ્યા એવા શબ્દોમાં એમના સ્વરૂપનું વર્ણન કર્યું. તમને જે મનુષ્યસ્વરૂપ દેખાય છે એ મનુષ્ય સ્વરૂપ દિવ્ય સૌંદર્યને ઢાંકીને વર્તે છે એટલે તમે ક્યાંથી જોઈ શકો? હું તો એ જોઈને વર્ણન કરું છું. હું તો એ દેખું છું. એ તો અતિ સૌંદર્યવાન છે. એનું વર્ણન થઈ શકતું નથી. મહારાજ તો કોટીમાં ભાગનું સૌંદર્ય લઈને પણ મનુષ્યરૂપે પ્રગટ નથી થયા. એવી રીતે ઢાંકીને વર્તે છે. જો એ બધું લઈને આવ્યા હોય તો આખી પૃથ્વી સ્તબ્ધ થઈ જાય.’ ‘ઓ હો હો! કહે મહારાજ એટલા બધા રૂપાળા છે?’ ‘અરે, રૂપાળા તો કેવા? અનંત કોટી બ્રહ્માંડમાં પણ કોઈનું એવું રૂપ નથી. એ રૂપ એકવાર જોયામાં આવે તો આંખ એમાંથી આઘી પાછી ખસે જ નહિ. મન એવું ઠરે કે બીજે ક્યાંય ચોંટે નહિ, એવું તો એ સુંદર સ્વરૂપ છે.’

એ દિવ્યસ્વરૂપના દર્શન આ મનુષ્યસ્વરૂપ સાથે લગની લગાડવાથી થાય છે. બંનેની એકતા છે. એ સ્વરૂપ એવું રૂપવાન છે, પણ જો એ એવું રૂપવાન સ્વરૂપ ધારણ કરે તો જીરવાય નહિ. જોઈ શકાતું નથી. માટે ભગવાન કહે છે કે આ જે મનુષ્યરૂપે આવ્યો એ મારું દિવ્યસ્વરૂપ છે. એ સ્વરૂપમાં અને ધામના સ્વરૂપમાં એક રોમનો પણ ફરક નથી. એ વાત સાચી છે. બ્રહ્માનંદ સ્વામીને બંને સ્વરૂપ એક સરખા જ ભાસતા હતા. કારણ કે એમની દૃષ્ટિ દિવ્ય બની ગઈ હતી. મહારાજ નખથી શીખા પર્યંત દિવ્યમૂર્તિ છે. એનું એકે એક અંગ છે તે અતિ સૌંદર્યવાન છે. સળંગ મૂર્તિ જોયા કરો તો કલ્પે કલ્પ વિતી જાય ત્યાં સુધી એ મૂર્તિમાંથી ખસવું ગમે નહિ એવી એ સુંદર મૂર્તિ છે. એ નેત્ર, એ નાસિકા, એ ભાલ, એ ભ્રમર, એ હોઠ, હસ્ત, આખું શરીર, મહારાજનું કોઈ અલૌકિક છે! એ સ્વરૂપ દોરી શકાય એવું નથી. એટલું સુંદર છે. કોઈ ચિત્રકાર પણ ચિતરી શકે નહિ, કે કોઈ અનાદિમુક્ત પણ કાગળ ઉપર ચિતરી શકે નહિ. એટલું એ સુંદર સ્વરૂપ છે, પણ ભગવાને શું કર્યું છે? કે કોઈ પ્રશ્ન પૂછે કે મહારાજના સ્વરૂપોના મોઢા કેમ અલગ અલગ છે? તો શું કરે? ચિત્રકારને ભગવાનનો જે રીતે ભાવ આવે તે એવું સ્વરૂપ દોરવાનો પ્રયત્ન કરે. ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે, વડતાલમાં ઘનશ્યામ મહારાજની ત્રણ મૂર્તિ છે તો ત્રણેયના મુખમાં ફરક છે. માત્ર ભગવાન આમ પોતાનો વરદ્‌હસ્ત રાખીને ઊભા હોય એના ઉપરથી ખબર પડે કે આ મહારાજની મૂર્તિ છે. પણ બધાના મુખારવિંદમાં તો ફરક. પણ મુખારવિંદ કાંઈ જુદું હોઈ શકે? જુદું તો ન હોઈ શકે. એક સરખું જ બરોબર હોવું જોઈએ, પણ ભગવાન છે એ જુદા-જુદા ભાવો ગ્રહણ કરે છે. મહારાજના મુખના ભાવોમાં ફરક પડતો હોય છે. મહારાજ ક્યારે કયું સ્વરૂપ ધારણ કરે એ કહી શકાય જ નહિ.

ભગવાનને અવરભાવમાં પારખવા માટે અમુક લક્ષણો છે, દિવ્ય લક્ષણો, એના લીધે એ ભગવાનનું સ્વરૂપ છે એ મનુષ્ય સમજી શકે છે. એ સ્વરૂપ સાથે એકતા કરવાની. ભગવાન સ્વામિનારાયણનું જે કોઈ સ્વરૂપ વહાલું લાગે એની સાથે લગન લગાડવી. એ સ્વરૂપ બરોબર દેખાય એવી મૂર્તિ પહેલા સિદ્ધ કરવી જોઈએ અને મૂર્તિ સિદ્ધ કરતાં - કરતાં જ્યારે છેવટે ભગવાનની કૃપા ઉતરે છે, ત્યારે એ જ મૂર્તિ તેજોમય બની જાય છે. અને તેજોમય બનતાની સાથે જ મૂર્તિમાં ખેંચાઈ જવાય છે. એ તેજોમય બનીને ક્યારે દર્શન આપે, જ્યારે આપણે પાત્ર થઈ ગયા હોઈએ ત્યારે. નહિતર તો એ જીરવાતી જ નથી. જેમ કોઈ ભયંકર ભય લાગેને! અને આમ ખમાય નહિ એવું એ સ્વરૂપ લાગે છે. છે તો શીતળ શાંત, છતાં પણ એનું જે તેજ અને એ સ્વરૂપમાંથી નીકળતી જે જબરજસ્ત દિવ્યશક્તિ એ ખમાતી જ નથી. જ્યારે ખમાય, ત્યારે જેમ ચંદ્રમાંનું તેજ શીતળ-શાંત અનુભવાય છે, એમ એ મહારાજની મૂર્તિ જોવા માટે આપણે સમર્થ થઈએ છીએ. અને એ સ્વરૂપના દર્શન થાય છે.

ભગવાનના જે તલ છે, તે તલ એ ભગવાનના ગુણોના લક્ષણરૂપ છે. એ ભગવાને ગ્રહણ કરેલા છે. ભગવાનની દિવ્યમૂર્તિને મૂછ નથી. ભગવાન જ્યારે અવરભાવમાં આવ્યા, ત્યારે કાઠી, કોળી ને એક શૂરવીરતાના અંગ તરીકે એમણે પણ મૂછો રાખેલી. એ મનુષ્ય સ્વરૂપ હતું, પણ દિવ્યસ્વરૂપ હતું. એમાં ત્યાગ-ભાગ નહોતો. જેમ મનુષ્ય શરીરમાં હાડ-માંસ હોય છેને! તેમ ભગવાન જ્યારે મનુષ્યસ્વરૂપ ધારણ કરે છે ને! ત્યારે તેમાં પણ ત્યાગ-ભાગ નથી. તેમાં પણ હાડ-માંસનો સંકલ્પ ન કરવો જોઈએ. છે જ નહિ, મહારાજનું એ કૈવલ્ય સ્વરૂપ છે. શ્રીજીમહારાજની દિવ્યમૂર્તિને જીરવવાને માટે, સમર્થ થવાને માટે મહાન સદ્‌ગુરુઓના સાંનિધ્યમાં રહીને પાત્ર થવું પડે, આજ્ઞાઓ બરાબર પાળવી પડે, પંચ વર્તમાન બરાબર પાળવા જોઈએ. અને એ બધા ગુણો, એ બધી આજ્ઞાઓના શિરછત્રરૂપ આજ્ઞા નિષ્કામવ્રત, એ જ્યાં સુધી બરાબર દૃઢ ન થાય, ત્યાં સુધી મહારાજનું દિવ્ય દર્શન થતું નથી, ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી. માટે નિષ્કામવ્રતનો પાયો અતિ દૃઢ કરવો જોઈએ. ગૃહસ્થ હોય કે ત્યાગી હોય. જ્યાં સુધી એ પાયામાં કચાશ છે, ત્યાં સુધી જોઈએ એવી પાત્રતા આવતી જ નથી. બીજા ગુણો પણ આવતા નથી.

મહારાજે પંચ વર્તમાન દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલવું નહિ ને વટલાવવું નહિ. આ પંચ વર્તમાન લાગે સાદા, પણ સાદા નથી. ભગવાનના સ્વરૂપનું દર્શન કરાવે એવા પાત્ર બનાવવા જેટલા મહાન પંચ વર્તમાનો છે. દારૂની અંદર તો બધું જ આવી જાય. આજના નાટક - ચેટક - સિનેમા એ પણ દારૂ સમાન છે. જેમ દારૂથી ઘેન ચડે ને કેફ ચડે ને અંતે માણસ મરી જાય, તેમ આજના ફેલ-ફતુર એવી વસ્તુઓ છે કે જે દારૂથીયે ખરાબ છે. એને દારૂ કહેવાય. પેલો દારૂ તો ન જ પીવાય, નહિ તો પશુતુલ્ય કે પશુથીયે ખરાબ કહેવાય. મનુષ્યદેહ ધારણ કર્યા પછી, મનુષ્યરૂપ લીધા પછી. દારૂ, માંસ, માંસમાં પણ ઘણી બધી વસ્તુ આવી જાય માત્ર માંસ એટલે પેલું પશુનું માંસ તથા જે દવાઓમાં માંસ ભરેલું હોય એટલું જ નહિ, એ તો ન જ લેવાય. અનાજ પણ શોધીને જમવું જોઈએ. બહારનું ન જમાય એ વિશેષ સારું છે. અત્યારના દેશકાળ એવા છે કે બધાને બહાર જમવું પડે છે એ મોટી તકલીફ રહે છે, પરંતુ જેમ બને તેમ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એવી અશુદ્ધ વસ્તુ બહારની ન લેવાય તો સારું. મન, કર્મ, વચને ચોરી નહિ કરવી જોઈએ. અત્યારે ચોરીએ તો આખા વિશ્વને અભડાવી મૂક્યું છે. થોડા ભક્તોને બાદ કરતા ચોરીરૂપી ભ્રષ્ટાચારના પ્રલોભને કોઈને છોડ્યા નથી.

બાપા પાસે એક સોની આવ્યો, તો બાપાને પ્રાર્થના કરી કે, ‘બાપા! મારું કલ્યાણ કરજો.’ પછી બાપા તો અંતર્યામી. તો બાપા કહે, ‘ચોરી ન કરે તો અમે કલ્યાણ કરીએ.’ ત્યારે એ વિચારમાં પડ્યો. થોડીવાર રહીને કહે, ‘બાપા! અમારો ધંધો જ એવો કે ચોરી ન કરીએ તો પૂરું જ ન થાય.’ બાપા કહે, ‘તો ત્યાંએ પૂરું ન થાય.’ તો કહે, ‘શું કરવું?’ બાપા કહે, ‘તમારી ઇચ્છા. ચોરી ન કરો તો પૂરું કરીએ.’ પછી કહે, ‘સારું બાપા, હું નક્કી કરીને કાલ કહી જઈશ.’ ભલે કહે કે, ‘કાલે આવજે.’ પછી એ તો ઘરે ગયો. એમના ઘરના મનુષ્યને પૂછ્યું, ‘કે બાપાએ તો આવું કહ્યું છે તો હવે આપણે શું કરવું?’ એના ઘરનું મનુષ્ય બળવાન હતું. એ કહે, ‘બીજું શું થવાનું હતું પૂરું નહિ થાય તો બીજું શું થશે? દેહ પડી જશે કે બીજું કાંઈ થવાનું છે? દેહ પડી જશે તો પૂરું કરીને ધામમાં તો લઈ જશેને? તો ઓછી ઉપાધી! આપણે સાધન કરવા મટ્યા! એક જ સાધન કરવાનું રહ્યું. ચોરી ન કરવી. ત્યારે હવે એક સાધનથી પતતું હોય તો બીજી લપ શું કામ કરવી?’ પછી દેહ મૂક્તી વખતે શ્રીજીમહારાજ અને બાપાશ્રી તેજોમય દર્શન આપીને આખા ઘરના મનુષ્યોને તેડી ગયા. બાપાશ્રીનું વચન માન્યું તો બધાને મહારાજ અને બાપા દર્શન દઈને તેડી ગયા. પણ ભગવાને એટલી બધી કસોટી કરી ચોરી માટેની, પણ એને પાર ઉતારી દીધો. ઘરના મનુષ્યે આમ કહ્યું એટલે પૂરું થયું.

વટલવું નહિ ને વટલાવવું નહિ એ વ્યાપક અર્થમાં એવું થાય છે કે જેનું તેનું જમવા માંડીએ તો ઠેકાણું ન રહે. પછી અશુદ્ધ આહાર ખાવાથી બુદ્ધિ પણ બગડી જાય. માટે વટલવું નહિ ને વટલાવવું નહિનો બીજો પણ મોટો અર્થ છે કે મન અપવિત્ર થાય એવું એકપણ ઇંદ્રિયથી કાર્ય થવું જોઈએ નહિ, નહિતર આપણે વટલ્યા કહેવાઈએ. આપણે પણ કોઈને એવો વિચાર આપીએ કે એ ભગવાન ભૂલી જાય તો આપણે એને વટલાવ્યો કહેવાય, બીજાને પણ ભગવાનનો સંબંધ થાય એવી વાતો કરવી. તો એ પાંચમું વર્તમાન બરોબર પાળ્યું કહેવાય. એને પણ મન એવું પવિત્ર થઈ જાય કે જેથી ભગવાનની મૂર્તિ એકદમ દેખાવા લાગે. માટે ભગવાનની આજ્ઞાઓ પાળવાથી પાત્ર થવાય છે અને ભગવાનના દિવ્યસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આ સ્વરૂપને અને આ સ્વરૂપને એકતા છે. ભગવાનની આ જે ચિત્રપ્રતિમા છે અને ભગવાન પ્રત્યક્ષ બિરાજતા હતા મનુષ્યસ્વરૂપે એ સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ એ ત્રણેય સ્વરૂપની એકતા છે, એક જ સ્વરૂપ છે. જ્યાં સુધી ચિત્રમાનો ભાવ જાય નહિ, ત્યાં સુધી એ મૂર્તિ છે તે એવી દિવ્ય ભાસતી નથી.

આપણે ભોજન કે કંઈ ધરાવીએ ત્યારે પણ એવા જ ભાવથી ધરાવવું જોઈએ. આપણે ભગવાનની મૂર્તિ સમક્ષ બેઠા હોઈએ અને બીજું કોઈ પાસે ન હોય તો ય આપણને એકલાપણું ન લાગવું જોઈએ. તો એ દિવ્ય મૂર્તિ પ્રત્યક્ષ છે એમ સમજ્યા કહેવાઈએ. કારણ કે એ મૂર્તિ સાથે અનંત મુક્તો ભેળા છે અને એ મૂર્તિનો સમાગમ મળ્યો પછી બીજું શું જોઈએ? બીજો ક્યો સહવાસ જોઈએ? એથી વિશેષ શું જોઈએ? ત્યારે એકલવાયાપણું કદીયે ન લાગવું જોઈએ. મહારાજની મૂર્તિ હોય પછી એકલા કયાં રહ્યા? એકલા કદીયે નથી રહ્યા. મહારાજ અંતર્ધાન થયા ત્યારે આ લોકમાં તો જબરજસ્ત ખોટ આવી ગઈ, પણ ગોપાળાનંદ સ્વામીને મહારાજ જતા રહ્યા એવું લાગ્યું નહિ. કારણ કે એમને અખંડ એમની ઉપસ્થિતિ લાગતી હતી. અખંડ સાંનિધ્ય લાગતું હતું. અખંડ ભેળા હતા. અખંડ સુખ ભોગવતા હતા. એમ આપણે પણ એ મૂર્તિ સાથે એવી દૃઢતા કરી નાંખવી કે આપણને કોઈવાર એમ ન લાગે કે એ મૂર્તિના સ્વરૂપમાં આપણો ચૈતન્ય નથી. એમ નહિ લાગવું જોઈએ. સદાય એ સ્વરૂપમાં આપણને મહારાજે રાખ્યા છે એમ થવું જોઈએ. મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાની આ છેલ્લી લટક.

સન્મુખ ધ્યાનમાં આપણે જુદા વર્તીએ છીએ. આપણે અહીંયા છીએ ને મહારાજને જોઈ રહ્યા છીએ એવું લાગે છે. મહારાજથી જુદાપણું લાગે છે. ‘જ્યું મીસરી પય માંહી ભળી.’ એવું લાગતું નથી. એ અનુલોમ વૃત્તિ બહુ અઘરી પડે છે. એ અનુલોમવૃત્તિમાં શું થાય છે કે જ્યાં સુધી તમે સ્થિર રહીને એના સામું જોયા કરો, ત્યાં સુધી એ મૂર્તિ વિશે તમને થોડીક સ્થિરતા થાય, પણ પછી પ્રવૃત્તિ કરો એટલે પાછું દેહભાવમાં આવીને ભૂલી જવાય. ત્યારે બધા દૃષ્ટાંત હું કહું છું તે અધૂરા હોય છે. થોડીક દિશમાત્ર બતાવે છે. જેમ દેહમાં જીવ રહ્યો છે તો આપણે આ સ્વરૂપને જોઈ શકીએ છીએ. આપણા ચૈતન્યને જોઈ શકતા નથી. પરંતુ એ ચૈતન્ય દિવ્યદેહ ધારણ કરે, દિવ્યસ્વરૂપ ધારણ કરે, ત્યારે આપણે એ દિવ્યસ્વરૂપને જોઈ શકીએ છીએ. એ તો ભગવાનને પમાય ત્યારે ચૈતન્યને દિવ્ય ભાગવતીતનું મળે છે. ત્યાં સુધી નથી મળતું.

મૂર્તિનું ધ્યાન કરવા માટે દેહમાં જેમ જીવ રહ્યો છે, તેમ આપણે મૂર્તિમાં છીએ. આપણે આ દેહને ભૂલી જવાનો. પહેલા તો આપણું શરીર ભૂલવા પ્રયત્ન કરો કે આપણે છીએ જ નહિ. બધું ભૂલી જાવ. આંખો મીચી જઈએ ત્યારે ક્યાં દેહ દેખાય છે? પછી મન કલ્પના કરે છે. બધું ભૂલી જાવ. મનને સ્થિર રાખીએ અને જેમ દેહમાં જીવ રહ્યો છેને? તેમ ભગવાનના સ્વરૂપમાં આપણો ચૈતન્ય રહ્યો છે. અને અંદર રહીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. પછી દાસપણું વધતું જશે. નખથી શિખા પર્યંત મહારાજની મૂર્તિ ધારવાની. આ શરીર નથી. એની જગ્યાએ મહારાજની મૂર્તિને નિહાળવી, દર્શન કરવું. પછી નખ-શિખા પર્યંત પાકી કરવી. એ સ્વરૂપને બરોબર જોવાનું. અને જોતાં-જોતાં-જોતાં મસ્તકથી નખ સુધી અને નખથી શિખા પર્યંત એમ એકે એક અંગ બરાબર નિહાળી અને પછી હવે મહારાજને ક્રિયા કેમ કરાવવી? પાંચ માનસી પૂજાઓ કેમ કરવી?

પ્રતિલોમ ધ્યાનમાં મહારાજ બધી ક્રિયા કરે. તો આપણે જમીએ ત્યારે મહારાજ જમેને! જો આ રીતે ધ્યાન પાકું થાય, તો જ્યારે જમવાનું જમાય, ત્યારે આપણે જમતા નથી. આપણને ભગવાન જમતા દેખાય. આપણે એનો દિવ્ય આનંદ લૂંટીએ છીએ. એ અલૌકિક સુખ માણીએ છીએ. ધ્યાન એટલે ભગવાનનું સ્વરૂપ સાક્ષાત્‌ લાગવું જોઈએ. આપણે ક્રિયા કરીએ છીએ એમ નહિ. શ્રીજીમહારાજ બધી ક્રિયા કરે છે એવું દેખાય, એવું દર્શન થાય, ત્યારે એ ખરું ધ્યાન. આમ બેઠા હો કે સૂતા હો, તો મહારાજ સૂતા છે એ અંદર રહીને જુઓ. એ મૂર્તિમાં રહીને મૂર્તિને જોવાની લટક છે. એ સહેલું થઈ ગયુંને! નહિતર તો કેવી રીતે ધ્યાન કરતાં આવડે? જમતી વખતે તમે જમતા જાવ તો કોને જમાડો બોલો? હું પૂછું કે મહારાજ કરે તો મહારાજ સામું ધ્યાન રાખું કે આમ લેતા જવું ને મૂર્તિનું ધ્યાન રાખવું બેય ક્રિયા કરવી? (સન્મુખભાવમાં જમાડતા હોય એવું ઈશારાથી બતાવે છે.) નહિ મહારાજ જમે છે એના દર્શન કરો. મહારાજ બધી ક્રિયા કરે છે અને એમ કરતા કરતા કાંઈ ક્રિયા ન કરે (ક્રિયાનું અનુસંધાન ન રહે તો) તો મહારાજની મૂર્તિમાં જોડાઈ જવાનું.

પછી પૂજા, પાઠ, નહાવું - ધોવું ત્યાં તો કાંઈ (પરભાવમાં) છે જ નહિ. અક્ષરધામમાં તો અવરભાવની કોઈ ક્રિયા નથી. ત્યાં તો અપવિત્રપણું છે જ નહિ. દેહ અશુદ્ધ થાય છે, પણ ચૈતન્ય જ્યારે નિર્મળ બની જાય, ભગવાન જ્યારે આવરણોથી રહિત કરે, ત્યારે એ દિવ્ય સ્વરૂપમાં રહી જાય છે. પછી તો કોઈ ક્રિયા કરવાની રહેતી જ નથી. ત્યાંની સુખ ભોગવવાની રીતો પણ અલૌકિક છે. આ પરભાવની વાતોનો આનંદ તો ત્યારે જ આવે, જ્યારે અનુભવ થાય. મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા માટે આપણા દેહને ભૂલો. આવું ધ્યાન શીખવવાને માટે મહારાજે એકવાર ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે આકારે રહિત વર્તો. ત્યારે બધાને વિચાર આવ્યો કે આ તો મહારાજે નિરાકારની વાતો કરી નાંખી. આમ તો સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે અને આજે શું આના ઉપર ચડી ગયા? આજે મહારાજ શું એકદમ ભાવમાં આવી ગયા? બધાને વિચાર થયો, પણ કોઈએ મહારાજને પૂછ્યું નહિ. સ્વામી તો સ્તબ્ધ થઈને બેસી રહ્યા. સ્વામી બધું સમજી ગયા.

એકવાર સભા થઈ ત્યારે કહે મહારાજને પૂછવું કે આ શું કર્યું. પછી કહે રહેવા દોને! ગોપાળાનંદ સ્વામીને જ પહેલા પૂછીએ. પછી કહે હા, ચાલો સ્વામીને આસને જઈને ગોપાળાનંદ સ્વામીને પૂછીએ. સ્વામી પાસે ગયા અને સ્વામીને પૂછ્યું કે મહારાજે વાત કરી કે આકારે રહિત વર્તો. સ્વામી, એ શું કાંઈ સમજાયું નહિ. સ્વામી કહે મહારાજ કહે છે, આપણે સદાય આ આકારે સહિત વર્તીએ છીએ એ દુઃખ મોટું છે. દેહભાવમાં વર્તીએ છીએ. આ આકાર ભૂલાતો જ નથી. માટે એમ કહ્યું કે આ (દેહનો) આકાર ભૂલીને અમારા આકારે વર્તવાનું, પુરુષોત્તમરૂપ બનવાનું. ત્યારે પુરુષોત્તમરૂપ બનવાનો અર્થ એ છે કે પુરુષોત્તમરૂપ બનવું હોય તો આ દેહનું ખોખું ભૂલવું પડે કે નહિ? દેહમાંથી રાગ ત્યારે જ ટળી જાય કે જ્યારે આ દેહ ભૂલાય. દેહ ભૂલવા માટેનો એક સારો રસ્તો એ આ પ્રતિલોમ ધ્યાનનો છે. દેહ ભૂલીને ભગવાનનું સ્વરૂપ ધારવું. એના ઉપર એકદમ એકાગ્રિત થાવ. એટલે મહારાજનું સ્વરૂપ તમને દેખાય. પછી હાલતા-ચાલતા તમે એમ જ દર્શન કરો છો કે મહારાજ હાલે છે, મહારાજ ચાલે છે એવું તમને દર્શન થાય છે. પોતે ભગવાન બની જવાતું નથી. એ તો દેહભાવમાં જ્ઞાન ન હોય ત્યારે એવું સમજે છે. વધુ દાસપણું આવતું જાય છે ને ભગવાનના અખંડ દર્શન કરે છે. ત્યારે અખંડ દર્શન કોણ કરે? સેવક હોય એને આનંદ આવે કે નહિ? ત્યારે એ રીતે ધ્યાન કરવાથી વધુ સારું ધ્યાન થાય છે.

પ્રતિલોમ ધ્યાન સહેલું છે, અઘરું નથી. વધારે સહેલું છે. બસ, ભગવાનની મૂર્તિ પાકી કરી લીધી તો આપણે ભગવાનને ક્રિયા કરતા અખંડ જોયા જ કરીએ તો ભગવાનનો હાથ દેખાય કે નહિ? ભગવાનને જમતાં જોયા કે નહિ? ભગવાનને શયન કરતા, પોઢાડતા જોયા, કે નહિ? તો યોગનિદ્રામાં પોઢી જવાય છે. પ્રતિલોમ ધ્યાન કરતા કરતા ઊંઘમાં પણ તમને એમ લાગે કે જાણે હું મહારાજના સ્વરૂપનું ધ્યાન કરું છું અને દેહ આરામ કરે છે. આ યોગાભ્યાસ કહેવાય. મૂર્તિ સિદ્ધ કરવાનો એક યોગાભ્યાસ. આ યોગાભ્યાસની થોડી વાતો વૃંદાવન સ્વામીએ કરેલી. અને મહાન અનુભવી સંતો સદ્‌ગુરુઓ, મોટા-મોટાઓએ આ રીતે ભગવાનનું પ્રતિલોમપણે ધ્યાન કર્યું. આ એક ધ્યાનની વાત કરી. આ છેલ્લા ધ્યાનની વાત. બીજા શરૂઆતના ધ્યાન અનુલોમ વગેરે બધા ધ્યાન તો છે જ અને પહેલા એ કરવા જોઈએ કે જેથી મૂર્તિ દૃઢ થાય. તમારે મંદિરમાં જઈને મૂર્તિ જોવી પડે એમ નહિ. મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે. તમો એવી મૂર્તિ દૃઢ કરો કે તમે જ્યાં જાવ, ત્યાં એ જ નખ-શિખાંત દેખાય. પછી જેવી મૂર્તિ સિદ્ધ કરી તેવી પ્રતિલોમ આપણે કરી નાંખવી, જેથી એ મૂર્તિ આપણને બરાબર દેખાય અને પછી કથા-કીર્તન બધું સાંભળીએ તો બહુ જ આનંદ આવે. આ મૂર્તિમાં રહીને સાંભળવાની વાત છે. મહારાજના મસ્તકે મસ્તક, ભાલે ભાલ, અને દિવ્યસ્વરૂપમાં રહેવાની રીત છેને! એ ગળે ઉતરે એવી નથી.

પોલી વસ્તુમાં ન રહી શકાય, પણ દિવ્યમાં તો ત્યાગ-ભાગ જ નથી. એ દિવ્ય મૂર્તિની સાથે અનંત દિવ્ય મુક્તો રસ-બસ રહી શકે છે. છતાં મોટી સાગર જેવી, સિંધુ જેવી એ મૂર્તિ લાગે છે. એ સવાચોસઠ તસુની મહારાજની જે દિવ્ય મૂર્તિ છે એની અંદરનો જે પ્રવેશ અતિ સ્નેહે કરીને, અને એનો આનંદ એ એક સુખના સાગરમાં જેમ પડ્યા હોય એવી અલૌકિક વાત છે. ત્યારે આ હવે કેવી રીતે ખબર પડે? તો જ્યારે સાક્ષાત્કાર થાય, ત્યારે એની અલૌકિક રીતનો ખ્યાલ આવે છે. એ વગર ખ્યાલ આવતો નથી. આપણે એટલું કરીએ કે છેવટે ભગવાનના દર્શન તો ભગવાન વડે જ થાય ને? તો ભગવાન સ્વામિનારાયણ સાથે પહેલા જોડાઈ જવું. ગમે એમ કરીને એની સાથે લગન લગાડવી. પછી બધા દર્શન થઈ જશે.

ભગવાનના સ્વરૂપનો અનુભવ થાય ત્યારે બધી જ અલૌકિક વાતો સમજાય છે. ભગવાન શું કરે છે? ભગવાન આમ જ ઊભા છે ત્યાં અક્ષરધામમાં? કોઈ ક્રિયા જ નથી કરતા? શું કરે છે આખો દહાડો? એવા ય પ્રશ્નો થાય કે નહિ? અક્ષરધામમાં શું કરે છે? અક્ષરધામ કોઈ જગ્યા છે? નહિ. એ અક્ષરધામ મર્યાદિત નથી. ભગવાન તો અમર્યાદિત છે. મહારાજનું અક્ષરધામ બધે જ છે. જે જગ્યાએ મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યાં ભગવાનનું અક્ષરધામ. ત્યાં મહારાજની દિવ્ય મૂર્તિ. દિવ્ય મૂર્તિના સુખમાં જ્યારે થીજી જવાય છે ને ત્યારે એ મુક્તોની વાત જુદી છે અને મુક્તો જ્યારે સુખમાં થીજી જાય ત્યારે એ સુખ સિવાય બીજું જાણપણું રહેતું નથી.

ભગવાનની ઇચ્છા થાય ત્યારે મહારાજ અનંતકોટી બ્રહ્માંડોમાં વિચરે છે. અત્યારે પણ કોઈને કોઈ બ્રહ્માંડમાં મહારાજ મનુષ્યરૂપે વિચરે છે. ત્યારે પોતાના અનંત મુક્તોના સ્વરૂપો પણ ત્યાં પોતાની સાથે ધારણ કરાવીને સાથે લઈ જાય છે. એ મનુષ્યસ્વરૂપમાં જે લીલા કરે છે એ દિવ્યસ્વરૂપમાં અલૌકિક રીતે અનુભવાય છે. એ મુક્તોને જ્યારે સુખમાંથી જાણપણું કરાવે, ત્યારે એ પણ સુખના આનંદરૂપ જ લાગે છે. એવી ભગવાન લીલાઓ કરે છે. પરભાવમાં પણ એવું લાગે છે. પણ ત્યાં અવરભાવની જે ક્રિયાઓ છે એનાથી એ અલગ પડે છે. ત્યાં કોઈ માયિકભાવ છે જ નહિ. ગોલોક, વૈકુંઠ સુધી સ્ત્રીભાવ છે. ત્યાં લક્ષ્મીજી, રાધીકાજી જેવા સ્વરૂપો છે, અક્ષરધામમાં એ સ્વરૂપો નથી. અક્ષરધામમાં તો મહારાજનું દિવ્યસ્વરૂપ છે. ત્યાં મુક્તોના સ્વરૂપ પણ એવા જ દિવ્ય છે. અને આ બધા વૈકુંઠ - ગોલોક ધામ છે એ પણ દિવ્યધામ છે. ત્યાં પણ નિર્વિકારીતા છે, બધું જ છે, દિવ્યધામ પણ ખરા. મનુષ્યભાવ ત્યાં નથી, પણ દિવ્યતામાં ફરક છે.

મહારાજની મૂર્તિનું સુખ બહુ જ અધિક છે અને મહારાજ એ બધાનું નિયમન કરે છે. બધા જ ધામો, સૂર્યના તેજમાં તારા-ચંદ્રો જેમ લીન થઈ જાય છે ને! વિલીન કરી નાંખે છે, એમ ભગવાન પણ પોતાના સ્વરૂપમાં બધાને લીન પણ કરી નાંખે છે. એટલે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે, અવતારી છે. એમાંથી જ બધા અવતારો પ્રગટ થયા છે. એમાં લેશમાત્ર ફરક નથી અને જે કોઈ માત્ર શબ્દોમાંથી અર્થ ઝીલે છે એને ખબર નથી. જ્યારે અવતાર - અવતારીમાં ભેદ નથી એમ કહે છે, ત્યારે એને અનુભવજ્ઞાન નથી એ સ્પષ્ટ છે. એ કેવી રીતે એમ કહી શકે કે અવતાર અને અવતારીમાં ફરક નથી? શબ્દોના અર્થ જુદી જુદી જગ્યાએ જુદા જુદા છે, એક સરખા નથી. તો એ ત્યારે જ એમ કહી શકે કે જ્યારે એને અનુભવે એ સ્વરૂપના દર્શન થાય ત્યારે. ત્યાં સુધી કેવી રીતે કહી શકે? જુએ ત્યારે ખબર પડેને? કઈ કઈ ભૂમિકાઓ ક્યાં ક્યાં? કેવી છે? કેમ છે? મહારાજ દેખાડે ત્યારે જ ખબર પડેને?

ભગવાન સ્વામિનારાયણનું એવું સર્વોપરી દિવ્યસ્વરૂપ છે કે જેમાં અનંત અવતારો તેમ જ અનંત ભૂમિકાઓ ભગવાન પોતે વિલીન કરી નાંખે છે. એવું એ ભગવાનનું દિવ્યસ્વરૂપ છે. એ દિવ્યસ્વરૂપની આપણને બધાયને પ્રાપ્તિ થઈ એ થોડી વાત છે? આવી વાત સમજીએ. ભગવાનનું જો આવું સર્વોપરી સ્વરૂપ સમજાયું હોય તો કોઈ સામાન્ય કચાશો રહે ખરી? કોઈ ભય રહે ખરો? કોણ ડરાવી શકે એને? જેની સાથે ભગવાન સ્વામિનારાયણ હોય એને કોઈ વસ્તુથી ડરવાનું રહે ખરું? ભય માત્ર જાય. નિર્ભય બની ગયા. ભગવાને આપણને નિર્ભયપદ આપી દીધું. સ્વામિનારાયણ ભગવાનને આવી રીતે સર્વોપરી સમજે અને એનો નિશ્ચય બરોબર થાય અને એની આજ્ઞાઓ બરોબર પળાય, તો બેડો પાર અને આજ્ઞાઓ એવી અઘરી પણ નથી. કઈ આજ્ઞા અઘરી છે કહો? આખી શિક્ષાપત્રી વાંચો. કઈ આજ્ઞા અઘરી છે કહો? અઘરી તો નથી. એ પાળી શકાય એવી છે. બહુ સરળ માર્ગ છે. વિશ્વમાં કોઈ માર્ગ સરળ હોય છતાં સંપૂર્ણ હોય તો ભગવાન સ્વામિનારાયણનો માર્ગ છે. એ સરળ ને સંપૂર્ણ છે, બાકી બધા કઠીન અને અપૂર્ણ છે. આ હકીકત છે અને આ હકીકત આપણે બધાને સમજાવી શકીએ એમ છીએ.

અનુભવવાણી એ પ્રમાણભૂત વાણી છે અને શબ્દોના અર્થ ઉપરથી સમજાયેલી જે વાતો છે એ બરાબર પ્રમાણભૂત ન ગણી શકાય. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીની વાણી છે એ વાણીમાં ઉતરી જવું. ગોપાળાનંદ સ્વામીની વાણીએ ભગવાન સર્વોપરીની વાતો ખૂબ સારી કરી છે. એ સંતો પાસેથી સાંભળવી. તેમને બધું કંઠાગ્ર હોય છે. મેં તો પરભાવની થોડી વાતો સાંભળેલીને! એ તમારી પાસે મૂકી. આ બધી વાતો સદ્‌ગુરુઓ પાસેથી જાણી લીધેલી. હવે મહારાજે જે જે ચરિત્રો કર્યાં એ બધી વાતો સાંભળવાનો આનંદ ઓર આવેને? એ વાતો દિવ્યભાવમાં સમજાય છે. કોઈ પણ દિવ્ય પ્રસંગો કહે ત્યારે દિવ્યભાવમાં સાંભળવાથી આનંદ આવે. એ દિવ્ય વાણીનો આનંદ એવો છે. બસ...

જય સ્વામિનારાયણ!


સારાંશ

હંમેશાં શ્રીજીમહારાજના સ્વરૂપમાં લગની લગાડવી. ભગવાનના ભક્તોની સભા થઈ હોય ત્યારે ભગવાનની મૂર્તિના સ્વરૂપમાં ઊંડા ઉતરી જવાનો પ્રયત્ન કરવો. નાનપણથી જ ભગવાનની મૂર્તિ યાદ રાખવાનો પ્રયત્ન કરવાથી મહારાજની કૃપા ઉતરતા મૂર્તિનું ધ્યાન થવા લાગે છે. ભગવાનનું અખંડ અનુસંધાન રાખવું એ બધી વાતનો સાર છે. અનાદિમુક્તના સાંનિધ્યમાં ધ્યાન કરવાથી ધ્યાન જલદી સિદ્ધ થાય છે. મંદિરમાં પ્રવેશ કર્યા પછી ફક્ત ભગવાન જ સંભારવા કે અનાદિમુક્તની વાણી સાંભળવી એવી જ ક્રિયાઓ કરી મંદિરની શિસ્ત જાળવવી. એ જાળવવાનું નાના બાળકોને પણ શીખવવું.

અનાદિમુક્તને મહારાજના મનુષ્ય સ્વરૂપ અને દિવ્ય સ્વરૂપની સાથે એકતા હોવાથી તેમને મહારાજ અતિ સ્વરૂપવાન, સૌંદર્યવાન, પ્રકાશમાન લાગે છે. મહારાજ પૃથ્વી પર ઐશ્વર્ય ઢાંકીને મનુષ્ય જેવા થઈ પ્રગટ થાય છે. તે મનુષ્યસ્વરૂપ અને દિવ્યસ્વરૂપની એકતા છે. માટે તે મનુષ્યસ્વરૂપ સાથે લગની લગાવવાથી દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે અને તે દર્શનમાં કલ્પે કલ્પ વીતી જાય છે. ભક્તોના જુદા જુદા ભાવ હોવાથી મહારાજના પ્રતિમા સ્વરૂપના મુખારવિંદ જુદા જણાય છે. ભક્તને જે સ્વરૂપ ગમે તેમાં લગની લગાડે. ભક્ત પાત્ર થાય ત્યારે ભગવાનનું સુખ જીરવી શકે છે. ભગવાનનું સુખ જીરવવા અનાદિમુક્તનું સાંનિધ્ય આવશ્યક છે અને ભગવાનની આજ્ઞા પાળવી આવશ્યક છે. બધી આજ્ઞાઓમાં નિષ્કામધર્મ પાયો છે. ગૃહસ્થ - ત્યાગી બધાએ નિષ્કામધર્મનો પાયો મજબૂત કર્યા વગર પાત્રતા આવતી નથી. પંચ વર્તમાન તેના સ્થૂળ-સૂક્ષ્મ અર્થમાં સમજીને પાળવાથી પાત્ર થવાય છે. ભગવાનની આજ્ઞાઓ પાળતા ભગવાન કસોટી કરે તો તેનાથી ગભરાયા વગર તેમાંથી પાર ઉતરવાથી ભગવાન પોતાના સુખરૂપી ફળ આપે છે. મહારાજની મૂર્તિ સાથે અનંત મુક્તો ભેગા હોવાથી તે મૂર્તિ સાથે એકતા થતાં, તેની સાથે લગની લગાવતા ક્યારેય એકલવાયાપણું લાગતું નથી.

શ્રીજીમહારાજની મૂર્તિમાં આપણો ચૈતન્ય મહારાજે રાખ્યો છે તેવું અખંડ અનુસંધાન એ મૂર્તિનું ધ્યાન કરવાની છેલ્લી લટક છે. ધ્યાનમાં અનુલોમ ધ્યાન અઘરું પડે છે એટલે દેહભાવ કાઢી ભગવાનના સ્વરૂપમાં ચૈતન્ય છે, એમ ધારવાથી દાસપણું વધતું જાય અને ધીરે ધીરે મૂર્તિ પાકી થતી જાય. માટે પ્રતિલોમ ધ્યાન શીખવું. એ મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવાની લટક છે. અક્ષરધામમાં અવરભાવની કોઈ ક્રિયા નથી. પરભાવમાં સુખ ભોગવવાની રીત અલૌકિક છે એ અનુભવે ખબર પડે છે. પ્રતિલોમ ધ્યાનથી દેહભાવ ભૂલાય છે અને અખંડ ભગવાનના દર્શન થાય છે એ લટક હાથ આવતાં વાત સહેલી બની જાય છે. પ્રતિલોમ ધ્યાનની પહેલા અનુલોમ વગેરે બીજા ધ્યાનના પ્રકારોથી મૂર્તિ પાકી કરી લેવી. પુરુષપ્રયત્ન તો કરવો પડે. તે કરવાથી ભગવાન સાથે ભળી દિવ્ય દર્શન કરાવે છે. સાક્ષાત્કાર થતાં બધા જ પ્રશ્નોનો અંત આવે છે.

અત્યારે પણ ભગવાન કોઈકને કોઈક બ્રહ્માંડમાં વિચરી લીલાઓ કરે છે. પરભાવમાં એ બધી લીલાઓ અલૌકિક આનંદરૂપે અનુભવાય છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. તેમાંથી જ બધા અવતારો પ્રગટ થયા છે. એ વાત અનાદિમુક્ત સમજાવે ત્યારે જ યથાર્થ સમજાય કે પછી અનુભવે યથાર્થ સમજાય છે. ભગવાનને જેમ છે તેમ સમજવાથી નિર્ભય બનાય છે. ભગવાનની કોઈ આજ્ઞાઓ અઘરી નથી. સારાય વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણનો માર્ગ સરળ છતાં સંપૂર્ણ છે. અનાદિમુક્ત બોલે તે અનુભવે જોઈને બોલે છે, માટે અનુભવવાણી એ પ્રમાણભૂતવાણી છે. અનુભવવાણી પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો.