11
શ્રીજીમહારાજ, બાપાશ્રી, સદ્ગુરુઓ તથા આ દિવ્ય સભામાં ઉપસ્થિત બાપાશ્રીની કૃપા અને આશીર્વાદથી મૂર્તિમાં રહેલા આપણે સૌ મુક્તમંડળને પ્રથમ સાદર દંડવત્પ્રણામ કરીને ધન્યતા અનુભવું છું.
અમે શ્રીજીમહારાજ અને બાપાશ્રીની દિવ્ય પ્રેરણાથી પ્રથમ લંડન આવ્યા. કાર્યક્રમ અનિશ્ચિત હતો એટલે આપ સૌને જાણ કરી શક્યા નહિ. અમારો આવવાનો કાર્યક્રમ અચાનક ગોઠવાયો નહિતર આપની સાથે બેસવાનું, વાતચીત કરવાનું અને સમાગમ કરવાનું પરસ્પર સુખ ખૂબ આવત. અહીંયા આવવા માટેનો મુખ્ય હેતુ એ છે કે આપણે સૌએ ભેગા મળી બાપાશ્રીની દિવ્ય સ્મૃતિ કરવી. આપણા સૌના શ્રીજીમહારાજના સંકલ્પથી પધારેલા બાપાશ્રી જેમને આપણે જીવનપ્રાણ કહી શકીએ, એ હેતુથી કે શ્રીજીમહારાજે કૃપાસાધ્ય સામર્થ્ય વાપરીને પાત્ર-અપાત્ર જોયા સિવાય જેને દિવ્યભાવ આવે એવા સૌ કોઈને મૂર્તિમાં રાખવાનું અભય વરદાન આપ્યું. અત્યાર સુધી કોઈએ મૂર્તિમાં રાખવાનું અભય વચન આપ્યું હોય એવું કોઈ ગ્રંથમાં લખાયું નથી, બાપાશ્રી પધાર્યા પહેલા. શ્રીજીમહારાજનો પ્રબળ સંકલ્પ કે આ પૃથ્વી ઉપરથી મનવારો ભરીને મૂર્તિમાં કેવી રીતે લઈ જવા? જો એમ જોઈએ તો શ્રીજીમહારાજે કહ્યું કે અમારું બિરુદ છે કે અમારા આશ્રિતને અમારે જરૂર અંતકાળે તેડવા આવવું, એ મુજબ આશ્રિતને જરૂર તેડવા આવે છે.
આશ્રિત એને કહેવાય જે ભગવાનની આજ્ઞાઓનું પાલન અણીશુદ્ધ રીતે કરવા સતત પ્રયત્નશીલ રહે, શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના દૃઢ હોય, ઉપાસનાનો અર્થ તો ઘણો વિશાળ છે. એ અહીંયા ચર્ચા કરીએ તો ઘણો સમય લાગી જાય, પણ ટૂંકમાં ઉપાસનાનો અર્થ એ થાય કે સ્વામિનારાયણ ભગવાન સિવાય ક્યાંય પ્રતીતિ ન આવવી જોઈએ. મહારાજે કહ્યું તેમ બધા દેવાલયો આવે, બધા ઈશ્વરો, અવતારો તો બધાને વંદન કરી શકાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણ એ દરેક અવતારોની અંદર આવિર્ભાવરૂપે કામ કરે છે. પરંતુ શ્રીજીમહારાજના પતિવ્રતા ભક્ત સર્વોપરી ભક્ત છે. આ વાત કોના જેવી છે કે બાળક હોય એને પીએચ.ડી. નું જ્ઞાન આપવા બેસે તો પાંચ મિનિટેય બેસે ખરું? નહિ બેસે. એને કંઈ ખબર જ નહિ પડે. ગ્રીક અને લેટીન જેવું, કે આ શું બોલે છે? ત્યારે આ સર્વોપરીનું જ્ઞાન કાર્યસત્સંગની જેમ જલદી પ્રસરે એવું નથી. આ જ્ઞાન તો કેવળ કૃપાસાધ્ય બનીને મૂર્તિમાં રાખવા પધારેલા બાપાશ્રીનું જ કામ.
સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહેવા માટે ઉપદેશ કરે, પ્રચાર કરે તો અયોધ્યાપ્રસાદજી મહારાજને કોઈએ ફરિયાદ કરી કે સ્વામી શાસ્ત્ર વિરુદ્ધ બધી વાતો કરે છે. ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજે કહ્યું કે સ્વામી, આ કરશો એ નહિ ચાલે. બધાએ એવું નક્કી કર્યું કે નિર્ગુણદાસજી સ્વામીને આપણે રજા આપીએ. શ્રીજીમહારાજે પોતાની ગાદી ઉપર બેસાડેલા પોતાના પુત્રની આમન્યા તો રાખેને? આમ જોવા જઈએ તો અયોધ્યાપ્રસાદજી મહારાજ અને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની દિવ્યસ્થિતિમાં ફરક તો ખરો જ, પણ અવરભાવની દૃષ્ટિએ એ ગાદી ઉપર ભગવાને બેસાડેલા એટલે મહાપ્રભુજી એમના દ્વારા કામ કરે, માટે આપણે બધી જ આમન્યા રાખવી પડે. ગોપાળાનંદ સ્વામીને ના પાડી તો ગોપાળાનંદ સ્વામી પણ નહોતા આવી શકતા. મહારાજે એમને દર્શન આપીને કહ્યું કે આ તમે શું કરો છો? હું કોણ છું એ તમને ખબર નથી? હું તો સર્વોપરી પરમાત્મા છું. મારાથી પર કોઈ જ નથી. હું સર્વમાં રહીને કામ કરું છું. અનંત બ્રહ્માંડો મારા સંકલ્પથી અને મારી ચડાવેલી કળ વડે ચાલે છે. ત્યારે એ એવો હું એમને આ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી આ કામ કરી રહ્યા છે તો તમે એમને કાઢી મૂકવા માંગો છો? આ ખોટું કરો છો.
અયોધ્યાપ્રસાદજી મહારાજ કહે, પ્રભુ મને આ ખબર નહોતી આજે જ ખબર પડી. આપ કેવા છો એ મને પણ ખબર નહોતી. દયા કરીને તમે જ મને તમારું સ્વરૂપ ઓળખાવ્યું. કારણ કે તમે મને ગાદી ઉપર પ્રસ્થાપિત કરેલ છે, એટલે હવે હું આ વાત બધાને કહીશ અને નિર્ગુણદાસજી સ્વામી મુક્ત કંઠે પ્રચાર કરશે. એમનો કોઈ પણ વિરોધ નહિ કરે. અયોધ્યાપ્રસાદજી મહારાજની વિનમ્રતાની એ પરાકાષ્ઠા હતી. પોતે ખૂબ મહાન હતા. એ તો આપણે જાણીએ છીએ. ધામમાંથી આવેલા હતા. બીજા સદ્ગુરુઓ પણ નિર્ગુણદાસજી સ્વામીને બોલાવીને કહે છે કે સ્વામી, તમારો અપરાધ થઈ ગયો. કે અમને ખબર નહિ કે મહારાજ આવા સર્વોપરી પ્રભુ છે. અવતારની બધા વાતો કરે છે એને પણ કંઈ ખબર નથી તો આપ સુખે મહારાજને ઓળખાવો. તમને કોઈ વિરોધ નહિ કરે. પછી નિર્ગુણદાસજી સ્વામીએ છૂટથી સર્વોપરીપણાની વાતો કરવા માંડી.
શ્રીજીમહારાજને એમ લાગ્યું કે મારે એવા મહાઅનાદિ મુક્તરાજ પૃથ્વી ઉપર પ્રગટ કરવા પડશે કે જે વાત કરે અને સામી વ્યક્તિના હૈયામાં ‘હા’ પડી જાય. ભગવાને મહાસત્તા આપીને, મૂર્તિમાં રાખવાની સંપૂર્ણ સત્તા અને સામર્થ્ય આપીને બાપાશ્રીને આ પૃથ્વી ઉપર પ્રગટ કર્યા, આ હકીકત છે, સંપૂર્ણ સત્ય છે. બારસો સાધુ અને પાંચસો પરમહંસ સહિત શ્રીજીમહારાજની સાક્ષીએ કહું છું કે આ જે સર્વોપરીનું જ્ઞાન મૂર્તિમાં સળંગ રહી રસબસ રહેવાની રીત જે બાપાશ્રીએ અને સદ્ગુરુઓએ સમજાવી એ સંપૂર્ણ સત્ય છે, કપોળકલ્પિત નથી. જેને આ વાત સમજવાની ગતિ નથી તેને તો કપોળકલ્પિત જ લાગેને! જે કલ્પનાતિત હોય એની શું ખબર પડે? સ્વાભાવિક છે. આપણે એ સ્થિતિમાં હોઈએ તો આપણને પણ એવું લાગે કે મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રસબસ રહે અને છતાં મૂર્તિ જેમ છે તેમ જ રહે. એ વાત આજના વિજ્ઞાનને પણ કદાચ સમજવામાં અઘરું પડી જાય.
એક વાત છે કે ભૌતિક વસ્તુની અંદર ભૌતિક વસ્તુ ન રહી શકે. કારણ કે એ જગ્યા રોકે છે. ત્યારે દિવ્ય વસ્તુ અને ભૌતિક વસ્તુ એ બેમાં આસમાન જમીનનો ફરક છે. દિવ્ય વસ્તુ એવી વસ્તુ છે કે એનો સ્પર્શ જેને થાય એ પણ દિવ્ય બની જાય. ‘મારા મુક્ત દિવ્ય સાકાર બને છે’ એમ મહારાજ પણ લખે છે. શ્રીજીમહારાજ એ તો દિવ્ય સાકારસ્વરૂપ. મુક્તનો આકાર માયિક તો મટી ગયો, ભૌતિક દેહનો તો સવાલ જ રહ્યો નહિ, તો અનેક દિવ્ય વસ્તુ એક દિવ્ય વસ્તુમાં એકમેકની સાથે રહી શકે છે. એમાં કોઈ સંકોચ-વિકાસ અવસ્થા જ નથી. સંકોચ-વિકાસ અવસ્થા એ અવરભાવમાં ભૌતિક વિજ્ઞાનને આધારે છે. આ વસ્તુ ભૌતિકવાદથી પર છે. એ તો શ્રીજીમહારાજની કૃપાથી દેહથી અલગ પડી જાય છે. દેહથી અલગ પડવું કંઈ સહેલું છે? બહુ જ અઘરી વાત છે.
આ બધી વાત તો અત્યારે છૂટી છૂટી ને જલદી જલદી કરવી પડેને! એટલે ક્રમ જાળવી ન શકાય. માટે મહારાજે બાપાશ્રીને શું કામ પ્રગટ કર્યા એ વાત ટૂંકમાં જણાવું કે અનંત કોટી બ્રહ્માંડો છે કે જ્યાં મનુષ્યોની વસતી છે. આપણામાં સૂર્યમંડળની બહાર તો કોઈ જઈ શકે તેમ નથી. જે ગ્રહો છે એમાં જ વિજ્ઞાન આંટા મારે છે. ત્યારે એવા તો અનંત બ્રહ્માંડો છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણનું વિચરણ થઈ ચૂક્યું છે. ત્યાં સ્વામિનારાયણ - સ્વામિનારાયણ ભજન પણ થાય છે. તો મહારાજે જોયું કે જે બધા પંચ વર્તમાન પાળે એમાં કસર રહી જાય તે પૂરી કરે અને મહારાજ તેડવા પણ જાય, પણ અર્જુનને જેમ વિશ્વદર્શન કરાવ્યું તો ખમી ન શક્યો. રાડ પાડી, ચીસ પાડી કે પ્રભુ! મને તમારું મનુષ્યસ્વરૂપ જ બહુ વહાલું લાગે છે. તમારું આ વિશ્વસ્વરૂપ સંકેલી લો, ત્યારે મહારાજ જીવોને તેડીને આવે પોતાના સ્વરૂપમાં, પણ અક્ષરધામમાં રહી શકે એવી પાત્રતા જ નહિ શું કરે? પછી જ્યાં જ્યાં એમને ઠીક લાગે, ત્યાં ત્યાં એમને પાછો સત્સંગમાં જન્મ ધરાવે અને પાછું ધીરે ધીરે પાત્ર કરીને સુખમાં લઈ જાય. આ ઉત્ક્રાંતિની ક્રિયા છે. છેવટની ઉત્ક્રાંતિ એ કે જ્યારે સંપૂર્ણ પાત્રતા મેળવીને શ્રીજીમહારાજના સુખમાં રસબસ અનુભવ થાય, એ પૂર્ણ ઉત્ક્રાંતિ. ત્યારે આ ઉત્ક્રાંતિની ક્રિયા અનંત બ્રહ્માંડમાં ચાલે છે.
મહારાજને મુક્તોએ કહ્યું કે મહારાજ, આ તો કોઈ ધામમાં આવતા નથી ને અહીં રહી શકતા નથી શું કરવું? કાંઈ વાંધો નહિ હજી અમારા ગોપાળાનંદ સ્વામી વિચરે છે, ગુણાતીતાનંદ સ્વામી પણ વિચરે છે અને અમારા સંકલ્પસ્વરૂપ એવા અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી અબજીબાપા નામ ધારણ કરી અને પૃથ્વી ઉપર પ્રગટ કરીશું. જેથી અમારા સુખમાં જેઓ રહી
શકતા નથી અને પાછા પુનઃ સત્સંગમાં મોકલવા પડે છે એ જે સ્થિતિ છે એ બંધ થઈ જાય. તો મહારાજ કૃપાસાધ્ય બન્યા કે જેને ભાવ આવ્યો, જેને દિવ્યભાવ આવ્યો એ બધાને મૂર્તિમાં રાખ્યા, પણ પાત્ર નહિ હોવાથી બાધિતાનુવૃત્તિનું આવરણ રાખ્યું. કારણ કે જો એ ન રાખે તો એ દિવ્ય સ્વરૂપના દર્શન જ જીરવાય એવા નથી. અનંત કોટી સૂર્યનું તેજ, પ્રકાશ જેમાંથી નીકળતું હોય અને એ સુખની પરાકાષ્ઠા એટલી કે અહીં અતિ ઠંડી પડે ને હાથ બરફ જેવો થઈ જાય તો જીરવી શકાય? એમ એ સુખ એટલું બધું છે કે અંદર પાત્રતા વગર રહેવું અઘરું પડી જાય. ત્યારે યાદ રાખીએ કે જો બાપાશ્રીને મહારાજે ન મોકલ્યા હોત તો આ કામ ન થઈ શક્યું હોત. હજીયે આપણે આંટા-ફેરા વધુ કરવા પડત. તો મહારાજે કૃપાસાધ્ય બનાવી દીધા. કૃપાને કોઈ શરત નથી. એક પશુઓ ઉપર જો કૃપાસાધ્ય બને તો એ બધા પશુઓના ચૈતન્ય ઉપરથી પણ એક સેકન્ડની વાર પણ ન થાય એટલામાં આવરણો હટી જાય અને એ પાત્ર બની જાય. અને એ પાત્ર બને તો સુખમાં સરળતાથી રહી શકે.
પ્રણવનાદ કોઈથી ખમી શકાય એમ નથી. મૂર્તિના તેજમાંથી જે દિવ્યધ્વનિ નીકળે છે એ પણ આ કાને સાંભળી શકાય એમ નથી. કાનના પડદા પણ તૂટી જાય. એ ધ્વનિ એવો લાગે છે, પણ જ્યારે એ ધ્વનિ આરતીના અવાજ જેવો, બંસરીના અવાજ જેવો મધુર લાગે, ત્યારે એ મૂર્તિના સુખમાં રહેવાય એવી પાત્રતા આવી કહેવાય. ભગવાન કહે છે કે હું જેટલો નિર્મળ છું, એટલો નિર્મળ મારા મુક્તને બનાવું ત્યારે એ મારી મૂર્તિના સુખમાં રહી શકે છે. માટે ભગવાનના સુખમાં રહેવું એટલે ભગવાન જેટલા નિર્મળ બનવું પડે. એ રીતે મહારાજ જો બાપાશ્રી દ્વારા કૃપાસાધ્ય ન થયા હોત તો શું થાત?
મૂર્તિમાં રહેવાની વાતનો એક દાખલો આપું કે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજના સ્વરૂપમાં મુક્તની જળતરંગવત્એકતા છે. જળતરંગવત્એકતા એટલે શું થયું વિચારો? અલગપણું થયું? જળ અને તરંગ એ જુદી વસ્તુ નથી. એક જ છે, પણ જળતરંગવત્અનાદિમુક્ત મૂર્તિની અંદર રસબસ એકતા અનુભવે છે. દિવ્યમૂર્તિની સાથે અનંત દિવ્યમૂર્તિરૂપ મુક્તો સેવકભાવે રહે છે અને એ મૂર્તિનું સુખ લીધા જ કરે છે અને મહારાજ પોતાના મુક્તોને ફક્ત દ્વાર બનાવે છે. કાર્ય પોતે કરે છે. જુઓ તો ખરા! કેટલી વિનમ્રતા! કે જે અનંત બ્રહ્માંડોનું કામ કરે છે એ મહાપ્રભુજી આપણને બધાને બીજાનું કલ્યાણ કરવાને માટે નિમિત્ત બનાવે છે. કરે છે એ પોતે. કેટલા આપણા ભાગ્ય કે આપણને બધાયને મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ આપીને માધ્યમ બનાવ્યા! એ બાપાશ્રીની સાર્ધશતાબ્દી દોઢસો વર્ષે આવે. શ્રીજીમહારાજે એમ કહ્યું કે મારી જન્મજયંતી તો બધા ઉજવે, પણ મારા અનાદિમુક્ત દ્વારા જે મેં કામ કર્યું એની સાર્ધશતાબ્દી ઉજવે ત્યારે હું વધુ રાજી થાઉં.
નારદજીએ તુંબરુની ઈર્ષા કરી અને ગાનવિદ્યા શીખવામાં બાકી ન રાખ્યું, પણ જેવી ગાનવિદ્યા કરે એવા ભગવાન શ્રીકૃષ્ણ ઉઠીને ચાલતા થાય. જ્યારે એ તુંબરુ પાસે શીખ્યા, ત્યારે ભગવાન રાજી થયા. ભગવાન નારદજીને કહે છે કે તમારી ઈર્ષા બીજા જેવી નહોતી. ભલે સાત્ત્વિક હતી, છતાં એ પણ ન જોઈએ. જેવું તુંબરુ ગાન કરે એવું તમે કેવી રીતે શીખી શકો એના સિવાય? જે વિદ્યા ભણ્યો હોય એ જ બીજાને ભણાવી શકે. ત્યારે એ જ રીતે આ બ્રહ્મવિદ્યા તો જે મહારાજના અનાદિમુક્ત હોય એ થકી જ સમજાયને? એ રીતે એમ સમજાવું છું કે જેમ તુંબરુ અને નારદજીનું જે દૃષ્ટાંત છે એમાં એમ કહેવા માંગે છે કે મારા અનાદિમુક્તને જે રાજી કરે એના ઉપર હું વધુ રાજી થાઉં અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે કોટી સાધન કરે, અનંત કોટી સાધન કરે, પણ મહારાજના અનાદિમુક્ત વગર મહારાજની મૂર્તિના સુખને પમાતું નથી. પોતાના બળે કરીને પમાતું નથી. બાપાશ્રી દ્વારે શ્રીજીમહારાજે આપણને બધાને મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ આપ્યા એ સર્વોપરી ભગવાને આપ્યા. જ્યાં સુધી આ દેહ રહેશે, ત્યાં સુધી આપણી પાસે સેવાકાર્ય કરાવશે.
જય સ્વામિનારાયણ!
સારાંશ
અનાદિમુક્તના કોઈ પણ સ્થાનના વિચરણનો એકમાત્ર આશય જીવોનું કલ્યાણ કરવાનો હોય છે. બાપાશ્રીએ પાત્ર-કુપાત્ર જોયા સિવાય દરેકને મૂર્તિમાં રાખવાનું અભય વરદાન આપ્યું છે. ફક્ત શ્રીજીમહારાજમાં જ પ્રતીતિ રાખવી. કારણસત્સંગ કાર્યસત્સંગ જેટલો ઝડપથી નથી વધતો. સર્વોપરી જ્ઞાન પચાવવું એ પીએચ.ડી.ના જ્ઞાન જેવું અઘરું છે. એ જ્ઞાન બુદ્ધિશાળી વર્ગ જલદી સમજી શકે છે. અનાદિમુક્ત મહારાજનું સ્વરૂપ જેમ છે તેમ સમજાવી શકવા સમર્થ છે. શ્રીજીમહારાજે બાપાશ્રીને કેવળ કૃપા કરી જીવોના કલ્યાણ અર્થે સંપૂર્ણ સત્તા આપી પૃથ્વી પર મોકલ્યા. મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવાની બાપાએ સમજાવેલી વાત, એ જ્ઞાન સંપૂર્ણ સત્ય છે. મહારાજ દિવ્ય હોવાથી દિવ્ય બનેલા અનંત મુક્તો એ મૂર્તિમાં રહી સુખ લઈ શકે છે.
અનંત બ્રહ્માંડોમાં મહારાજનું વિચરણ થઈ ચૂક્યું છે. જ્યારે મહારાજના સુખને જીરવી શકે તેવા પાત્ર બનાય, ત્યારે જ અક્ષરધામમાં રહી શકાય. એ માટે જ ભગવાને બાપાશ્રીને પૃથ્વી પર પ્રગટ કર્યા. તેમણે કૃપા વાપરી મહારાજના દર્શન કરી શકે તેવા જીવોને પાત્ર બનાવ્યા, પણ બાધિતાનુવૃત્તિનું આવરણ રાખીને. ભગવાનની કૃપાને કોઈ શરત નથી. મહારાજની મૂર્તિનો નાદ ભયંકર ન લાગતાં આરતીની ઝાલર જેવો કે બંસરી જેવો લાગે ત્યારે પાત્રતા આવી કહેવાય. ભગવાનના સુખમાં રહેવા ભગવાન જેટલા નિર્મળ બનવું પડે. અનાદિમુક્તો મહારાજ સાથે જળતરંગવત્એકતા અનુભવે છે. મહારાજ પોતાનું કાર્ય કરવા માટે અનાદિમુક્તોને માધ્યમ બનાવે છે. તે મહારાજની વિનમ્રતાની પરાકાષ્ઠા છે.
મહારાજના અનાદિમુક્તની જન્મજયંતી ઉજવવાથી મહારાજ વધુ રાજી થાય છે. જેઓ મૂર્તિના સુખને પામ્યા હોય તેઓ જ બીજાને તે સુખ પમાડી શકે. માટે અનાદિમુક્ત થકી જ શ્રીજીમહારાજના સુખને પામી શકાય છે એ સત્ય હકીકત છે.