૧૩. અધ્યાત્મ સાહિત્યમાં અનેરું પ્રદાન
સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાનું સર્વગ્રાહી તત્ત્વજ્ઞાન સંત-હરિભક્તોને વાતોના પ્રસંગમાં જ્યાં જ્યાં, જે જે વખતે કહેલું તે બધાનો સંગ્રહ થયેલો. તે સંગ્રહને મહાસમર્થ સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી, સ. ગુ. શ્રી મુક્તાનંદ સ્વામી, સ. ગુ. શ્રી નિત્યાનંદ સ્વામી એમ પાંચ સદગુરુઓએ એકત્ર કરી, તેનું સંશોધન કરીને શ્રીજીમહારાજ પાસે પ્રમાણિત કરાવી 'વચનામૃત' નામે ગ્રંથ તૈયાર કર્યો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
"સાક્ષાત્ પુરુષોત્તમ એવો જે હું તે વચનામૃતરૂપે સદા પ્રત્યક્ષ છું અને જેઓ વચનામૃતનું રહસ્યજ્ઞાન સત્પુરુષ થકી સમજશે તે અમારી મૂર્તિના સુખભોક્તા થશે."
આ ગ્રંથમાં શ્રીજીમહારાજે પોતાના સ્વરૂપનું જ્ઞાન, સર્વોપરી ઉપાસના, મહિમા, મુક્તોની સ્થિતિના ભેદ, તે સ્થિતિ પામવાના ઉપાય વગેરે તત્ત્વજ્ઞાનના અનેકવિધ ગહન વિષયો વિશે, શિક્ષિત-અશિક્ષિત, ઓછા ભણેલા સૌ કોઈ સમજી શકે એવી સરળ ને સાદી ભાષામાં પ્રશ્નોત્તર કર્યા ને તેમના સમર્થ સંતો દ્વારા કરાવ્યા તેનું સર્વદેશી નિરૂપણ રજૂ થયેલ છે. એમાં સાધનદશાવાળા ભક્તજનથી માંડીને સિદ્ધદશાને પામેલા મુક્ત પુરુષો સર્વને લક્ષમાં રાખી, આત્યંતિક મોક્ષકારી તમામ પાસાંઓને આવરી લેવામાં આવ્યાં છે. તે સર્વે સાદી, સરળ ભાષામાં હોવા છતાં તેમાંથી જ્યાં જેવો અર્થ સમજવો જોઈએ તેવો અર્થ સમજીને શ્રીજીમહારાજનો હૃદગત અભિપ્રાય જાણવો અતિ કઠિન છે. કેમ જે, જે સદગુરુઓએ વચનામૃત શોધ્યા તે સદગુરુઓને પણ સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ વચનામૃતનાં ગહન રહસ્યોને સમજાવ્યાં ત્યારે જ તેમને યથાર્થ સ્વરૂપમાં વચનામૃત સમજાયાં હતાં, પરંતુ શી ખબર કેમ? સંજોગોવશાત્ સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ આપેલ વચનામૃતનાં ગૂઢ રહસ્યોની સમજૂતીની કોઈ નોંધ, ટિપ્પણી કે ભાષ્ય લેખિત સ્વરૂપે થયેલ હોય એવું જણાતું નથી. સર્વોપરી વેદ: શ્રીમુખવાણી વચનામૃતના જ્ઞાનગાંભીર્યને પ્રમાણભૂત રીતે સ્પષ્ટ કરવાનું કાર્ય સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા અલૌકિક સત્પુરુષ જ કરી શકે. આવા સત્પુરુષ હંમેશાં પ્રાપ્ય હોવા દુર્લભ છે. તેથી સર્વકાળને વિષે સમગ્ર સત્સંગ તથા વિશ્વના પ્રત્યેક મનુષ્યને વચનામૃત જેવા સર્વજીવહિતાવહ તત્ત્વજ્ઞાનવાળા ગ્રંથને વાસ્તવિક સ્વરૂપમાં યથાર્થપણે સમજવાનું શક્ય બને એ હેતુથી શ્રીજીમહારાજે પોતાના સંકલ્પથી પ્રગટ થયેલ અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી દ્વારા 'વચનામૃત'માં સમાયેલ ગૂઢ તત્ત્વજ્ઞાનનું સ્પષ્ટીકરણ મૂળ સાથે સુસંગત રાખી, એટલે કે કેવળ અન્ય વચનામૃતોનો જ આધાર લઈને પ્રશ્નોત્તરરૂપે રજૂ કરતી પ્રમાણભૂત 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા'ની રચના કરાવી છે.
વચનામૃત ગ્રંથ પર આવી રીતે વિવેચન કરવાનું કારણ સમજાવતા બાપાશ્રી કહે છે કે, 'વચનામૃત' તો અક્ષરાતીત મુક્તના સ્વામી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના મુખકમળની વાણી છે- સર્વ સમાસાર્થે તે પરોક્ષાર્થ ને પ્રત્યક્ષાર્થ એમ દ્વિઅર્થી છે ને તેનો રહસ્યાર્થ સમજવો અતિ ગહન અને કઠિનમાં કઠિન છે. તેથી પોતાની મેળે તે રહસ્યાર્થ સમજવામાં આવે નહિ. એ તો અખંડ મૂર્તિમાં રહેતા હોય ને શ્રીજીમહારાજની મરજી જાણતા હોય એવા અનાદિ મુક્ત સમજાવે ત્યારે સમજાય, માટે સર્વેને સમજાય તે સારુ વચનામૃતની ટીકા શ્રીહરિના સંકલ્પથી અમે કરી છે ને સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે લખાવી છે. આ ટીકા પ્રમાણે વચનામૃતમાંથી શ્રીજીમહારાજનો મહિમા સમજશે તે શ્રીજીમહારાજને પામશે, અર્થાત્ તે સર્વેને શ્રીજીમહારાજ પોતાની મૂર્તિમાં રાખશે ને મૂર્તિમાં રહેવું તે જ આત્યંતિક મોક્ષ છે.' આ ગ્રંથનો વિશેષ મહિમા જણાવતા બાપાશ્રી કહે છે કે, "જે કોઈ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિતના 'વચનામૃત' ગ્રંથનું નિત્ય પારાયણ કરનારને શ્રીજીમહારાજ અક્ષરધામમાં તેડી જશે."
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા ઉપરાંત બાપાશ્રીએ વખતોવખત સંત-હરિભક્તોને જે જ્ઞાનબોધ આપ્યો હતો તેનો પણ સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ સંગ્રહ કરીને તેને 'બાપાશ્રીની વાતો' નામથી બે ભાગમાં પ્રસિદ્ધ કરેલ છે. એ બંને ભાગોમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહેવાની વાતોરૂપી અમૃતરસ છલકાય છે. બાપાશ્રીની આ વાતોમાં એવું તો મૂર્તિરસનું શીતળ જ્ઞાનજળ ભરેલું છે કે એ વાંચતાં જ જીવમાં શાંતિ શાંતિ થઈ જાય છે.
આ બંને ગ્રંથો દ્વારા બાપાશ્રીએ જે અધ્યાત્મ જ્ઞાનનો પ્રવાહ વહેવડાવ્યો છે તેનો મુખ્ય સાર:-
અનંતકોટી રામ, કૃષ્ણ, વાસુદેવબ્રહ્મ ને મૂળઅક્ષર એ સર્વેના કર્તા, આધાર, નિયંતા ને કારણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. રામકૃષ્ણાદિક સર્વે અવતારો છે ને શ્રીજીમહારાજ એ સર્વે અવતારના અવતારી પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા છે અને એ સર્વેમાં અન્વય સ્વરૂપે એટલે કે અંતર્યામીપણે પોતાના તેજરૂપે રહીને ઉત્પત્યાદિક સર્વે કાર્ય કરાવે છે અને વ્યતિરેક સ્વરૂપે તો પોતે એક માત્ર કાર્ય પોતાના મુક્તોને પોતાની મૂર્તિનું સુખ આપવું એ જ કરે છે. કેવળ એ એક જ મૂર્તિ સુખરૂપ છે. એ મૂર્તિ સિવાય બધું જ દુઃખરૂપ છે. એ મૂર્તિ અધોઉર્ધ્વ તેજના મધ્યમાં રહી છે. એ મૂર્તિમાં અપાર અલૌકિક, અનહદ સુખ છે. એ મૂર્તિમાંથી તરેહતરેહની ખુશબો આવે છે; એ મૂર્તિમાંથી તરેહ તરેહનાં નવા નવા સુખ આવે છે. અનંત અનાદિ મુક્તો એ મૂર્તિમાં દિવ્ય સાકાર સ્વરૂપે રસબસ રહી સુખ લીધા જ કરે છે ને કોટી કલ્પ વીતી જાય તો પણ એ સુખથી તૃપ્ત થતા નથી. શ્રીજીમહારાજ અનંત જીવોને પોતાના સુખને પમાડવા અનાદિ મુક્તને સત્સંગમાં પ્રગટ કરે છે. અનાદિ મુક્ત શ્રીજીમહારાજની મૂર્તિનો રસ લઈ સત્સંગમાં પ્રવર્તાવે છે, તેથી નાના-મોટા સહુ સત્સંગી જનો એ દિવ્ય મૂર્તિના સુખે સુખિયા બને છે.
ભગવાન જેવા છે તેવા જ દિવ્ય દર્શન દે તો કોઈ જીવ તેમના દર્શન કરવા સમર્થ થાય નહિ. તેથી જ શ્રીજીમહારાજે પૃથ્વી પર મનુષ્યરૂપે દર્શન આપ્યા ત્યારે તેજ-પ્રતાપ-ઐશ્વર્ય ઢાંકીને ર્વત્યા. તેમના મુક્ત પણ તેવા જ દિવ્ય તેજોમય છે, પણ જીવના સમાસ અર્થે મનુષ્ય જેવા થઈ સહુને મૂર્તિનું સુખ આપે છે. અનાદિ મુક્ત તો મૂર્તિના સુખમાં ગુલતાન થકા બોલે છે, ચાલે છે, ઐશ્વર્ય દેખાડે છે- એ સર્વે ક્રિયા કરતા દેખાય છે, પણ તે ક્રિયાઓ બધી મહારાજની ઇચ્છાથી થાય છે એમ સમજવું. એમના વિષે સદાય દિવ્યભાવ રાખવો. મહારાજ ને મુક્ત તો દિવ્ય છે. તેમને દેહ શું? અને દેહનું દુઃખ પણ શું?
દેહ તો પાંચ દિવસ સારો રહે ને પાંચ દિવસ સારો ન રહે; પણ ભક્તે હિંમત હારવી જોઈએ નહિ. શ્રીજીમહારાજે આપણને જેમ રાખવા હોય તેમ રાખે. દેહના દુઃખ કરતાં ય મહારાજ વિના બીજો સંકલ્પ થાય, એ જ સહુથી મોટું દુઃખ છે. દુઃખના મોકલનારા ને મટાડનારા પણ મહારાજ જ છે. એ તો બહુ જ દયાળુ છે ને આપણું શૂળીનું દુઃખ કાંટે કાઢે છે.
વર્તમાન ધરાવે તે સમયે મોટા મુક્ત જીવના અનંત જન્મનાં કર્મ શ્રીજીમહારાજને ચરણે મુકાવે છે. ત્યાર પછી અજાણતામાં કે દેશકાળના વિષમપણાથી દેહે કરી આજ્ઞામાં ફેર પડે કે વર્તમાનનો ભંગ થઈ જાય તો સંતોને પૂછી તેનું પ્રાયશ્ચિત્ત કરી નાખવું. ભગવાનના કોઈ ભક્ત કે મુક્ત દુભાયા હોય એવું કાંઈ થઈ ગયું હોય તો દીન આધીન થઈ એકાંતે તેમની માફી માગી લેવી. અનાદિ મુક્ત સાથે જો મન, કર્મ, વચને બાહ્ય તેમજ અંતર વૃત્તિએ જીવ જોડી જોગ કરીએ તો આપણને પણ મહાપ્રભુનો સાક્ષાત્કાર તેમના જેવો જ થાય. મુક્ત તો મહારાજની આજ્ઞા અણિશુદ્ધ પાળે છે તેમ આપણે પણ મહારાજના વચનમાં ખબરદાર રહી વર્તવું, તો પાત્ર થવાય. શુદ્ધ પાત્ર થાય તેમાં જ મૂર્તિનું સુખ રહે, જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે તેમ.
મહારાજ ને મોટા મુક્ત તો કેવળ જીવ પરની દયાથી જ અહીં દેખાય છે. તેમનો મહિમા સમજી આપણે તેમના જેવા થવા ઇચ્છવું; પણ ઉતરતા જેવા કે આ લોકના શેઠિયા જેવા થવા ન ઇચ્છવું. મોંઘામાં મોંઘા મહારાજ ને મોટા મુક્ત છે. તે આપણને મળ્યા છે, પણ મહિમા સમજાયા વિના જીવનું રાંકપણું ટળતું નથી. હીરાની કિંમત તો તેના પારખુ ઝવેરીને જ હોય, તેમ મહારાજ ને મોટાને ઓળખવા તે પણ પારખુ જ્ઞાની મુક્તનું જ કામ છે. એક વાર મહારાજ ને મોટા ઓળખાયા પછી એમ જાણવું જે મારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે અને તેમના યોગ-સમાગમ થકી પાત્ર થઈ મૂર્તિના સુખને પામવું. દીવાથી દીવો પ્રગટે- એ ન્યાયે મુક્ત હોય તે જ બીજાને મુક્ત કરી શકે છે. મુક્તમાં શ્રીજીમહારાજ અખંડ પ્રકટપણે રહે છે. તે જીવોને ધર્મ, ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્યનો ઉપદેશ આપી, ક્રમે ક્રમે ધ્યાન-સ્મરણ દ્વારા મૂર્તિમાં રહેવાની લટક શીખવે છે. તે લટક તે શું? તો મૂર્તિ સિવાય બીજું સર્વે નાશવંત જાણી એક શ્રીજીમહારાજની મૂર્તિને જ વળગી પડવું ને ધ્યાન કરી નખશિખ એ મૂર્તિ સિદ્ધ કરવી-સૂતાં, બેઠાં, ખાતાં, પીતાં સર્વે ક્રિયામાં ધ્યાન કરવું એટલે કે મૂર્તિનું અનુસંધાન રાખવું.
તે ધ્યાન કેમ કરવું તો અધોઉર્ધ્વ તેજના સમૂહને પ્રમાણે રહિત ધારીને તેના મધ્યે શ્રીજીમહારાજની કોઈ પણ બે ચક્ષુવાળી મૂર્તિ ધારવી. તે મૂર્તિના તેજરૂપ થઈને ધ્યાન કરવું. તેથી પણ પ્રતિલોમ વૃત્તિએ મૂર્તિમાં રહીને (મૂર્તિરૂપ થઈને) મૂર્તિનું ધ્યાન કરવું તે શ્રેષ્ઠ છે. તે ધ્યાન કરતાં મૂર્તિનું એકેકું અંગ દેખાય એ નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું; જ્યારે સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું અને જ્યારે મૂર્તિમાં સંલગ્ન થવાય ત્યારે વૃત્તિ ન જાણવી, જીવસત્તાએ જોવાય છે એમ જાણવું.
શ્રીજીમહારાજના અનાદિ મુક્ત સાથે આત્મબુદ્ધિ કરી આજ્ઞા યથાર્થ પાળી, નિર્વાસનિક થઈને મૂર્તિનું અખંડ ચિંતવન કરે તો એકાંતિક ભક્ત બને; પછી ધ્યાને કરીને જ્યારે પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજની તેજોમય મૂર્તિનાં દર્શન થાય ત્યારે પરમ એકાંતિક મુક્ત થાય. પછી તેને મહારાજનું અનુભવજ્ઞાન મૂર્તિમાં ખેંચી લે છે. એટલે જેમ સમુદ્રની વેળ આવે છે એમ ઝળળ ઝળળ કરતું મહાતેજોમય સુખ તેના હિલોળામાં પરમ એકાંતિકને લઈ જાય છે. એ સુખમાં પહોંચ્યા પછી દિવ્ય સનાતન એવું સુખ મહારાજ તેને અનાદિ મુક્ત ભેળા ભોગવાવે છે. આમ પાત્ર થતાં મોટા મુક્ત જીવને અનાદિ મુક્તની સ્થિતિને પમાડે છે. આ સ્થિતિમાં જીવ મૂર્તિમય-મૂર્તિરૂપ થઈ જાય છે. એટલે કે મૂર્તિમાં સળંગ રસબસ લીન થઈ જાય છે. પછી તે મુક્તમાં મહારાજ જ હાલે-ચાલે છે તથા બોલે-કરે છે અને મૂર્તિ સિવાય તે મુક્તનું અલગ અસ્તિત્વ જ રહેતું નથી. આવી રસબસ સ્થિતિ મોટા મુક્તની કૃપા અને પરમાત્મા શ્રીહરિની ઉપાસનાથી જ પ્રાપ્ત થાય છે.
જ્યાં સુધી મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિમાં જોડાયો નથી ત્યાં સુધી બીજે હેત થઈ જાય છે ને ખોટા ઘાટ પણ થઈ જાય છે. માટે બીતા રહેવું જે, જો મહારાજ વિના અન્ય વાસના રહેશે કે ખોટા ઘાટ થશે તો જન્મ ધરવો પડશે. કેમ જે, મૂર્તિનું ધ્યાન કરતા હોય તેમાંથી તેને વાસના બહાર લાવે છે, માટે પુરુષોત્તમરૂપ થઈને ધ્યાન કરવાનો આગ્રહ રાખે તો વાસના કુંઠિત થાય. જ્યારે મૂર્તિ આત્માને વિષે દેખે ત્યારે વાસના મૂળમાંથી બળી જાય. મોટાના શબ્દ શ્રદ્ધા-વિશ્વાસથી ઝીલે (માનીને તેનો અમલ કરે) તો પુરુષોત્તમરૂપ થવાય.
મૂર્તિના સુખ આગળ કોઈ સુખ ગણતરીમાં નથી. માટે બીજું બધું પડ્યું મૂકીને અનાદિ મુક્તના ઠરાવે ઠરાવ કરી દેવા તો અનાદિ મુક્ત રાજી થઈ મૂર્તિનું સુખ હડેડાટ અપાવે છે, પણ તે વિના તો કોટી સાધને કરીને પણ શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ પમાતું નથી. મહારાજ ને મુક્ત પ્રકટ મળે ત્યારે તેમના દર્શન અને સેવા સમાગમનું સુખ લેવું. તેથી જે સમજવાનું અને કરવાનું છે તે સહેજે થઈ જાય. કોઈ સમયે કદાચ અનાદિ મુક્ત મનુષ્ય દેહે પ્રાપ્ય ન થાય ત્યારે પણ તેઓ પ્રત્યક્ષ-પ્રગટ છે એમ જાણી અંતવૃત્તિએ ધ્યાનમાં સાથે લે ને તેમના ચીંધ્યા માર્ગે શ્રીજીમહારાજની મૂર્તિનો અભ્યાસ કરે તો મહારાજ ને મુક્ત ભેળા ભળી અનાદિ મુક્તની સ્થિતિ કરાવી દે છે.
આમ શ્રીહરિનું આવું સર્વોપરી અધ્યાત્મજ્ઞાન બાપાશ્રીએ સ્પષ્ટ સરળ ભાષામાં વિસ્તારીને સમજાવ્યું છે. આ જ્ઞાનબોધ આપણે આપણા જીવનમાં ઉતારી અનાદિ મુક્તની સર્વોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરીએ અને શ્રીહરિજીની મૂર્તિના સુખભોક્તા થઈએ એ જ બાપાશ્રીએ કરેલા દાખડાની સાર્થકતા છે.
સાહિત્ય ક્ષેત્રે ઘણા મોટા મોટા સાહિત્યકારો થઈ ગયા અને તેઓએ ઘણું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય આપણને પીરસ્યું છે, પણ સર્વશ્રેષ્ઠ સાહિત્ય તો તે જ કહેવાય જે માનવજાતને પરાત્પર પરબ્રહ્મ પરમાત્માના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન આપી, ઉત્ક્રાંતિની પરમ સીમા જે અનાદિ મુક્તની સર્વોત્તમ સ્થિતિ તેને પામવામાં મદદરૂપ થાય. એવી સાહિત્ય કૃતિઓ છે 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત' અને 'બાપાશ્રીની વાતો'. એ બે ગ્રંથો દ્વારા બાપાશ્રીએ સર્વજીવહિતાવહ આત્યંતિક મોક્ષદાયી સાહિત્યનું સર્જન કરી સમગ્ર માનવકુળ પર અનહદ ઉપકાર કર્યો છે. ખરેખર તો બાપાશ્રીને સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર અને તેમની કૃતિઓને સર્વશ્રેષ્ઠ કૃતિઓ તરીકે નવાજવામાં જ જીવનની સાર્થકતા છે. મૂર્તિનો અભ્યાસ અને મૂર્તિમાં અખંડ સ્થિતિ તે જ તત્ત્વજ્ઞાન છે, તે જ સાદું ને સૌથી મોટું અને આદર્શ તત્ત્વજ્ઞાન છે. બાપાશ્રીનું જીવન આ તત્ત્વજ્ઞાનને સજીવ કરે છે.