26
આ સભા દિવ્ય છે એ હકીકત છે, પણ હનુમાનજીની જેમ આમ કરીને (માથે હાથ દઈને) બેઠા છે અને લંકા ઓળંગવી છે. વચમાં જબરજસ્ત મોટો સમુદ્ર છે. હવે જવું કેમ? છૂટકો છે નહિ. આટલો બધો લાંબો સમુદ્ર ઓળંગવાનો કેમ? તો હાથ ઊંચા કરીને બેઠા. ત્યાં જાંબુવાન આવ્યા. તે કહે, કેમ હનુમાનજી! તમે આમ કરીને બેઠા છો? તો કહે, લંકાની ભાળ કરવા જવું છે, પણ હવે વિચાર કરું છું કે આ સમુદ્ર કેવી રીતે ઓળંગવો? અરે! શું તમે? ભગવાનના ભક્તને - રામના ભક્તને આટલો સમુદ્ર ઓળગંવો એ કંઈ બહુ મોટી વાત છે? મારો છલાંગ! પછી હનુમાનજીએ શ્રીરામ કહીને છલાંગ મારી તો ઊલટું લંકાની મધ્યમાં પડ્યા જઈને! દરિયો તો એક કોર રહ્યો! ત્યારે એમને ખ્યાલ આવ્યો પોતાની શક્તિનો કે તેમનામાં મહાશક્તિ શ્રીરામ પરબ્રહ્મ પરમાત્માની શક્તિ રહેલી છે.
તો ભગવાન સ્વામિનારાયણના આપણે બધા ભક્તો એમાં કંઈ ઓછી શક્તિ છે? બિલકુલ નહિ. આપણે સભાન થયા નથી. ત્યારે કોઈએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના સ્વરૂપમાં રાખ્યા પછી આ શું ધમાલ? તો ભગવાન જવાબ આપે છે - પહેલા તમારા ચૈતન્યને મૂર્તિમાં રાખ્યા પછી વર્તમાન ધરાવું છું ત્યારે ખરેખર તમારા ચૈતન્યને મુક્ત કરીને બધા આવરણો હટાવીને મૂર્તિમાં રાખું છું, પણ એ પોતાના પૂર્વના સ્વભાવને લીધે એને સંકલ્પ - વિકલ્પ થાય છે. એટલે મારી કૃપા જે સુખ એને એ ઝીલી શકતો નથી. એટલે એને આટલી ગડમથલ ચાલે છે. ત્યારે મહારાજ! તમે મને સ્વરૂપમાં રાખ્યો તો મારો હાથ પકડેલો છોડી દીધો? કહે, ના એને આકર્ષણ કરીને એવો રાખ્યો છે કે ખસી શકે નહિ. ત્યારે આપણો હાથ પકડી રાખ્યો, પણ આપણા સ્વભાવ અને આપણા જે સમજણના અંગો છે તે બરાબર નથી. એ પાત્રતાને લાવવા માટે મહારાજ એવા સંકલ્પો-વિકલ્પો દ્વારા આપણને ભાન કરાવે છે કે તમે અમારી આજ્ઞાનો કાંઈક લોપ કરતા હશો ખરા. માત્ર આકર્ષણ કરીને રાખ્યા છે, પણ સ્વરૂપનું જેવું સુખ છે એવું ઝીલી શકતા નથી એટલે શું કરે? પછી બાધિતાનુવૃત્તિ દૂર થઈ પાત્ર થાય ત્યારે જ મૂર્તિના સુખનો અનુભવ થાય છે.
સારાંશ
મહારાજ અને મુક્તોની હાજરીને લઈને સત્સંગ સભા દિવ્ય સમજવી. મહારાજ ચૈતન્યને મૂર્તિમાં રાખ્યા પછી વર્તમાન ધરાવે છે, પૂર્વના સ્વભાવને લઈને સંકલ્પ-વિકલ્પ થઈ જાય છે. ચૈતન્યમાં રહેલી પરમાત્માની શક્તિ તરફ મુક્ત સભાન કરે છે. મૂર્તિમાં રહ્યા પછી હતાશ કે નિરાશ થયા વગર પોતાનામાં પરમાત્માની અનંત શક્તિ છે તેમ દૃઢપણે માનવું. બાધિતાનુવૃત્તિ દૂર થયા પછી મૂર્તિના સુખનો અનુભવ થાય છે.