7
શ્રીજીમહારાજની આ દિવ્ય સભાને કોટાનકોટી વંદન કરું છું.
આ દિવ્યસભામાં મહારાજ પોતાના અનાદિમુક્ત સહિત બિરાજે છે. આ વ્યાસપીઠ ઉપર આવીને જે વક્તા બોલે છે તેમાં મહારાજ ભેળા હોય. મહારાજ કોઈવાર ગુસ્સો પણ બતાવે, કોઈવાર ગરમા ગરમ સ્વભાવ પણ દર્શાવે, પણ જો આપણે બરાબર એનું હાર્દ સમજીએ તો એમાંથી સાર વસ્તુ આપણને જોવા મળશે. કારણ કે મેં જોયું કે બધા જ વક્તાઓમાં રહીને મહારાજે તત્વજ્ઞાનની અને મૂર્તિની નવીન નવીન વાતો કરી. સારી વાતો થઈ.
હંમેશાં એક વસ્તુ યાદ રાખીએ હીરાભાઈએ કહ્યું ને કે આ સાધુ આવો, આમ કરે છે ને આ ફલાણા સ્વામી આમ કરે છે તે વાત પડી મૂકીને મહારાજના સ્વરૂપમાં રહીને સુખ લેવું. વાત બરોબર છે. આપણે વ્યક્તિ સામે નજર નહિ રાખવાની, પણ વર્તન બરાબર ન હોય એની સામે મહારાજની નજર છે. મહારાજને ખરાબ વર્તન દૂર કરી દેવું છે અને સારું વર્તન પ્રસ્થાપિત કરવું છે. એટલે જેમ હમણાં એક ભાઈએ કહ્યુંને કે મહારાજ કળિયા, બળિયા ને છળિયા છે. એમાં એમણે કળિયાની વાત બરાબર સમજાવીને? મહારાજ આ બધી લીલા કરે છે.
કાંતિભાઈએ કહ્યું કે પ્રતિબંધના (વચનામૃત રહસ્યાર્થનો પ્રતિબંધ) ટેકેદારોએ એક વાત સમજવી જોઈએ કે વચમૃતના તત્વજ્ઞાનનો જો ઊંડાણથી અને સ્પષ્ટતાથી અભ્યાસ કરવો હોય તો આ ગ્રંથ વાંચ્યા વગર નહિ ચાલે. એ તો હકીકત છે. હવે એ પ્રતિબંધના ટેકેદારો પોતાનો ટેકો આપતા ક્યારે બંધ થઈ જાય? કે જ્યારે એ સમજશે કે આપણે આ પ્રતિબંધને ટેકો આપીએ છીએ એ ભૂલ કરી છે. પ્રતિબંધ એ તો પ્રભુની ઇચ્છાથી થયેલું એક સર્જન છે. પ્રતિબંધ મુકાવનાર ભગવાન સ્વામિનારાયણ છે અને એ પ્રતિબંધ ઉઠાવી લેનાર પણ પોતે જ થવાના. જેનામાં અજ્ઞાન છે એમનામાં સામાન્ય રીતે દ્વેષ અને ઈર્ષાનું થોડું સૂક્ષ્મ સ્વરૂપ હોય છે. એ અજ્ઞાન જો દૂર થઈ જાય તો બધી માથાકૂટ જાય. ત્યારે મહારાજે જેમનામાં આ અજ્ઞાન હતું તેમનામાં રહીને આ પ્રતિબંધ મૂકાવ્યો. એ પ્રતિબંધ એટલા માટે મૂકાવ્યો કે જો પ્રતિબંધ ન મૂકાયો હોત તો આ ગ્રંથની મહત્તા સમજી શકાત નહિ. બુદ્ધિશાળી માણસો વિચાર ન કરી શકત અને પુસ્તક એક કોર મૂકી દેત.
જ્યારે પ્રતિબંધ આવ્યો, ત્યારે બુદ્ધિશાળી વર્ગને એમ થયું કે આ પ્રતિબંધ મૂક્યો છે, શું કારણ? એવું તો અંદર શું છે કે આ વાંચવા જેવો ગ્રંથ નથી? હવે કાંઈ અંધશ્રદ્ધા આ બુદ્ધિયુગમાં તો ચાલે નહિ. મહારાજના સમયમાં પણ આ અંધશ્રદ્ધા નહોતી ચાલતી. એટલે આ પ્રતિબંધને લીધે બુદ્ધિશાળી વર્ગ તેનો ઊંડાણથી અભ્યાસ કરશે. ઊંડાણથી અભ્યાસ કરશે એટલે જે નહિ સમજાતી બાબતો વિશે વધુ ને વધુ જે સમજતા હશે તેની પાસે જઈને વાત સાંભળશે. એટલે પ્રતિબંધ એ પ્રતિબંધ નથી, પણ એ પ્રતિબંધ અનેકને આ ગ્રંથનો અભ્યાસ કરાવી અને મૂર્તિના સુખ તરફ લઈ જશે. આપણે પાડ માનીએ એમનો કે જેમણે પ્રતિબંધ મૂક્યો. કારણ કે પ્રતિબંધ ભલે અજ્ઞાનને લીધે મૂક્યો એટલે એ સત્ય ઘટના છે, પણ અજ્ઞાન તો બધું કરે. ન કરવાનું કરાવે. ન બોલવાનું બોલાવે. ન લખવાનું લખાવે. અજ્ઞાન ટળી જાય એટલે બોલવાનું બોલે, કરવાનું હોય તે કરે. માત્ર એટલું જ કે અજ્ઞાન ટાળવાનું. આ ગ્રંથ માટે અજ્ઞાન જેવું ટળી જશે એટલે પ્રતિબંધ શબ્દ જ નહિ રહે, પણ જ્યાં સુધી આ જ્ઞાનનો અભ્યાસ ખૂબ પ્રસરશે નહિ, ત્યાં સુધી આવી ચર્ચા ચાલશે પ્રતિબંધ, પ્રતિબંધ, પ્રતિબંધ! એ જો ન ચાલે તો અભ્યાસ કેવી રીતે કરે? એટલે મહારાજ આમાં કળિયા બન્યા છે. ભગવાનની મરજી વગર કોઈ પ્રતિબંધ મૂકી શકે ખરું? પ્રભુની કળા અજબ છે.
જેમ જીવાખાચરના દોષો આપોઆપ ખૂલ્લા થયા અને લોકોને જ્ઞાન થઈ ગયું. જો જીવાખાચરની પોલો જેવું ન બન્યું હોત તો એ બધું શીખવા ક્યાંથી મળત? માટે એની પણ જરૂર છે. મૂંઝાઈએ નહિ અને ટેકેદારો આપણને એમ કહે કે આ પુસ્તક નહિ વાંચવું જોઈએ. તો આપણે એમને શાંતિથી કહીએ કે એમાં શું છે કે આ પ્રતિબંધ મૂકાયો? એવા એક - બે શબ્દો તો કહો? ફક્ત બોલ બોલ કરે તો કિંમત જતી રહેને? પ્રતિબંધ પ્રતિબંધ એમ ફક્ત બોલે શું થાય? પણ પછી મૂકતા આવડે નહિ તો લોકો હસેને! કે પ્રતિબંધને ટેકો આપે છે અને પ્રતિબંધ શા માટે છે? એ તો સમજતો જ નથી ત્યારે આ તો બોઘા જેવો લાગે છે. એમ કહેને! કે આ તો સાવ બોઘો છે. અમથો અમથો બોલ બોલ કરે છે. એને કાંઈ ખબર નથી. ભગવાને એકવાર કહ્યું હતું કે ભાઈ, સંતોની દૃષ્ટિ પડી પશુઓ ઉપર તો પશુઓ ઘડતા પછી માનવ ઘડવા પડ્યા. એટલે થોડું ઘણું તો એવું રહેવાનું. પછી તેઓને જ્યારે પશ્ચાતાપ થાયને! ત્યારે પોતે જ કહે છે કે હે ભગવાન! હું આટલો બધો બોઘો બની ગયો? કે (અજ્ઞાન) નહિ જાય? માનવને વિચાર શક્તિ આપી, તો એનો ઉપયોગ જ ન કર્યો? કોઈ દિવસ આવેશમાં આવવું નહિ, પણ સરસ જવાબ આપવો. ખોટી વસ્તુનો પ્રતિકાર કરવો, પણ ખોટી વસ્તુ રજૂ કરનાર પ્રત્યે તિરસ્કાર ન કરવો. રજૂ કરનાર પણ આત્મા છે. કેવળ વ્યક્તિ નથી, પણ એના અજ્ઞાન સામે આપણે પ્રતિકાર કરવાનો. એ પ્રતિકાર બરાબર ક્યારે આવડ્યો કહેવાય કે એનું અજ્ઞાન ટળી જાય એવી વાતો મૂકીએ તો.
આપણે આ રહસ્યાર્થ વચનામૃત ગ્રંથ બે બે, ત્રણ ત્રણને (વ્યક્તિને) બરોબર સમજાવીને પછી આપીએ તો ત્રણ જણા ભગવાનનું જ્ઞાન સમજતા કહેવાયને? તેઓ ભાવથી વચનામૃત રહસ્યાર્થનો સ્વીકાર કરે સમજીને તો બરોબર કહેવાય. તો આપણે સમજીને સ્વીકાર કરાવવો એ સેવા છે. એ કંઈ જેવી તેવી સેવા નથી. લોકો મારે પણ ખરા. મહારાજે કહ્યું કે મારે તો માર ખાવો, પણ સામું મારવું નહિ. સંતોએ પણ માર જ ખાધાને? બરોબર? માર ખાતાં આવડે એટલે માર ખાનારને મારનાર મારતો અટકી જાય આ હંમેશાં સમજવું. સંતોએ માર ખાધા એટલે મારનાર બધાયના હાથ પછી હેઠા પડી ગયા. સંતોએ સ્વામિનારાયણ ભગવાનનો માર્ગ અંગીકાર કર્યો.
મહારાજ સમય જોઈને પ્રકરણો પણ બદલતા. પરમહંસની દીક્ષાઓ આપી દીધી. ભાગવતી દીક્ષા લઈને શું કામ? પેલા વૈરાગીઓ કંઠી-તિલક જુએને! એટલે સંતોને મારવા જ માંડે. મહારાજ કહે, કાઢી નાંખોને આ કંઠી-તિલક. કંઠી-તિલકનું કામ છે કે મારું કામ છે ને મારી મૂર્તિ સમજાવવાનું કામ છે? મહારાજે બધું કઢાવી નાંખ્યું. માળા-બાળા બધું. કંઠી-તિલક-ચાંદલો બંધ. પૂજા કરવાનું પણ બંધ. બધું બંધ. અમારા જ્ઞાનની વાતો કરો. સદ્ઉપદેશ આપી લોકોનું કલ્યાણ કરો બસ. એ કામ કરો. તો સંતોએ એ જ કરવા માંડ્યું. એટલે કોઈને આ સ્વામિનારાયણના સાધુ છે એમ ખબર ન પડે. તો વૈરાગીઓ પણ સાંભળવા માંડ્યા. વૈરાગીઓ કહે કે સાધુ મહારાજ, તમારી વાતો તો બહુ સારી. તમારા જેવા સાધુ આવ્યા એટલે ઓલા સ્વામિનારાયણના સંતો તો હવે બંધ જ થઈ ગયા. આ સંતો હસે, પણ ઓલા સમજી શકે નહિ. આ સંતોએ વાતો કરી કરીને એવો ભાવ ઉત્પન્ન કર્યો કે એમ થયું કે આના જેવા તો કોઈ સંતો જ નથી. પછી એવો મોટો સમાજ ઊભો થયો ભાવવાળો અને આ સંતોને ગુરુઓ માનવા લાગ્યા. ગુરુ તરીકે માનવા લાગ્યા ત્યાં સુધી ભગવાને એવી સ્થિતિ રૂંધી રાખી કે કોઈને સૂઝ્યું જ નહિ કે એમ તો પૂછીએ કે તમારા ગુરુ કોણ? તમે આ બધું કોની પાસેથી સમજ્યા કે પછી તમારી જાતે સમજ્યા?
જ્યારે બધું એવું વાતાવરણ તૈયાર થઈ ગયું, ત્યારે કોઈએ પૂછ્યું કે તમારા ગુરુ કોણ? સંતોએ જોઈ લીધું કે આપણો પ્રભાવ હવે બરાબર જામી ગયો છે. એટલે હવે ખરું સત્ય જાહેર કરીએ તો કશો જ વાંધો નથી. હવે કોઈ વૈરાગીઓ લાકડી લઈને સામા થાય એમ નથી. પછી કહે કે ભાઈ, જે સ્વામિનારાયણના સંતોને તમે મારતા હતાને! એ જ સંતો અમે છીએ. સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. તમે અમને મારતા માટે ભગવાને કહ્યું કે આ તિલક-ચાંદલા સાથે તેઓને વેર છે, એટલે એ કાઢી નાંખો, પ્રભુને ઓળખે એટલે કંઠી-તિલક-ચાંદલો તો આવી જ ગયા અને આ બધું જે જ્ઞાન કર્યું તે બધું જ સ્વામિનારાયણ ભગવાનનું પીરસેલું અક્ષરે - અક્ષર તમારી પાસે મૂક્યું. તમને સારું લાગ્યું કે નહિ કહો? પછી કહે મહારાજ, બહુ ભૂલ કરી અમારા અપરાધ....! સંતો કહે અરે, ભગવાન તો બહુ દયાળુ છે. તમારા બધાયના અપરાધ દૂર કરી દેશે. પછી વૈરાગીઓ કહે, ગુરુઓ હવે તમે તિલક-ચાંદલો કરો. અમે જ તમને તિલક-ચાંદલો કરીએ. પછી બધાએ તિલક-ચાંદલો કર્યા. આપો-આપ જ ભાગવતી દીક્ષા ગ્રહણ થઈ ચૂકી કે નહિ? પરમહંસની દીક્ષા તે સમય પૂરતી હતી તે ચાલી. અને પાછી ભાગવતી દીક્ષા થઈ અને જે વિરોધ કરતા હતા તે બધા જ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા.
એમ એ બધા જ ટેકેદારો વચનામૃત રહસ્યાર્થના ચરણોમાં ઢળી પડે એવું જ કરીએ નહિ? અવશ્ય પ્રતિબંધ ઉઠશે જ બરોબર! એમાં આપણે આ સેવા કરવાની પણ મેં કહ્યું એમ. વ્યક્તિ તરફ તિરસ્કાર નહિ કરવો, પણ એ જે પ્રતિકાર, એ જે અસત્યે સત્ય ઉપર આક્રમણ કર્યું એનો આપણને અફસોસ. એના સામે આપણે પ્રતિકાર. એ પ્રતિકાર બુદ્ધિપૂર્વક સરસ રીતે સમજાવીને કરવો. એટલે ધીમે ધીમે એ પ્રતિબંધ જરૂર હટશે. મેં એક વાત સભામાં કરી હતી કે એક સમય આવશે જ્યારે મહારાજને એમ લાગશે કે હવે થોડાક સંજોગો ઊભા કરીએ, ત્યારે આપોઆપ જ એવા સંજોગો ઊભા થશે. ટેકેદારો અંદરખાને સમજતા હોય છે કે આ બરાબર છે, પણ એક ઈર્ષા-દ્વેષનું કારણ અથવા તો પૂર્વગ્રહ. પૂર્વગ્રહ જેવો કોઈ ખરાબ ગ્રહ નથી. નવ ગ્રહ તો આપણને મદદરૂપ થાય છે, જ્યારે આ પૂર્વગ્રહ જ એવો છે કે આપણા જીવનો નાશ કરી નાંખે છે. માટે આ પૂર્વગ્રહ દૂર કરવાની સેવા જો કરીએ તો આપણને બહુ મોટું ફળ થાય. કારણ કે પૂર્વગ્રહથી જીવનો નાશ થતો અટકે, પણ એ એવી રીતે કરવો જોઈએ કે જેમ આ સંતોએ એવી દીક્ષા ગ્રહણ કરી કે અમે સ્વામિનારાયણના છીએ એમ ન બોલ્યા, તેમ આપણે બધાએ બોલવું જ નહિ કે અમે બાપાના હેતવાળા છીએ. આપોઆપ સમજશે.
બાપાના હેતવાળા કોને કહેવાય ખબર છે? એ વાત આપણે કરી હતી કે જેનું વર્તન આજ્ઞા - ઉપાસનામાં સર્વોપરી હોય એ બાપાના હેતવાળા. આજ્ઞા બરોબર પાળે એ બાપાનો હેતવાળો. ઉપાસના બરાબર સમજે અને તે પ્રમાણે વર્તે એ બાપાના હેતવાળો. તો બાપાના હેતવાળા આપણે એવું બનવું કે સમજાવવા પાછળ પડવું. સંતો પાછળ પડ્યા તો સત્સંગ થયો. કેટલા પાછળ પડ્યા? ચારે કોર ઘૂમવા માંડ્યું. જીવોને પકડી-પકડીને સમજાવે કહે થોડીવાર બેસો, થોડી વાત સાંભળો. પછી સરસ-સરસ દૃષ્ટાંતો આપે. જેમ આ પ્રિયકાંતભાઈએ દૃષ્ટાંત આપ્યુંને! એમ દૃષ્ટાંતો આપીને સમજાવવું. અભ્યાસ કરવો પડે. વચનામૃત રહસ્યાર્થનો પ્રચાર કરવા જઈએ ત્યારે આપણે અમુક મુદ્દાઓ એવા લેવા જોઈએ કે જેથી એના ઉપર પ્રભાવ પડે. પ્રિયકાંતભાઈએ કહ્યું કે એક ભાઈએ વચનામૃતની પાંચ પારાયણ કરી એટલે રોગ મટી ગયો. સ્વાભાવિક છે. સરસ કહેવાયને! સારું દૃષ્ટાંત આપ્યું. એ શું? ભલે સકામ પણ સકામ થયા પછીથી નિષ્કામમાં જાયને પાછો! એટલે એમને સારું થયું, એટલે એમને એમ થયું કે જે ગ્રંથ વાંચવાથી સારું થાય એને હું બરાબર સમજું તો કેટલું બધું સારું થાય? એટલે આપણે રહસ્યાર્થ વચનામૃતનો પ્રચાર બરાબર કરવો. એટલે પ્રતિબંધને ટેકો આપનારને ટેકો આપતા અટકાવી દેવા એ મોટામાં મોટી સેવા છે.
હીરાભાઈએ કહ્યું એ પણ હું સમજાવું. એમણે એમ કહ્યું કે આ બધી પડ મૂકીને મૂર્તિના સ્વરૂપમાં રહેવું, એ બરાબર છે. એ બધું જો પડ્યું જ મૂકવું હોય તો-તો સારામાં સારી વાત. અને એ સ્વરૂપમાં જોડાઈ રહેવું એના જેવું તો કાંઈ નથી. પણ એ સ્વરૂપમાં બધું પડ્યું મૂકીને જોડાઈ રહેવું ખૂબ અઘરું છે. એટલે ભગવાન શું કરે છે? આપણને બાધિતાનુવૃત્તિમાં રાખે છે. એ જો લઈ લે તો પછી આ બધા જ પ્રતિકારનો અંત આવી જાય, આ એના માટે છે. બાધિતાનુવૃત્તિ જો લઈ લે તો પછી કોઈ જ્ઞાન કરવાનું કે કોઈનો પ્રતિકાર કરવાનું, કાંઈ બાકી ન રહે. ભગવાન સિવાય પછી કાંઈ દેખાય જ નહિ. શું, કોણ કોનો પ્રતિકાર કરે? બરાબર! પણ મહારાજ દયાળુ બહુ છે. બાધિતાનુવૃત્તિ અમૂક સ્ટેજે જ લઈ લે છે. આગળ વધાય તે માટે પછી ધીમે ધીમે લઈ લે. પછી જેના ઉપર કૃપા થઈ હોય તેની અંત વખતે બાધિતાનુવૃત્તિ જરૂર લઈ લે. એ આશીર્વાદનો પ્રતાપ છે. આશીર્વાદ કાંઈ જેવી તેવી વસ્તુ નથી. આશીર્વાદ એનું નામ જે સદાય સાથે રહે. એટલે એક વાર આશીર્વાદ આપી દીધા એ સદાય સાથે રહે. નવા આશીર્વાદની જરૂર ન પડે. પણ એ આશીર્વાદમાં આપણી શ્રદ્ધા જો ડગી જાય, તો એ આશીર્વાદ પાછા મૂર્તિમાં જતા રહે. જતા રહે એટલે વળી પાછા આશીર્વાદની જરૂર પડે. મહારાજ કહે છે, શ્રદ્ધા ડગવી ન જોઈએ, માટે એ શ્રદ્ધા ડગાવવી નહિ. બરોબર! આશીર્વાદમાં શ્રદ્ધા ખૂબ રાખવી.
સમજાવવાની શક્તિ ખૂબ કેળવવી, કે જેથી સામાને સમાસ થાય. એક ને એક બે જેવી વાત કરવી. એટલે ગળે ઉતરી જાય. જો એવી વાતો ન કરીએ અને ગોળ-ગોળ વાતો કરીએ તો કોઈ અસરકારક રીતે કામ ન થઈ શકે. માટે બરોબર થોડું ચિંતન ઘરે બેઠા-બેઠા કરવું. રહસ્યાર્થનો પ્રચાર કરવો એ તો સારામાં સારી સેવા છે. જો એ કરવી હોય તો બહુ નહિ, પણ થોડું બેસીને વિચાર કરવો જોઈએ કે હું જઈશ તો ખરો, પણ પ્રશ્નો પૂછશે તો? તો એના માટે તૈયારી તો રાખવી જ પડે ને? કદાચ ગયા. જવું જોઈએ, ભલે જાવ. જેમ નૃસિહાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું તો જવાબ ન આપી શક્યા. એમને તો અખંડ મહારાજની મૂર્તિ દેખાતી હતી. કોઈકે પૂછ્યું કે સાધુ મહારાજ, ભગવાનનું સ્વરૂપ શું? ભગવાનનું સ્વરૂપ સમજાવો? તો કહે ભગવાનના વચન એ ભગવાનનું સ્વરૂપ. ત્યારે પૂછ્યું કઈ રીતે એ તો સમજાવો? તો કહે, અરે ભૂડા, તારામાં તો અક્કલ જ નથી. બરોબરને! વાતે ય સાચી. અક્કલ ન હોય તો ન જ સમજાય. અરે! તને એ ન સમજાય. ભગવાનના વચન એ ભગવાનનું સ્વરૂપ. મહારાજે કહ્યુંને! મારી વાણી એ મારું સ્વરૂપ છે. એ વાણી ભગવાનના સ્વરૂપને સમજાવે છે. એ ભગવાનનું વચન. નૃસિહાનંદ સ્વામી એમ કહેવા માંગતા હતા કે ભગવાનના વચનો બરાબર સમજીને અજ્ઞાન ટાળો. એટલે આપોઆપ ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જશે. એટલે ભગવાનના વચન એ આપોઆપ ભગવાનનું સ્વરૂપ થઈ જવાનું. ભગવાનનું વચન ભગવાનની વાણી એ જ ભગવાનનું સ્વરૂપ. એક મેક છે ને બીજું શું છે? પણ તેઓ સમજાવી શક્યા નહિ.
ભગવાન કળિયા, એમણે બધાને ભણાવવાનો સંકલ્પ કર્યો. જો મોટા સંતો ભણે તો નાના ભણેને! તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધાયને અભ્યાસ કરવાનું કહ્યું, કે જાવ શાસ્ત્રોનો અભ્યાસ કરો. ભણવા જાવ. ખૂબ પદવીઓ મેળવો બધી. બરોબર! રત્ન, શાસ્ત્રી, આચાર્ય વગેરે પાર વગરની પદવીઓ હતી. બધાએ કહ્યું ભલે મહારાજ! જઈએ. તેઓ તો પૂર્ણ જ્ઞાની હતા. સ્વયં જ્ઞાની, તો પણ બીજાને શીખવવા માટે એ બધાએ વિદ્યાર્થી થઈને અભ્યાસ કર્યો કે જેથી બીજા બધા સંતો પણ ભણે. જો તેઓ ન ભણ્યા હોત તો? તો બીજા જાય ખરા? કહેશે મૂકો માથાકૂટ. તેઓએ શાથી કર્યું? બીજા કરે માટે. પ્રતિબંધ જરૂર ઉઠવાનો. પ્રતિબંધ ઉઠાવવાની સેવા કરવી. એના જેવી કોઈ સેવા નથી, પણ એ સેવા કરતાં આવડવી જોઈએ. જો ન આવડે તો વળી પાછો પ્રતિબંધ ઉઠવાને બદલે થોડો મજબૂત થઈ જાય. એટલે એવું નહિ કરવાનું. બરાબર શીખી જવાનું.
અહીં નવીન-નવીન વાતો થઈ. પ્રિયકાંતભાઈએ અન્વયસ્વરૂપના અવતાર અને વ્યતિરેકસ્વરૂપના અવતાર વિશે વાત કરી એ અવતારો શું કાર્ય કરે છે એ પણ વાત કરી. એ વાત બરોબર સમજવી, તો ખબર પડેને કે અન્વયસ્વરૂપના અવતાર શા માટે? અને વ્યતિરેકસ્વરૂપના અવતાર શા માટે? એમણે એ સમજાવ્યું, પણ આપણે એ સમજૂતી યાદ રાખવાની. એવો અભ્યાસ કરીએ કે મનન કરી, નિદિધ્યાસ કરીને એ વાતો પાકી કરવી. આ આઠ વક્તાઓને આપણે બોલાવ્યા. મહારાજ અહીં શું કામ બોલાવે છે? કે એ બહાને આપણે આ ગ્રંથનો સરસ રીતે ઊંડાણથી અભ્યાસ કરીએ. હંમેશાં ઠરેલ ચિત્તે વાતો કરવી. જે આપણો વિરોધી હોય તેની સાથે ઠરેલ ચિત્તે એવી વાતો કરવી કે વિચારમાં પડી જાય કે વાત બરાબર છે. હા જ પાડે. અને ભગવાનને સાથે રાખીને વચનામૃત રહસ્યાર્થની વાત કરવી. જેમ મહારાજે પહેલા નિયમ આપ્યા કે રોજ પાંચ જણને તૈયાર કરીને વર્તમાન ધરાવવા. તો વર્તમાન ક્યારે ધરાવ્યા કહેવાય કે બરોબર સમજીને સત્સંગી થાય ત્યારે, મહારાજે દરરોજ પાંચ સત્સંગી કરવાનું નિયમ આપેલું. સંતો ભૂખ્યા - તરસ્યા એટલી બધી મહેનત કરે કે વાત મૂકી દો. પછી મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ, આજે તો ત્રણ જ થયા હજી બે બાકી છે. હવે તમે ભેગા ભળીને જો બે નહિ શોધી આપો તો તમારું વચન નહિ રહે શું કરીએ? એમ કહેતા. પછી મહારાજ પાછા ભેગા ભળે ને બે જણને મોકલે. એટલે તેમને વર્તમાન ધરાવે. એમ આપણે મહારાજ અને બાપાને પ્રાર્થના કરવી કે હે મહારાજ! આ ગ્રંથ સમજે એવા મુમુક્ષુ જીવોને મોકલો જેથી એ મુમુક્ષુ જીવો સમજી શકે.
જેમ બાલુભાઈ, ખંભાતવાળા શેઠ ભૂજ ગયા. દિવસના સમયે મંદિર ગયા. ત્યાં કહે, બાલુભાઈ, તમે અહીં કેમ ન ઉતર્યા ને ત્યાં ઉતર્યા? તમારે તો અહીં ઉતરવું જોઈએને! એટલે કહે તમે અહીં ઉતારો નથી આપતા છત્રીએ જનારને, એટલે હું ત્યાં સીધો ગયો. એટલે હું દિવસે દર્શન કરવા આવું છું કારણ કે અહીં ઉતારો તો મળવાનો નથી. એટલે ઉતારો મળે કે ન મળે, પણ મારે પાંચેય દિવસ બાપાની છત્રીએ રહેવું છે. અરે! તમારા માટે ક્યાં એવું છે? તમે તમારે પાંચેય દિવસ બાપાની છત્રીએ ભલે રહો, પણ અહીં ઉતારો તો કરો. બાલુભાઈ કહે, વળતા આવીશ. એક દિવસ અહીં ઉતરીશ અને તમે એમ કહેશો કે છત્રીથી આવ્યા માટે જતા રહો, તો તમારું વચન માનીને જતો રહીશ. ત્યારે બાલુભાઈએ એમ કહ્યું કે ભાઈ, આ તમારો ખોટો વિરોધ છે. તમે કહો છો એવું જો ત્યાં હોય તો મારા ઘાટ-સંકલ્પ ત્યાં કેમ ટળી જાય છે? જો ખરાબ જગ્યા હોય તો, ત્યાં તો ઉલટા ઘાટ-સંકલ્પ વધવા જોઈએ. ઉલ્ટી ત્યાં તો મને શાંતિ વર્તવા માંડી અને હું માનસીપૂજામાં ધ્યાન કરું છું તો મહારાજ તરત દેખાય છે, તો હવે મારે તમારું માનવું કેવી રીતે? માટે એ નહિ બને. હું તો છત્રીએ જઈને પછી જ આવીશ. તમારે ઉતારો આપવો હોય તો આપજો. એટલે કહે ખુશીથી આવજો. ત્યારે બાલુભાઈ કહે, મૂકી દો ને જે છત્રીએથી આવે તેને પહેલો ઉતારો આપવો જોઈએ.
એ બાલુભાઈનો પહેલો મેળાપ થયો ત્યારે શંકરભાઈ અને બાલુભાઈને વચનામૃત પર વાત થતી હતી. ત્યારે મેં કહ્યું આ વચનામૃત વાંચો આમાંથી તમને સમજાશે. ત્યારે કહે, રહસ્યાર્થ છે? એ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો છે. એ પુસ્તકને ન અડાય. એવું કહેવા લાગ્યા. મેં કહ્યું અચ્છા, તો તમે એટલું જ કામ કરો કે આ પ્રતિબંધ મૂકવાનું કારણ શું? એ એના ટેકેદારોને પૂછી આવો અને પછી હું તમારી સાથે વાત કરું, તો બરાબર. અત્યારે (ગ્રંથને) ન અડશો. હું લઈ જ જાઉં છું. તમારે અત્યારે શું કામ અડવું પડે? હું અડ્યો તો મને તો આનંદ - આનંદ થઈ જાય છે. એ પુસ્તક જ એવું છે કે હાથમાં લઈએ ને આનંદ થઈ જાય, પણ તમને નહિ થાય. એનું કારણ તમારો એ પ્રત્યેનો અભાવ. જ્યારે એ જશે, ત્યારે એમ થશે. માટે પહેલા તમે પૂછી આવો. વાત મારી બરાબર છે? તો કહે હા. પછી તેમણે બધા ટેકેદારોને પૂછ્યું તો ગલ્લા-તલ્લા કરે. મેં પૂછ્યું કે શું પોઈન્ટો હતા? અંદર એવું શું છે? તો કહે તેઓ એમ કહેતા હતા કે એ બાપાને ભગવાન માને છે. તો મેં કહ્યું તમે એમને જઈને પૂછી આવો વચનામૃતમાં, રહસ્યાર્થમાં કે પ્રશ્નોત્તરમાં કોઈ જગ્યાએ ક્યાંય બાપાએ એમ કહ્યું છે કે સ્વામિનારાયણ સિવાય બીજો ભગવાન છે? એમ એમને પૂછો? બાપાએ એવું કહ્યું હોય તો વાત મનાય. એવું તો કાંઈ છે નહિ. એ તો દ્વેષને લીધે એમણે જ આવું ઊભું કર્યું છે ધાંધલ અને એવું ફારસ ઊભું કરીને પ્રતિબંધ ઠોકી દીધો. પછી એમ કરતાં - કરતાં સંબંધ થયો એટલે મેં ભગવાનના સ્વરૂપની બધી વાતો કરી કે મુક્તિ આમાં છે. મેં કહ્યું ક્યાં સુધી અંધશ્રદ્ધા રાખશો? અંધશ્રદ્ધા રાખશો તો ભગવાનના સ્વરૂપમાં કઈ રીતે પહોંચાશે? ખોટી વસ્તુમાં અંધશ્રદ્ધા? સાચી વસ્તુમાં અંધશ્રદ્ધા રાખો કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. એમાં અંધશ્રદ્ધા મૂકો જેટલી મૂકવી હોય એટલી. અને ન સમજાવતાં આવડે તો કાંઈ નહિ, પણ સાચી વસ્તુમાં અંધશ્રદ્ધા રાખો. ખોટી વસ્તુમાં અંધશ્રદ્ધા એ તો મોક્ષ બગાડી નાંખે. ખોટી વસ્તુમાં અંધશ્રદ્ધા હોઈ શકે નહિ અને રાખવી નહિ જોઈએ, નહિતર એ મનુષ્ય ન કહેવાય અને દેવ પણ ન કહેવાય તો ત્રીજી સ્થિતિમાં જ મુકાઈ જાય ને! તો એમ વિચાર કરવો જોઈએ. ખોટી વસ્તુમાં, અસત્ય વસ્તુમાં શ્રદ્ધા મુકવી જોઈએ નહિ. આંધળા ન થવું જોઈએ. આ પ્રતિબંધ એમણે શું કામ મૂક્યો? પૂછોને એમને? કે આમાં છે શું એ તો સમજાવો? પછી શું જવાબ આપે? તો એમને ક્યાંય જવાબ ન મળ્યો. પછી તો ખૂબ વાંચવા માંડ્યા અને મારી પાસેથી પ્રતો લીધી અને હીરાભાઈ પાસેથી પણ લઈને બધાને આપતા કારણ કે સત્સંગમાં પ્રસિદ્ધ બહુ હતા. એટલે કહે વાંચજે. પ્રતિબંધ તો ખોટો છે એટલે બધા વાંચવા મંડ્યા. એટલે બંને શેઠનું વિચાર પરિવર્તન, હૃદય પરિવર્તન કર્યું. એટલે સ્વામિનારાયણ ભગવાનના મહા અનાદિ મુક્તરાજનું પ્રસાદી સ્થાન છત્રીએ એમને હૃદય પલટો થઈ ગયો. તો એ જરૂર થશે. ઉતાવળા થવાની જરૂર નથી.
કોઈ બાપાવાળા - બાપાવાળા કહ્યા કરે તો ગૌરવ લેવું. જેનું તદ્દન શુદ્ધ વર્તન હોય, એટલે કે જે આજ્ઞામાં તદ્દન શુદ્ધ હોય ઉપાસનામાં જે તદ્દન શુદ્ધ હોય એનું નામ બાપાવાળા કહેવાય. કોઈ પૂછે તો કે ભાઈ, આવું છે. બાપા એમ કહેતા કે જેની આજ્ઞા અણીશુદ્ધ હોય, આજ્ઞામાં જેનું અણીશુદ્ધ વર્તન હોય અને ઉપાસનામાં જે અણીશુદ્ધ હોય તે સ્વામિનારાયણનો કહેવાય. એમ બાપા ઠસાવી - ઠસાવીને કહેતા. તો આ વાત સાચી છે? તો એમાં ના પડાય? તો જે આવી વાતો કરતા હોય એ ક્યારે કરે? એવા વર્તન હોય ત્યારે. તો એના જે હેતવાળા હોય એમનામાં આવા ગુણ મૂક્યા હોય કે નહિ? તો બાપાવાળા થવું એ તો ગૌરવ લેવા જેવું છે. તમારે આ બે (આજ્ઞા - ઉપાસના) શુદ્ધ છે કે નહિ એ કહો પહેલા. તો કહે હા છે. તો તમે આપોઆપ બાપાવાળા છો. શું કામ ના પાડો છો વગર મફતની? હવે તમારી પાસે બીજી કોઈ દલીલ હોય તો કહો કે તમે બાપાવાળા નથી. દરેકે બાપાવાળા થયે જ છૂટકો છે. બાપાવાળા ન થાય તો અક્ષરધામમાં કેવી રીતે પહોંચાય? શુદ્ધ આજ્ઞા ન હોય ને શુદ્ધ ઉપાસના ન હોય તો પહોંચાય ખરું?
બાપાએ શુદ્ધ આજ્ઞા અને ઉપાસનારૂપી તત્વજ્ઞાનની છણાવટ આ રહસ્યાર્થ ગ્રંથ રચીને કરી. હવે એ કેટલા ધીરજવાળા! અને એ ટીકા કોણે રચી? સ્વામિનારાયણ ભગવાને બાપામાં રહીને રચી. નહિતર આવી ટીકા ન થઈ શકે. અરે! ભૂલ કરે. હું કોઈને કહું કે તમે આનાથી સારી ટીકા રચી આપો. પછી અનુભવ તો હોય નહિ, એટલે બાફણું થાય કે બીજું કાંઈ? હમણાં એક વચનામૃત ગ્રંથ બહાર પાડ્યો છે તેમાં નીચે ત્રણ-ચાર લીટી લખી છે તે સમજાવતા આવડ્યું નહિ તે બાફણું જ કહેવાયને! કોઈક એમ જ કહે કે આ વચનામૃત નહિ વાંચવું જોઈએ. આ શબ્દોવાળું સાવ ખોટું. નીચે સમજાવ્યું છે ને? ટિપ્પણી, તેમાં કે ભગવાનના તેજ સાથે એકતા કરે તો ઉપાસનાનો ભંગ થાય. આવું અજ્ઞાન! હવે આ વિદ્વાનોને વિદ્વાનો કહેવા કે પેલા બાળમંદિરના ભૂલકા કહેવા? વિચાર કરવો આપણે. અરે ભાઈ, મહારાજનું અન્વય સ્વરૂપ જે તેજ એ તેજ સાથે આ ચૈતન્યની એકતા થાય ત્યારે એ ભાગવતી દેહને (ભાગવતીતનુ) ધારણ કરે છે અને ભગવાનની સેવામાં રહે છે. નિરાકાર મટીને સાકાર બનાવી દે છે. ત્યારે એ અન્વય સ્વરૂપ ચૈતન્યને સાકાર ભાગવતીતનુ આપે ત્યાર પછી સેવામાં રહેને? આમાં ઉપાસનામાં ભંગ ક્યાં આવ્યો? ભગવાન થઈ જવાય એમ કહે છે. એલા પણ તેજરૂપ થઈને ક્યો ભગવાન થઈ ગયો? અરે ભાઈ, ભગવાન કોઈ થઈ શકે નહિ. એ તો દંભી હોય અને જેને લહેર કરવી હોય એ જાત-જાતના નુસખા શોધી અને ખૂબ વિદ્યાપારંગત બને છે. કઈ વિદ્યા? બીજાને બનાવવાની વિદ્યા. ભ્રમિત બનાવે Hypnotize કરે. આ ખોટા ભગવાનોનો માર્ગ, બરાબર! આ ખોટા ભગવાનોનો પછી કોઈ ભાવ પૂછતું નથી. એ મોડા - વહેલા ભૂંસાઈ જાય, પણ માણસોએ વિચાર કરવો જોઈએ. એટલી તો બુદ્ધિ હોયને આ આંખ હોયને કે આ સાચો છે કે ખોટો છે? ખબર જ પડી જાય. સમજણ રહેવી જોઈએ. તો કોઈ દહાડો ખોટા ભગવાનના માર્ગે જવું નહિ. ત્યારે બાપાએ તો કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ ભગવાન નથી. થયો નથી, છે નહિ ને થશે નહિ. તો ભગવાન તો એક જ હોયને?
સર્વોપરી પરમાત્મા મનુષ્ય દેહ ધારણ કરીને અહીં આવ્યા. પછી અનાદિ મહામુક્તોની દિવ્ય સેના મોકલી તો એમણે કામ કર્યું. એ કામ હજીયે ચાલુ જ રહેવાનું. આખું વિશ્વ સ્વામિનારાયણમય નહિ થાય, ત્યાં સુધી આ કાર્ય ચાલશે. તો આપણે મૂંઝાવું નહિ. પ્રતિબંધ ઉઠાવવામાં ખૂબ ધીરજપૂર્વક આવેશમાં આવ્યા વગર આ સેવા જરૂર બજાવવી. એ સારામાં સારી સેવા છે. એવું ન કરવું કે આ વચનામૃત આપીએ ને એ ફેંકી દે. પહેલા પાયો પાકો કરવો. એમાં મહેનત પડે. આપણે નિશ્ચય કરીએ કે નવા પાંચ જણને સરસ તૈયાર કરવાના બરોબર સમજાવીને, તો એ પાંચ બીજા પચાસને સમજાવવાની સેવા કરશે. હજારોની સેવા કરવા જઈએ અને એકે ન સમજે એવું ન કરવું. પછી આ રીતે પ્રચાર કરવાની રીત રાખવી. અહીં જે વાતો થઈ એ બહુ સારી થઈ. આત્મા, અક્ષર એની જે વાત થઈને, શરીર-શરીરી એ ગહન તત્ત્વો હજી ખૂબ સરસ રીતે સમજાવવા.
વ્યાસજીને વેદ લખાવવા હતા તો લખે કોણ? ગણપતિ એવા કે બોલે એવું જ લખી નાંખે એટલા ઝડપી. વ્યાસજીએ ગણપતિને કહ્યું કે ગણપતિજી થોડી સેવા કરશો? હું વેદ લખાવું એ લખશો? હા લખું, પણ હું બેસી રહું એવું મને નહિ ગમે. મારી કલમ ચાલુ રહેવી જોઈએ. ગણપતિએ આ શરત મૂકી તો વ્યાસજીએ પણ શરત મૂકી કે તમારે સમજ્યા વગર નહિ લખવાનું. તો વ્યાસજી બોલતા જાય અને ગણપતિ ઝડપથી લખતા જાય. પછી વ્યાસજીને કંઈક વિચારવું હોય ત્યારે અઘરો શ્લોક મૂકી દે. એવું અઘરું મૂકે કે ગણપતિ વિચારે ત્યાં સુધીમાં વ્યાસજીને નવા શ્લોકો વિચારવાનો સમય મળી જાય અને પછી નવો શ્લોક લખાવે. તેમ દિલીપભાઈ બહુ ઝડપી વક્તા છે. તત્વજ્ઞાનમાં ઝડપ રાખે તો બીજા ન સમજી શકે. તો બીજી સભામાં ધીમે ધીમે બોલવું બરોબર! બીજી સભા રાખીશું. ભલે ત્યારે!
હવે એક વાત કદાચ બધાને ગમે કે ન ગમે. આપણે એવું નક્કી કર્યું છે કે આ અષાઢ - શ્રાવણ - ભાદરવો - આસો અને કારતક સૂદ અગિયારસ સુધી આ જે આઠ મહિનામાં આપણે જે સત્સંગ કર્યો એનું ફળ મહારાજનું સ્વરૂપ દૃઢ કરવું. એ કરવું, પહેલી વાત. હવે આટલો સમાસ થયા પછી કેફ તો રહેવાનો. હવે ચોમાસામાં વરસાદ થાય પાણી, કીચડ બહારગામથી આવનારને કેટલી ઉપાધિ, અત્યારે ન ખબર પડે, પણ વરસાદ પડતો હોય તો વરસાદને એમ કહેવાય કે હમણાં સભા થાય ત્યારે તું આવીશ જ નહિ? કેમ ન કહેવાય? કારણ કે એમાં પ્રભુને આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કરવો પડે અને એથી શું ફાયદો? મહારાજ આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ ક્યારે કરતા કે જ્યારે બહુ જ મોટો સમાસ થતો હોય, અનેક જીવોનું કલ્યાણ કરવું હોય ત્યારે કરે. ગમે તેમ નથી કરતા અને બાપાશ્રીએ પણ પોતાનું જ ગાડું પલળવા દીધું અને જ્યારે ભૂજના સંતો યજ્ઞ કરતા હતા, ત્યારે વરસાદ પડ્યો, ત્યારે કહ્યું ફરતો વરસાદ પડશે તમારા યજ્ઞમાં નહિ પડે. એવા સમયે કરતા, કારણ કે એ વખતે સમાસ મોટો કરવો હતો. હવે બાપા પોતાનું ગાડું લઈ જતા હતા ને વરસાદ ચડી આવ્યો. વરસાદ તો સૃષ્ટિના નિયમ મૂજબ આવે ને જાય એવું થયા કરેને! તો આખા વર્ષના દાણા બધા બાજરી ને ઘઉં ભરેલું ગાડું લઈને જતા હતા અને બાપા અંદર બેઠેલા. અને આશાભાઈ ગાડું હાંકે. ઘર આવવાને થોડુંક જ અંતર બાકી સાવ પંદર-વીસ ડગલા ને વરસાદ પડ્યો. બાપા, આખા વર્ષની મહેનત છે, તો કહે ઢાંક રૂમાલ હું શું કરું? વરસાદ રોકવો એ કંઈ થોડો આપણા હાથમાં છે? એ તો મહારાજના હાથમાં છે. ઝટ હાંક, ઝટ હાંક આશાબાપા કહે શું હાંકે? બધો (માલ) પલળી ગયો. હવે સૂકવીને બધાને વહેંચી દો. બાપા કહે શું થાય? ત્યારે જુઓ, ત્યાં આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કર્યો? નહિતર હાથમાં જ હતું. આમ કરે એટલી વાર, પણ એમ ન થાય. આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ ગમે તેમ કરે તો વેપાર કહેવાય, ખોટ આવે, સહન કરવું પડે.
મહારાજ બળિયા, કળિયા ને છળિયા શું કામ થયા હતા? નહિ તો આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કરવો પડે. ગમે તેમ તેનો ઉપયોગ ન થાય. પ્રભુએ પોતે નથી કર્યો. જ્યાં ખાસ જરૂર હોય ત્યાં જ કરે. જો આપણને એ શક્તિનો ઉપયોગ કરવાની મહારાજ છૂટ આપી દે તો હાલતા-ચાલતા આપણે બધા ઉપયોગ જ કરવા માંડીએ. પછી તો જોઈ લો આપણે કોઈ કાબૂમાં ન રહીએ. બધા એવા છૂટથી વેપાર કરવા માંડે કે દુનિયામાં હૉસ્પિટલમાં કોઈ દર્દી જ ન રહે હોં! જો શક્તિ વાપરવાની છૂટ આપી દેને તો. મહારાજના મુક્તમાં એટલી બધી શક્તિ ભરી છે કે મહારાજ એનું નિયંત્રણ કરે છે. નહિતર તો હૉસ્પિટલમાં જેટલા દર્દીઓ છે તેના રોગ જતા રહે ને ફટાફટ ઊભા થઈને ચાલવા માંડે. બધા ચાલવા માંડે. એમાં જરાયે ફેરફાર ન થાય, પણ એ આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ જેમ તેમ થાય નહિ. હવે સાજા કરી દેવાથી એને શું ફાયદો કહો? એનું દુઃખ દેહ થકી ગયું, પણ જીવનો રોગ ક્યાં ગયો? માટે મહારાજ કહે છે, એમ ન કરાય. એ તો રોગરૂપી શિક્ષા ભોગવે એટલે ચૈતન્ય પાપથી રહિત થતો જાય. એ શિક્ષા ભોગવવી જ પડે. એ શિક્ષા ધીમે ધીમે ચૈતન્યને ભગવાન તરફ મોક્ષ માર્ગે લઈ જાય એટલા માટે છે. માટે જ્યાં - ત્યાં એનો ઉપયોગ કરાય નહિ. મહારાજના વખતમાં વ્યાપકાનંદ સ્વામીએ ઘોડીને આમ કરીને કહે પૂંછ છે, પગ છે, આંખ-નાક છે. બધું ય છે, ક્યા મર ગઈ હૈ? આ બેઠી થઈ ગઈ ઘોડી. ભગવાને કહ્યું, તમે ભગવાન થયા કહેવાઓ હવે મારે બદલે તમે બેસી જાવ. પછી સ્વામીએ ક્ષમા માગી. એમ મહારાજે ત્યારથી આપણી બધી શક્તિઓનું નિયંત્રણ પોતાના હાથમાં રાખ્યું કે જેથી આપણે પણ એ સુખ જીરવાય એવા મહાન બની શકીએ તો એવા પાત્ર થવાયને! તો એ તો ખૂબ જરૂરી છે. ત્યારે બાધિતાનુવૃત્તિ એ પણ આપણી સેવા માટે છે, સારા માટે છે. તો આધ્યાત્મિક શક્તિનો બહુ ઉપયોગ કરતા નહિ શીખવું હોં! સહન કરવું, સેવા કરવી. કોઈને કંઈ રોગ થયો હોય તો સેવા કરવી. ભગવાનની આજ્ઞા મુજબ કોઈ ઔષધ આપવું ને સાજો કરવો. ત્યારે એકદમ કહી દઈએ કે જાઓ તમને સારું થઈ જશે એમ ન કરવું. (કોઈ ભક્તની વાત કરતા કહે છે) એનામાં તો મહારાજ બોલ્યા કે આ પાઠ વાંચજે તો એનું વચન નહિ ફેરવવા માટે બાપાએ એને સાજા કરી દીધા અને ન સાજા કર્યા હોત તો? આ તો કહું છું. તો શું થાત? બરોબર?
એકવાર મને સોમચંદબાપાએ કહેલું કે ભગવાન આવું બોલે, તમારે આવું ન બોલવું જોઈએ. તમે બોલો ને તરત થઈ જાય છે. અને જે દિવસે નહિ થાય તે દિવસે તમારી કિંમત કોડીની થઈ જશે. બરાબર! એટલે વાત પડી મૂકો. તો ય હું તો નહોતો પડી મૂકતો પછી એક રાત્રે આવ્યા અને મને બધા સંતો પાસે લઈ ગયા. મોટા મોટા મુક્તોએ વાત કરી, અને મને સમજાવ્યું કે આધ્યાત્મિક શક્તિ આમ વેડફી ન નંખાય. આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ જીવોના કલ્યાણ માટે કરવો, ભૌતિક સુખો આપવા જ ન કરવો. એ તો પ્રભુ કરે જ. એની મેળે સારું થાય જ. ભગવાનના આશરે થાય એટલે દુઃખ જતું જ રહે ને! સ્વામી (વૃંદાવનદાસજી સ્વામી) કહેતા કે મૂર્તિમાં રાખ્યા પછી ક્યાં દુઃખ - બુખ, કાંઈ ન રહે. રહ્યું મને કહે? મેં કહ્યું ના બાપજી, બરોબર? એ એવા હતા. તો આપણે બધા આપણા રોગ તો ક્યારના જતા રહ્યા. તદ્દન નિરોગી જ છીએ. દુઃખી થવાનો તો હવે કોઈ અવકાશ જ નથી. સદાય સુખી. કોઈ દિવસ દુખિયા માનવું નહિ. દુઃખને સંભારીએ તો ગાંડા થઈ ગયા કહેવાઈએને! ભગવાનની નિરોગી મૂર્તિ છે. નિરોગી એટલે, એકલો (દેહનો) રોગ જ નહિ ચૈતન્યના બધા રોગો પણ નહિ, એકેય દોષ જ નહિ. ઐશ્વર્યમાં ય રાગ નહિ. કોઈ રાગ જ નહિ. એ બધા જ રોગથી રહિત હોય તેને નિરોગી કહેવાય. ત્યારે બાપાશ્રીમાં રહીને મહારાજે આપણને એવા નિરોગી બનાવી દીધા છે.
આપણે આ ચાર મહિના હીરાભાઈનું દૃષ્ટાંત લઈને એવું કરીએ તો? બે વર્ષ પહેલા હીરાભાઈ મારી પાસે બેઠા હતા. એ વખતે નિયમ લેવાનો દિવસ હતો. (નિયમએકાદશીનો દિવસ) તો મને કહે, મને કંઈક એવું નિયમ આપો કે મને ખૂબ આનંદ આવે મહારાજની મૂર્તિનો. પછી મેં કહ્યું ભાઈ, ક્યું નિયમ આપું? મારાથી એવું નિયમ કદાચ બોલાઈ જવાય કે તમને કઠણ પડે તો તમને થોડી વ્યાધિ થાય તો નિયમ તો એવું આપવું જોઈએ કે તમે સરળતાથી પાળી શકો, તો કહે ના મને દુઃખ નહિ થાય તમે આપો. હું કહું છું ને આપો, તો મેં કહ્યું તમે ચાર ગ્રંથોનો અભ્યાસ કરી નાંખો. (૧) રહસ્યાર્થ વચનામૃત (૨) શિક્ષાપત્રી રહસ્યાર્થ (૩) બાપાની બે ભાગની વાતો અને (૪) સોમચંદબાપા કૃત અબજીબાપાશ્રીનું જીવન ચરિત્ર. આ ચાર ગ્રંથો તમારે પૂરા કરવા, સમજપૂર્વક વાંચવા. મેં કહ્યું આ તો અઘરું પડેને! તો કહે ના હું વાંચીશ. ઓહો.... ઓહો! મેં કહ્યું આ ચાર ગ્રંથો વાંચો તો બધું જ સમજવાનું સમજાઈ ગયું. પછી એકવાર એમણે એ ગ્રંથો કારતક સુદી અગિયારસ સુધીમાં પૂરા કર્યા. ઘરે બેસે વાંચે, કાયમ વાંચે. કોઈની સાથે વાતો કરે નહિ, મારે ત્યાંય ન આવે, આવે તો ટાઈમ બગડેને! એટલે આવતા નહિ. હું સમજું. એટલે આવતા નહિ અને પોતે કહ્યું કે હું કરીશ એટલે પાછા કરે. એટલે એમણે એ ચાર ગ્રંથો પૂરા કર્યા.
આપણે આપણી શક્તિ પ્રમાણે નિયમ લેવો. એક ગ્રંથ વંચાય, બે ગ્રંથ વંચાય જે શ્રદ્ધા હોય તે પોતાની મેળે મહારાજ પાસે નિયમ લેવો. સંકલ્પ કરીને બરોબર! શક્તિ પ્રમાણે નિયમ લેવો અને રોજ ધ્યાન કરવું. પંદર મિનિટ, પંદર મિનિટ રાત્રે સૂતી વખતે, સવારમાં, રાત્રે નિદ્રા ઉડી જાય તો પંદર મિનિટ ધ્યાન કરવું. વધારે થાય તો સારું આ તો પંદર મિનિટ થઈ શકે, એટલે બોલું છું. તો મહારાજના સ્વરૂપનું ધ્યાન કરવું. રાત્રે તો શાંતિ હોયને! એ વખતે ધ્યાન સારું થાય. સવારમાં ધ્યાન સારું થાય. મહારાજનું સ્વરૂપ આ ચાર મહિના એવું દૃઢ કરીએ કે નખશિખાન્ત આંખો મીચીએ ને મૂર્તિ દેખાય અને મહારાજનું એક જ સ્વરૂપ રાખવું. મહારાજનું જે સ્વરૂપ વહાલું લાગે, પોતાને ધારવામાં જે જલદી આવે એવું હોય એ એક જ સ્વરૂપમાં ધ્યાન કેન્દ્રિત કરવું. ફેરવ ફેરવ ન કરવું, નહિ તો કોઈ દિવસ સિદ્ધિ ન થાય. જુદું જુદું સ્વરૂપ ન ધારવું. ઘડીકમાં આ સ્વરૂપ ને ઘડીકમાં આ સ્વરૂપ. તો એક જ સ્વરૂપ ધારવું. બધા સ્વરૂપ સાકરનું નારિયેળ છે એમ સમજવું બરોબર! પ્રભુની એ કળા છે કે આટલા બધા મંદિરો છે એમાં ઘનશ્યામ મહારાજ પધરાવેલા છે. હરિકૃષ્ણ મહારાજ છે. જુઓ તો દરેક સ્વરૂપમાં થોડો થોડો ફેર હોય. જેમ આ છોટાભાઈ ને એમના દીકરામાં ફેર છે કે નહિ? એમ ઘનશ્યામ મહારાજ પણ વૈવિધ્ય ધારણ કરે છે, પણ બધાં સ્વરૂપ સાકરનું નારિયેળ. ધીમે ધીમે એ સ્વરૂપરૂપ થાવું. દિવ્ય દર્શન આપો આપ થશે. એ સ્વરૂપ એકદમ તેજોમય થઈ જશે. એ સ્વરૂપ એટલું બધું સૌંદર્ય રૂપ ધારણ કરશે કે વાત મૂકી દો. પણ એક સ્વરૂપ રાખવું. પછી એ સ્વરૂપ પોતે જેમ છે તેમ આપણને દર્શન કરાવશે. ધીરજ રાખવી. અરે, અંત સુધી ધીરજ રાખવી. અધીરા ન થવું. અધીરા થાય એ ભગવાનને છોડીને ચાલ્યો જાય છે. એની શ્રદ્ધામાં ઠેકાણું રહેતું નથી, નાસ્તિક બની જાય છે. અધીરા બનવું નહિ. ભગવાનના સ્વરૂપમાં રહેવું હોય, એ સ્વરૂપમાં જેને રહેવું હોય એને ધીરજ રાખે જ છૂટકો. ધીરજ તો હોવી જોઈએને? ભગવાનના સ્વરૂપ પ્રત્યે કોઈ દિવસ કાયર ન થવું. મહારાજ જરૂર રાજી થાય. શરૂઆતમાં તો ભગવાન પરીક્ષા કરે કે આ મને છોડી દે છે
કે વયો જાય છે? તો આપણે આ ચાર મહિના આમ કરીએ.
આવતી સભા દસમી જૂને સરસપુર છે. જેઠ મહિનામાં બરોબર! પછી અષાઢ મહિનામાં આપણી સભા આવે. તો આપણે ચાર મહિના કંઈક નિયમ લઈ અને વરસાદમાં આપણે ઘરે સત્સંગ સભાની મઝા માણવી. સત્સંગસભા બંધ નથી કરવી, પણ અંતરવૃત્તિ કરીએ તો આખી સભા હાજર. બરોબર! તો હવે ચાર મહિના આપણે આ રીતે એકત્ર થવાને બદલે અંતરવૃત્તિએ સત્સંગસભામાં બેસવું અને મઝા માણીએ તો? એટલે આપણે ચાર મહિના અંતરવૃત્તિએ સત્સંગ કરીએ તો ઠીક કે નહિ? ગયા વર્ષે કર્યું તો બધાને મૂર્તિનું સ્વરૂપ પાકું તો થઈ ગયું કે નહિ? થઈ જ જાય એમાં શું? ચાર મહિના આપણે નિયમ લઈએ કે મહારાજની સ્મૃતિ કરતા કરતા કરવું. હવે એક નિયમ તમને કહું. એમ કે જાગૃત રહેવાનું. સહેલામાં સહેલું અને સારામાં સારું, ઊંચામાં ઊચું. કોઈ વસ્તુ મોઢામાં મૂકવી કે પાણી પીવું હોય તો એ પહેલા પાંચ- દસ સેકન્ડ મહારાજની સ્મૃતિ કરીને પછી પીવું. સ્વામિનારાયણ એમ મનમાં બોલવું આટલું કરીએ. એ નિયમમાં રાખવું. પછી ટેવ પડી જાય. કેટલીકવાર જમીએ તો એમને એમ જમવા માંડીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીની માએ થાળી કાઢીને તો સ્વામીએ જમવા જ માંડ્યું. તો મા કહે, ખાઉધરો છે, ખબર નથી પડતી. એવો વિચિત્ર શબ્દ વાપર્યો મા ખરીને! તો સ્વામીને કહ્યું, કેટલો ઉતાવળો છો? હજી ભગવાનને ધરાવ્યા વગર જમવા માંડ્યું. એટલી ખબર ન પડે કે ભગવાનને જમાડીને જમાય? સ્વામી કહે, મા હું ભગવાનને જ જમાડું છું. તો કહે, ક્યાં જમાડશ ભગવાનને? તો એમની માને ભગવાન જમતા દેખાયા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજને જમાડે છે એવા દર્શન કર્યા એટલે સંકલ્પ ટળી ગયા. એમ જે સ્થિતિમાં વર્તતા હતા એ સ્થિતિનું દર્શન કરાવ્યું. એટલે આપણે એમ ને એમ નહિ જમવાનું. ગુણાતીતાનંદ સ્વામીની જેમ જમવાનું. મહારાજની મૂર્તિનું અનુસંધાન રાખીને જમવું જોઈએ. તો આ તો સહેલું કહેવાયને? પાણી પીએ તો ભગવાનની સ્મૃતિ રાખવી, મોઢામાં કાંઈ મૂકીએ તો ભગવાનની સ્મૃતિ રાખવી. જમતી વખતે સ્મૃતિ રાખીને પછી જમવું.
આ ગ્રંથોમાંથી કોઈ ગ્રંથ વાંચવો. સરસ રીતે વાંચવો. ભલે એક વંચાય, પણ સરસ રીતે વાંચવો ને મહારાજની મૂર્તિનું થોડું ધ્યાન કરવું. સરસ રીતે. એવું ધ્યાન પંદર મિનિટ કરવું. ભગવાનનું ધ્યાન કરતાં પહેલા ભગવાનના આખા સ્વરૂપનું થોડીવાર ચિંતવન કરવું અને પછી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. આવું પંદર મિનિટનું ધ્યાન એ એક કલાકના ધ્યાનથી ચડી જાય. એક કલાક ધ્યાન કરો તો સરખું સ્વરૂપ ધારવામાં આવે નહિ તો શું કામનું? મૂર્તિનું સ્વરૂપ ધારતા ધારતા ઘાટ-સંકલ્પ થાય, કાંઈક બીજો વિચાર મગજમાં આવી જાય. આ આપણું ભેજું કેવું છે એ ખબર છે? આપણા મનમાંથી એક સેકન્ડમાં હજારો તરંગો નીકળે છે. ક્યારે કયો નીકળશે એ કલ્પનામાં જ ન આવે. હજી સુધી કોઈ જોઈએ એવો માઈન્ડનો (મનનો) અભ્યાસ કરી શક્યું નથી. માઈન્ડ છે શું? ત્યારે એ મન માંકડા જેવું છે. ઘડીકમાં ક્યાં ને ઘડીકમાં ક્યાં કૂદા-કૂદ કર્યા જ કરે. સ્થિર થાય જ નહિ. ઘડીકમાં કોઈ વિચાર આવે. ક્યાંક ગયા હોયને! તો એ વિચાર આવે તો એ વિચારે ચડી જાય અથવા કોઈ કામ કરતા કોઈ પ્રશ્ન ઊભો થયો હોયને! તો એ પ્રશ્નનો વિચાર ચાલે કે બહુ થયું હવે શું કરવું? મૂર્તિનું મનન તો ક્યાંથી થાય? તો એક વસ્તુ યાદ રાખીએ કે જુઓ પ્રશ્ન એ જીવનનો એક ભાગ છે. પ્રશ્ન ન ઊભા થાય એવું કદી ન બને બરોબર! જીવન એ જ પ્રશ્ન છે, પ્રૉબલેમ છે, કોયડો છે. તો દેહ ધારણ કર્યો એટલે એ થવાનું જ અને જો પ્રશ્ન ઊભો ન થાય, તો જ્ઞાન પણ ન સમજાય. પ્રૉબલેમો જરૂરી છે, પણ એ પ્રૉબલેમ ભગવાનનું સ્વરૂપ ધારતાં આડો ન આવે એવું માઈન્ડને કેળવવું જોઈએ. આપણે નક્કી કરીએ તો ન આવે. આપણે જો હાથે કરીને વિચારીએ તો પછી શું થાય? ગમે તેવા પ્રશ્નો ઊભા થાય, તો ય મૂર્તિ ધારવા બેસીએ ત્યારે જય ભગવાન! સૌ-સૌના રસ્તે. એવું કરી મૂકવું. માઈન્ડને એવું ટ્રેઈન કરવું પડે, કેળવવું જોઈએ, બસ.
આ છેલ્લી સભા આપણને ખૂબ સુખરૂપ બની. આજે ઘણું સરસ સરસ સમજવા મળ્યું. બધા વક્તાઓ દરેક વખતે નવું નવું કહે છે. આ વ્યાસપીઠ જ એવી છે. શ્રીજીમહારાજ અંદર રહીને નવું નવું જ બોલે. ત્યારે એ ભગવાનની કળા છે. તમે એકલા બોલજો જોઈએ, નહિ સૂઝે કાંઈ, એ તો અહીં બેસો ત્યારે જ સરખું બોલાય. શા માટે? મહારાજ પોતે અંદર રહીને બોલાવે છે. અને આપણને ખબર પડવા દેતા નથી. સમજતા શીખવું, એકદમ ઉતાવળા થઈ જવું નહિ. કોઈ વાદ-વિવાદમાં ન ઊતરવું. કારણ કે વાદ-વિવાદ કરતાં આવડે નહિ ને નાહક શી માથાકૂટ કરવી? બરોબર! ભલે. સહજાનંદ સ્વામી મહારાજની જય! બાપાશ્રીની જય!
(પ્રિયકાંતભાઈના સૂચન કર્યા પછી પૂ.મામા વાત કરે છે.)
ભાઈએ જેમ કહ્યું, એમ જો કરવું હોય તો એમ કરો. રહસ્યાર્થ વચનામૃતમાં બે અનુક્રમણિકાઓ હોય છે. રહસ્યાર્થ અને ટીકાસ્થ. એ બે અનુક્રમણિકામાં તત્વજ્ઞાનના બધા વિષયો આવરી લીધા છે. તો એ અનુક્રમણિકા લઈ અને એક - એક શબ્દ ક્યા - ક્યા વચનામૃતમાં છે અને ટીકામાં શું સમજાવ્યું છે એ સમજીને પાકું કરી લેવું, મોઢે કરવું. ભગવતસ્વરૂપદાસજી સ્વામીને ૨૭૩ વચનામૃત મોઢે હતા. રોજ બોલ્યા કરે, બહુ અભ્યાસ. જો તમે વાંચતા હો અને કોઈ એક શબ્દ રહી જાય તો તરત કહે કે નારાયણભાઈ, આ રહી ગયું. તમે એક શબ્દ ચૂકી ગયા વાંચવામાં. અક્ષરે - અક્ષર મોઢે. એવું સરસ મોઢે. તો મેં સ્વામીને કહ્યું કે સ્વામી, આટલા બધા વચનામૃત તમે મોઢે શી રીતે કરી નાંખ્યા? તો કહે જેનું મનન, ચિંતન ને નિદિધ્યાસ કરીએ તો એ મોઢે થઈ જાય કે નહિ? મારું નામ તમને કેમ મોઢે થઈ ગયું, કોઈ દિવસ ભૂલો? એમ મારે પણ એવું થઈ ગયું. એટલે કહેવાનો અર્થ એ છે કે મહારાજની વાણી મોઢે કરવી, એટલે અનુક્રમણિકા લેતા જવાનું અને એક એક શબ્દ ક્યાં આવ્યો તે જોવાનું. જુઓ કેવું સરસ જ્ઞાન. કારણ કે એ વચનામૃત અને ટીકા તો મહારાજ અને બાપા બંને પ્રત્યક્ષ થયાને? કારણ કે અંદર સમજણ જ આપી છે. મહારાજ બોલે છે કે આનો અર્થ આમ થાય ને આનો અર્થ આમ થાય. તો એ અનુક્રમણિકા પ્રમાણે અભ્યાસ કરવો, તો બહુ જ વ્યવસ્થિત અભ્યાસ થશે. તો આપણે એ પણ કરીએ.
તો હવે આ ચાર મહિના મહારાજનું સ્વરૂપ દૃઢ કરોને મારા ભાઈ! આપણે બધા વરસાદમાં ક્યાં ભેગા થવું? મને કોઈવાર મૂંઝવણ થઈ જાય છે. કોઈવાર વરસાદ પડેને ત્યારે એમ થાય કે આ હરિભક્તો આવશે અને શું થશે? એવી ચિંતા થાય છે. એટલે પછી શું થાય? અંગ એવું ચિંતાવાળું થઈ ગયું. એટલે એમ કહું કે ચાર મહિના અંતરવૃત્તિએ સત્સંગ કરીએ. પછી તો સભાની જેવી મરજી અને કહ્યું તેમ આ ચાર મહિના અભ્યાસ કરવો. તો રહસ્યાર્થ વચનામૃત સમજાવી શકીશું. નહિતર કેવી રીતે સમજાવી શકીએ? મોઢે થવું જોઈએ. ભગવત્સ્વરૂપદાસજી સ્વામીની જેમ કડકડાટ મોઢે થઈ જવું જોઈએ. તો પછી તરત જવાબ આવડે. સૂઝે કે નહિ? જવાબ જે આપવો હોય તે તરત જીભ ઉપર આવે. મુમુક્ષુ હોય તો એને વચનામૃત રહસ્યાર્થ આપવું બહુ સારું.
(મિશન તરફથી વચનામૃત પુસ્તક છપાયા એ વિશેની માહિતી આપ્યા પછી દાન વિષે વાત કરતા કહે છે.)
દાન કરનારને ફળ મળે, મહારાજનું સુખ મળે એ ફળ. આ લોકનું ફળ નહિ. મહારાજની મૂર્તિનું સુખ મળે. મહારાજનું જ્ઞાન મોઢે કરવું. મહારાજની વાણી તો મોઢે કરવી જોઈએ. એક વચનામૃત મોઢે થાય તો શું ખોટું? એવું કરવું. તો હવે સભા માગશર સુદ ચોથે રાખીએ. તો ૨૧મી નવેમ્બર સોમચંદબાપાની તિથિ છે તે દિવસે સભા. આ ચાર મહિના મહારાજનું સ્વરૂપ દૃઢ કરવાનું નિયમ લઈએ. થોડું થોડું. એ કંઈ અઘરું નથી. હાલતા-ચાલતા થોડી થોડીવાર એ સ્વરૂપ સંભારીએ તો એ સ્વરૂપ પાકું થઈ જાય તો આનંદ આવે. આ મારી વાત. હું કહું એમ નહિ સભા કહે એ સારું. ચોમાસાના ચાર માસ અંતરવૃત્તિએ સત્સંગ કરીએ. આ રીતે અનુક્રમણિકા લઈને અભ્યાસ કરવો. જુઓ કેવું સરસ કામ થાય છે. ભણતા હોય એ છોકરાઓ પોતાની ચોપડી કેવી મોઢે કરી નાંખે છે? એમ આપણે આ વચનામૃત ગ્રંથ મોઢે કરવો. એ તો આપણો ધર્મ છે. બસ!
જય સ્વામિનારાયણ!
સારાંશ
અનાદિમુક્ત જે સભામાં બેઠા હોય ત્યાં મહારાજ ભેળા જ બિરાજતા હોય છે. હંમેશાં વ્યક્તિ સામી નજર ન રાખતા તેના વર્તન સામે મહારાજની નજર છે તે યાદ રાખી તેના તરફ દ્વેષ ન રાખવો. ઈર્ષા, દ્વેષ અને અજ્ઞાન ટળે ત્યારે યોગ્ય નિર્ણયો લેવાય છે અને ત્યારે પ્રતિબંધ જેવા શબ્દોનું અસ્તિત્વ રહેતું નથી. ફક્ત વાદ-વિવાદ કરવાથી કાંઈ હાથ લાગતું નથી. ‘વચનામૃત રહસ્યાર્થ’નું જ્ઞાન યથાર્થ રીતે સમજાવવાની સેવા કરવાથી અજ્ઞાન દૂર થઈ સ્વીકૃતિની ભાવના ઉત્પન્ન થાય છે. એ સેવા બજાવતા કષ્ટ પડે તો સહન કરવું. અસત્યએ સત્ય ઉપર આક્રમણ કર્યું તેને દૂર કરવાની સેવા કોઈપણ જાતના દ્વેષ વગર, શ્રમ લઈ અને પૂરી શ્રદ્ધા રાખી, ધીરજથી કરવી. રહસ્યાર્થ વચનામૃતનું જ્ઞાન સમજાવતાં પહેલા પોતે તેનો ઊંડો અભ્યાસ કરી પાયો પાકો અવશ્ય કરવો અને ઠરેલ ચિત્તે ઉશ્કેરાયા વગર સચોટ વાતો કરવી. સભામાં વાત કરવી ત્યારે ધીમે ધીમે બધા સમજી શકે એ રીતે દૃષ્ટાંતો આપી મહારાજનું તત્વજ્ઞાન સમજાવવું. ફક્ત ‘બાપા’ શબ્દોનો જ વિરોધ હોય તો પહેલા એ નામ બોલ્યા વગર સાચું જ્ઞાન સમજાવી, અજ્ઞાન ટાળી છેલ્લે કહેવું કે આ બાપાનું જ જ્ઞાન છે. જેની આજ્ઞા અને ઉપાસના તદ્દન શુદ્ધ હોય તે બાપાવાળા જ કહેવાય અને એ બંને શુદ્ધ હોય ત્યારે જ અક્ષરધામમાં જવાય.
અનાદિમુક્તે એકવાર આશીર્વાદ આપ્યા પછી બીજીવાર આશીર્વાદની જરૂર રહેતી નથી. એ આશીર્વાદમાં શ્રદ્ધા રાખવાથી અંતે ભગવાન જીવોની બાધિતાનુવૃત્તિ ખેંચી લઈ પોતાના સુખમાં રાખે છે. શ્રીજીમહારાજના અનાદિમુક્તનું જે સ્થાન હોય તે અતિ પવિત્ર જગ્યા હોવાથી તે સ્થાનમાં ઘાટ-સંકલ્પો વિરામ પામે છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એ એક વાત જીવમાં બરાબર જડી દેવી. શ્રીજીમહારાજના તેજ સાથે એકતા થાય ત્યારે ચૈતન્યને ભાગવતીતનુ પ્રાપ્ત થાય છે. અનાદિમુક્ત અનેક લોકોને સમાસ થતો હોય ત્યારે જ પોતાની આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કરે છે અને જીવોના કલ્યાણ કરવા એ શક્તિનો ઉપયોગ કરે છે. રોગરૂપી શિક્ષા દેહ ભોગવે ત્યારે ચૈતન્ય ધીમે-ધીમે પાપથી રહિત થઈ ભગવાન તરફ મોક્ષ માર્ગે આગળ વધે છે. માટે એવી શિક્ષા આવે ત્યારે ભગવાનની મરજી જાણી તેને ભોગવી લેવી. બાપાશ્રી દ્વારા મહારાજે આપણને બધાયને નિરોગી બનાવી દીધા છે.
નિયમ ભલે ઓછા લઈએ, પણ ભગવાનમાં વૃત્તિ રાખી એ પળાય તો વધુ લાભ થાય, એક ગ્રંથ પણ પૂરતી સમજણ અને ભગવાનની સ્મૃતિ રાખી વાંચવાથી અલભ્ય લાભ પ્રાપ્ત થાય છે. રોજ પંદર મિનિટ કે તેથી વધારે જેવો સમય હોય તે પ્રમાણે ધ્યાન કરવાથી મૂર્તિ સિદ્ધ થઈ ભગવાનની કૃપા થયે તેજાયમાન દેખાવા લાગશે. દરેકે પોતાના દૈનિક જીવનમાં થોડો સમય ધ્યાન માટે ફાળવવો જોઈએ, અને એ માટે ધીરજ રાખવી અને દરેક ક્રિયા કરતા પૂર્વે મહારાજ સંભારવાની ટેવ પાડી દેવી જોઈએ. સભામાં જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, જે બળ મેળવ્યું હોય તેનો કેફ રાખી અંતર્વૃત્તિ કરતા શીખી લેવું. મગજને એવું કેળવવું કે ધ્યાન કરવા બેસીએ ત્યારે ભગવાન સિવાય બીજા કોઈ વિચારો ન આવે. અનાદિમુક્ત જ્યાં હાજર હોય ત્યારે એ સ્થાને ભગવાન પણ હાજર હોય, જેથી જે વક્તા બોલવા ઊભા થાય ત્યારે અનાદિમુક્તના પ્રભાવને લીધે તેઓથી યોગ્ય અને સરસ બોલાય. અનાદિમુક્ત પોતે સભા પાસે આશીર્વાદ માગી આપણને એવા નમ્ર બનવાનું પોતાના વર્તન દ્વારા શીખવે છે. મહારાજની વાણી સમજીને મોઢે કરવી અને મહારાજનું મનન-ચિંતન અને નિદિધ્યાસ કરી મૂર્તિ પાકી કરી લેવી. શુદ્ધ ભાવના રાખી કરેલા દાનથી મહારાજની મૂર્તિનું સુખ પ્રાપ્ત થાય છે.