4

0:000:00

સ્વામિનારાયણ ભગવાનને ધરી રહેલા મુક્તોની આ દિવ્ય સભાને પ્રથમ વંદન કરું છું.

અમેરિકાની વિદેશ યાત્રા દરમ્યાન જે જે સત્સંગ કાર્ય થાય છે તેનું નિરીક્ષણ દરેક ગામમાં કર્યું. તે ઉપરથી એમ લાગે છે કે ભારતનું સર્જન (ભારતીય સંસ્કારોનું) અમેરિકામાં પણ થઈ રહ્યું છે. ભારત જેવો પવિત્ર બુદ્ધિશાળી દેશ હું વિશ્વમાં નથી જોતો. ભારતમાં Inteligent quotient(બુદ્ધિ આંક) નો આંક જેટલો ઊંચો છે એટલો આંક વિશ્વમાં કોઈ દેશ પ્રાપ્ત કરી શક્યો નથી. એના statistics (આંકડાઓ) પણ છે. ભારત જે સંસ્કૃતિ ધરાવે છે એ સંસ્કૃતિમાં વિશ્વના દરેક દેશની સંસ્કૃતિ સમાઈ જાય છે. કોઈ એવો વિષય નથી કે જે ભારતે ન સમજાવ્યો હોય. વિજ્ઞાનની શોધ થઈ એ પણ ભારતીય અસલ ancient (પ્રાચીન) પુસ્તકોના આધારે થઈ છે. અત્યારે ભારત સિવાયના બીજા દેશો આ લોકની દૃષ્ટિએ ખૂબ આગળ વધતા લાગે છે. એનું કારણ એ છે કે ભારતમાં જુદા જુદા ધર્મો, જુદા જુદા અવતારો થયા. એ બધા ધર્મો એક સરખું જ કહે છે. છતાં પણ માનવીય નબળાઈને લીધે કેટલાક મતભેદો મનભેદમાં પરિણમ્યા. એટલે ભારત દેશની જે મહાન સમૃદ્ધિ હતી એ ઓછી થઈ અને ઋષિમુનિઓએ અને મહાન સંતોએ જે કાર્ય કર્યું એ કાર્ય કેટલાક વિદેશી પરિબળોને લીધે ઓછું થતું ગયું અને શિથિલતા આવતી ગઈ અને બીજા વિદેશી પરિબળો આપણી સમૃદ્ધિને પોતાના દેશમાં લઈ ગયા. ઇંગ્લૅન્ડમાં ગયા પછી ત્યાંની જે કોઈ જાહોજલાલી અને સમૃદ્ધિ જોઈ તે જોઈ મને એમ લાગ્યું કે એ ભારતની સંપત્તિના ભોગે થયેલું છે. ખરી રીતે જુઓ તો આખો ઇંગ્લૅન્ડ દેશ એ ભારતના તાબામાં હોવો જોઈએ અને એ ઇંગ્લૅન્ડના બ્રિટિશર્સ લોકોએ ભારતને ચૂસી લીધો. લોકોને ગુલામો બનાવી દીધા અને ભારતની વિચારસરણી ભારતીયજ્ઞાન એ તરફ લોકોનું લક્ષ ન જાય એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી. મોગલ, મરાઠા વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી અને પછી સૌ લડવામાં જ પડી ગયા. એ આધારે ભારત ભૌતિક રીતે પાછળ પડવા લાગ્યું. આર્થિક રીતે નબળું પડવા લાગ્યું.

બીજા દેશો ભૌતિક સમૃદ્ધિની દૃષ્ટિએ આગળ વધ્યા. એમની પાસે અધ્યાત્મ નથી. માટે એમાં એમને કોઈ રસ રહ્યો નહિ. એમને એમ લાગ્યું કે આ ભારતના લોકો પ્રભુસ્મરણ આખો દિવસ કરે એમાં આગળ કેવી રીતે વધાય? આટલી બધી વૈજ્ઞાનિક શોધો કરવી હોય તો આખો દિવસ ભજનમાં અને ભગવાનની મૂર્તિમાં જો જોડાઈ જાય તો થઈ શકે ખરું? એ લોકોને એ વાત ગળે ઉતરી નહિ. એટલે એ લોકોએ પોતાની બધી બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક રીતે અને ભૌતિક રીતે ખૂબ ચમત્કારિક જણાય એવી શોધો કરી અને પછી જીવન જીવવા માટે ઘણી બધી સુવિધાઓ ભૌતિક વિજ્ઞાને ઊભી કરી. અને તેના લીધે બધા લોકો મોજશોખ અને જાહોજલાલીભર્યું જીવન જીવવામાં જ પડ્યા. અત્યારે ભારત પણ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવતું થવા લાગ્યું

છે. હવે પશ્ચિમી દેશોમાંથી જે સારું હોય એ લઈએ, પણ જે ખરાબ હોય એ દાખલ થઈ જાય એ પણ બરાબર નથી.

એવું નથી કે ભજન - ભક્તિ કરીને, ધ્યાન કરીને બેસી રહીએ, એવું મહારાજ નથી કહેતા. જો એવું જ કરે તો બધા ધંધાઓ કેવી રીતે ચાલે? અને આપણે વ્યાવહારિક કામો કેવી રીતે કરી શકીએ? વૈજ્ઞાનિક શોધો કેવી રીતે કરી શકીએ? અને અત્યારે જગતની સાથે સાથે જો નહિ રહીએ તો પાછા પણ પડી જઈએ. તો મહારાજે પોતાના જીવન દ્વારા એવું કરી બતાવ્યું કે એવો કર્મયોગ કોઈ ન કરી શકે. સ્વામિનારાયણ ભગવાનને Historical (ઐતિહાસિક) કહે છે. લોકો હજી ભગવાન તરીકે ઓળખી શક્યા નથી. મહાન આર્ષદૃષ્ટા, મહાન સુધારક, મહાન સંત, અવતાર એટલું જ સમજ્યા છે. રાજારામમોહનરાય, ભોજો ભક્ત, કબીર એવા મહાન સંતો પણ એ વખતે વિચરતા હતા. તો રાજારામમોહનરાય એમ કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાન ૪૯ વર્ષ રહ્યા. બહુ નાની ઉંમર કહેવાય. એ દરમ્યાન એમણે માત્ર સાડાત્રણ કલાક સરેરાશ નિદ્રા લીધી છે. સાડાત્રણ કલાક બાદ કરતાં બાકી બધો સમય એમણે કર્મયોગ શીખવ્યો છે. જ્ઞાનયોગ અને ભક્તિયોગની સાથે. એ કર્મયોગ માત્ર સામાન્ય ભૌતિકયોગ નથી કે કેવળ સામાન્ય કર્મયોગ પણ નથી. એ કર્મયોગ એવો શીખવ્યો કે ભાઈ, તમે પરમાત્માનું સ્વરૂપ છો. આત્મા અને પરમાત્મા એ બેનો સંબંધ નદી અને સમુદ્ર જેવો છે. નદી કદી સમુદ્રમાં મળ્યા વગર ન રહે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે એમ શીખવ્યું કે આપણે મહારાજની સ્મૃતિ કરીને કોઈ પણ કાર્ય કરવું. કે જેથી સરસ થાય. એટલા માટે કે પ્રભુ બધા સદ્‌ગુણોનો ભંડાર છે, બધી બુદ્ધિનો ભંડાર છે, બધી વિદ્યાઓ એમનામાંથી પ્રગટ થઈ છે. બ્રહ્મવિદ્યા એનું નામ કે જેમાંથી બધી જ વિદ્યાઓ ઉદ્‌ભવી છે. અને અંતે બધી જ વિદ્યાઓ આત્યંતિક પ્રલયને સમયે પ્રભુમાં વિલીન થઈ જશે. ત્યારે મહારાજ એમ કહે છે કે સત્ય રીતે બોલો, સત્ય રીતે કાર્ય કરો અને સત્ય રીતે વિચારો, ત્રણેય સાથે રહેવું જોઈએ.

શિક્ષાપત્રી ને વચનામૃત સમજવા એ અતિ કઠીન બાબત છે, સહેલી પણ છે. પરમાત્મા સિવાય કોઈ પણ આવી સુંદર તળપદી ભાષામાં લખી શકે નહિ. આવી સરળ રીતે તત્વજ્ઞાન કોઈ મૂકી શકે નહિ. એ તત્વજ્ઞાન એવું છે કે કોઈ બિલકુલ નિરક્ષર હોય, ભણેલા ન હોય અને કાને સાંભળે તો પણ એ જીવન સારું બનાવવાનું બધું સમજી શકે. કોઈ પણ અભણ માણસ હોય તે વચનામૃત કે શિક્ષાપત્રી વાંચે કે સાંભળે તો પોતાની રીતે જ પોતાનું જીવન સુંદર બનાવી શકે. સાથે સાથે એક વસ્તુ એ પણ છે કે તેમાં એવા ગહન રહસ્યો સમાયેલા છે કે જે સમજી શકવા મુશ્કેલ છે. એમ કહેવાય છે કે પાંચ મહાન સદ્‌ગુરુઓ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી તથા એવા સદ્‌ગુરુઓએ એ વચનામૃત શોધ્યા, લખ્યા છતાં પણ એમને જોઈએ એવી શાંતિ ન થઈ. તેથી ગુણાતીતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અંતરમાં જે ભગવાનની મૂર્તિ દેખાવી જોઈએ, જે પરમ શાંતિ, શીતળ શાંત એવું સુખ કેમ નથી થતું? ગોપાળાનંદ સ્વામી કહે, કે તમે વચનામૃત (વચનામૃતનું રહસ્ય જેમ છે તેમ) સમજી શક્યા નથી. એ એનું કારણ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે, એટલું ગહન છે? તો કહે હા, એટલું ગહન છે.

એ સદ્‌ગુરુઓ બાર માસ સુધી એકે એક વચનામૃત ગોપાળાનંદ સ્વામી થકી સમજ્યા ત્યારે એ યથાર્થ સમજી શક્યા. ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સત્પુરુષ સિવાય એ વચનામૃત સમજવા એ કંઈ સહેલી વાત નથી. વચનામૃતમાં Western Philosophy (પશ્ચિમી તત્વજ્ઞાન) અને Indian Philosophy (ભારતીય તત્વજ્ઞાન) બધી જ, બધા જ પંથ, એનું જે રહસ્ય તે અંદર સમાયેલું છે. એ સમજવું અઘરું છે. દુઃખની વાત એ છે કે સ્વામીએ જે સમજાવ્યું એ લખાયું નહિ. બાર મહિના સુધી સદ્‌ગુરુઓને શાળાના વિદ્યાર્થીની જેમ વચનામૃત સમજાવ્યા. તો એ કેટલું બધું હશે? એનું પૃથ્થકરણ કરીને જે સરસ રીતે સમજાવ્યું એ જો લખાયું હોત તો? વિચારીએ? શા માટે કે ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન સાથે એકાત્મતા કેળવી હતી, તેમની સાથે તદ્રૂપ થઈ ગયા હતા. એટલે ભગવાનની બુદ્ધિમાં અને એમની બુદ્ધિમાં ફેર ન રહ્યો. એટલી બુદ્ધિ એક મેક થઈ ગઈ.

મને કોઈએ એવું પૂછ્યું કે આ શિક્ષાપત્રીમાં Scientifically (વૈજ્ઞાનિક રીતે) કેટલુંક બરોબર નથી. મેં કહ્યું, Scientifically બરોબર છે, પણ કેટલીક situations (પરિસ્થિતિઓ) દેશકાળ પ્રમાણે બદલાતી રહે છે. પણ Education never stops. (શૈક્ષણિક વિકાસ ક્યારેય અટકતો નથી) એ આગળ વધતું જ જાય છે. શિક્ષણનો પાર આવતો નથી. એ ક્યારે પાર આવે? Education (શિક્ષણ) કોનું નામ? એ જ્યારે સંપૂર્ણ બને ત્યારે. ત્યાં સુધી Education ચાલુ રહે છે. અત્યારે આપણે બધા વિદ્યાર્થી છીએ. We are students અને ગુરુ ભગવાન સ્વામિનારાયણ અને એમને પામેલા ગોપાળાનંદ સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી જેવા મહાન સંતો. એવા આપણે થવું પડશે. શ્રીજીમહારાજને વિજ્ઞાનાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ! મને ગોપાળાનંદ સ્વામીએ સમાધિ કરાવીને તમારી પાસે મોકલ્યો. તો એ સ્વામીને અઠવાડિયા સુધી સમાધિ રહી. ત્યાં સ્વામીએ જોયું કે આ કોઈ જીવ અહીંયા કેમ ટકી શકતો નથી? ત્યારે એનો ઉત્તર એ કર્યો કે ભગવાન જેવા નિર્મળ થવાય, એવી પાત્રતા કેળવાય, તો એમાં રહી શકાય. તે સુખ જીરવી શકાય.

ભગવાનનું તેજ કોટી કોટી સૂર્યના તેજ સરખું છે. એક સૂર્યના તેજને વિશિષ્ટ કાચ વગર જોઈએ તો ખમી શકાતું નથી. તો મહારાજનું તેજ જીરવી શકાય એટલા પાત્ર પહેલા થવું પડે. પાત્ર થાય એટલે તેજ શીતળ-શાંત લાગે અને પાત્રતા ન હોય તો નાડી-પ્રાણ ખેંચાઈ જાય અને બૂમાબૂમ કરી મૂકે અર્જુનની જેમ. કે ભગવાન તમારું આવું સ્વરૂપ મારે નથી જોવું. તમે મનુષ્યરૂપે છો એ બરાબર છો. કારણ કે પાત્ર થયા નહોતા. મહારાજે વિચાર કર્યો કે વાત સાચી છે. ત્યારે મહારાજ બિરાજતા હતા. ભગવાને પોતાનું પ્રકરણ બદલ્યું. કે ભાઈ, જો આવું વર્તીશું તો આ જીવો મારી પાસે નહિ આવી શકે. આજ્ઞા પાળે, ઉપાસના રાખે, પંચ વર્તમાન સંપૂર્ણ પાળે એ પાત્ર થાય.

આજ્ઞા સંપૂર્ણ પાળવી એ બહુ અઘરી વાત છે. ઉપાસના બરોબર કરવી એ પણ બહુ અઘરી વાત છે. આપણે મહારાજની આજ્ઞાઓ અને પંચ વર્તમાન પાળતા હોઈએ ત્યારે આપણું મૂલ્યાંકન કરવું અને અમૂક દૃઢતા કર્યા પછી મહારાજને આપણે પ્રાર્થના કરવી કે મહારાજ એવા સંજોગો તમે મૂકો કે જેમાં મને ખબર પડે કે હું બરાબર દૃઢ થયો છું કે નહિ? મારી શ્રદ્ધા ડગી જાય છે કે નહિ? તમારા સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આવી જાય છે કે નહિ? ક્યારેક સંજોગો ઊભા થાય ત્યારે આપણું આજ્ઞાનું પાલન અને ઉપાસનાની ખબર પડે. મહારાજે વિચાર કર્યો ત્યારે સદ્‌ગુરુઓ પણ બેઠા હતા કે મહારાજ, તમારી પાસે આ જીવો કેમ આવી શકશે, જો તમે આવું કરશો તો? તો મહારાજ કહે શું કરશું? તો બ્રહ્માનંદ સ્વામી તો બહુ રમુજીને! કહે મહારાજ, કૃપાસાધ્ય બની જાવ. કૃપાથી જ કલ્યાણ કરી નાંખો. તમારો સત્સંગ વધે. પાંદડે-પાંદડે ભલે ભજન થાય, અને તમે જો કૃપાથી કલ્યાણ નહિ કરો તો એકેયનું થાય નહિ. પછી મહારાજ કહે ભલે, તમારું વચન માનીએ. તમારી વાણી સાચી છે. સત્સંગ વધે છે, પણ બધા સુખમાં રહી જાય, રહી શકે એવા પાત્ર થતા નથી. શું કરવું? કૃપા વાપરો. જેમ વાદળો હોય અને સૂર્ય તપે તો વાદળો હટી જાય, તેમ તમે જીવોના આવરણો કાઢી નાંખો. તમે સર્વોપરી પરમાત્મા છો તો તમે એ કામ કરો.

મહારાજે વર આપ્યો જો મારા ભક્ત પંચ વર્તમાન પાળશે તો હું કૃપાસાધ્ય થઈને સંપૂર્ણપણે આવરણો ટાળીશ. એ પાળવા માટે આપણે પ્રયત્ન કરવો. જો આપણે પંચ વર્તમાનનું સ્થૂળ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ જોઈએ તો કોઈ હાઈ ફિલોસોફીમાં જતું રહે. એટલું બધું અઘરું છે. આપણે સ્થૂળ વર્તમાન બરાબર પાળવાનું પણ અત્યારના સંજોગોમાં કઠીન પડે છે. તો પંચ વર્તમાનનું સ્વરૂપ સૂક્ષ્મ અર્થમાં સમજીએ તો કેટલું અઘરું થઈ જાય? તો નાહિંમત થઈ જવાય કે આપણે ધામમાં જવાના જ નથી, કે મૂકો માથાકૂટ. આ બધી માથાકૂટ શું કામ કરવી? ત્યારે મહારાજ કહે તમે કોઈ ચિંતા નહિ કરો. કાંઈ પણ કચાશ રહી જશે તો હું કૃપાસાધ્ય થઈશ.

એમાં એટલું ધ્યાન રાખવાનું પણ કહ્યું કે તમને કોઈ પણ વ્યક્તિ કે કોઈ દેવ-અદેવ એમ કહે કે આ રોગ મટાડી દઉં, તો તમારે એમ કહેવું કે તમારામાં જે શક્તિ અને ઐશ્વર્ય છેને! એ સર્વોપરી પરમાત્મા જે મારા સ્વામિનારાયણ ભગવાન છે એમનું છે. એમાંથી હવે તમારી પાસે થોડુંક આવ્યું તો એવા સર્વોપરી પરમાત્માને મૂકીને તમારી પાસે શું કામ આવું? બરાબર! માટે ક્યાંય પ્રતીતિ નહિ આવવી જોઈએ. મહારાજ કહે છે કે મારા જેવું હેત તો મારા મુક્તને વિષે પણ ન કરવું. મને પામવું હોય તો મારામાં જ આસક્તિ કરો. આનું નામ attachment (આસક્તિ) કહેવાય. ભગવાન સિવાયના બીજામાં આસક્તિને લીધે પુર્નજન્મ થાય. આસક્તિ કારણદેહમાં વળગી છે. આપણને અમુક સમયે ખબર પડે કે આપણા કુટુંબમાં આને કેન્સર થયું છે તો ય ગભરાટ થઈ જાય છે. એકદમ દુઃખ થઈ જાય છે. એનો અર્થ એ કે આપણને એના વિષે એટેચમેન્ટ છે. એ એટેચમેન્ટ ખસી જવું જોઈએ. કર્તવ્ય પૂરું બજાવવું. સેવા બજાવવી. એને જેટલું સારું થાય એવી બધી સેવા કરવી, આ સેવાનું કાર્ય છે, એમાં દુઃખની અભિવ્યક્તિ થાય એ બરાબર, પણ એ જીવમાં આસક્તિરૂપે ન થવી જોઈએ.

ગમે ત્યાં બહાર કોઈ અજાણ્યાને એવું કાંઈ થાય છે ત્યારે આપણને એટલું દુઃખ થાય છે? નથી થતું. કોઈને એક્સિડન્ટ રસ્તામાં થઈ જાય તો આપણે એટલું કહીએ કે આવો એક્સિડન્ટ થઈ ગયો, પણ જો આપણામાંથી કોઈને સહેજ એક્સિડન્ટ થાય તો આપણને થોડો દુઃખ - શોક થઈ જાય. એ દુઃખ અંદરથી આસક્તિને લીધે ન થવું જોઈએ. પણ એ રીતે થવું જોઈએ કે એ ભગવાનનો જીવ છે ને એને આમ થયું? આપણને થોડું દુઃખ થાય, પણ આસક્તિને લીધે નહિ થવું જોઈએ. તો એ આસક્તિ કાઢવી એ તો સમજણની વાત છે ને? એમાં શું પુરુષાર્થ બોલો? તપ કરવું હોય તો પુરુષાર્થ કરવો પડે. અહીંથી મંદિર જવું હોય તો પગનો ઉપયોગ કરવો પડે. કથા સાંભળવી હોય તો બેસીને સંભળાય. પણ આસક્તિ તો એક સમજણ માત્રથી નીકળી જાય. એકવાર સમજણ દૃઢ કરતા જઈએ તો આસક્તિ ટળી જાય છે કે નહિ? અને ભગવાનને વિષે સ્નેહ વધતો જાય... (થોડું રેકોર્ડીંગ નથી થયું.)

મને એમ થાય કે ત્યાંના બુદ્ધિશાળીવર્ગ જે થોડાક છે તેમને ભેગા કરી અને એક નાનકડી પત્રિકા, મૅગેઝિન નહિ. ટૂંકા લેખ લખવા. ગમે તેમ નહિ. Every matter of pamphlet should be authentic એના શબ્દો સનાતન હોવા જોઈએ. અત્યારે તો એ બધાનું ટૂંક સમયમાં વિશ્લેષણ ન કરી શકાય. પંચ વર્તમાનના સ્થૂળ અને સૂક્ષ્મ અર્થો છે. એ એટલા સરસ છે કે કોઈ પણ ધર્મ એને માની શકે. એમાં આપણો સંપ્રદાય એ બિનસાંપ્રદાયિક. સંપ્રદાયનો અર્થ બહુ વિશાળ પણ છે અને ટૂંકો પણ છે. એક અર્થ વાડો પણ થાય અને બીજો વિશ્વસંપ્રદાય, વિશ્વધર્મ એવો પણ થાય. જે સંપ્રદાયના સિદ્ધાંતો બધા મનુષ્યોને લાગુ પડે એ વિશ્વધર્મ. તો આપણે એ કરવા માટે કામ કરવું જોઈએ. World level (વિશ્વસ્તરે) ઉપર એ (તત્વજ્ઞાન) Philosophy મૂકવી જોઈએ, એવો પ્રયત્ન કરવો જોઈએ. આપણો પુરુષાર્થ હજી બહુ સિમિત છે. થોડું narrow (સંકૂચિત) દૃષ્ટિથી જોઈએ છીએ. તો વિચાર કરું છું કે એક પત્રિકા, ‘સ્વામિનારાયણ ચિંતનિકા’ નામની એક પત્રિકા જે કોઈ પક્ષ કે કોઈને લગતી નહિ. કેવળ સ્વામિનારાયણની Pure philosophy not in narrow sense (સાચું જ્ઞાન સંકૂચિત અર્થમાં નહિ) એ અહીંયા મોકલું તો તમે તમારા views (અભિપ્રાય) મોકલજો. બરોબર! એમાં પ્રશ્નો પણ હશે. અમુક - અમુક સિદ્ધાંતોની ટૂકી નોંધ પણ હશે.

જે બાવીસ પ્રકાશનો થયા છે, (આ આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે ત્યાં સુધીમાં ૭૩ પ્રકાશનો થઈ ચૂક્યાં છે.) એમાં થોડાંક જીવન-ચરિત્રો પણ છે. અને એ જીવનચરિત્રોની અંદર પણ philosophy (તત્વજ્ઞાન) વણી છે. એ બાવીસ પ્રકાશનોમાં એમ છે કે એ Narative (કેવળ વર્ણનાત્મક) નથી, છતાં ય જો ધ્યાનપૂર્વક વાંચીએ તો સમજાય એવું છે. તો મને લાગે છે કે ઘણું બધું જે મહારાજ વિષે જાણવું જોઈએ એ અંદરથી મળશે. એમાં ખૂબ પરિશ્રમ લીધો છે. ગમે તેમ એ લખી કાઢ્યા નથી. એ સદ્‌ગુરુઓ ને નંદ-સંતોના જ વચનો અંદર મેં ગૂંથ્યા છે. એમાં કાંઈ ભેળસેળ ન હોય એટલે એ સરસ લાગે. અને એ વાંચ્યા પછી તમને જો કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછજો. એ પુસ્તકોનો આખો સેટ હું મોકલાવીશ. તમે જરા જો જો. એમાં વૈવિધ્ય છે. જુદા જુદા વિષય ઉપર છે. પુસ્તકો નાના પણ છે અને મોટા પણ છે. દરેક પુસ્તકની કિંમત cost price (મૂળ કિંમત) કરતાં અર્ધી કિંમતે આપીએ છીએ. એ પછી લાખોપતિ હોય, કે મધ્યમવર્ગ હોય કે પછી ગરીબવર્ગ હોય તે કહે give me free તો અમે એને વિના મૂલ્યે આપીએ છીએ અને પૂછતા નથી કે તારી કંડીશન શું છે? He should say કે મને આ પુસ્તક ભેટ આપો, તો તરત જ આપી દઈએ છીએ.

મિશનની જે પ્રવૃત્તિઓ છે એ તમે આહીં પ્રવૃત્તિ કરો છો એ પણ છે. એ ઉપરાંત પણ છે. તમે તો અહીંયા દૂર-દૂર રહો ને ત્યાં જલદી બધા ભેગા થઈ જાય. રોજ પણ ભેગા થઈ શકે. એટલે એ રીતે તમે જે સરસ રીતે સત્સંગ કરો છો એમાંથી હું અહીં શીખ્યો છું એ હું ત્યાં જઈને દાખલ કરીશ. હવે શું શીખ્યો એ અત્યારે નહિ કહું મોડું થઈ જાય. અને philosophy (તત્વજ્ઞાન) કોઈવાર તમને પત્ર દ્વારા જણાવીશ. જુદા જુદા વાદોના Comparative Study (તુલનાત્મક અભ્યાસ) સાથે કે જેથી તમને ખ્યાલ આવે. તમે બધા બુદ્ધિજીવી મહારાજના મુક્તો છો. મૂઢ ભક્તો નથી. થોડા મૂઢે ય છો અને બુદ્ધિજીવી પણ છો. ભગવાનની આજ્ઞા બ્લાઈન્ડ રીતે પણ પાળો છો. અને સમજીને પણ પાળો છો એ વિશેષતા છે. તમે એટલે બધે દૂર રહો અને છતાં પણ શનિ - રવિમાં ટાઈમ કાઢી ભેગા થઈ સરસ સત્સંગ કરો છો બધા. જ્યાં જ્યાં હું ગયો, ત્યાં બધે આવી સરસ સભા થાય છે. પણ એટલું કે થોડી સંકૂચિતતા જોવા મળી. એ સંકૂચિતતાને લીધે આ સત્સંગ છે તે એક સૂરથી નથી થતો. થોડું Opposition (વિરોધ) જોવા મળે છે અને એ Opposition (વિરોધ) થોડો જેને કહીએ એક જાતની થોડી hatred, Spiritual hatred (આધ્યાત્મિક ઘૃણા) એ જોવા મળી. એ નીકળી જવી જોઈએ. કારણ કે અરવિંદભાઈ અને તમે બધા સત્સંગીઓ, પરધર્મીઓ સાથે રહીને કામ કરો છો એ સૌથી સરસ છે. મહારાજે કઈ જ્ઞાતિને છોડી કહો જોઈએ? છોડી એકેયને? મુસ્લિમ, હરિજન કોઈને બાકી રાખ્યા નહોતા. જૈન હોય તો બધા જૈન ધર્મી જ હોય. મહારાજનો ધર્મ Universal (વૈશ્વિક) છે.

આ રીતે તમે પણ મને મોકલો થોડુંક પત્રિકા જેવું. ઈસકોનની જેમ કાઢો. ભલે ચાર પાના કાઢો, પણ સરસ authentic (પ્રમાણભૂત) હોવા જોઈએ બરોબર! એક આખું મૅગેઝિન ભરી દેવું એવું નહિ. બધાયના લેખો આવે એટલે એને ખોટું લાગશે માટે મૂકો એવું નહિ. એમાંથી જુઓ કે તંત્રીના વિચારો સાથે સંમત છે? તે બરોબર જ હોય એમ માનવું નહિ. એમાં હું નથી માનતો. એ દરેકનું editing કરવું. હું તો તરત જ એને લખું કે ભાઈ, આટલી આટલી વસ્તુ બરાબર નથી, કહો તો અમે editing (સુધારીને) કરીને છાપીએ. કાં તો તમે સમજાવો. એમ તમે વિસ્તૃતરૂપે નહિ, ભલે બે પાના હોય તો ય વાંધો નહિ કે ભલે એક પાનું હોય, પણ સરસ રીતે બહાર પાડો. તમે બધા ઘણા બુદ્ધિશાળી છો. થોડો અભ્યાસ કરો સાધનાની જેમ.

એક અગત્યની વાત કહેવાની રહી ગઈ એ કહી દઉં કે અહીંયા જો તમારા બાળકો એકલું અંગ્રેજી જ બોલશે, તો પોતે આ સાહિત્ય ક્યારે વાંચશે? ગુરુકુળવાળા એનો ઉચ્ચાર અંગ્રેજીમાં લખે એ ક્યારે પાર આવે? એમાં તો ચાર - પાંચ કીર્તનો ને એટલું જ બોલ્યા કરે છે. તમને ઠીક લાગે તો હોં! કે ઘરમાં ગુજરાતી જ બોલો. અંગ્રેજી તો એ શીખવાના જ છે. એ અંગ્રેજીમાં બોલે તો એને જવાબ નહિ આપવાનો. એને ગુજરાતી શીખવાડવાનું. ગુજરાતી તો બરાબર આવડવું જોઈએ. અંગ્રેજી ભાષા એ તો કનિષ્ઠની ભાષા છે. એ કનિષ્ઠની ભાષાને આટલું બધું કેમ મહત્વ? સંસ્કૃત એ શ્રેષ્ઠ ભાષા છે. સંસ્કૃત એ શ્રેષ્ઠ ઉપરાંત બહુ જ Pious, auspicious (પવિત્ર) ભાષા છે. અંગ્રેજી એવી નથી. બધા છોકરાઓ અંગ્રેજી જ બોલ બોલ કરે. તો મને એમ લાગે છે કે તમે ઘરમાં ગુજરાતી નહિ બોલો તો એ વચનામૃતનો અભ્યાસ કેવી રીતે કરી શકે? મહારાજ જે ભાષામાં બોલ્યા હોય એ અંગ્રેજીમાં exactly interpretation (યથાર્થ અર્થઘટન) થવું એ ન થઈ શકે. એ જ્ઞાન અંગ્રેજી ભણનારા બાળકો એની રીતે સમજેને! તો They should know gujarati as perfectly as English (અંગ્રેજી જેટલું જ ચોક્કસ ગુજરાતી આવડવું જોઈએ.) આ તો જો તમને ઠીક લાગે તો એક નિર્ણય કરો. તમે કહો તો હું ગુજરાતી શિક્ષણના પુસ્તકો તમને મોકલી આપું ચાલો. બાળકોને અંગ્રેજીની સાથે ગુજરાતી સરસ આવડવું જોઈએ. આ તો અંગ્રેજી જ બોલે બધા.

મેં નક્કી કર્યું કે આજે અંગ્રેજી ભાષામાં ન બોલવું. જેથી આ બાળકોને એમ થાયને કે આપણે બરાબર સમજતા નથી. એટલે એમ થાય કે ગુજરાતી જાણવું જોઈએ. એકલું અંગ્રેજી બોલાય? એ સાથે હું વિરમું છું અને આ દિવ્ય સભામાં ખૂબ ખૂબ આશીર્વાદ અને રાજીપો મેળવવા માટે પ્રાર્થના કરું છું કે સૌ ખૂબ રાજી રહેજો. બસ!

સહજાનંદ સ્વામી મહારાજની જય.

(પછી પાછા કહે છે)

મહારાજ તમારામાં રહીને કેમ નહિ બોલે? તમારામાં રહીને કેમ નહિ વિચારે? આ બધા ગળાઓ કોના છે? મહારાજના. મહારાજ બધાય ગળાઓ દ્વારા કંઈ કંઈ બોલશે એટલે બધું સરસ ભેગું થશે. સરસ વસ્તુ તૈયાર થશે. કદીયે એમ નહિ માનવાનું કે મહારાજ આપણામાં રહીને કામ નહિ કરે. આપણામાં રહીને એ જ કામ કરે છે. તો હવે તમે બધા પ્રશ્નોત્તરી કરજો અને મને પણ જરૂર મોકલજો.

જય સ્વામિનારાયણ!


સારાંશ

ભારતની સંસ્કૃતિમાં વિશ્વની તમામ સંસ્કૃતિ સમાઈ જાય છે. દુનિયાના બીજા દેશો ભૌતિક રીતે આગળ વધેલા દેખાય છે. જ્યારે ભારતમાં આધ્યાત્મિકતા વધુ છે. તે આધ્યાત્મિકતાનો ઉપયોગ કર્મયોગની સાથે સાથે જ કરવાનો છે. સ્વામિનારાયણ ભગવાને શીખવ્યું છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા ભગવાનની સ્મૃતિ કરવી અને પછી કાર્ય કરવાથી તે ભક્તિરૂપ બને છે. ભગવાન સ્વામિનારાયણનું તત્વજ્ઞાન સમજવા માટેના ગ્રંથો શિક્ષાપત્રી અને વચનામૃત તે સરળ હોવા ઉપરાંત પૂર્ણ અને સચોટ છે. એ જ્ઞાન સાચા અર્થમાં અનાદિમુક્ત થકી જ સમજી શકાય છે. વચનામૃતમાં દરેક તત્વજ્ઞાનનો સાર સમાયેલો છે. જ્યારે ભગવાનનું દર્શન કરી જીવ પાત્ર થાય, ત્યારે પૂર્ણ થયો કહેવાય. ત્યાં સુધી દરેક જણ વિદ્યાર્થી જ છે.

ભગવાન જેવો નિર્મળ થાય ત્યારે જ જીવ એ સુખમાં ટકી શકે છે, એ સુખ જીરવી શકે છે. આજ્ઞા ઉપાસના દૃઢ કર્યા હોય છતાં ભગવાનને પ્રાર્થનાકરવી કે મારી પરીક્ષા કરો જેથી હું વધુ દૃઢ થાઉં. સ્વામિનારાયણ ભગવાન કૃપાસાધ્ય બન્યા જેથી જીવોના આવરણો હટી જઈ તેઓ પાત્ર બન્યા. ભગવાન કૃપાસાધ્ય બને તો જ જીવ પાત્ર થઈ શકે. સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે. તે પરમાત્મામાં જ પ્રતીતિ રાખી પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ રાખવા, સ્વામિનારાયણ ભગવાનમાં જ આસક્તિ રાખવી. કુટુંબીજનોની સેવા આસક્તિએ રહિત થઈ કરવી. આસક્તિ સમજણથી ટળે છે.

વિશ્વના દરેક જીવોના લાભાર્થે પત્રિકા બહાર પાડીએ તો તેના લેખ ટ્ઠેંરીહંૈષ્ઠ (પ્રમાણભૂત) હોવા જોઈએ. પત્રિકા ભલે નાની હોય, પણ અંદરના લેખ સચોટ હોવા જરૂરી છે. ભગવાનનું જ્ઞાન પામવામાં રસ ધરાવનાર ગરીબ વર્ગને જ્ઞાનસભર પુસ્તકો મફત મળી રહે તેવું કરી તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવા પ્રયત્નો અવશ્ય કરવા. પોતાના મનમાં ઉઠતા પ્રશ્નોનું નિરાકરણ અનાદિમુક્ત પાસેથી જ્ઞાન લઈ મેળવી લેવું. અને સમાજમાં સત્સંગ પ્રચારની સેવા અંગેનું જ્ઞાન પણ પ્રાપ્ત કરવું. બાળકો આપણું આધ્યાત્મિક જ્ઞાન સારી રીતે સમજી શકે તે માટે આવશ્યક છે કે તેઓ ગુજરાતી ભાષા સારી રીતે શીખે. તો જ મહારાજના શબ્દો આત્મસાત્‌કરવામાં સરળતા રહે.